મુંબઈના લોકોનો જોસ્સો બહુ જામ્યો હતો. એટલે સરકારી જવાબથી તેમને સંતોષ થયો નહીં એટલે મુંબઈના ગવર્નર લૉર્ડ હૅરિસને અરજી મોકલવાનું નક્કી થયું.
અરદેશર ગોદરેજ
પ્રજા તણો જોસ્સો બહુ જામ્યો,
કોણ પરમ તે પાપી,
જેણે આ બે બાળાઓની
જિંદગી નાખી કાપી
ADVERTISEMENT
હા, મુંબઈના લોકોનો જોસ્સો બહુ જામ્યો હતો. એટલે સરકારી જવાબથી તેમને સંતોષ થયો નહીં એટલે મુંબઈના ગવર્નર લૉર્ડ હૅરિસને અરજી મોકલવાનું નક્કી થયું. એના પર માત્ર પારસીઓ જ નહીં; હિન્દુ, મુસ્લિમ, યહૂદી, યુરોપિયન નાગરિકોએ પણ સહીઓ કરી. કુલ ૪૫,૦૦૦ સહી એકઠી થઈ! ૧૮૯૧ના જૂનની ૨૭મી તારીખે સરકારને મોકલાયેલી એ અરજીમાં આ ખટલા વિશે નવેસરથી વિચાર કરવા માટે એક કમિશનની નિમણૂક કરવાની માગણી રજૂ કરવામાં આવી હતી. ચોથી જુલાઈએ સરકારે એનો જવાબ આપતો ઠરાવ બહાર પાડ્યો હતો. એમાં જણાવ્યું હતું કે રાજાબાઈ ટાવર કેસમાં (નોંધ્યું? સરકારે ‘ખૂન’ શબ્દ કાઢી નાખ્યો) મુંબઈના પ્રજાજનોના ઘણા મોટા વર્ગની લાગણીઓ સરકાર સમજી શકે છે અને એની કદર કરે છે. આ બનાવમાં સંડોવાયેલી બે છોકરીઓના કુટુંબીજનો પ્રત્યે સરકાર સહાનુભૂતિ ધરાવે છે અને એટલે આ અરજીમાં કરેલી રજૂઆત વિશે સરકારે ગંભીરતાપૂર્વક વિચાર કર્યો છે. પણ આ બાબત વિશે એક કમિશનની નિમણૂક કરવાની માગણી સ્વીકારવાનું સરકારને યોગ્ય લાગતું નથી કારણ કે ભવિષ્યમાં આ ખટલો બૉમ્બે હાઈ કોર્ટમાં નહીં જ જાય એવી ખાતરી નથી. અને જો એમ થાય તો એ વખતે કમિશનની કામગીરી બૉમ્બે હાઈ કોર્ટના કામમાં અડચણરૂપ બને એવો પૂરો સંભવ છે. વળી જો હાઈ કોર્ટ અને કમિશન જુદા-જુદા નિષ્કર્ષ પર આવે તો હાઈ કોર્ટના નિર્ણયની અવમાનના કરવાનો ગુનો કમિશન દ્વારા થયો ગણાય. પોલીસના માણસોએ, અને ખાસ કરીને સુપરિન્ટેન્ડન્ટ મૅક્ડમોર્ટે તપાસ દરમ્યાન પોતાનું વલણ બદલ્યું હતું એમ નિવેદનમાં કહેવાયું છે. પણ આવા કિસ્સાઓમાં સાધારણ રીતે પોલીસ શરૂઆતમાં એક શક્યતા સ્વીકારીને ચાલે છે અને પુરાવાઓ ભેગા કરે છે. એ કર્યા પછી જો અગાઉની ધારણા બદલવાની જરૂર જણાય તો એમ કરે છે. જ્યાં સુધી સજ્જડ પુરાવાને આધારે અનુમાન યોગ્ય ન ઠરે ત્યાં સુધી એ નિર્ણય કે નિષ્કર્ષ બની શકે નહીં. અને તો પોલીસે પોતાનો અભિપ્રાય બદલવાનું જરૂરી બને છે. આવું ઘણા કિસ્સાઓમાં બનતું હોય છે. આ ખટલો એમાં અપવાદરૂપ નથી. એટલે હાલના તબક્કે કમિશનની નિમણૂક કરવાનું સરકારને જરૂરી કે યોગ્ય લાગતું નથી.
અરદેશર અને પીરોજશાહ ગોદરેજના માનમાં બહાર પડેલી ટપાલ ટિકિટ.
પણ મુંબઈના લોકોને મુંબઈ સરકારના આ જવાબથી સંતોષ ન થયો. એટલે આ મામલા વિશે એક અરજી ગ્રેટ બ્રિટન મોકલવાનું નક્કી થયું. આ અરજી પર કેટલા લોકોએ સહી કરી હશે?
હિન્દુ : પુરુષ ૧૮,૦૨૭, સ્ત્રી ૩; પારસી : પુરુષ ૧૬,૯૬૫, સ્ત્રી ૪૪૦૬; મુસ્લિમ : પુરુષ ૫૦૨૯, સ્ત્રી ૧૮; ખ્રિસ્તી : પુરુષ ૧૬૬૬, સ્ત્રી ૨૦; યહૂદી : પુરુષ ૩૨. કુલ ૪૬,૧૬૬. ઉપરાંત એ અરજી પર મુંબઈ બહાર વસનારા ૧૯,૬૬૮ લોકોએ સહી કરી હતી. એટલે કે કુલ આંકડો થયો ૬૫,૮૩૪! હિન્દુસ્તાનના વહીવટ જેનો નિર્ણય છેવટનો ગણાય એ હિન્દુસ્તાનને લગતી બાબતોના પ્રધાનને આ અરજી મુંબઈ સરકાર મારફત પહોંચાડવામાં આવી. એનો જવાબ એ પ્રધાને મુંબઈ સરકારને મોકલ્યો જેને આધારે ૧૮૯૩ના જાન્યુઆરીની ત્રીજી તારીખે મુંબઈ સરકારે અરજદારોને જવાબ મોકલ્યો. એમાં જણાવ્યું હતું :
મુંબઈ સરકાર મારફત અમને મુંબઈ ઇલાકાના મોટી સંખ્યાના નાગરિકોની અરજી મળી છે. એ બાબતે અમે પૂરતી સહાનુભૂતિપૂર્વક વિચાર કર્યો છે. બન્ને મરનાર છોકરીઓનાં કુટુંબને અને મુંબઈ ઇલાકાના લોકોને આ વિશે અમે દિલસોજી પાઠવીએ છીએ. અરજદારોએ જણાવ્યું છે કે આ કેસમાં મુંબઈની પોલીસે જે રીતે કામ ચલાવ્યું છે તેથી તેમને સંતોષ નથી અને એટલે આ આખા મામલાની ફેરતપાસ કરવા માટે નવેસરથી એક કમિશન નીમવામાં આવે. અરજદારોની અરજી સાથે જ મુંબઈ સરકારે પોતાનો ખુલાસો પણ અમને મોકલ્યો છે. અરજદારોની અરજી અને મુંબઈ સરકારનો ખુલાસો, બન્ને, અમે ધ્યાનમાં લીધા છે. અને તે અંગે અત્રેની કાઉન્સિલમાં જરૂરી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. મરનાર બન્ને છોકરીઓ, તેમના કુટુંબીજનો અને બૉમ્બે પ્રેસિડન્સીના મોટી સંખ્યાના લોકોની સાથે કાઉન્સિલે પણ પૂરેપૂરી હમદર્દી બતાવી હતી. પણ જ્યાં સુધી અરજદારોની માગણીને લાગેવળગે છે ત્યાં સુધી આ આખા મામલાની ફેરતપાસ કરવા માટે કમિશનની નિમણૂક કરવાનું અમને વાજબી કે જરૂરી લાગતું નથી. મુંબઈ સરકારે પણ અરજી સાથે મોકલેલા પત્રમાં આ પ્રમાણેનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે અને કાઉન્સિલના સભ્યો તથા હું પોતે એ અભિપ્રાય સાથે મળતા થઈએ છીએ અને આ મામલાની ફેરતપાસ કરવા માટે કમિશન નીમવાનો નિર્ણય લઈ શકતા નથી. અમારો આ નિર્ણય અરજદારોને જણાવવા માટે અમે મુંબઈ સરકારને આદેશ આપીએ છીએ.
આ કેસ ચાલતો હતો એ દરમ્યાન બચુબાઈના પતિ અરદેશર ગોદરેજે સતત મૌન ધારણ કરી રાખ્યું હતું પણ પછી ૧૮૯૧ના ઑગસ્ટની ૨૮મી તારીખે ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રગટ થયેલા એક પત્રમાં તેમણે જણાવ્યું કે બચુબાઈએ આપઘાતનો વિચાર પણ કરવો પડે એવા કોઈ જ સંજોગો નહોતા. તેમનું લગ્નજીવન પૂરેપૂરું સુખી હતું. આ મામલાની જે રીતે તપાસ કરવામાં આવી અને કેસ ચલાવવામાં આવ્યો એ વિશે પણ તેમણે અસંતોષ વ્યક્ત કર્યો. એ વખતે મુંબઈનાં બે અગ્રણી ગુજરાતી અખબાર એકમેકના કટ્ટર વિરોધી, બલકે દુશ્મન. એકનું વલણ ગોદરેજ તરફી હતું એટલે બીજા છાપાએ એનાથી ઊલટું વલણ અપનાવ્યું. એણે જણાવ્યું કે મરનાર બન્ને છોકરીઓ અક્ષતયોનિ હતી એમ પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. પણ બન્ને હતી તો પરણેલી. એટલે લગ્નજીવન સંતોષકારક નહોતું અને પોતાને સંતાન નહોતું એટલે બન્ને છોકરીઓએ આપઘાત કર્યો. કેરાવાલા નામના કોઈ શખ્સનો હવાલો આપીને એમ પણ જણાવાયું કે બીજાં કેટલાંક કારણોસર પણ બન્ને પતિપત્ની વચ્ચે ખટરાગ હતો. અરદેશરે પોતાના પત્રમાં કહ્યું કે આ કેરાવાલાને અમારા કુટુંબમાંથી કોઈ ઓળખતું પણ નથી. અને એણે આવી વાહિયાત વાતો શા માટે વહેતી કરી છે એ અમને સમજાતું નથી. આ પત્રમાં અરદેશરે એમ પણ જણાવ્યું કે આ આખા મામલાની પોલીસે જે રીતે તપાસ કરી અને ખટલો ચલાવ્યો એ રીત અમને સંતોષકારક લાગી નથી, પણ એ વિશે વધુ ટીકાટિપ્પણી કરવાનું મને યોગ્ય લાગતું નથી.
મુંબઈ પોલીસ, અદાલત, મુંબઈ સરકાર અને ગ્રેટ બ્રિટનમાં બેઠેલા સર્વોચ્ચ પ્રધાન, બધાએ માની લીધું કે આ મામલો ખૂનનો નહોતો. તો આ મામલો હતો શેનો? એ કોઈએ તો જવાબ આપ્યો નહીં પણ આપણે જરા વિચારીએ. પહેલી શક્યતા, અકસ્માત. પણ ટાવરના જે માળ પરથી બન્ને છોકરીઓ નીચે પટકાઈ એ માળના કઠેરા તો સાબૂત હતા. તો છોકરીઓ નીચે પટકાઈ શી રીતે? છતાં માની લઈએ કે આ બનાવ અકસ્માતનો હતો તો બન્ને છોકરીઓ એકસાથે નીચે પટકાય, એક પછી એક નહીં. અને જેટલા સાક્ષીઓએ જુબાની આપી એ બધાએ કહ્યું કે પહેલાં બચુબાઈ અને પછી પીરોજબાઈ પટકાઈ હતી. જો આ કિસ્સો અકસ્માતનો હોય તો આમ બનવું મુશ્કેલ. બીજી શક્યતા: આપઘાત. પણ પહેલું તો એ કે બન્ને છોકરીઓ સુખી ઘરની હતી. તેમના લગ્નજીવનમાં પણ કશો ખટરાગ નહોતો. કોઈ એવી આફતમાં પણ ફસાઈ નહોતી કે જેમાંથી બહાર આવવાનો એકમાત્ર રસ્તો આપઘાત હોય. છતાં ધારી લઈએ કે આ આપઘાતનો કિસ્સો હતો. પણ જો બન્નેએ સાથે મળીને આપઘાતનો નિર્ણય લીધો હોય તો બન્ને ટાવર પરથી એકસાથે કૂદી પડે, કદાચ એકબીજાનો હાથ પકડીને. પણ અહીં તો બન્ને છોકરીઓ એક પછી એક પટકાઈ છે અને આ બનાવ બન્યો ત્યારે બે કે ત્રણ પુરુષો ટાવરના એ જ માળ પર હાજર હતા તો તેમણે છોકરીઓને આપઘાત કરતાં વારી નહીં હોય?
કદાચ આમ બન્યું હોય : બન્ને છોકરીઓ ટાવર પર પહોંચી એ પછી તરત માણેકજી અસલાજી અને તેનો સાથીદાર પણ ત્યાં પહોંચ્યા હોય. છોકરીઓને એકલી જોઈને બન્ને પુરુષોએ પહેલાં ઠઠ્ઠા મશ્કરી કરી હોય, પછી અડપલાં કર્યાં હોય. બન્ને છોકરીઓએ તેમનો સામનો કરવાનો પ્રયત્ન કરવાથી તેમના શરીરના જુદા-જુદા ભાગો પર ઈજા થઈ હોય (પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં આવી ઈજાઓનો ઉલ્લેખ છે). બન્ને અથવા એક પુરુષે પહેલાં બચુબાઈ પર બળાત્કારનો પ્રયત્ન કર્યો હોય. એ પ્રયત્નને નિષ્ફળ બનાવવા બચુબાઈએ ટાવર પરથી નીચે ઝંપલાવ્યું હોય. એટલે ટેક્નિકલી એને ખૂન ગણાવી ન શકાય. આ બધું બન્યું ત્યારે પીરોજબાઈ હાજર હતી. જે કાંઈ અણધાર્યું બન્યું એના આઘાતની કળ વળે એ પહેલાં બન્ને પુરુષોએ ભેગા મળીને તેને ટાવર પરથી નીચે ફેંકી હોય. પણ કેમ? કારણ ટાવર પર જે કાંઈ બન્યું એની એકમાત્ર ચશ્મદીદ ગવાહ હતી પીરોજબાઈ. એટલે બન્ને હુમલાખોરોએ બળજબરીથી તેને ટાવર પરથી નીચે ફેંકી હોય.
અલબત્ત, આ માત્ર અનુમાનો છે. સાચી હકીકત તો હવે ક્યારેય બહાર આવશે નહીં. એટલે પેલા ‘દિલજાન’ કવિના શબ્દો સાથે આ ગમખ્વાર ઘટનાની વાત પૂરી કરીએ :
ધન્ય વનિતા! વફાદાર રહી
નામ અમર બસ કીધું,
જગથી ગઈ, પણ જિંદગીમાં
તમ નામ મહત્તમ કીધું
ફુટ નોટ : બચુબાઈના પતિ અરદેશર ગોદરેજ તે આજના ગોદરેજ ઉદ્યોગ સમૂહના સ્થાપક. બચુબાઈ સાથેનું લગ્નજીવન માંડ એકાદ વર્ષનું પણ પછી અરદેશરે ક્યારેય બીજાં લગ્ન કર્યાં નહીં. સંતાન નહીં એટલે ગોદરેજ કંપનીઓનો ભાર પોતાની હયાતીમાં જ ભાઈ પીરોજશાહ ગોદરેજને સોંપી દીધો.

