Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > માલ પ્રૅક્ટિસનું લોલમલોલ : માત્ર કંપની નહીં, કંપની રિપ્રેઝન્ટ કરનારી વ્યક્તિ પણ એટલી જ જવાબદાર

માલ પ્રૅક્ટિસનું લોલમલોલ : માત્ર કંપની નહીં, કંપની રિપ્રેઝન્ટ કરનારી વ્યક્તિ પણ એટલી જ જવાબદાર

Published : 29 May, 2023 04:23 PM | IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

બહુ જરૂરી કહેવાય એવો આ ચુકાદો આવ્યો છે ત્યારે કહેવાનું કે આપણે ત્યાં આ પ્રકારના ચુકાદાઓ આવે એ બહુ જરૂરી છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)


હા, આવું એક કેસના ચુકાદામાં કન્ઝ્યુમર કોર્ટે કહ્યું અને એવું કહ્યા પછી એક બહુ જાણીતી ઑનલાઇન કોચિંગ કંપની અને એ કંપનીની ઍડ્વર્ટાઇઝમેન્ટમાં આવતા બૉલીવુડના સુપરસ્ટારને દંડ ફટકારતાં કોર્ટે કહ્યું કે આ પ્રકારની માલ પ્રૅક્ટિસ થતી હોય એવા સમયે માત્ર કંપની જ નહીં, પણ એ કંપનીને રિપ્રેઝન્ટ કરી કસ્ટમર લઈ આવવાનું કામ કરતી વ્યક્તિ એટલે કે ઍક્ટર કે મૉડલ પણ એટલો જ જવાબદાર પુરવાર થાય છે અને તેને પણ આ બાબતમાં સજા થઈ શકે છે.


બહુ જરૂરી કહેવાય એવો આ ચુકાદો આવ્યો છે ત્યારે કહેવાનું કે આપણે ત્યાં આ પ્રકારના ચુકાદાઓ આવે એ બહુ જરૂરી છે. મોટું નામ કમાઈ ચૂકેલા ઍક્ટર તોતિંગ ફી લઈને કૅમેરા સામે ઊભા રહી જાય છે અને એક દિવસ કે બે દિવસનું શૂટ પૂરું કરીને તે ચલતી પકડી લે છે, પણ એવું થવું જોઈએ નહીં. જો તમે એવું કરવા માગતા હો તો તમારે સમજવું પડશે કે આ તમે કોઈ સ્ક્રિપ્ટેડ ફિલ્મ નથી કરતા. આ તમે ઍડ ફિલ્મ શૂટ કરો છો, જે જોઈને અનેક લોકો એ પ્રોડક્ટ કે એ સર્વિસની દિશામાં આગળ વધવાના છે અને પોતાની પરસેવાની કમાણી એમાં ઇન્વેસ્ટ કરવાના છે કે પછી એની પાછળ ખર્ચવાના છે. 



બહુ જરૂરી કહેવાય એવો સંદેશ અગાઉ પણ અલગ-અલગ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો જ હતો અને અગાઉ પણ સ્ટાર્સ આ પ્રકારની વાતમાં અટવાયા હતા, પણ એમ છતાં, એ હજી પણ પોતાનું ગેરવાજબી કૃત્ય કર્યા જ કરે છે અને ઘરમાં ફન્ડ લાવ્યા કરે છે. કહેવું એ છે કે આ આખી પ્રક્રિયા જેટલી વધારે સારી રીતે અને જેટલી વધારે ઉજ્જ્વળ રીતે થાય એ બહુ જરૂરી છે. સોસાયટી માટે પણ અને આમ આદમી માટે પણ. જો તમે જાણ્યા-વિચાર્યા વિના એમ જ સીધા કોઈ ચીજવસ્તુ કે વિચારના પ્રમોશનમાં લાગી જાઓ તો એ માત્ર તમારા ફૅન્સ માટે જ નહીં, સમાજમાં રહેલા અન્ય સૌકોઈની માટે પણ નુકસાનકર્તા છે અને આવું નુકસાન કરવાનો તમને કોઈ હક નથી.


તમારા ચહેરા પર એક વિશ્વાસ છે, એ ચહેરા પર એક શ્રદ્ધા છે. એ વિશ્વાસ અને શ્રદ્ધાને બરકરાર રાખવાની જવાબદારી વ્યક્તિગત રીતે તમારી છે એટલે તમારે એ બાબતમાં સંપૂર્ણપણે સજાગ રહેવાનું છે. જો તમે એ સજાગતા પાળી ન શકવાના હો તો તમને કોઈ હક નથી કે તમે કોઈ વિચાર કે વસ્તુ વાપરવા માટે દેશવાસીઓને ટહેલ કરો. ના, તમને એવો કોઈ હક નથી અને એમ છતાં, આ હક ભોગવવા માટે આપણા આ સ્ટાર્સ નીકળ્યા છે. હું તો કહીશ કે એક વખત, માત્ર એક વખત આવી બેદરકારી બદલ જે કોઈ દોષી હોય તેમને સજા થવી જોઈએ. સજા થશે તો તેમને તમામ પ્રકારની ગંભીરતા પણ સમજાઈ જશે અને સાથોસાથ સૌકોઈને એ પણ ખબર પડશે કે સ્ક્રીન સામે ઊભા રહીને ડાયલોગ બોલવા અને ઍડ્વર્ટાઇઝમેન્ટ કરીને સૌકોઈને ચીજવસ્તુ કે વિચાર ખરીદવા માટે પ્રેરવા એ બન્ને વચ્ચે કેટલો મોટો તફાવત છે.


Whatsapp-channel Whatsapp-channel

29 May, 2023 04:23 PM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK