આ જ ધ્યેય સાથે પાલિતાણા અને એની આસપાસનાં ગામોમાં વસતા ગ્રામ્યજનોના વિકાસ અને કલ્યાણ માટે ત્રણ વર્ષ પહેલાં શરૂ થયેલી અનોખી સંસ્થા શ્રી શત્રુંજય યુવક મંડળની પ્રવૃત્તિઓને કારણે આવેલા બદલાવો વિશે જાણીને તમે દંગ રહી જશો.
પર્યુષણ સ્પેશ્યલ
શત્રુંજય યુવક મંડળ
જૈન પરિવારમાં જન્મેલી વ્યક્તિએ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં આવેલા શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રા ન કરી હોય તો જ નવાઈ. લગભગ દરેક જૈનના હૃદયમાં સ્થાન ધરાવતા આ પાવન તીર્થ પર સહેજ સંકટનાં વાદળો ઘેરાયાં અને આખી દુનિયાના જૈનો તમામ મતભેદો ભૂલીને એક થઈ ગયા, જેનું અદ્ભુત દૃશ્ય દુનિયાભર યોજાયેલી રૅલી અને વિરોધ-પ્રદર્શનમાં આપણે જોયું હતું. જે તીર્થ પ્રત્યેનો આદરભાવ જૈનો ગળથૂથીમાં લઈને જન્મ્યા હોય એ પવિત્ર તીર્થની ગરિમા સેંકડો વર્ષ સુધી અકબંધ રહે એ માટે ‘મિશન 500’ના ધ્યેય સાથે એક યુવા ગ્રુપની સંરચના થઈ છે અને જાણે કે એક જુદા જ પ્રકારની હકારાત્મકતા પાલિતાણાની હવામાં ફેલાઈ હોય એવું લાગે છે. સાત્ત્વિકતાથી છલોછલ જૈન યુવા વર્ગ દ્વારા સક્રિય એવા આ ગ્રુપનું નામ છે શ્રી શત્રુંજય યુવક મંડળ. એનાં બીજ કેવી રીતે રોપાયાથી લઈને કેવાં અદ્ભુત કાર્યો આ સંસ્થા દ્વારા થયાં છે અને કેવાં અકલ્પનીય અને પ્રેરણાદાયી પરિણામો મળ્યાં છે એની ચર્ચા કરીએે.
તીર્થની રક્ષા અને ગરિમા
ADVERTISEMENT
વિચાર કરો કે તમારા ઘરમાં કોઈ ઇમર્જન્સી તકલીફ આવે તો સૌથી પહેલાં દૂર રહેતા તમારા સંબંધીઓ મદદે આવે કે પછી તમારી બાજુમાં રહેતા તમારા પાડોશીઓ? સ્વાભાવિક છે કે જે નજીક રહેતું હોય એ પહેલાં મદદ કરી શકે. શ્રી શત્રુંજય યુવક મંડળના સર્જન પાછળ આ જ કારણ હતું એમ જણાવીને સંસ્થાના ફાઉન્ડર સભ્ય હર્ષ શાહ કહે છે, ‘પૂજ્ય આચર્ય શ્રી અજયસાગરજી મહારાજ સાહેબની પ્રેરણાથી અને આણંદજી કલ્યાણજી પેઢીના માર્ગદર્શનથી તેમ જ વર્ધમાન પરિવારના સહયોગથી અમે આ કાર્યનો આરંભ કર્યો ત્યારે મનમાં એક જ વાત હતી કે આપણા ગિરિરાજની ગરિમાને આવનારાં બીજાં ૫૦૦ વર્ષ સુધી પણ કોઈ ઠેસ ન આવે એવું ઇચ્છતા હોઈએ તો ગિરિરાજની આસપાસ વસતા લોકોના હૃદયમાં ગિરિરાજ પ્રત્યે પ્રેમ અને સદભાવ હોવો જોઈશે. ગિરિરાજ પર કોઈ તકલીફ આવે તો આપણે પહોંચીશું એ પહેલાં ત્યાં નજીક રહેતા લોકો ત્યાં પહોંચી શકશે.’
કોવિડ આવ્યો એના જસ્ટ પહેલાં રચાયેલા આ સંગઠનનાં કાર્યો માટે હર્ષભાઈ અને તેમની સાથેના અન્ય કાર્યકર્તાઓ લાંબા દિવસો માટે પાલિતાણા જઈને રહેતા. ગ્રામવાસીઓના ઘરે જઈને તેમની જોડે એકરૂપતા કેળવી. સ્નેહ અને સન્માનના પાયા પર રચાયેલા સંબંધમાં જ એક પછી એક કાર્યો ઉમેરાતાં ગયાં. પરિણામ દેખાવા માંડ્યું અને આજે દસથી બાર એવાં ગામો છે જ્યાં આ સંસ્થાવતી થયેલાં કામોને કારણે ગ્રામવાસીઓનો પાલિતાણા માટેનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો છે. જોકે આ રસ્તો આસાન નહોતો. હર્ષ શાહ કહે છે, ‘પાલિતાણામાં બે-ચાર લોકો એવા હતા જેઓ ડિવાઇડ ઍન્ડ રૂલમાં માનતા એટલે શરૂઆતમાં જ્યારે અમે લોકોને મળતા ત્યારે તેમને રીતસર ભડકાવવામાં આવતા કે આ તો તમારું ધર્મપરિવર્તન કરાવવા આવે છે અને આ તો તમને વટલાવવા માગે છે અને ઘણુંબધું. ગામના લોકો પણ શરૂઆતમાં અચકાતા હતા, પરંતુ અમારે કોઈને વટલાવવા નહોતા. અમે તેમના ધર્મ પ્રત્યે એટલો જ આદર રાખીએ છીએ અને એ જ આદરનાં બીજ તેમના મનમાં રોપાય એ અમારું ધ્યેય હતું. લોકોનો વિશ્વાસ જીતીને સેવા કરવાનું કાર્ય પડકારજનક હતું પણ પ્રભુ અને ગુરુકૃપાથી એ પાર પડી ગયું.’
અદ્ભુત કાર્યો
આ સંસ્થાએ સ્કૂલોમાં જઈને બુક્સનું વિતરણ શરૂ કર્યું, કમ્પ્યુટર્સ આપ્યાં, ક્લાસરૂમ્સ બરાબર નહોતા તો એનું બાંધકામ કરી આપ્યું, સ્થાનિક શાળાઓની જે જે જરૂરિયાત હતી એ મુજબની જોગવાઈ સંગઠન દ્વારા થતી ગઈ. સ્કૂલનાં બાળકોનું કાઉન્સેલિંગ શરૂ કર્યું. હર્ષ શાહ અહીં કહે છે, ‘બન્યું એમ હતું કે પાલિતાણામાં નાનાં બાળકો પણ વ્યસન કરતાં થઈ ગયાં હતાં, કારણ કે ઘરમાં માવો ખવાતો હોય અને પેરન્ટ્સ પોતાનાં સંતાનોને જ માવો ખાવા મોકલે અને તેઓ પણ ખાઈ લે, બાળકો ખોટું બોલતાં. જોકે આજે આ સંસ્થાના કાઉન્સેલિંગ સેશનને કારણે એવાં કેટલાંય બાળકો છે જેમણે મા-બાપને અને શિક્ષકોને નિયમિત પગે લાગવાનું શરૂ કરી દીધું. વ્યસન કરતાં અટકી ગયાં. ખોટું ન બોલવું એવું શીખવાડાય અને બાળકો પોતે ખોટું બોલ્યાં હતાં એની જાહેર કબૂલાત કરવાની હિંમત દેખાડી શક્યાં. એક દીકરીને ૫૦૦ની નોટ રસ્તામાંથી મળી અને તે પ્રિન્સિપાલને પાછી આપવા આવી.’
આ સંગઠને રનિંગમાં એક દીકરીને તેના મેરિટ્સના આધારે નેપાલમાં યોજાયેલી કૉમ્પિટિશનમાં મોકલી હતી તો તે ગોલ્ડ મેડલ જીતી લાવી. એક તરફ બાળ સંસ્કરણમાં પરિણામ દેખાવાનું શરૂ થયું એટલે મહિલા ઉત્થાનની ઍક્ટિવિટી શરૂ થઈ, જેમાં ત્યાંની બહેનોમાં રહેલી હસ્તકળાનો ઉપયોગ થઈ શકે એવું પ્લૅટફૉર્મ આપીને બૅગ્સ, બટવા, ઓશિકાનાં કવર જેવી કાપડની ઑર્ગેનિક વસ્તુઓ બનાવતાં શીખવવામાં આવ્યું. આજે અઢીસો જેટલી બહેનોને ઘેર બેઠાં રોજગાર મળ્યો છે. ચાર મેડિકલ ક્લિનિક, પાણીની પરબ, ત્રણ ગામોમાં પાણીની પાઇપલાઇન નહોતી તો એ નખાવી. સદીઓથી આ ગામની બહેનોને પાંચ-સાત કિલોમીટર ચાલવું પડતું હતું જે બંધ થઈ ગયું. એવી જ રીતે ચાર મેડિકલ સેન્ટર શરૂ કર્યાં છે એ પણ અંતરિયાળ ગામોમાં. હર્ષભાઈ કહે છે, ‘આ એવા વિસ્તારો છે જ્યાં જો કોઈ બીમાર પડે તો તેણે દવા લેવા માટે આખો દિવસ બગાડવો પડે એટલું દવાખાનું દૂર પડે. આ ક્લિનિકથી સમય અને પૈસા બન્ને બચવા માંડ્યા. અત્યારે લગભગ ૧૫૦૦ જેટલા લોકોને દર મહિને આપણે નિઃશુલ્ક દવા આપીએ છીએ. વ્યસનમુક્તિમાં પણ બહુ જ નોંધનીય પરિણામ સાથેનું કામ આપણે કરી રહ્યા છીએ. પાલિતાણામાં ગેરકાયદેસર દારૂ બનાવતી બુટલેગર બહેનો માટે રોજગારીની નવી તક ઊભી કરવા માટે અમારા પ્રયાસ ચાલુ છે. પોલીસના સ્વાસ્થયને લગતાં વિવિધ આયોજનો અમે કરી ચૂક્યા છીએ. દરેક પક્ષે મૈત્રી અને યુનિટીનો માહોલ બને એવા અમારા પ્રયાસો છે. લોકોને પરિણામ દેખાયું અને એ તેમના વ્યવહારમાં ઝળકવા માંડ્યું. આજે ત્રણ વર્ષમાં અમે જોઈ શકીએ છીએ કે જ્યાં અમે કામ કરી રહ્યા છીએ એ ગામના લોકોમાં તીર્થ પ્રત્યે સદ્ભાવ અને વફાદારી વધ્યાં છે.’
પરિણામ મળ્યું આ રીતે
લગભગ દોઢેક વર્ષ પહેલાં પાલિતાણાનાં જંગલોમાં આગ લાગી. ફૉરેસ્ટ વિભાગની દૃષ્ટિએ અત્યાર સુધીના ઇતિહાસની આ સૌથી ખતરનાક વાઇલ્ડ ફાયર હતી પરંતુ એક રાતમાં ગ્રામજનોએ આગ બુઝાવી નાખી. હર્ષ શાહ આ સંદર્ભમાં કહે છે, ‘આગ લાગીના સમાચાર ગયા અને ત્રણ ગામના લોકો સાથે મળીને એ આગ બુઝાવવા પહોંચી ગયા અને ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટના અચંબા વચ્ચે ગણતરીના સમયમાં એ આગ બુઝાવી દેવાઈ. તીર્થ પ્રત્યેના વધેલા સદ્ભાવનું આ પરિણામ છે. શત્રુંજય પર્વતની આસપાસની જગ્યાએ માઇનિંગ ચાલતું હતું એ બંધ થયું છે. એવી જ રીતે અમારા ક્લિનિકમાં સંપૂર્ણપણે દાઝી ગયેલાં એક બહેનનો કેસ આવેલો. તેમના માટે સ્પેશ્યલિસ્ટ ડૉક્ટરોની અપૉઇન્ટમેન્ટ લઈને તેમની સારવારના ખર્ચ સાથે અમે તેમની દેખભાળ કરાવી અને તેઓ બહુ જ સરસ રીતે એમાંથી સહીસલામત બહાર આવ્યાં તો આજેય અમે ત્યાં હોઈએ તો તેઓ ભાવુક થઈને રડી પડે છે. અમે લોકોના ઘરે જઈને તેમની જોડે ઘરોબો બાંધ્યો છે. અમારો માત્ર એટલો જ સ્વાર્થ છે કે પરસ્પર સ્નેહ બનેલો રહે.’
અહીં ઉલ્લેખનીય છે કે ભારતભરની વિવિધ સંસ્થાઓમાં પહેલથી જ કામ કરતા અને સામાજિક કાર્યમાં રસ ધરાવતા ૭૦થી વધુ યુવાનો શત્રુંજય યુવક મંડળમાં ગિરિરાજની રક્ષા માટે જોડાયા છે. દર અઠવાડિયાના શનિ અને રવિ પાલિતાણામાં રહેવાનું એવો નિયમ બનાવી દેનારા હર્ષ શાહ સાથે દર અઠવાડિયે જુદા-જુદા યુવાનોની ટીમ જોડાઈને આ કાર્યને પાર પાડી રહી છે.
એક જ ગોલ : મિશન 500
આવનારાં આઠ વર્ષમાં ત્રણ લાખ લોકો સુધી પહોંચવાના ટાર્ગેટ સાથે ‘મિશન 500’ની વાત કરતાં શ્રી શત્રુંજય યુવક મંડળના હર્ષ શાહ કહે છે, ‘પાલિતાણાની આસપાસનાં નેવુંએ નેવું ગામોમાં વસતા લોકોમાં કોઈ ભૂખ્યું ન રહે, કોઈ પાયાની સુવિધાથી વંચિત ન રહે એ અમારો ટાર્ગેટ છે. પાલિતાણા સિટી અને આ નેવું ગામોના મળીને લગભગ ત્રણ લાખ લોકોના જીવનસ્તરને ઉપર લાવવાના પ્રયાસો પર સતત કામ ચાલુ છે. અત્યારે પાલિતાણાની ૪૯૨મી સાલગીરી ઊજવાઈ. ૫૦૦મી સાલગીરીની ઉજવણી પહેલાં અમે સામાજિક, આર્થિક, રાજનૈતિક એમ દરેક જગ્યાએ સંસ્કાર, નૈતિકતા અને સમૃદ્ધિ લાવવા માટે મહેનત કરી રહ્યા છીએ.’
ભારતભરની વિવિધ સંસ્થાઓમાં પહેલેથી જ કામ કરતા અને સામાજિક કાર્યમાં રસ ધરાવતા ૭૦થી વધુ યુવાનો શત્રુંજય યુવક મંડળમાં ગિરિરાજની રક્ષા માટે જોડાયા છે.