દવાઓની આડઅસરોથી બચવા માટે વહાલાં પેટ્સને બને ત્યાં સુધી કુદરતી અને ઘરેલુ ઉપચારોથી પણ સાજાં કરવા વિશેની જાગૃતિ હવે લાવવી જરૂરી છે
પ્રતીકાત્મક તસવીર
પાળતુ પ્રાણીઓ માટેની દવાઓમાં પણ હવે તો ઘણી ઍડ્વાન્સમેન્ટ્સ આવી ગઈ છે, પરંતુ ત્યાં પણ દવાઓની આડઅસરોથી બચવા માટે વહાલાં પેટ્સને બને ત્યાં સુધી કુદરતી અને ઘરેલુ ઉપચારોથી પણ સાજાં કરવા વિશેની જાગૃતિ હવે લાવવી જરૂરી છે. કેટલીક એવી વૈકલ્પિક સારવાર પદ્ધતિઓ છે જે જેટલી માણસો માટે અસરકારક છે એટલી જ પેટ્સમાં પણ છે. એ કઈ રીતે વાપરી શકાય એ વિશે નિષ્ણાત પાસેથી જાણીએ
પેટ્સ જ્યાં સુધી સાજાં-નરવાં હોય ત્યાં સુધી વાંધો ન આવે, પણ તેમને કોઈ પણ પ્રકારની બીમારી થાય ત્યારે શું કરવું એ નવાં પેટ પેરન્ટ્સને સમજાતું નથી. જો તમે હોંશે-હોંશે પેટ્સ ઘરે લઈ આવો છો તો એમની સુઘડતા ઉપરાંત એમના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. મોટા ભાગના લોકો ખર્ચો બચાવવા પેટ્સને પેટ ફૂડની જગ્યાએ ઘરનું ખાવાનું તો આપવા લાગે છે પણ પછી એમને જે-તે સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ થાય છે ત્યારે એમને ડૉક્ટર પાસે લઈ જવામાં પણ એમનો દમ નીકળે છે. અંતે પરિણામ એ આવે છે કે ઘરનું એ મૂંગું સભ્ય લાંબા સમય માટે હેરાન થતું રહે છે. આવું ન થાય એ માટે અમુક કુદરતી ઉપચાર જો સલાહ લઈને ઘરે જ પ્રૅક્ટિસ કરવાનું શીખી લેવા જોઈએ.
ADVERTISEMENT
આના માટે વિવિધ વિકલ્પો જેવા કે દુખાવામાં રાહત માટે અરોમા થેરપી, મસાજ અને ઍક્યુપ્રેશર જેવી પદ્ધતિઓ ઉપલબ્ધ છે. ત્વચાની સમસ્યાઓ માટે નારિયેળરનું તેલ, હળદર, નીલગિરીનું તેલ, ઑલિવ ઑઇલ અને પાચન માટે ઍપલ સાઇડર વિનેગરનો પણ ઉપયોગ થઈ શકે છે. જોકે ડૉગ્સ માટે કોઈ પણ નવો ઉપચાર શરૂ કરવા પહેલાં હંમેશાં પ્રાણી ચિકિત્સકની કે ડૉગ એક્સપર્ટની સલાહ લેવી જોઈએ.
આયુર્વેદિક રેમેડી
મોટા ભાગે ઘરમાં વપરાતી વસ્તુઓનો જ શ્રેષ્ઠ ઉપયોગ કરવાનું સૂચન આયુર્વેદમાંથી મળતું હોય છે. આમ જુઓ તો ખોરાકની વાત આવે ત્યારે માણસો ખાઈ શકે એવી અનેક વસ્તુઓ ડૉગ્સ માટે પણ વાપરવામાં આવે છે. પણ ખાસ કરીને એમના ઉપચારની વાતો આવે ત્યારે અમુક ચોક્કસ વસ્તુઓ એમને રાહત આપી શકે છે. આ વિશે વિસ્તારથી વાત કરતાં છેલ્લાં બત્રીસ વર્ષથી પશુ ચિકિત્સા સાથે જોડાયેલાં અનુભવી પશુચિકિત્સક, સર્જ્યન અને રેકી પ્રૅક્ટિશનર ડૉ. કિશોર બાટવે કહે છે, ‘નીલગિરીનું તેલ ડૉગ્સ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ખાસ કરીને ડૉગ્સને બહાર લઈ જતી વખતે એમને મચ્છરથી અને નાનાં જીવજંતુથી બચાવે છે. એમાં રહેલી બળતરા વિરોધી અને ઍન્ટિસેપ્ટિક પ્રૉપર્ટી એમને ન કેવળ રાહત આપે છે, પણ માણસોની જેમ જ શરદીમાં પણ રાહત આપે છે. આ સિવાય આંબા હળદરનો પણ ડૉગ્સ માટે સારોએવો ઉપયોગ કરી શકાય છે. એનો પાઉડર પણ મળે છે. એનો ઉપયોગ ગૂમડાંમાં રાહત આપવા અને લિવર, આર્થ્રાઇટિસ, ડાયાબિટીઝ અને કૅન્સર જેવી બીમારીમાં પણ થાય છે.’
આપણા ઘરના રસોડામાં જ વપરાતી સામગ્રીઓ જેવી કે હળદર, દહીં, હિંગ, તેલ, મરી વગેરેને પ્યૉર અથવા મિશ્રિત રૂપે કૂતરાની ત્વચા પર અથવા એના ખોરાકમાં વાપરી શકાય છે. આવી રેમેડી વિશે જણાવતાં ડૉગ બિહેવિયરિસ્ટ અને ટ્રેઇનર નિહારિકા ગાંધી કહે છે, ‘હળદરમાં રહેલી ઍન્ટિ-ઇન્ફ્લૅમૅટરી, ઍન્ટિ-ઍલર્જિક અને ઍન્ટિ-કૅન્સર પ્રૉપર્ટી એને કૂતરાના ઘરેલુ ઉપચારમાં ખાસ બનાવી દે છે. એ એક એવી વસ્તુ છે જેનાથી માણસો અને કૂતરા બન્નેને ફાયદો થઈ શકે છે. હળદરનો પાઉડર, ઑર્ગેનિકલી મેળવેલું નારિયેળનું તેલ અને અને તાજાં પીસેલાં કાળાં મરીનું મિશ્રણ કરી આ પેસ્ટ વાપરવામાં આવે તો એ ઘણો ફાયદો આપી શકે છે. આ પેસ્ટને ગોલ્ડન પેસ્ટ કહે છે. આ પેસ્ટ જૉઇન્ટ્સ પર લગાડવામાં આવે તો દુખાવામાં રાહત આપે છે. કોઈ પણ રીતનો દુખાવો થાય ત્યારે લગાડી શકાય. આ સિવાય હળદરનો ઉપયોગ વજનના સંતુલન માટે પણ થાય છે. જો કોઈ ડૉગનું વજન વધારે હોય તો એના શુગર લેવલને રેગ્યુલેટ કરવામાં વાપરી શકાય છે. હળદર એના બળતરા વિરોધી ગુણધર્મો માટે જાણીતી છે. એ ઓવરઑલ હેલ્થને સુધારી શકે છે અને મનુષ્યો અને કૂતરાઓ માટે એકસરખી રીતે જ રોગપ્રતિકારક શક્તિ વધારી શકે છે. એકદમ ઓછા પ્રમાણમાં હળદરનો ઉપયોગ ડૉગ્સના ખાવામાં કરવાથી શરૂઆત કરી શકાય છે. હળદરમાં કોકોનટ ઑઇલ અથવા દહીં નાખીને એને સપ્લિમેન્ટની જેમ થોડું-થોડું કૂતરાના ખોરાકમાં નાખી શકાય. આ સિવાય ઘણી વાર હોમમેડ ફૂડમાં હળદર અને હિંગ નાખીને ડૉગને આપવાથી એમનું ડાઇજેશન સારું રહે છે.’
ઍક્યુપંક્ચર
ભારતમાં મોટા ભાગે એક્યુપંક્ચર નિષ્ણાત પ્રૅક્ટિશનર દ્વારા જ થાય છે. આ વિશે નિહારિકા કહે છે, ‘એનાથી કૂતરાના જે-તે અવયવો વ્યવસ્થિત કામ કરતા થાય, બ્લડ-સર્ક્યુલેશન સારું થાય છે. હાડકાંનાં ઇશ્યુ, લોહીની સમસ્યાઓ, પાચનને લગતી સમસ્યાઓ હોય તેમના માટે આ કામ કરે છે. માણસોની જેમ કૂતરાઓને પણ એવું જ છે કે જો ખોટી રીતે ઍક્યુપ્રેશર કરવામાં આવે તો એ કૂતરાઓને ગંભીર ઈજા પહોંચાડી શકે છે.’
આ વાતે સહમત થતાં ડૉ. બાટવે કહે છે, ‘ઍક્યુપંકચરમાં ડૉગ્સના શરીરનાં ચોક્કસ બિંદુઓ પર પાતળી અને સ્ટરાઇલ નીડલ મૂકવામાં આવે છે, જે શરીરમાં ઊર્જાના પ્રવાહને વધારે છે. આ પ્રક્રિયા પેઇનલેસ હોય છે. આર્થ્રાઇટિસ, દુખાવો અને ન્યુરૉલૉજિકલ સમસ્યાઓ મૅનેજ કરવામાં મદદ કરે છે.’
અરોમા થેરપી
ઘણી વખત કોઈ ટ્રીટમેન્ટ ચાલુ હોય કે અન્ય કારણોસર ડૉગ અગ્રેસિવ રહે છે. એવા ડૉગ્સને શાંત કરવા અરોમા થેરપી છે. આ વિશે નિહારિકા કહે છે, ‘આવાં ઑઇલ્સ વાપરતાં પહેલાં ડૉગની સંવેદનશીલતા ચકાસી લેવી. અરોમા થેરપીમાં રિલૅક્સેશન મળે છે. એમાં એસેન્શિયલ ઑઇલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. લૅવેન્ડર અથવા કેમોમાઇલ જેવા તેલને થોડું પાતળું કરી મસાજમાં વાપરી શકાય છે. ડૉક્ટરની સલાહ મુજબ થાય. ઘરે પણ થઈ શકે. તેલ પસંદ કરતી વખતે ડૉગ્સ માટે સલામત અને બિનઝેરી હોવાનું ખાસ ધ્યાન રાખવું, કારણ કે એમને તીવ્ર સુગંધ પ્રત્યે સંવેદનશીલતા હોય છે. અરોમા થેરપીથી એમનામાં માનસિક-શારીરિક તાણ, ત્વચાની સમસ્યાઓ અને સાંધાના દુખાવાને મૅનેજ કરવામાં મદદ મળે છે.’
રેકી
આવી ટ્રીટમેન્ટનાં સ્પેશ્યલ સેન્ટર હોય છે. જો તમે રેકી જાણતા હો તો આવી ટ્રીટમેન્ટ ઘરે પણ આપી શકાય છે. રેકી પ્રૅક્ટિશનર ડૉ. કિશોર બાટવે આ વિશે કહે છે, ‘રેકી એક હીલિંગ પ્રોસેસ છે. એમાં વ્યક્તિ પોતે એનર્જાઇઝ થાય છે અને પછી એનો ઉપયોગ ડૉગ હીલિંગ માટે કરે છે. તમે રેકી જાણતા હો તો તમારા ડૉગને અડ્યા વગર ડિસ્ટન્ટ હીલિંગ કરી શકો છો જેમાં દૂરથી જ ડૉગના એ ભાગ પર ફોકસ કરવાનું જ્યાં એને વધુ તકલીફ છે. ઘણા લોકો આને માનતા નથી પણ મારા અનુભવમાં આવેલા ડૉગને આમાં ૫૦ ટકા તો રાહત થાય જ છે અને આગળનું હીલિંગ સરળ બને છે.’
વૉટર થેરપી
વૉટર થેરપીમાં ઘણાં ઇનોવેશન્સ છે. આ વાત સાથે સહમત થતાં ડૉ. બાટવે કહે છે, ‘પાણીનો હીલિંગ પ્રોસેસમાં ઘણો મોટો ફાળો હોય છે. મોટા ભાગે હું હૉટ વૉટરનો શેક લેવાનું કહું છું. ડૉગ્સ માટે ગરમ અને ઠંડા પાણીની પદ્ધતિમાં ગરમ પાણીનો ઉપયોગ પેશીઓને આરામ આપવા અને રક્તપ્રવાહ સુધારવા થાય છે, જ્યારે ઠંડું પાણી સોજા, દુખાવો અથવા ઈજાઓ ઘટાડવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. મોટા ભાગે મસલ્સ સ્ટિફનેસમાં હૉટ અને સોજામાં કોલ્ડ વૉટર થેરપી થાય છે. આ પદ્ધતિ કૂતરાની ફિઝિકલ થેરપી અથવા પ્રાથમિક સારવારમાં એકદમ સામાન્ય છે.’
હાઇડ્રોથેરપી નામે જાણીતી થેરપીમાં સ્વિમિંગ, અન્ડરવૉટર વૉકિંગ, અન્ડરવૉટર ટ્રેડમિલ જેવી અનેક ટેક્નિકોનો આધુનિક રીતે વપરાશ થાય છે. ખાસ કરીને જે ડૉગ્સને પાછલા પગની તકલીફ હોય છે અથવા તો વધુ વજન ધરાવતા કે જૉઇન્ટની તકલીફ ધરાવતા ડૉગ્સ માટે એ ઘણી મદદરૂપ થાય છે. લેબ્રૅડોર, જર્મન શેફર્ડ, ગોલ્ડન રિટ્રીવર જેવી મોટી બ્રીડને હાઇડ્રોથેરપીથી મદદ મળે છે.
હોમિયોપથી
હોમિયોપથીનો ઉપયોગ માણસોની જેમ ડૉગ્સમાં પણ અસરકારક હોય છે. આ વિશે જણાવતાં ડૉ. બાટવે કહે છે, ‘અમુક વખત ડૉગ્સની ઉંમર વધારે હોય તો હેવી મેડિસિન આપી શકાય એમ નથી હોતી. આર્થ્રાઇટિસ, સ્કિન ઍલર્જી અથવા કિડની ઇશ્યુ હોય, પોસ્ટ-સર્જરી ઇશ્યુ હોય, સ્ટ્રેસને લગતા ઇશ્યુ હોય અથવા નાનામોટા ઇશ્યુ જેવા કે અપચો, ઇન્ફેક્શન વગેરે તકલીફોમાં હોમિયોપથી સજેસ્ટ કરવામાં આવે છે.’