વિલ યુ બી માય વૅલેન્ટાઇન: પ્રેમનો એકરાર કરવા માટે કોઈ એક દિવસ જરૂરી છે?
પ્રતીકાત્મક તસવીર
તમે મારી વસંત બનશો?
વાતની શરૂઆત કરી એ સવાલનો સીધોસાદો અને સરળ ભાવાર્થ જો કાઢવાનો હોય કે કહેવાનો હોય તો આ ભાવાર્થ થઈ શકે ઃ તમે મારી વસંત બનશો.
ADVERTISEMENT
આ જ ભાવાર્થ સાચો અને વાજબી છે. એક સમય હતો કે આપણે ત્યાં આ વૅલેન્ટાઇન્સ ડેનો જબરદસ્ત વિરોધ થતો. લાગણીઓની અભિવ્યક્તિ કરવા માટે મળતા કે પછી એકત્રિત થતા લોકોની સાથે અત્યંત ખરાબ વર્તન કરવામાં આવતું. ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ જેવા સ્ટેટ્સમાં તો પ્રેમીઓનાં કાળાં મોઢાં પણ કરવામાં આવતાં હતાં. આપણે ત્યાં પણ આવું થયું છે, પણ એ ભાગ્યે જ બનતી ઘટના હતી. મુંબઈ આ બધામાં લાંબો સમય જોડાયેલું રહ્યું નહીં એ ખરેખર એકેક મુંબઈકરનાં સદ્નસીબ છે. કોઈ દિવસનો વિરોધ કરવાની આવશ્યકતા અંગત રીતે મને લાગી નથી. હા, પર્યાવરણના નામે આવી-આવીને લોકો જે પ્રકારે વિરોધ કરે છે એ વાત ગુસ્સો આપે એવી ચોક્કસ છે. આજે વૅલેન્ટાઇન્સ ડે છે. પ્રેમની લાગણી અને મોહબ્બતની ભાવના વ્યક્ત કરવાનો દિવસ પણ કોઈ કહેશે ખરો. આટલી ઉમદા અને ઉત્કટ લાગણી વ્યક્ત કરવા માટે એક જ દિવસ શું કામ હોવો જોઈએ? પ્રેમ માટે લોકો આખી જિંદગી ન્યોછાવર કરી નાખે છે અને મોહબ્બત માટે ખુવાર થઈ જતાં પણ અટકતા નથી ત્યારે શું કામ કોઈ એક દિવસ પ્રેમના નામે કરીને લાગણી અને સંવેદનાને બાંધી દેવામાં આવે?
ના, જરાય નહીં, પ્રેમ અને લાગણીને આ રીતે એક દિવસ પૂરતાં સીમિત ન જ રાખવાં જોઈએ. હા, એ વાત જુદી છે કે આ એક દિવસ દરમ્યાન ક્યાંક છુપાઈ ગયેલી કે ક્યાંક ઠીંગરાઈ ગયેલી પ્રેમની ભાવના નવેસરથી વ્યક્ત થાય અને વીસરાઈને વેદના બની ગયેલી સંવેદના નવેસરથી જાગ્રત થાય. જો આ રીતે વાતને વિચારીએ તો મનમાં વધુ એક પ્રશ્ન એ પણ જન્મે કે શું કામ આ પ્રેમ માત્ર બૉયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ કે હસબન્ડ અને વાઇફની વાતો કરનારો જ હોય. શું કામ બાપ-દીકરીના કે મા-દીકરાના, ભાઈ-બહેનના પ્રેમ સાથે આ દિવસને જોડી ન શકાય? જોડવો જ જોઈએ, કારણ કે વાત પ્રેમની છે, વાત લાગણીની છે અને વાત સંવેદનાની છે. આજના દિવસે સવારે જાગીને દીકરી તેના પપ્પાને પ્રેમથી ‘આઇ લવ યુ’ કહે તો એથી બીજું ઉત્તમ શું હોઈ શકે? આજે સવારે દીકરો પોતાની મમ્મીને પ્રેમથી એક ગિફ્ટ આપે એનાથી રૂડું બીજું શું હોય? આજે, વૅલેન્ટાઇન્સ ડેની સવારે ભાઈ બહેન માટે ભેટ લાવ્યો હોય એ વિચાર જ કેટલો ઉમદા અને ઉત્તમ છે.
પ્રેમને ક્યારેય કોઈ એક ચોક્કસ વિષયવસ્તુ સાથે બાંધી ન રાખવો જોઈએ. મીરા અને કૃષ્ણનો પ્રેમ ક્યાંય અને કોઈ દૃષ્ટિથી જગતના એક પણ પ્રેમ સાથે સરખાવી શકાતો નથી અને એ પછી પણ ચોક્કસ કહેવું પડે કે એ પ્રેમ વિશ્વનો સૌથી શ્રેષ્ઠ પ્રેમપ્રસંગ પૈકીનો એક છે. એવું જ કાના અને રાધાનો પ્રેમ રહ્યો છે. નિઃસ્વાર્થ અને એકદમ પારદર્શક પ્રેમ. લાગણીઓને તરબોળ કરી નાખે એવો પ્રેમ જે દિવસે સરેઆમ ઊજવવામાં આવતો હોય એવા સમયે દરેકેદરેક વ્યક્તિએ પોતાના મનગમતા સ્વજન સામે પ્રેમની અભિવ્યક્તિ કરી લેવામાં ખચકાવું ન જોઈએ, એ જ રીતે જે રીતે હું તમારી સામે મારા પ્રેમની લાગણી દર્શાવતાં જરા પણ ગભરાવાનો નથી અને આજે પૂછી લેવાનો છું, ‘વિલ યુ બી માય વૅલેન્ટાઇન?’

