Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > કૉલમ > વિશ્વના સૌથી જૂના અને સૌથી મોટા ખેલોત્સવ માટે તૈયાર થઈ જાઓ

વિશ્વના સૌથી જૂના અને સૌથી મોટા ખેલોત્સવ માટે તૈયાર થઈ જાઓ

Published : 21 July, 2024 11:20 AM | IST | Mumbai
Aashutosh Desai | feedbackgmd@mid-day.com

જાણીએ પૅરિસ ઑલિમ્પિક્સમાં બીજું શું નવું થઈ રહ્યું છે. મેડલ્સ માટે કયા ભારતીય ખેલાડીઓ પર આપણી નજર મંડાયેલી રહેશે એ પણ જાણી લો.

ઇલસ્ટ્રેશન

કરન્ટ ટૉપિક

ઇલસ્ટ્રેશન


૨૪ જુલાઈથી પૅરિસમાં ઑલિમ્પિક્સના મહાકુંભનો ગાજવીજ સાથે પ્રારંભ થઈ જશે અને ખરો ખેલ શરૂ થશે ૨૬ જુલાઈથી. આ વખતે ચાર નવી ગેમ્સનો સમાવેશ થવાનો છે ત્યારે જાણીએ પૅરિસ ઑલિમ્પિક્સમાં બીજું શું નવું થઈ રહ્યું છે. મેડલ્સ માટે કયા ભારતીય ખેલાડીઓ પર આપણી નજર મંડાયેલી રહેશે એ પણ જાણી લો.


T20 વર્લ્ડ કપની જીતનો જશ્ન તો હજી પૂરો પણ નથી થયો ત્યાં ઑ​લિમ્પિક ગેમ્સ-૨૦૨૪નાં બ્યૂગલ સંભળાવા માંડ્યાં છે. ૨૬ જુલાઈ અર્થાત્ આ શુક્રવારથી શરૂ થનારી પૅરિસ ઑ​લિમ્પિક્સ આવનારા એક મહિનો છ દિવસ ભારતનો જ નહીં પરંતુ વિશ્વનો સૌથી મોટો ખેલોત્સવ હશે. જોકે મજાની વાત એ છે કે આ ખેલમહોત્સવની ઓપનિંગ સેરેમની ભલે ૨૬ જુલાઈએ થવાની હોય, પરંતુ બે ખેલ એવા છે જેની સ્પર્ધા તો બે દિવસ પહેલાં એટલે કે ૨૪ જુલાઈથી જ શરૂ થઈ જશે. રગ્બી અને ફુટબૉલ આ બે ઑ​લિમ્પિક ગેમ્સ ૨૪ જુલાઈથી જ રમાવા માંડશે. વિશ્વભરમાં એવા કેટલાય ખેલાડીઓ હશે જેઓ પોતાની સ્પોર્ટ‍્સ-કરીઅરમાં અનેક ટુર્નામેન્ટ્સ કે ટાઇટલ્સ જીતી ચૂક્યા હશે, પરંતુ ઑ​લિમ્પિક્સનું તેમના માટે કંઈક અલગ જ મહત્ત્વ હોય છે. ઑ​લિમ્પિક્સમાં મળેલો એક મેડલ પણ તેમને મન બીજા અનેક મેડલ્સ કે ટાઇટલ્સ કરતાં વધુ મૂલ્યવાન હોય છે. અને કેમ ન હોય? આ એકમાત્ર ખેલોત્સવ એવો છે જેમાં ખેલાડીની સ્પર્ધા વિશ્વ આખાના માંધાતા ખેલાડીઓ સાથે હોય છે.



ઇતિહાસ ગવાહ હૈ


વિશ્વનો સૌથી વિશાળ અને સૌથી વૅલ્યુએબલ એવો ખેલોત્સવ વાસ્તવમાં વિશાળ અને વૅલ્યુએબલ બન્યો કઈ રીતે? શા માટે એમાં સળગાવવામાં આવતી મશાલ એની આગવી ઓળખ બની ગઈ? એવી માન્યતા છે કે ઑલિમ્પિક ખેલોત્સવની શરૂઆત ઈશુ ખ્રિસ્તના પણ જન્મ પહેલાંના સમયમાં થઈ ચૂકી હતી. એ સમયે આ ખેલોત્સવનું આયોજન ધાર્મિક ખેલ તરીકે ઍથેન્સમાં થતું હતું. એનો એક મુખ્ય આશય એ હતો કે આ ખેલોત્સવને કારણે સૈનિકોનું પ્રશિક્ષણ, તૈયારી અને કુશળતાનું આકલન થઈ જતું હતું.

એ સમયે મુખ્ય ખેલ તરીકે રથની સવારી, ઘોડદોડ, મુક્કાબાજી, દોડ, કુશ્તી જેવા ખેલો સામેલ હતા; પણ આ ખેલોમાં મશાલનું કેમ આટલું મહત્ત્વ છે? તો આ ખેલોત્સવમાં મશાલનું અસ્તિત્વ એ સમયથી છે જ્યારે એ ઈશુના જન્મ પહેલાં ઍથેન્સમાં યોજાતી હતી. કહેવાય છે કે એ સમયે આ મશાલ સૂર્યકિરણોની મદદથી સળગાવવામાં આવતી હતી અને એનું આ ખેલોત્સવમાં મહત્ત્વ એના પ્રતીક તરીકે છે. ઑ​લિમ્પિક્સની આ મશાલ વાસ્તવમાં શુદ્ધતા, પવિત્રતા અને જીવનની પૂર્ણતાનું પ્રતીક છે. ત્યાર બાદ આ ખેલોત્સવનું નામ ‘ઑ​લિમ્પિક્સ’ પડ્યું, કારણ કે એ ગ્રીસના ઑ​લિમ્પિયા શહેરમાં રમાતો ઉત્સવ હતો. ઑ​લિમ્પિયામાં રમાતો ખેલોત્સવ ધીરે-ધીરે ઑ​લિમ્પિક્સ તરીકે જાણીતો થવા માંડ્યો. આ પ્રાચીન ઑ​લિમ્પિક્સનું છેલ્લું આયોજન ૩૯૪ ઈ.સ.માં થયું હતું. એ સમયે આ ખેલોત્સવની પ્રથા કંઈક એવી હતી કે ખેલકૌશલ વિજેતાને ઇનામ તરીકે એક મૂર્તિ આપવામાં આવતી હતી. ત્યાર બાદ રોમના એ સમયના સમ્રાટ થીન્દોસિસે આ ખેલ મૂર્તિપૂજાનું પ્રતીક હોવાનું જણાવીને એના પર પાબંદી લગાવી દીધી અને ઑ​લિમ્પિક ગેમ્સ બંધ થઈ ગઈ.


આ પ્રતિબંધને કારણે અનેક વર્ષો સુધી ઑ​લિમ્પિક્સનું આયોજન બંધ થઈ ગયું. ધીરે-ધીરે લોકો આ ખેલ અને ખેલોત્સવ બન્નેને ભૂલી જવા માંડ્યા. ત્યાર બાદ છેક ૧૮૯૬ની સાલમાં ફ્રાન્સના બૅરોન પિયરે દ કુબર્ટિનના પ્રયાસોને કારણે એ ફરી શરૂ થઈ. કહાણી કંઈક એવી છે કે બૅરોન કુબર્ટિને આ પૌરાણિક ખેલ અને ખેલમહોત્સવ વિશે સાંભળ્યું હતું. તેમણે જ્યારે આ અમૂલ્ય વારસા વિશે જાણ્યું ત્યારથી તેમની એવી મનસા હતી કે કોઈ પણ પ્રયત્નો દ્વારા જો તેઓ આ ખેલોત્સવ ફરી શરૂ કરાવી શકે તો કેવું સારું. આ જ ઇચ્છા અને પ્રયત્નોને કારણે ગ્રીસના ઍથેન્સમાં જ ફરી એની શરૂઆત થઈ ૧૮૯૬ની સાલમાં. ઑ​લિમ્પિક્સના પ્રતીક એવી મશાલ સાથે પાંચ રાઉન્ડ સર્કલ એની ઓળખ શા માટે છે એ તો જોકે હવે કહેવાની જરૂર નથી કે એ વિશ્વના પાંચ કૉન્ટિનન્ટ ઉત્તર-દક્ષિણ અમેરિકા, એશિયા, યુરોપ, ઑસ્ટ્રેલિયા અને આફ્રિકાને દર્શાવે છે.

ઑ​લિમ્પિક્સમાં ભારતનો ચંદ્ર : મેજર ચંદ

જો કોઈ ભારતના ઑ​લિમ્પિક્સના ઇતિહાસ ​વિશે લખવા કહે તો નિઃશંક એનું પહેલું પાનું મેજર ધ્યાનચંદના નામે જ હોવાનું. તેમને ‘હૉકીના જાદુગર’ તરીકે ઓળખવામાં આવતા હતા. આપણે એવું કહીએ તો જરા પણ અતિશયોક્તિ નહીં ગણાય કે મેજર ધ્યાનચંદનું હૉકીમાં એ જ સ્થાન છે જે ક્રિકેટમાં સર ડૉન બ્રૅડમૅનનું છે. જી હા, ભારતનો આ ખેલરત્ન એટલા માટે ઇતિહાસના પાને અમર છે કારણ કે તેમણે હૉકીમાં ભારતને ત્રણ વાર, જી હા ત્રણ વાર ઑ​લિમ્પિક ગોલ્ડ મેડલ ​જિતાડ્યા હતા!    

આ વાત છે ૧૯૩૬ની, મેજર ધ્યાનચંદની આગેવાનીમાં ભારતે જીતેલા ત્રીજા સુવર્ણપદકની;એ સમયે પણ બર્લિનમાં ઑ​લિમ્પિક ખેલોત્સવનું આયોજન થયું હતું. ઑ​લિમ્પિક્સના એક મહિના પહેલાં જ અભ્યાસમૅચમાં જર્મની સામે હારી ચૂકેલું ભારત ઑ​લિમ્પિક્સની ફાઇનલ મૅચ પણ જર્મની સામે જ રમી રહ્યું હતું. જર્મનીના લાખો પ્રશંસકો સહિત ખુદ હિટલર પણ એ મૅચ જોવા સ્ટેડિયમમાં આવ્યા હતા! ભારતે જ્યારે જર્મનીને એના જ મેદાન પર હરાવ્યું ત્યારે હિટલરે મેજર ધ્યાનચંદ સાથે હાથ મિલાવતાં કહ્યું હતું, ‘મેં આજ પહેલાં તમારા જેવો હૉકીનો ખેલાડી નથી જોયો. તમારા હાથ અને હૉકી સ્ટિકમાં જાદુ છે!’ આટલું કહેતાં હિટલરે ધ્યાનચંદજીને પૂછ્યું હતું, ‘હૉકી રમવા સિવાય તમે શું કરો છો?’ ત્યારે મેજરે કહ્યું, ‘હું ભારતીય સેનામાં લાન્સનાયક છું!’

ધારણા મૂકી શકો કે હિટલરે તેમને શું કહ્યું હશે?

હિટલરે કહ્યું, ‘તમે જર્મની આવી જાઓ, હું તમને ફીલ્ડ માર્શલ બનાવી દઈશ!’ સેનાનું સર્વોચ્ચ પદ ફીલ્ડ માર્શલ! પણ ધ્યાનચંદજીનો પ્રત્યુત્તર તો એ પદથી પણ ઉપરનો હતો. તેમણે હિટલરને કહ્યું, ‘માફ કરશો, હું ભારતીય છું અને ભારત મારો દેશ છે. હું મારી માતૃભૂમિમાં જ ઠીક છું અને હું હંમેશાં મારા દેશ માટે જ રમવાનું પસંદ કરીશ!’

ભારત સાથે ઑ​લિમ્પિક્સનો ઇતિહાસ

સાલ હતી ૧૯૦૦. યોગાનુયોગ એ વર્ષે વિશ્વનો આ ખેલમહોત્સવ પૅરિસમાં જ યોજાયો હતો જ્યાં આ વર્ષે આયોજિત થયો છે. ભારતનો એક વિરલો પૅરિસની જમીન પર એવો દોડ્યો, એવો દોડ્યો કે ભારત માટે એક નહીં બે-બે મેડલ લઈ આવ્યો. આ દોડવીર એટલે નૉર્મન પ્રિચર્ડ. ૨૦૦ મીટર પુરુષોની દોડ અને ૨૦૦ મીટર પુરુષોની હર્ડલ રેસ. ૧૯૦૦ની સાલમાં ભારતને સૌપ્રથમ વાર ઑ​લિમ્પિક મેડલ્સ મળ્યા હતા.      

ત્યાર બાદ ૧૯૨૮ની ૨૬ મે. ઍમ્સ્ટરડૅમનું ઑ​લિમ્પિક સ્ટેડિયમ. મૅચ હતી ભારત બનામ નેધરલૅન્ડ્સ વિથ સ્ટિક ઍન્ડ બૉલ. હૉકી! ૩-૦ના સ્કોર સાથે ભારતે હોમલૅન્ડ પર નેધરલૅન્ડ્સને હરાવ્યું અને એ દિવસે ભારતને મળ્યો તેનો સૌપ્રથમ ઑ​લિમ્પિક ગોલ્ડ મેડલ! ત્યાર બાદ તો જાણે આપણા હૉકીસ્ટાર્સે નિર્ધાર જ કરી લીધો હતો કે ભારતના પરંપરાગત ખેલમાં વિશ્વના બીજા કોઈ દેશને જીતવા નહીં દઈએ. ૧૯૩૨, લૉસ ઍન્જલસ, ગોલ્ડ મેડલ ભારતને નામ! ગેમ હતી  હૉકી! ૧૯૩૬, બર્લિન વન્સ અગેઇન, ગોલ્ડ મેડલ ભારત કે નામ. ગેમ હતી હૉકી! અર્થાત્ ભારતે ઑ​લિમ્પિક્સમાં હૉકીની જીતમાં ગોલ્ડ મેડલમાં આ વર્ષે હૅટ-ટ્રિક કરી હતી. ત્યાર બાદ ૧૯૪૮, લંડન ઑ​લિમ્પિક્સ.  ફરી ગેમ હતી હૉકી અને ફરી ભારત જીતી લાવ્યું ગોલ્ડ! ૧૯૫૨ની એ ઑ​લિમ્પિક્સ જ્યારે હૉકીની મેચ રમાઈ હતી હેલ્સિન્કીમાં. ભારતે ફરી એક વાર વિશ્વને કહ્યું, ગોલ્ડ સે નીચે હમેં કુછ નહીં મંગતા! અને એ જ વર્ષે ભારતને એનો પહેલો ઑ​લિમ્પિક બ્રૉન્ઝ મેડલ પણ મળ્યો. ખેલ હતો રેસલિંગનો અને ખેલાડી હતો કે. ડી. જાધવ. આ બધાં વર્ષો બાદ પણ ભારતનો ઑ​લિમ્પિક્સમાં હૉકીમાં દબદબો તો એવો જળવાઈ રહ્યો કે ન પૂછો વાત! ૧૯૫૬ મેલબર્ન, ગોલ્ડ ઇન હૉકી! ૧૯૬૦માં રોમની ઑ​લિમ્પિક્સ, ભારતને સિલ્વર. ૧૯૬૪માં ટીમ ટોક્યો ગઈ અને જીતી લાવી ફરી એક વાર ગોલ્ડ, ગેમ હતી હૉકી. ૧૯૬૮, હૉકીમાં બ્રૉન્ઝથી જ સંતોષ માનવો પડ્યો. ૧૯૭૨માં ફરી એક વાર બ્રૉન્ઝ મેડલ આવ્યો ઘરે. ૧૯૮૦માં મૉસ્કોના ગ્રાઉન્ડ પર ફરી એક વાર ભારતના સિંહોએ હુંકાર કર્યો અને હૉકીમાં જીતી લાવ્યા ગોલ્ડ. ત્યાર બાદ ભારતની હૉકીને જાણે ગ્રહણ લાગી ગયું. મેડલ્સ જીતવાનું તો છોડો, ઘણી વાર ભારતની ટીમ ક્વૉલિફાય સુધ્ધાં ન થઈ શકી. લાંબા અંતરાલ બાદ છેક ૧૯૯૬માં ભારતને નવો ઑ​લિમ્પિક મેડલ મળ્યો જે લિએન્ડર પેસ ટેનિસમાં બ્રૉન્ઝ જીતી લાવ્યો હતો. ૨૦૦૦ની સાલમાં ફરી એક બ્રૉન્ઝ કર્નમ મલ્લેશ્વરી વુમન્સ વેઇટલિફ્ટિંગમાં જીતી. ૨૦૦૪માં રાજ્યવર્ધન સિંહ રાઠોડ શૂટિંગમાં સિલ્વર મેડલ જીતી લાવ્યો અને ૨૦૦૮માં અભિનવ બિન્દ્રાએ બીજિંગમાં ભારતનો ડંકો વગાડ્યો. આ એ સાલ હતી જ્યારે ઘણા લાંબા સમય બાદ ભારત ગોલ્ડ મેડલ જીત્યું હતું. અભિનવ બિન્દ્રા, દસ મીટર, ઍર રાઇફલ શૂટિંગ! આ સિવાય એ જ વર્ષે ભારતને બીજા બે મેડલ મળ્યા હતા. વિજેન્દર સિંહને બૉક્સિંગમાં બ્રૉન્ઝ મેડલ અને સુશીલકુમારને રેસલિંગમાં બ્રૉન્ઝ મેડલ. ૨૦૧૨માં સુશીલકુમાર ફરી એક વાર વિજેતા બન્યો અને આ વખતે તેણે સિલ્વર મેડલ કબજે કર્યો હતો. એ વર્ષે ભારતે કુલ છ મેડલ જીતીને ભારતના ઑ​લિમ્પિક મેડલ્સ કાઉન્ટમાં હાઇએસ્ટ મેડલ અર્નર યર સાબિત કર્યું હતું. સુશીલના સિલ્વર સિવાય બાકીના પાંચ મેડલ હતા વિજયકુમારને રૅપિડ પિસ્ટલ શૂટિંગમાં સિલ્વર, સાઇના નેહવાલને બૅડ‍્મિન્ટન સિંગલ્સમાં બ્રૉન્ઝ, મૅરી કૉમને બ્રૉન્ઝ બૉક્સિંગમાં, યોગેશ્વર દત્ત જીત્યો બ્રૉન્ઝ રેસલિંગમાં અને ગગન નારંગને પણ બ્રૉન્ઝ મળ્યો ૧૦ મીટર ઍર રાઇફલ શૂટિંગમાં. ૨૦૧૬માં ફરી એક વાર ભારત બૅડ‍્મિન્ટનમાં સિલ્વર જીતી લાવ્યું. ખેલાડી હતી બધાની લાડલી પી. વી. સંધુ. એ સિવાય ભારતની બીજી એક દીકરી સાક્ષી મલિકે બ્રૉન્ઝ જીત્યો રેસલિંગમાં. છેલ્લે ૨૦૨૦માં યોજાયેલી ઑ​લિમ્પિક્સમાં ભારતે ટોક્યોના મેદાન પર પોતાનો જ ૨૦૧૨નો રેકૉર્ડ તોડી દેખાડ્યો. આ વખતે ભારતે કુલ ૭ મેડલ પોતાના નામે કર્યા! મીરાબાઈ ચાનુ વેઇટલિફ્ટિંગમાં સિલ્વર, રવિ કુમાર દહિયા રેસલિંગમાં સિલ્વર,  બોરગોહેઇનને બૉક્સિંગમાં બ્રૉન્ઝ, પી. વી. સંધુ જીતી બૅડ‍્મિન્ટનમાં બ્રૉન્ઝ અને બજરંગ પુનિયા રેસલિંગમાં બ્રૉન્ઝ જીતી લાવ્યાં. આ સિવાય જે બે મેડલ મળ્યા એ ભારત માટે ફરી એક વાર મસ્તક ઊંચું કરવાના ઉત્સવ સમાન હતા. એક મેડલ હતો હૉકીનો. ભારત વર્ષો બાદ ફરી એક વાર હૉકીમાં પોતાની કાબેલિયત સાબિત કરી શક્યું હતું. હૉકીમાં જીત્યો બ્રૉન્ઝ અને ૨૦૦૮ બાદ ફરી એક વાર છેક ૨૦૨૦માં ભારત ગોલ્ડ મેડલ જીત્યું હતું નીરજ ચોપડાના જબરદસ્ત ભાલાફેંકને કારણે.

આ રીતે હમણાં સુધીની કુલ ૨૪ ઑ​લિમ્પિક ગેમ્સમાં ભારત કુલ ૩૫ મેડલ પોતાને નામ કરી શક્યું છે. હવે આ અઠવાડિયાના અંતભાગથી બધાની આંખોમાં એ ઉત્સુકતા મઢાયેલી હોવાની જ હોવાની કે આ વખતે ભારત આ ગૌરવ-યાદીમાં કેટલા મેડલનો ઉમેરો કરી શકશે? તો એ માટે પહેલાં એ તો જાણવું પડે કે નહીં કે આ વખતની પૅરિસ ઑ​લિમ્પિક્સમાં ભારતની આ આશાઓ કયા-કયા તારલાઓ પર બંધાયેલી છે?

દર ચાર વર્ષે જ વૈશ્વિક સ્તરે રમાતી હોવાને કારણે એની મહત્તા અને એનું યશસ્વીપણું આજે આટલાં વર્ષે પણ હજી એવું ને એવું જ જળવાઈ રહ્યું છે. એને કારણે જે-તે દેશના ઍથ્લીટ્સ કે તેમના પરિવારોની જ નહીં, દેશના સામાન્ય નાગરિકોની નજર પણ એક અનેરા આશાવાદ સાથે આ ખેલોત્સવની રાહ જોઈને બેઠી હોય છે.

એક અનોખા ગૌરવની લાગણી સાથે આપણા તમામ આશાવાદ સાથે ઍથ્લીટ્સ તારલાઓને ALL The VERY BEST કહીએ અને આશા રાખીએ કે આ વર્ષે મેડલ્સની ટેલીમાં ફરી એક વાર ભારત નવો ઇતિહાસ રચી શકે.

ભારતના આકાશમાં ચમકતા આશાના તારલાઓ

ભારત માટે સૌથી પહેલી ગર્વ કરવા જેવી વાત તો એ છે કે જેમ-જેમ વર્ષો વીતતાં જાય છે એમ-એમ ભારતની ઑ​લિમ્પિક્સમાં હિસ્સેદારી પણ વધતી જાય છે. એ કદાચ ભવિષ્યમાં દાવેદારીમાં પણ વધારો નોંધાવશે જ એવી આશા તો રાખી જ શકીએ. જુઓને, ૨૦૨૦નું એ વર્ષ કોરોનાકાળનું વર્ષ હતું  છતાં ભારત તરફથી કુલ ૧૨૪ ઍથ્લીટ્સ ઑલિમ્પિક્સ રમવા ટોક્યો ગયા હતા. આપણને બધાને ખબર છે કે ઑ​લિમ્પિક્સમાં ક્વૉલિફાઇંગ માટે કેટલા કડક નિયમો છે અને નિયમોની એ વાડ સિંહગર્જના સાથે પાર કરવી આવશ્યક છે. તો જ તમે ઑલિમ્પિક્સના મેદાનમાં ગર્જનાઓનો વરસાદ કરી શકો. આ વર્ષે ઑ​લિમ્પિક્સની ક્વૉલિફાઇંગ વાડ કૂદવા માટેના પ્રયત્નો ૨૦૨૨થી જ શરૂ થઈ ચૂક્યા હતા. બધા ખેલ મળીને ભારતના કુલ ૮૩ ખેલવીરો ક્વોટા જીતી શક્યા છે. એ આધારે હાલ આપણે એમ કહી શકીએ કે કમસે કમ ૮૩ ખેલાડીઓ તો ભારત તરફથી ઑ​લિમ્પિક્સ રમવા જઈ જ રહ્યા છે! બધા ખેલાડીઓનાં નામ તો અહીં જણાવવાં શક્ય નથી. જોકે ઇન્ટરનેટ પર આખી યાદી ઉપલબ્ધ છે જ.

ઑલિમ્પિક્સની દૃષ્ટિએ આ વખતે નવું શું છે?

બ્રાવો! ઇન્ટરનૅશનલ ઑ​લિમ્પિક કમિટી દ્વારા આ વખતના આ ખેલમહોત્સવમાં કુલ ચાર નવી રમતો ઉમેરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ૧૮૯૬માં ઑ​લિમ્પિક્સ શરૂ થઈ ત્યારે એમાં ગણતરીની જ રમતો રમાતી હતી. ધીરે-ધીરે વૈશ્વિક કક્ષાએ અલગ-અલગ રમતોને મળતી સફળતા, લોકપ્રિયતા જેવી અનેક બાબતોને ધ્યાનમાં લઈને કમિટી દ્વારા કોઈ ને કોઈ વર્ષે કેટલીક રમતો ઉમેરાતી ગઈ. આ વખતની ઑ​લિમ્પિક્સમાં સૌથી મોટું નવીન આકર્ષણ હશે ચાર નવી રમતો બ્રેકિંગ, સ્કેટ બોર્ડિંગ, સર્ફિંગ અને સ્પોર્ટ ક્લાઇ​મ્બિંગ. આ ચાર રમતો એવી છે જેમને આ વર્ષથી પહેલી વાર ઑ​લિમ્પિક્સ નામના આ ખેલમહોત્સવમાં પ્રવેશ મળી રહ્યો છે.

તો ઝટપટ માહિતી લઈ લઈએ આ ચારે રમતો ​વિશે. બ્રેકિંગ. ખ્યાલ છે પેલા ઘણા તરવરિયા યુવાનો એકદમ સ્ફૂર્તિથી ક્યારેક આખા શરીરનો ભાર એક હાથ પર લઈને તો ક્યારેક એક પગ પર લઈને નાચતા દેખાય છે. કેટલાક બાહોશ તો વળી માથા વડે ગોળ-ગોળ ફરતા પણ જણાય છે. બસ, આ ટૅલન્ટને બ્રે​કિંગ કહેવામાં આવે છે. એને એક સ્પોર્ટ તરીકે આ વખતે ઑ​લિમ્પિક્સમાં સ્થાન મળ્યું છે. ત્યાર બાદ સ્કેટ બોર્ડિંગ. ઘણી વાર આપણે ક્યાંક યુટ્યુબ પર કે કોઈક ચૅનલ સર્ફિંગ દરમ્યાન જોયું હશે કે કેટલાંક છોકરા-છોકરીઓ પેલું સ્કેટબોર્ડ લઈને અર્ધચન્દ્રાકાર કે એક તરફથી ગોળાકાર એવા બધા બનેલા આકારોની વચ્ચે સ્કેટબોર્ડ પર ઉપરથી નીચે, એક તરફથી બીજી તરફ જબરદસ્ત સ્ફૂર્તિ અને ઝડપ સાથે કરતબ કરતાં હોય છે. કેટલાક ટૅલન્ટેડ પ્લેયર્સ તો આ કરતબ એવા ખતરનાક કરી જાણે કે આપણી નજર એના પર વિશ્વાસ સુધ્ધાં ન કરી શકે. ઑ​લિમ્પિક્સમાં આ ટૅલન્ટને પણ હવે એક સ્પોર્ટની માન્યતા આપવામાં આવી છે. ત્યાર બાદ સમુદ્રકિનારે કે સમુદ્રની ઊછળતી ઊંચી લહેરો વચ્ચે બોર્ડ પર સવાર થઈને લહેરો સાથે રમતા વીરો કે વિરલીઓને આપણે અનેક વાર જોઈએ છીએને? બસ, એને જ સર્ફિંગ કહેવાય. એને આ વખતે પહેલી વાર ઑ​લિમ્પિક્સમાં જગ્યા મળી છે. ચોથા નવા સ્પોર્ટ તરીકે એન્ટ્રી લઈ રહ્યું છે સ્પોર્ટ

ક્લાઇ​મ્બિંગ. નાનાં બાળકોના ફન માટે ઘણા મૉલ્સના પ્લેઝોનમાં પેલું ક્લાઇ​મ્બિંગ જોઈએ છીએ, ખબર છે? બસ, એ જ ક્લાઇ​મ્બિંગનું ખેલની દૃષ્ટિએ થોડું મૉડરેટ અને મોટું વર્ઝન થોડા અઘરા નિયમો સાથે એટલે સ્પોર્ટ ક્લાઇ​મ્બિંગ.

આ સિવાય આ વખતની ઑ​લિમ્પિક્સ ઇવેન્ટમાં બીજી પણ કેટલીક બાબતો

છે જે નોંધવાલાયક છે. જેમ કે છેલ્લે યોજાયેલી ટોક્યો ઑ​લિમ્પિક્સમાં કુલ ૩૩૯ ઇવેન્ટ્સ હતી, જ્યારે આ વખતની પૅરિસ ઑ​લિમ્પિક્સમાં કુલ ૩૨૯ ઇવેન્ટ્સ જ હશે. ગયા વખતે ટોક્યોમાં આ ખેલમહોત્સવમાં ભાગ લેનારા ઍથ્લીટ્સ કુલ ૧૧,૦૯૨ હતા, જ્યારે આ વખતે આ આંકડો ૧૦,૫૦૦ જેટલો છે. અર્થાત્ ગયા વખત કરતાં ૫૯૨ ખેલાડીઓ આ વર્ષે ઓછા છે. આનંદો, આનંદો... આ વખતનો પૅરિસ ઑ​લિમ્પિક્સ ખેલમહોત્સવ પહેલો એવો મહોત્સવ બનવા જઈ રહ્યો છે

જ્યારે પુરુષ ખેલાડીઓ અને મહિલા ખેલાડીઓનો આંકડો એકસરખો છે. અર્થાત્ આ વખતની ઑ​લિમ્પિક્સ જેન્ડર-ટેલીડ સ્પોર્ટ્સ ઇવેન્ટ હશે.બાપા રે બાપા... કેટલું બધું નવું અને કેટલું બધું જાણવા જેવું! આ સ્પોર્ટ્સ ઇવેન્ટ છે કે માહિતીઓ અને રોમાંચનો ખજાનો? ઑ​લિમ્પિક્સ ખરેખર જ આવી અનેક લાગણીઓથી ભરી દેતી ઇવેન્ટ છે.

ભારતની દૃષ્ટિએ આ વખતે નવું શું છે?

કેટલીક એવી વિગતો તો આપણને ખબર હોવી જ જોઈએ જે આ વખતની ઑ​લિમ્પિક્સમાં કમસે કમ ભારત માટે ગર્વની બાબત છે. જેમ કે  આ વખતની ઑ​લિમ્પિક્સ પહેલી એવી ઑલિમ્પિક્સ છે જ્યારે ભારતના શૂટર્સ રાઇફલ શૂટિંગની તમામેતમામ કૅટેગરીમાં ક્વૉલિફાઇંગ ક્વોટા જીતી શક્યા છે!

રેસ વૉકર્સ. આ એક એવો ખેલ છે જેમાં ભારત આ વખતે પહેલી વાર ક્વૉલિફાઇંગ ક્વોટા જીતી શક્યું છે અને એ પણ એક નહીં, બે-બે ખેલાડીઓ આ ક્વોટા જીત્યા છે. પ્રિયંકા ગોસ્વામી અને અક્ષદીપ સિંહ બન્ને પહેલા એવા ભારતીયો છે જેઓ ૨૦૨૪ની પૅરિસ ઑ​લિમ્પિક્સમાં ક્વૉલિફાય થયાં છે એટલું જ નહીં, આ બન્ને ખેલાડી મૅરથૉન રેસ વૉક મિક્સ ​રિલેમાં પણ ભાગ લેશે.

ગૌરવાન્વિત વાતો સાથે કેટલીક ઘટનાઓ એવી પણ છે જે મન થોડું ઉદાસ કરી જાય છે. મુરલી શ્રીશંકર લૉન્ગ જમ્પમાં ક્વૉલિફાઇંગ ક્વોટા જીતીને ઑલિમ્પિક્સમાં ભારતનું સ્થાન સિક્યૉર્ડ કરી શક્યો હતો, પરંતુ ઘૂંટણની ઈજાને કારણે તે પૅરિસ રમવા માટે જઈ શકશે નહીં. એ જ રીતે ભારતને રેસલિંગમાં પણ ખૂબ આશાઓ હતી અને છે, પરંતુ ઇન્ડિયન રેસલિંગ ફેડરેશન અને ભારતીય રેસલર્સ વચ્ચે છેલ્લા થોડા સમયથી જે ખટરાગ ચાલી રહ્યો છે એને કારણે સ્પોર્ટ્સને માઠાં પરિણામો ભોગવવાં પડી રહ્યાં છે. બજરંગ પુનિયાની ગણતરી એક મેડલ કન્ટેન્ડર તરીકે તમે કરી શકો, પરંતુ ફેડરેશન દ્વારા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હોવાથી તે ભારત તરફથી રમવા નહીં જ જાય. જોકે રેસલિંગમાં ભારત ત્રણ ક્વોટા જીતી શક્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

21 July, 2024 11:20 AM IST | Mumbai | Aashutosh Desai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK