સવારે ઊઠીને દરરોજ પેપર વાંચવાનું, સુડોકુ અને ક્રૉસવર્ડ ભરવાનાં, દિવસમાં બેથી અઢી કલાક આર્ટવર્ક કરવાનું, સાંજે ટૅબ્લેટ પર સૉલિટેર એટલે કે પત્તાંની ગેમ
ઘાટકોપરના ૯૨ વર્ષનાં સુમિત્રા શશીકાંત ખોખાણી
ઘાટકોપરનાં સુમિત્રા ખોખાણીનો ઉત્સાહ જોઈને તમને આશ્ચર્ય થશે કે આ ઉંમરે આટલી એનર્જી તેઓ લાવે છે ક્યાંથી. સવારે ઊઠીને દરરોજ પેપર વાંચવાનું, સુડોકુ અને ક્રૉસવર્ડ ભરવાનાં, દિવસમાં બેથી અઢી કલાક આર્ટવર્ક કરવાનું, સાંજે ટૅબ્લેટ પર સૉલિટેર એટલે કે પત્તાંની ગેમ કે અન્ય ગેમ રમવાની, ટૅબ્લેટ પર જ ભજન અને સત્સંગ કરવાનાં - આ બધાં કામને લીધે બાની યાદશક્તિ યુવાનોને શરમાવે એવી છે
ગુજરાતી પરિવાર પર આધારિત સિરિયલમાં ઘણા લોકો વિચારતા કે બાનું પાત્ર કેમ ચાર પેઢી સુધી ખેંચે છે? એટલા માટે કે એ બહુ વાસ્તવિક હોય છે. ઘાટકોપરના ૯૨ વર્ષનાં સુમિત્રા શશીકાંત ખોખાણી ચોથી પેઢીનાં બાળકોને રમાડી રહ્યાં છે. એ તો ઠીક તેઓ પોતાના પરિવારનાં બધાં બાળકોની પ્રેરણા છે. આ ઉંમરે એટલાં સક્રિય અને જોશીલાં છે કે વિચારવું પડે કે તેમની ઝિંદાદિલીનું રહસ્ય શું છે. મળીએ ૧૯૫૦માં રાજકોટથી લગ્ન કરીને મુંબઈ આવીને વસેલાં બાને અને જાણીએ તેમના જીવનની સફરને.
ADVERTISEMENT
૧૯૩૦ના જમાનાનું બાળપણ
રાજકોટમાં જન્મેલાં અને મોટાં થયેલાં સુમિત્રા ખોખાણી કહે છે, ‘૧૯૩૨માં રાજકોટમાં હું જન્મી. બધાં ભાઈબહેનોમાં હું નાની હતી. પહેલાંના જમાનામાં ઘરના વડીલની વાતને માન્ય રખાતી. મારા દાદાની ઊઠબેસ રાજકોટના રાજાઓ સાથે હતી. ત્યારે એમ લાગતું કે દાદા જુનવાણી વિચારોના હતા પરંતુ હવે એવું લાગે કે બહુ જ આધુનિક વિચારોના હતા. ઘરમાં મમ્મી-પપ્પાને પૂછવાનું ન હોય, જેમ દાદા કહેતા એમ જ થતું. હું એ સમયે મેટ્રિક સુધી ભણી એટલે ત્યારે અગિયારમા ધોરણ સુધી ભણી. એથી ગુજરાતી ભાષા પર મારી ફાવટ બહુ જ સારી છે. એ સિવાય હિન્દી, મરાઠી અને બહુ જ થોડું અંગ્રેજી આવડે છે. મારા સમયમાં મારા ઘર પાસે ગર્લ્સ સ્કૂલ હતી એટલે હું ભણી શકી. સ્કૂલના દિવસો યાદ કરું તો મને મારી રિસેસનો સમય જ યાદ આવે. અમે ભણતાં, ગણતાં અને રિસેસમાં ખૂબ જ ધિંગામસ્તી કરતાં. સ્કૂલનો સમય સવારે અગિયારથી પાંચનો હતો. સ્કૂલમાં પરીક્ષા હોય ત્યારે પણ સ્કૂલમાં બેસીને જ વાંચવાનું, કારણ કે ઘરે કંઈ વંચાય નહીં. મારાં મોટાં ભાઈ-બહેનોને મેં હંમેશાં કોઈક ને કોઈક ક્રીએટિવ કામ કરતાં જોયાં એટલે એમ કહો કે કળા વારસામાં મળી છે. મને નાનપણથી માથું ઓળવાનો, તૈયાર થવાનો અને તૈયાર કરવાનો બહુ જ શોખ હતો. જ્યારે મારું સગપણ નક્કી થયું ત્યારે મારી મમ્મીએ કહ્યું હતું કે હવે તું બધાને તૈયાર કરતી રહેજે, કારણ કે મારે પાંચ નાની નણંદ હતી.’
૧૯૫૦માં રાજકોટથી મુંબઈ
મને મારા જીવનની દરેક વાત યાદ છે એમ જણાવતાં સુમિત્રાબહેન કહે છે, ‘એ સમયે હું અને મારા દાદા મુંબઈમાં છોકરાનું ઘર જોવા આવ્યાં હતાં. એ મારું પહેલું જોણ હતું અને દાદાએ નક્કી કરી દીધું કે અહીં જ લગ્ન થશે. ત્યારે વડીલોની જબાનનું બહુ જ માન હતું. અમે પણ એમ માનતા કે જે થાય તે સારા માટે જ થાય છે. ૧૮ વર્ષે તો મારાં લગ્ન થઈ ગયાં હતાં અને પરિવારમાં હું સૌથી મોટી વહુ હતી. લગ્નના થોડા સમયમાં તો મારા મોટા દીકરાનો જન્મ થઈ ગયો હતો. ત્યારે તો લાજ કાઢવાનો સમય હતો. એ સમયે તો તમારાથી તમારાં બાળકોને પણ ખોળામાં ન લેવાય. ઘરમાં બે હૉલ હતા તો એક હૉલમાં પુરુષો સૂવે અને એક હૉલમાં મહિલાઓ સૂવે. આ સમય જોયા પછી આધુનિક સમય પણ જોયો. ૭૦ના દાયકામાં મારાં સાસુનું અવસાન થયું. હવે મારા સસરા ક્યારેક બીમાર પડે તો અમારે જ સેવા કરવાની. આવી રીતે સમય પહેલાં જ અમારા પરિવારમાં પડદાપ્રથા દૂર થઈ ગઈ હતી. હું પહેલેથી જ મોટા પરિવારમાં રહી છું. મારાં બે દીકરા અને બે દીકરીઓ છે. મારા દીકરાઓને ત્યાં એક દીકરી અને ત્રણ દીકરાઓ છે. એમાંય મારા પૌત્રને ત્યાં પણ દીકરો છે. ઉંમરને કારણે મને તેમના પડવાની બીક લાગે એટલે તેમને ઊંચકતી નથી પણ ખુરસીમાં બેસાડે એટલે હું રમાડ્યા કરું.’
બેથી અઢી કલાક આર્ટવર્ક
બીજાની સેવા કરવાની અને પોતાનામાં ક્ષમતા રાખવાની શીખ પરિવારના દરેક સભ્યને આપતાં સુમિત્રાબહેન કહે છે, ‘મારો પરિવાર બહુ જ મોટો હતો. બાવીસ જણનું રસોડું હું સંભાળતી હતી. એવું ભાગ્યે જ બને કે ઘરે કોઈ મહેમાન ન હોય. આવી દિનચર્યાને કારણે તમને બપોરે સૂવાનો સમય જ ન મળે. કદાચ ક્યારેક બપોરે સમય મળે તો ઊંઘ ન આવે. આવી જ રીતે કદાચ બપોરના સમયનો સદુપયોગ કરવા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું શરૂ થયું હશે. હું કોઈ પણ વસ્તુ જોઉં એટલે કેવી રીતે બનાવવી એની મને કુદરતી રીતે સમજ પડતી; પછી એ આર્ટવર્ક હોય, રસોઈ હોય, પ્લમ્બિંગ હોય કે લાદીમાં સિમેન્ટ પૂરવાની હોય. હું જ ઘરની મેકૅનિક અને ડેકોરેટર બની જતી. ઘરમાં કંકોતરીઓ ભેગી થાય એટલે મારા મનમાં એનો કેવી રીતે ઉપયોગ કરવો એ નક્કી થઈ જ ગયું હોય. આવી રીતે ભગવાનની છબીને શણગારતી, પ્રસંગો અનુસાર પોસ્ટકાર્ડ અને ઓપન કાર્ડ બનાવતી થઈ ગઈ. હું પેપરમાં કોઈ સારી ડિઝાઇન જોઉં કે સારું લખાણ જોઉં તો ડાયરીમાં ઉતારતી જાઉં જેથી મારા પછી મારાં બાળકો આ ડાયરી વાંચીને મને યાદ કરી શકે કે તેમને માર્ગદર્શન મળી શકે. મેં જીવનને માણ્યું છે એટલે જ મારાં બાળકો પણ મને જોઈને ખુશ થઈ જાય છે. જીવનમાં એવો કોઈ વસવસો રહી ગયો હોય એવું મને યાદ નથી.’
ટેક્નૉલૉજીએ પાવરફુલ બનાવ્યાં
વર્ષોથી શિસ્તબદ્ધ જીવન જીવતાં બા ઉંમરને કારણે બધા જ પ્રસંગો કે સત્સંગમાં હાજરી નહોતાં આપી શકતાં. એવામાં પૌત્રએ બાને ટૅબ્લેટ ગિફ્ટ કર્યું અને ટેક્નૉલૉજીને તે યુવાનોની જેમ વાપરતાં થઈ ગયાં. તેઓ કહે છે, ‘પહેલાં મારે મંદિરમાં કે સત્સંગમાં શું થયું એ જાણવા માટે બીજા પર આધાર રાખવો પડતો હતો, પરંતુ ટૅબ્લેટ આવ્યા પછી હું ઘરે બેઠાં જ સત્સંગ કરું છું. એમાંય હવે ઉંમરના હિસાબે ઝીણી વસ્તુ દેખાય નહીં તો આ ટૅબ્લેટમાં મને બધું જ મોટું દેખાય. ઘરે બેઠાં ભગવાન ભજી શકું છું. એ સિવાય ટૅબ્લેટમાં મને ગેમ રમતાં પણ આવડે છે. પત્તાની ગેમ પણ રમી શકું છું. યુટ્યુબ પર સારા વિડિયો હોય તો પરિવારના લોકો સાથે શૅર કરું છું. વૉટ્સઍપને કારણે હું પરિવારના લોકો સાથે જોડાયેલી રહું છું. મારા આમ તો મિત્રો નથી પણ મારાં પૌત્ર અને પૌત્રીઓના મિત્રો મારા મિત્રો છે. એ લોકો મારી સાથે વાતચીત કરતાં હોય છે. મોબાઇલ-ટૅબ્લેટનો નશો નથી, પણ કામ પૂરતું મને વાપરતાં આવડે છે. જે ન આવડે એ લખી રાખું અને મારી પૌત્રી શ્રુતિ કે જે હાજર હોય તેને બોલાવીને શીખી લઉં છું. મને ખાવાનો પણ બહુ જ શોખ છે. હું દેશી, મેક્સિકન, વેજિટેરિયન સુશી જેવી વાનગીઓ પણ માણું છું. ઘૂંટણના કારણે ખટાશવાળું ખાવાનું ટાળું છું. નસીબજોગે મને ઉંમર સિવાય કોઈ રોગ નથી. મારે કામ કરવાની કોઈ જરૂર નથી કારણ કે મારી વહુઓ સમયસર મારી થાળી પીરસે છે અને બધું જ કરે છે. યુવાન રહેવું હોય તો તમારે હાથ-પગ ચલાવતાં રહેવું જોઈએ. મારાથી કસરત નથી થતી તો પણ શરીર જકડાઈ ન જાય એ માટે મારું કામ હું જાતે કરી લઉં છું. બાકી મારા પરિવારનો બહુ જ
સપોર્ટ છે.’
૧૦૫ વર્ષ જૂનો બંગલો છે બાનું ઘર
ઘાટકોપર-ઈસ્ટમાં સ્ટેશનની નજીક આવેલી ખોખાણી લેનમાં અમૃત ભુવનમાં પરિવાર સાથે રહેતાં સુમિત્રા ખોખાણીનું ઘર પણ અજાયબીથી ભરપૂર છે. મિનિમમ ૧૦૫ વર્ષ જૂના હેરિટેજ હોમ જેવા આ બંગલામાં આજે પણ રાજામહારાજા દ્વારા અપાયેલી ભેટ અને એ જમાનાના રાચરચીલા તથા ત્યારનું બંધારણ જોવા મળે છે.
યાદશક્તિ સારી રાખવા આવી પ્રવૃત્તિઓ કરે છે બા
વિજ્ઞાન એવું કહે છે કે યાદશક્તિ મોટી ઉંમરે પણ સારી રાખવા સુડોકુ, પઝલ સૉલ્વ કરવી કાં તો ભાષા શીખવી કાં તો કોઈ પણ નવી સ્કિલ વિકસાવવી. દરેક વાતનો મને શોખ છે એમ જણાવતાં સુમિત્રાબહેન કહે છે, ‘છાપું વાંચવાનું મેં પહેલેથી જ રાખ્યું છે. મને એમ છે કે હું પોતાને સમય સાથે નહીં બદલું તો લોકો મને ઘરડી કહેશે. એટલે સવારે છાપું વાંચું એમાં સુડોકુ અને ક્રૉસવર્ડ પઝલ ભરું. કંઈક સારી વસ્તુના ફોટો હોય તો એનું કટિંગ કરીને ડાયરીમાં લગાવું. વાંચન કરતી રહું છું. મોટા ભાગે ધર્મના લેખ આવે એ વાંચું છું. કંઈક સારું હોય તો મારાં બાળકો સાથે પણ શૅર કરું છું. સાચું કહું તો મેં લીલી વાડી જોઈ લીધી છે. જેણે ચાર પેઢી જોઈ લીધી તેણે લીલી વાડી જોઈ એમ કહેવાય.’

