Navratri 2023: મીઠીબાઈ કૉલેજમાં આર્ટ્સના સ્ટુડન્ટ માટે ગરબા કમ્પલ્સરી સબ્જેક્ટ તરીકે ભણાવવાનું શરૂ થયું છે. આવું ગુજરાતમાં થાય તો સમજ્યા, પણ મહારાષ્ટ્રમાં આવું થઈ રહ્યું છે એની પાછળની મહેનત છે ગરબાકિંગ જોડી જિગર અને સુહૃદ સોનીની.
નવરાત્રિ સ્પેશ્યલ
ઐશ્વર્યા દેવધર
મીઠીબાઈ કૉલેજમાં આર્ટ્સના સ્ટુડન્ટ માટે ગરબા કમ્પલ્સરી સબ્જેક્ટ તરીકે ભણાવવાનું શરૂ થયું છે. આવું ગુજરાતમાં થાય તો સમજ્યા, પણ મહારાષ્ટ્રમાં આવું થઈ રહ્યું છે એની પાછળની મહેનત છે ગરબાકિંગ જોડી જિગર અને સુહૃદ સોનીની. ગુજરાતના પરંપરાગત ગરબાની સંસ્કૃતિ એના મૂળ સ્વરૂપે જળવાઈ રહે એ માટે પચીસ વર્ષ પહેલાં ગરબા સ્કૂલ શરૂ કરનારા સોની બ્રધર્સે મુંબઈ જ નહીં, દેશ-વિદેશમાં ગરબા પહોંચાડ્યા છે
લગભગ છેલ્લા ત્રણ મહિનાથી મુંબઈની મીઠીબાઈ કૉલેજમાં સોશ્યોલૉજી ઑફ ફોક ડાન્સ અંતર્ગત આર્ટ્સના ફર્સ્ટ યરના સ્ટુડન્ટ્સને ગરબા શીખવાડવામાં આવે છે. દેશમાં પહેલી વાર એવું થઈ રહ્યું છે કે ગરબાને કોઈ કૉલેજમાં એક સબ્જેક્ટ તરીકે ભણાવવામાં આવતો હોય. આવું મુંબઈની કૉલેજમાં થઈ રહ્યું છે એ ગૌરવ લેવા જેવી વાત છે. આ બદલાવ આવ્યો છે એનું શ્રેય જાય છે સોની સ્કૂલ ઑફ ગરબા ડાન્સના ફાઉન્ડર્સ જિગર અને સુહૃદ સોનીને. ઍકૅડેમિક અભ્યાસક્રમમાં ગરબા કઈ રીતે શીખવાય છે એની વાત કરતાં જિગર સોની કહે છે, ‘અમે કૉલેજના સ્ટુડન્ટ્સને ૮૦ ટકા પ્રૅક્ટિકલ અને ૨૦ ટકા થિયરી ભણાવીએ છીએ. સૌથી પહેલાં તેમને ગરબાનાં જે બેઝિક સ્ટેપ્સ છે, જે વર્ષોથી લોકો કરતા આવ્યા છે એ શીખવાડીએ. એ પછી અમારા ડાન્સ ટીચરે અમને જે અમુક સ્ટેપ્સ શીખવાડ્યાં હતાં એ શીખવીએ અને છેલ્લે અમે જાતે ક્રીએટ કરેલાં ઇનોવેટિવ સ્ટેપ્સ શીખવાડીએ છીએ. થિયરીની વાત કરીએ તો એમાં અમે તેમને ગરબાની સંસ્કૃતિ શું છે, એમાં તાળીનું મહત્ત્વ શું, અલગ-અલગ સ્ટેપ્સનાં નામ શું હોય, ગરબાના કયા ટાઇપના કૉસ્ચ્યુમ હોય, કયા ટ્રેડિશનલ ઇન્સ્ટ્રૂમેન્ટ પર ગરબા રમાય વગેરે શીખવતો એક ચોક્કસ અભ્યાસક્રમ તૈયાર કર્યો છે.’
ADVERTISEMENT
મીઠીબાઇ કૉલેજનાં સોશ્યોલૉજીનાં ફેકલ્ટી ડૉ. ખેવના દેસાઈ કહે છે, ‘આપણા વિવિધ ડાન્સ ફૉર્મ્સ ઇન્ડિયાના રિચ કલ્ચરને રેપ્રિઝેન્ટ કરે છે. અમે ડાન્સને કોઈ રિલિજન સાથે જોડીને જોવાને બદલે એક કલ્ચર તરીકે જોઈએ છીએ. ડાન્સ એક સ્કિલ છે. સ્કિલ વગરનું એજ્યુકેશન ડ્રાય હોય છે. કળા સમાજનું પ્રતિબિંબ છે. એટલે કે કોઈ પણ સમાજને સમજવા માટે એની કળા શીખવી જરૂરી છે.’
હાલમાં મીઠીબાઈમાં દર બુધવારે બે કલાક ગરબાનો ક્લાસ હોય છે. એક બુધવારે અમે આ ક્લાસની રૂબરૂ મુલાકાત લઈ આવ્યા. એમાં ગુજરાતી અને નૉન-ગુજરાતી બધા જ સ્ટુડન્ટ્સ ગરબા શીખે છે.
એફવાયજેસી આર્ટ્સની સ્ટુડન્ટ પ્રાચી શેઠિયા કહે છે, ‘અમને દરરોજ બુધવારે બે કલાક માટે ગરબા શીખવાડવામાં આવે છે. ગરબા શીખવા માટે અમારે ચણિયાચોળી પહેરીને રેડી થઈને આવવાનું હોય છે. અમારા માટે આ બધું ખૂબ જ ન્યુ અને એકસાઇટિંગ છે.’
વધુ એક સ્ટુડન્ટ તિશા શાહ કહે છે, ‘ગરબા ક્લાસિસની રાહ અમે આખું અઠવાડિયું જોઈએ છીએ. અમારા સર જિગર અને સુહૃદ સોની અમને ખૂબ જ પેશન્સથી ગરબાના એક-એક સ્ટેપ શીખવાડે છે. અમે જ્યારે પ્રૅક્ટિસ કરીએ ત્યારે પણ તેઓ એક-એક સ્ટુડન્ટ પર પર્સનલી ધ્યાન આપે.’
એ જ રીતે માનસી નથવાણીનું કહેવું છે કે સરના ગરબા ક્લાસ અટેન્ડ કર્યા પછી અમને ખબર પડી કે અમે મૂવીઝમાંથી જોઈને જે ગરબાના સ્ટેપ્સ શીખ્યા છીએ એ ઑથેન્ટિક નથી. અમે તો ઇચ્છીએ છીએ કે ગરબાના પ્રૅક્ટિકલ ક્લાસિસ આમ જ ચાલુ રહે.
આગામી વર્ષથી અન્ય કૉલેજમાં પણ ગરબાનો સમાવેશ અભ્યાસક્રમમાં સમાવેશ કરાવવાના પ્રયત્નો અમે કરી રહ્યા છીએ એમ જણાવતાં જિગર-સુહૃદ કહે છે, ‘ફક્ત કૉલેજિસમાં નહીં પણ સ્કૂલ્સમાં પણ પાંચ વર્ષનો કોર્સ ઇન્ટ્રોડ્યુસ કરાવવાનું અમારું પ્લાનિંગ ચાલી રહ્યું છે. એટલે બાળકોને ઉછેરમાં જ ગરબા એક સંસ્કૃતિ તરીકે મળે.’
ગરબા સ્કૂલ
આવું મિશન હાથમાં લેનારા સોની બ્રધર્સે ગરબાને દુનિયાના ખૂણે-ખૂણે પહોંચાડવા માટે તેમણે શરૂ કરેલી ગરબા સ્કૂલ વટવૃક્ષ હવે ૧૫ દેશ અને ૪૮ શહેરોમાં વિસ્તરી ચૂકી છે. જોકે જિગર-સુહૃદના જીવનમાં ગરબાનું મિશન કઈ રીતે સ્થાન પામ્યું એની વાત કરતાં જિગર કહે છે, ‘ગુજરાતી હોય એટલે ગરબા તો લોહીમાં હોય. જોકે એમાં વળાંક આવ્યો ૧૯૯૬માં. ફોક ડાન્સમાં મોટું નામ ધરાવતાં કુમારી ઇન્દુમતી લેલે, જેમની સાથે મેં અને મારા ભાઈએ ઘણાબધા ફોક ડાન્સ પર્ફોર્મ કર્યા છે, તેમણે અમને એક વાત કહી હતી કે ગરબામાં તાળી અને ચપટી હોવી જ જોઈએ જે ગરબાની ઓળખ છે. ગરબા રમતી વખતે તમે કઈ રીતે વળો છો કે બેઠક કરો છો કે પછી કઈ રીતે ઘૂમો છો એની ઝીણી બારીકાઈઓ વિશે તેમણે કેટલુંક માર્ગદર્શન આપેલું. ૧૯૯૬માં અસોસિએશન ઑફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ દ્વારા નૅશનલ લેવલ યુથ ફેસ્ટિવલમાં મુંબઈ યુનિવર્સિટી માટે ગોલ્ડ મેડલ જીતવાની સાથે જ મને ફોક ડાન્સનું મહત્ત્વ સમજાયું.’
વૈવિધ્ય છતાં ઓરિજિનાલિટી
વાતને આગળ વધારતાં સુહૃદ સોની કહે છે, ‘સમય સાથે મેં અને મારા ભાઈએ ગરબામાં કેટલાંક ઇનોવેશન ઍડ કર્યાં પણ સાથે-સાથે એની ઇન્ડિયનનેસ ન ખોવાય એનું વિશેષ ધ્યાન રાખ્યું. એટલે કે ગરબામાં પહેલાં એક સર્કલ હતું, એ પછી એકનાં બે અને બેનાં ચાર થયાં, તાળીઓની અલગ-અલગ વરાઇટી કરી, બે પગ પર સર્કલ મારવાને બદલે એક પગ પર સર્કલ માર્યાં, બેઠક કરીને જમ્પ કર્યા... આવાં અલગ-અલગ વેરિએશન લાવતા ગયા, પણ તાળી અને ચપટીનો સાથ કદી નથી છોડ્યો. ઇનોવેશન કરવાની હોડમાં અમે ક્યારેય એમાં વેસ્ટર્ન ફ્યુઝનને ઍડ નથી કર્યું. અમે ગરબાના જે નિયમો છે એની અંદર રહીને ગરબામાં જેટલી નવીનતા લાવી શકાય એ લાવવાનો પ્રયત્ન કર્યો છે. આજકાલ લોકો ગરબાના નામે ઇન્ડો વેસ્ટર્ન કરે છે. આ લોકોને અમારે એટલું જ કહેવું છે કે તમારે વેસ્ટર્ન ફ્યુઝન કરવું હોય તો કરો પણ એને પછી ગરબાનું નામ નહીં આપો. તમે એને એક નવું નામ આપી દો.’
સોસાયટીમાંથી સ્કૂલ સુધી
ગરબાની ગરિમા જળવાય અને યુવાનો અને નવી પેઢી ગરબાની સંસ્કૃતિને આગળ વધારે એ માટે માર્ગદર્શન આપવાના ઉદ્દેશથી જ અમે ગરબા સ્કૂલની શરૂઆત કરેલી. સુહૃદ કહે છે, ‘નેવુના દશકમાં ડિસ્કો ગરબાનું ચલણ વધ્યું હતું. એ સમયે લોકોએ ગરબામાં નવા-નવા અખતરા કરવાનું ચાલુ કરી દીધું. એ સમયે મારા અને મારા ભાઈ પાસે બે ઑપ્શન હતા. એક તો બહાર ઊભા-ઊભા લોકોની ટીકા કરતા રહો અથવા જાતે લોકોને યોગ્ય માર્ગદર્શન આપવાનું ચાલુ કરો. અમે બંનેએ બીજો ઑપ્શન પસંદ કર્યો અને ૧૯૯૮માં અમારી સોસાયટીમાં જ ગરબા શીખવાડવાની શરૂઆત કરી. એ પછી અમે ડાન્સ ક્લાસ શરૂ કર્યા. ભગવાનના આશીર્વાદથી ધીમે-ધીમે અમે આગળ વધતા ગયા. એ જર્ની આજે ૧૫ દેશ અને ૪૮ શહેરો સુધી પહોંચી ગઇ છે. શરૂઆતમાં નવરાત્રિના બેત્રણ મહિના અગાઉ ગરબા શીખવાડતા હતા. એ પછી લોકોની ડિમાન્ડ વધતાં ૨૦૧૫માં અમે આખું વર્ષ ગરબા શીખવાડવાની પહેલ કરી. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ યુએસએ, યુકે, સ્પેન, યુએઈ, સિંગાપોર, સ્વિટ્ઝરલૅન્ડ, પોલૅન્ડ વગેરે જેવા દેશોમાં અમારાં સેન્ટર છે.’
ધર્મથી પરે
ગરબાની ઓરિજિનાલિટી જાળવી રાખવા માટે દિલ રેડી નાખનારા જિગર-સુહૃદની મહેનત આખરે સફળ થઈ. તેમને ૨૦૧૭માં ઇન્ટરનૅશનલ ડાન્સ કાઉન્સિલ ઑફ યુનેસ્કોની વર્લ્ડ ડાન્સ કૉન્ગ્રેસમાં ગરબા પર લેક્ચર આપવા માટે બોલાવવામાં આવ્યા. એક રસપ્રદ કિસ્સો શૅર કરતાં જિગર સોની કહે છે ‘યુકેના હેલિફેક્સની સ્કૂલે મને ગરબા શીખવાડવા માટે આમંત્રણ આપ્યું હતું. અહીં ૩૦૦ યુકે બોર્ન પાકિસ્તાની બાળકોએ મારી પાસેથી ગરબા શીખ્યા હતા. એ સમયે રમઝાન ચાલુ હતો અને એ સમયે તેમણે માતાજીના ગરબા મારી પાસેથી શીખ્યા. એ લોકોને આ એટલું ગમ્યું કે તેમણે મને બીજી વાર બોલાવ્યો. મારા માટે આ એક ખૂબ જ યુનિક એક્સ્પીરિયન્સ હતો. કલ્ચર એક એવી વસ્તુ છે જે આખી દુનિયાને બાંધીને રાખે છે.’