પંકજ ઉધાસની ગઝલગાયકીએ ગઝલ-ક્ષેત્રને બે દશકાની લાંબી આવરદા આપવાનું કામ કર્યું હતું. માત્ર હિન્દુસ્તાન જ નહીં, દુનિયાના ૪૦થી વધારે દેશોમાં ભારતીય ગઝલને પહોંચાડી ચૂકેલા પંકજ ઉધાસ માને છે કે ભારતીય સંગીતમાં રહેલા વૈવિધ્યને વિશ્વનું કોઈ સંગીત પહોંચી ન શકે
પંકજ ઉધાસ, ગઝલકાર- પદ્મશ્રી ૨૦૦૬
ચિઠ્ઠી આયી હૈ, આયી હૈ ચિઠ્ઠી આયી હૈ...
આ સૉન્ગ આજે પણ જો કર્ણપટલ પર ઝિલાય તો ઘડી-બે ઘડી તમારા હાથ કામ કરતા થંભી જાય અને જો તમે હિન્દુસ્તાનથી દૂર હો તો તમારી આંખો પણ થોડી ક્ષણોમાં ભીનાશ પકડવાનું શરૂ કરી દે. માત્ર એક ગીતથી દુનિયાભરમાં પથરાયેલા ભારતીયોના દિલમાં છવાઈ જનારા પંકજ ઉધાસે ગાયેલા આ ગીતે માત્ર વતનની યાદ નહોતી અપાવી, પણ વિદેશમાં રહીને વતનને હૈયામાં રાખનારા સેંકડો લોકોને વિદેશની શોહરત છોડીને વતન પાછા આવવા માટે મજબૂર પણ કરી દીધા હતા અને તેઓ વતન પાછા પણ આવી ગયા હતા. પંકજ ઉધાસ કહે છે, ‘એ ગીતમાં અવાજ મારો હતો, શબ્દો (આનંદ) બક્ષીસાહેબના હતા; પણ જે અસર ઊભી થઈ હતી એ હિન્દુસ્તાનની હતી. ભારતીય સંગીતની આ તાકાત છે. એ ભલભલાને ધ્રુજાવી દે, ચમરબંધીની આંખમાં પણ આંસુ લાવી દે અને ગમે એવા પથ્થરદિલને પણ પોતાના પ્રેમનો એકરાર કરવા માટે મજબૂર કરી દે. ભારતીય સંગીતને ભલે આપણે ભારતના, દેશના નામ સાથે જોડીને ઓળખાવતા; પણ હું કહીશ કે ભારતીય સંગીત ખરા અર્થમાં વિશ્વસંગીત છે. દુનિયા પાસે જેટલું સંગીત હશે એટલું, કદાચ એનાથી પણ વધારે સંગીત આપણી પાસે ફોકના રૂપમાં છે. એમાંથી માંડ પાંચ ટકા સુધીનું સંગીત જ આપણે લોકો સુધી પહોંચાડી શક્યા છીએ. બાકીનું ૯પ ટકા સંગીત તો હજી પણ વણખેડાયેલું એમ જ પડેલું છે. એના સુધી હજી આપણે પહોંચવાનું છે. જરા વિચાર કરો કે તમે એ સંગીત સુધી પહોંચશો ત્યારે તો વિશ્વમાં ભારતનો કેવો ડંકો વાગશે.’



