Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > મુંબઈ નહીં, બૉમ્બેનો ઇતિહાસ દેખાડશે ભાયખલાનું આ મ્યુઝિયમ

મુંબઈ નહીં, બૉમ્બેનો ઇતિહાસ દેખાડશે ભાયખલાનું આ મ્યુઝિયમ

Published : 25 January, 2025 05:12 PM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

રાણીબાગની જમીન પર આવેલા ૧૫૦ વર્ષ કરતાં જૂના ડૉ. ભાઉ દાજી લાડ મ્યુ​ઝિયમ ચાર વર્ષ બાદ પર્યટકો માટે ખુલ્લુ મુકાયું છે. મુંબઈના જ નહીં, મહારાષ્ટ્રના સૌથી જૂના આ મ્યુઝિયમમાં અઢારમી સદીના બ્રિટિશકાલીન બૉમ્બેની ઝાંકી જોવા મળશે

મ્યુઝિયમમાં પ્રવેશ કર્યા બાદ અઢારમી સદીનું વિક્ટોરિયન ઇન્ટીરિયર વિન્ટેજ વાઇબ આપે છે.

મ્યુઝિયમમાં પ્રવેશ કર્યા બાદ અઢારમી સદીનું વિક્ટોરિયન ઇન્ટીરિયર વિન્ટેજ વાઇબ આપે છે.


રાણીબાગની જમીન પર આવેલા ૧૫૦ વર્ષ કરતાં જૂના ડૉ. ભાઉ દાજી લાડ મ્યુ​ઝિયમ ચાર વર્ષ બાદ પર્યટકો માટે ખુલ્લુ મુકાયું છે. મુંબઈના જ નહીં, મહારાષ્ટ્રના સૌથી જૂના આ મ્યુઝિયમમાં અઢારમી સદીના બ્રિટિશકાલીન બૉમ્બેની ઝાંકી જોવા મળશે. એ સમયે થતા વેપાર, જીવનશૈલી અને ભારતીય સંસ્કૃતિને અનોખી રીતે દર્શાવવામાં આવ્યાં છે


જો ટાઇમ મશીન હોત તો મારે ભૂતકાળમાં જવું છે એવું ઘણા લોકો કહેતા હોય છે, પણ જો વર્તમાનમાં રહીને ખરેખર ભૂતકાળને જોવો હોય તો ભાયખલા-ઈસ્ટમાં રાણીબાગની અંદર આવેલા ડૉ. ભાઉ દાજી લાડ મ્યુઝિયમમાં જવું જોઈએ. આ મ્યુઝિયમ બહારથી તો વિન્ટેજ વાઇબ આપે છે, પણ પ્રવેશ્યા પછી તમને એવું લાગશે જાણે ૧૮મી સદીના બ્રિટિશકાલીન બૉમ્બેમાં પહોંચી ગયા હોઈએ. ડૉ. ભાઉ દાજી લાડ મ્યુઝિયમ બૉમ્બેના સમૃદ્ધ ઇતિહાસને દર્શાવે છે. ૧૫૨ વર્ષ જૂના મ્યુઝિયમના ચાર વર્ષ સુધી ચાલેલા પુનર્વિકાસના કાર્ય બાદ પર્યટકો માટે એ ફરીથી ખુલ્લુ મુકાયું છે.



ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ખાસ


મ્યુઝિયમ જેટલું ખાસ છે એટલું જ ખાસ છે એનું ઇન્ટીરિયર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર. પ્રવેશતાંની સાથે જ વિક્ટોરિયન ઇન્ટીરિયર અને પૅલેડિયન આર્કિટેક્ચરથી બનેલું મ્યુઝિયમ વિન્ટેજ વાઇબ આપે છે. એના મધ્યમાં મ્યુઝિયમના સંસ્થાપક અને રાણી વિક્ટોરિયાના પતિ પ્રિન્સ આલ્બર્ટની મોટી અને ડેવિડ સસૂનની નાની પ્રતિમા મુકાઈ છે. મ્યુઝિયમની સાથે અહીં લાઇબ્રેરી પણ છે. એ સાથે આર્ટ સાથે સંકળાયેલા લોકો માટે પોસ્ટ ગ્રૅજ્યુએટ ​ડિપ્લોમા કોર્સ, લૅટિન અમેરિકન સિનેમા કોર્સ અને અર્લી વર્લ્ડ સિનેમા કોર્સ જેવા કોર્સ પણ ડિઝાઇન કરવામાં આવ્યા છે અને એ ઉનાળાથી શરૂ થશે. અહીં અલગ-અલગ ગૅલરી છે.


ડૉ. ભાઉ દાજી લાડ મ્યુઝિયમ રશિયાના મ્યુઝિયમની રેપ્લિકા લાગે એ માટે પેસ્ટલ ગ્રીન કલર કરવામાં આવ્યો છે.

કમલનયન બજાજ-મુંબઈ ગૅલરી : મ્યુઝિયમમાં કમલનયન બજાજ-મુંબઈ ગૅલરી છે એમાં ૧૮, ૧૯ અને ૨૦મી સદીમાં મુંબઈમાં રહેતા સમુદાય અને તેમની જીવનશૈલી દર્શાવવામાં આવી છે. એ સાથે મ્યુઝિક, ડાન્સ અને સંસ્કૃતિની સાથે ૧૯મી સદીનાં ટાઉન-પ્લાનિંગ, ખેતી અને ગ્રામીણ જીવનને પણ હાઇલાઇટ કરવામાં આવ્યું છે.

ઇન્ડસ્ટ્રિયલ આર્ટ ગૅલરી : ૧૯મી સદીમાં ભારતીય કારીગરોની કળાની આંતરરાષ્ટ્રીય સ્તરે બહુ ડિમાન્ડ હતી. એ સમયે ભારતીય કળાનાં પ્રદર્શન અને વેપાર થતાં હતાં. એ સમયની ચીજ-વસ્તુઓનું પ્રદર્શન આ ગૅલરીમાં કરવામાં આવ્યું છે.

ફાઉન્ડર્સ ગૅલરી : આ ગૅલરીમાં મ્યુઝિયમના ફા‌ઉન્ડર્સની તસવીરો અને તેમના વિશેની માહિતી મળશે.

૧૯મી સદીની પેઇન્ટિંગ ગૅલરી : આ મ્યુઝિયમનો જે. જે. સ્કૂલ ઑફ આર્ટ સાથે જૂનો સંબંધ છે. એ સમયે બાળકોએ કરેલું પેઇન્ટિંગ અને માટીથી બનાવેલી ચીજ-વસ્તુઓનું પ્રદર્શન અહીં જોવા મળે છે.

મુંબઈ ગૅલરી : આ ગૅલરીમાં મુંબઈનો ઇતિહાસ એટલે કે સાત ટાપુથી મુંબઈ કેવી રીતે બન્યું, એ સમયનો મુંબઈનો નકશો, લિથોગ્રાફ (એક એવી પ્રક્રિયા જેમાં એક ડિઝાઇનને સપાટ પથ્થર પર બનાવીને રાસાયણિક પ્રક્રિયાથી ચીપકાવવામાં આવે) અને ફોટોગ્રાફથી બૉમ્બેથી મુંબઈની જર્નીને દર્શાવવામાં આવ્યું છે. એ સાથે સંસ્થાપકોનાં ચિત્રો પણ લગાડાયાં છે. આ સાથે ‘પીપલ ઑફ મુંબઈ’ નામનું કૉર્નર પણ છે એમાં મુંબઈના વિકાસમાં ફાળો આપનારા મહાનુભાવોનાં સ્કલ્પ્ચર ઇન્સ્ટૉલ કરવામાં આવ્યાં છે.

હાલમાં જેમ પત્તાંથી જુગાર રમાય છે એમ અગાઉ આ રીતે ડિઝાઇનર ગોળાકાર પત્તાંથી ગેમ રમાતી હતી અને એને ગંજીફો કહેવાતું.

રશિયન મ્યુઝિયમની રેપ્લિકા

મ્યુઝિયમને પેસ્ટલ ગ્રીન કલરથી રંગવામાં આવ્યું છે. આ રંગનો ઉપયોગ વૈશ્વિક સ્તરે જાણીતાં મ્યુઝિયમ્સમાં થાય છે. આ મ્યુઝિયમ રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં આવેલા સ્ટેટ હાર્મિટેજ મ્યુઝિયમની રેપ્લિકા છે એવું કહેવાઈ રહ્યું છે. અંદરથી એવી જ ફીલ આપતું હોવાથી એનો બહારનો કલર પણ પેસ્ટલ ગ્રીન જ રાખવામાં આવ્યો છે જેથી બહારથી જોતાં જ વિન્ટેજ વાઇબની સાથે વિદેશી વાઇબ પણ આપે છે.

બ્રિટિશકાલીન બૉમ્બેમાં હવાલદાર અને પોલીસ અધિકારીની ફરજ બજાવતા ભારતીયો.

૧૫,૦૦૦ કરતાં વધુ ચીજો

હાલમાં આ સંગ્રહાલયમાં બૉમ્બેના ઇતિહાસ સાથે સંકળાયેલી ૧૫,૦૦૦ કરતાં વધુ ચીજોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. શહેરના આધુનિકીકરણના પ્રવાસની સાક્ષી આ મ્યુઝિયમ પૂરે છે. ઇતિહાસ અને ભૂગોળની સાથે ચિત્રો, શિલ્પો અને કળાનું હબ છે. છેલ્લી ત્રણ સદીનાં સંગીત વાદ્યોની સાથે કારીગરો દ્વારા બનાવવામાં આવતી લાખની ઍન્ટિક ચીજો, નારિયેળમાંથી બનતા ફ્લાવર વાઝ અને બાઉલ, કીટલી સેટ, ચાંદી અને તાંબાનાં ઝીણવટભરી ડિઝાઇનનાં વાસણો, કાગળમાંથી બનાવાતી ઍન્ટિક ચીજો, પથ્થરમાંથી ઝીણી કોતરણી કરીને બનાવેલા આર્ટપીસ, ચાંદીની ચીજોમાં મીનાકારીનું કામ, એ સમયની એમ્બ્રૉઇ‍ડરી, વપરાતાં હથિયારો, લાકડાં, કાંસા, તાંબા અને ચાંદીમાંથી બનાવવામાં આવેલી લક્ષ્મી-નારાયણ, દત્તાત્રેય ભગવાન, શંકર ભગવાન, પાર્વતીમાતા અને દ​ક્ષિણ ભારતના દેવતાઓની મૂર્તિઓનું પણ અહીં પ્રદર્શન કરવામાં આવ્યું છે.

ચંદનના લાકડામાંથી કોતરણી કરીને બનાવવામાં આવેલા વિન્ટેજ બૉક્સ સાથે કૃષ્ણલીલા શોપીસ જોઈને એવું લાગશે જાણે ભારતીય કારીગરો એ સમયે કેટલા ટૅલન્ટેડ હતા. મ્યુઝિયમમાં મેટલ પર ફોટોગ્રાફને પ્રિન્ટ કરવામાં આવ્યા હોવાના પુરાવા પણ જોવા મળશે. શંખ-છીપલાંમાંથી બનેલાં વહાણ અને એમાં કોતરેલી ભગવાન વિષ્ણુની છબિ, ૧૯મી સદીમાં હાથીદાંતમાંથી બનતી ઍન્ટિક ચીજો અને એની પ્રોસેસને પણ બહુ સારી રીતે દર્શાવાઈ છે. એ ઉપરાંત તાંબા-પિત્તળ, વણકરો, લોહકામ વર્કશૉપ, ખેતીવાડીની સમગ્ર પ્રક્રિયાને પણ ડિટેઇલિંગ સાથે દર્શાવવામાં આવ્યાં છે. મુંબઈ જ નહીં, આખા ભારતના કારીગરોના કામને ડૉ. ભાઉ દાજી લાડ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવ્યાં છે.

શંખમાં કોતરકામ કરીને બનાવેલો આર્ટ પીસ.

રોચક ઇતિહાસ

મુંબઈ અને મહારાષ્ટ્રનું પહેલવહેલું અને ભારતનું ત્રીજું સૌથી જૂનું મ્યુઝિયમ એટલે ડૉ. ભાઉ દાજી લાડ મ્યુઝિયમ. આ મ્યુઝિયમમાં અઢારમી સદીની બૉમ્બે પ્રેસિડન્સીની ઝલક જોવા મળશે. એ સમયે થયેલા વેપાર સાથે ભારતના આંતરરાષ્ટ્રીય સંબંધો, જીવનશૈલી અને કળાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. મ્યુઝિયમનો ઇતિહાસ એવો છે કે ૧૮૫૧માં ઇંગ્લૅન્ડમાં વૈશ્વિક સ્તરે પ્રદર્શનનું આયોજન થયું હતું. એ સમયે બ્રિટિશરોને લાગ્યું હતું કે બૉમ્બેમાં આવું એક મ્યુઝિયમ હોવું જોઈએ એ હેતુથી ૧૮૫૫માં આ મ્યુઝિયમને મૂળ સ્વરૂપે સુશોભન અને ઔદ્યોગિક કળાના ખજાનાના ઘર તરીકે સ્થાપિત કરવામાં આવ્યું હતું અને ૧૮૫૭માં એના સંગ્રહને ટાઉન હૉલમાં ખસેડીને લોકો માટે બંધ કરવામાં આવ્યું હતું. મુંબઈ મહાનગરપાલિકાએ આપેલી માહિતી અનુસાર ૧૮૫૮માં ભારતીય કળાને પ્રોત્સાહન આપનારા જ્યૉર્જ બર્ડવુડને મ્યુઝિયમના ક્યુરેટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને એ દરમ્યાન રચવામાં આવેલી સમિતિમાં ડૉ. ભાઉ દાજી લાડ અને જગન્નાથ શંકરશેટનો સમાવેશ કરીને નવી ઇમારતનો પાયો ૧૮૬૨માં નખાયો. એ દરમ્યાન અગ્રણી વેપારી ડેવિડ સસૂન અને સર જમશેદજી તાતાના સમર્થનથી ભાયખલાના વીરમાતા જીજાબાઈ ઉદ્યાનમાં શરૂ થયેલું બાંધકામ ૧૮૭૧ના વર્ષમાં પૂરું થયું હતું અને ૧૮૭૨ની બીજી મેના દિને લોકો માટે ખુલ્લું મુકાયું હતું. એ સમયે આ મ્યુઝિયમનું નામ વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ હતું. ભારત સ્વતંત્ર થયા બાદ આ મ્યુઝિયમનું નામ બદલવાની માગણીએ જોર પકડ્યું ત્યારે ૧૯૭૫ની ૧ નવેમ્બરે એનું નામ બદલીને ડૉ. ભાઉ દાજી લાડ મ્યુઝિયમ રાખવામાં આવ્યું હતું.

કોકોનટમાંથી બનાવેલો શોપીસ.

કોણ હતા ભાઉ દાજી લાડ?

ડૉ. ભાઉ દાજી લાડ કોણ હતા એની કોઈને ખબર નથી. તેમણે સમાજસુધારા માટે આપેલા યોગદાન વિશે પણ વધુ માહિતી ઉપલબ્ધ નથી, પણ જો તમે OTT પર રિલીઝ થયેલી ફિલ્મ ‘મહારાજ’ જોઈ હશે તો એમાં મહારાજ વિરુદ્ધ કોર્ટમાં એક ડૉક્ટર જોવા મળ્યા હતા એ પાત્ર ડૉ. ભાઉ દાજીનું હતું. બ્રિટિશકાળમાં પ્લેગનો ચેપ ફેલાયો હતો ત્યારે એનો ઉપચાર કરનારા એકમાત્ર વૈદ્ય તેઓ જ હતા. ૧૮૨૨માં ગોવાના અત્યંત ગરીબ પરિવારમાં જન્મેલા ભાઉનું વાસ્તવિક નામ રામકૃષ્ણ વિઠ્ઠલ લાડ છે. ૧૮૩૨માં મુંબઈ આવ્યા અને તેમની પ્રતિભાને એ સમયના ગવર્નરે પારખી અને મુંબઈની એક પ્રસિદ્ધ મેડિકલ કૉલેજમાં તેમનું ઍડ્મિશન કરાવ્યું. ડિગ્રી મેળવીને તેઓ પ્રસિદ્ધ ડૉક્ટર અને સર્જ્યન બન્યા. દુનિયાને કુષ્ઠરોગની સારવાર માટેની દવા ડૉ. ભાઉ દાજી લાડે આપી હતી. એ ઉપરાંત તેમની બૉમ્બેના સરકારી અધિકારી તરીકે બે વાર નિમણૂક થઈ હતી. આધુનિક મુંબઈના નિર્માણમાં તેમનો નોંધપાત્ર ફાળો હોવાની સાથે મ્યુઝિયમના ડેવલપમેન્ટ તથા કલા-વારસાના ક્ષેત્રમાં પણ તેમનું યોગદાન હોવાથી આ મ્યુઝિયમને તેમનું નામ આપવામાં આવ્યું છે. તેમણે ભારતના દુર્લભ સિક્કાનો મોટો સંગ્રહ પણ કર્યો હતો.

બૉમ્બે પ્રેસિડન્સીના ખેડૂત પરિવારના જીવનની ઝલક.

પુનર્વિકાસને લાગ્યાં ચાર વર્ષ

વર્ષોજૂનું મ્યુઝિયમ જર્જરિત હાલતમાં હોવાથી એનું સ્ટ્રક્ચરલ ઑડિટ કરાવીને પુનર્વિકાસનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. એ કામને પૂર્ણ થતાં ૪ વર્ષ લાગ્યાં હતાં. આશરે ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે થયેલા કામમાં દીવાલોના સમારકામથી લઈને છતમાં વૉટરપ્રૂફિંગ, કલર અને લાઇટિંગની સાથે ઇન્ટીરિયરને પૉલિશ કરવાનું કામ પણ હાથ ધરાયું હતું. પાલિકાના હેરિટેજ સેલ અંતર્ગત હાથ ધરાયેલા સમારકામને પૂરું થતાં ૪ વર્ષ લાગ્યાં અને ૮ જાન્યુઆરીએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે ઉદ્ઘાટન કરીને મ્યુઝિયમને લોકો માટે નવેસરથી ખુલ્લું મુકાયું હતું. આ સંદર્ભે મ્યુઝિયમનાં ડિરેક્ટર તસ્નીમ ઝકરિયા મહેતા કહે છે, ‘ઇંગ્લૅન્ડથી આયાત કરવામાં આવેલી મિલ્ટન ટાઇલ્સ, દાદરાની રેલિંગ અને પિલર્સને રીસ્ટોર કરવા પર ખાસ ધ્યાન અપાયું હતું. ૨૦૦૩માં ઇન્ડિયન નૅશનલ ટ્રસ્ટ ફૉર આર્ટ ઍન્ડ કલ્ચર હેરિટેજ (INTACH)એ જમનાલાલ બજાજ ફાઉન્ડેશન અને મુંબઈ મહાનગરપાલિકાના સહયોગથી સંગ્રહાલયની દરેક વસ્તુ તથા કલાકૃતિમાં લાગેલી ફંગસ અને ધૂળને દૂર કરીને ફરીથી અગાઉ જેવું જ નવું અને ફ્રેશ લાગે એ માટે કામ કર્યું. ૨૦૦૫માં આ મ્યુઝિયમ સાંસ્કૃતિક ક્ષેત્રે યુનેસ્કોનો એશિયા પૅસિફિક અવૉર્ડ જીત્યું હતું અને ૨૦૦૮માં આ મ્યુઝિયમ લોકો માટે ખુલ્લું મુકાયું હતું. એ ઉપરાંત ૨૦૧૬માં પણ મ્યુઝિયમને એની ગુણવત્તા અને નવીનતા થકી આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રાઉન અવૉર્ડ મળ્યો હતો.’

કેવી રીતે જશો?
લોકલ ટ્રેનમાં વેસ્ટર્ન લાઇનથી આવતા લોકોને મહાલક્ષ્મી રેલવે સ્ટેશન નજીક પડશે, જ્યારે હાર્બર લાઇનથી રે રોડ અને સેન્ટ્રલ લાઇનથી ભાયખલા સ્ટેશન નજીક પડશે. ત્યાંથી ૧૦થી ૧૫ મિનિટ જેટલું ચાલીને આ મ્યુઝિયમ પહોંચી શકાશે. બસમાં પહોંચવુ હોય તો વીર માતા જીજાબાઈ ઉદ્યાન નામના બસ-સ્ટેશને ઊતરવું.

શું છે ટાઇમિંગ?
ડૉ. ભાઉ દાજી લાડ મ્યુઝિયમ સવારે ૧૦થી સાંજે સાડાપાંચ વાગ્યા સુધી ખુલ્લું રહે છે અને બુધવારે બંધ રહે છે. એથી સમય અને વારને ધ્યાનમાં રાખીને ટ્રિપ પ્લાન કરજો, નહીં તો ખોટો ધક્કો થશે.

ફી કેટલી?
મ્યુઝિયમમાં દર્શાવેલા મુંબઈના ઇતિહાસને વધુમાં વધુ લોકો જાણે અને જુએ એવા હેતુથી અહીં આવતા લોકો માટે ટિકિટના ભાવ પણ બહુ રીઝનેબલ રાખવામાં આવ્યા છે. ૧૩ વર્ષથી મોટી વયના લોકો માટે એન્ટ્રી-ફી ૨૦ રૂપિયા તથા પાંચથી ૧૨ વર્ષનાં બાળકો, દસમા ધોરણના વિદ્યાર્થીઓ, યુનિવર્સિટી અને કૉલેજના વિદ્યાર્થીઓ તેમ જ BMCના કર્મચારીઓ માટે પ્રવેશ-ફી માત્ર ૧૦ રૂપિયા રાખવામાં આવી છે. એ ઉપરાંત પાલિકાની સ્કૂલના વિદ્યાર્થીઓ, NGO, દિવ્યાંગ લોકો, પોલીસ, આર્મી અને વરિષ્ઠ નાગરિકોને પ્રવેશ નિઃશુલ્ક છે.

Whatsapp-channel Whatsapp-channel

25 January, 2025 05:12 PM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK