Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > કૉલમ > નવા સીજેઆઇ ડી. વાય. ચંદ્રચૂડ : લોખંડી હાથોની ઉદારતા?

નવા સીજેઆઇ ડી. વાય. ચંદ્રચૂડ : લોખંડી હાથોની ઉદારતા?

Published : 16 October, 2022 04:03 PM | IST | Mumbai
Raj Goswami

સામૂહિક જજમેન્ટમાં જસ્ટિસ ચંદ્રચૂડ ભિન્ન મત માટે જાણીતા છે. ઇન ફૅક્ટ, તેઓ ભિન્ન મત (ડિસેન્ટ)ને ‘લોકશાહીનો સેફટી વાલ્વ’ ગણે છે

નવા સીજેઆઇ ડી. વાય. ચંદ્રચૂડ : લોખંડી હાથોની ઉદારતા?

ક્રૉસ લાઈન

નવા સીજેઆઇ ડી. વાય. ચંદ્રચૂડ : લોખંડી હાથોની ઉદારતા?


સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ સૌથી વધુ વખત બંધારણીય બેન્ચોમાં રહી ચૂક્યા છે, જેમાં મોટા ભાગે રાજકીય અને સામાજિક રીતે સંવેદનશીલ કેસો આવે છે. આવા સામૂહિક જજમેન્ટમાં જસ્ટિસ ચંદ્રચૂડ ભિન્ન મત માટે જાણીતા છે. ઇન ફૅક્ટ, તેઓ ભિન્ન મત (ડિસેન્ટ)ને ‘લોકશાહીનો સેફટી વાલ્વ’ ગણે છે


મોરારજીભાઈની સરકારમાં, તેમણે ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીના દીકરા સંજય ગાંધીને, ‘કિસ્સા કુર્સી કા’ નામની ફિલ્મની પ્રિન્ટને બાળી નાખવાના કેસમાં જેલમાં પૂરી દીધો હતો.



સૈન્યમાં સ્ત્રીઓને કાયમી નોકરી (પર્મનન્ટ કમિશન) આપવાના 
એક અન્ય ઐતિહાસિક ફેંસલામાં જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું હતું કે સ્ત્રીઓને કમાન્ડની કામગીરીમાંથી તદ્દન બાકાત રાખવી એ અનુચિત છે અને બંધારણની વિરુદ્ધ છે. 


અલાહાબાદ હાઈ કોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ અને મુંબઈ હાઈ કોર્ટના ભૂતપૂર્વ જજ ધનંજય યશવંત ચંદ્રચૂડ, ભારતના નવા ચીફ જસ્ટિસ (સીજેઆઇ)નો કાર્યભાર સંભાળશે. હાલના ૪૯મા સીજેઆઇ ઉદય ઉમેશ લલિત, ૪૭ દિવસના કાર્યભાર પછી, ૮ નવેમ્બરે નિવૃત્ત થાય છે. જસ્ટિસ ચંદ્રચૂડનો કાર્યકાળ સારો એવો લાંબો બે વર્ષનો રહેશે. (ટેક્નિકલી, જસ્ટિસ લલિતે તેમના ઉત્તરાધિકારી તરીકે જસ્ટિસ ચંદ્રચૂડના નામની ભલામણ સરકારને મોકલી છે. તેમના નામ પર મતું મારવાનું બાકી છે). 
સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં એવું પહેલી વાર બનશે કે પિતા-પુત્ર બન્ને સીજેઆઇ બન્યા હોય. જસ્ટિસ ચંદ્રચૂડના પિતા જસ્ટિસ યશવંત વિષ્ણુ ચંદ્રચૂડ, સૌથી વધુ લાંબો સમય, એટલે કે સાત વર્ષ સુધી (૧૯૭૮-૧૯૮૫) સીજેઆઇ તરીકે રહ્યા હતા. પુણેમાં જન્મેલા જસ્ટિસ વાય. વી. ચંદ્રચૂડ ચમરબંધીને પણ નહીં છોડવા માટે જાણીતા હતા અને એટલે તેમનું નામ ‘લોખંડી હાથ’ પડ્યું હતું.
મોરારજીભાઈની સરકારમાં, તેમણે ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીના દીકરા સંજય ગાંધીને, ‘કિસ્સા કુર્સી કા’ નામની ફિલ્મની પ્રિન્ટને બાળી નાખવાના કેસમાં જેલમાં પૂરી દીધો હતો. ઇન્દિરા ગાંધીએ સત્તામાં વાપસી કરી એ પછી તેઓ સરકારના સખત ટીકાકાર બની ગયા હતા અને ન્યાયતંત્રની સ્વાયત્તતા બચાવી રાખવા બહુ પ્રયાસો કર્યા હતા.
નવેમ્બરની ૧૧ તારીખે ૬૩ વર્ષ પૂરાં કરનારા તેમના પુત્ર જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ તેમના પિતાનાં બે જજમેન્ટને ઊલટાવી નાખવા માટે જાણીતા છે. ૨૦૧૭માં, સુપ્રીમ કોર્ટની નવ બેન્ચના એક સભ્ય તરીકે તેમણે નિજતાના અધિકાર (રાઇટ ટુ પ્રાઇવસી)ને મૂળભૂત અધિકાર તરીકે બહાલ કરીને ઇન્દિરા ગાંધીની ૧૯૭૫ની કટોકટીનું સમર્થન કરતા એક આદેશને ખારીજ કરી નાખ્યો હતો. તેમના પિતાએ ઇન્દિરા ગાંધીની સરકારના કટોકટી લાદવાના રાષ્ટ્રપતિના અધ્યાદેશને વાજબી ઠેરવ્યો હતો. 
એ વખતે સિનિયર ચંદ્રચૂડને સમાવતી પાંચ જજોની બેન્ચે મૂળભૂત અધિકારોને સસ્પેન્ડ કરવાનો આદેશ કરીને કહ્યું હતું કે લોકો તેમના અધિકારોની રક્ષા માટે અદાલતો પાસે પણ જઈ નહીં શકે. એ વખતે જસ્ટિસ એચ. આર. ખન્નાનો એકમાત્ર અવાજ અલગ પડ્યો હતો. તેમણે કહ્યું હતું, ‘અત્યારે કાનૂનનું રાજ દાવ પર લાગ્યું છે. સવાલ એ છે કે કોર્ટની સત્તા મારફત બોલતા કાનૂનને તદ્દન મૂંગો કરી દેવાય?’
૪૧ વર્ષ પછી, તેમના પુત્રે આ આદેશને ‘ગંભીર રીતે ત્રુટિપૂર્ણ’ ગણાવ્યો હતો અને જસ્ટિસ ખન્નાની સરાહના કરી હતી. જુનિયર ચંદ્રચૂડે કહ્યું હતું, ‘જસ્ટિસ ખન્નાના મતનો એની વૈચારિક તાકાત અને દૃઢતા માટે આદર કરવો જોઈએ.’
જસ્ટિસ ચંદ્રચૂડ બીજી વાર તેમના પિતાથી અલગ પડ્યા હતા વ્યભિચારના કેસમાં. ૨૦૧૮માં, તેમની એક બેન્ચે બહુમતીથી વ્યભિચારને એક પુરુષ દ્વારા બીજા પુરુષ પર થતા અપરાધના દાયરામાંથી મુક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે વ્યભિચાર છૂટાછેડા માટેનું નક્કર કારણ બની શકે, પણ એ દંડને પાત્ર અપરાધ નથી. ૧૯૮૫માં, સિનિયર ચંદ્રચૂડે વ્યભિચારના કાનૂનને બંધારણીય ગણાવ્યો હતો. એ મુજબ એક પુરુષ બીજા પુરુષની પત્ની સાથે સંભોગ કરે તો એ વ્યભિચારનો અપરાધ કહેવાય.
૨૦૧૭માં, એક પિટિશન પર તેમના પુત્રે એ દલીલને માન્ય રાખી હતી કે મહિલાનો પતિ પરપુરુષ સામે વ્યભિચારનો અપરાધ દર્જ કરાવી શકે છે, પરંતુ એ ‘અપરાધ’માં તેની પત્ની સામે ફરિયાદની જોગવાઈ નથી. અરજીકર્તાએ કહ્યું હતું કાનૂનમાં સ્ત્રીને કેમ અલગથી જોવામાં આવે છે? તેમની બેન્ચે અપરાધની જોગવાઈને ગેરબંધારણીય ઠરાવી હતી. 
સુપ્રીમ કોર્ટમાં, જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ સૌથી વધુ વખત બંધારણીય બેન્ચોમાં રહી ચૂક્યા છે, જેમાં મોટા ભાગે રાજકીય અને સામાજિક રીતે સંવેદનશીલ કેસો આવે છે. આવા સામૂહિક જજમેન્ટમાં જસ્ટિસ ચંદ્રચૂડ ભિન્ન મત માટે જાણીતા છે. ઇન ફૅક્ટ, તેઓ ભિન્ન મત (ડિસેન્ટ)ને ‘લોકશાહીનો સેફટી વાલ્વ’ ગણે છે. 
આધાર કાર્ડની નીતિ પર તેમણે આપેલા ઐતિહાસિક ભિન્ન મતમાં કહ્યું હતું કે આ યોજના મનુષ્યને ૧૨ ડિજિટના એક આંકડામાં ફેરવી દેશે. ભીમા કોરેગાંવ કેસમાં ધરપકડ કરાયેલા પાંચ કાર્યકરોના અધિકારોનું રક્ષણ કરતા અભિપ્રાયમાં તેમણે ન્યાયિક વ્યવસ્થાને યાદ અપાવ્યું હતું કે અટકળોની વેદી પર ભિન્ન મતનું બલિદાન આપી ન દેવાય. તેમના લઘુમતી ફેંસલામાં તેમણે લખ્યું હતું, ‘ભિન્ન મત જીવંત લોકશાહીનું પ્રતીક છે. બીજાને પસંદ ન હોય એવા અંદોલન માટે સજા કરીને વિરોધી મતને કચડી ન નખાય.’
તાજેતરમાં તેમના ચર્ચાસ્પદ ફેંસલામાં જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું હતું કે પરણેલી હોય કે કુંવારી, સ્ત્રીને ગર્ભપાતનો એકસમાન અધિકાર છે. એ જ ફેંસલામાં તેમણે એક આડવાત તરીકે ટિપ્પણી કરી હતી કે પતિની તેની પત્ની પર સેક્સુઅલ જબરદસ્તી બળાત્કારનું રૂપ ધારણ કરી શકે છે. આ ટિપ્પણી, લગ્નમાં પણ બળાત્કાર થાય છે એના માટે અપરાધિક જોગવાઈની માગણી કરતા કર્મશીલો માટે ભવિષ્યમાં કાનૂની લડાઈનો આધાર બની શકે છે. 
તેમણે સમલૈંગિકતાને પણ અપરાધના દાયરામાંથી બહાર કાઢતો ફેંસલો આપ્યો હતો. એ ફેંસલામાં તેમણે કહ્યું હતું, ‘એક કાયદાના કારણે એલજીબીટી સમુદાય દોઢસો વર્ષ સુધી ભોગવતો રહે એ સારું ન કહેવાય. ઇતિહાસમાં થયેલા અન્યાયને તો ઠીક નથી કરી શકાતો, પણ આપણે ભવિષ્યનો રસ્તો તો કંડારી શકીએ છીએ.’
સૈન્યમાં સ્ત્રીઓને કાયમી નોકરી (પર્મનન્ટ કમિશન) આપવાના એક અન્ય ઐતિહાસિક ફેંસલામાં જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું હતું કે સ્ત્રીઓને કમાન્ડની કામગીરીમાંથી તદ્દન બાકાત રાખવી એ અનુચિત છે અને બંધારણની વિરુદ્ધ છે. સ્ત્રીઓની ક્ષમતા પર જ્યારે શંકા કરવામાં આવે ત્યારે એ સ્ત્રીઓ ઉપરાંત સૈન્ય માટે પણ અપમાનજનક છે. 
તેઓ નવા સીજેઆઇ બનવાના છે એવી ‘ગંધ’ આવતાં, સુપ્રીમ કોર્ટ ઍન્ડ હાઈ કોર્ટ લિટિગન્ટ અસોસિએશન નામના કોઈ સંગઠનના કથિત પ્રેસિડન્ટ રશીદ ખાન પઠાણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને એક પત્ર લખીને (જે મીડિયામાં લીક કરવામાં આવ્યો હતો), જસ્ટિસ ચંદ્રચૂડ સામે અનેક આરોપો કર્યા હતા. સુપ્રીમ કોર્ટ બાર અસોસિએશને અને મુંબઈ બાર અસોસિએશને જોકે આ પત્રની નિંદા કરી હતી અને એને જસ્ટિસ ચંદ્રચૂડની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનું કાવતરું ગણાવ્યું હતું. બાર અસોસિએશને પોતાને જસ્ટિસ ચંદ્રચૂડમાં સંપૂર્ણ વિશ્વાસ હોવાનું પણ કહ્યું હતું. 
જસ્ટિસ ચંદ્રચૂડની છબી એક ઉદાર અને પ્રગતિશીલ જજ તરીકેની છે. સુપ્રીમ કોર્ટના ન્યાયિક વર્તુળમાં તેઓ ક્રાંતિકારી જજ તરીકે જાણીતા છે. તેમના જજમેન્ટથી તો તેઓ ચર્ચામાં રહેતા જ આવ્યા છે. તેઓ પારદર્શકતામાં વિશ્વાસ રાખે છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચોની સુનાવણીઓનું યુટ્યુબ મારફત લાઇવ સ્ટ્રીમિંગ કરવાનો તાજેતરમાં જ તેમણે આદેશ આપ્યો હતો. ત્યારે તેમણે કહ્યું હતું કે, ‘કોર્ટની કાર્યવાહીમાં શું થઈ રહ્યું છે એ જાણવાનો નાગરિકોને અધિકાર છે. એનાથી ન્યાયતંત્રનું જ કલ્યાણ થશે.’
બે વર્ષની કોરોનાની મહામારી વખતે તેમણે સુપ્રીમ કોર્ટમાં ટેક્નૉલૉજીનો ઉપયોગ દાખલ કર્યો હતો અને ઑનલાઇન સુનાવણીનો પ્રારંભ કર્યો હતો. તાજેતરમાં તેમણે તેમના વડપણ હેઠળની બંધારણીય બેન્ચને ‘પેપરલેસ’ જાહેર કરી હતી
સુપ્રીમ કોર્ટમાં કામ કરતા વકીલો અનુસાર તેઓ બહુ મહેનતુ છે, દરેક કેસનો ઝીણવટથી અભ્યાસ કરે છે, સમયસર કોર્ટમાં આવી જાય છે, તેમનાં જજમેન્ટ અત્યંત રોચક અને સીધાંસટ હોય છે - જેથી મીડિયાને હેડલાઇન્સ મળી રહે છે અને વકીલોને વાંચવાની મજા આવે છે. તેઓ વાતચીતમાં ઉદાર છે અને યુવાન વકીલોને કોર્ટમાં પ્રેરણા આપતા રહે છે.
જસ્ટિસ ચંદ્રચૂડ તેમના પિતાની જેમ ‘લોખંડી હાથે’ કામ કરશે કે કેમ એ તો ખબર નથી, પણ તેમના કરીઅર-ગ્રાફ પરથી એક વાત સમજાય છે કે તેઓ ન તો વ્યવસ્થાની સાવ ડાબી બાજુ કે સાવ જમણી બાજુ એકદમ ઢળી જતા નથી અને મધ્યમ અવસ્થા બનાવી રાખે છે. તેઓ દરેક પ્રકારના વિચારો અને સંજોગોની સાથે રહીને ચાલનારા છે. તાજેતરમાં જ, ઓડિશાની નૅશનલ લૉ યુનિવર્સિટીના કૉન્વોકેશન પ્રસંગે તેમણે કહ્યું હતું;
‘સમાવેશી અને બહુતાવાદી કાનૂન આપણા સમાજના અસ્તિત્વ માટે અનિવાર્ય છે. આપણે જ્યારે લોકોમાં વિભિન્ન મત હોય છે એવું સ્વીકારીએ છીએ ત્યારે આપણે એનું સન્માન પણ કરવું જોઈએ. એક વિદ્યા તરીકે કાનૂન એમાં વિવેકબુદ્ધિ લાવે છે. આપણે એકબીજા સાથે વિવેકબુદ્ધિથી પેશ આવીએ છીએ અને સંઘર્ષપૂર્ણ મુદ્દાઓમાં મારામારી નથી કરતા કે એકબીજા પર હથિયારો નથી ચલાવતા. આનો અર્થ સહિષ્ણુતા નથી. કોઈના પ્રત્યે સહિષ્ણુ હોવું એટલે તે આપણને પસંદ નથી અને આપણે તેને સહન કરી લઈએ છીએ. ઊલટાનું, સહિષ્ણુતા એટલે તમારા મત સાથે મળતા ન આવતા હોય એવા મતનું સન્માન કરવું તે.’


Whatsapp-channel Whatsapp-channel

16 October, 2022 04:03 PM IST | Mumbai | Raj Goswami

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK