હંસતે હંસતે કટ જાએ રસ્તે, ઝિંદગી યૂં હી ચલતી રહે... હિન્દી ફિલ્મના આ ગીતમાં જીવનની સચ્ચાઈ છુપાયેલી છે. દરેકના જીવનમાં સુખ-દુઃખનું જે ચક્ર છે એ આવવાનું છે
પ્રતીકાત્મક તસવીર
હંસતે હંસતે કટ જાએ રસ્તે, ઝિંદગી યૂં હી ચલતી રહે... હિન્દી ફિલ્મના આ ગીતમાં જીવનની સચ્ચાઈ છુપાયેલી છે. દરેકના જીવનમાં સુખ-દુઃખનું જે ચક્ર છે એ આવવાનું છે એટલે સુખની સાથે દુઃખનો પણ જીવનમાં હસતા મોઢે સ્વીકાર કરીને આગળ વધવામાં જ ભલાઈ છે. આજે ઇન્ટરનૅશનલ ડે ઑફ હૅપીનેસ છે ત્યારે કેટલાક એવા લોકોને મળીએ જેમણે જીવનને રાજીખુશીથી વિતાવવાની કળા શીખી છે. સાથે જ આપણે પણ લાઇફ-કોચ પાસેથી ખુશ રહેવાની કળા શીખી લઈએ જેથી જીવનમાં આપણે દુખી કે ઉદાસ ન રહીએ
ADVERTISEMENT
આજે એટલે કે ૨૦ માર્ચે વિશ્વભરમાં ઇન્ટરનૅશનલ ડે ઑફ હૅપીનેસ ઊજવાય છે, જેનો ઉદ્દેશ એ છે કે લોકો સમજે કે જીવનમાં ખુશ રહેવું કેટલું જરૂરી છે. ખુશ રહેવાથી આપણું માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે. ચિંતા, તનાવ ઓછાં થાય. ફક્ત માનસિક નહીં, શારીરિક સ્વાસ્થ્ય પણ સુધરે. ખુશ રહેવાથી આપણા હૃદયનું સ્વાસ્થ્ય સુધરે એટલું જ નહીં, આપણે ખુશ હોઈએ ત્યારે વધુ ઊર્જાનો અનુભવ કરીએ. જીવનમાં સકારાત્મક દૃષ્ટિકોણ આવે. જીવનમાં સંતુલન બન્યું રહે. આપણે આપણા અંગત અને વ્યાવસાયિક જીવનમાં સારું કામ કરી શકીએ. બીજા સાથેના આપણા સંબંધો વધુ મજબૂત થાય. ખુશ રહેવાના આટલાબધા ફાયદા છે. આજે આપણે આવા જ કેટલાક લોકોનો એક્સ્પીરિયન્સ જાણીએ જેમની લાઇફમાં ઉતાર-ચડાવ આવ્યા છે છતાં તેમણે જીવનમાં ખુશ રહેવાનું છોડ્યું નથી. એ લોકો પોતે તો આનંદમાં રહે જ છે અને સાથે-સાથે તેમની આસપાસના લોકોને પણ આનંદિત રાખવાનો પ્રયત્ન કરે છે.
ફુટપાથ પર ગરીબ પરિવાર ખુશ રહેતાં શીખવાડી ગયો
કેજલ કાળે-પુરબિયા
આપણા બધાના જ જીવનમાં એવો પડાવ આવે છે જ્યારે આપણે એમ વિચારીએ કે મારી સાથે જ આવું કેમ થાય છે? આપણે નિરાશ થઈ જઈએ. હસવાનું ભૂલી જઈએ છીએ. જીવનમાં આવો જ પડાવ મરીન લાઇન્સમાં રહેતી અને ફાઇનૅન્સ ફર્મમાં રિલેશનશિપ મૅનેજર તરીકે કામ કરતી ૨૧ વર્ષની કેજલ કાળે-પુરબિયાના જીવનમાં પણ આવેલો. એ સમયે તેના જીવનમાં એક એવી ઘટના બની જેણે તેનો જીવન પ્રત્યે જોવાનો નજરિયો બદલી નાખ્યો, તેને જીવનમાં ખુશ રહેતાં શીખવાડી દીધું. આ વિશે વાત કરતાં તે કહે છે, ‘હું જ્યારે બૅચલર ઑફ અકાઉન્ટિંગ ઍન્ડ ફાઇનૅન્સના ફાઇનલ યરમાં હતી ત્યારે મારા જીવનનો સૌથી ખરાબ તબક્કો આવેલો. પપ્પાનું સ્વાસ્થ્ય ખરાબ રહેવા લાગેલું, મમ્મીને પણ હેલ્થ-ઇશ્યુઝ હતા, ઘરમાં આર્થિક ભીંસ આવી, કંકાસ શરૂ થઈ ગયો. ઘરમાં એટલી સમસ્યા હતી કે હું મારા ભણતર પર ધ્યાન આપી શકતી નહોતી. હું નિરાશ અને હતાશ રહેવા લાગી. એની અસર મારા સ્વાસ્થ્ય પર પણ પડી. હું બીમાર રહેવા લાગી. એક વાર હું વૉક પર જવા નીકળી. એ સમયે પણ મારા દિમાગમાં એવા જ વિચારો ચાલતા હતા કે બધું મારી સાથે જ કેમ ખરાબ થાય છે? ચાલતાં-ચાલતાં મારી નજર ફુટપાથ પર રમી રહેલાં બે-ત્રણ નાનાં બાળકો પર પડી. એ લોકો ખૂબ ખુશ હતાં. હસતાં-રમતાં હતાં. તેમને જોઈને મને વિચાર આવ્યો કે આ લોકો પાસે નથી રહેવા માટે ઘર કે નથી પહેરવા માટે કપડાં. તેમને બે ટાઇમનું પ્રૉપર જમવાનું પણ માંડ મળતું હશે. તેમની સરખામણીમાં તો મારી પાસે કેટલું બધું છે? તેમ છતાં હું કેમ મારી પાસે જે વસ્તુ છે એ માટે થઈને ધન્યતા અનુભવવાને બદલે જીવનમાં જે વસ્તુ ખરાબ થઈ રહી છે એને લઈને રોયા કરું છું? એ પછીથી મેં નક્કી કર્યું કે હું જીવનમાં ખુશ રહેવાનો પ્રયત્ન કરીશ. બધાના જીવનમાં સુખ-દુઃખની જે સાઇકલ છે એ ચાલ્યા કરતી હોય છે. ફક્ત મારા જ જીવનમાં દુઃખ છે એવું નથી. એટલે હું જે પરિસ્થિત આવી છે એમાંથી બહાર કઈ રીતે નીકળવું એ વિચારીશ. અગાઉ પણ હું જ્યારે કૉલેજથી ઘરે આવતી-જતી ત્યારે રસ્તા પર આવા ગરીબ પરિવારોને જોતી. એ સમયે તેમને જોઈને મને કોઈ એવી લાગણી નહોતી થતી કે એવો કોઈ ઊંડો વિચાર નહોતો આવતો. જોકે મારો ખરાબ સમય આવ્યો ત્યારે મને એ વાતનું રિયલાઇઝેશન થયું કે જીવનમાં દુઃખ પર જ જો ધ્યાન કેન્દ્રિત કરીશું તો દુખી જ રહીશું. એટલે આપણી પાસે જે છે એમાંથી નાની-નાની ખુશીઓ શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ. હૅપીનેસ એક મેડિસિન સમાન છે. આપણે ખુશ રહીશું તો આપણું સ્વાસ્થ્ય સારું રહેશે, આપણે જીવનમાં વધુ પૉઝિટિવ બનીશું, આપણી સાથે જે જોડાયેલા છે તેમને પણ ખુશ રાખી શકીશું.’
ખુશી આવે એની રાહ નથી જોતી, જાતે શોધી લઉં છું
હીરા મહેતા
જીવન ખૂબ નાનું છે એટલે હંમેશાં ખુશ રહેવું જોઈએ એવું માનવું છે અંધેરીમાં રહેતાં ૭૦ વર્ષનાં રિટાયર્ડ બૅન્કર હીરા મહેતાનું. હીરાબહેન કહે છે, ‘મને જીવનમાં હર પળ ખુશ રહેવાનું શીખવાડનાર મારી મમ્મી છે. તેમનું સપનું હતું કે તેમને સ્વિટ્ઝરલૅન્ડમાં જઈને ઍલ્પ્સના પર્વત જોવા છે. ઘર અને પરિવારની જવાબદારી વચ્ચે તેમને જીવનમાં કયારેય હરવા-ફરવા મળ્યું નહોતું. પપ્પાની તબિયત પણ ખરાબ રહેતી હોવાથી તેમને ક્યાંય જવા મળતું નહીં. મારી મમ્મીની ઇચ્છા પૂરી થાય એ પહેલાં જ તેમનું અવસાન થઈ ગયું. એટલે આ વાતનો મને ઘણો વસવસો હતો. તેમના ગુજરી ગયા પછી મને સમજાયું કે જીવનમાં જે વસ્તુ કરવાનું મન હોય એ કરી લેવી જોઈએ. હું બૅન્કમાંથી રિટાયર થઈ ત્યારે મારી પાસે કોઈ પ્લાન નહોતો. થોડા સમય માટે હું નિરાશ પણ રહી હતી. સમજાઈ નહોતું રહ્યું કે મારે હવે જીવનમાં કરવું શું? જોકે મેં એ પછીથી નક્કી કર્યું કે હું જીવનમાં એ વસ્તુને પ્રાધાન્ય આપીશ જેનાથી મને આનંદ મળે છે. આજે હું પૉડકાસ્ટર, વૉઇસ-આર્ટિસ્ટ તરીકે કામ કરું છું. હું રાઇટર પણ છું. મને હંમેશાંથી ક્રીએટિવ ફીલ્ડમાં કામ કરવામાં રસ રહ્યો છે. જોકે અમારા જમાનામાં આ બધી વસ્તુને એટલું મહત્ત્વ નહોતું. પેરન્ટ્સને એમ જ લાગતું કે બાળક ભણીને કોઈ સારી ડિગ્રી મેળવશે તો જ કારકિર્દી બનાવી શકશે. એ સમયે પણ હું સ્ટડીમાંથી જયારે પણ થોડોઘણો સમય મળે ત્યારે ડ્રૉઇંગ-ક્રાફ્ટ કરવા બેસી જતી અથવા સ્ટોરી લખવા બેસી જાઉં. મને આ બધી વસ્તુ કરવાથી આનંદ મળતો. આજે રિટાયર થયા પછી પણ હું મારી મનગમતી વસ્તુ કરીને ખુશ રહેવાનો પ્રયત્ન કરું છું. બાકી જીવનમાં નાની-મોટી સમસ્યાઓ તો આવતી જ રહેતી હોય છે. એને લઈને દુખી થવા કરતાં જીવનમાં ખુશ રહેવાના રસ્તાઓ શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ. હું મારા જીવનમાં ખુશી આવે એની રાહ જોતી નથી. જીવનમાં નાની-નાની વસ્તુઓ છે એમાંથી ખુશી મેળવી લઉં છું. જીવનમાં ખુશ રહેવું, આનંદિત રહેવું ખૂબ જરૂરી છે. એ તમને જીવનમાં આગળ વધવા માટે ચાલકબળ પૂરું પાડે છે.’
મોજમાં રહું ને બીજાને પણ મોજમાં રાખું છું
દીપક જોશી
‘મારી દુકાનમાં નાનાં બાળકોથી લઈને કિશોરો, યુવાનો, મહિલાઓ, વૃદ્ધો બધી જ વયજૂથના લોકો સામાન લેવા માટે આવે છે. અમારી દુકાનમાં આવતા બધા જ ગ્રાહકો સાથે મારા ઘરેલુ સંબંધો છે. મારો હંમેશાં એવો પ્રયત્ન હોય કે સામાન લેવા માટે આવનાર વ્યક્તિ મારી દુકાનેથી નીકળે ત્યારે તેના ચહેરા પર સ્મિત હોય. હું તેમની સાથે ખૂબ આત્મીયતા અને પ્રફુલ્લિત થઈને વાતચીત કરું છું.’
આ શબ્દો છે મીરા રોડમાં રહેતા અને સુપરમાર્કેટ ચલાવતા ૪૨ વર્ષના દીપક જોશીના. દીપકભાઈ તેમના આવા ખુશમિજાજી સ્વભાવ વિશે વાત કરતાં કહે છે, ‘મારો સ્વભાવ પહેલેથી જ આવો છે એવું નથી, મારા જીવનમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા છે જેમાં હું હતાશ અને નિરાશ થઈ જતો હતો. મને જીવનમાં આનંદિત રહેતાં અને સકારાત્મકતા સાથે જીવતાં શીખવાડવામાં બે જણનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. એમાંથી એક ગુજરાતી મોટિવેશનલ સ્પીકર સંજય રાવલ અને બીજા આર. જે. કાર્તિક છે જેમની પ્રેરણાત્મક વાર્તાઓએ મને જીવનને જોવાનો નવો દૃષ્ટિકોણ આપ્યો. હું હંમેશાં મોજમાં રહું છું એનાં ત્રણ કારણ છે. એક તો હું ભગવાન પર અતૂટ શ્રદ્ધા ધરાવું છું અને જીવનમાં જે પણ સારીનરસી પરિસ્થિતિ આવે એનો સહર્ષ સ્વીકાર કરીને એમ વિચારું છું કે ભગવાને જે કર્યું એ સારું જ કર્યું હશે. આપણને કોઈ પૂછે કે કેમ છો, તો આપણે જનરલી એવો જવાબ આપતા હોઈએ કે મજામાં છીએ. જોકે અંદરખાને આપણને બધાને ખબર હોય છે કે પૂછવાવાળો અને જવાબ આપવાવાળો બન્ને મજામાં હોતા નથી. આ તો ઔપચારિકતા માટે જવાબ આપવો પડે એટલે આપતા હોઈએ છીએ. જોકે કોરોનાકાળ પછીથી મને કોઈ પૂછે કે તમે કેમ છો? તો મારો એક જ જવાબ હોય છે કે પરમાત્માની કૃપા છે. આવું એટલા માટે કારણ કે કોરોનામાં એટલી ભયંકર સ્થિતિ સર્જાયેલી કે લાખો લોકોના જીવ જતા રહ્યા પણ મારા પરિવારના બધા જ સભ્યો સહીસલામત હતા. એટલે હું એમ માનું છું કે પરમાત્માએ આપણા માટે કંઈક સારું વિચાર્યું છે. બીજું એ કે હું ખુશ રહેવા માટે કોઈ પ્રસંગની રાહ જોતો નથી. એમ નથી વિચારતો કે વેકેશન પર જઈશ કે કોઈ ફંક્શન અટેન્ડ કરીશ ત્યારે ત્યાં ખૂબ મજા માણીશ. હું મારી દુકાનમાં બેઠો-બેઠો ૩૬૫ દિવસ ખુશ રહું છું. ત્રીજું, હું હંમેશાં માનું છું કે મને જે મળ્યું એ બેસ્ટ જ છે. જે છે એમાં આનંદ મેળવું છું. આજે મારી પાસે ફોર્ડની ગાડી છે. મને મર્સિડીઝ ચલાવવાની ઇચ્છા છે. જોકે હું ફોર્ડ ચલાવીને પણ ખુશ છું, કારણ કે આજે જે મારી પાસે છે એ ખરીદવાનું ઘણા લોકો માટે સપનું હોય છે.’
શીખો ખુશ રહેવાની કળા
ઘણા લોકો છે જેમને ખુશ રહેવું છે, પણ ખબર નથી પડતી કે ખુશ કઈ રીતે રહેવું. ખુશ રહેતાં શીખવું પણ એક કળા છે. એ કળાને જીવનમાં કેળવતાં શીખવું પડે. એટલે જ આજે એક્સપર્ટ પાસેથી એ પણ જાણી લઈએ કે જીવનમાં ખુશ રહેવાની શરૂઆત કઈ રીતે કરી શકાય. આ વિશે વાત કરતાં છેલ્લાં પંદર વર્ષથી લોકોના જીવનમાં આનંદ અને સકારાત્મકતા લાવવાનો પ્રયત્ન કરતા લાઇફ-કોચ જિતેન્દ્ર ગુપ્તા કહે છે...
લાઇફ-કોચ જિતેન્દ્ર ગુપ્તા
હૅપીનેસ મનની એક સ્થિતિ છે. આપણે મનમાં કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિનો પ્રતિકાર કરીએ છીએ ત્યારે આપણને સ્ટ્રેસની અનુભૂતિ થાય છે. એટલે પ્રતિકાર કરવાનું છોડીને એ વાતનો સ્વીકાર કરી લેવો જોઈએ કે જે જેવું છે એવું છે. સ્વીકારની ભાવનાથી મન શાંત થઈ જશે. મનમાં શાંતિની ભાવના હશે તો જ આનંદની અનુભૂતિ થઈ શકશે. આનંદની અનુભૂતિ કરવા માટે જીવનમાં નીચે જણાવેલી કેટલીક વસ્તુનો અમલ કરી શકાય.
ખુશીનો અનુભવ કરવા માટે આપણી પાસે જીવનમાં જે છે એને લઈને કૃતજ્ઞ હોવું ખૂબ જરૂરી છે. તમારી પાસે સારું સ્વાસ્થ્ય હોય, રહેવા માટે ઘર હોય, પરિવાર હોય, સારી નોકરી હોય તો આ બધી વસ્તુને લઈને કૃતજ્ઞતાની ભાવના રાખવી જોઈએ જેનાથી મન પ્રફુલ્લિત રહેશે. આપણે જીવનમાં એટલે ખુશ નથી રહી શકતા કારણ કે જીવનમાં જે વસ્તુ નથી એના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. આમ કરવાને બદલે આપણે એમ વિચારવું જોઈએ કે હું કે સદ્નસીબ છું કે મારી પાસે આ બધી વસ્તુઓ છે. એવી જ રીતે જીવનમાં જે વસ્તુ આપણી પાસે છે એની કદર કરતાં શીખવું જોઈએ. જીવનમાં નાની-નાની વસ્તુઓ કે એવી કોઈ વ્યક્તિ હોય તો એનામાં રહેલી ખૂબીઓ જોવાનો પ્રયત્ન કરવો જોઈએ.
એવી જ રીતે જ્યારે તમે જીવનમાં નિઃસ્વાર્થ થઈને તમારી સાથે જોડાયેલા લોકોના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયત્ન કરશો તો એનાથી પણ તમને ખુશી મળશે. બીજાના ચહેરા પર સ્મિત લાવવા માટે તેમને કોઈ ગિફ્ટ ખરીદીને આપવી પડે એવું નથી. તમે તેમની પ્રશંસામાં બે સારા શબ્દો કહો, તે જીવનમાં દુખી કે નિરાશ હોય તો તમે તેમની સાથે પ્રેરણાત્મક વાતો કરો કે ઘણી વાર ફકત સામેવાળાની વાતો સાંભળી લેવાથી જ તે ખુશ થઈ જતા હોય છે. ખુશી એવી વસ્તુ છે જે આપવાથી બમણી થાય છે. એટલે હંમેશાં એવો પ્રયત્ન કરવો કે મારા જીવનમાં જે લોકો છે તેમની લાઇફમાં મારે કંઈક વૅલ્યુ ઍડ કરવી છે.
ખુશ રહેવા માટે જીવનમાં સકારાત્મક અભિગમ રાખવો ખૂબ જરૂરી છે. એક ગ્લાસમાં અડધું પાણી ભરેલું હોય તો એને કયા નજરિયાથી જોવો એ તમારા હાથમાં છે. કોઈને એ અડધો ભરેલો લાગી શકે તો કોઈને એ અડધો ખાલી લાગી શકે. કહેવાનો અર્થ એ કે જીવનમાં કોઈ વસ્તુ પ્રત્યે જોવાનો તમારો નજરિયો જ ઘણી વાર તમને સુખી અને દુખી બનાવતો હોય છે. એટલે હંમેશાં જીવનમાં કોઈ ખરાબ પરિસ્થિતિ આવે ત્યારે એ સમયમાં પણ સારી વસ્તુઓ જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. સમજી લો કે કોઈનો અકસ્માત થયો છે. તો આપણે એમ વિચારીએ કે આમાં સારું શું થયું? તો સારું એ થયું કે ભલે તેનો અકસ્માત થયો, પણ કમ સે કમ તેનો જીવ તો બચી ગયો.
આ બધી એવી વસ્તુ છે જેની માટે તમારે કોઈ પૈસા ખર્ચ કરવાના નથી. આમાં ફક્ત તમારે તમારા માઇન્ડનું ફોકસ જીવનમાં જે નથી એના કરતાં જે છે એના પર કરવાનું છે. જીવનમાં ફક્ત મૂર્ખ લોકો જ દુખી થાય છે, કારણ કે ખુશ રહેવું એ આપણી પસંદગીની વાત છે. જો તમારી પાસે ખુશ થવાનો વિકલ્પ છે તો દુખી શા માટે રહેવું જોઈએ?

