પેટ્સ માટે ફક્ત અંતિમ વિધિ માટે સ્મશાન જ નહીં પણ એમની અંતિમ વિધિ ન થાય ત્યાં સુધી એમને બરફમાં રાખી શકાય એવાં મૉર્ગ પણ છે મુંબઈમાં. આવો જાણીએ આ સુવિધાઓ વિશે
BMC સંચાલિત એવરશાઇનનગરમાં આવેલું ફ્રી પેટ ક્રેમેટોરિયમ
બિલાડી હોય કે કૂતરું હોય કે કોઈ નાનકડું પક્ષી જ કેમ ન હોય, એક વાર ઘરનું સભ્ય બન્યા પછી એના નામકરણથી લઈને મરણવિધિ સુધી બધું જ આપણા જીવનનો હિસ્સો બની જાય છે. આજકાલ લોકો કરતાં વધુ સવલતો પેટ્સ માટે ઉપલબ્ધ છે ત્યારે સામાન્ય સવાલ એ પણ થાય કે એમના માટે ફૂડ, પ્લેહાઉસ, ટૉય્ઝ, પ્લે ઝોન, ગાર્ડન, શૉપિંગ ઝોન, ફૅશન શોઝ, ગ્રૂમિંગ અને સ્પા જેવી અનેક સવલતો વધી રહી છે ત્યારે શું એમની વસમી વિદાય બાદ એમની અંતિમ વિધિ માટે સ્મશાનો પણ હશે? જવાબ છે હા. પેટ્સ માટે ફક્ત અંતિમ વિધિ માટે સ્મશાન જ નહીં પણ એમની અંતિમ વિધિ ન થાય ત્યાં સુધી એમને બરફમાં રાખી શકાય એવાં મૉર્ગ પણ છે મુંબઈમાં. આવો જાણીએ આ સુવિધાઓ વિશે
વહાલસોયા પેટ્સની આખરી વિદાય પછી એમની અંતિમ વિધિ પણ ઘરના અન્ય સભ્યો જેવી જ પરંપરાગત રીતે થાય એવી દરેક પરિવારની ઇચ્છા હોય છે. ઘણા પરિવારો બાકાયદા પંડિતો દ્વારા વિધિ કરીને પૂજાપાઠ સાથે એમને અલવિદા કરે છે, પણ એમની અંતિમ ક્રિયા કયા સ્મશાનમાં કરવી એ દરેકને મૂંઝવતો પ્રશ્ન છે. ભારતમાં માનવસમુદાયની ઘણી સવલતો માટે આજેય સંઘર્ષ ચાલુ છે ત્યારે પેટ્સ માટેની સવલતો સાવ જ પ્રાથમિક તબક્કે અથવા નહીંવત્ જેવી જ જોવા મળે છે. એમાંય પેટ્સ માટેનાં સ્મશાન તો આંગળીના વેઢે ગણી શકાય એટલાં જ જોવા મળે છે. એટલે જ એના વિશેની સંપૂર્ણ માહિતી પણ હોવી ખપે.
ADVERTISEMENT
આમ તો પેટ્સ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે ઘણા લોકો એને બૅકયાર્ડ, અપાર્ટમેન્ટના બગીચામાં કે ઘરના કોઈ ખૂણામાં દફનાવવાનું વધારે પસંદ કરે છે પણ ઘણી વાર પેટ્સ બીમાર હોય છે તો એના લીધે રોગચાળો ફેલાવાની શક્યતા વધી જાય છે. આવા સમયે એમના માટે ખાસ સ્મશાનભૂમિ હોય તો પેટ્સના વાલીઓ માટે ઘણો ફરક પડી શકે છે. આવાં સ્મશાનોમાં મુખ્યત્વે બે પ્રકારનાં સ્મશાનો જોવા મળે છે. એક, જેમાં ફ્રી સર્વિસ આપવામાં આવે છે અને બીજાં, જેમાં પેઇડ સર્વિસ જોવા મળે છે. મુંબઈમાં મલાડમાં એવરશાઇનનગરમાં આવેલી અહિંસા વેટરિનરી સર્વિસ ખાતે ફ્રી સર્વિસ ઉપલબ્ધ છે અને બીજી પેઇડ સર્વિસ પરેલમાં આવેલી બાઈ સાકરબાઈ દિનશા પેટિટ હૉસ્પિટલ ફૉર ઍનિમલ્સના પ્રાંગણમાં છે જે બાઈ સાકરબાઈ દિનશા પેટિટ પેટ ક્રેમેટોરિયમ સર્વિસ તરીકે ઓળખાય છે. આવો જાણીએ બન્ને ક્રેમેટોરિયમ વિશેની જાણકારી.
અહિંસા વેટરિનરી સર્વિસ, એવરશાઇનનગર મલાડ
ગયા વર્ષે ૨૦૨૩ના સપ્ટેમ્બરમાં જ ખૂલેલું આ સ્મશાન મલાડમાં આવેલી અહિંસા હૉસ્પિટલમાં BMCના નેજા હેઠળ વગર મૂલ્યે ચાલી રહ્યું છે. આ વિશે વિગતે વાત કરતાં વેટરિનરી ડિપાર્ટમેન્ટના જનરલ મૅનેજર અને હેડ ડૉ. કે. એ. પઠાણ કહે છે, ‘આ સર્વિસ હજી હમણાં જ શરૂ કરવામાં આવી છે. આ પહેલાં ઇલેક્ટ્રિક દહન થતું હતું. ઇલેક્ટ્રિક દહનમાં જમા થતા કાર્બનને લીધે પૉલ્યુશન થાય એને ટાળવા મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા દહનની નવી પદ્ધતિ અપનાવવામાં આવી છે. આ નવા મશીનમાં ઇન્સિનેટર વપરાય છે જે ખૂબ ઊંચા તાપમાને શબનું દહન કરે છે. આ પ્રક્રિયાને કારણે ઓછામાં ઓછા પૉલ્યુશન સાથે બાયોમાસનો નિકાલ થાય છે. આ મશીનમાં કોઈ પણ જાનવરોની અંતિમ વિધિ માટે PNG એટલે કે પાઇપ્ડ નૅચરલ ગૅસ વાપરવામાં આવે છે. એક મશીનમાં ચાર બર્નર હોય છે જેમાંથી બે ઇગ્નિશન આપે અને બે રીહીટિંગ આપે છે. આનું ટેમ્પરેચર લગભગ ૮૫૦ ડિગ્રી હોય છે જેનાથી આખી બૉડીને ભસ્મીભૂત કરી શકાય છે. આ મશીનમાં એક કલાકમાં લગભગ ૫૦ કિલો સુધીના બૉડીની કૅપેસિટી છે. પક્ષીઓ માટે પણ આ જ પ્રોસેસ છે. હાલમાં અહીં શબઘર પણ શરૂ થયું છે, જેમાં એક દિવસ શબને સ્ટૉકમાં રાખી શકાય છે. જો ક્લોઝિંગ ટાઇમ પછી કોઈ પ્રાણી આવે તો એને અહીં રાખવામાં આવે છે. ઇન્સિનેટરમાં ૮૫૦ ડિગ્રી ટેમ્પરેચરમાં બધા જ વાઇરસ અને બૅક્ટેરિયા બળી જાય છે એટલે કોઈ મહામારી, જે મોટા ભાગે પક્ષીઓમાં વધુ જોવા મળે છે, ત્યારે પણ આનો ફાયદો થાય છે. શબઘરમાં હાલ એકસાથે આઠેક નાનાંમોટાં પ્રાણીઓ રહી શકે એવી વ્યવસ્થા છે.’
દહન પહેલાંની કાર્યવાહી
કોઈ પણ જાનવરને અંતિમ વિદાય આપવા પહેલાં એની પ્રોસેસ પૂરી કરવામાં આવે એવી અપીલ કરતાં ડૉ. કે. એ. પઠાણ આગળ કહે છે, ‘દરેક પેટ કે સ્ટ્રે ઍનિમલ માટે એની ગાર્ડિયનશિપ માટે પહેલાં તો એનું લાઇસન્સ હોવું જરૂરી છે. આની એક નાનીએવી પ્રોસેસ છે જેમાં BMCની વેબસાઇટ www.vhd.mcgm.gov.in પર જઈને ડૉગ-લાઇસન્સ માટે અપ્લાય કરવાનું હોય છે. એ માટે નજીવા ૧૦૦ રૂપિયા લેવામાં આવે છે. ઘણી વાર લોકો અંતિમક્રિયા કરવા આવે છે પણ આ કામ કરવા તૈયાર નથી થતા. એ સમયે ઇમોશનલ આર્ગ્યુમેન્ટ કરે છે અને સમજતા નથી કે આ કાયદાકીય પ્રક્રિયા છે. ડૉગ-લાઇસન્સ વેબસાઇટ પરથી તરત જ મળી જાય છે પણ એના પ્રોટોકૉલ ફૉલો કરવા લોકો તૈયાર નથી થતા ત્યારે તકલીફ થાય છે. તેમને વિનંતી કે આ કામ પહેલાં જ કરે. એ સિવાય અંતિમ વિધિ આગળ નથી વધી શકતી. બીજું એ કે વેબસાઇટ પરથી જ અંતિમ વિધિ માટેનો સ્લૉટ બુક કરે. આ માટે બે સ્લૉટ છે. એક ૧૨ વાગ્યા સુધીનો અને બીજો ત્રણથી ચાર વાગ્યા સુધીનો છે. આ બે સ્લૉટમાં જ જાનવરોની અંતિમ વિધિ થાય છે. બર્નરને એના નિર્ધારિત ટેમ્પરેચર સુધી પહોંચતાં એક કલાક લાગે છે. એ પછી જ જાનવર પૂરેપૂરું બળે છે. જે લોકોને અસ્થિ જોઈતાં હોય એ લોકો ત્યાંથી લઈ પણ શકે છે.’
બાઈ સાકરબાઈ દિનશા પેટિટ પેટ ક્રેમેટોરિયમ, પરેલ
પેઇડ સર્વિસ વિશે વિસ્તારથી વાત કરતાં પરેલમાં આવેલી બાઈ સાકરબાઈ દિનશા પેટિટ હૉસ્પિટલ ફૉર ઍનિમલના હેડ ડૉ. મયૂર ડાંગર કહે છે, ‘આ હૉસ્પિટલ લગભગ ૧૪૦ વર્ષ જૂની છે. લગભગ ૩૦-૩૫ વર્ષ સુધી એમાં પાલતુ પ્રાણીઓ માટે ઇલેક્ટ્રિક અગ્નિસંસ્કારની સુવિધા હતી. હવે અહીં લગભગ પંદરેક વર્ષથી લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ એટલે કે LPG મશીનથી પ્રાણીઓનું દહન થઈ રહ્યું છે. આ જગ્યા હૉસ્પિટલની અંદર આવેલી છે. અહીં LPGની લાઇન લેવામાં આવી છે જે અમને કમર્શિયલ રેટ પર મળેલી છે એટલા માટે સર્વિસના ચાર્જિસ થોડા વધુ લાગે છે. આ બર્નરની કૅપેસિટી ૩૦૦ કિલો છે. એમાં નાનાં જાનવરો જેવા કે કૂતરાં-બિલાડાં તથા પક્ષીઓ આવી શકે છે. બર્નરનું ટેમ્પરેચર લગભગ ૭૦૦થી ૮૦૦ ડિગ્રી હોય છે. એક વાર બર્નર ચાલુ થાય છે પછી દર વખતે એક બૉડી પૂરું થાય પછી જ બીજું લેવાય છે. એ રીતે તમારા પેટ્સને પર્સનલ અંતિમ વિધિ મળે છે.’
પ્રાણીદીઠ ચાર્જ
આ સર્વિસનો લાભ લેવા માટે અલગ-અલગ ચાર્જ છે એવું જણાવતાં ડૉ. મયૂર કહે છે, ‘આમાં પ્રાણીઓની સાઇઝ મુજબ સ્મૉલ, મીડિયમ અને લાર્જ એવા ત્રણ ભાગ પાડવામાં આવ્યા છે. પાણીના નાના કાચબા જેવાં નાનાં જાનવરો માટે અઢીથી ત્રણ હજાર રૂપિયા, મધ્યમ સાઇઝનાં જાનવર માટે ચાર હજાર રૂપિયા અને લાર્જ બ્રીડના ડૉગ્સ હોય એવાં જાનવરો માટે પાંચથી સાડાપાંચ હજાર રૂપિયા આપવાના હોય છે. જોકે રખડતાં કૂતરાં કે બિલાડાં માટે અહીં કોઈ પણ સાઇઝ ચેક કર્યા વગર ફિક્સ ભાવ ૩૩૦૦ રૂપિયા છે.’
દહન પહેલાંની કાર્યવાહી
દહન પહેલાંની કાર્યવાહી જણાવતાં ડૉ. મયૂર કહે છે, ‘જો કોઈ પણ પેટ લાવે તો તેની પાસે ડેથ-સર્ટિફિકેટ હોવું જરૂરી છે. જો કોઈ મરેલું સ્ટ્રે ઍનિમલ હોય તો એના માટે હૉસ્પિટલ તરફથી ડેથ-સર્ટિફિકેટ આપવામાં આવે છે. પછી બ્રીડના વજનને હિસાબે એમને ચાર્જ કરવામાં આવે છે. એનું બિલ લઈ ક્રેમેટોરિયમ રૂમમાં મોકલતાં અંતિમ વિધિ આગળ વધે છે. કોઈ લીગલ કૉમ્પ્લીકેશન ન થાય એ માટે ડેથ-સર્ટિફિકેટ જરૂરી છે. અમારે ત્યાં શબઘર પણ છે, જેના ૧૫૦૦થી ૨૦૦૦ રૂપિયા પ્રતિદિન ચાર્જ હોય છે. ખાસ કરીને કોઈ પેટ-પેરન્ટ બહાર હોય, ઍક્સિડન્ટ, પોલીસ-કમ્પ્લેઇન્ટ વગેરેનો કેસ હોય તો થોડા વધુ દિવસ રહે છે. કોઈ સ્પેશ્યલ કેસ જેવા કે પોસ્ટમૉર્ટમ હોય ત્યારે પણ લાંબી પ્રકિયા માટે મૉર્ગ હાજર છે. કોઈએ ગાડી ચલાવી દીધી હોય એવા ઍક્સિડન્ટ કેસ, પૉઇઝનિંગ, ઍનિમલ રેપ જેવા કેસ પણ આવે, કોઈના પર ગરમ પાણી ફેંકવામાં આવે છે, ઍસિડ સુધ્ધાં ફેંકાય છે. એવા કેસમાં મૉર્ગનો થોડો વધુ
ઉપયોગ થાય છે જેનું પેમેન્ટ ગાર્ડિયન કે પોલીસ દ્વારા કરવામાં આવે છે. એક વાર બર્નર ચાલુ કરીએ તો એક બૉડી બળે પછી જ બીજી નાખીએ. કોઈ-કોઈ લોકો પંડિત લઈ આવે, પૂજા કરે, પોલીસ-ડૉગને ફાયર રાઉન્ડ આપી સલામી દેવામાં આવે. એવી સિસ્ટમ છે કે દહનથી જે કાર્બન જનરેટ થાય છે એ કાર્બન પાણીમાં ડિસૉલ્વ થાય. એમાંથી એકથી બે ટકા જ બહાર જાય છે.
કાબર્ન ટ્રીટેડ વૉટર હોય એ ATP એટલે કે એડિનોસિન ટ્રાયફૉસ્ફેટ નામના કેમિકલથી ટ્રીટ કરીએ પછી અસ્થિ કલેક્ટ કરે છે. હવામાં સલ્ફર અને કાર્બન કેટલાં જાય છે એ ચેક કરીને ઍર-મૉનિટરિંગ થાય છે. એ રીતે આખું મશીન ઇકો-ફ્રેન્ડ્લી મશીન છે. જોકે આ મશીનને મેઇન્ટેનન્સ માટે એકાદ અઠવાડિયું બંધ કરવું પડે છે. એ રીતે આઠથી દસ બૉડી મૉર્ગમાં જમા થઈ જાય છે. મૉર્ગની કૅપેસિટી ૨૦ નાનામોટા ડૉગ્સ રહી શકે એટલી છે.’
કોરાકેન્દ્ર - રેન્ડરિંગ સેન્ટર
મોટાં જાનવરો માટે અંતિમવિધિની કોઈ પસ્મશાન ફૅસિલિટી હાલમાં ઉપલબ્ધ નથી એવું જણાવતાં ડૉ. મયૂર કહે છે, ‘દેવનારમાં થોડા સમયમાં BMC મોટાં જાનવરો જેવાં કે ગાય, ભેંસ વગેરે માટે સ્મશાનનું પ્લાન કરી રહ્યું છે.’
આ વિશે જણાવતાં ડૉ. પઠાણ કહે છે, ‘કોઈ પણ મોટું જાનવર મરે એટલે BMCમાં ફરિયાદ કરવામાં આવે છે. કોરાકેન્દ્ર ફૅસિલિટી બોરીવલી વેસ્ટના ખાદી ગ્રામોદ્યોગ કમિશન દ્વારા ચલાવવામાં આવે છે. આ કેન્દ્ર દ્વારા મુંબઈના કોઈ પણ ખૂણામાંથી મરેલાં મોટાં જાનવરોને ઉઠાવીને વસઈ બાજુ એમનું રેન્ડરિંગ કરવામાં આવે છે. રેન્ડરિંગ એટલે એવી સુવિધા જેમાં જાનવરોનાં ચામડાં અને ઉપયોગી અંગો કાઢી વધેલા બાયોમાસનો નિકાલ કરવો.’
પેઇડ સર્વિસ માટે
બાઈ સાકરબાઈ દિનશા પેટિટ પેટ ક્રેમેટોરિયમ,
બાઈ સાકરબાઈ દિનશા પેટિટ હૉસ્પિટલ ફૉર ઍનિમલ્સ,
ડૉ. એસ. એસ. રાવ માર્ગ,
ગાંધી હૉસ્પિટલ પાસે,
પરેલ-ઈસ્ટ, મુંબઈ
ફોન – ૦૨૨૨૪૧૩૫૨૮૫
ફ્રી સેવા લેવા માટે
BMC પેટ ક્રેમેટોરિયમ, મલાડ કૅટલ પૉન્ડ કાર્યાલય, એવરશાઇનનગર, લિન્ક રોડ, મલાડ, મુંબઈ www.vhd.mcgm.gov.in પર બુકિંગ કરવું અને ડૉગ લાઇસન્સની અરજી કરવી.
આ સિવાય portal.mcgm.gov. in પર મૃત ડૉગ્સનું લાઇસન્સ કૅન્સલ થઈ શકે છે.