સમકાલીન કવિ સૌમ્ય જોષીના શબ્દો ટાંકીએ તો ઍક્સેસમાં સફળતા અને સંઘર્ષ આપતી મોહનગરી ન ગમવા છતાં સહેલાઈથી છોડી શકાય છે ખરી? ‘મિડ-ડે’નાં રુચિતા શાહે એ જ સવાલ જાણીતી હસ્તીઓને પૂછ્યો, જેના જવાબ સન્ડે લાઉન્જની કવર સ્ટોરીમાં વાંચવાની મજા પડશે.
મુંબઈનો પ્રચલિત સીફેસ
કવિ નિરંજન ભગત જેને ‘પુચ્છ વિનાની મગરી’ કહી ગયા એ મુંબઈના મોહની પકડ એવી છે કે ગમેય નહીં ને છૂટેય નહીં. છેલ્લાં કેટલાંય વર્ષોથી ‘અન્ડર-કન્સ્ટ્રક્શન’ મુંબઈ પ્રદૂષણનું પાટનગર બન્યું છે અને એક સર્વે પ્રમાણે મોટા ભાગના લોકોએ મુંબઈને ટાટા-બાય બાય જ કરી દેવું છે, પરંતુ સમકાલીન કવિ સૌમ્ય જોષીના શબ્દો ટાંકીએ તો ઍક્સેસમાં સફળતા અને સંઘર્ષ આપતી મોહનગરી ન ગમવા છતાં સહેલાઈથી છોડી શકાય છે ખરી? ‘મિડ-ડે’નાં રુચિતા શાહે એ જ સવાલ જાણીતી હસ્તીઓને પૂછ્યો, જેના જવાબ સન્ડે લાઉન્જની કવર સ્ટોરીમાં વાંચવાની મજા પડશે.
મને પણ નથી ગમતું અહીંનું પ્રદૂષણ, ટ્રાફિક અને અહીંની હવામાં વહેતી રેસ્ટલેસનેસ. એટલે જ એનો શ્રેષ્ઠ રસ્તો શોધ્યો છે કે જ્યારે બહુ ફ્રસ્ટ્રેશન થાય ત્યારે એકલા બહાર નીકળી જવાનું.
ઍક્ટ્રેસ અદા ખાન
ADVERTISEMENT
નિરાંત માટે મુંબઈ છોડવું ગમે કે સક્સેસ માટે મુંબઈની ઝડપથી દોડવું ગમે?
આવો સવાલ અમે પૂછ્યો કેટલાક એવા જાણીતા કલાકારોને જેમનો મુંબઈ વિના પર્યાય જ નથી. આ શહેરની નસેનસમાં વહેતી એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં જેમણે આગળ વધવું હોય તેમણે મુંબઈ તો આવવું જ પડે; પરંતુ શું તેમને અહીંનાં પ્રદૂષણ, અશુદ્ધ હવા, અશુદ્ધ પાણી, સત્ત્વ વિનાનું ભોજન, રસ્તાના ખાડા, થકવી નાખનારો ટ્રાફિક વગેરેથી ત્રાસ નથી છૂટતો? નામ, પૈસો, ફેમ બધું જ હોય; પરંતુ જીવન જીવવા જેવું જ ન રહ્યું હોય તો એનો કોઈ અર્થ સરે? આજે જ્યારે એક અભ્યાસ મુજબ દર ૧૦માંથી ૬ મુંબઈગરા સારો પર્યાય મળે તો મુંબઈ છોડવા તત્પર છે ત્યારે મનોરંજન-જગતની જાણીતી હસ્તીઓ આ વિશે શું માને છે એ જાણવાનું રોચક રહેશે આજે...
મુંબઈ અને દિલ્હીના લગભગ ૪૦૦૦ લોકોને સામેલ કરીને એક હેલ્થકૅર પ્રોવાઇડર કંપનીએ કરેલા સર્વે વિશે તમે પણ વાંચ્યું હશે. આ અભ્યાસ મુજબ અહીં વધેલા હવાના પ્રદૂષણને કારણે મુંબઈમાં વસતા ૧૦માંથી ૪ લોકોને દર થોડાં વર્ષે મેડિકલ અટેન્શનની જરૂર પડે છે. મુંબઈનું પ્રદૂષણ, મુંબઈની લાઇફ-સ્ટાઇલ, મુંબઈની ખાણીપીણી, મુંબઈના ટ્રાફિક જેવી અઢળક બાબતો છે જે તમને ક્યાંક ને ક્યાંક ક્વૉલિટી ઑફ લાઇફમાં તળિયે જ રાખે છે. એટલે જ જ્યારે મુંબઈ અને દિલ્હીના લોકોને આ દેશની આર્થિક રાજધાની અને મેટ્રોસિટી હોવાના નાતે મુંબઈએ અનેકની કિસ્મત ચમકાવી છે. અનેકને ઝીરોમાંથી હીરો બનાવી દીધા તો અનેક માટે એ કાયમી હાડમારીનું કેન્દ્ર બની ગયું છે. સપનાના આ શહેરમાં સધ્ધરતા મેળવવા દેશ-દુનિયાના ખૂણેખૂણાથી લોકો અહીં આવતા હોય અને એ શહેર જાણે દેશ હોય એટલું વૈવિધ્ય ધરાવે છે. અહીં કેટલીક ઇન્ડસ્ટ્રી એવી છે જ્યાં મુંબઈની મોનોપૉલી છે, જેમ કે એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી. આખા ભારતમાં ફિલ્મો અને ટીવી-સિરિયલોમાં કરીઅર બનાવવી હોય તો મુંબઈ એકમાત્ર સેન્ટર છે, જ્યાં આવ્યા વિના છૂટકો નથી. પૈસા, ગતિ, નેમ, ફેમ, તકની ભરમાર અને સપનાં સાકાર કરવાની ક્ષમતા ધરાવતા આ અનોખા શહેરથી મન ઊઠી જાય એવું બને ખરું? અથવા અહીં રહેતાં-રહેતાં વચ્ચે પોતાનો વિસામો શોધી લેવાનું મન થતું હશે? આ શહેરમાં પૈસો છે, પરંતુ હેલ્થનું શું? મુંબઈમાં જન્મેલા, મુંબઈમાં નહીં જન્મીને અહીં સ્થાયી થયેલા અને મુંબઈમાં અવરજવર અકબંધ રાખીને એની સાથે ઘરોબો અકબંધ રાખનાર એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી જાણીતી હસ્તીઓ સાથે અમે આ વિષય પર ચર્ચા કરી અને મુંબઈ વિશે ન જાણેલી અને મુંબઈની બહાર વસીને પણ આ શહેર પ્રત્યે આદર રાખનારી અઢળક વાતો અમને જાણવા મળી. એ રોમાંચક અને રસથી ભરપૂર વાતોનો રસથાળ અહીં પ્રસ્તુત છે...
હા, મેં છોડ્યું મુંબઈ
વીસ વર્ષ મુંબઈમાં રહીને કામ કર્યું. નામ, દામ, ઓળખ બધું આ સપનાના શહેરે આપ્યું અને એ મુંબઈ શહેર વન ફાઇન ડે છોડીને કાયમ માટે ગોવામાં શિફ્ટ થઈ ગયેલી ઇન્સ્પેક્ટર ચંદ્રમુખી ચૌટાલા ઉર્ફે કવિતા કૌશિક આજે પણ મુંબઈ પ્રત્યે ખૂબ આદર ધરાવે છે. મારા હૃદયમાં આ શહેર ધબકે છે એમાં કોઈ શંકા નથી અને જીવનભર આ શહેર માટે મારા મનમાં અનુગ્રહ અકબંધ રહેવાનો છે એમ જણાવીને કવિતા કૌશિક કહે છે, ‘એ પછી પણ સંજોગો સાથે મેં મુંબઈ છોડ્યું. મેં સ્કિન અને હેર કૅર પ્રોડક્ટનો બિઝનેસ શરૂ કરેલો. મુંબઈમાં જગ્યા નાની પડતી હતી અને ગોવામાં મોટી જગ્યામાં બંગલો, બગીચો, ઑફિસ, કારખાનું એમ બધું બનાવીને બિઝનેસને આગળ વધાર્યો. જુઓ, અક વાત સમજી લો કે રીલૉકેટ થવાની વાતો કરવી અને ખરેખર રીલૉકેટ થવું એ બન્ને જુદી-જુદી બાબતો છે. એમાં ગટ્સ જોઈએ, પ્લસ તમારે ઇનસિક્યૉરિટી અને આવી રહેલા બદલાવ પ્રત્યે હિંમત રાખીને સામનો કરવાનો હોય છે. રીલૉકેટ થવું એ કંઈ ઇઝી નથી.’
તેની સાથે બીજા એક મહત્ત્વના મુદ્દા પર ચર્ચા કરતાં કવિતા કહે છે, ‘અફકોર્સ, સાથે હું એમ પણ કહીશ કે તમે યંગ હો, તમારામાં કામ કરવાનો ઉત્સાહ હોય, તમારી એનર્જી એકદમ હાઈ નોડમાં હોય ત્યારે તમારી પાસે તક જ્યાં વધુ હોય ત્યાં જ તમારે રહેવું જોઈએ અને જીવ પરોવીને કામ કરવું જોઈએ. આ તમારા જીવનનો ગોલ્ડન પિરિયડ છે ત્યારે તમારું ધ્યાન સક્સેસ અને આર્થિક સ્ટેબિલિટી હોય તો તમે પછીના સમયમાં તમારા જીવનનાં સપનાં મુજબ જીવવાનું વધુ સહજ રીતે કરી શકશો. બીજું, આર્ટ અને ક્રાફ્ટ સાથે સંકળાયેલી દરેક વ્યક્તિને એક બીજી વાત પણ કહીશ કે તમારી પાસે ઍક્ટિંગ સિવાય પણ એક વધારાની ટૅલન્ટ હોવી જોઈએ. તમારે માટે તમારે બીજી ઑપોર્ચ્યુનિટી ક્રીએટ કરવી પડે અને એ ઑપોર્ચ્યુનિટી માટે તમારામાં સ્ટ્રેંગ્થ હોવી જોઈએ. ઍક્ટિંગ કરતી હતી, પરંતુ સાથે મેં યોગ અને કુંડલિની ટ્રેઇનર બનવાની જર્ની પાર કરી. આયુર્વેદને લગતા કોર્સ કર્યા. મારી ઍક્ટિંગ-કરીઅર સાથે બીજી એક સ્કિલ મારી સાથે જોડાઈ ગઈ હતી. એક સમય એવો આવ્યો જ્યારે મેં નક્કી કર્યું કે હવે મને ગમે અને અપીલિંગ લાગે એવા જ રોલ કરવા અને સાથે-સાથે સ્કિન અને હેર કૅર પ્રોડક્ટનો બિઝનેસ શરૂ કર્યો. મારી જર્ની પોતાની ભૂલોમાંથી શીખવાની હતી, પરંતુ દરેક જણ પોતે જ ભૂલ કરે એ જરૂરી નથી. કેટલાક લોકો બીજાની ભૂલમાંથી પણ શીખી લે તો ચાલે. ગોવા આવવાનો નિર્ણય હું સહેલાઈથી લઈ શકી, કારણ કે હું પહેલેથી જ વિલેજ-ગર્લ અથવા તો ફાર્મ-ગર્લ રહી છું. મારા પિતા પોલીસ ડિપાર્ટમેન્ટમાં હતા એટલે તેમની પોસ્ટિંગ સાથે અમારું ઘર બદલાય. એ દરમ્યાન મને સમજાઈ ગયું હતું કે મને નેચર સાથેની જિંદગી વધુ ગમે છે. એ પછીયે મુંબઈમાં ૨૦ વર્ષ રહી. ઇન ફૅક્ટ, લાગલગાટ આટલા સ્થાયીત્વ સાથે હું ક્યાંય રહી હોઉં તો મુંબઈ એવું એક જ શહેર છે અને એટલે જ મુંબઈ પ્રત્યે મારા હૃદયમાં ખૂબ આદર છે, પરંતુ જ્યારે ગોવા આવવાનું થયું ત્યારે મેં નાનકડું ફાર્મિંગ જેવું પણ કર્યું, ઍનિમલ્સ પાળ્યાં. હવે અમે બે ગાય લેવાનું વિચારી રહ્યાં છીએ. મને એવું જીવન બહુ ગમે છે.’
તો શું કરે કોઈ?
માત્ર કવિતા જ નહીં, છેલ્લા થોડા અરસામાં ઘણા બધા બૉલીવુડ સ્ટાર મુંબઈ છોડીને ગોવા શિફ્ટ થઈ ગયા છે. કલ્કિ કોચલિન, આશ્કા ગોરડિયા, રામગોપાલ વર્મા, ઍક્ટ્રેસ નારાયણી શાસ્ત્રી જેવા ઘણા અગ્રણી કલાકારોએ મુંબઈની માયા મૂકી દીધી. ન્યુએજ રાઇટર-ડિરેક્ટર ઈશાન રાંદેરિયાનું ગોવામાં નવું ઘર તૈયાર થઈ રહ્યું છે. ઈશાન અત્યારે વર્ષના ત્રણ-ચાર મહિના ગોવા અને બાકીના મહિના મુંબઈમાં રહે છે. ક્રીએટિવ ફીલ્ડ સાથે સંકળાયેલો છું એટલે ત્યાં રહેવું શક્ય છે એમ જણાવતાં ઈશાન કહે છે, ‘હવે તમે જ વિચાર કરો કે પોણા ભાગનું મુંબઈ છેલ્લાં ચાર-પાંચ વર્ષથી જાણે અન્ડર-કન્સ્ટ્રક્શન છે. ચારેય બાજુ ટ્રાફિક, હવાનું પ્રદૂષણ - આમાં તમને ક્વૉલિટી ઑફ લાઇફ ક્યાં મળે? ગોવામાં કમ્પેરિટિવલી ઘણું બેટર છે. એક વાઇબ્રન્સી છે, એક જુદા પ્રકારનો માહોલ છે અને સાથે જ નેચર અને શુદ્ધ હવા તો છે જ. હું ગોવામાં દરરોજ સાંજે ઈવનિંગ વૉક કરવા જાઉં છું જે મુંબઈમાં શક્ય નથી. મુંબઈમાં તો ગવર્નમેન્ટ જ એવું કરવાની ના પાડે છે અને કહે છે ‘જો બહાર નીકળ્યા તો તમે પ્રદૂષણનો ભોગ બનશો.’ અનફૉર્ચ્યુનેટલી ઇન્ડસ્ટ્રી ત્યાં છે એટલે કામ માટે મુંબઈ આવવું પડે છે, બાકી ઘણા ક્રીએટિવ લોકો ગોવા શિફ્ટ થઈ ગયા છે. જાણીતા ડિરેક્ટ, સાઉન્ડ એન્જિનિયરે ગોવામાં સ્ટુડિયો શરૂ કરી દીધો છે. તમારે મ્યુઝિક એડિટિંગ કરાવવું છે તો તમે ગોવા આવી જાઓ. લોકો શાંતિથી કામ થાય એટલે અહીં આવવા તૈયાર થઈ રહ્યા છે. એટલું જ નહીં, આજે યંગ એજના ઘણા લોકો ગોવામાં રહીને રિમોટલી કામ કરી રહ્યા છે. એક કમ્યુનિટી બની રહી છે. પ્લસ, સારી રેસ્ટોરાં છે અને જાતજાતના ફેસ્ટિવલ્સ તો અહીં નિયમિત યોજાઈ રહ્યા છે.’
કમબૅક મોમેન્ટ
મુંબઈમાં રહેવું અઘરું છે એનો પ્રત્યક્ષ અનુભવ જે અહીં નથી તેમને વધુ સટિક રીતે થતો હોઈ શકે. જાણીતો ઍક્ટર ખંજન ઠૂમર મૂળ સુરતનો છે, પરંતુ ૨૦૧૧થી મુંબઈમાં જ સ્થાયી થયો છે. મુંબઈની હવાનો રંગ તેને જબરો લાગ્યો કે બે વર્ષમાં મુંબઈને બાય-બાય કહી દીધા પછી ફરી એક વાર તેણે આ શહેર સાથે હાથ મિલાવી લીધા. ખંજન કહે છે, ‘સુરતની અને મુંબઈની લાઇફ જુદી છે. અફકોર્સ મુંબઈમાં તમે નવા-નવા શિફ્ટ થાઓ ત્યારે તમારો એક જુદો જ ઉત્સાહ હોય. બહુ એક્સાઇટેડ પણ હો છો તમે. બેશક, આ એક્સાઇટમેન્ટમાં પંક્ચર પડવાનું શરૂ થાય જ્યારે તમારે અહીંના ટ્રાફિકનો સામનો કરવાનો આવે. ક્યાંય પણ જવું હોય તો એક કલાક ઓછામાં ઓછો હાથમાં લઈને જ ચાલવાનું અને એમાં અહીંના રસ્તા. સાચું કહું તો બસ, આ બે બાબતોને કારણે ક્યારેક ફ્રસ્ટ્રેટ થઈ જવાય અને એને માટે બોલાયું પણ છે કે ‘કાશ આ આખી ઇન્ડસ્ટ્રી સુરત શિફ્ટ થઈ જાય...’ નજીકના ભવિષ્યમાં કંઈ એવું થવાનું નથી એટલે દેખીતી રીતે અત્યારે તો મુંબઈ વિના છૂટકો નથી.’
જોકે તમને નવાઈ લાગે એવી એક વાત કહી દઈએ. લૉકડાઉન પછી લગભગ બે વર્ષ માટે ખંજને મુંબઈથી સુરત શિફ્ટિંગ કરી લીધેલું અને તે પરંપરાગત ખેતીમાં લાગી ગયેલો. ખંજન કહે છે, ‘લૉકડાઉન દરમ્યાન અમારા ફાર્મહાઉસમાં અમે શિફ્ટ થયા એ પછી પાછું આવવાનું મન જ નહોતું થતું. ત્યારે મારી એક સિરિયલ પણ ચાલી રહી હતી. જોકે નેચર સાથે એવો જોરદાર નાતો બંધાઈ ગયો હતો કે નક્કી કર્યું કે પાછા નથી જવું. બે વર્ષ ખેતી જેવાં કામ કર્યાં. એ પછી મુંબઈએ મને પાછું બોલાવવા માંડ્યું અને આજે ફરી હું અહીં આપની સામે છું, પણ આ સુંદર શહેરની ખાસિયત એ છે કે તમે એક વાર એના રંગે રંગાઓ પછી એ રંગને આછો પાડવો પણ બહુ અઘરો છે. ચોખ્ખી હવા, ચોખ્ખું પાણી, શુદ્ધ ભોજન એ બધું બાજુએ રહી જાય અને ફરી તમે મુંબઈ તરફ ખેંચાઈ જતા હો છો એવું મેં કેટલાય લોકો સાથે જોયું છે.’
મુંબઈનો મોહ પણ
જોકે કેટલાક એવા લોકો પણ છે જેઓ આ શહેરની વિશેષતાને લોહીમાં લઈને જન્મ્યા છે અને એનાથી વિખૂટા પડવાનું વિચારી પણ ન શકે. મુંબઈ સપનાનું શહેર છે અને દરરોજ લાખો લોકો મુંબઈની લોકલ ટ્રેનમાંથી મુંબઈમાં પોતાનાં સપનાં પૂરાં કરવાની આશા સાથે ઊતરે છે. જાણીતો ઍક્ટર ઓજસ રાવલ મુંબઈગરાઓની આંખોમાં વસતા આ આશાવાદ પ્રત્યે આફરીન છે. જન્મે-કર્મે મુંબઈમાં જ જેનું જીવન વીત્યું છે એ ઓજસને આજ સુધી એકેય બાબતમાં આ શહેરનો કંટાળો નથી આવ્યો. ઓજસ કહે છે, ‘કાંઈ કંટાળો આવે? ઘણા લોકો મુંબઈની હેકટિક લાઇફથી ભાગે છે, તો ઘણાને અહીંની ઝડપ નથી ગમતી. હું મારી વાત કરું તો હું આ બન્ને વિના ન રહી શકું. તમે માનશો કે હું જ્યારે પણ બહારના કોઈ વિસ્તારમાં જાઉં અને ત્યાંની ધીમી જિંદગીને જીવું તો મને મુંબઈ યાદ આવવા માંડે. દરેક પાસે ગોલ છે અને દરેક વ્યક્તિ એ અનુઠી આશા સાથે એ ગોલ્સની દિશામાં સક્રિય છે એ દૃશ્ય તમને મુંબઈની એકેએક ગલીમાં દેખાશે. અહીંની હવામાં જવાબદારીપણું સહજ છે જે તમને અહીંના લોકોમાં દેખાશે. માન્યું અહીં ટ્રાફિક છે અને માન્યું કે આજકાલ પ્રદૂષણની બાબતમાં પણ મુંબઈ દિલ્હી સમોવડું બનવાની દિશામાં છે, પરંતુ મેટ્રોસિટીની આ જ ખૂબી છે કે એ તમને કંઈક આપશે તો કંઈક રિટર્ન પણ માગશે. સાચું કહું તો આટલાં વર્ષોમાં મને ક્યારેય મુંબઈ છોડવાનો વિચાર નથી આવ્યો. હું છોડી પણ ન શકું. જાણે એ મારે માટે સંભવ જ નથી. વાત રહી પ્રદૂષણની, તો મને ખબર છે કે મુંબઈના લોકોમાં એ સ્પિરિટ છે જ કે તેઓ શહેર માટે ખતરો ઉપજાવનારી બાબતોને ધીમે રહીને કન્ટ્રોલમાં લઈ લે છે. પહેલાં ધ્વનિ પ્રદૂષણ હતું, પણ આજે તમને દેખાશે કે લોકોમાં થોડી અવેરનેસ આવી છે. બિનજરૂરી હૉર્ન વગાડતા લોકો હવે બદલાયા છે. હવાના પ્રદૂષણમાં પણ ધીમે-ધીમે બદલાવ આવશે જ.’
મુંબઈના પ્રદૂષણનો ઍક્ટ્રેસ અદા ખાને સરસ રસ્તો શોધ્યો છે. દર મહિને એક વેકેશન લેવાના પ્રયાસ કરતી આ ઍક્ટ્રેસ કહે છે, ‘શહેરમાં પ્રદૂષણ તો રહેવાનું અને કામકાજ કે ઘર-પરિવાર છોડીને તમે રાતોરાત શિફ્ટ પણ નથી થઈ શકવાનાં. બને કે તમને બહાર રહેવામાં વાંધો ન હોય, પરંતુ વર્ષોથી પેરન્ટ્સ જ્યાં રહ્યા હોય તેમને તમારા કારણે પોતાનું સ્થાન છોડવું પડે એ યોગ્ય નથી. મને પણ નથી ગમતું અહીંનું પ્રદૂષણ, ટ્રાફિક અને અહીંની હવામાં વહેતી રેસ્ટલેસનેસ. એટલે જ એનો શ્રેષ્ઠ રસ્તો શોધ્યો છે કે જ્યારે બહુ ફ્રસ્ટ્રેશન થાય ત્યારે એકલાં બહાર નીકળી જવાનું. હું નિયમિત માઉન્ટન્સ પર જાઉં છું. આ મારો રીચાર્જ અને રિજ્યુવિનેશન ટાઇમ છે. સહેજ પણ ફ્રસ્ટ્રેશન આવે એટલે બહાર જઈને થોડી ફ્રેશ હવા લઈ આવવાની. ઘણી વાર ફૅમિલીને, મારા પિતાને પણ હું આ રીતે ટૂર પર લઈ જાઉં છું.’
ઍક્સેસ આપવું એ આ શહેરની ખાસિયત
જાણીતા લેખક સૌમ્ય જોષી મુંબઈ-અમદાવાદ વચ્ચે અપડાઉન કરતા રહે છે. તેમનું પહેલું ઑફિશ્યલ ખરીદેલું ઘર મુંબઈના કાંદિવલીમાં છે, પરંતુ તેમનું રહેવાનું અમદાવાદમાં તેમના પેરન્ટ્સ સાથે વધુ થાય. મુંબઈનો ટ્રાફિક, મુંબઈમાં વધી રહેલી ગંદકી અને પ્રદૂષણ ૧૦૦ ટકા ત્રાસદાયી છે, પરંતુ એનો પર્યાય નથી એવું માનતા સૌમ્યભાઈ પોતાનાં નાટકોને કારણે મુંબઈ-અમદાવાદ વચ્ચે અવરજવર કરતા રહે છે. તેઓ કહે છે, ‘૨૦૧૭માં મેં મુંબઈમાં મારું પોતાનું ઘર ખરીદ્યું હતું. એ શહેરમાં રોટલો મળે, પણ ઓટલો ન મળે. મુંબઈ જેવા એક શહેરમાં તમને ઘણાં શહેર મળશે. તમારે આ શહેરના લોકો સાથે જાણે દરરોજ એક મૂક લડાઈ લડવાની છે એ પણ અનેરો જુસ્સો જાળવીને એ ચાર્મ નિરંતર જોશો. ઘાટકોપરમાં એક જુદા મુંબઈનાં દર્શન થશે તો કાંદિવલી એક જુદું મુંબઈ લાગશે. મુમ્બ્રા પણ મુંબઈ છે અને કળવા પણ મુંબઈ છે. મરીનલાઇન્સ પણ મુંબઈ છે અને નવી મુંબઈ પણ મુંબઈ છે. આ મૅક્સિમમ સિટી છે મારી દૃષ્ટિએ. હા, ખરેખર. આ શહેર જે આપશે એ ઍક્સેસમાં આપશે. ‘થોડું’ શબ્દ આ શહેરની ડિક્શનરીમાં જ નથી. સફળતા પણ ઍક્સેસમાં આપશે, તો સંઘર્ષ પણ ઍક્સેસમાં. સુખ પણ ઍક્સેસમાં આપશે, તો એની સાથેના પડકારો પણ મૅક્સિમમ. અમે નિરંતર દર મહિને-બે મહિને જંગલમાં જઈએ છીએ અને અમને નેચરની નિતાંત શાંતિ પણ એટલી જ પ્રિય છે, પરંતુ જો તમે પૂછો કે ૩૬૫ દિવસ વનવાસી થાઓ અથવા મુંબઈવાસી થાઓ તો હું મુંબઈમાં રહેવાનું વધારે પસંદ કરીશ. અહીં હોઉં ત્યારે ત્રણ દિવસ કામ માટે બહાર નીકળવાનું અને બાકીના દિવસે ઘરેથી જ કામ કરવાનો ક્રમ મેં રાખ્યો છે જેથી અહીંના ટ્રાફિકનો ત્રાસ દરરોજ વેઠવો ન પડે.’

