બાગેશ્વરધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ભલે કટાક્ષ કર્યો, પણ એવા ઘણા પુરુષો જે કહે છે કે...
બાગેશ્વરધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
છેલ્લા થોડા સમયમાં પત્નીઓની કથિત હેરાનગતિથી આત્મહત્યા કરનારા પતિઓના કિસ્સા મીડિયામાં ખૂબ ચગ્યા છે અને હમણાં મેરઠનો કિસ્સો ગાજ્યો છે. પ્રેમીની મદદથી પોતાના પતિની હત્યા કરીને, તેના શરીરના ટુકડા કરીને બ્લુ ડ્રમમાં સિમેન્ટ સાથે ભરી દેનારી પત્નીનો કિસ્સો એવો ચગ્યો છે કે હાલમાં મેરઠમાં કથા કરવા ગયેલા બાગેશ્વરધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પણ વ્યંગ કર્યો કે ભારતમાં બ્લુ ડ્રમ વાઇરલ છે, ઘણા પતિઓ ટેન્શનમાં છે, ભગવાનની કૃપા છે કે મારાં લગ્ન નથી થયાં.
પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની આ કમેન્ટને પગલે ‘મિડ-ડે’એ એવા લોકોની શોધ આદરી જેઓ લગ્ન કરવાની ‘સામાજિક’ ઉંમર વીતી ગયા પછીયે અપરિણીત છે - એ જાણવા કે આજના માહોલમાં તેમને સિંગલ હોવાનું કેવું લાગે છે. આ શોધમાં અમને બે અપરિણીત પુરુષો મળ્યા છે.
ADVERTISEMENT
મેહુલ પડિયા, ૪૦ વર્ષ, IT એન્જિનિયર
ભાઈંદરમાં વસતા મેહુલ પડિયા જાતમહેનતે આગળ વધેલી વ્યક્તિ છે. આજે એક સારી IT કંપનીમાં સારા પગારની નોકરી ધરાવે છે અને સીધાસાદા બૅકગ્રાઉન્ડથી આવે છે. છેલ્લા કેટલાક સમયમાં અનેક છોકરીઓ સાથે લગ્નની વાતચીતના પ્રસ્તાવ કોઈ ને કોઈ કારણસર આગળ ન વધવાને લીધે તેમની સામે આજની છોકરીઓ વિશે અમુક ચોક્કસ તથ્યો રજૂ થયાં છે. તેમની વાતો ચોંકાવી દેનારી છે. આ વિશે વિસ્તારથી વાત કરતાં મેહુલ કહે છે, ‘મેં છોકરી જોવાનું ચાલુ કરેલું ત્યારે અનેક વિઘ્નો હતાં. મને વારસામાં કશું નથી મળેલું, જાતે ઊભો થયેલો માણસ છું. પપ્પા સેલ્સનું કામ કરતા હતા. ભણતો ત્યારે એવી હાલત હતી કે આજે જમ્યા તો કાલે શું? પણ આજે આર્થિક રીતે મજબૂત થયો છું. મેં પચીસમા વર્ષે છોકરી જોવાનું શરૂ કરેલું. ભાડાનું ઘર, વૃદ્ધ માતા-પિતા અને પરણેલી ત્રણ બહેનોનો પરિવાર. છોકરીઓના ‘ના’ કહેવા પાછળ ઘર મોટું કારણ રહેતું. લૉકડાઉન બાદ પોતાનું વન BHK ઘર લીધું, સ્થિતિ એટલી સારી થઈ કે વાલી અને પત્નીનું ધ્યાન બન્ને રાખી શકું એમ છું. છોકરીવાળા એ જોતા કે પોતાનું ઘર નથી, પણ એ નથી જોતા કે હું ‘નથિંગમાંથી સમથિંગ’ થયો છું. હવે વન BHK નથી ચાલતું. ગુજરાતની મોટા ઘરમાં વસતી છોકરીઓને મુંબઈનાં ઘર નાનાં લાગે, જન્માક્ષર ન મળે. અંતે છોકરીનું મન નથી માનતું. કોઈક સામેથી તપાસ કરી બાયોડેટા મગાવે પણ તેનો બાયોડેટા આપણને ન આપે. હવે નવી સમસ્યા. ઘર જોઈ જાય, છોકરો ગમે છે પણ એરિયા નથી ગમતો એવું કહે. એક કઝિનનો કિસ્સો કહું. એ લોકોનું સિટીમાં પોતાનું ટેનામેન્ટ. છોકરીવાળા ઘર જોવા આવેલા તો કહે, ‘તમારા ઘરે મોટર છે?’ પેલો કહે કે એક નહીં બે છે, એક ઉપર ને બીજી નીચે. એ લોકો કહે, એ મોટર નહીં... અમે ગાડીની વાત કરીએ છીએ. જે લોકોને પોતાને ઢંગથી બોલતાં નથી આવડતું તેમની આવી ડિમાન્ડ હોય. મને પૂછે કે વૉશિંગ મશીન છે? હું હા કહું. પછી વન BHKના ટૂ BHKની માગણી થાય. હંમેશાં સામેવાળાની સ્થિતિ કરતાં વધારેની જ ડિમાન્ડ કરવામાં આવે છે. ક્યારેક છોકરી એક જ કમાતી હોય તો મા-બાપને આવક બંધ થવાનો ડર હોય. છોકરીઓ કહેતી હોય એટલે ફૉર્માલિટી માટે છોકરા જોવાના હોય એવુંય બને છે. આજની છોકરીઓને રોડછાપ મવાલી ગમે, પણ સીધોસાદો છોકરો ન ચાલે. મને ગલીના નાકે ઊભા રહી ટોળટપ્પાની આદત નથી. મારે વૃદ્ધ મા-બાપ છે, ઘર જોવું પડે, તેમના હેલ્થ-ઇશ્યુ હોય છે. આ સિવાય કેટલીક છોકરીઓએ ભણવાનું છોડી દીધું હોવા છતાંય તેમને ઘર સંભાળવું નથી. નોકર જોઈએ. એય ચાલે; ભલે ઝાડુપોતાં, કપડાં-વાસણ ન કરે; પરંતુ રસોઈ પણ ન કરવાની ડિમાન્ડ આવે. મારાથી મોટી ઉંમરની છોકરીઓમાંય આ જોયું છે. લગ્નજીવનમાં બન્ને બાજુની ભાગીદારી હોવી જોઈએ. કોઈ કાંઈક તો કોઈ કાંઈક કરે. સિરિયલોની જેમ અમીર ખાનદાનમાં મોંઘી સાડી પહેરીને ફાજલ વખતમાં પ્રોડક્ટિવ થયા વગર નિંદાકૂથલી જ કરવી હોય તેમને સીધાસાદા લોકો કેમ ગમે? આ મારી અતિશયોક્તિ છે, પણ કહેવાનો અર્થ એટલો જ કે તેમને બધું જ જોઈએ છે. સ્ત્રી સહનશીલતાની મૂર્તિ અને શરમનું આભૂષણ છે એ ફક્ત હવે સાંભળેલી વાત છે, આજની સ્ત્રીઓ ફેમિનિઝમનું કાર્ડ ખોટી રીતે પ્લે કરવાનું જાણે છે. ભરણપોષણની બાબત મનમાં હોય ત્યાં ઘરના EMI ભરતો છોકરો ક્યાંથી ચાલે? એક છોકરીને બહાર કૉફી-શૉપમાં મળેલો. તેની ફૅમિલીમાં બીજા સભ્યો હોવા છતાં તે પોતાની બધી કમાણી મા-બાપને આપવા માગતી હતી. હું સહમત હતો, પણ બીજી શરત એવી હતી કે બાળક નહોતું જોઈતું. આ બાબતે મારે થોડીક તકલીફ હતી. અત્યાર સુધી તો વીસ-પચીસ છોકરીઓ જોઈ છે. લગ્ન એક મટીરિયલિસ્ટિક વેપાર બની ગયાં છે. એકલાપણું દૂર કરનાર જીવનસાથી આ વેપારમાં શોધવો મુશ્કેલ છે. હવે લગ્ન નથી થયાં તો ખાસ ખટકતું નથી. અત્યારની સ્થિતિ જોઈને લાગે છે કે થૅન્ક ગૉડ, આઇ ઍમ નૉટ મૅરિડ!’
હરિકૃષ્ણ જાની, ૫૫ વર્ષ, રાઇટર
છેલ્લાં પાંત્રીસેક વર્ષથી ટીવી-સિરિયલ રાઇટિંગ સાથે સંકળાયેલા મલાડના રહેવાસી હરિકૃષ્ણભાઈનું લગ્ન ન કરવા પાછળનું મૂળ કારણ તો એ વખતની તેમની આર્થિક પરિસ્થતિ હતી. તે દેખીતી રીતે ઉંમરના એવા પડાવ પર છે જ્યાં લગ્ન તેમની જરૂરિયાત નથી. આમ છતાંય તેઓ એવા સમયના સાક્ષી રહ્યા છે જે આજની જેમ જ પડકારરૂપ સમય હતો. સામાજિક પ્રથાઓ જ્યારે કરવટ બદલતી હોય એવા સમયે અજાણતાં જ એ કેટલાય લોકોનો ભોગ લેતી હોય છે એવા સમયના ભાગરૂપ હરિકૃષ્ણભાઈ પોતાની વાત મૂકે છે, ‘લગ્ન ન કરવાનાં કારણો ઘણાંબધાં હતાં. પહેલાં તો આર્થિક સ્થિતિ બરાબર નહોતી. લગ્ન કરવાં હોય ત્યારે મોટા પરિવાર નાના ઘરમાં રહેતા હોય તો તકલીફ તો પડવાની જ છે. અમે એવા સમયના લોકો જ્યાં માતાપિતા, કાકા-કાકી કે મામા-મામી બધાંને એક ચોક્કસ ઢબનો સંસાર નિભાવતાં જોયેલાં. એ લોકોના સમયે તો કેવી પણ આર્થિક સ્થિતિમાં લગ્ન થઈ જતાં. અમારો વખત કન્યા માટે જાગૃતિનો સમય હતો. એ એક જોતાં સારું પણ હતું, પરંતુ એની વરવી અસરો પણ હતી જેનો ભોગ બનતાં મેં મારા મિત્રોને જોયા છે. મેં શરૂઆતમાં પરણવાની બહુ ટ્રાય કરેલી, પણ આગળ કહ્યું એ કારણોસર કોઈ ન મળ્યું. પછી તો મારી સ્થિતિ સારી થઈ. હું લગભગ ૪૦-૪૨ વર્ષનો થયો ત્યારે મારા દરેક મિત્રના ડિવૉર્સ થઈ ગયેલા. કોઈકના તો વળી બબ્બે વાર ડિવૉર્સ થયેલા. લગ્ન તો એક લાઇફલૉન્ગ સંબંધ છે. અને જો એ આવો સંબંધ છે તો પછી ડિવૉર્સ જેવી વસ્તુઓ શું કામ? મારી લગ્નજીવન વિશેની ધારણા ઘણી બદલાઈ. મેં જોયું કે ક્યાંક ને ક્યાંક લગ્નજીવન વર્ક નથી કરતું. સ્વાભાવિક છે વાંક બન્નેનો હોય છે, પણ જો પતિપત્નીના તલાક થાય તો સૌથી વધુ નુકસાન પુરુષનું થાય છે. બાળકો પર પહેલો હક પત્નીને મળે અને ડિવૉર્સી પતિને ભરણપોષણ પણ આપવાનું. મોટાં ભરણપોષણ આપતા પતિ મેં જોયા છે. આવું જોયા પછી થાય છે કે થૅન્ક ગૉડ આઇ ઍમ નૉટ મૅરિડ! એ પછી આર્થિક રીતે સધ્ધર થયા પછી પણ એવો અવિશ્વાસ જાગે જ છે કે ક્યાંક પત્ની ‘ગોલ્ડ-ડિગર’ તો નહીં મળેને! ખરેખર તમારી સાથે રહેવા માગતી વ્યક્તિ હવે સપના જેવી લાગે છે. અને સાચું કહું કે હવે તો એ સવાલ જ નથી ઉદ્ભવતો. હૃતિક રોશને કેટલી મોટી ઍલિમની આપેલી તલાક માટે, આવું સામાન્ય માણસ તો વિચારી જ ન શકે. અને સામે તે બાળકોને ખોવાનો ટ્રૉમા પણ ભોગવે. આજે પણ અમેરિકામાં વધતા જતા ભરણપોષણના કેસને લીધે લગ્ન પહેલાં જ જો ડિવૉર્સ થાય તો છોકરી કોઈ માગણી નહીં કરે એવા કરાર થાય છે. આ એનામાં જ ખોટી વસ્તુ છે જે દર્શાવે છે કે તમને તમારા પાર્ટનરમાં ભરોસો નથી. ભારતમાં ગામડાંની સ્ત્રીઓ આજેય દબાયેલી છે, પણ સિટીની છોકરીઓ કહેવાતી ‘વિમેન લીગ’ કરતાં ઘણી આગળ છે. એ લોકો આજે નબળી નથી રહી, જે સારી વસ્તુ છે. જોકે એમાંના અમુકને લીધે પુરુષોનો એક નબળો વર્ગ ઊભો થઈ રહ્યો છે એ પડકારજનક સ્થિતિ છે.’

