Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > નો રેઝોલ્યુશન, બસ એ જ રેઝોલ્યુશન : જાતને આ જ વચન આપીને તમારા ૨૦૨૩ને વધાવો

નો રેઝોલ્યુશન, બસ એ જ રેઝોલ્યુશન : જાતને આ જ વચન આપીને તમારા ૨૦૨૩ને વધાવો

Published : 01 January, 2023 08:13 AM | IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

રેઝોલ્યુશનનો ભાર છે અને ભારરૂપે જે પણ હોય એનું આયુષ્ય લાંબું ન હોય

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક


નવા વર્ષથી આપણે આ કરવું છે અને નવા વર્ષથી આપણે આ કરવું જ છે. નવા વર્ષથી તો આટલો ચેન્જ લાવવો છે અને નવા વર્ષથી તો આમ સુધારો કરી લેવો છે. આવું અનેક વખત નક્કી કર્યું અને નક્કી કરેલું દરેકેદરેક વખતે થોડા સમય પૂરતું ચાલુ રહે અને એ પછી એનો ફિયાસ્કો થઈ જાય. આ ફિયાસ્કો થવાનું કારણ ખબર છે તમને?


રેઝોલ્યુશનનો ભાર છે અને ભારરૂપે જે પણ હોય એનું આયુષ્ય લાંબું ન હોય. ભારરૂપ બનવા માંડેલા રેઝોલ્યુશન દરેક વખતે એ વાત સમજાવે છે, કહેતા રહે છે કે આ છટકબારીનો ઉપયોગ કરીને તારે અટકી જવું હોય તો અટકી જા અને બે-ચાર વખતની એ ટકોર પછી તમે પોતે એ છટકબારીઓ શોધવાની ચાલુ કરી દો. એવું ન થાય એ માટે સાઇકિયાટ્રિસ્ટ પોતે કહે છે કે પરાણે, ભાર દઈને કોઈ પ્રકારના નિયમો ન બનાવો. પ્રયાસ કરો અને એ પ્રયાસને ‘હવે કાયમ માટે’ એવું ટૅગ ન આપો. કરવું છે તો કરો, પણ આ ‘કાયમ માટે’નો ભાર મનમાં નહીં આવવા દો. થાય એટલું કરો અને એવી ભાવના સાથે કરો કે તમારે તમારા પર બળાત્કાર નથી કરવાનો.



આજથી રોજ એક્સરસાઇઝ કરીશ. આવું નક્કી કરો, પણ તમારા આ ભાવમાં જે પેલો ‘રોજ’વાળો ભાવ છે એ ભાવને સૂક્ષ્મ કરી નાખશો તો એક્સરસાઇઝ ચાલુ થઈ જશે અને ધારો કે કોઈ દિવસ એમાં બ્રેક આવશે તો તમને એ માટે જાત પ્રત્યે રોષ કે ઘૃણા નહીં આવે અને એ નહીં આવે એટલે તમે જાણે કે કોઈ મોટો ગુનો કરી નાખ્યો હોય એવું પણ મનમાં નહીં લાવો. આ જે ગુનાહિત માનસિકતા છે એ માણસને પોતાના કાર્યથી અટકાવી દે છે. એકાદ દિવસ રહી પણ જાય, એમાં કશું ખોટું નથી. આપણે કર્મયોગી બનવાની દિશામાં આગળ વધવા માગીએ છીએ, પણ કર્મયોગી છીએ નહીં કે તમામ પ્રકારના અવરોધને પણ અવગણીને આપણે સ્થિતપ્રજ્ઞ રહી શકીએ. ના રે, ક્યારેય નહીં. એ સ્થિતપ્રજ્ઞતા હાંસલ કરવી છે અને એને હાંસલ કરવી છે એટલે તો આપણે પ્રયાસ કરીએ છીએ.


પ્રયાસને જો તમે પ્રયાસના બંધનમાં જ રાખશો તો જ એ પ્રયાસ આદત બનશે અને જો એ આદત બનશે તો એક દિવસ એવો આવશે કે એ પ્રયાસ લાઇફસ્ટાઇલ બનશે. રેઝોલ્યુશનને આકરો નહીં બનાવો અને રેઝોલ્યુશન માટે જાતને તકલીફ નહીં આપો. હજારો મહાનુભાવો એવા છે જેણે ક્યારેય રેઝોલ્યુશન લીધા નહીં અને એ પછી પણ તેમણે તમામ પ્રકારની સફળતાને સિરઆંખો પર ચડાવી. જરૂર પડે ત્યારે, સમય અને સંજોગોને માન આપીને નિયમો બનાવતા રહો.

આજે નવું વર્ષ શરૂ થાય છે એટલે આજથી આવું કરવું પડે એવું ધારવું ગેરવાજબી છે અને હું તો કહીશ કે આ જે ગેરવાજબી વ્યવહાર છે એ આજના દિવસે જીવનમાંથી દૂર કરીએ એવું રેઝોલ્યુશન લેજો. નક્કી કરજો કે આજથી કોઈ રેઝોલ્યુશન નહીં અને હવે જે નક્કી કરીશ એનો તરત જ અમલ કરીશ. આનાથી શ્રેષ્ઠ રેઝોલ્યુશન બીજું કોઈ હોઈ પણ ન શકે, કારણ કે આરંભે શૂરા કરતાં તો સદાય આરંભના મોડમાં રહેવું જ ઉત્તમ છે.


Whatsapp-channel Whatsapp-channel

01 January, 2023 08:13 AM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK