આવતી કાલે બહુ મજાનો સુયોગ છે. કાલે ક્ષમાપના પર્વ છે અને વિઘ્નહર્તાના આગમનનું પર્વ પણ કાલથી જ શરૂ થાય છે
સોશ્યોલૉજી
પ્રતીકાત્મક તસવીર
આવતી કાલે બહુ મજાનો સુયોગ છે. કાલે ક્ષમાપના પર્વ છે અને વિઘ્નહર્તાના આગમનનું પર્વ પણ કાલથી જ શરૂ થાય છે. જૈન ધર્મમાં પર્યુષણ પર્વનો અંતિમ દિવસ ક્ષમાપના દિન તરીકે ઊજવાય છે. વર્ષ દરમ્યાન પોતાની વાણી, કર્મ, વૃત્તિ કે ઈવન વિચારથી પણ જાણતાં-અજાણતાં કોઈ વ્યક્તિને દુ:ખ પહોંચાડ્યું હોય તો હાથ જોડીને તેની સાચા હૃદયથી ક્ષમા માગી લેવાનું અને અન્યોને ક્ષમા આપી દેવાનું આ અનોખું પર્વ છે. સાંજે વહેલા જમી લેવા જેવો આરોગ્યનો અફલાતૂન નિયમ, આહાર-વિહારના નિયમો ઋતુ અનુસાર ખોરાક કે શાકભાજી ખાવાની કે નહીં ખાવાની રસમો ઇત્યાદિ અનેક બાબતોમાં જૈન ધર્મની તાર્કિક અને સ્વાસ્થ્ય સંબંધી પાયાની સમજ ધરાવતી વિચારધારાથી હંમેશાં પ્રભાવિત થવાયું છે, પરંતુ આ ક્ષમાપના દિનની ઉજવણી તો શિરમોર લાગે છે.
અમેરિકાની બેસ્ટ-સેલર લેખિકા સ્ટેસી રસ્કે માર્ટિન પોતાની વ્યાવસાયિક સફળતાનું શ્રેય અમેરિકાના ટોચના લાઇફ કોચ અને મોટિવેશનલ ટ્રેઇનર કર્ક ડંકનને આપે છે. છેલ્લા બે-એક દાયકાથી હજારો લોકોના જીવનના અંગત તેમ જ વ્યાવસાયિક પ્રશ્નો ઉકેલવામાં અને તેમનો વિકાસ સાધવામાં માર્ગદર્શક બનેલા ડંકને તાજેતરમાં એક રસપ્રદ નિરીક્ષણ શૅર કર્યું હતું. તેઓ કહે છે કે ‘મારા કોચિંગ સેશન્સમાં અવારનવાર હું પાર્ટિસિપન્ટ્સને પૂછું છું કે તમે ફરગિવનેસ (ક્ષમા) પર કંઈ વાંચ્યું છે? એના વિશે છેલ્લે ક્યારે ચર્ચા કરી છે? મારા આશ્ચર્ય વચ્ચે મોટા ભાગના લોકોએ આટલા મહત્ત્વના શબ્દ વિશે ક્યારેય કંઈ જ વિચાર્યું નથી! ક્ષમા તો એક બેહદ મહત્ત્વનો શબ્દ છે, કેમ કે વ્યક્તિના તમામ સંબંધો પર અને એટલે જ તેના જીવન પર એની ખૂબ જ ઊંડી અસર રહેલી છે. કોઈ વ્યક્તિનો વિકાસ અટકી જાય કે ધીમો પડી જાય ત્યારે એનું એક મોટામાં મોટું કારણ એ ક્ષમાનું મહત્ત્વ સમજતી નથી અને એને જીવનમાં આચરતી નથી એ છે.’
દુનિયાભરના લાઇફગુરુઓ જે વાત એકવીસમી સદીમાં કરે છે એનું મહત્ત્વ જૈન ધર્મે હજારો વર્ષ પહેલાં પારખી લીધું છે. દુનિયાને ભારતે જેમ યોગ-દિવસની ભેટ આપી છે તેમ જ જૈન દર્શને ક્ષમાપના દિનનો ઉપહાર પણ આપ્યો છે જે જીવનમાંથી વિઘ્નોની બાદબાકી અને સંવાદિતાનો, સફળતાનો સરવાળો કરનારો ઉત્સવ છે.
ADVERTISEMENT
- તરુ મેઘાણી કજારિયા (પત્રકારત્વ માટે લાઇફ-ટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી નવાજાયેલાં લેખિકા તરુ મેઘાણી કજારિયાએ અભિનય ક્ષેત્રે પણ કામ કર્યું છે.)