Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > કૉલમ > કન્ફ્યુઝ્ડ છે...પણ કમાલ કરી જાણે છે આજના યુવાનો

કન્ફ્યુઝ્ડ છે...પણ કમાલ કરી જાણે છે આજના યુવાનો

Published : 12 January, 2025 05:10 PM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

૨૧ વર્ષથી લઈને ૨૮ વર્ષ સુધીના યુવાનોની કરીઅરની શરૂઆતનો સમય ઘણો જુદો હોય છે જે તેમને નવા જીવન તરફ દોરી જાય છે. તે સેલ્ફીઓ લીધા કરે છે પણ સમજદાર છે

કન્ફ્યુઝ્ડ છે...પણ કમાલ કરી જાણે છે આજના યુવાનો

કન્ફ્યુઝ્ડ છે...પણ કમાલ કરી જાણે છે આજના યુવાનો


૨૧ વર્ષથી લઈને ૨૮ વર્ષ સુધીના યુવાનોની કરીઅરની શરૂઆતનો સમય ઘણો જુદો હોય છે જે તેમને નવા જીવન તરફ દોરી જાય છે. તે સેલ્ફીઓ લીધા કરે છે પણ સમજદાર છે, તે ૫૦૦ રૂપિયાની કૉફી પીએ છે પણ ૫૦૦ના ૫૦,૦૦૦ કરતાં પણ તેને આવડે છે. તે ગધેડાની જેમ કામમાં જોતરાતો નથી કે ચાલુ કરીઅરે એક વર્ષનો બ્રેક લેતાં ખચકાતો પણ નથી. પૈસા તો તેને જોઈએ છે, પણ એના માટે તે પોતાની મેન્ટલ હેલ્થ ગુમાવતો નથી. તેને કરીઅર બનાવવી છે, પૈસા કમાવા માટે તે જીવતો નથી. આમ આજના યુવાનને સમજવો સહેલો તો નથી. આમ છતાં આજે સ્વામી વિવેકાનંદના જન્મદિવસ નિમિત્તે ઊજવવામાં આવતા રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે આજના યુવાનોની નાડ પારખનારા પ્રોફેશનલ્સ પાસેથી આપણે જાણીએ કે આજની પેઢીના યુવાનો કેવા છે


ઉતાવળ આજના યુવાનોની તાકાત પણ છે અને તેમની દુશ્મન પણ - કાજલ ઓઝા વૈદ્ય; લેખક, વક્તા અને અભિનેત્રી




આજના યુવાનોને ભારે ઉતાવળ છે. ગજબ સ્પીડ છે તેમની એ બરાબર, પણ બધી જ જગ્યાએ તેમને ઉતાવળ છે. બધું જ જલદી જોઈએ છે, બધું જ જલદી પામી લેવું છે અને મંઝિલે જલદી પહોંચી જવું છે, જલદી પૈસાદાર થઈ જવું છે, જલદી નામ કમાઈ લેવું છે, જલદી આખી દુનિયા ફરી લેવી છે, સક્સેસનો ટૅગ જલદીથી પામી લેવો છે, ફાસ્ટ-ફૂડની સાથે જીવન પણ ફાસ્ટ જોઈએ છે. પ્રેમ જલદી થઈ જાય છે અને બ્રેક-અપ પણ, જલદી ઓળઘોળ થઈ જવાય છે અને એનાથી પણ જલદી માઠું લાગી જાય છે, જલદી બધી ખબર પડી જવી જોઈએ અને જલદીથી બકેટ-લિસ્ટ પૂરાં થઈ જવાં જોઈએ. આ જલદી તેમની તાકાત પણ છે અને આ જલદી જ તેમને લઈને ડૂબે છે.

યુવાનોને લાગે છે કે જૂનું એટલે બધું જ નકામું. તેમને કોઈ શીખવે એ ગમતું નથી; તેમને કોઈ માર્ગદર્શન આપે, ખાસ કરીને તેના ઘરના વડીલો કે ગુરુઓ તો એ તો જોઈતું જ નથી. કેટલી અફસોસની વાત છે કે દીકરીઓ યુટ્યુબ પાસેથી વાનગી શીખે છે, ઘરમાં મમ્મી કે સાસુ પાસેથી નહીં. આજના યુવાનોને ઇતિહાસની પડી નથી. અમને બધું આવડે છે અને અમે કરી લઈશું. આમ ડેટા-જનરેશન કહેવાય, પણ કોઈ ડેટા તેમની પાસે છે નહીં. ભૂતકાળનો પાયો છે એના પર ભવિષ્યની ઇમારત ચણવાની હોય એ તેમને નથી સમજાતું. તેમને કોઈને અનુસરવાની વાત ગમતી નથી. કોઈ લીગસી નહીં, કોઈનાં પદચિહનો પર ચાલવું નથી.


બીજી એક તકલીફ એ છે કે પચીસ વર્ષ સુધી તેમને ખબર જ નથી કે તેમને કરવાનું શું છે. મોટા ભાગના ક્લુ-લેસ જોવા મળે છે. જે કરતા હોય એ કામમાં તેમને ૧૦૦ ટકા ભરોસો નથી કે આ કામ માટે જ હું સર્જાયો છું. અમે યુવાન હતા ત્યારે ૧૭-૧૮ વર્ષે અમને ખબર હતી કે કામ શું કરવું છે. જોકે સારી વાત એ છે કે તેઓ પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને ભેગી કરતા નથી. અમારા સમયમાં બ્રેક-અપ થાય એટલે લોકો કામ છોડીને દેવદાસ બનીને ફરવા લાગતા. આજે એવું નથી. આજનો યુવાન એ બન્ને વસ્તુઓને એકબીજાથી અલગ રાખી શકે છે.

જે તેમની સૌથી સારી બાબત છે એ છે કે આ પ્રજા પ્રામાણિક છે. તેમને એક પ્રકારનો સંતોષ છે. તેઓ લાલચી નથી. પૈસા જરૂરી છે, પણ પડાવી લેવાની દાનત નથી. એકબીજાને નીચે પાડી દેવાની વૃત્તિ નથી. કોઈને પછાડીને હું આગળ નીકળી જાઉં એવું તેમને નથી. તેમનાં સપનાં છે, પણ બીજા લોકો સાથે એ સપનાંની સરખામણી નથી. એનું એક મોટું કારણ એ છે કે આજના યુવાનને મૂળભૂત જરૂરિયાતો માટે કામ નથી કરવાનું. ઘર, ગાડી કે એક બેઝિક લાઇફસ્ટાઇલ તેમની પાસે તેમના પેરન્ટ્સ દ્વારા સિક્યૉર થયેલી છે એટલે હવે જે કરવાનું છે એમાં મારામારી કે હરીફાઈ નથી.

 આપણે યુવાનો પાસેથી શું શીખી શકીએ? : પ્રામાણિકતા  

 યુવાનોએ શું શીખવાની જરૂર છે? : ધીરજ

આજના યુવાનને પૈસા જોઈએ છે, પણ તે પૈસા પાછળ નથી ભાગતો - નિરેન ભટ્ટ, ગીતકાર અને સ્ક્રીનરાઇટર

આજના યુવાનોનો મોટામાં મોટો ગુણ એ છે કે તેમનામાં અસુરક્ષિતતાની ભાવના જોવા નથી મળતી. આપણે નાના હતા ત્યારે ભણો, ગણો, નોકરી કરો એ સૂત્ર આપણા મગજમાં ઠસાવી દેવામાં આવ્યું હતું. મહેનત નહીં કરો તો કશું મળવાનું નથી એ દરરોજ આપણને ઘૂંટી-ઘૂંટીને પિવડાવવામાં આવતી વાત હતી. જોકે આજના યુવાનો માટે એવું નથી, કારણ કે તેમની સામે એવાં ઘણાં ઉદાહરણો છે કે તમને એક જ સ્કિલ આવડતી હોય તો પણ તમે દુનિયા પર રાજ કરી શકો છો, કમાઈ શકો છો. એક વિડિયો કન્ફયુઝવાઇરલ થાય તો કરીઅર એમ ને એમ બની જતી હોય છે એટલે કંઈ નહીં મળે, આપણું કંઈ નહીં થાય જેવી અસુરક્ષિતતા જે મારી યુવાનીમાં મને હતી એ આજે આ લોકોમાં જોવા મળતી નથી.

એક સમય એવો હતો કે લોકો એક જ કંપનીમાં જીવન કાઢી નાખતા. આજના યુવાનો એક વર્ષમાં ત્રણ કંપની બદલે છે. નોકરી બદલી નાખવામાં તેમને અસુરક્ષિતતાનો કોઈ ભાવ નથી આવતો કે ત્યાં ન ફાવ્યું તો શું? ચાલુ નોકરીએ બ્રેક લઈ લે છે અને એક વર્ષ ઘરે બેસે છે. વળી આ બ્રેકનું કારણ જાણીએ તો કહેશે કે ખુદનું ધ્યાન રાખવા કે શોખ પૂરા કરવા કે ખૂબ થાકી ગયા એટલે એ લે છે કે પછી બ્રેક લઈને જાણવા માગે છે કે ખરેખર તેઓ શું કરવા માગે છે. આવા બ્રેક લેવાની હિંમત મેં કરી હતી ત્યારે મારે ખૂબ સહન કરવું પડ્યું હતું, ફૅમિલીમાં બધાને જવાબ આપવા પડ્યા હતા; જ્યારે આજના યુવાનો એટલા નસીબદાર છે કે તેમના ઘરના લોકો પણ સમજે છે કે બ્રેક પણ લઈ શકાય, વાંધો નથી.

અહીં એક પાતળી ભેદરેખા પણ છે. ઘણા યુવાનો એવા છે જેઓ ખરેખર કંઈક શીખવા, એક્સપ્લોર કરવા બ્રેક લે છે. તમે કોઈ વાદ્ય શીખો, ટ્રાવેલ કરો કે પુસ્તકો વાંચો, વર્લ્ડ સિનેમા જોવા માટે બ્રેક લેતા હોય તો સમજાય, એ ગુણવત્તા તરફ તમને લઈ જાય છે; પણ ઘણા યુવાનો એવા છે કે ઘરમાં પડ્યા-પડ્યા રીલ્સ જોયા કરે, કામમાંથી વર્ક ફ્રૉમ હોમ લઈને પડ્યા રહે, વિઝન જેવું કશું હોય જ નહીં, બસ ઊંચી-ઊંચી વાતો કર્યા કરે. આવા યુવાનોએ જાગવું જરૂરી છે. સ્વામી વિવેકાનંદ કહેતા કે ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આ મંડ્યા રહેવાનું તો ફક્ત યુવાનો જ કરી શકે, કારણ કે આજકાલ ત્રીસે પહોંચો એટલે થાક લાગવાનું શરૂ થઈ જાય છે.

આજના યુવાનો પાસે ઇન્ટરનેટને કારણે બધું હાથવગું છે, ઇન્ફર્મેશનનો ખજાનો છે. માસ્ટર તે બનશે જે એ ખજાનાનો ઉપયોગ કઈ રીતે કરવો એ જાણે છે. તેમની પાસે બધું જ મબલક છે, કરીઅર ઑપ્શન્સનો ઢગલો છે, માહિતીના સ્રોત ઘણા છે; પણ આ જે ઘણું છે એ જ એક પળ માટે આશીર્વાદ તો બીજી પળ માટે શ્રાપ સાબિત થાય છે, કારણ કે જેટલા ઑપ્શન એટલું કન્ફ્યુઝન વધુ. એટલે જ આજના યુવાનમાં ડિસિઝન-પાવર નબળો જોવા મળે છે. એક વાર્તા છે જેમાં બાજુ-બાજુમાં બે મોચીની દુકાન હોય છે. એક જગ્યાએ ખૂબ માલ વેચાય અને બીજી જગ્યાએ ભીડ ઘણી પણ માલ વેચાતો નહોતો. એનું કારણ એવું હતું કે એક જગ્યાએ બે જ પ્રકારની ડિઝાઇન હતી એટલે લોકો તરત પસંદ કરી શકતા હતા. બીજી દુકાને એટલી ડિઝાઇનો હતી કે લોકો કન્ફ્યુઝ થઈને જતા રહેતા હતા. એક જગ્યાએ પગ વાળીને બેસી નથી શકતા કે ટકી નથી શકતા આ યુવાનો, કારણ કે અટેન્શન-સ્પાન ઘટતો જ જાય છે. હું જોઉં છું કે નવા લેખકો તૈયાર થવા જ અઘરા બનતા જાય છે, કારણ કે એકસાથે ૮ કલાક બેસીને કોઈ લખી શકે એમ જ નથી.

મને આજના યુવાનોની ઈર્ષા આવે છે. જીવનને તેઓ પૂરી રીતે જીવી જાણવામાં માને છે અને એવું કરવામાં કોઈને ખરાબ લાગશે કે સમાજ એ સ્વીકારશે કે નહીં એવી તેમને ચિંતા નથી થતી. તેમને પૈસાની નથી પડી એટલે જ ૫૦૦ રૂપિયાની કૉફી તેઓ પી શકે છે. ખાસ કરીને ડિજિટલ મનીવાળી પેઢી. મને આ વાત ગમે છે. એક પેઢી હતી જેણે પૈસો ભેગો જ કર્યો, જીવન જીવી ન શક્યા. મને ખુશી છે કે આજના યુવાનો એ જીવી શકી રહ્યા છે. તેઓ જેટલું કમાય છે એટલું વાપરી નાખે છે. કદાચ આ એ જ પેઢી છે જેને પૈસા કમાવાના સ્માર્ટ રસ્તાઓ પણ ખબર છે. ખૂબ જ નાની ઉંમરથી ઇન્વેસ્ટમેન્ટ કરતાં પણ તેમને આવડતું હોય છે.

આજના યુવાનો જેટલા રિસ્ક-ટેકિંગ પહેલાંની કોઈ પણ પેઢીના યુવાનો નહોતા, કારણ કે અત્યાર જેટલાં સ્ટાર્ટઅપ્સ ક્યાં પહેલાં હતાં. આ તેમની સ્ટ્રેન્ગ્થ છે. પોણાબે લાખ રૂપિયાની નોકરી મૂકીને જ્યારે હું ૫૦૦૦ રૂપિયા લઈને રાઇટિંગ કરતો ત્યારે મને લોકો ગાંડો ગણતા, પણ એ હું જ કહી શકું કે આવું કરવા માટે પણ એક અલગ જિગરો જોઈએ જે આજના યુવાનોમાં છે.

 યુવાનો પાસેથી શું શીખી શકાય? : રિસ્ક લેવાની આવડત

 યુવાનોએ શું શીખવાની જરૂર છે? : જે મળ્યું છે  એનો સદુપયોગ

લૉજિકથી વિચારતી આ સ્માર્ટ પેઢી ક્યારેક મૅજિક મિસ કરી જાય છે - સ્નેહા દેસાઈ, લેખક અને ઍક્ટર

આજના યુવાનોની મને સૌથી વધુ ગમતી વાત એ છે કે તેઓ સ્પષ્ટ છે, તેમના વિચારોમાં કોઈ ગૂંચળાં નથી. જે વિચાર છે એ જ વર્તન છે. આમ દંભ પણ નથી. તેમના પર રીતરિવાજ-પ્રણાલીનો ભાર નથી અને હોય તો પોતાના ખભા પર એ લાદવા દેતા જ નથી. જે કરે છે એ ખુદની ઇચ્છાથી કરે છે, મજબૂરીથી નહીં. ખૂબ જ લૉજિકલ વિચારે છે એટલે ક્યારેય કોઈ વસ્તુ કરવા ખાતર કરી દે એવું ન થાય. નાનામાં નાનું વર્તન હોય કે જીવનનો મોટામાં મોટો નિર્ણય, તર્ક હંમેશાં તેમની સાથે રહે છે. જોકે એને કારણે ક્યારેક એવું થાય છે કે એ લોકો મૅજિક ભૂલી જાય છે. તેઓ એટલા બધા યાંત્રિક બની જતા હોય એમ લાગે, રોબોટિક જીવન જીવી રહ્યા છે એવું લાગે. તેમનો IQ એટલે કે ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ તો ઘણો ઊંચો છે, પણ EQ એટલે કે ઇમોશનલ ક્વોશન્ટ ક્યારેક એવું લાગે છે કે ઓછો છે.

નવી પેઢીમાં સ્પષ્ટતા વધી છે પણ સહનશીલતા ઘટી છે. બાંધછોડ કરવી કે જતું કરવું તેમને લગભગ આવડતું જ નથી. તેમની એ વૃત્તિ જ નથી હોતી. આ એ પ્રજા છે જે કોવિડ દરમ્યાન મોટી થઈ છે અને જેમનો અટેન્શન-સ્પાન ઘણો ઓછો છે. વધુમાં એટલું ભરી-ભરીને ઇન્ટરનેટે તેમની સામે મૂકી દીધું છે કે આ પેઢીમાં વિસ્મય જ નથી રહ્યું. બધું જ જોઈ લીધું છે એટલે ડિસ્કવર કરવા માટેની ઝંખના નથી. આ યુવાનો OTT પર એક પણ સીન બોરિંગ લાગે તો તરત જ ફૉર્વર્ડ કરીને આગળ વધે છે. એ જ રીતે જીવનમાં અણગમતું થયું તો તેમને લાગે છે કે ફૉર્વર્ડ કરી દો, સ્કિપ કરીને આગળ નીકળો.

ઘણા લોકો સમાજમાં આજે યુવાનોને વખોડે છે કે વર્ક-લાઇફ બૅલૅન્સના નામે આ લોકોને કામ જ કરવું નથી, આ લોકો આળસુ છે, કલાકોના હિસાબે જ તેમને કામ કરવું છે, કામમાં ખૂંપી જવું પડે એ વાત તેમને સમજાતી નથી, દુનિયા ભૂલી જવી પડે એ તેમને સમજાતું નથી. હકીકત એ છે કે તેમની આ અવસ્થા પણ તેમના પહેલાંની પેઢીને કારણે જ છે. મારા પપ્પા ૫૬ વર્ષના હતા જ્યારે મેં તેમને ગુમાવી દીધા. ત્યારે મને ખૂબ દુખ થયેલું કે પપ્પાએ જીવનભર ફક્ત કામ કર્યું, મહેનત કરી, પૈસા ભેગા કર્યા, અમારા માટે જ તે જીવ્યા અને આ બધું જ્યારે ભોગવવાનો સમય આવ્યો ત્યારે તે જતા રહ્યા. ત્યારે મને લાગ્યું કે આવું મારી સાથે પણ થઈ શકે છે. એટલે આજે જ્યારે કોઈ ટ્રિપ પર પૈસા બચાવવાનું વિચારું છું ત્યારે જાતને યાદ કરાવું છું કે આજે જીવી લે, કાલ ખબર નથી તારી પાસે છે કે નહીં.

આજના યુવાનોની પણ આ જ હાલત છે. તેમણે તેમનાં મમ્મી-પપ્પાને અખૂટ મહેનત કરતાં જોયાં છે. તેમણે એ પણ જોયું છે કે આટલું બધું કર્યા પછી ખુદ માટે તેમણે ભાગ્યે જ કશું કર્યું છે. પોતાનાં મમ્મી-પપ્પાને જોઈને તેમણે શીખી લીધું કે ઘૂંટણ જ્યાં સુધી બરાબર ચાલે છે ત્યાં સુધી ટ્રેકિંગ કરી લો, નહીંતર પછી નહીં થાય; મજા જેટલી થાય એટલી સાથે-સાથે કરતા જાઓ, કારણ કે એ જીવનનું અતિ મહત્ત્વનું પાંસુ છે. બીજું એ કે આગલી પેઢીએ જે બધું ભેગું કરી રાખ્યું છે એને કારણે તેમણે ઝીરોથી શરૂઆત નથી કરવાની. એટલે આંખ બંધ કરીને બસ કામ કરો, મહેનત કરો, પૈસા કમાઓ એ તેમના જીવનનું લક્ષ્ય ન હોઈ શકે. જે બિચારું ઘસાતું હોય તે ઘસાયા જ કરે એવી ‘નૉટ સો ફેર’ સિસ્ટમનો ભોગ બનતાં મમ્મી-પપ્પાને તેમણે જોયાં અને જીરવ્યાં છે એટલે હવે તેમને વર્ક-કલ્ચર બદલવું છે.

આમ પણ સોશ્યલ-કલ્ચર હોય કે વર્ક-કલ્ચર, કલ્ચર હંમેશાં અને સતત બદલાતી વસ્તુ છે, બદલાવી જ જોઈએ. બદલાવ અનિવાર્ય છે. એ સારો-ખરાબ હોઈ શકે, પણ એ આવે તો છે જ. એટલે જો આજના યુવાનો જૂનું વર્ક-કલ્ચર બદલી રહ્યા છે એ કદાચ જૂની પઢીથી ન જોવાય; પરંતુ એ બદલાવ પાછળની સંપૂર્ણ જવાબદારી નવી પઢીની નથી, એમાં તેમનો પણ રોલ છે.

 યુવાનો પાસેથી શું શીખી શકાય? : વિચારોની સ્પષ્ટતા 

 યુવાનોએ શું શીખવાની જરૂર છે? : સહનશીલતા  

આજના યુવાનો મશીનો સાથે જેટલું કનેક્ટ થઈ શકે છે એટલું માણસો સાથે નથી થઈ શકતા - ફાલ્ગુની શાહ અને દીપક પાંડે (EOR ટીવી નામના OTT પ્લૅટફૉર્મનાં MD અને CEO)

ફાલ્ગુની શાહ : અમારે ત્યાં બાવીસ વર્ષથી લઈને ૨૮ વર્ષના ઘણા લોકો કામ કરી રહ્યા છે. તેમને જોઈને-સમજીને એટલું ચોક્કસ કહીશ કે આજના યુવાનો ઉત્સાહથી છલકાતા હોય છે. તેઓ ઘણા જ મહત્ત્વાકાંક્ષી છે, દુનિયા ફતેહ કરી લેવી છે તેમને. વળી કોઈ પણ બદલાવને ખૂબ સરળતાથી તેઓ અપનાવી લેતા હોય છે. પ્રોફેશનલી પણ જો કશું ચૅલેન્જિંગ આવે તો એ નવીનતાને અપનાવવામાં તેમને વાર નથી લાગતી. વળી કોઈ પણ કામમાં પોતાનું યોગદાન આપવા ખાસ્સા તત્પર રહેતા હોય છે. સતત નવા-નવા આઇડિયાની તેમની પાસે ભરમાર રહેતી હોય છે. આ ટેક-સૅવી જનતા માટે કશું જ અઘરું કે અટપટું નથી હોતું, સરળતાથી તેઓ બધું પાર પાડી દેતા હોય છે. આ બધાથી વધુ મહત્ત્વની તેમના વિશેની સકારાત્મક વાત કહું તો આજના યુવાનો સસ્ટેનેબિલિટીમાં માને છે. પોતાના સિવાય કુદરતનું પણ એટલું જ ધ્યાન રાખે છે. પ્રકૃતિ સાથે જીવવા માગે છે. કુદરતને જેવી છે એવી રહેવા દેવા માટે પ્રયત્નશીલ બન્યા છે, પછી એ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાનો હોય કે પછી સ્વચ્છતા માટેનો દુરાગ્રહ હોય. આજના યુવાનો આ બાબતે ઘણા જાગૃત જ નથી, આ બાબતે કાર્યશીલ પણ છે.

પ્રૉબ્લેમ ફક્ત એ છે કે ટેક-સૅવી આ યુવાનોને મશીનો પાસેથી કામ લેતાં આવડે છે, માણસો પાસેથી નહીં; કારણ કે મોટા સ્કેલ પર તેઓ માણસો સાથે કનેક્ટ નથી કરી શકતા, તેમને જે કહો એ ફૉલો નથી કરી શકતા. દરેક વસ્તુમાં તેમનો પોતાનો સે છે એટલે કે દરેક વસ્તુમાં તેઓ પોતાના અભિગમની વાત કરે છે. જોકે કેટલીક વાર જરૂરી હોય છે કે જે કેહવામાં આવે છે એ જ કરી આપો, દરેકમાં પોતાનો મત રાખવાની જરૂર નથી; પણ તેમના માટે આંખ બંધ કરીને કહ્યું એમ કરવાનું અઘરું છે.

દીપક પાંડે : આજના યુવાનો પાસે જે રફતાર છે એ ગજબ છે. તકો ભરપૂર છે અને તે ઝડપ રાખીને બધી જ તકોને પામી લેવા માગે છે, આગળ વધવા માગે છે જે સારું છે. જોકે તેમની આ સ્પીડ તેમના માટે સારી છે, જે તેમને નોકરી આપી રહ્યા છે તેમના માટે નહીં. એક સમયે લૉયલ્ટી ખૂબ મહત્ત્વની હતી. આજની તારીખે જો તમે કોઈ યુવાનને નોકરી આપો છો, તેના હાથમાં ઑફર લેટર છે, તે કાલથી જૉઇન કરશે કંપની અને એ જ રાત્રે જો કોઈ કંપની તેને ૧૦૦૦ રૂપિયાથી પણ વધુ આપશે તો તે ત્યાં જોડાઈ જશે. તેના માટે કદાચ એ સારું હશે, પણ જે તેને કામ આપી રહ્યા છે તેના માટે એ સારું નથી. જ્યારે કંપની તમારા પર વિશ્વાસ નથી મૂકી શકતી ત્યારે એ તમને જોઈએ એવો ગ્રોથ પણ નથી આપી શકતી. એટલે અંતે તો એ લોકો માટે પણ એ એટલું જ નુકસાનકારક છે.

 યુવાનો પાસેથી શું શીખી શકાય? : શારીરિક  અને માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું

 યુવાનોએ શું શીખવાની જરૂર છે? : પારિવારિક મૂલ્યો  

Whatsapp-channel Whatsapp-channel

12 January, 2025 05:10 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK