નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં જણાવી આ વાત : NCC વિશે તેમણે કહ્યું કે હું કૅડેટ રહ્યો છું એટલે વિશ્વાસ સાથે કહી શકું છું કે એ યુવાનોમાં અનુશાસન, નેતૃત્વ અને સેવાની ભાવના ઉત્પન્ન કરે છે
ગઈ કાલે ૭૬મો NCC ડે હતો એ નિમિત્તે સોશ્યલ મીડિયા પર નરેન્દ્ર મોદીની NCCના કૅડેટ તરીકેની તસવીર જોવા મળી હતી. આ તસવીરમાં નરેન્દ્ર મોદી નીચે બેઠેલા કૅડેટ્સમાં ડાબેથી પહેલા છે, તાજેતરની ગયાનાની મુલાકાત વખતે જ્યૉર્જટાઉનમાં વૃક્ષારોપણ કરતા નરેન્દ્ર મોદી.
ગઈ કાલે નરેન્દ્ર મોદીની ‘મન કી બાત’નો ૧૧૬મો એપિસોડ હતો. આ એપિસોડમાં વડા પ્રધાને જે વાતો કરી એમાંથી કેટલીક અહીં તેમના જ શબ્દોમાં રજૂ કરી છે...
સાથીઓ, આજે ખૂબ જ ખાસ દિવસ છે. આજે NCC (નૅશનલ કૅડેટ કૉર્ઝ)દિવસ છે. NCCનું નામ સામે આવતાં જ આપણને સ્કૂલ-કૉલેજના દિવસો યાદ આવી જાય છે. હું પોતે પણ NCCનો કૅડેટ રહ્યો છું એટલે પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે એનાથી મળેલો અનુભવ મારા માટે અણમોલ છે. NCC યુવાનોમાં અનુશાસન, નેતૃત્વ અને સેવાની ભાવના ઉત્પન્ન કરે છે. તમે પોતાની આસપાસ જોયું હશે કે જ્યારે પણ ક્યાંય કોઈ આપદા આવે છે - પછી એ પૂરની સ્થિતિ હોય, ક્યાંક ભૂકંપ આવ્યો હોય, કોઈ દુર્ઘટના થઈ હોય - ત્યાં મદદ કરવા માટે NCCના કૅડેટ અવશ્ય ઉપસ્થિત થઈ જાય છે. આજે દેશમાં NCCને મજબૂત કરવા માટે સતત કામ થઈ રહ્યું છે. ૨૦૧૪માં લગભગ ૧૪ લાખ યુવાનો NCC સાથે જોડાયેલા હતા. હવે ૨૦૨૪માં ૨૦ લાખથી વધુ યુવાનો NCC સાથે જોડાયેલા છે. પહેલાંની સરખામણીએ ૫૦૦૦ નવી સ્કૂલો-કૉલેજોમાં હવે NCCની સુવિધા થઈ ગઈ છે અને સૌથી મોટી વાત એ કે પહેલાં NCCમાં ગર્લ્સ કૅડેટની સંખ્યા લગભગ ૨૫ ટકાની આસપાસ રહેતી હતી, પણ હવે NCCમાં ગર્લ્સ કૅડેટની સંખ્યા લગભગ ૪૦ ટકા થઈ ગઈ છે.
ADVERTISEMENT
સીમા પર રહેતા યુવાનોને વધુમાં વધુ NCC સાથે જોડવાનું અભિયાન પણ સતત ચાલુ છે. હું યુવાનોને આગ્રહ કરીશ કે વધુમાં વધુ સંખ્યામાં NCC સાથે જોડાઓ. તમે જોશો કે તમે કોઈ પણ કારકિર્દીમાં જાઓ, NCCથી તમારા વ્યક્તિગત નિર્માણમાં ખૂબ જ મદદ મળશે.
વિકસિત ભારતના નિર્માણમાં યુવાનોનો રોલ ખૂબ જ મોટો છે. યુવા મન જ્યારે એકસંપ થઈને દેશના ભવિષ્યની યાત્રા માટે મંથન કરે છે, ચિંતન કરે છે તો નિશ્ચિત રીતે એમાંથી નક્કર માર્ગ મળે છે. તમે જાણો છો કે ૧૨ જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદની જયંતી પર દેશ ‘યુવા દિવસ’ મનાવે છે. આગામી વર્ષે સ્વામી વિવેકાનંદજીની ૧૬૨મી જયંતી છે. આ વખતે એને ખૂબ જ વિશેષ રીતે મનાવવામાં આવશે. આ અવસર પર ૧૧ અને ૧૨ જાન્યુઆરીએ દિલ્હીના ભારત મંડપમમાં યુવા વિચારોનો મહાકુંભ આયોજિત થવા જઈ રહ્યો છે અને આ પહેલનું નામ છે ‘વિકસિત ભારત Young Leaders Dialogue’. ભારતભરમાંથી કરોડો યુવાનો એમાં ભાગ લેશે. ગામ, બ્લૉક, જિલ્લા, રાજ્ય અને ત્યાંથી નીકળીને પસંદ કરાયેલા આવા બે હજાર યુવાનો ભારત મંડપમમાં ‘વિકસિત ભારત Young Leaders Dialogues’ માટે એકઠા થશે. તમને યાદ હશે કે મેં લાલ કિલ્લા પરથી એવા યુવાનોને રાજનીતિમાં આવવાનું આહવાન કર્યું છે જેમના પરિવારની કોઈ પણ વ્યક્તિ અને પૂરા પરિવારનું પૉલિટિકલ બૅકગ્રાઉન્ડ નથી. આવા એક લાખ યુવાનોને, નવા યુવાનોને રાજનીતિ સાથે જોડવા માટે દેશમાં અનેક પ્રકારનાં વિશેષ અભિયાનો ચલાવવામાં આવશે. ‘વિકસિત ભારત Young Leaders Dialogue’ પણ આવો જ એક પ્રયાસ છે. એમાં દેશ અને વિદેશથી વિશેષજ્ઞો આવશે. અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હસ્તીઓ પણ હાજર રહેશે. હું પણ એમાં વધુમાં વધુ સમય ઉપસ્થિત રહીશ. યુવાનોને સીધા અમારી સામે પોતાના આઇડિયા રાખવાનો અવસર મળશે. દેશ આ આઇડિયાઓને આગળ લઈને કેવી રીતે જઈ શકે છે, કેવી રીતે એક નક્કર રોડમૅપ બની શકે છે એની એક બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવશે. તમે પણ તૈયાર થઈ જાઓ. જેઓ ભારતના ભવિષ્યનું નિર્માણ કરવાના છે, જેઓ દેશની ભાવિ પેઢી છે તેમના માટે આ ખૂબ જ મોટો અવસર આવી રહ્યો છે. આવો મળીને દેશ બનાવીએ, દેશને વિકસિત બનાવીએ.
હવે હું તમારી સાથે દેશની એક એવી ઉપલબ્ધિ વહેંચવા માગું છું જેને સાંભળીને તમને પ્રસન્નતા પણ થશે અને ગૌરવ પણ થશે અને જો તમે એ નથી કર્યું તો કદાચ પસ્તાવો પણ થશે. કેટલાક મહિના પહેલાં આપણે ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાનમાં દેશભરના લોકોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો. મને એ જણાવતાં ખૂબ જ આનંદ થાય છે કે આ અભિયાને ૧૦૦ કરોડ વૃક્ષ રોપવાનો મહત્ત્વનો પડાવ પાર કરી લીધો છે. ૧૦૦ કરોડ વૃક્ષ, એ પણ માત્ર પાંચ મહિનાઓમાં - આપણા દેશવાસીઓના અથાગ પ્રયાસોથી જ આ સંભવ થયું છે. એની સાથે જોડાયેલી એક બીજી વાત જાણીને તમને ગર્વ થશે. ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન હવે દુનિયાના બીજા દેશોમાં પણ ફેલાઈ રહ્યું છે. હું ગયાનામાં હતો તો ત્યાં પણ આ અભિયાનનો સાક્ષી બન્યો. ત્યાં મારી સાથે ગયાનાના રાષ્ટ્રપ્રમુખ ડૉ. ઇરફાન અલી, તેમનાં પત્નીનાં માતાજી અને પરિવારના બાકી સભ્યો ‘એક પેડ માઁ કે નામ’ અભિયાનમાં સામેલ થયાં હતાં.
દેશના અલગ-અલગ હિસ્સાઓમાં આ અભિયાન સતત ચાલી રહ્યું છે. મધ્ય પ્રદેશના ઇન્દોરમાં ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષ લગાવવાનો વિક્રમ થયો છે. અહીં ૨૪ કલાકમાં ૧૨ લાખથી વધુ વૃક્ષ રોપવામાં આવ્યાં હતાં.
આ અભિયાનને કારણે ઇન્દોરની રેવતી હિલ્સનો ઉજ્જડ વિસ્તાર હવે ગ્રીન ઝોનમાં ફેરવાઈ જશે. રાજસ્થાનના જેસલમેરમાં આ અભિયાન દ્વારા એક અનોખો વિક્રમ બન્યો. અહીં મહિલાઓની એક ટીમે એક કલાકમાં ૨૫,૦૦૦ વૃક્ષો લગાવ્યાં. માતાઓએ માના નામે વૃક્ષ લગાવ્યાં અને બીજાઓને પણ પ્રેરિત કર્યા. અહીં એક જ જગ્યા પર ૫૦૦૦થી વધુ લોકોએ મળીને વૃક્ષો લગાવ્યાં એ પણ પોતાની રીતે એક વિક્રમ છે. ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન હેઠળ અનેક સામાજિક સંસ્થાઓ સ્થાનિક આવશ્યકતાઓના હિસાબથી વૃક્ષ લગાવી રહી છે. એમનો પ્રયાસ છે કે જ્યાં વૃક્ષો રોપવામાં આવે ત્યાં પર્યાવરણને અનુકૂળ પૂરી ઇકો-સિસ્ટમ ડેવલપ થાય. તેથી આ સંસ્થાઓ ક્યાંક ઔષધીય છોડ રોપી રહી છે તો ક્યાંક પક્ષીઓનો માળો બનાવવા માટે વૃક્ષ લગાવી રહી છે. બિહારમાં ‘જીવિકા સેલ્ફ હેલ્પ ગ્રુપ’ની મહિલાઓ ૭૫ લાખ વૃક્ષો લગાવવાનું અભિયાન ચલાવી રહી છે. આ મહિલાઓનું ફોકસ ફળવાળાં વૃક્ષો પર છે જેનાથી આવનારા સમયમાં આવક પણ મેળવી શકાશે.
આ અભિયાન સાથે જોડાયેલી કોઈ પણ વ્યક્તિ પોતાની માતાના નામે વૃક્ષ રોપી શકે છે. જો માતા જીવિત હોય તો તેમને સાથે લઈ જઈને તમે વૃક્ષ રોપી શકો છો, નહીં તો તેમની તસવીર સાથે લઈને તમે આ અભિયાનનો હિસ્સો બની શકો છો. વૃક્ષ સાથે તમે તમારો સેલ્ફી પણ mygov.in પર પોસ્ટ કરી શકો છો. માતા આપણા બધા માટે જે કરે છે એનું ઋણ આપણે ક્યારેય ચૂકવી ન શકીએ, પરંતુ એક વૃક્ષ માના નામે લગાવીને આપણે તેમની ઉપસ્થિતિને હંમેશ માટે જીવિત કરી શકીએ છીએ.
વૃદ્ધોને ડિજિટલ જ્ઞાન આપતા યુવાનોને સલામ
‘મન કી બાત’માં આપણે ઘણી વાર એવા યુવાનોની ચર્ચા કરીએ છીએ જેઓ નિઃસ્વાર્થ ભાવથી સમાજ માટે કામ કરી રહ્યા છે. એવા કેટલાય યુવાનો છે જેઓ લોકોની નાની-નાની સમસ્યાઓનું સમાધાન મેળવવામાં લાગેલા છે. આપણે આપણી આસપાસ જોઈશું તો કેટલાય એવા લોકો દેખાશે જેમને કોઈ ને કોઈ પ્રકારની મદદ જોઈએ છે, કોઈ જાણકારી જોઈએ છે. મને એ જાણીને સારું લાગ્યું કે કેટલાક યુવાનોએ સમૂહ બનાવીને આ પ્રકારની વાતને હાથમાં લીધી છે. જેમ કે લખનઉના રહેવાસી વીરેન્દ્ર છે. તેઓ વૃદ્ધોને ડિજિટલ લાઇફ સર્ટિફિકેટના કામમાં મદદ કરે છે. તમે જાણો છો કે નિયમો મુજબ બધા પેન્શનરોએ વર્ષમાં એક વાર લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવાનું હોય છે. ૨૦૧૪ સુધી એની પ્રક્રિયા એવી હતી કે એને બૅન્કોમાં જઈને વૃદ્ધે પોતે જમા કરાવવું પડતું હતું. તમે કલ્પના કરી શકો છો કે એનાથી આપણા વૃદ્ધોને કેટલી અસુવિધા થતી હતી. હવે એ વ્યવસ્થા બદલાઈ ચૂકી છે. હવે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ આપવાથી ચીજો ખૂબ જ સરળ બની ગઈ છે અને વૃદ્ધોને બૅન્કમાં નથી જવું પડતું. વૃદ્ધોને ટેક્નૉલૉજીને કારણે કોઈ તકલીફ ન પડે એમાં વીરેન્દ્ર જેવા યુવાનોની મોટી ભૂમિકા છે. તેઓ પોતાના ક્ષેત્રના વૃદ્ધોને એ વિશે જાગૃત કરતા રહે છે એટલું જ નહીં, તેમને ટેકસૅવી પણ બનાવી રહ્યા છે. આવા જ પ્રયાસોથી આજે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ મેળવનારાઓની સંખ્યા ૮૦ લાખના આંકડાને પાર કરી ગઈ છે.
એમાં બે લાખથી વધુ એવા વૃદ્ધો છે જેમની વય ૮૦ વર્ષથી પણ વધુ છે. અનેક શહેરોમાં યુવાનો વૃદ્ધોને ડિજિટલ ક્રાન્તિમાં ભાગીદાર બનાવવા માટે પણ આગળ આવી રહ્યા છે. ભોપાલના મહેશે પોતાની શેરીમાં અનેક વૃદ્ધોને મોબાઇલના માધ્યમથી પેમેન્ટ કરતાં શીખવ્યું છે. આ વૃદ્ધો પાસે સ્માર્ટફોન તો હતો, પરંતુ એનો સાચો ઉપયોગ બતાવનાર કોઈ નહોતું. વૃદ્ધોને ડિજિટલ અરેસ્ટના ભયથી બચાવવા માટે પણ યુવાનો આગળ આવ્યા છે. અમદાવાદના રાજીવ લોકોને ડિજિટલ અરેસ્ટના ભયથી ચેતવે છે. મેં ‘મન કી બાત’ના ગયા એપિસોડમાં ડિજિટલ અરેસ્ટની ચર્ચા કરી હતી. આ પ્રકારના અપરાધનો વધુમાં વધુ શિકાર વૃદ્ધો જ બને છે. આવામાં આપણી જવાબદારી છે કે આપણે તેમને જાગૃત બનાવીએ અને સાઇબર ફ્રૉડથી બચાવવામાં મદદ કરીએ. આપણે વારંવાર લોકોને સમજાવવું પડશે કે ડિજિટલ અરેસ્ટ નામથી સરકારમાં કોઈ પણ જોગવાઈ જ નથી. આ હળાહળ જૂઠાણું છે, લોકોને ફસાવવાનું એક ષડયંત્ર છે. મને આનંદ છે કે આપણા યુવા સાથીઓ આ કામમાં પૂરી સંવેદનશીલતાથી હિસ્સો લઈ રહ્યા છે અને બીજાને પણ પ્રેરિત કરી રહ્યા છે.