Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > કૉલમ > બ્લૅક અપશુકનિયાળ નહીં, બ્લૅક બહેતર છે

બ્લૅક અપશુકનિયાળ નહીં, બ્લૅક બહેતર છે

24 October, 2023 02:58 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાળો રંગ ધાર્મિક રીતે અશુભત્વ ધરાવતો હશે, પણ એક કલર તરીકે એના અનેક શેડ્સ છે, જે પૈકીના મોટા ભાગના શેડ્સ પૉઝિટિવ છે

પ્રતીકાત્મક તસવીર

એકમેવ રંગ

પ્રતીકાત્મક તસવીર


જગતના તમામ કલર જો એકસાથે ભળી જાય તો કયો રંગ બને?


બ્લૅક અને આજે આપણે વાત કરવાની છે એ જ શ્યામ રંગની. એક ચોક્કસ વયમર્યાદા ધરાવતા લોકોને કાળા રંગની અરુચિ છે તો નવી જનરેશનમાં આ જ બ્લૅક કલર જબરદસ્ત પૉપ્યુલર છે. એક વર્ગ એવો છે જે કાળા કલરને અશુભત્વનું પ્રતીક ગણે છે, તો સાથોસાથ શોક અને નિરાશાના કલર તરીકે જુએ છે તો સામા પક્ષે નવી જનરેશન માટે કાળો કલર એ સ્ટાઇલ-આઇકન છે. હકીકત સાવ જુદી છે. હકીકતમાં કાળો કલર એ કોઈ કલર છે જ નહીં!



હા, જેમ તીખો એ સ્વાદ નથી એમ કાળો એ કલર નથી. કાળો કલર શૂન્યવકાશ છે અને કલર થેરપિસ્ટ પણ આ વાતનો સ્વીકાર કરતાં કહે છે કે સૌકોઈને સમાવી લેવાની ક્ષમતા જો કોઈ એક કલરમાં હોય તો એ બ્લૅક કલર છે. બ્લૅક કલર તમામ વૃત્તિને સમાવી લેવાનું કામ કરે છે, તો તંત્રશાસ્ત્ર માને છે કે બ્લૅક કલર દ્વારા રાગદ્વેષથી મુક્તિ પુરવાર થાય છે. જો તમને ખબર ન હોય તો અઘોરીઓની દુનિયામાં કાળા કલરને આધ્યાત્મિક વૈભવનું પ્રતીક માનવામાં આવે છે. વાત આગળ વધારતાં પહેલાં કહેવાનું કે અઘોર તંત્રને હિંસક કે હીન માનવું એ મૂર્ખતા માત્ર છે, સચ્ચાઈ જુદી છે.


અઘોર તંત્ર જેવી અહિંસકતા કદાચ અન્ય કોઈ શાસ્ત્રોક્ત ભાવમાં જોવા નથી મળતી. અઘોરી જો ભૂખ્યો હોય તો પણ તે ઝાડ પર રહેલું ફળ તોડી શકતો નથી, કારણ કે અઘોરમાં એને હિંસા ગણવામાં આવી છે. વૃક્ષ પાસેથી એનું ફળ છીનવી એ ફળના બીજમાં રહેલાં અનેક વૃક્ષો પેદા કરવાની અસીમ ક્ષમતાનો નાશ કરવો એનાથી મોટી બીજી કોઈ હિંસા નથી. ઍનીવે, જો કાળો કલર તમારો ફેવરિટ હોય અને તમે ધારે તો તમે બીજો કોઈ કલર સ્પર્શો સુધ્ધાં નહીં તો માનવું કે અઘોર વિજ્ઞાન તમને સહજપણે આકર્ષી શકે, અપનાવી શકે.

સૌથી પહેલાં તન


આપણે ત્યાં રૂપાળા થવાનો જેને મોહ છે એ સૌની જાણ ખાતર કે જગતની ૯૦ ટકા ગોરી છોકરીઓને શ્યામ છોકરા વધારે પસંદ છે અને આ જ કારણે મૅરેજ લાઇફમાં આપણને એવું વિચિત્ર કૉમ્બિનેશન જોવા મળે છે. બ્લૅક કલર પાસે મૅચ્યોરિટી છે. બ્લૅક કલર સર્જનાત્મકતા પણ દર્શાવે છે. જુઓ તમે, જેટલા પણ સર્જક હશે તેઓ મહદંશે તમને બ્લક કલરમાં વધારે જોવા મળશે. ફિલ્મસ્ટાર્સ અને ડિરેક્ટર્સ માટે તો બ્લૅક કલરના કૉસ્ચ્યુમ જાણે કે યુનિફૉર્મ છે તો ટેક્નૉલૉજીના ક્ષેત્રમાં આવિષ્કાર કરનારાઓને પણ બ્લૅક કલર સાથે ઘરોબો છે. આઇફોનના સર્જક એવા સ્ટીવ જૉબ્સ પોતાની લાઇફમાં મૅક્સિમમ બ્લૅક કલરનાં ટીશર્ટમાં જ જોવા મળ્યા છે.

આપણે ત્યાં બ્લૅક કલર મોટા ભાગે શ્રીમંત લોકોની પસંદગી રહ્યો છે, પણ એની પાછળ જવાબદાર આપણું વેધર છે. વર્ષના ૧૨માંથી ૮ મહિના ગરમી હોય એટલે સામાન્ય રીતે બ્લૅક કૉસ્ચ્યુમ સાથે બહાર નીકળવું આમ આદમી માટે અઘરું થઈ પડે છે, પણ જો નિયમિતપણે બ્લૅક કલરના કૉસ્ચ્યુમ પહેરવાનો સ્વભાવ કેળવવામાં આવે તો વ્યક્તિના સ્વભાવમાં બે મૂળભૂત ફેરફાર જોવા મળી શકે છે. એક તો, તે નાની નાની વાત પકડવાનું છોડીને માત્ર પોતાના ધ્યેય પર ફોકસ કરશે અને બીજો, બ્લૅક કલર જે-તે વ્યક્તિને ક્રીએટિવ બનાવી એને આઉટ ઑફ બૉક્સ વિચારવાની ક્ષમતા આપશે.

હવે વાત મનની કોપભવન શબ્દ યાદ છે?

રાજારજવાડાના સમયમાં રાજા-મહારાણી ગુસ્સે થયા પછી પોતાના મહેલનો મેઇન ઓરડો છોડી કોપભવનમાં ચાલ્યાં જતાં. એ જે કોપભવન હતું એ આખેઆખું કાળા કલરનું બનાવવામાં આવતું. કોપભવન કાળા કલરનું બનાવવાનું કારણ જાણવા જેવું છે.

કાળો કલર કોઈ પણ વાતને એક્સ્ટ્રીમ લેવલ પર લઈ જાય છે અને એ પછી એ શૂન્ય સ્તરે આવે છે. ગુસ્સે ભરાયેલી રાણી કે મહારાજ કોપભવનમાં જઈને થોડી વાર બેસે ત્યાં તેનો ગુસ્સો ચરમસીમા પર પહોંચે અને એ પછી તરત જ એ ગુસ્સો એકઝાટકે બાષ્પીભવન પણ થઈ જાય. વાસ્તુશાસ્ત્રમાં કાળા કલરને આક્રમકતાની નિશાની ગણવામાં આવ્યો છે તો સાયકોલૉજિસ્ટ બ્લૅક કલરને તાકાતની સાથે સરખાવે છે. જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. મુકુલ ચોકસીના કહેવા મુજબ બ્લૅક કલર જેનો પણ ફેવરિટ હોય તેને પાવર અને કમાન્ડ પોતાના હાથમાં રાખવાનું ગમતું હોય છે.

બ્લૅક કલર જેનો ફેવરિટ હોય છે તેની બીજી પણ એક ખાસિયત જાણવા જેવી છે.

કાળો કલર જેનો પસંદીદા કલર છે એ સેલ્ફ-ડિસિપ્લિન અને સેલ્ફ-મોટિવેટેડ હોય છે. કારણ કે કાળો કલર હંમેશાં નેગેટિવિટીને કાપે છે અને નકારાત્મકતાની સામે પોતાની લક્ષ્મણરેખા બનાવે છે. જેને વારંવાર નજર લાગતી હોય એવી વ્યક્તિએ કાળા કલરનો ઉપયોગ વધારવો જોઈએ.

અંતિમ વાત ધનની

એક વાત યાદ રાખજો કે કાળા રંગ અને ધનને બાપે માર્યાં વેર છે. આ જ કારણ છે કે આર્થિક ક્ષેત્રમાં કે પછી કોઈ પણ સારાં કામમાં સામાન્ય રીતે કાળો રંગ વાપરવાનું ટાળવામાં આવે છે. આવું થવાનું કારણ વાસ્તુશાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્ર મુજબ બ્લૅક કલર જળતત્ત્વનો રંગ છે. જળમાંથી જ લક્ષ્મી પેદા થઈ છે. આમ લક્ષ્મી

અને જળને સીધો સંબંધ છે, પણ સ્થૂળ કક્ષાએ લક્ષ્મી પહોંચે ત્યાં સુધી એ અગ્નિનું સ્વરૂપ ધારણ કરે અને જ્યારે સ્થિર થાય ત્યારે એ પૃથ્વી તત્ત્વમાં પરિણમે. આ જ કારણસર ધારો કે તમે બ્લૅક કલરનું વૉલેટ રાખતા હશો તો તમારી પાસે લક્ષ્મી ટકશે નહીં. પૈસા આવતાની સાથે જ ખર્ચાઈ જતા હોય તો તપાસી લેવું કે તમારું વૉલેટ કાળા રંગનું તો નથીને!

વૉલેટ કેવા રંગનું હોવું જોઈએ એનો જવાબ ઑલરેડી અગાઉના આર્ટિકલમાં આપી દીધો છે, જેને માટે તમારે આ સિરીઝ પર ફરી વાર નજર કરી જવી પડશે.

 

- ધર્મેશ રાજદીપ

(દસ દિવસ સુધી ચાલેલી સિરીઝ ‘એકમેવ રંગ’ના લેખક ખૂબ જાણીતા વાસ્તુ-કન્સલ્ટન્ટ, કલર થેરપિસ્ટ અને ન્યુમરોલૉજી એક્સપર્ટ છે.)

Whatsapp-channel Whatsapp-channel

24 October, 2023 02:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK