Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > કૉલમ > નવા પેટ-પેરન્ટ્સને નડે છે આ પાંચ મૂંઝવણો

નવા પેટ-પેરન્ટ્સને નડે છે આ પાંચ મૂંઝવણો

23 July, 2024 12:00 PM IST | Mumbai
Sameera Dekhaiya Patrawala | feedbackgmd@mid-day.com

ઘરમાં ગલૂડિયું તો આવી ગયું, પણ એને હૅન્ડલ કઈ રીતે કરવું?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


જેમ બાળકને ઉછેરવા માટે એના વિકાસના તબક્કા માટે પેરન્ટ્સે તૈયાર થવું પડે એમ તમારા ઘરમાં આવેલા ડૉગીના પેરન્ટ બનવું હોય તો એને સુસુ-પૉટીની ટ્રેઇનિંગ આપવાથી લઈને દાંત આવે ત્યારે કઈ રીતે હૅન્ડલ કરવું એ શીખવું પડે. ફિઝિકલ ટ્રેઇનિંગ ઉપરાંત એને ધીરજ રાખતાં શીખવવું અને તમારા કમાન્ડ્સ સમજતાં શીખવવું બહુ જરૂરી છે. આજે નિષ્ણાત પાસેથી જાણીએ કઈ પાંચ મુખ્ય બાબતો શીખી લેશો તો પેટ-પેરન્ટ તરીકેની પહેલી પરીક્ષામાંથી ઊગરી જવાશે


ઘરમાં પેટ મેમ્બર લઈ આવવાનું ચલણ સામાન્ય થયું છે, પણ આટલું પૂરતું નથી. નવા ઉમેરાયેલા ચારપગા સભ્યને ‘પાળવા’ અને ચોક્કસ ચીજો કરવા માટે ‘ટ્રેઇન’ કરવા બન્ને અલગ વાતો છે. આ માટે માનસિક-શારીરિક સજ્જતા કેળવવા ઉપરાંત અઢળક પરિશ્રમ પણ કરવો પડે છે. પેટ્સનો કમ્ફર્ટ ઝોન ઊભો કરવાની સાથે પેટ્સને તમને સાંભળતાં અને અનુસરતાં પણ કરવાનાં છે. યાદ રહે, માનવજાતિ ફૂડ ચેઇનની સૌથી ઉપરની પ્રજાતિ છે એટલે પેટ-પેરન્ટે આપેલા દરેક કમાન્ડ પેટ સ્વીકારે એ અપેક્ષિત છે. એમને લિટર-ટ્રેઇન કરવાં, બહારની દુનિયામાં સોશ્યલાઇઝ કરવાં જેવા અનેક પ્રશ્નો દરેક નવા પેટ-પેરન્ટની કૉમન મૂંઝવણ હોય છે. આજે જાણીએ આવા પાંચ પેટ-પેરન્ટિંગ પ્રૉબ્લેમ્સ અને એના ઉપાયો વિશેની કેટલીક ટિપ્સ.



ઘરમાં નવું ગલૂડિયું આવે છે એટલે થોડા દિવસો તો રોનક થઈ જાય છે, પણ એ સૌનું દુલારું બેબી ડૉગ જ્યારે ઘરની કેટલીક જગ્યા સુસુ કે પૉટીથી ભરી મૂકે, બીજા લોકો કે બહારના કૂતરા સાથે મિસબિહેવ કરવાનું શરૂ કરે કે ઘરનું ફર્નિચર કાતરવા લાગે ત્યારે ઘરના દરેક સભ્યનાં પ્રેમ અને ધીરજ કસોટીએ ચડે છે. એક ગલૂડિયું પાળવું એક બાળક પોષવા જેટલું જ અઘરું છે. કારણ કે એ એટલી જ ઊર્જા, ધીરજ અને સમય માગી લે છે. હા, જો પેટ્સના ઘડતરનાં વર્ષો (ફૉર્મેટિવ યર્સ) એટલે કે એના બે વર્ષના થવા સુધી જો એને વ્યવસ્થિત ટ્રેઇનિંગ આપવામાં આવે તો એ બાળક કરતાં વધુ ઝડપથી વિકાસ પામી તમારી અમુક જવાબદારીઓ ઘટાડી ચોક્કસ શકે છે. બીજી અગત્યની વાત એ કે પેટ-પરિવારોએ પેટ્સની અનસ્ટૉપેબલ એનર્જી સાથે ન કેવળ સુસંગત થવાનું હોય છે, પણ એને યોગ્ય રીતે નિયંત્રિત કરવાનું પણ શીખવું પડે છે. આટલી પૂર્વધારણાઓ પછી જોઈએ કેટલીક એવી વાતો, જે દરેક નવા પેટ-પેરન્ટની મૂંઝવણ છે.


પેટ્સ પાળવા પહેલાં એટલું જાણી લેવું જોઈએ કે આપણા ઘરમાં એક માણસનું બાળક નહીં પણ એક પશુ આવી રહ્યું છે. આપણે એનું માનવકરણ નથી કરવાનું, પણ એને આપણી વચ્ચે એ રીતે જીવતું કરવાનું છે કે એ આપણી સાથે પોતાનું શ્રેષ્ઠ અનુકૂલન સાધી શકે. આ વાત સાથે સહમત થતાં સર્ટિફાઇડ ડૉગ-ટ્રેઇનર અને બિહેવિયરિસ્ટ નિહારિકા ગાંધી કહે છે, ‘આ શક્ય પણ છે અને સરળ પણ છે. બસ, યોગ્ય સમયે યોગ્ય વસ્તુઓ શીખવાડવાની છે, આપણે માનસિક રીતે સજ્જ થવાનું છે. સાથે થોડી ધીરજ અને પરિશ્રમ જોઈએ. મોટા ભાગે લોકો પપી લઈ આવે ત્યારે એમને બેઝિક સમજ તો બ્રીડર અને પેટ શૉપ પાસેથી મળી જ જતી હોય છે પણ એ પછી જેમ-જેમ એ મોટું થાય છે એને અનેક સમસ્યાઓ થાય છે.’

નિહારિકા આમાંની પ્રમુખ પાંચ સમસ્યાઓ તારવી એના વિશે વિસ્તારથી વાતો કરે છે. એ સમસ્યાઓ આ રહી :


 ડૉગ્સને લિટર-ટ્રેઇન કરવા. એટલે કે સુસુ-પૉટી માટે તૈયાર કરવા.

 દાંતની સમસ્યાને હૅન્ડલ કરવી (ટીધિંગ, નિપિંગ અને માઉથિંગ).

 લાગણીઓને નિયંત્રિત કરતાં શીખવવું.

 જવાબ અને પ્રતિક્રિયા વિશે સમજ આપવી.

 માનસિક અને શારીરિક કસરત.

લિટર-ટ્રેઇનિંગ

ઘરમાં ડૉગ આવ્યા પછી એની લિટર-ટ્રેઇનિંગ સૌને મૂંઝવે છે. આ વિશે નિહારિકા કહે છે, ‘જ્યારે પણ ડૉગ્સને કોઈ વાત માટે ટ્રેઇન કરવામાં આવે ત્યારે એમને રિવૉર્ડ ચોક્કસ આપો. રિવૉર્ડ અને બ્રાઇબમાં ફરક છે. એક સારું કામ કરવાનું ઇનામ છે અને બીજું લાલચ છે. એમને લાલચુ નથી બનાવવાના. એ કોઈ ટાસ્ક પૂરું કરે-ન કરે તોયે તમે એને કંઈક ને કંઈક આપતા રહેશો તો એ લાલચુ બનશે જ. એ જેવું પપી-પૅડ પર સુસુ કે પૉટી કરશે તો એ ખતમ થવા સુધી પૂરી રાહ જુઓ અને પછી એમને ટ્રીટ આપો. એ પહેલાં ન જ આપશો, નહીંતર એ જલદીથી ખતમ કરી નાખશે. મોટા ભાગે લોકો પપી-પૅડ લગાડવામાં ભૂલ કરે છે. એ લોકો એક કે બે જ જગ્યાએ પપી-પૅડ લગાડે, જે ક્યારેક એટલું દૂર હોય કે પપી ત્યાં સુધી પહોંચતાં પહેલાં જ કરી દે છે. એમનો બ્લૅડર પર કન્ટ્રોલ બહુ ઓછો હોય છે, એમાં એમનો વાંક નથી. એટલે જ પપી ટ્રેઇનિંગ પૅડ્સ રાખવા બાબતે ધ્યાન રાખવું. હૉલ કે પ્લે એરિયા વગેરે જગ્યાએ પૅડ્સ મૂકવાં. કુલ મળીને અલગ-અલગ જગ્યાએ ચારથી છ તો મૂકવાં જ. પછી ચારેક દિવસમાં એક-એક પપી-પૅડ ઓછું કરવાથી શરૂઆત કરવી. લગભગ બેથી ત્રણ અઠવાડિયાંમાં એને આની આદત આપમેળે લાગી જશે.’

લિટર-ટ્રેઇનિંગ દરમિયાન ખોરાકની અગત્ય વિશે ચર્ચા કરતાં નિહારિકા કહે છે, ‘પપીને જો તમે સાત વાગ્યે બહાર લઈ જતા હો અને સાડાસાત કે આઠ વાગ્યા સુધી જો તમારે એમને ફ્રેશ કરી દેવાં હોય તો પહેલું મીલ સૂપી કે વૉટરી હોવું જોઈએ. એમાં વેજ બ્રોથ વગેરે દઈ શકાય. છાશ પણ સારો વિકલ્પ છે. ડ્રાય ફૂડ કરતાં ફ્રેશ ફૂડમાં એમનું પેટ જલદીથી સાફ થાય છે.’

લિટર-ટ્રેઇનિંગ દરમિયાન આપણો ટોન અને ધીરજ પણ બહુ જ અગત્યનાં છે એવું જણાવતાં નિહારિકા કહે છે, ‘જલદી કર, અડધો કલાક થયો હજી પણ કર્યું નથી જેવી ઘાઈમાં થયેલી વાતો ક્યાંક ને ક્યાંક એના સુધી પણ પહોંચે છે અને એમને પણ તનાવ થાય છે. જો તમે શાંત રહેશો તો એ પણ શાંતિથી પોતાનું કામ કરી શકશે.’

દાંતની સમસ્યા

લિટર-ટ્રેઇનિંગ પછીની મુખ્ય સમસ્યા પપીની દરેક વસ્તુને અથવા ક્યારેક કોઈ લોકોને બટકાં ભરવાની સમસ્યા છે. આનું મુખ્ય કારણ ટીધિંગ પિરિયડ છે એવું જણાવતાં નિહારિકા કહે છે, ‘ડૉગ્સને ત્રણથી ચાર મહિનાના થાય ત્યાર સુધી લગભગ સૉફ્ટ ડાયટ અપાય છે. એ પછીથી આઠ-નવ મહિનાનું થાય ત્યારથી એમને ચાવી શકે એવો ખોરાક અપાય છે. દાંત આવતા હોય ત્યારે એમને પેઢાંમાં ચળ આવતી હોવાથી વસ્તુઓને બટકાં ભરે છે. આ સમયે એમને ફ્રિજમાં રાખેલું કોઈ ટીધિંગ ટૉય આપી શકાય અથવા પેઢાં પર થોડું ઠંડું મધ લગાડી શકાય. મધ એમના માટે બહુ સારું છે. ડૉગ્સને માનસિક અને શારીરિક સ્ટિમ્યુલેશન બૅલૅન્સમાં મળવું જરૂરી હોય છે. એ ક્યારેક ફ્રસ્ટ્રેટ થઈને પણ બટકાં ભરે છે તો ક્યારેક રમવા માટે અથવા ક્યારેક દાંતમાં કશુંક સ્ટિમ્યુલેશન જોઈતું હોય ત્યારે. દાંત આવવાના તબક્કામાં મોટા ભાગે દરેક વસ્તુને બાઇટ કરતું હોય એવું દેખાય. ખાસ કરીને કોઈ ફર્નિચરને ચાવે. અહીં બે વસ્તુઓ છે. એક તો એમને સ્ટિમ્યુલેશન મળે એવાં રમકડાં આપવાં. આમાં ઘણાં રોપ ટૉય્ઝ કે રબરનાં બનેલાં ટીધિંગ ટૉય્ઝ હોય છે. રોપ ટૉય્ઝ કે ટગ ટૉય્ઝ જેમાં પેટ-પેરન્ટ અને ડૉગ બન્ને ખેંચતાણ કરે એવાં ટૉય્ઝ અવૉઇડ કરવાં. હંમેશાં એવાં રમકડાં પસંદ કરવાં જેમાં પેરન્ટ લીડ કરે અને ડૉગ ફૉલો કરે. દાંત આવવા સમયે સૉફ્ટ ચાવી શકાય એવી ટ્રીટ પણ મદદ કરે છે. અહીં એમનું બે પ્રકારનું વર્તન જોવા મળે છે. એક માઉથિંગ, જેમાં ડૉગ તમારો હાથ કે કપડું મોઢામાં નાખીને તમને કશુંક કરવા કે રમવા માટે ખેંચે છે. બીજું નિપિંગ. આ એક પ્રકારનું માઉથિંગ જ છે પણ થોડું ડિમાન્ડિંગ છે, જેમાં ડૉગ્સ પોતાના શરીરનો કોઈ ભાગ ચાવે છે. જેમ કે પોતાની પૂંછડીને કે કાનને બટકું ભરવું કે પેટને ચાટવું. ડૉગ્સનું આ વર્તન થોડું નેગેટિવ હોય છે. એ માટે એમને ટ્રેઇનર દ્વારા સરખા ટ્રેઇન કરાવવા રહ્યા.’

લાગણીઓનું નિયંત્રણ શીખવવું 

ડૉગ્સને લાગણીઓને નિયંત્રિત કઈ રીતે કરવી એ સમજવું બહુ જ જરૂરી છે. કોઈ પણ રીતનું ઇમ્પલ્સિવ બિહેવિયર નહીં ચાલે એ તમારો ડૉગ ટ્રેઇનિંગ દ્વારા બરાબર સમજી શકે છે. એ માટે પહેલાં તો ધીરજ શીખવવી એવું જણાવતાં નિહારિકા કહે છે, ‘ધીરજ શીખવવાની શરૂઆત ખોરાકથી કરવી. જ્યારે પણ એ માગે ત્યારે આપી ન દેવું, એમને રાહ જોવાની ધીરજ શીખવો. પહેલાં ૧ સેકન્ડ મોડું ખાવાનું આપો. પછી બે, પછી ત્રણ-ચારથી લઈ સાતેક સેકન્ડનો રાહ જોવાનો સમય આપો. આવું લગાતાર ત્રણ દિવસ કરો તો ત્રીજા દિવસે તો એ પંદર સેકન્ડ રાહ જોશે. એમની સાથે યોગ્ય ટોન અને પિચમાં વાત કરો જેથી એમને તમારો કમાન્ડ બરાબર સમજાય. તમે એને ડરાવી-ધમકાવીને રાખશો તો એ પણ ગેરવર્તણૂક કરશે. સૌથી વધુ કૉમ્પ્લેકસ ડૉગ્સ એ જ હોય છે જેમને ડરાવી–ધમકાવીને રખાય છે. આ સિવાય તમારાં ગલૂડિયાંને નાનપણથી જ નવી વસ્તુઓની ઓળખાણ કરાવો. નાના પપીને બહાર ચાલવા તો ન લઈ જઈ શકાય, પણ એને લૉન્ગ ડ્રાઇવ પર લઈ જઈ શકાય. એવી જગ્યા જ્યાં એ બીજા લોકો કે ડૉગ્સને જોઈ શકે એવું જો જલદીથી ઇન્ટ્રોડ્યુસ કરાવવામાં આવે તો એમના માટે મિક્સ થવું સરળ રહે છે. ડૉગ્સ માટે ભસવું એ એક રીતનું કમ્યુનિકેશન જ છે. જો એ રસ્તા પર જતા બીજા ડૉગ્સને જોઈને ભસે છે તો એમને ખેંચો કે ત્યાંથી ભાગો નહીં, આરામથી રાહ જુઓ અને એ સમયે એ જો તમારો કમાન્ડ માને તો એ સમયે જ એમને રિવૉર્ડરૂપે ટ્રીટ આપો.’

જવાબ આપો, પ્રતિક્રિયા નહીં

શરૂઆતી સમયગાળામાં જ પપી પોતાની બાઉન્ડરી સમજે એ જરૂરી છે. આખા ઘરમાં ગમે ત્યાં એ ગમે તે વસ્તુ કરી શકે એવો આઇડિયા ન આપવો હોય તો એમના માટે શક્ય હોય તો પ્લેપેન જેવું કશુંક બનાવી રાખવું. આ વાત પર ભાર મૂકતાં નિહારિકા આગળ કહે છે, ‘પ્લેપેનના એક ખૂણામાં તમે પપી-પૅડ્સ રાખો, એક ખૂણે ખાવાનું આપી શકો અને એ એરિયામાં એના રમવાની વ્યવસ્થા પણ થઈ શકે. ઘરમાં કોઈ નાનું બાળક હોય અને તમે બધે જ ધ્યાન ન આપી શકો એમ હો તો આ વ્યવસ્થા સારી છે. પપી પહેલાંથી જ પોતાને ક્યાં રમવાનું, જમવાનું અને ક્યાં સુસુ જવાનું છે એ જાણશે. એમને જો વ્યવસ્થિત ટ્રેઇનિંગ આપવામાં આવે તો એ ઘણી વાર બહાર જાય ત્યારે પણ પોતાના પર કન્ટ્રોલ કરી શકે છે.’

ઝીરોથી ૧૨ મહિનાનાં ગલૂડિયાં જગત માટે બહુ જ મજબૂત છાપ ધરાવે છે. એટલે જ કહેવાય છે બને ત્યાં સુધી એકાદ મહિના સુધી તો પપીને એની માથી અલગ ન કરો, આમ જણાવતાં નિહારિકા આગળ કહે છે, ‘મા સાથે રહેલું પપી સારી ઇમ્યુનિટી ધરાવે છે. કમ સે કમ ૪૫થી ૫૦ દિવસ માનું દૂધ પીધેલું પપી સારી ઇમ્યુનિટી ધરાવે છે, પણ બ્રીડ કરેલાં પપીઝ માથી જલદીથી અલગ કરી દેવાય છે. એમના માટે એવું જગત ઊભું કરો જ્યાં એ સુરક્ષિત અનુભવે. આવા સમયે એ પેટ-પેરન્ટને ફૉલો કરે છે. ત્યારે એ મોટા અવાજોથી ડરે છે, ભાગીને ટેબલ નીચે છુપાઈ જાય છે. એવા સમયે જો એને કોઈ ડરનો હાદસો થાય તો એ કાયમ ડરેલું રહે છે. આ એમનું રીઍક્શન હોય છે. એમના કાન પાછળ થઈ જાય છે, ઘૂરકે છે. કોઈ ડૉગ્સના ટોળામાં તમારો ડૉગ પણ ભળીને ભસવા માંડે તો એના વર્તનને ત્યારે જ કરેક્ટ કરો અને રિવૉર્ડ આપો. એમના રિસ્પૉન્ડ કરવાના તરીકામાં કાં તો એ વાતને અવગણે છે કાં ટાળે છે અને કાં તો એમાં ઇન્વૉલ્વ થાય છે. એમને કયા સમયે શું કરવું એ ટ્રેઇનિંગ વડે સમજાવો. એમને ક્યારે રીઍક્ટ કરવું અને ક્યારે રિસ્પૉન્ડ કરવું એની ખબર હોવી જોઈએ.’

સ્ટિમ્યુલેશન આપતા રહો

ડૉગ્સ સાથે વાતચીત પર ભાર મૂકતાં નિહારિકા કહે છે, ‘ડૉગ્સને વાતચીત ગમે છે. ઘરમાં નવું પેટ આવે છે એટલે એ જાણી લેવાનું છે કે તમારે એના લીડર બનવાનું છે. તમે એને જે રીતે ટ્રીટ કરશો, જે ટોનમાં વાત કરશો અને જેવી એનર્જી એને પાસ કરશો એવું જ એ થશે. ડૉગ્સ ફીલિંગ્સ બરાબર સમજે છે. જેવી લાગણી એના તરફ પાસ થઈ એ એને સમજી શકે છે. એટલે જ એક ચોક્કસ સમયે ડૉગ્સ તમારા ઑફિસથી ઘરમાં આવવાની રાહ જુએ છે, કારણ કે તમારા આવતાં જ એને તમે પંપાળશો કે ખાવાનું આપશો એ વાત એ સમજે છે. એમને સતત માનસિક અને શારીરિક સ્ટિમ્યુલેશન ગમે છે. તમે એમને જે લાગણી પાસ કરો છો એ એ સ્પન્જની જેમ ચૂસી લે છે. તમે ડૉગ્સના લીડર બનો. તમે જે લાગણી નથી પાસ કરવા માગતા એ પણ એમના તરફ પહોંચે છે. એટલે ધ્યાન રાખવું કે તમે કઈ રીતે એમની સાથે વર્તો છો. એમને માનસિક અને શારીરિક કસરત મળે એવાં અનેક રમકડાં અને સાધનો માર્કેટમાં ઉપલબ્ધ છે. તમે એમના હીરો બનો.’ 

ગળામાં પટ્ટો નાખવા બાબતે નિહારિકા કહે છે, ‘શરૂઆતનાં વર્ષોમાં જ ગલૂડિયાના ગળામાં થોડી સેકન્ડ માટે સૉફ્ટ કૉલર નાખો. એમને વાગે નહીં એ માટે એના પર કોકોનટ ઑઇલ લગાડી કૉલર સૉફ્ટ કરો. દિવસમાં આ કૉલર પાંચથી સાત વાર પહેરાવીને કાઢી લો. પંદરેક દિવસો પછી એની સાથે લીશ લગાડો અને એ પણ થોડા સમય માટે જ રાખો. આવું કરવાથી એમને નાનપણથી જ કૉલર અને લીશની આદત પડશે અને એને બહાર કાઢતી વખતે, એ પહેરાવવા માટે સ્ટ્રગલ નહીં કરવી પડે.’

Whatsapp-channel Whatsapp-channel

23 July, 2024 12:00 PM IST | Mumbai | Sameera Dekhaiya Patrawala

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK