દીકરીઓને જીવવાનો, ભણવાનો અને આગળ વધવાનો હક દીકરાની જેમ જ મળવો જોઈએ એવા હેતુસર આજના દિવસે ૨૦૦૮માં શરૂ થયો હતો નૅશનલ ગર્લ ચાઇલ્ડ ડે.
પ્રતીકાત્મક તસવીર
દીકરીઓને જીવવાનો, ભણવાનો અને આગળ વધવાનો હક દીકરાની જેમ જ મળવો જોઈએ એવા હેતુસર આજના દિવસે ૨૦૦૮માં શરૂ થયો હતો નૅશનલ ગર્લ ચાઇલ્ડ ડે. ૨૦૨૫માં ઘરે-ઘરે એ બદલાવ સ્પષ્ટ દેખાય છે. હવે મોટા ભાગનાં શિક્ષિત અને સધ્ધર ઘરોમાં દીકરીઓને દીકરા જેવો જ પ્રેમ અને તકો મળતાં થઈ ગયાં છે પરંતુ અમુક લોકો આ સમાનતાનો છીછરો અર્થ કરે છે અને એટલે જ દીકરો ઘરનું એક કામ નથી કરતો તો દીકરી પણ ન કરે, દીકરાને રસોઈ નથી આવડતી એટલે દીકરી પણ એ તો નહીં કરે એવું આંધળું કૉપી-પેસ્ટ કરે છે. આનાથી ઊલટું આપણે દીકરીઓને જે સારી પરવરિશ આપી રહ્યા હતા એ દીકરાઓને પણ આપવામાં આવશે ત્યારે જ ખરી સમાનતા સર્જાશે
પુરુષ અને સ્ત્રી બન્ને પૂરી સ્વતંત્રતા સાથે પોતાના હક ભોગવે, બન્નેને એકસરખી તકો પૂરી પાડવામાં આવે, પોતપોતાની ફરજો પ્રત્યે સભાન બનીને તેઓ પૂર્ણ રીતે એને નિભાવવાના પ્રયાસ કરે ત્યારે એક સંતુલિત, આદર્શ અને યોગ્ય સમાજનું નિર્માણ શક્ય બને છે. સમાજમાં સમાનતા સ્થાપવી હોય તો એના પાયા ખૂબ જ ઊંડા હોવા જોઈએ અને એ હેતુસર ૨૦૦૮માં મહિલા બાળ વિકાસ મંત્રાલય દ્વારા નૅશનલ ગર્લ ચાઇલ્ડ ડે એટલે કે રાષ્ટ્રીય બાલિકા દિવસની શરૂઆત થઈ હતી. ભ્રૂણહત્યા જેવી બદીઓ સાથે ખદબદતો સમાજ જડથી બદલે અને દીકરા-દીકરી બન્ને વચ્ચે કોઈ ભેદભાવ ન રાખે એ માટે જે પણ પ્રયત્નો થયા છે એના આધારે આજે ૨૦૨૫માં ઘરે-ઘરે એની અસર અને એનાં પરિણામો આપણે જોઈ રહ્યા છીએ. ઘણાંબધાં શિક્ષિત અને સધ્ધર ઘરોમાં આજે દીકરી અને દીકરાને જે સમાન પ્રેમથી ઉછેર મળી રહ્યો છે, દીકરીઓ ખૂબ ભણી રહી છે, આગળ વધી રહી છે એ બધું જ આ પ્રયત્નોનું પરિણામ છે.
ADVERTISEMENT
સમાજમાં એક વર્ગ એવો છે જેને કન્યાભ્રૂણહત્યા પાપ છે એ સમજાવવું પડી રહ્યું છે તો બીજો વર્ગ એ છે જ્યાં દીકરીઓ કહે છે કે અમને બાળકને જન્મ આપવામાં કોઈ રસ નથી. એમાં અમુક વર્ગ આજે પણ માને છે કે દીકરી એક બોજ છે અને અમુક વર્ગ એવો છે જેમાં પરિવારનો સંપૂર્ણ બોજ ફક્ત દીકરીના માથે છે. ઘણા એને ઘરના એક ખૂણામાં બંધ કરીને જિવાડી રહ્યા છે તો ઘણા એને પૂરી ટૉમ બૉય બનાવી રહ્યા છે. આ બે અંતિમો વચ્ચે ઘણા જુદા-જુદા વર્ગો પણ છે જેમાં દીકરીઓના ઉછેર બાબતે ઘણા ભેદ જોવા મળે છે. આમ આજની દીકરીઓની પરિસ્થિતિ વિશે કોઈ એક વિધાન કરીએ તો એ પૂર્ણ સત્ય નહીં લાગે. છતાંય આજે આ દિવસે સમાજમાં સમાનતાની સ્થાપનાની જે આ પહેલ છે એની તત્કાલીન પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીએ. પારિવારિક અને સામાજિક સ્તર પર સમાનતા લાવવા હજી શું કરવું જોઈએ એ વિશેનો વિચાર અને અત્યારે જે થઈ રહ્યું છે એમાં ક્યાંક કશે ખોટે માર્ગે તો આપણે નથીને, કારણ કે અંતે તો સમાનતા ત્યારે સ્થાપી શકાશે જ્યારે સમાનતાના કન્સેપ્ટને આપણે સાચો સમજ્યા હોઈશું.
જન્મવાનો હક
દેશમાં આપણે કન્યાભ્રૂણહત્યા માટે કડક કાયદો બનાવ્યા પછી એના કિસ્સાઓ ઘણી હદે ઓછા કરી શક્યા છીએ, દીકરીને જન્મવાનો હક લોકો આપતા થયા છે એવા કટાક્ષ સાથે વાત કરતાં પ્રખર વક્તા નેહલ ગઢવી કહે છે, ‘હજી પણ ગામડાંઓમાં લોકો દીકરીને જન્મ એટલે આપે છે કે સામસામે પરણાવી શકાય. જો તમારા ઘરે દીકરી હોય તો જ તમારા દીકરાને વહુ મળે. કેટલા એવા પરિવારો છે જેમાં આજે પણ દીકરો તો હોવો જ જોઈએ જેવી માન્યતા જોવા મળે છે. આ માન્યતા એ સમાન ઉછેરની આડે આવે છે. દીકરીને જન્મ તો લેવા દે પણ દીકરાનું મહત્ત્વ એનાથી વિશેષ હોય એટલે ઉછેરમાં સમાનતા ન આપી શકાય.’
ભણતરમાં ભેદ
દીકરીને દીકરાની જેમ ભણાવવી જ જોઈએ એ વાત પણ સમાજમાં નજર કરીએ તો જોવા મળશે કે ઘણાંબધાં ઘરોમાં આ એક સ્થાપિત સત્ય બની ગયું છે. એ વિશે વાત કરતા નારીહકો માટે વર્ષોથી લડત આપતાં સમાજસેવિકા ડૉ. વિભૂતિ પટેલ કહે છે, ‘હજી પણ અમુક ઘરોમાં દીકરીને સરકારી સ્કૂલમાં મફતમાં અને દીકરાને પ્રાઇવેટ સ્કૂલમાં પૈસા ભરીને ભણાવવામાં આવી રહ્યા છે. છતાં દીકરીને ભણાવવી એટલે પાડોશીના ઝાડમાં પાણી પાવા જેવું છે એવી કહેવતો પહેલાંની જેમ સાંભળવા મળતી નથી.’
કરીઅર ચૉઇસ
છતાં આગળ ભણવા માટે કે પોતાની મનગમતી લાઇનમાં જવા માટે હજી પણ દીકરા-દીકરીનો ભેદ આવે છે એના વિશે વાત કરતાં જાણીતા સમાજવિદ ડૉ. ગૌરાંગ જાની કહે છે, ‘જ્યારે દીકરીઓને આગળ ભણવા માટે કે ફીલ્ડ પસંદ કરવા માટેની વાત આવે છે ત્યારે તેના પર તારાં લગ્ન થશે, બાળકો થશે, તારે ઘર સંભાળવું પડશે તો એવું ફીલ્ડ પસંદ કર કે બધું એકસાથે થઈ શકે એવી કન્ડિશન મૂકવામાં આવે છે. તું બિન્દાસ તને જે ગમે એ લાઇન લે અને એમાં આગળ વધ એવો કોઈ સપોર્ટ સમાજ કે પરિવાર તેને આપતા નથી. કેટલીક દીકરીઓએ પોતાની મહત્ત્વાકાંક્ષા કરીઅર નક્કી થાય ત્યારે છોડવી પડે છે તો કેટલીક લડીઝઘડીને ભણી તો લે જ, પણ લગ્ન પછીની જવાબદારીઓને લીધે એ છોડવી પડે છે. ’
કામ કરવા દેવાની સ્વતંત્રતા
આજની તારીખે છોકરીઓને ભણાવવામાં આવે છે ખરી, પણ એને કામ કરવા દેવાની સ્વતંત્રતા હજી પણ નથી. એ વિશે વાત કરતાં ડૉ. વિભૂતિ પટેલ કહે છે, ‘આખા એશિયામાં કામ કરતી સ્ત્રીઓની બાબતમાં ભારત ઘણું પાછળ છે. સિંગાપોરમાં ૬૫ ટકા સ્ત્રીઓ કામ કરે છે, ભારતમાં એ આંકડો ૨૭ ટકા છે. એનો અર્થ એ થયો કે દીકરીઓને આપણે ખૂબ ભણાવીએ છીએ પણ પછી કહીએ છીએ કે ના, તું ઘરે બેસ, ઘર સંભાળ. તકલીફ એ નથી કે ઘર સંભાળવું પડે. એ તો કરવાનું જ છે, પરંતુ એને કારણે તેને પગભર ન થવા દેવાનું યોગ્ય નથી. ઘર બધાનું છે તો એની જવાબદારી બધા જ સંભાળે તો સ્ત્રી તેનું યોગદાન દેશની ઇકૉનૉમી અને સ્વયં પોતાના ગ્રોથ માટે આપી શકે.’
ઘરકામનો ભાર
એક સમય હતો કે છોકરીઓને મોટી જ એ રીતે કરવામાં આવતી કે તારે સાસરે જવાનું છે તો તને આ આવડવું જોઈએ, આમ રહેવું જોઈએ અને એના જ આધારે તેનો ઉછેર નક્કી થતો. આજે એવું નથી રહ્યું પરંતુ એ પરિસ્થિતિ એટલી મૂળિયાં સુધીની સ્ટ્રૉન્ગ છે કે એ જતી નથી એમ વાત કરતાં કપોળ સમાજ દર્પણ મૅગેઝિનનાં એડિટર અને લેખિકા નીલા સંઘવી કહે છે, ‘સધ્ધર અને સાક્ષર ઘરોમાં દીકરીઓને લાડ અને માન બન્ને મળતાં થયાં છે, જે હર્ષની વાત છે પરંતુ આજે પણ ઘરકામમાં મદદ માટે રસોડામાંથી મા દીકરીને જ રાડ પાડીને બોલાવે છે, દીકરાને નથી બોલાવતી. જેમ આપણે દીકરીઓને ભણવાનો હક આપ્યો, આગળ વધવાનો હક આપ્યો જે પહેલાં ફક્ત દીકરાઓ પાસે જ હતો તો એ હકને આપણે બૅલૅન્સ કર્યો ગણાય. પરંતુ ફરજનું બૅલૅન્સિંગ ક્યાં છે? ઘરકામમાં દીકરીની સાથે દીકરાને પણ જોડવા જરૂરી છે. સમાનતા ત્યારે સાધી શકાય.’
દીકરાની ટ્રેઇનિંગ
દીકરા-દીકરીના ઉછેરમાં જે સમાનતાની અપેક્ષા આપણે કરીએ છીએ એમાં દીકરીઓ માટે આ કરો કે દીકરીઓ માટે તે કરો જ પૂરતું નથી. એ વિશે વાત કરતાં ગૌરાંગ જાની કહે છે, ‘જે દીકરાને માની પીડાનો અંદાજ હોય એ દીકરાને તેની પત્નીની પીડાનો અંદાજ આવશે. સમાનતા સ્થાપવા માટે દીકરાઓના ઉછેરને પણ બદલવાની જરૂર છે. મા અને દીકરી વચ્ચે તો વર્ષોથી સંવાદ થાય જ છે પરંતુ દીકરા અને બાપ વચ્ચેનો પણ યોગ્ય સંવાદ સ્થાપવાની જરૂર છે. આ બધા દેખાવમાં નાનાં પગલાંઓ છે પણ એનાં પરિણામો ઘણાં મોટાં આવશે.’
ભૂલ ક્યાં થાય છે?
દીકરા-દીકરીના સમાન ઉછેરમાં આપણે દીકરીઓને દીકરાની સમાન ગણવાની છે, બન્નેને એકસરખી તકો આપવાની છે, એક જેવી સ્વતંત્રતા આપવાની છે પણ આ સમાનતા સ્થાપવામાં આપણે ભૂલ એ કરી કે દીકરાનો જેવો ઉછેર આપણે કરતા હતા એવો જ તદ્દન સરખો ઉછેર આપણે દીકરીઓનો કરવા લાગ્યા, જેને કારણે આજની દીકરીઓને ખાવાનું બનાવતાં નથી આવડતું, સ્વતંત્ર હોવાને બદલે તેઓ સ્વચ્છંદ બની ગઈ છે. આ વાત સાથે સહમત થતાં નીલા સંઘવી કહે છે, ‘આપણે દીકરા અને દીકરી બન્નેને સારો ઉછેર આપવાનો હતો. દીકરા જેવો ઉછેર દીકરીને નહોતો આપવાનો. દીકરાને આપણે ફક્ત ભણાવીએ અને ઘરનાં કામ ન કરાવીએ એટલે દીકરીને પણ છોડાવી દીધાં એ મોટી ભૂલ છે. સમાનતા માટે આપણે બન્ને પાસે ઘરકામ કરાવવાનાં છે. બિનજરૂરી છૂટ બન્નેને નથી આપવાની. રાત્રે ઘરે મોડાં આવે તો બન્નેની સરખી જ ચિંતા કરવાની છે. ફૅશનના નામે ટૂંકાં કે અશ્લીલ કપડાં આપણે બન્નેને જ પહેરતાં અટકાવવાનાં છે. ગાળો બોલવી, સિગારેટ પીવી કે દારૂ તરફ જતી આપણી આગલી પેઢી દીકરો હોય કે દીકરી; બન્નેને રોકવાની છે. એને સમાનતા કહેવાય. દીકરીઓની ઋજુતા મરી પરવારે એવા ઉછેરથી સમાનતા નથી લાવવાની.’
સમાનતાનો અર્થ
દબાયેલી, કચડાયેલી અવસ્થામાં જીવતી સ્ત્રીઓને આજે સ્વમાન સાથે જીવતી કરવા પાછળ નારીવાદીઓની એક ઘણી મોટી સ્ટ્રગલ છે. જીવવાના હકથી લઈને માનભેર જીવવાના હક સુધીની આ લડતની ગંભીરતા ઘણી અલગ છે. એ વિશે વાત કરતાં ડૉ. વિભૂતિ પટેલ કહે છે, ‘અમારી પાસે મદદ માટે આવતી સ્ત્રીઓની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે સમાજમાં પરિવર્તન આવ્યું પણ છે કે નહીં એ પ્રશ્ન થાય. પરંતુ જ્યારે સમાનતાના કન્સેપ્ટને પૂરી રીતે ન સમજીને છીછરું વર્તન કરનારી સ્ત્રીઓ વિશે સાંભળું છું તો મને લાગે છે કે ખરેખર, આ સ્ત્રીઓને સ્ત્રી જાતિની રિયલ તકલીફો વિશેનો કોઈ અંદાજ જ નથી. સમાનતા તેમના મિની સ્કર્ટ અને ઉછાંછળા વર્તનથી ઘણો ઉપરનો કન્સેપ્ટ છે. હાથમાં સિગારેટ સળગાવીને પુરુષ વિરોધી નારા લગાવતી સ્ત્રીઓને ફેમિનિઝમનો ‘એફ’ પણ નથી ખબર એ પણ એક ખરી વાસ્તવિકતા છે.’
એકબીજાની જરૂર
સમાજમાં એક એવા વર્ગની સ્ત્રીઓ પણ છે જે કહે છે કે મને પુરુષની જરૂર જ નથી, મને પરણવું નથી, મારે બાળક કરવું નથી, હું ઘરની કોઈ જવાબદારી નહીં ઉઠાવું ત્યારે વિચારવું પડે કે આપણે સમાનતાના આ ઉપલક્ષમાં કશુંક તો ખોટું કરી રહ્યા છીએ. એ વિશે વાત કરતાં નેહલ ગઢવી કહે છે, ‘પુરુષ ગમે તેટલો સ્વતંત્ર હોય કે પાવરફુલ હોય, તેણે ક્યારેય એવું નથી કહ્યું કે મને સ્ત્રીની જરૂર નથી. પણ પુરુષસમોવડી હોવાની વાતો કરતી સ્ત્રીઓ કહે છે કે અમને પુરુષની જરૂર નથી. આ ખોટું છે. આર્થિક રીતે પગભર થવું અનિવાર્ય છે પણ પુરુષની જરૂર ફક્ત આર્થિક બાબતો માટે જ નથી હોતી, સમાનતાના ચક્કરમાં આપણે માનવતાનું માધુર્ય ગુમાવી રહ્યા છીએ. સાથ અને સંગાથની જરૂર દરેક માનવીને છે એ આજની દરેક છોકરીને આપણે શીખવવું રહ્યું. તેને પગભર પણ કરવાની જ છે અને તેને લગ્નસંસ્થાનું મહત્ત્વ પણ સમજાવવું જ જોઈએ. આ બન્ને બાબતો મહત્ત્વની છે.’
સમાનતા અને સાયુજ્ય
દીકરા-દીકરીની સમાનતા જ્યારે પરિવારમાં સ્થપાશે ત્યારે બન્ને એકબીજાને એકસરખું માન આપતાં થશે. આજની દીકરીઓને અને દીકરાઓને બન્નેને એકસરખો ઉછેર આ બાબતે આપવાનો છે કે તમને બન્નેને એકબીજા વગર નહીં ચાલે. આપણે ત્યાં એક વાર્તા છે કે ચકી લાવી ચોખાનો દાણો અને ચકો લાવ્યો મગનો દાણો. એની બનાવી અમે ખીચડી. આ વાર્તામાં એવું નથી કહ્યું કે ચકીએ પોતાનું ખાઈ લીધું અને ચકાએ પોતાનું. દીકરીઓને આત્મનિર્ભર બનાવવાનો અર્થ એ નથી જ કે તે એકલી જીવવા લાગે. દીકરાઓને તેમના જીવનમાં આવતી દરેક સ્ત્રીને માન આપતાં શીખવવું પડશે, સ્ત્રીની ફરજોમાં ભાગીદારી આપવાની વાત શીખવવી પડશે તો દીકરીઓને પ્રેમ, વાત્સલ્ય અને કરુણા ગુમાવ્યા વગર પોતાની જવાબદારી ખુદ ઉઠાવવાની અને પોતાની ક્ષિતિજોને પરિવાર સુધી સીમિત ન રાખીને આગળ વધવાની પ્રેરણા આપવી પડશે. સમાનતા સાયુજ્યને વધુ સુંદર બનાવે છે, એને તોડતી નથી એ યાદ રાખવું જરૂરી છે.