Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > નવરાત્રિને લવરાત્રિ કહેવાઈ રહી છે, તો લવ શું કોઈ ડહોળાયેલો શબ્દ છે?

નવરાત્રિને લવરાત્રિ કહેવાઈ રહી છે, તો લવ શું કોઈ ડહોળાયેલો શબ્દ છે?

Published : 08 October, 2024 03:14 PM | Modified : 08 October, 2024 03:49 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નવરાત્રિમાં જે ગરબા લેવાય છે એ માતાજીની હવન-સ્તુતિ અને ભક્તિ છે. માતાજીને લગતા કોઈ પણ ગ્રંથમાં રાસની વાત જ નથી. રાસની વાત તો ભગવાન શ્રીકૃષ્ણના ગ્રંથમાં છે

ફાઇલ તસવીર

મારી વાત

ફાઇલ તસવીર


અમદાવાદમાં સ્વામીનારાયણ સંપ્રદાયના ગુરુકુળના અનુપમસ્વરૂપ સ્વામી નવરાત્રિ વિશે એક વિડિયોમાં કહે છે, ‘અરે ઓ ગુજરાતીઓ, તમારા પ્રિય તહેવાર નવરાત્રિને લોકો શું કહે છે ખબર છે? કોઈ કહે છે કે આ નવરાત્રિ નહીં, લવરાત્રિ છે. કોઈ વળી એમ કહે છે કે ૯ દિવસનો નાઇટ ફૅશન શો છે. તો કોઈ વળી એમ કહે છે કે માતાજીના પૂજાના નહીં, વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો આવ્યા છે...’ આવાં નિવેદનોથી વિવાદનો વંટોળ ઊભો થયો છે ત્યારે પોતાના વિચારો બેધડક રજૂ કરવા માટે જાણીતા લેખક, વક્તા, વિચારક જય વસાવડા આ નિવેદનો વિશે શું કહે છે એ વાંચો તેમના જ શબ્દોમાં...


પહેલી વાત તો એ કે સંસારમાં આજુબાજુ શું થાય છે એનું ધ્યાન રાખનારી વ્યક્તિને સંસારી કહેવાય, આવી વ્યક્તિને સ્વામી કહેવાય જ નહીં; કારણ કે તેમને તેમની સાધનામાં રસ પડતો નથી, પણ બીજા શું કરે છે એ જોવા-જાણવામાં રસ પડે છે. કોઈ વ્યક્તિ સાધુ બને એટલે સાંસારિક જીવનનો ત્યાગ કરીને ઈશ્વરભક્તિમાં લીન થાય, પણ તમારું મન જ ભક્તિમાં નથી અને બીજા શું કરે છે એ જાણવામાં છે તો આ કર્મબંધન બાંધવાની વાત થઈ. બીજી વાત એ છે કે ભારત કાયદા મુજબ ચાલતો દેશ છે, ધાર્મિક માન્યતાઓ અને વ્યક્તિગત અભિપ્રાયો મુજબ ચાલતો દેશ નથી. દરેકની માન્યતાઓ મુજબ જીવવાનું શરૂ કરશો તો ભારત ઈરાન બની જશે. ઈરાનમાં આવા જ ફતવા બહાર પડે છે અને અફ્ઘાનિસ્તાનના તાલિબાનો આવી જ રીતે સ્ત્રીઓને ગોંધી રાખે છે. ઈરાનમાં તો ૪૦૦ જેટલી સ્ત્રીઓ હિજાબના મુદ્દે મરી ગઈ. તો ભારતને ઈરાન બનાવવું છે કે ભારત જ રહેવા દેવું છે? આપણા દેશનું નામ પણ રાજા ભરત પરથી પડ્યું છે. મેનકા અને વિશ્વામિત્રની દીકરી શકુંતલાએ દુષ્યંત રાજા સાથે ગંધર્વવિવાહ કર્યા હતા, તેમના સંતાન રાજા ભરત હતા. ભારતીય બંધારણમાં પ્રેમ કરવો કે રમવા જવું એ ગુનો છે એવું કઈ કલમમાં લખ્યું છે? કાયદાનું ઉલ્લંઘન ન થાય ત્યાં સુધી દરેક વ્યક્તિને પોતાની રીતે ફૅશન કરવાની છૂટ છે, પુખ્ત વયની વ્યક્તિ નાચવા-ગાવા જાય એની પણ છૂટ છે. દરેકની માન્યતા મુજબ કંઈ દેશ થોડો ચાલે? જે કાયદા નક્કી કર્યા છે એના મુજબ ચાલે. લાઉડસ્પીકરનો કાયદો બનાવાયો છે તો સમય થાય ત્યારે એને બંધ કરવું પડે એમ વિનયભંગના પણ કાયદા છે, બળાત્કારના પણ કાયદા છે. કાયદાની મર્યાદાનો ભંગ થાય ત્યાં ગુનો નોંધાય છે, પણ ફૅશન ન કરવી એવો કાયદો આપણી પૃથ્વી પર તો નથી.



નવરાત્રિમાં જે ગરબા લેવાય છે એ માતાજીની હવન-સ્તુતિ અને ભક્તિ છે. માતાજીને લગતા કોઈ પણ ગ્રંથમાં રાસની વાત જ નથી. રાસની વાત તો ભગવાન શ્રીકૃષ્ણના ગ્રંથમાં છે અને તેમના તો બધા જ રાસ રોમૅન્ટિક છે. રાધા-કૃષ્ણના અને કૃષ્ણના ગોપીઓ સાથેના રાસનાં વર્ણનો ભાગવતમાં, નરસિંહ મહેતાની કૃતિઓમાં, જયદેવના ગીતગોવિંદમાં વાંચો કે પછી પૌરાણિક કાળનાં શિલ્પો અને ચિત્રોમાં પણ જોશો તો પ્રેમમય રાસ જ છે. પ્રેમની ઊર્મી અને અભિવ્યક્તિ એ જ રાસ છે. નવરાત્રિને લવરાત્રિ કહેવાના દાવા થઈ રહ્યા છે ત્યારે લવ કોઈ એવો ડહોળાયેલો શબ્દ થોડો છે? આ પૃથ્વી પર પ્રેમ વગર તો કોઈનો જન્મ જ નથી થતો. માતા-પિતાનાં મિલન ન થાત તો પૃથ્વી પર જન્મ જ શક્ય ન હોત. આકર્ષણ પ્રકૃતિની દેણ છે. રંગબેરંગી ફૂલો ખીલે છે એ આકર્ષણને લીધે ખીલે છે. કોયલનો ટહુકો આકર્ષણનું પ્રતીક છે. બધી વાતમાં વાસના જોવા બેસો તો સંસાર ચાલે જ નહીં, તો ૧૦૦ વર્ષ પછી પૃથ્વી પર માનવની વસ્તી જ નહીં રહેશે. આપણે પ્રકૃતિનાં સંતાનો છીએ, કોઈ વ્યક્તિની માન્યતાનાં નહીં.


રાસગરબા લોકસંસ્કૃતિમાંથી આવ્યા છે. લીલી ભાગવતથી લઈને ચં​ડીપાઠ અને આદિ શંકરાચાર્યે તો સૌંદર્યલડી નામનો ગ્રંથ લખ્યો છે એમાં શૃંગારરસિકનું વર્ણન છે. ભગવદ્ગીતામાં કૃષ્ણએ જ કહ્યું છે કે હું કંદર્ભ એટલે કામદેવ છું, ઋતુમાં હું વસંત છું. ભારતના વારસામાં શૃંગારનો વિરોધ નથી, એ તો નવરસમાંનો એક રસ છે. આખી દુનિયામાં ૧૬ શણગાર છે એ સૌથી પહેલાં ભારતમાં હતા. ‘સોળ સજી શગણાર’ પર લખાયેલા ગરબા તો પ્રાચીન છે. એમાં કેશગુંથનથી શરૂ કરીને હોઠ લાલ કરવા સુધીનું વર્ણન થયું છે. ચણિયાચોળી પણ પ્રાચીન પોશાક છે. જૂના જમાનામાં સ્ત્રીઓ પહેલાં બૅકલેસ ચોળી જ પહેરતી હતી. છોકરી ફૅશન કરે છે ત્યારે કેવાં કપડાં પહેરવાં એ નક્કી કરવાનો અધિકાર તેને છે, કોઈ બીજી વ્યક્તિને નહીં.  આજકાલની ફૅશન પર સ્વામીઓનું ધ્યાન કેમ જાય છે? આવા સ્વામીઓને ખરેખર પોતાનો ઇલાજ કરાવવાની જરૂર છે. ભારતનાં હજારો વર્ષ જૂનાં મંદિરોમાં આવેલાં કયાં શિલ્પો ઢાંકેલાં જોવા મળે છે? ભારતીય સંસ્કૃતિનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાની સલાહ આપીશ. જે માતાજીના પર્વની વાત થઈ રહી છે એ સતીના સ્વરૂપમાં હોય કે પાર્વતીના સ્વરૂપમાં હોય, તેમણે પોતે શંકર ભગવાન સાથે પ્રેમવિવાહ કર્યા છે. શિવ તો નટરાજ એટલે કે નૃત્યના દેવતા ગણાય છે. પહેલાંના સમયમાં દીકરા-દીકરી ઋષિ આશ્રમથી શિક્ષા પ્રાપ્ત કરીને બહાર જતાં ત્યારે આશીર્વાદ મળતા કે તમે પ્રજાતંતુ ચાલુ રાખજો. એથી સ્વામીની વાતો ધ્યાનમાં લેવા જેવી નથી.

 


- જય વસાવડા

Whatsapp-channel Whatsapp-channel

08 October, 2024 03:49 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK