ક્યાંક શક્તિનો પટ છે ક્યાંક ભક્તિનો પટ છે ક્યાંક રાસની રમઝટ છે ક્યાંક ગરબા ઝટપટ છે રઢિયાળી રાતમાં ક્યાંક ઢોલ-નગારાંની રમઝટ છે નવરાત્રિના આ ઉત્સવની યુવાની ઘટઘટમાં છે
માણસ એક રંગ અનેક
પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- મા આદ્યશક્તિએ દૈત્યનો નાશ કર્યો
- ચંડમુંડને ચપટીમાં ચોળી નાખ્યા
- મહિષાસુરનું મર્દન કરી મહિષાસુરમર્દિની તરીકે ઓળખાયાં
નવરાત્રિનો નાદ ઠેર-ઠેર સંભળાઈ રહ્યો છે. ખેલૈયાઓ ખેલમાં ગુલતાન થઈ ગયા છે, જુવાનો દીવાના અને બુઢાઓ જુવાન થઈ ગયા છે. મનગમતા સંગાથમાં રંગરસિયાઓ ઝૂમી રહ્યા છે અને ઉત્સવનો આનંદ અનરાધાર માણી રહ્યા છે.
નવરાત્રિ એટલે શું? આદ્યશક્તિ દેવી દુર્ગા બ્રહ્માંડને ઉત્પન્ન કરનારી જગતજનની છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જગતજનની થકી જ ઉત્પત્તિ, પાલન અને સંહારનું પાલન કરી રહ્યા છે. અંગ્રેજીમાં જે ‘GOD’ શબ્દ છે એ હકીકતમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એકસ્વરૂપ છે. ‘G’ એટલે જનરેટર, ‘O’ એટલે ઑપરેટર અને ‘D’ એટલે ડિસ્ટ્રોયર. આમ થયા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ.
ADVERTISEMENT
મા દુર્ગાનાં ૯ સ્વરૂપ છે. નવરાત્રિના ૯ દિવસમાં આ જુદાં-જુદાં સ્વરૂપોની ૯ દિવસ પૂજા કરવામાં આવે છે એટલે એને નવરાત્રોત્સવ કહેવાય છે. મા દુર્ગાનું પહેલું સ્વરૂપ શૈલ પુત્રી, બીજું સ્વરૂપ બ્રહ્મચારિણીનું છે, ત્રીજું સ્વરૂપ મા ચંદ્રઘંટાનું છે તો ચોથું સ્વરૂપ કુષ્માંડાનું છે તો પાંચમું સ્વરૂપ સ્કંદમાતાનું છે, છઠ્ઠું સ્વરૂપ કાત્યાયની છે તો સાતમું સ્વરૂપ કાલરાત્રિનું અને આઠમું મહાગૌરીનું ને નવમું સ્વરૂપ સિદ્ધિદાયિનીનું છે.
મા આદ્યશક્તિએ દૈત્યનો નાશ કર્યો, ચંડમુંડને ચપટીમાં ચોળી નાખ્યા, મહિષાસુરનું મર્દન કરી મહિષાસુરમર્દિની તરીકે ઓળખાયાં.
આ દૈત્યો એટલે કોણ? દેવ અને દાનવ હકીકતમાં તો બન્ને માસિયાઈ ભાઈઓ જ હતા. દિતિ અને અદિતિ નામની બે સગી બહેનો કશ્યપ ઋષિને પરણી. પુરાણો કહે છે કે દિતિના પુત્રો દાનવ કહેવાયા અને અદિતિના પુત્રો દેવ કહેવાયા. જન્મ્યા ત્યારથી દેવ અને દાનવ વચ્ચેનો સંઘર્ષ ચાલતો જ રહ્યો છે જેમ પાંડવો અને કૌરવો તેના યુગમાં અને સાંપ્રત સમયમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલતો રહ્યો છે.
મહિષાસુર નામ કેમ પડ્યું. તેના જન્મની કથા પણ ખૂબ જ રસપ્રદ અને અત્યારના યુગમાં કાલ્પનિક લાગે એવી છે. રંભાસૂર નામના રાક્ષસે એક ભેંસ સાથે સંબંધ બાંધ્યો અને એ ભેંસ સાથેના સંબંધને પરિણામે જે પુત્ર અવતર્યો તેનું નામ મહિષાસુર રાખવામાં આવ્યું. મહર્ષિ એટલે પાડો. પદ જેવું બળ અને પાડા જેવી બુદ્ધિ. તે માયાવી હતો. માયાથી તેણે પૃથ્વી પર આધિપત્ય જમાવ્યું અને ચારેકોર હાહાકાર મચાવ્યો. એક મહાત્માનું તેમને વરદાન હતું કે તેને સ્ત્રી સિવાય કોઈ મારી નહીં શકે.
આવું વરદાન માગવાનું એક જ કારણ હતું કે તે સ્ત્રીઓને દુર્બળ, નિર્બળ, તુચ્છ સમજતો હતો. બળ, શક્તિ, તાકાત અને પરાક્રમ તો ફક્ત પુરુષોનો જ ઇજારો છે એવી ભ્રમણામાં રાચતો હતો.
મહિષાસુરના રંજાડથી માણસો તો ઠીક, દેવો પણ ત્રાહિમામ્ પોકારી ગયા હતા. બધા દેવોએ ભેગા મળીને બ્રહ્માજીને રીઝવ્યા અને મહિષાસુરના ત્રાસમાંથી છોડાવવા વિનંતી કરી.
બ્રહ્માજી મહિષાસુરની આસુરી શક્તિ જાણતા હતા. તેમણે વિષ્ણુ અને મહાદેવની સહાય લીધી. બધા દેવો ભેગા થઈને પોતપોતાના વિશિષ્ટ ગુણોને એકમાં કેન્દ્ર કરી શક્તિ સ્વરૂપ દુર્ગામાનું સર્જન કર્યું. કેવું અદ્ભુત એ સર્જન હતું એની ઝાંકી કરીએ.
કામદેવના ધનુષ્યથી યમરાજના ભ્રમર અને કેશ લીધાં, કુબેરનું નાક લીધું, ચંદનથી સ્તન સર્જ્યાં, વરુણથી જાંઘનું સર્જન કર્યું. પૃથ્વીથી નિતંબનું અને પ્રજાપતિઓથી ધનુષ, ઇન્દ્રનું વ્રજ, યમનો દંડ, વિશ્વકર્માની ગદા મેળવી. વિચાર કરો કે કેવું હશે આ મા આદ્યશક્તિનું સ્વરૂપ. એમાં પણ સિંહ પર સવારી, હાથમાં કુબેરનું સુવર્ણમય સૂરાપાત્ર અને કમળ.
મા દુર્ગાના આવા અદ્ભુત સ્વરૂપને મહિષાસુરના એક દૂતે જોયું અને તેના હાંજા ગગડી ગયા, તે ડરી પણ ગયો અને મંત્રમુગ્ધ પણ થઈ ગયો. દૂતે જઈને મહિષાસુર પાસે આ અદ્ભુત સ્વરૂપાનું વર્ણન કર્યું. મહિષાસુરે તેના પર ઓળઘોળ થઈને કહ્યું કે સુંદરી પાસે જા અને મારું માગું નાખ અને કહેજે કે હું તેને મારી પટરાણી બનાવીશ. દૂતની વાત સાંભળીને મા દુર્ગા છેડાયાં. દેવી ભાગવતમાં આ કથા બહુ લાંબી છે, પણ ટૂંકમાં મહિષાસુરની આ માગણીથી મા વીફર્યાં અને જોતજોતાંમાં તેને રગદોળી નાખ્યો. એ દિવસ હતો આસો સુદ આઠમનો, દુર્ગાષ્ટમીનો દિવસ. આ દિવસે લોકો હવન-પૂજા કરી મા દુર્ગાનું સ્મરણ કરે અને માની આરતી ગાય છે.
‘જય આદ્યા શક્તિ મા જય આદ્યા શક્તિ
અખંડ બ્રહ્માંડ દીપાવ્યા પડવે પ્રગટ થયા.’
લગભગ દોઢસો-બસો વર્ષથી અત્યંત ભાવપૂર્ણ રીતે ગવાતી આ આરતીના રચયિતા છે સુરતના નગર ફળિયામાં ઊછરેલા શિવાનંદ પંડ્યા અને એક બીજી આરતીના રચયિતા પણ શિવાનંદ સ્વામી છે, પરંતુ એ સ્વામી જુદા છે.
નવરાત્રિમાં ચોરે ને ચૌટે કેટકેટલા રાસ-ગરબા, લોકગીતોની રમઝટ ચાલતી હોય છે. સામાન્ય લોકોને એવી માન્યતા ઘર કરી ગઈ છે કે આપણે વર્ષોથી જે રાસ-ગરબા ગાઈએ છીએ એ બધાં લોકગીતો જ છે, પણ એવું નથી. કેટલાંક લોકગીતો લાગે છે, પણ લોકગીત નથી. દા.ત.
‘આશાભર્યા ને અમે આવ્યા મારે વહાલે રમાડ્યા રાસ રે’
‘શરદ પૂનમની રાતડી ને કઈ ચાંદો ચડ્યો આકાશમાં’
‘અમે મહિયારા રે ગોકુળ ગામના’
‘નાગર નંદજીના લાલ રાસ રમંતા મારી નથણી ખોવાણી’
આ બધી રચનાઓ નરસિંહ મહેતાની છે, તો
‘રંગતાળી રંગતાળી રે રંગ મા રંગતાળી
મા ગબ્બરના ગોખવાળી રે રંગમાં રંગતાળી (વલ્લભ ભટ્ટની રચના છે)
ગુજરાતમાં ગરબારાસને પ્રચલિત કરવામાં અવિનાશ વ્યાસનો ફાળો અનન્ય છે. કેટલાંક ગીતો અવિનાશે લખ્યાં છે, પણ લોકગીતો જ લાગે
* ‘ઘૂમતો ઘૂમતો જાય માનો ગરબો ઘૂમતો ઘૂમતો જાય
પવન ઝપાટા ખાય તોય માનો ગરબો ઘૂમતો જાય’
* ઢોલીડા ઢોલ તું વગાડ ગરબો હેલે ચડ્યો
* રૂડી રે રંગીલી વહાલા તારી વાંસળી રે લોલ
ખમ્મા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી
મા પાવા તે ગઢથી ઊતર્યાં મહાકાળી રે
હું તો કાગળિયા લખી લખી થાકી
મથુરામાં ખેલ ખેલી આવ્યા
સોના ઓઢણી રૂપા બેલડું
આવી કેટલીક રચનાઓ લોકગીતના નામે પણ છે અને અવિનાશ વ્યાસના નામે પણ છે.
સમાપન
સાંપ્રત સમયના કવિઓની પંક્તિથી પૂર્ણાહુતિ કરીએ.
રાધાને શ્યામ સાથે વાંકું પડ્યું
ને કર્યા રાધાએ તેના હોઠ ચૂપ
શ્યામે પણ વર્ષની વેગળી મૂકી
તો વળી મહેક્યો અબોલાનો ધૂપ (સુરેશ દલાલ)
રાધા તારી પાછળ બબ્બે કાના તો પણ કાના પાછળ ઘેલી તું (કવિ કાગ)
તારું નામ તો તને યાદ નો’તું તે દી રાધાનું નામ હતું હોઠે
ઠકરાણાં-પટરાણાં તો કેટલાં હતાં
તોય રાધા રમતી’તી સાથ કોઠે.
(ઈસુદાન ગઢવી).
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)