અગાઉ ઑલરેડી એક વાર ઘરમાં આવી ગયેલો પાટીલ ઘરની જ્યૉગ્રાફીથી વાકેફ હતો એટલે જેવો અવાજ આવ્યો કે તરત તે મેઇન ગેટથી ત્રણ ફુટ જ દૂર આવેલા કિચનમાં એન્ટર થઈ ગયો.
ઇલસ્ટ્રેશન
ફ્લૅટમાં પાટીલ દાખલ થયો ત્યારે તેણે પહેલી તકેદારી એ રાખી હતી કે દરવાજાનો સહેજ પણ અવાજ ન આવે. એમ છતાં લૉકે પોતાનું કામ કર્યું અને બીજી જ સેકન્ડે રૂમમાંથી કિંજલનો અવાજ આવ્યો.
‘કોણ છે?’
ADVERTISEMENT
અગાઉ ઑલરેડી એક વાર ઘરમાં આવી ગયેલો પાટીલ ઘરની જ્યૉગ્રાફીથી વાકેફ હતો એટલે જેવો અવાજ આવ્યો કે તરત તે મેઇન ગેટથી ત્રણ ફુટ જ દૂર આવેલા કિચનમાં એન્ટર થઈ ગયો.
પાટીલને ખાતરી હતી કે અવાજના આધારે કિંજલ બહાર જોવા આવશે. પાટીલની ખાતરી સાચી હતી. જવાબ મળ્યો નહીં એટલે કિંજલ રૂમમાંથી બહાર આવી અને મેઇન ડોર ચેક કરી આવી. મેઇન ડોર ખુલ્લો હતો. કિંજલ એક મિનિટ માટે મેઇન ડોર પાસે જ ઊભી રહી. તેણે યાદ કર્યું કે મેઇન ડોર તેણે બરાબર બંધ કર્યો હતો અને એ પછી પણ અત્યારે એનું લૉક ખુલ્લું હતું.
એવું કેવી રીતે બને?
ક્ષણવાર માટે કિંજલના મનમાં વિચાર આવી ગયો, પણ એ વિચારને મનમાંથી દૂર કરીને તેણે ફરીથી દરવાજો લૉક કર્યો અને રૂમમાં જવા ઊલટી ફરી, પણ જેવી તે ફરી કે બીજી જ ક્ષણે તેની ગરદન પર હાથ આવ્યો. કિંજલ હેબતાઈ ગઈ હતી. પીઠ પાછળ કોણ છે અને કયા ઇરાદે તેણે હુમલો કર્યો છે એ તેને સમજાય એ પહેલાં તો કિંજલના ગળા પર ધીમી ધારે ચાકુ ફર્યું અને તેના ગળામાંથી લોહીની ધાર શરૂ થઈ.
મરઘાં કાપવાનું કસાઈ વાપરે એવું ધારદાર ચાકુ ફેરવનારાએ કિંજલને હવે પીઠ પાછળથી ધક્કો માર્યો અને કિંજલ હૉલમાં આવેલા સોફા તરફ ધકેલાઈ.
ગળામાં લાગેલા ઘામાંથી લોહી વહેવા માંડ્યું હતું, જેની કિંજલને પણ ખબર હતી. સોફા પર ફસડાઈ પડેલી કિંજલે ગળા પર હાથ રાખ્યો અને હુમલો કરનારા સામે તેણે નજર કરી, પણ હુમલાખોરને તે જોઈ શકે એ પહેલાં તો તેના પર ફરી હુમલો થયો અને હુમલાખોરે કિંજલના પેટમાં ચાકુ હુલાવી દીધું. અંદર ગયેલું એ ચાકુ કિંજલનાં આંતરડાં સાથે બહાર આવ્યું.
કિંજલને ચીસ પાડવી હતી. તેના આખા શરીરમાં જાણે કે કોઈએ લાવારસ ભરી દીધો હોય એવી તેને લાય ઊપડતી હતી, પણ તેના ગળામાંથી અવાજ નહોતો નીકળતો અને એ જ ઇન્સ્પેક્ટર પાટીલની ખૂબી હતી. ગળે કરવામાં આવેલા ઘાનો હેતુ શ્વાસનળી કાપવાનો નહીં, પણ સ્વરપેટી ચીરી નાખવાનો હતો જેથી તે ચીસ પાડીને કે બૂમાબૂમ કરીને આજુબાજુના કોઈને એકઠા કરી ન શકે.
કિંજલે ઊભા થવાની કોશિશ કરી, પણ તેના શરીરમાંથી એનર્જી ઓસરી ગઈ હતી. મહામહેનતે કિંજલે મસ્તક ઊંચું કર્યું, પણ જેવું તેણે મસ્તક ઊંચું કર્યું કે બીજી જ ક્ષણે તેના શરીરની રહીસહી તાકાત પણ ઓસરી ગઈ અને કિંજલનું માથું જમીન પર જોરથી અફડાયું.
કિંજલની આંખો હજી ખુલ્લી હતી.
ખુલ્લી આંખોમાં તેને સામે ઊભેલી વ્યક્તિનું ધૂંધળું પ્રતિબિંબ પ્રસરતું હતું.
તે વ્યક્તિને કોઈ ઉતાવળ ન હોય એમ તે ધીમી ચાલે કિંજલ પાસે આવતી હતી.
કિંજલની આંખોમાં અંધકાર પથરાતો જતો હતો. તે સમજી ગઈ હતી કે હવેનો ઘા તેના માટે જીવલેણ પુરવાર થવાનો છે; પણ તે લાચાર હતી, કશું કરવાની તેનામાં હામ રહી નહોતી.
બંધ આંખે કિંજલ છેલ્લા વારની રાહ જોતી મોતનો ઇન્તેજાર કરવા લાગી, પણ આ શું? સમય કેમ લંબાતો જતો હોય એવું લાગે છે? શું હુમલાખોર તેને આ જ અવસ્થામાં છોડીને નીકળી ગયો કે પછી...
કિંજલે મહામુશ્કેલીએ આંખ ખોલી.
શરૂઆતના અંધકાર પછી આંખોમાં આવેલી આછીસરખી રોશની વચ્ચે કિંજલે જોયું કે હુમલો કરનારો શખ્સ ફોન મોબાઇલ પર કોઈ સાથે વાત કરતો હતો.
કિંજલના કાને તેના શબ્દો અથડાયા.
‘જીવ નીકળી જાય ત્યાં સુધી રોકાવાનું છે?’
સામેથી જે જવાબ આવ્યો એ તો કિંજલને સંભળાયો નહીં, પણ તેણે જોયું કે મોબાઇલ ચાલુ રાખીને જ તે માણસ ફરી કિંજલની નજીક આવ્યો અને પછી તેણે મોબાઇલ કટ કરી ફરીથી ફોનમાં જ આંકડાબાજીઓ શરૂ કરી. આ આખી પ્રક્રિયા દરમ્યાન કિંજલની આંખો ખુલ્લી હતી, પણ તે માણસને એનાથી કોઈ ફરક પડતો નહોતો.
કિંજલ તે ચહેરાને ઓળખવાની કોશિશ કરતી હતી, પણ એ પરિચિત ચહેરો નહોતો એટલી તેને અંતિમ ક્ષણોમાં ખાતરી થઈ ગઈ હતી. તેને પૂછવાનું મન પણ થતું હતું કે આપણી વચ્ચે શું દુશ્મની છે, પણ જીભ સાથ નહોતી આપતી.
‘હવે દેખાય છે?’
પેલા માણસે મોબાઇલની સ્ક્રીન પોતાના તરફ રાખી અને બોલાયેલા શબ્દો પરથી કિંજલને ખ્યાલ આવ્યો કે વિડિયો કૉલ થયો છે. સામેથી સ્પીકરમાં જ અવાજ આવ્યો...
‘રાઇટ... રવાના કર તેને...’
ઓહ! અશોક પંડિત છે સામે...
કિંજલને બધું સમજાઈ ગયું, પણ સમજાવટ તેના મન સુધી પહોંચે એ પહેલાં જ તેના શરીર પર ફરી વાર થયો અને એ વાર જીવલેણ પુરવાર થયો. એ ત્રીજા વાર સાથે કિંજલના જીવે શરીર છોડી દીધું.
lll
‘અત્યારે આ સમયે કોણ ફોન કરતું હશે?’
મોબાઇલમાં મિસ્ડકૉલ થયેલો લૅન્ડલાઇન ફોન-નંબર જોઈને ઇન્સ્પેક્ટર પાટીલની આંખો સહેજ પહોળી થઈ. લૅન્ડલાઇન નંબરની સિરીઝને ઓળખી ગયેલા પાટીલને ક્ષણવાર માટે લાગ્યું કે કદાચ અશોક પંડિતના બંગલેથી ફોન આવ્યો હશે, પણ કિંજલના ઘરેથી નીકળવાની ઉતાવળમાં તેણે એ નંબર પર ધ્યાન આપવાને બદલે પહેલાં ઘરમાંથી પોતાની ફિંગરપ્રિન્ટ દૂર કરવા પર ફોકસ કર્યું અને એ જ દરમ્યાન બીજી વાર ફોન આવ્યો.
એ જ નંબર પરથી.
ફોન રિસીવ કરતાં પહેલાં પાટીલે ઘડિયાળમાં જોઈ લીધું.
રાતના બે વાગીને ૪પ મિનિટ થઈ હતી અને ફોન પોતાના પર્સનલ નંબર પર આવ્યો હતો. એ પર્સનલ નંબર પર જે નંબર જગતમાં માત્ર ત્રીસ-ચાલીસ લોકો પાસે જ હતો અને એ લોકો પણ વીઆઇપી કૅડરના હતા.
પાટીલે મોબાઇલ રિસીવ કર્યો કે તરત સામેથી અવાજ આવ્યો...
‘હેલો...’
સામેથી છોકરીનો અવાજ આવ્યો એટલે પાટીલે પૂછ્યું...
‘બોલો... શું કામ છે?’
‘તમે અત્યારે શું કરો છો... એની અમને ખબર છે.’
‘વૉટ...’ પાટીલનો અવાજ અને આંખ બન્ને સહેજ મોટાં થયાં, ‘શું કરું છું?’
‘એ તમે વિચારો... અને હવે તૈયારી રાખો.’
પોતે આગળ કશું બોલે કે પૂછે એ પહેલાં તો સામેથી ફોન કટ થઈ ગયો.
પાટીલ મોબાઇલની સ્ક્રીન સામે જોતો રહી ગયો.
મેં અત્યારે જે કર્યું છે એની તેને ખબર છે મીન્સ...
પાટીલના શાંત શરીરમાં ગતિ આવી. તેણે આખું ઘર ચેક કરી લીધું. ઘરની તમામ બારીઓ બંધ હતી તો એ બંધ બારીઓ પર પડદાઓ પણ અકબંધ હતા. શંકા માણસને વધારે વહેમ કરાવે. પાટીલે ઘરની છત પર ક્યાંય સીસીટીવી કૅમેરા છે કે નહીં એની પણ ચકાસણી કરી અને એ પછી તેણે ઘરમાં રહેલી અને શંકાસ્પદ રૂપ ધરાવતી નાની ચીજવસ્તુ પણ ચેક કરી કે એમાં ક્યાંય કોઈ કૅમેરા છે કે નહીં?
ના, ક્યાંય કશું નથી તો પછી તે છોકરી કેમ બોલી કે...
પાટીલે તરત મોબાઇલનું રિસીવ્ડ કૉલ મેનુ ઓપન કર્યું અને એમાં રહેલા છેલ્લા નંબર પર ફોન ડાયલ કર્યો.
શરૂઆતમાં લાઇન કનેક્ટ થવાનો અવાજ આવ્યો અને એ પછી સીધો જ ફોન ડિસકનેક્ટ થઈ ગયો.
બીજી ટ્રાય અને ત્રીજી ટ્રાય.
દરેક વખતે એ જ થયું.
પાટીલનો ફોન લાગ્યો નહીં.
બને કે ફોન કરનારાએ આ નંબર બ્લૉક કરી નાખ્યો હોય, જેને લીધે હવે ફોન લાગતો ન હોય.
આટઆટલું ધ્યાન રાખવા છતાં કેમ આવું બની ગયું?
મિનિસ્ટરને ખબર પડશે તો તે હાલત કફોડી કરી નાખશે.
કંઈક કરવું પડશે?
કામ પૂરું કર્યાની ખુશી હવે પાટીલના મનમાંથી બાષ્પીભવન થઈ ગઈ હતી. એ રાતે તેને ઊંઘ નહોતી આવવાની, કારણ કે હવે તેણે આ ફોન કરનારી છોકરીને શોધવાની હતી અને તેણે શું જોયું એ જાણવાનું હતું.
સવારના પાટીલે પહેલું કામ એ જ કર્યું.
lll
‘આ નંબરનું ઍડ્રેસ જોઈએ છે...’
મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડના મૅનેજર સાથે વાત કરતાં પહેલાં પાટીલે પોતાની ઓળખાણ આપી દીધી હતી. પોલીસને એક ઍડ્વાન્ટેજ રહેતો હોય છે. તેઓ દરેક કામને પોતાની ડ્યુટી સાથે જોડીને અંગત લાભનાં કામો પણ કરાવી લેતા હોય છે. પાટીલને પણ અત્યારે એ જ ફાયદો થયો હતો.
ડિપાર્ટમેન્ટનું કામ છે એવું ધારીને મૅનેજરે પણ પાંચ જ મિનિટમાં લૅન્ડલાઇન નંબરનું ઇન્સ્ટૉલેશન જે ઍડ્રેસ પર થયું હતું એ ઍડ્રેસ પાટીલના હાથમાં મૂકી દીધું.
‘છેલ્લે આ નંબર પરથી ફોન ક્યારે થયો હતો એ જાણવું હોય તો?’
‘મળી જાય વિગત...’
મૅનેજરે કામ અસિસ્ટન્ટને સોંપ્યું અને અસિસ્ટન્ટ છેલ્લા ચોવીસ કલાકમાં આઉટગોઇંગ કૉલની તમામ વિગત લઈને આવી ગયો.
પાટીલે એ આઉટગોઇંગ કૉલની વિગતો પર નજર કરી અને તેની આંખો રાતના ૨ વાગીને ૪પ મિનિટના ડાયલ નંબર પર અટકી ગઈ.
૯૮૨પપ... ૪૮૮૮૨.
એક સમયે ગુજરાતમાં ઍક્ટિવેટ રહેલો નંબર પાટીલે ગુજરાતના જ એક ઇન્સ્પેક્ટર ફ્રેન્ડ પાસેથી મેળવ્યો હતો.
ફોન તો આ જગ્યાએથી જ થયો છે. મતલબ કે આ જે જગ્યા છે એ કિંજલના ઘરની આજુબાજમાં જ છે.
અત્યાર સુધી હાથમાં આવેલા ઍડ્રેસ પર નજર પણ નહીં કરનારા ઇન્સ્પેક્ટર પાટીલે હવે એ કાગળ ખોલ્યો અને તેની આંખો પહોળી થઈ.
કિંજલ જ્યાં રહેતી હતી એ જગ્યાની એક્ઝૅક્ટ સામેનું જ બિલ્ડિંગ હતું આ.
ઓહ માય ગૉડ...
ઇન્સ્પેક્ટર પાટીલ તરત જ ત્યાંથી રવાના થયો અને સીધો પહોંચ્યો એ ઍડ્રેસ પર જ્યાં લૅન્ડલાઇન ફોનનું ઇન્સ્ટૉલેશન થયું હતું. બેઠા ઘાટના એ મકાનની બહાર બોર્ડ હતું, જેમાં લખ્યું હતું સંતોક વર્કિંગ વુમન હૉસ્ટેલ. આજુબાજુમાં તપાસ કરતાં ખબર પડી કે છેલ્લાં ચાલીસેક વર્ષથી આ હૉસ્ટેલ ચાલે છે. હૉસ્ટેલનું મૅનેજમેન્ટ જેને હસ્તક હતું એ તો પેઢીઓથી ફૉરેન સેટલ થયા હતા. બે-ચાર વર્ષે એકાદ વાર ઇન્ડિયા આવતા, પણ આ સંસ્થા તેણે પોતાનાં બાના નામે શરૂ કરી હતી.
lll
‘આપ...’
‘મેટ્રન ધોત્રે... સરિતા ધોત્રે.’ મેટ્રને સહેજ તોછડાઈ સાથે જ પૂછ્યું, ‘શું કામ છે?’
પાટીલે મેટ્રનના ટેબલ પર પોતાનું આઇ-કાર્ડ મૂક્યું. ધોત્રેએ સહેજ અમસ્તી નજર નાખી અને પછી નજર હટાવી લીધી.
‘તો ક્યા?’ ધોત્રેને વર્દીની કે ડિપાર્ટમેન્ટની કોઈ અસર નહોતી થઈ, ‘કામ હોય એ કહો... આ ગર્લ્સ હૉસ્ટેલ છે. અંદર મર્દને અમે આવવા નથી દેતા...’
‘અહીંથી કોઈ ફોન કરે છે.’
‘ના, કરવાની મનાઈ છે.’ મેટ્રને ચાવી દેખાડી, ‘લૉકમાં ફોન રહે છે અને હું જ એનો વપરાશ કરું છું.’
પાટીલે ધોત્રેને ધ્યાનથી જોઈ. પચાસ વર્ષની થઈ ગયેલી ધોત્રેના અવાજ પરથી તો લાગતું નહોતું કે ગઈ કાલે રાતે તેણે ફોન કર્યો હોય. તો પછી ફોન કરનારું કોણ હોય?
‘પૈસા આપીને કોઈ ફોન કરવા ઇચ્છે તો?’
‘સાહેબ, કોણ એવું ગાંડું હોય... મોબાઇલનો જમાનો છે. બધા પાસે મોબાઇલ છે. બધા એમાંથી જ ફોન કરી લેને...’ ધોત્રેએ ઇશારો કર્યો, ‘હવે બહાર હં... પુરુષોએ વધારે અંદર નહીં રહેવાનું...’
ઇન્સ્પેક્ટર પાટીલ બિલ્ડિંગની બહાર તો નીકળ્યો, પણ તેને મનમાં ખાતરી થવા માંડી હતી કે રાતે પોણાત્રણ વાગ્યે તેને ફોન કરનારું બીજું કોઈ નહીં, આ મેટ્રન જ હોય.
વધુ આવતી કાલે

