Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > એક બાર નહીં, દો બાર નહીં; હમ હર બાર યહી દોહરાએંગે સૌગંધ રામ કી ખાતે હૈં, હમ ભારત કો હિન્દુ રાષ્ટ્ર બનાએંગે!

એક બાર નહીં, દો બાર નહીં; હમ હર બાર યહી દોહરાએંગે સૌગંધ રામ કી ખાતે હૈં, હમ ભારત કો હિન્દુ રાષ્ટ્ર બનાએંગે!

Published : 01 September, 2024 07:50 AM | IST | Mumbai
Pravin Solanki | pravin.solanki@mid-day.com

RSSનાં પંચાવનથી વધુ સંગઠનો આજે દેશભરમાં કામ કરી રહ્યાં છે

ફાઇલ તસવીર

માણસ એક રંગ અનેક

ફાઇલ તસવીર


૩૦,૦૦૦થી વધારે સરસ્વતી શિશુ મંદિર દેશભરમાં ચાલે છે જ્યાં બાળકોને પ્રાથમિક શિક્ષણ અપાઈ રહ્યું છે. RSSનું સંગઠન સમાજના દરેક ક્ષેત્રને આવરી રહ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, સેવા ભારતી, RSS મહિલા સંગઠન અને વિદ્યા ભારતી, ભારતીય મજદૂર સંઘ, રાષ્ટ્રીય મુસ્લિમ મંચ, વનવાસી કલ્યાણ આશ્રમ, લઘુ ઉદ્યોગ ભારતીય બિઝનેસમેન, રાષ્ટ્રીય સિખ સંગઠન, વિવેકાનંદ કેન્દ્ર, સ્વદેશી જાગરણ અને અન્ય અનેક ક્ષેત્રે RSS સક્રિય છે


દેશભરમાં ચૂંટણીનો માહોલ ફરી ગરમાયો છે અને જ્યારે-જ્યારે ચૂંટણી આવે છે ત્યારે-ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની ચર્ચા થયા વગર રહેતી નથી. જોકે RSS શું છે એની બહુ ઓછા લોકોને ખબર હશે. વળી ૨૦૨૫માં RSSની સ્થાપનાને ૧૦૦ વર્ષ પૂરાં થવા આવી રહ્યાં છે ત્યારે એનું મહત્ત્વ વધી જાય એ સ્વાભાવિક છે. દુનિયાભરમાં એ સૌથી વિરાટ, મોટામાં મોટું NGO ગણાય છે જેની સ્થાપના આજથી ૧૦૦ વર્ષ પહેલાં દશેરાના દિવસે ડૉ. કેશવ બલિરામ હેડગેવારે નાગપુરમાં કરી હતી. આજે દુનિયામાં RSSનો ડંકો શું કામ વાગી રહ્યો છે, શા માટે આ સંસ્થા જગતભરમાં આટલી મશહૂર બની છે, સંસ્થાની સ્થાપના શું કામ થઈ છે, એનો મુખ્ય ઉદ્દેશ શું હતો વગેરે-વગેરે આપણે સૌથી પહેલાં જાણીએ.



RSSનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે. ડૉ. હેડગેવાર મેડિકલના અભ્યાસ માટે કલકત્તા ગયા. ત્યાં જોગાનુજોગ તેમની મુલાકાત બાળ ગંગાધર તિલક સાથે અનુશાસન સમિતિના માધ્યમ દ્વારા થઈ. આ અનુશાસન સમિતિ શું હતી? આમ જુઓ તો એ બહારથી એક જાતના હેલ્થકૅર સેન્ટરનું સ્વરૂપ હતું; પરંતુ અંદરખાનેથી અંગ્રેજ શાસન વિરુદ્ધ લડવાની તાલીમ આપતું સંગઠન હતું, દેશના યુવાનોને શારીરિક અને માનસિક રીતે તૈયાર કરવાનું કેન્દ્ર હતું. હેડગેવાર પોતે પણ મનમાં માનતા હતા કે દેશના યુવાનો માટે આ તાલીમ ખૂબ જરૂરી છે. વળી એ જ સમયે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે વંદે માતરમની રચના કરીને દેશભરને જાગૃત કરવાનું કામ કર્યું. બંકિમચંદ્ર અનુશાસન સમિતિ સાથે જોડાયેલા હતા.


૧૯૨૧માં આ જ સમયે ગાંધીજીએ શરૂ કરેલી અસહકારની ચળવળ ચરમસીમાએ પહોંચી હતી. ૧૯૨૨માં કલકત્તાના સેશનમાં હેડગેવાર કૉન્ગ્રેસ સાથે જોડાયા તો ખરા, પણ પછી તરત જ તેમને પોતાની ભૂલ સમજાઈ. તેમના ધ્યાનમાં આવ્યું કે ક્યાંક કશુંક ખોટું થઈ રહ્યું છે. તેમને લાગ્યું કે કૉન્ગ્રેસ એની દિશાથી ભટકી રહી છે અને ખિલાફતની ચળવળને કારણે કૉન્ગ્રેસથી અલગ થઈ ગયા.

૧૯૨૫માં હેડગેવારે સંઘની સ્થાપના કરી ત્યારે તેમને સાંભળવા માત્ર પાંચ-પચીસ વ્યક્તિઓ આવતી હતી. પછીથી કરોડો લોકો તેમને સાંભળવા ઉત્સુક બન્યા. બનારસમાં હિન્દુ યુનિવર્સિટી BHUનું મુખ્ય કાર્યાલય બની એટલે એનો વિસ્તાર આગની જેમ ફેલાઈ ગયો.


હેડગેવારે તેમના ભાવિ અનુયાયીઓ માટે ખાસ ધ્યાન રાખીને તૈયારી કરી હતી. બધા અનુયાયીઓ ખૂબ જ શિક્ષિત હતા. મહાદેવરાવ સદાશિવ ગોવાલકર પ્રોફેસર હતા અને ગુરુજી તરીકે ઓળખાતા હતા. પછી આવ્યા મધુકર દત્તાત્રેયજી જેઓ LLB હતા. એ પછી આવ્યા રાજેન્દ્રસિંહજી જેઓ ફિઝિક્સના હેડ હતા. એ પછી સુદર્શનજી આવ્યા જેઓ ટેલિકૉમ એન્જિનિયર હતા અને હાલ સંઘનું જે સંચાલન કરે છે એ છે મોહન ભાગવત.

આ બધા સંચાલકોએ તેમનું સમગ્ર જીવન રાષ્ટ્રને, સંઘને અર્પણ કરી દીધું હતું. તેમનો પરિવાર એટલે માત્ર ને માત્ર સંઘ જ હતો. બધા જ કાર્યકરો અપરિણીત હતા અને રાષ્ટ્રભક્તિ કે દેશભક્તિ તેમની નસેનસમાં વહેતી હતી. RSSનાં પંચાવનથી વધુ સંગઠનો આજે દેશભરમાં કામ કરી રહ્યાં છે જેમાં BJP, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP), સેવા ભારતી, RSS મહિલા સંગઠન અને વિદ્યા ભારતીનો સમાવેશ થાય છે. ૩૦,૦૦૦થી વધારે સરસ્વતી શિશુ મંદિર દેશભરમાં ચાલે છે જ્યાં બાળકોને પ્રાથમિક શિક્ષણ અપાઈ રહ્યું છે. RSSનું સંગઠન સમાજના દરેક ક્ષેત્રને આવરી રહ્યું છે. ભારતીય મજદૂર સંઘ, રાષ્ટ્રીય મુસ્લિમ મંચ, વનવાસી કલ્યાણ આશ્રમ, લઘુ ઉદ્યોગ ભારતીય બિઝનેસમેન, રાષ્ટ્રીય સિખ સંગઠન, વિવેકાનંદ કેન્દ્ર, સ્વદેશી જાગરણ અને અન્ય અનેક ક્ષેત્રે RSS સક્રિય છે. માત્ર દેશભરમાં જ નહીં, દુનિયાભરમાં એનાં સંગઠનો કામ કરી રહ્યાં છે. સંઘનું મુખ્ય ધ્યેય ભારતની એકતા અને અખંડિતતા જાળવી રાખવાનું છે; હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિ, સનાતન ધર્મના પ્રચાર અને પ્રસાર માટે તન, મન અને ધનથી સેવા કરવાનું છે. મૂળભૂત રીતે તો RSSનું સંગઠન જન સંઘ તરીકે ઓળખાતું હતું ત્યારે એના કાર્યકરોની શિસ્તબદ્ધતા અને લોકકલ્યાણનાં કાર્યોથી આમ જનતામાં ખૂબ જ લોકપ્રિયતા પામ્યું હતું. દેશભરમાં ક્યાંય કુદરતી કે માનવસર્જિત આફત જેવી કે ભૂકંપ, પૂર, અતિવૃષ્ટિ, માનવસર્જિત હોનારત, આગ, હિમપ્રપાત કે કોઈ પણ આફત સમયે RSSના કાર્યકરો સ્વયંભૂ રીતે ઘટનાસ્થળે દોડીને મદદ માટે જતા હોય છે.

આમ છતાં RSS માટે લોકોમાં ઘણીબધી ગેરસમજણ અને ગેરમાન્યતા ઘર કરી ગઈ છે જેને કારણે ભૂતકાળમાં આ સંગઠન પર સરકારે પ્રતિબંધ લાદવો પડ્યો હતો. RSS એટલે મુસ્લિમવિરોધી સંગઠન, RSS એટલે કટ્ટર હિન્દુતરફી સંગઠન, RSS એટલે અશિક્ષિત કાર્યકરોનું ઝનૂની સંગઠન, RSS એટલે મહાત્મા ગાંધીના ખૂનનું કાવતરું કરનારું સંગઠન વગેરે-વગેરે અનેક અપ્રચારનો એ ભોગ બન્યું હતું; પરંતુ સમય જતાં એ ગેરસમજણ ધીમે-ધીમે દૂર પણ થતી ગઈ હતી.

RSSના સંગઠનની તાકાત, એની કાર્યદક્ષતા, પ્રામાણિક નિષ્ઠાનો મને જાતઅનુભવ છે. બે-ત્રણ પ્રસંગોમાં RSSના રાષ્ટ્રીય સંમેલનમાં મને હાજર રહેવાનું આમંત્રણ મળ્યું હતું. ઘાટકોપરના જામસાહેબ તેમ જ ઉપાધ્યાય વગેરે કાર્યકરોએ તેમની કાર્યપદ્ધતિની સમજણ આપી ત્યારે હું દંગ થઈ ગયો હતો. ખાસ કરીને મને પહેલી વાર પ્રતીતિ થઈ હતી કે માત્ર દેશભરના ખૂણે-ખૂણે જ નહીં, પરદેશમાં પણ RSSનું સંગઠન સક્રિય રીતે કાર્યરત છે એટલું જ નહીં; મને પહેલી વાર ખબર પડી કે આ સંગઠનની તાકાત રાજકીય ઊથલપાથલ સર્જી શકે એમ છે.

જોકે યુવાનીના સમયથી હું કૉન્ગ્રેસમાં સક્રિય કાર્યકર રહ્યો હતો અને યુવા કૉન્ગ્રેસના કેટલાક હોદ્દાઓ પણ સંભાળ્યા હતા. મોરારજી દેસાઈથી માંડી સ. કા. પાટીલ, કે. કે. શાહ, ભાનુશંકર યાજ્ઞિક, ઇન્દ્રવદન ઓઝા, પ્રાણલાલ વોરા, શાંતિલાલ શાહ જેવા અનેક નેતાઓ સાથે નજીકથી કામ કરવાનો અવસર મળ્યો હતો. જોકે સમય જતાં રાજકારણ મને કઠવા લાગ્યું, સાહિત્ય માટે રુચિ વધવા લાગી અને મારા સમગ્ર વ્યક્તિત્વમાં ધરમૂળથી ફેરફાર થયો. જોકે એક વાતથી હું ચોક્કસ રીતે પ્રભાવિત થયો હતો કે RSSના કાર્યકરોમાં દેશદાઝ માટેનું ઝનૂન અલગ જ હતું જે મને ગોવાની સ્વતંત્રતા વખતે જોવા મળ્યું.

૧૯૫૪ની બીજી ઑગસ્ટનો દિવસ આજે પણ મને યાદ છે. ત્યારે મારી ઉંમર ૧૪-૧૫ વર્ષની હતી. RSSના સ્વયંસેવકોએ એ દિવસે સિલ્વાસામાં પોર્ટુગલનો ઝંડો ઉતારીને ભારતીય તિરંગો લહેરાવ્યો હતો અને દાદરા નગર હવેલીનો કબજો ભારત સરકારને સોંપ્યો હતો. વળી એ જ રીતે ૧૯૬૧માં જગન્નાથ જોશીના નેતૃત્વ હેઠળ RSSના હજારો સ્વયંસેવકો ગોવાને સ્વતંત્ર કરવા પહોંચી ગયા હતા જેમાં મારા મિત્ર વસંત પુજારા પણ સામેલ હતા. હું પણ એમાં સામેલ થવાનો હતો, પણ મારા પિતાની તબિયતને કારણે અટકી જવું પડ્યું હતું. મારા પિતાને કૅન્સર થયું હોવાનું નિદાન થયું હતું અને એ જ વર્ષે તેમનું અવસાન થયું.

ખેર, RSS વિશે એક નહીં, બે-ચાર પુસ્તકો લખી શકાય; પણ સ્થળસંકોચને કારણે સંક્ષિપ્તમાં એનો પરિચય આપવાનો પ્રયાસ કર્યો છે.

સમાપન
મૈં શુક્રગુઝાર હૂં ઉન તમામ લોગોં કા 
જિન્હોંને બુરે વક્ત મેં મેરા સાથ છોડ દિયા 
ક્યોંકિ ઉનકો ભરોસા થા કિ મૈં 
મુસીબતોં સે અકેલા નિપટ સકતા હૂં
(નરેન્દ્ર મોદી) 

 

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

01 September, 2024 07:50 AM IST | Mumbai | Pravin Solanki

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK