‘તું લખતાં-વાંચતાં શીખી છે, કજરી? મારા દાદાજી કહેતા કે શિક્ષણ વિના સ્ત્રી-પુરુષ બન્ને અધૂરાં.’
વાર્તા-સપ્તાહ
હૅન્ગિંગ બ્રિજ (પ્રકરણ ૧)
આ...હ!
તેના ચિત્કારમાં પીડાનો આનંદ હતો. પોતાના પર છવાયેલા અખિલના બેરહેમ આક્રમણની આદત હતી કજરીને.
વલસાડના ધરમપુરને અડીને આવેલા સુખવા ગામના પાદરે રોકડિયા મજદૂરોની છૂટીછવાઈ દોઢસો-બસો જણની વસ્તી હતી. તેમની બોલી, તેમના રીતરિવાજ પણ થોડાં નોખાં. મોટા ભાગે સિવિલના કૉન્ટ્રૅક્ટર તેમને હાયર કરતા હોય અને ધરમપુરમાં ડેવલપમેન્ટના મોટા ભાગના કૉન્ટ્રૅક્ટ આધેડ વયના કાલિદાસ મહેશ્વરીના હસ્તક છે. વલસાડમાં મોટી ઑફિસ છે, સ્કિલ્ડ કર્મચારીગણ છે. તેમના કરોડોના કારોબારના પાયામાં જોકે સાઇટ પરના મુકાદમો, મજદૂરો છે.
કજરીની વસ્તીવાળાને આ મુકાદમો જ તેડી જતા. કોઈ તળાવ ખોદવાના કામે જાય, કોઈ વળી ફ્લાયઓવરના બાંધકામમાં જોતરાય. આઠ કલાકની પાળી ને રોજેરોજનો હિસાબ. આવી આ વસ્તીમાં માવતરના દેહાંત પછી કજરી એકલી હતી. વીસની થયેલી કજરી રૂપની દોલતથી અજાણી નહોતી. ચોખ્ખાં રહેવું તેને ગમતું ને સાજશણગારથી ખુદને નિખારતી પણ ખરી. બીજી બાઈઓની જેમ બીડી-દારૂની આદત નહીં. કામચોરીમાં માનતી નહીં. ટપોરી આશિક સામે વીફરેલી વાઘણના તેવર દાખવતી કજરીની મરજી વિરુદ્ધ છેડવાની કોઈની હામ નહોતી.
કોઈનેય ભાવ ન આપનારી કજરી અખિલ સામે હૈયું હારી. બે-એક વરસ અગાઉ કાલિદાસ શેઠની કંપનીમાં મુકાદમ તરીકે જોડાયેલો પચીસેક વરસનો અખિલ દેખાવડો હતો. ખાસ તો બાઈઓને ગંદી નજરથી જોવાની વૃત્તિ જ નહીં, એ ગુણ કજરીને વધુ ગમ્યો. મોરબીથી નોકરી કાજે ધરમપુર વસેલો જુવાન ગોગલ્સ ચડાવી બાઇક પર આવે ત્યારે ફિલ્મી હીરો જેવો રૂડો લાગે. તેની સાથે નજર ટકરાતી, તે મીઠું હસતો ને કજરીનો કંચુકીબંધ તંગ થઈ જતો. રિસેસમાં થોડી અળગી બેઠેલી કજરીની બાજુમાં બેસી ભાથામાંથી રોટલો ખાવાય માંડે - કોઈના રોટલામાં તારા જેવો સ્વાદ નથી, હોં કજરી!
ADVERTISEMENT
સાથે ભાથું ખાતા અખિલ જોડે હૈયાના તાર સંધાતા ગયા.
‘તું લખતાં-વાંચતાં શીખી છે, કજરી? મારા દાદાજી કહેતા કે શિક્ષણ વિના સ્ત્રી-પુરુષ બન્ને અધૂરાં.’
અખિલની વાતોમાં દાદાજીનો ઉલ્લેખ હોવાનો જ.
‘વહાલના વડલા જેવા હતા મારા વલ્લભનાથ દાદાજી...’ મૃત દાદાને સંભારતાં ક્યારેક અખિલનું દર્દ છલકાતું. ‘મોરબીમાં શિક્ષક તરીકે તેમની શાખ. મારા પિતા દયાનંદભાઈ પણ પ્રાથમિક શાળાના શિક્ષક. વિદ્યાર્થીઓને ટ્યુશન્સ દઈ બે પાંદડે થતાં તેમને આવડ્યું નહીં. દાદીને તો મેં જોયાં નથી, પણ મારી નંદિનીમા મૂલ્યોમાં માનનારી ને સાદગીને વરેલી. ભણવામાં તો હુંય હોશિયાર હતો... દાદાજીને બહુ હોંશ કે હું ડૉક્ટર કે વકીલ બનું... પણ-’ અખિલ ઉદાસ બનતો.
‘પણ દાદાને કૅન્સર નીકળ્યું. મારે કોઈ પણ ભોગે દાદાને બચાવવા હતા, એટલે ટ્વેલ્થમાં હોવા છતાં સ્કૂલ છોડી સુપરવાઇઝરની નોકરીમાં ગોઠવાયો... એથી જોકે દળદળ ફીટવાનું નહોતું. દાદા માટે અમે ખાસ કંઈ કરી ન શક્યા... બસ, ત્યારથી ગાંઠ વાળી છે કે ખૂબ કમાવું છે. મારાં મા-બાપને તો ધર્માદાના દવાખાનામાં દમ નહીં જ તોડવા દઉં. અહીં પગાર ડબલ થતો તો એટલે તો ઘરથી દૂર આવ્યો છું...’
એનું દર્દ કજરીના હૈયે તીર જેવું ચૂભતું. શું કામ! અખિલ તેનું અંગત મારી સાથે જ વહેંચે છે, મને જ અક્ષરજ્ઞાન આપવા મથે છે - શું કામ!
સ્ત્રીના રુદિયાને આના જવાબની સૂઝ હોય જ. આગળ વધવા તેણે કોઈને પૂછવાનું નહોતું. વરસાદની એક સાંજે તેણે અખિલને દાવત માટે ઝૂંપડે બોલાવ્યો ને મદભર્યા એકાંતમાં કજરી તેને જુદા જ પ્રદેશમાં તાણી ગઈ...
સવારે અખિલ ક્ષુબ્ધ હતો - કજરી, માફ કરજે, રાત્રે હું...
‘સુખ વરસાવ્યાની માફી ન હોય, અખિલ... જે થયું એને પાપ ન માનશો. મનથી હું તમને વરી ચૂકી છું, અમારા સમાજમાં એ જ લગ્ન.’
‘લ...ગ્ન!’ અખિલ સહેજ ફિક્કો પડેલો. કજરી તેને ગમતી, તેને ભણાવતો, તેના જ હાથના રોટલા ખાતો એ પ્યાર નહીં તો બીજું શું? પણ લગ્ન? મોરબી રહેતાં મા-બાપ જાણશે તો શું કહેશે? તું ક્ષત્રિયનો દીકરો, તને પરણવા એક મજૂરણ જ મળી?
‘જાણું છું, અખિલ, હું ગમાર તમારા જેવા શહેરના સુધરેલા ઘરની વહુ નહીં બની શકું... મારા તરફથી તમને કોઈ બંધન નહીં.’
અખિલ આભો બન્યો.
‘તો મારો પણ એક કૉલ સાંભળી લે, કજરી. મારાં માવતરને મનાવતાં કદાચ વાર લાગે, પણ પરણીશ તો તને જ.’
બસ, ત્યારથી અઠવાડિયે બે-ત્રણ રાત અખિલ કજરીને ખોરડે ગાળે એવો શિરસ્તો બની ગયો હતો. વસ્તીમાં આની નવાઈ નહોતી, અને કૂથલી કરવા કજરી સામે તો કોની જીભ ઊપડે! અખિલ-કજરી દિવસભર સાથે રહેતાં તોય તેમની વાત ખૂટતી નહીં.
‘અખિલ, આપણા પેલા ઝૂલતા પુલના સમારકામનું કંઈક ગોઠવોને.’
સુખવા ગામથી ધરમપુર દસેક કિલોમીટર દૂર અને રસ્તામાં માન અને તાન નદી ઓળંગવી પડે. ધરમપુરનું કુદરતી સૌંદર્ય માણવાલાયક છે અને માન નદી પરનો દોઢસો વર્ષ જૂનો હૅન્ગિંગ બ્રિજ સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર છે. સામસામે ઊંચી ટેકરીઓ પર શોભતી વનરાજી, વચ્ચે વહેતી નદી પર ઝૂલતો પુલ જોવા ખાસ તો વીકએન્ડમાં વલસાડ-વાપીથી ઘણા સહેલાણીઓ ઊમટી પડે છે.
અલબત્ત, વરસો જૂનો પુલ હવે રિપેરિંગ અને રિનોવેશન માગે છે. પુલ પરથી અવરજવર માટે કોઈ ચાર્જ વસૂલાતો નથી, પછી પાલિકાને એના રિપેરિંગમા શું રસ હોય?
‘તારા ઝૂલતા પુલનું કામ એક-બે વીકમાં પાટે ચડશે એવું લાગે છે.’ હજુ ચાર દિવસ અગાઉ જ અખિલે કહેલું, ‘અમારી ઑફિસમાંથી વાત આવી છે. મૂળ ધરમપુરના પણ વરસોથી મુંબઈ સ્થાયી થયેલા વેપારી ત્રિભુવનભાઈ મહેતા તેમની કંપનીના પચાસમા વર્ષ નિમિત્તે વતનમાં સખાવતી કામ કરવા માગે છે, ઝૂલતા પુલની કાયાપલટ પણ તેમના પ્રસ્તાવમાં સામેલ છે. તું કદાચ નહીં જાણતી હો, પણ અમારા મોરબીમાં પણ મચ્છુ નદી પર આવો જ ઝૂલતો પુલ છે.’
અચંબિત થતી કજરીના હોઠો પર હોઠ મૂકી અખિલ કજરી પર છવાઈ જતો.
અત્યારે પણ એની કસકે કજરીએ પોતાના પર છવાયેલા અખિલને ભીંસ્યો....
ગુરુની રાત્રિના પ્રહર એમ જ વીતતા ગયા. શુક્રની સવારે નાવણિયામાં નાહી તૈયાર થતાં અખિલ ગંભીર બન્યો, ‘આજે ત્રણ દિવસ માટે મોરબી જાઉં છું. કાલે દાદાજીની પુણ્યતિથિ છે. એ બહાને મમ્મીના કાને તારી વાત નાખતો આવું.’
કજરીનું હૈયું ધડકી ગયું. તેમની પ્રેમકહાણીમાં આગળ શું થવાનું એની ક્યાં ખબર હતી?
lll
‘મારા ખ્યાલથી ધરમપુરના પ્રોજેક્ટ તું જ સંભાળી લે, અક્ષત.’
નરીમાન પૉઇન્ટ ખાતે મહેતા ઍન્ડ કંપનીના સર્વેસર્વા ત્રિભુવનભાઈએ તેમની કૅબિનમાં પ્રસ્તાવ મૂકતાં અક્ષતે અદબથી હામી ભણી, ‘જી, દાદાજી.’
ઊગતી જવાનીમાં વતન ધરમપુરથી મુંબઈ આવેલા ત્રિભુવનભાઈએ આપબળે કરોડોનો કારોબાર જમાવ્યો હતો. સાતેક વર્ષ અગાઉ, આઇઆઇટી પાસ અક્ષત વીરાણી કૅમ્પસ ઇન્ટરવ્યુ થકી માંડ બાવીસની ઉંમરે કંપનીમાં જોડાયો, બે-ત્રણ અટવાયેલા પ્રોજેક્ટસને સ્ટ્રીમ લાઇન કરી તે ત્રિભુવન શેઠની નજરમાં આવી ગયો. ઝવેરીએ હીરો પારખી લીધો. પછી તો સડસડાટ પ્રગતિનાં સોપાન સર કરતો અક્ષત ચોથા વરસે તો કંપનીનો બોર્ડ મેમ્બર હતો.
એના બીજા વરસે કરુણ ઘટના ઘટી. શેઠજીનાં દીકરા-વહુ પ્લેન-ક્રૅશમાં મૃત્યુ પામ્યાં. ઇમોશનલ ઇમર્જન્સીના એ ગાળામાં અક્ષતે બિઝનેસ પણ સંભાળ્યો અને શેઠજીના પરિવારને પણ.
પરિવારમાં તો ખરેખર, શેઠજી ને તેમનાં પૌત્રી જ રહ્યાં હતાં. અક્ષત રોજ શેઠજીના મરીનડ્રાઇવના બંગલે જતો. વરંડાની બેઠકે ત્રિભુવનભાઈ સાથે ગોઠવાઈ બિઝનેસના અપડેટ્સ આપવા ઉપરાંત અલકમલકની વાતો માંડી તેમનો આઘાત હળવો કરવા મથતો. દાદા સાથે અનન્યા તો હોય જ.
ત્યારે અઢારની અનન્યા કૉલેજના પહેલાં વર્ષમાં હતી. અત્યંત રૂપાળી, મેધાવી કન્યા સાવ અપરિચિત નહોતી અક્ષત માટે. શેઠજીના ઘરે તેનો આવરોજાવરો ભલે ઓછો, પણ રહેતો. અનન્યા પણ તેની સાથે કમ્ફર્ટેબલ મહેસૂસ કરતી. માતા-પિતાના અણધાર્યા અવસાને તેના સૌંદર્ય પર ઉદાસીનું આવરણ ચડી ગયું છે. અક્ષત એને વીંધવા કટિબદ્ધ હતો. દાદા-પૌત્રી સાથે કૅરમ, સાપસીડીની રમતો પણ રમતો. અનન્યાની જેમ શેઠજીને દાદાજી કહી બેસતો, પછી સુધારવા જતો તો ત્રિભુવનભાઈ વારતા - તારો તો હક છે મને દાદાજી કહેવાનો!
તેના પ્રયાસ ફળ્યા. ત્રિભુવનભાઈ-અનન્યામાં જીવવાનો ધબકારો પ્રસર્યો. જીવન પૂર્વવત્ બન્યું.
‘તમે તો મને સાવ ભૂલી જ ગયા.’
દાદાજી ઑફિસ આવતા થયા પછી સ્વાભાવિકપણે અક્ષતે અગત્યના કામ સિવાય ઘરે જવાનું રહેતું નહીં. આવી જ એક મુલાકાતમાં તેને આંતરી અનન્યાએ રીસ દાખવી હતી - તમને બસ વેપારની, દાદાજીની જ પરવા છે... હું તમારી કોણ!
હોઠે આવેલો જવાબ અક્ષતથી અપાયો નહોતો.
વીસની થયેલી અનન્યા નાદાન, નાસમજ નહોતી. અંગે પુરબહાર યૌવન હતું, હૃદય અક્ષતના નામે ધડકી ઊઠે એ ઊર્મિ માણવી ગમે એવી એ અવસ્થા. અમારામાં ધબકાર પ્રેરતા અક્ષતની છબી હૈયાસોંસરવી ઊતરી ગયેલી. અનન્યાની રીસમાં તેનો હૈયાભાવ અક્ષતને પરખાયો, અનન્યા માટે તેની લાગણીયે ક્યાં જુદી હતી? લતાનાં ગીતોથી બિઝનેસના ફોરમ સુધી તેમની પસંદ મેળ ખાતી હતી. એકના એક દીકરાને પરણાવવા માટે અધીરી બનેલી સાવિત્રીમા લગ્નનો વિષય ખોળે કે અક્ષુને અનન્યા જ સાંભરી જતી. છતાં સ્વભાવગત પરિપક્વતા તેને રોકતી.
એલઆઇસીમાં જનરલ મૅનેજરનું પદ સંભાળતા પિતા દિનકરભાઈ સ્થિતિપાત્ર હતા, પદવી-પ્રતિષ્ઠા પણ ચારમાં પુછાય એવાં. સાવિત્રીમા સોશ્યલ વેલફેરના કામકાજમાં ઍક્ટિવ. મલબાર હિલના લક્ઝુરિયસ ફ્લૅટમાં દરેક સુખસુવિધા છે, વતન વલસાડમાં જમીન છે, ઘર છે... અને છતાં ત્રિભુવનદાદા સામે અમારો પનો ટૂંકો જ ગણાય. મને હંમેશાં ઘરનો જ માણસ ગણ્યો છે દાદાજીએ; પણ જ્યારે પૌત્રીનાં લગ્નની વાત આવે ત્યારે તેમની અબળખા તો પિયરથી મોંઘેરું સાસરું શોધવાનું જ હોયને.
આ બધું વિચારી એ પ્રણયની કૂંપળને સૌથી છૂપી છાની રાખતો. હું તમારી કોણ! એવા અનન્યાના સવાલ સામે હસીને કહેતો - ‘મારાં ફ્યુચરનાં બૉસ!’
અનન્યા ઝંખવાતી. તેની આંખો પૂછતી - શું આપણી વચ્ચે માલિક-નોકરનો જ સંબંધ રહેવાનો?
અક્ષત નજર વાળી લેતો, વાતનો વિષય પલટી નાખતો.
‘અક્ષત, શ્રીરામ ઑર્ગેનિક્સવાળા નલિનભાઈ ઝવેરી વિશે તારું શું માનવું છે?’
દસેક મહિના અગાઉ, અક્ષતને પોતાની કૅબિનમાં તેડાવી ત્રિભુવનભાઈએ પૂછતાં અક્ષતે ઉત્સાહભેર બજારમાં તેમની શાખનો પૉઝિટિવ રિપોર્ટ આપી દીધો : કેમિકલ્સના ફીલ્ડમાં ઝંપલાવવા કોઈ સાથે ટાઇ-અપ કરવાનું વિચારતા હો દાદાજી તો શ્રીરામ એકદમ પર્ફેક્ટ ચૉઇસ છે.
‘હું જુદો જ સંબંધ જોડવા માગું છું, અક્ષત... નલિનભાઈને તારી જ ઉંમરનો દીકરો છે – મલ્હાર,’ ત્રિભુવનભાઈ મર્માળુ મલક્યા, ‘રૂડોરૂપાળો છે, પિતાના વેપારમાં ઘડાતો જાય છે. અનન્યા માટે તે કેવો રહે?’
હેં. અક્ષત બઘવાયેલો.. શાણપણની પાળ તોડી દાદાજીને કહેવું હતું કે અનન્યાને હું ચાહું છું, તે મને! આમાં તમે મલ્હારને વચ્ચે ક્યાં લાવ્યા!
પણ જીભ ન ઊપડી. આમ જુઓ તો ઝવેરીકુટુંબ અનન્યાના મોભારૂપ ગણાય!
‘નલિનભાઈએ મને બે-ત્રણ વાર આ વિષયમાં પૂછ્યું... વિચારું છું, બે મહિના પછી અનન્યાનો એકવીસમો બર્થડે આવે છે, એની પાર્ટીમાં મલ્હારને ખાસ નિમંત્રણ પાઠવું. ગ્રૅજ્યુએશન પછી અનન્યા પણ ઑફિસમાં જોડાવાની છે. એકાદ-બે પ્રોજેક્ટ્સ ઝવેરી સાથે કૉલેબ્રેશનમાં કરીએ જેથી તેમનો રેપો કેળવાય તો જ અનન્યા જીવનસાથી તરીકે મલ્હારને મૂલવી શકે. તેની હા થાય પછી જ ઝવેરીશેઠનું માગું સ્વીકારાય..’
અનન્યાની બર્થ-ડે પાર્ટી નિમિત્તે પહેલી વાર શેઠજીના બંગલે આવેલા મલ્હારે બહુ ઝડપભેર અનન્યા સાથે મેળ જમાવી દીધો. અત્યંત દેખાવડા મલ્હાર સાથે અનન્યાને ભાળી અક્ષતને જલન થતી, પણ પ્રગટપણે કશું દાખવતો નહીં. અનન્યા હવે રેગ્યુલર ઑફિસ આવતી, તે અક્ષતની કંપની ઝંખતી ને પ્રોજેક્ટના બહાને ટપકી પડતા મલ્હારથી તેમનું બૉન્ડિંગ છાનું ન રહેતું.
પ્રગટપણે ત્રણમાંથી કોઈ આ વિષયમાં ખૂલીને બોલતું નહીં, પણ અદૃશ્ય એવા એ સમીકરણથી ત્રણે સરખેસરખાં વાકેફ હતાં. એટલે પણ મલ્હાર માટે અનન્યા પડકારરૂપ બની ગઈ. મલ્હાર વ્યસની કે વિષયી નહોતો, પણ અમીરીનો ઍટિટ્યુડ ખરો. અક્ષત જેવાને તો મગતરાની જેમ મસળીને અનન્યાને પામવી જોઈએ, એવું ઝનૂન વળ ખાતું.
આવામાં કંપનીની ગોલ્ડન જ્યુબિલી નિમિત્તે ત્રિભુવનભાઈને વતનમાં સખાવતની ઇચ્છા થઈ, અને અત્યારે, ફાઇનલ થયેલા ત્રણે પ્રોજેક્ટ અક્ષતને સોંપ્યા એથી અનન્યા મલકી અને એ સ્મિત પડખે બેઠેલા મલ્હારથી જીરવાયું નહીં : તારા દાદાએ અક્ષત પર કળશ ઢોળ્યો એથી અત્યારે તું ભલે હરખાય, અનન્યા, બટ આઇ વિલ મેક શ્યૉર કે ધરમપુરનો પ્રોજેક્ટ સક્સેસ નહીં જાય, અને અક્ષતની એ નિષ્ફળતા તેને તારાથી દૂર કરી મને તારી નજીક આણી દેવાની!
વેઇટ ઍન્ડ વૉચ!
વધુ આવતી કાલે