સતત ભારત સામે પોતાની તાકાત પુરવાર કરવામાં રચ્યું રહેતું પાકિસ્તાન હાલમાં મરણતોલ હાલતમાં જીવે છે. મોંઘવારી આસમાનને આંબી રહી છે ત્યારે હવે પાકિસ્તાન નાદારી નોંધાવવાના આરે છે, છતાં આ સ્થિતિમાંથી પણ એ બચી જશે, કેમ કે એમાં ઘણા દેશોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ છે
પ્રતીકાત્મક તસવીર
પાકિસ્તાનની હાલત હમણાં એકસાથે ત્રણ-ચાર હિન્દી-ગુજરાતી કહેવત સાથે જીવી રહ્યા હોય એવી થઈ ગઈ છે. હમણાં એણે ‘તમાચો મારીને ગાલ લાલ રાખવો પડે છે!’, ‘દૂધ લેવા જવું છતાં દોણી પણ સંતાડવી પડે છે!’ અને ‘કહેતા ભી દીવાના સૂનતા ભી દીવાના’ જેવું તો એ લોકો સાથે પહેલેથી જ રહ્યું છે.
ખુવારીના દ્વારે ઊભેલા પાકિસ્તાન માટે હવે પહેલાં જેવી ‘મિયાં માંદા ને ટંગડી ઊંચી’ પરિસ્થિતિ રહી નથી. લોન જોઈએ છે. જોકે લોન પણ શાની, બેલઆઉટ પૅકેજ જ કહી લો, હાં તો બેલઆઉટ પૅકેજ જોઈએ છે, પણ કટોરો લઈને દેશ-દેશ ફરતા હજીય શરમ આવે છે અને કહેતા ભી દીવાના સૂનતા ભી દીવાના જેવું શા માટે, ખબર છે? પાકિસ્તાનમાં ચિકન હમણાં ૭૦૦થી ૮૦૦ રૂપિયે કિલો અને બોનલેસ ચિકન ૧૦૦૦ રૂપિયે કિલો થઈ ગયું છે ત્યારે વેપારીઓ ગ્રાહકોને એમ કહી સમજાવે છે કે ખબર નહીં, શું થયું, પણ પોલ્ટ્રીમાંથી મરઘીઓ જ ગાયબ થઈ છે, હમણાં મરઘીની અછત છે આથી ભાવ વધ્યા છે. કમાલ છે, નહીં?
ADVERTISEMENT
હવે એક ન્યુક્લિયર પાવર ધરાવતું રાષ્ટ્ર આ રીતે ખુવારીના આલમ સુધી પહોંચી જાય એ આમ જોવા જઈએ તો ખૂબ મોટા ખતરાની નિશાની છે અને એમાંય આ તો પાછું પાકિસ્તાન! જે પૈસાની તંગીમાં તેનાં મિસાઇલ્સ અને ન્યુક્લિયર વેપન્સ પણ કોઈ અવળચંડાને વેચી મારે તો નવાઈ નહીં. આથી ભારતની સાથે-સાથે આખુંય વિશ્વ પાકિસ્તાનની પળેપળની અપડેટ રાખી રહ્યું છે, કારણ કે ૧ બિલ્યન કરતાંય ઓછા ફૉરેક્સ રિઝર્વ સાથે પાકિસ્તાન હાલ વૅન્ટિલેટર પર જીવી રહ્યું છે.
હાલ પાકિસ્તાનનો રૂપિયો એટલો તળિયે પહોંચી ગયો છે કે એક યુએસ ડૉલરની સામે એની વૅલ્યુ ૨૬૨ પાકિસ્તાની રૂપિયા છે અને ભારતીય ચલણ સામે વાત કરીએ તો ભારતના એક રૂપિયા સામે ૩.૧૮ પાકિસ્તાની રૂપિયાનું વૅલ્યુએશન થાય છે. પાકિસ્તાનની જગ્યાએ કોઈ બીજું રાષ્ટ્ર હોત તો નક્કી નાદારી નોંધાવી ચૂક્યું હોત અથવા નોંધાવવાની તૈયારી હોત, પરંતુ પાકિસ્તાન બચી જશે અને હા, એ જીવી પણ જશે, કારણ? કારણ કે વિશ્વમાં એવા અનેક દેશો છે જેનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ એમાં જ છે કે પાકિસ્તાન જીવે, મરણતોલ હાલતમાં જ જીવે. કેમ, શા માટે અને શું થયું છે એ વિશે તો ચર્ચા કરવી જ પડશેને, ત્યારે જ તો સાચી પરિસ્થિતિ સમજાશે!
તો સૌથી પહેલાં - શું થયું છે?
ભારત અને પાકિસ્તાન બન્નેએ સાથે જ આઝાદી મેળવી અને બન્ને દેશોએ સ્વતંત્રતા પછીની સફર સાથે જ શરૂ કરી હતી. તો પછી તકલીફ ક્યાં થઈ? આપણને એ જાણીને નવાઈ લાગશે કે બે અલગ રાષ્ટ્ર બન્યાં પછી ૨૦ વર્ષ સુધી પાકિસ્તાન ભારત કરતાં વધુ ઝડપથી વિકાસ કરનારું રાષ્ટ્ર હતું, પરંતુ આ ૭૫ વર્ષ દરમ્યાન પાકિસ્તાનની એક અજબ હિસ્ટ્રી રહી છે. આજસુધી ત્યાં કોઈ પણ સરકાર પોતાનો પાંચ વર્ષનો સત્તાકાળ પૂર્ણ કરી શકી નથી, જેને કારણે તકલીફ એ ઊભી થઈ કે કોઈ પણ સરકાર જે રિફૉર્મ્સ અનાઉન્સ કરતી, દેશ માટે જે ડેવલપમેન્ટ પ્લાન બનાવતી, ફૉરેન પૉલિસીઝ કે લો રિફૉર્મ લઈને આવતી એ લાંબા સમય સુધી કાયમ રહી ન શક્યાં, કારણ કે પાંચ વર્ષનો સમયગાળો પૂરો થતાં પહેલાં જ સરકાર બદલાઈ જાય અને જે નવી સરકાર આવે એ ભૂતકાળની સરકાર ખોટું કરી રહી હતી એ પુરવાર કરવામાં જે-તે રિફૉર્મ્સ ક્યાં તો બંધ કરી નાખતી, ક્યાં બદલી નાખતી.
કઈ રીતે થયું?
ભારતની જેમ જ પાકિસ્તાન પણ એક ખેતીપ્રધાન રાષ્ટ્ર છે, પરંતુ આધુનિક સિંચાઈ પદ્ધતિથી લઈને સોઇલ ઍડ્વાન્સમેન્ટ સુધીની તમામ ખેતીની મૂળભૂત જરૂરિયાતો પરત્વે પાકિસ્તાન સદૈવ ઉદાસ રહ્યું. તમે પાકિસ્તાનનો આ ૭૫ વર્ષનો ઇતિહાસ ઝીણવટપૂર્વક જોશો તો સમજાશે કે પહેલાં દિવસથી દરેક વ્યક્તિ પછી તે રાજકારણી હોય, મિલિટરી ઑફિસર હોય, બ્યુરોક્રેટ્સ હોય, સરપંચ કે સરકારી ઑફિસનો ચપરાસી, દરેકેદરેક વ્યક્તિ માત્ર પોતાની સત્તા અને તાકાત પુરવાર કરવાના નશામાં જ મંડ્યો રહ્યો. દેશની આવી નાદાનીઓને કારણે ખેતીપ્રધાન દેશ હોવા છતાં ખેતપેદાશોનાં ઉત્પાદનના આંકડા સતત ઘટતા રહ્યા, જેને કારણે અનાજ બાબતે પણ ઇમ્પોર્ટ પરની નિર્ભરતા વધી. પાકિસ્તાનમાં આજે નદીઓ દ્વારા મળતું પાણી સિંચાઈ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવને કારણે ૬૦થી ૬૫ ટકા જેટલું બરબાદ થઈ જાય છે. મતલબ કે વપરાશ વિનાનું વહી જાય છે.
ભ્રષ્ટાચાર પણ પાકિસ્તાનને આર્થિક દૃષ્ટિએ ભરખી જનારું એક મોટું કારણ છે. રાજકારણીઓથી લઈને પાકિસ્તાનની આર્મ્ડ ફોર્સ સુધી અને ગ્રામ પંચાયતથી લઈને નગરપાલિકા સુધી દરેક ક્ષેત્રે ભ્રષ્ટાચાર નામની ઉધઈ દેશને વર્ષોથી ખોખલો કરી રહી છે. એક અંદાજ અનુસાર પાકિસ્તાનમાં એક સમય એવો હતો જ્યારે નૅશનલ ટ્રેઝરી માત્ર ભ્રષ્ટાચારને કારણે દર વર્ષે ૨૦ મિલ્યનનું નુકસાન કરી રહી હતી. એ સમયે પાકિસ્તાનના અર્થશાસ્ત્રીઓ દ્વારા અનેક વાર કહેવામાં આવ્યું હતું કે કેટલીક સરકારી સંસ્થાઓ અને સેક્ટર્સને ખૂબ ઝીણવટપૂર્વક ઑડિટની જરૂર છે, કારણ કે અમારા અભ્યાસ મુજબ અહીં સૌથી વધુ ભ્રષ્ટાચાર છે, જેમાં પાવર સેક્ટર, ટૅક્સ ડિપાર્ટમેન્ટ, લો એન્ફોર્સમેન્ટ ઍન્ડ પોલીસ, હેલ્થ ઍન્ડ એજ્યુકેશન અને લૅન્ડ ઍડ્મિનિસ્ટ્રેશન જેવાં અનેક સેક્ટર્સ અને ઑફિસિસ તેમણે ગણાવ્યાં હતાં.
મોંઘવારીનો દર, પાકિસ્તાનમાં હમણાં ઇન્ફ્લેશન રેટ છેલ્લાં ૪૮ વર્ષની ટોચે છે, ૨૭.૬૦ ટકા. આ એક વિસિયસ સર્કલ છે. હવે સામાન્ય રીતે આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે કોઈ પણ દેશની સરકાર કેટલાંક લાંબા અને ટૂંકા ગાળાનાં પગલાં લેતી હોય છે, જેમાંનાં કેટલાંક પગલાં સામાન્ય પ્રજા માટે આકરા કહી શકાય એવાં પણ હોય, જેમ કે સરકાર દ્વારા મળતી સબસિડીમાં ઘટાડો કરવો અથવા સબસિડી સદંતર બંધ કરી દેવી. એ જ રીતે ટૅક્સ બર્ડન વધારવાથી લઈને વ્યાજના દરો મોંઘા કરવા જેવા અનેક આર્થિક સુધારાનાં પગલાંઓ લેવાતાં હોય છે, પરંતુ પાકિસ્તાને શું કર્યું? સબસિડી ઘટાડવા કે બંધ કરવાની જગ્યાએ નવી-નવી સરકારોએ ઊલટાની સબસિડી વધારી અથવા ચાલુ રાખી, જેથી જે-તે સરકારની સામાન્ય પ્રજા વાહવાહી કરતી રહે. આઇએમએફ દ્વારા પણ સલાહ આપવામાં આવી હતી અને પોતાના દેશના અર્થશાસ્ત્રીઓએ પણ અનેક વાર હુકમરાનને કહ્યું હતું કે ઑઇલ પ્રોડક્ટ્સ પર સબસિડી ઓછી કરો, બંધ કરો અને સરકાર પર પડતો બોજો ઘટાડવાનો પ્રયત્ન કરો, પરંતુ મિયાં ઇમરાન ખાન અને એ પહેલાંના નેતાઓને દેશની આર્થિક પરિસ્થિતિ કરતાં રાજકારણી લાભ વધુ વહાલા લાગતા હતા. આથી ભલે સરકારની તિજોરી ખાલી થાય, છતાં સબસિડી ઘટાડવાનો કે બંધ કરવાનો નિર્ણય ક્યારેય લેવાયો જ નહીં. હવે આજે પરિસ્થિતિ એ છે કે પહેલાંનાં બાકી દેવાંને કારણે મોટા ભાગના ઑપેક દેશો પાકિસ્તાનને ઑઇલ પ્રોડક્ટ્સ મોકલવા રાજી નથી અને ધારો કે કોઈ મોકલાવવા તૈયાર થાય છે તો ખરીદી શકવા જેવી આર્થિક પરિસ્થિતિ હવે રહી નથી. આખરે, થાકી-હારીને વર્તમાન સરકારે પેટ્રોલ, ડીઝલ અને કેરોસીન પરની સબસિડી ઘટાડી અને વેચાણભાવમાં વધારો કર્યો. આ ભાવવધારો એટલો બધો છે કે સામાન્ય માણસની કમર તૂટી જાય એમ છે.
અચ્છા, એક કડવી હકીકતથી તમને વાકેફ કરાવી દઈએ. જે પાકિસ્તાન વર્ષોથી ભારત સામે ખોટા ફાંકામાં રહેતો હતો અને આજે આ પરિસ્થિતિમાં પણ ક્રિકેટ ટૂર બાબતે કૉલર અને આંખો ચડાવે છે એ પાકિસ્તાન એનાં ૭૫ વર્ષના ઇતિહાસમાં કુલ ૨૪ વાર આઇએમએફ પાસે ભીખનો કટોરો લઈને જઈ ચૂક્યું છે. મતલબ કે આઇએમએફે તેને હમણાં સુધીમાં ૨૩ વાર તો બેલઆઉટ કર્યું જ છે અને આ હમણાં જે આજીજી થઈ રહી છે એ ૨૪મી વારની મદદનો ઇન્સ્ટૉલમેન્ટ છે. અર્થાત્ એક સરેરાશ કાઢીએ તો પાકિસ્તાનીઓને ભીખ હવે એટલી કોઠે પડી ગઈ છે કે દર સવાત્રણ વર્ષે એ રોક્કળ કરતો આઇએમએફ પાસે જાય છે અને કહે છે, અમને પૈસા આપો, અમને મદદ કરો, અમને બચાવી લો.
પરંતુ, ૨૩-૨૩ વાર બચાવી ચૂકેલી આઇએમએફને હવે સમજાઈ ચૂક્યું છે કે પાકિસ્તાનને હવે આ બેલઆઉટ પૅકેજની આદત પડી ગઈ છે. આથી આ વખતે થોડા સ્ટ્રિક્ટ થતાં તેણે બેલઆઉટ પૅકેજ અન્ડર રીવ્યુ સ્ટેટ્સમાં નાખી દીધું છે અને પાકિસ્તાનને કહ્યું છે કે પહેલાં તમારા દેશમાં સ્ટ્રિક્ટ રિફૉર્મ્સ લાવો, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટૅક્સિસ વધારી બની શકે એટલી સરકારની સ્થિરતા અને સધ્ધરતા વધારવાનો પ્રયત્ન કરો, પછી અમે ડિસબર્સમેન્ટનું વિચારશું.
શા માટે જીવી જશે?
આજે હવે વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે પાકિસ્તાનમાં પાવર સપ્લાય માટેની વ્યવસ્થા તો છે, પણ પાવર નથી, કારણ કે જે ચાઇના પોતાને પાકિસ્તાનનો મિત્ર ગણાવતું હતું તેણે પાકિસ્તાનમાં જ ઊભા કરેલા લગભગ ૨૧ જેટલા પાવર પ્લાન્ટ્સ બંધ કરી દીધા છે, કારણ કે પાકિસ્તાન પાસે એ ચલાવી શકાય એટલા પૈસા નથી, પરંતુ આ બધી જ પરિસ્થિતિ હોવા છતાં પણ પાકિસ્તાન બચી જશે અને જીવી જશે, કારણ કે એવા અનેક લોકો અને અનેક દેશો છે જેમને પાકિસ્તાન આવી મરણતોલ હાલતમાં જ જીવતું રહે એમાં રસ છે, જેમ કે ચાઇના માટે જીઓપૉલિટિક્લ દૃષ્ટિએ પાકિસ્તાન એક મહત્ત્વનો દેશ છે. મદદ કે દેવાના નામે ચાઇના પાકિસ્તાનમાં રોડ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પોર્ટ્સ વગેરે ડેવલપ કરી રહ્યું છે, જેથી બાયલેટરલ ટ્રેડ્સથી લઈને ભારત પર દબાણ બનાવી રાખવા માટે પણ એનો જરૂર પડ્યે ઉપયોગ થઈ શકે.
અમેરિકા અને બ્રિટન જેવા દેશો માટે પણ પાકિસ્તાન જીવતું રહે એ મહત્ત્વનું છે, કારણ કે રશિયા સાથે સતત ચાલતા રહેતા ટેન્શનને કારણે યુક્રેન જેવા યુરોપના દેશોને મદદ પહોંચાડવા માટે આ બન્ને દેશો પાસે પાકિસ્તાન થઈને જતો માર્ગ જ સૌથી સુલભ છે. તો બીજી તરફ અફઘાનિસ્તાન અને ઈરાન સાથે અમેરિકાને કેવા સંબંધો છે એ વિશે તો વિશ્વ આખું જાણે જ છે. જો પાકિસ્તાન મરી પરવારે તો અફઘાનિસ્તાન અને ચાઇના એ બે સૌથી પહેલાં એવાં રાષ્ટ્રો છે જે પોતાનું શાસન સાબિત કરવાની હોડમાં પડી જાય. એ નહીં થાય અને જરૂર પડ્યે અફઘાનિસ્તાન કે ઈરાન સામે પગલાંઓ લેવા માટે પણ પાકિસ્તાનની જરૂર પડી શકે.
અંગ્રેજ શાસન દરમ્યાન હતો એવો સમય હવે રહ્યો નથી કે તમે કોઈ દેશને ગુલામ બનાવી શકો. આથી આધુનિક સમયમાં જો કોઈ દેશને પોતાનો ગુલામ બનાવવો હોય તો સૌથી સરળ રસ્તો છે એને દેવાના પહાડ નીચે કચડી નાખો, જેથી એ હંમેશાં તમારી રહેમ નજર હેઠળ રહે અને પાકિસ્તાન હમણાં એ જ પરિસ્થિતિમાં જીવી રહ્યું છે, જ્યાં તેને અનેક દેશોની રહેમ નજરની જરૂર રહેશે.
ટૂંકમાં આ એક એવી વિસિયસ સાઇકલ છે જેમાંથી બહાર નીકળવા માટે દેશની સેન્ટ્રલ બૅન્ક જ મદદ કરી શકે. બૅન્કની પોતાની જ હાલત હમણાં એવી છે કે એને લેટર ઑફ ક્રેડિટ અને પેમેન્ટ ગૅરન્ટી જેવાં બાંયધરી કાગળો ઇશ્યુ કરવાના જ બંધ કરી દીધા છે. ઇમ્પોર્ટ અને ટ્રેડ સેટલમેન્ટ માટે મૂળભૂત જરૂરિયાત સમા ગણાતાં આ ફાઇનૅન્શિયલ પેપર્સ જ જ્યારે સેન્ટ્રલ બૅન્ક ન આપી શકે તો વ્યાપાર કે ઇમ્પોર્ટ થશે ક્યાંથી?