Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > કૉલમ > જેના તાલે આખું ગામ ગરબે ઘૂમતું હોય તેઓ પોતે ક્યારે ગરબે ઘૂમે?

જેના તાલે આખું ગામ ગરબે ઘૂમતું હોય તેઓ પોતે ક્યારે ગરબે ઘૂમે?

Published : 15 October, 2023 04:31 PM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

નવરાત્રિ એટલે મન મૂકીને ગ્રાઉન્ડ પર ઝૂમવાનો ઉત્સવ. જોકે ઝૂમવાનું ત્યારે શક્ય બને જ્યારે કોઈ ઝુમાવનારું હોય. સ્ટેજ પરથી સંગીતના સૂરો રેલાવનારાઓને કારણે ગરબાપ્રેમીઓનો પ્રેમ સાકાર થાય છે.

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


નવરાત્રિ એટલે મન મૂકીને ગ્રાઉન્ડ પર ઝૂમવાનો ઉત્સવ. જોકે ઝૂમવાનું ત્યારે શક્ય બને જ્યારે કોઈ ઝુમાવનારું હોય. સ્ટેજ પરથી સંગીતના સૂરો રેલાવનારાઓને કારણે ગરબાપ્રેમીઓનો પ્રેમ સાકાર થાય છે. સંગીતનો એવો દબદબો નવરાત્રિના કાર્યક્રમોમાં હોય છે કે ભલભલી નીરસ વ્યક્તિ પણ એ નવરાત્રિમાં ઝિલાતા સૂરો પર પોતાના પગ થીરકાવ્યા વિના રહી ન શકે. સંગીતનો જલસો અને સાથે માતાજીનાં ભજનોના ભક્તિમય શબ્દોનું એવું મધુર મિલન થાય કે ગરબાના ગ્રાઉન્ડ પર જાણે મેળો જામ્યો હોય એવું લાગે. મુંબઈમાં નવરાત્રિનો આ વર્ષે ઐતિહાસિક માહોલ છે. વૈશ્વિક સ્તરે નામના ધરાવતા કાલાકારો દ્વારા મુંબઈ નગરીમાં સૂર અને તાલનો જબરો ટેમ્પરામેન્ટ બીલ્ડ થઈ રહ્યો છે ત્યારે વર્ષોથી નવરાત્રિમાં લોકોને ગરબા રમવા માટે ઉત્સુક કરતા કલાકારો દ્વારા નવરાત્રિની મજા માણવાનું ચુકાઈ જવાય એ સ્વાભાવિક છે. આ આર્ટિસ્ટોને ગરબે ઘૂમવાની તક ક્યારે મળે? તેમની પાસે ગરબે ઘૂમવાની બાળપણની કોઈ યાદો છે? ચાલો, તેમને જ પૂછી જોઈએ... 


ગાવા માટે રમવું જરૂરી




સૂર અને તાલ એ ગરબાનો પાયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે નામના ધરાવતા અને વીસમી પેઢીએ ઢોલી તરીકે આ આર્ટને દુનિયાભરમાં ખ્યાતિ અપાવનારા હનીફ-અસલમની જોડીમાં હનીફભાઈ આ વર્ષે નવરાત્રિ માટે પહેલી વાર થાણેમાં પર્ફોર્મ કરવાના છે અને રંગ-રાસના પ્રોગ્રામમાં ખેલૈયાઓને કંઈક નવા તાલ પર ઝુમાવવાના છે. જોકે આ તૈયારીમાં તેમનો પોતાનો નાચવાનો શોખ ૧૦૦ ટકા બાજુએ રહી જાય છે. આ સંદર્ભે હનીફભાઈ કહે છે, ‘લગભગ ૧૩ વર્ષનો હતો ત્યાં સુધી તો દરરોજ આખી-આખી રાત ગરબા રમ્યો છું. એ સમયે તો કંઈ ૧૨ વાગ્યાની ટાઇમ-લિમિટ નહોતી. મારા પિતા સલીમ ઉસ્તાદ ઑલરેડી બહુ જ પૉપ્યુલર હતા એટલે તેમની સાથે જ્યારે વગાડવા જતો ત્યારે હું મન મૂકીને ગરબા રમતો. હું તમને કહું તો જે વ્યક્તિ સારા ગરબા રમી શકે એ જ વ્યક્તિ વગાડી શકે, કારણ કે ગરબા-રાસ એ સંપૂર્ણપણે સૂર અને તાલ પર અવલંબિત આર્ટફૉર્મ છે. એમાં તમને તાલની સમજ હોય તો જ તમે નાચી શકો અને જો તમે તાલ પ્રમાણે નાચતા હો તો જ તમે વગાડી શકો.’


હવે તો માત્ર નજીકના મિત્રોના લગ્નપ્રસંગે જ નાચવાનું બને છે એમ કહેતાં હનીફભાઈ ઉમેરે છે, ‘મને યાદ છે કે પહેલી વાર હું કાંદિવલીના એક બિલ્ડિંગમાં શો માટે ગયો ત્યારે લગભગ ૧૩ વર્ષનો હોઈશ. ત્યારથી નવરાત્રિ રમવાનું બંધ થઈ ગયું. હાં, લગભગ ૨૧ વર્ષની ઉંમરે પપ્પા વગાડતા ત્યારે હું નીચે ગ્રાઉન્ડ પર પહોંચી જતો. હવે પ્રોગ્રામ પત્યા પછી સક્સેસ પાર્ટી આપીએ ત્યારે નાચવા જવાનું થાય. જોકે એમાં પણ ખૂબ ઓછો સમય મળતો હોય. ગરબા રમવાની મજા એકસરખો સમય રમવાનો મળે ત્યારે બેવડાઈ જાય છે. જોકે આજના સમયે હું યંગસ્ટર્સને જોઉં છું ત્યારે સમજાય છે કે માત્ર પંદર-વીસ મિનિટ રમે અને બ્રેક લઈ લે છે. બે કલાકનો એક રાઉન્ડ પૂરો ન થાય ત્યાં સુધી કોઈ અટકે નહીં એ રીતે લોકોને ગરબા રમતા અમે જોયા છે. હું તો દરેકને કહીશ કે રમો તો પૂરા બે કલાક રમી શકો એવો સ્ટૅમિના બનાવીને રમો. મ્યુઝિશ્યન ગીત માટે ખૂબ મહેનત કરતા હોય છે એમાં જો અધવચ્ચે ખેલૈયાઓ અટકી જાય તો એ તેમના ઉત્સાહ પર બ્રેક લગાડનારું હોય છે.’

લગ્નની બારાત



છેલ્લા ત્રણ દાયકાથી નવરાત્રિના પ્રોગ્રામ કરીને ગરબાને નેક્સ્ટ લેવલ પર લઈ જનારી ફાલ્ગુની પાઠકના ગરબામાં પહેલા દિવસથી પિયાનો વગાડવા માટે જાણીતા ભાવેશ શાહને પણ ગરબા રમવાનો જબરો શોખ છે, પરંતુ ભાવેશભાઈ દેખીતી રીતે છેલ્લાં ૨૯ વર્ષથી નવરાત્રિમાં ગરબા નથી જ રમ્યા. ‘એમાં તો કરી પણ શું શકાય’ એવો ભાવેશભાઈનો તર્ક વાજબી છે. તેઓ કહે છે, ‘બેશક, ગરબા રમવાનો અને પિયાનો વગાડવાનો એ બન્ને શોખ છે જ મને. કોઈ કોઈનાથી ચડિયાતું છે એવી કમ્પેરિઝનમાં નહીં ઊતરું. જોકે નવરાત્રિમાં સ્ટેજ પર વગાડતી વખતે લોકોને ઝૂમતા જોવાનો આનંદ પણ ઓછો નથી હોતો. નાનપણમાં ગ્રુપ બનાવીને ખૂબ રમ્યો છું. છેલ્લે નવરાત્રિમાં ૩૦ વર્ષથી નથી રમ્યો એ પણ એટલું જ સાચું છે. હા લગ્નપ્રસંગોમાં ખૂબ નાચું છું. જાન્યુઆરીમાં મારા ભત્રીજાનાં લગ્ન અને સંગીતસંધ્યા છે તો એમાં વગાડવાની અને નાચવાની બન્ને ઇચ્છા પૂરી થાય એવી વ્યવસ્થા મેં કરી છે. હું સૌથી વધુ છેલ્લે મારાં લગ્નની બારાતમાં નાચેલો. ત્યારે તો ફાલ્ગુનીબહેન પણ ખૂબ નાચ્યાં હતાં અને જોરદાર જલસો કર્યો હતો અમે. એ સિવાય નાચવાના પ્રસંગ બહુ આવ્યા નથી. અફકોર્સ હું મિસ કરું છું, પરંતુ વગાડવાનું પણ ગમે છે અને પ્રોફેશન જ મારું પૅશન છે એટલે વગાડવાની બાબતમાં દૂર નથી ભાગતો.’

પ્રૅક્ટિસ વખતે ગરબા


રાસગરબામાં છેલ્લાં ૩૦ વર્ષથી મુંબઈગરાઓના હૃદયમાં સ્થાન પામેલી અને ગરબા ગાવામાં એક જુદો જ ચીલો ચાતરનારી પ્રીતિ-પિન્કીના જીવનમાં પણ ગરબા ગાવાનું અને ગરબા રમવાનું જુદું જ મહત્ત્વ છે. પ્રીતિ કહે છે, ‘ગરબા રમવાનું કોને ન ગમે. અરે જો ગાવાની સાથે રમવા મળે તો એ ડબલ ધમાલ જેવું થઈ જાય. બેશક, માતાજીએ અમને ગાવાની અને ગાઈને હજારો લોકોને ઝુમાવવાની જવાબદારી સોંપી છે તો એનું પણ શ્રેષ્ઠ રીતે પાલન કરવાના પ્રયાસ અમે કરીએ છીએ. અમારો નાચવાનો શોખ અમે પ્રૅક્ટિસ-સેશનમાં પૂરો કરી લઈએ છીએ. અમારા શોનાં જ્યારે રિહર્સલ ચાલતાં હોય ત્યારે અમે પેટ ભરીને, પગ થાકી જાય એટલું નાચી લેતાં હોઈએ છીએ. અફકોર્સ નવરાત્રિના ગ્રાઉન્ડમાં હજારોના ક્રાઉડ વચ્ચે એવી રીતે નાચવાની લાંબી તક નથી મળતી, પણ ગરબા રમવાનો શોખ પૂરો થઈ જાય છે. પિન્કી તો દરેક વખતે નવરાત્રિમાં ગાતાં-ગાતાં ગ્રાઉન્ડ પર અન્ય ખેલૈયાઓ સાથે રમવા જતી રહે છે.’
પ્રીતિ અને પિન્કીનો જન્મ અને ઉછેર અમદાવાદમાં થયો છે. અમદાવાદમાં રહેતી દરેક વ્યક્તિ ગરબા રમવા જતી જ હોય. એમાં નવાઈ પામવા 
જેવું કાંઈ નથી. પ્રીતિ કહે છે, ‘હું સાત વર્ષની અને પિન્કી પાંચ વર્ષની હતી. મને બરાબર યાદ છે કે અમે છોકરાઓની જેમ દુપટ્ટો પહેરીને જતાં. એ સમયે રમવા જવાની એટલી જીદ કરતાં અને ડ્રેસ પણ એવો જ જોઈએ જેથી મમ્મીએ બહુ હેરાન થવું પડતું. દુપટ્ટો નીકળી જાય એટલે રડતાં-રડતાં પાછાં મમ્મી પાસે આવતાં. જો સાચું કહું તો રમવાનો શોખ કરો, પરંતુ માતાજીના 
અમારા પર આશીર્વાદ છે કે અમને ગાવામાં અને આટલા હજારો લોકોને ભક્તિ કરાવવામાં નિમિત્ત બનાવ્યાં છે. એટલે ભલે રમવાનું મિસ કરીએ, પણ ગાવાનો આનંદ કંઈક ઘણો વધારે હોય છે.’

જો મને તક મળે...


ફાલ્ગુની પાઠક સાથે ઘણા શો કરનારા સિંગર ચેતન ગઢવીને પણ ગરબાનો જબરો શોખ છે. જોકે નાની ઉંમરથી તેમને રમવાની તક નથી મળી એ પણ એટલું જ સાચું છે. ચેતનભાઈ કહે છે, ‘અંગત લગ્નપ્રસંગો સિવાય નાચવાની લક્ઝરી તો અમને નથી મળતી. મને ગરબા રમવાનો જોરદાર શોખ હતો અને આજે પણ છે, પરંતુ દસેક વર્ષની ઉંમરથી ગાવાનું શરૂ કર્યું હતું. એ પછી ધીમે-ધીમે નાચવાનું છૂટી ગયું. અફકોર્સ, ગાવાની બાબતને રમવા કરતાં વધુ માર્ક આપું અને એમાં વધારે મજા આવે છે, પરંતુ એ પછીયે કોઈ એક વ્યક્તિ જે ગાતી હોય તો પગ અને મન બન્ને નાચવા માંડે એવું પૂછો તો મારો જવાબ હશે ફાલ્ગુની પાઠક. યસ, ફાલ્ગુની પાઠક જ્યારે ગરબા ગાય અને જે રીતનું મ્યુઝિક અને સૉન્ગ સિલેક્શન હોય એમાં મારું મન ખરેખર અંદર-અંદર થનગનાટ કરતું હોય. હું સિંગર છું પોતે પણ અને સૂર-તાલની સમજ છે, પરંતુ એ પછીયે 
કહીશ કે ફાલ્ગુની ગાય ત્યારે કોઈ જુદો જ ચાર્મ સાંભળનારને મળતો હોય છે કે તે પોતાનું બધું જ ભૂલીને માતાજીના માનમાં નૃત્ય કરવા મંડી પડતો હોય છે. ગયા વર્ષે સહારા સ્ટારમાં મારી નવરાત્રિ હતી. ત્યારે મારી દીકરી દુબઈથી આવેલી. અમે પાંચેક સિંગર્સ 
હતાં. જ્યારે બીજા સિંગર્સે ગાવાનું હતું ત્યારે હું મારી દીકરીને ગરબા રમવા હતા એટલે તેની સાથે વીસ-પચીસ મિનિટ ગરબા 
રમ્યો હતો.’

રમવા માટે વગાડવાનું છોડ્યું
ઢોલના તાલ સાથે ગરબાના મ્યુઝિક કમ્પોઝિશનનો જુદો જ દબદબો વધારનાર નૈતિક નાગડા દર નવરાત્રિના છેલ્લા દિવસે ગ્રાઉન્ડ પર જાય અને મન મૂકીને નાચે. આ વર્ષે ડોમ્બિવલીમાં ગરબાના તાલે લોકોને ઝુમાવવા માટે સજ્જ નૈતિક કહે છે, ‘ચોક્કસ મને વગાડવાનો શોખ છે, પરંતુ ગરબા રમવાનું પૂછો તો હું બધું જ ભુલી જાઉં છું. નવરાત્રિમાં હું છેલ્લા દિવસની રાહ એટલા માટે જોતો હોઉં છું કે ત્યારે હું પણ ગ્રાઉન્ડ પર રમીશ. દરરોજ તો ટીમવર્કમાં સ્મૂધનેસ રાખવા માટે સ્ટેજ પરથી નીચે ઊતરવાનું શક્ય નથી હોતું, પણ હા, એ છેલ્લો દિવસ ખાસ હોય છે. મને યાદ છે કે સ્કૂલમાં હતો ત્યારે મિત્રોનું ગ્રુપ જુદી-જુદી જગ્યાના પાસ લઈને રમવા જતું અને હું પ્રાઇઝ પણ જીત્યો છું. ગાંડો ક્રેઝ હતો મને ગરબા રમવાનો. હવે તો ખેર, લોકોને ગરબા રમતા જોઈને જોરદાર જલસો પડી જાય છે.’

નૈતિક નાગડાના જીવનમાં એક પ્રસંગ એવો બન્યો હતો કે તેણે નાચવા માટે એક નવરાત્રિમાં પર્ફોર્મ કરવાની ના પાડી દીધી હતી. એ પ્રસંગને યાદ કરતાં તે કહે છે, ‘હું સ્કૂલમાં ભણતો હતો ત્યારની વાત છે. પહેલી જ વાર ઘાટકોપરની એક સોસાયટીમાંથી મને ગરબામાં ઢોલ વગાડવાની ઑફર આવી. નાનપણથી જ ઢોલ વગાડતો. પહેલી વાર ઑફર આવી અને મારું કામ લોકો સુધી પહોંચે છે એટલે હું ખૂબ એક્સાઇટેડ હતો. જોકે જેમ-જેમ નવરાત્રિ નજીક આવતી ગઈ એમ મિત્રોનો ગરબા રમવાનો ઉત્સાહ જોતાં મારું મન પણ લલચાવા માંડ્યું. બધાના પાસ આવી ગયા અને બધા રમવા માટે તૈયાર હતા. મારે શું કરવું એની મૂંઝવણમાં હતો. મને યાદ છે કે એ નવરાત્રિમાં સ્વૈચ્છિક રીતે ભાગ લેવાનો હતો. કોઈ પૈસાની વાત એમાં હતી નહીં, પરંતુ પહેલી વાર નવરાત્રિમાં પર્ફોર્મ કરવાનો લહાવો મળવાનો હતો, પરંતુ રમવાનું છૂટી જશે એ વિચારથી મેં નવરાત્રિને પડતી મૂકી અને બે દિવસ પહેલાં જ સોસાયટીના મેમ્બરને ના પાડી દીધી અને હું ગરબા રમવા પહોંચી ગયો હતો.’

બેસ્ટ ટાઇમ ઑફ લાઇફ


ગરબા રમવાની મજા અને ગાવાની મજા એ બન્ને માણતી જાણીતી પ્લેબૅક સિંગર અને આ વર્ષે ધ ગ્રેટ ઇન્ડિયન દાંડિયા ફેસ્ટિવલમાં પર્ફોર્મ કરનારી શ્રુતિ પાઠક મૂળ અમદાવાદની છે. ગરબા ગુજરાતીઓના લોહીમાં વસે છે એમ જણાવીને શ્રુતિ કહે છે, ‘નાનપણથી ગરબા માટે આતુરતાપૂર્વક રાહ જોતી. જે લોકો ગુજરાતમાં રહ્યા હશે તેમને ખબર હશે કે ડ્રેસથી લઈને દાગીના, કેવાં સ્ટેપ્સ અને કઈ થીમ ફૉલો કરીશું જેવી દુનિયાભરની ચર્ચા અને પ્લાનિંગ થતાં હોય છે. ગરબાનો માહોલ અને આખી રાત એનો જે રંગ જામતો, ઓહો... આજે પણ એને યાદ કરું અને દિલ ઉત્સાહથી ઝૂમી ઊઠે છે. ૧૫ વર્ષથી તો હું નવરાત્રિમાં સિંગર તરીકે ઍક્ટિવ છું એટલે સ્વાભાવિક રીતે ૧૫ વર્ષથી નવરાત્રિમાં ગરબા રમી નથી. અફકોર્સ સ્ટેજ પર ગાતાં હોઈએ ત્યારે નૅચરલી પગ થીરકતા હોય, પરંતુ ગ્રાઉન્ડ પર જઈને ગ્રુપ સાથે ગરબા રમવાનો આનંદ જુદો હોય છે. નાનપણમાં આખી-આખી રાત ગરબા રમ્યાં હોઈએ અને કેટલીયે વાર ઇન્જર્ડ થયા પછીયે બીજા દિવસે એટલી જ એનર્જી સાથે ગરબા રમવાનું બન્યું છે. પહેલાં તો ગ્રાઉન્ડ પર આજના જેટલી સુવિધા નહોતી. કાંકરા વાગે, ગ્રાઉન્ડ સમતળ ન હોય એટલે વાગી જવાના ચાન્સ પણ વધારે હોય. હવે કમ્પેરિટિવલી ખેલૈયાઓને ઘણી સુવિધા મળતી થઈ છે.’

Whatsapp-channel Whatsapp-channel

15 October, 2023 04:31 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK