તમે અમેરિકન સિટિઝનની પત્ની અને હવે વિધવા તરીકે જાતે જ અમેરિકાના ગ્રીન કાર્ડ માટે સેલ્ફ-પિટિશન કરી શકો છો.
વિઝાની વિમાસણ
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
હું એક ટૂરમાં યુરોપ ફરવા ગઈ હતી. પૅરિસમાં આઇફલ ટાવર ઉપર મારો એક અમેરિકન ઇન્ડિયન યુવક જોડે પરિચય થયો. ત્યાર બાદ લૂવર મ્યુઝિયમમાં અમે પાછાં મળ્યાં અને અમે સાંજે એલિસ ઉપર એકબીજાનો હાથ પકડીને લટાર મારી. પ્રથમ દૃષ્ટિએ અમે બન્ને એકબીજાના પ્રેમમાં પડી ગયાં હતાં. અમે એકબીજા જોડે લગ્ન કરવાનું નક્કી કર્યું. ટૂર ઉપરથી પાછી આવી મેં મારાં માતાપિતાને વાત કરી. એ અમેરિકન સિટિઝન યુવકે તેનાં ફાધર-મધરને અમારા પ્રેમ વિશે જણાવ્યું. અમારા બન્નેના સારા નસીબે અમારા વડીલોએ અમારાં લગ્ન માટે સંમતિ આપી. લગ્ન કરવા મારો એ પ્રેમી તેનાં માતાપિતા જોડે મુંબઈ આવી પહોંચ્યો. અમે આર્ય સમાજમાં વિધિપૂર્વક લગ્ન કર્યાં. અમેરિકા જઈને મારો પતિ મારા લાભ માટે ઇમિજિએટ રિલેટિવ કૅટેગરી હેઠળ ઇમિગ્રન્ટ વિઝાની પિટિશન દાખલ કરવાનો હતો. એ માટે તેણે ત્યાંના એક ઇમિગ્રેશન ઍટર્નીનો સંપર્ક પણ કર્યો હતો. એ ઍટર્નીને જોઈતી બધી વિગતો તેણે પૂરી પાડી હતી. લગભગ બે અઠવાડિયાં પછી એ ઍટર્નીએ તેને મારા લાભ માટે જે પિટિશન દાખલ કરવાની હતી એની ઉપર સહી કરવા તેની ઑફિસમાં બોલાવ્યો. રસ્તામાં જ મારા પતિને મોટર અકસ્માત નડ્યો અને તેનું તત્કાળ મૃત્યુ નીપજ્યું. હું વિધવા તો થઈ પણ મારું જે અમેરિકન સપનું હતું એ પણ રગદોળાઈ ગયું. મને હવે બીજાં લગ્ન કરવાની ઇચ્છા નથી, પણ અમેરિકા જવાની ઇચ્છા જરૂરથી છે. મેં બે-ચાર વિઝા કન્સલ્ટન્ટ્સને મારી વાત કહી. તેમણે બધાએ મને કહ્યું કે મારે હવે અમેરિકાને ભૂલી જવું જોઈએ. મને અમેરિકાનું ગ્રીન કાર્ડ મળી નહીં શકે એટલું જ નહીં, હું અમેરિકન સિટિઝનને પરણી હતી એટલે મને ત્યાં ફરવા જવા માટેના બી-૧/બી-૨ વિઝા પણ આપવામાં નહીં આવે. આવા સંજોગોમાં મારે શું કરવું જોઈએ? શું હું એક સ્ટુડન્ટ તરીકે અમેરિકાની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવીને ત્યાં જઈ શકું? હું એક વર્ષ પહેલાં જ ગ્રૅજ્યુએટ થઈ છું.
તમે અમેરિકન સિટિઝનની પત્ની અને હવે વિધવા તરીકે જાતે જ અમેરિકાના ગ્રીન કાર્ડ માટે સેલ્ફ-પિટિશન કરી શકો છો. આ માટે તમારે ફકત એટલું જ દેખાડી આપવાનું રહેશે કે તમે અમેરિકન સિટિઝન જોડે કાયદેસર લગ્ન કર્યાં હતાં. તમે બન્ને લગ્ન કરવાને લાયક હતાં. તમારો પતિ તમારા માટે ગ્રીન કાર્ડની પિટિશન દાખલ કરે એ પહેલાં અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે. એ વાતને બે વર્ષથી ઓછો સમય થયો છે અને તમે ફરી લગ્ન નથી કર્યાં. અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાના જાણકાર અને અનુભવી ઍડ્વોકેટની સલાહ લો અને આ મુજબની પિટિશન દાખલ કરો. તમે એકાદ વર્ષની અંદર જ ઇમિગ્રન્ટ વિઝા મેળવીને અમેરિકામાં પ્રવેશીને ગ્રીન કાર્ડ મેળવી શકશો.