સોમચંદ સમજી ગયો, પણ એ સમયે મહત્ત્વ એ ઘર ચેક કરવાનું હતું અને પોલીસને સાથે રાખ્યા વિના જ સોમચંદે નીરજની એ રૂમનું લૉક તોડી નાખ્યું અને તેને ડર હતો એ જ પુરવાર થયું.
વાર્તા-સપ્તાહ
વો ભૂલી દાસ્તાં... (પ્રકરણ ૪)
‘દેખીતી રીતે જોવા મળે છે કે અદિતિ અને હેમરાજનાં મર્ડર માટે કાં તો રાકેશ-નેહા તલવાર જવાબદાર છે અને કાં તો નીરજ, જેને કોઈએ જોયો નથી.’
સોમચંદની આંખો સામે ધુમ્મસ પ્રસરી ગયું હતું. અલબત્ત, એ ધુમ્મસ વચ્ચે પણ તેમના મનમાં એ જ વાત ચાલતી હતી કે અદિતિ તલવારની હત્યામાં કારણભૂત કોણ હોઈ શકે? દિશા કોઈ હાથમાં હતી નહીં અને અંધારામાં તીર મારવાનાં હતાં. તીર પણ મારવાનાં હતાં અને સાવચેતી પણ રાખવાની હતી કે એ તીર કોઈ નિર્દોષને ન લાગે.
lll
મીડિયા દૂર-દૂર સુધી તલવાર કપલને માફ કરવા તૈયાર નહોતી, તો સાથોસાથ ન્યુઝ-ચૅનલ માટે આ આખી ઘટના એક સસ્પેન્શ-થ્રિલર ફિલ્મ બની ગઈ હતી, પણ એ ફિલ્મ દેખાડતી વખતે કોઈએ લેગ-વર્ક કરીને સાચું જાણવાની કોઈ કોશિશ કરી નહોતી. જો સાચું જાણવાનો પ્રયાસ થયો હોત તો સેંકડો વાત એવી ધ્યાનમાં આવી હોત જે આખા કેસની સાચો પ્રકાશ આપવાની પ્રક્રિયા કરી ગઈ હોત. અલબત્ત, એવું થયું નહોતું અને થયું નહોતું એટલે જ અદિતિ તલવાર કેસ અત્યંત વિચિત્ર મોડ પર આવીને ઊભો રહી ગયો હતો.
તલવાર કપલના ફ્લૅટના બધા ફોટોગ્રાફ્સ સોમચંદે લાઇનસર ગોઠવ્યા અને સાથોસાથ પૉઇન્ટ્સ લખવાનું પણ શરૂ કર્યું.
ADVERTISEMENT
‘ઘરમાં કોઈ ત્રાહિત વ્યક્તિ આવી હોય તો એ વ્યક્તિ જાણીતી જ હતી. તેણે ઘરમાં દાખલ થવા માટે કોઈ પ્રકારના ફોર્સનો ઉપયોગ કર્યો નથી. એક પણ લૉક એવું નહોતું જેના પર જોર વાપરવામાં આવ્યું હોય. ન તો બહારના ગેટનું લૉક કે ન તો ઘરની અંદરની એક પણ રૂમનું લૉક. સીધી વાત છે કે કાં તો ઘરમાં કોઈ આવ્યું જ નથી અને જો આવ્યું હોય તો એ વ્યક્તિ ઘરની કોઈ પણ વ્યક્તિની જાણીતી હતી. પોલીસની બેદરકારીને લીધે એક પણ દરવાજા કે લૉક પરથી ફિંગરપ્રિન્ટ્સ લેવામાં આવી નથી, નહીં તો એના વિશે જાણકારી મેળવી શકાઈ હોત.’
‘બીજો મુદ્દો...’
સોમચંદે પેપર પર ટપકાવવાનું શરૂ કર્યું.
‘હત્યાનો મોટિવ ક્લિયર થતો નથી, પણ હા, એટલું ક્લિયર છે કે આખી ઘટનામાં સેક્સ કે પછી અનૈતિક રિલેશનશિપ જવાબદાર છે. અદિતિના પ્રાઇવેટ પાર્ટ પર બે ડીએનએ મળ્યા હતા, પણ પોલીસની બેદરકારીને લીધે હેમરાજના ડીએનએ લેવાયા નહીં અને એ જ કારણસર ખબર ન પડી કે હેમરાજના અદિતિ સાથે ફિઝિકલ રિલેશન હતાં કે નહીં. ધારો કે હતાં તો પણ બીજી કઈ વ્યક્તિ એવી હતી જેના ડીએનએ અદિતિની બૉડી પરથી મળ્યા છે?’
‘મુદ્દો ત્રીજો...’
‘રાકેશ-તલવારની રૂમની એક તરફ હેમરાજની રૂમ હતી અને બીજી તરફ અદિતિની રૂમ હતી. આ બન્ને રૂમમાં રાતના સમયે મર્ડર થઈ જાય છે એ પછી પણ રાકેશ કે નેહાને પોતાની રૂમમાં જાણ સુધ્ધાં નથી થતી કે આવી અઘટિત ઘટના ઘટી ગઈ. પોલીસ એ સ્તરે બેદરકાર રહી કે અદિતિ અને હેમરાજની રૂમમાં છેલ્લી અવરજવર કોની હતી એ જાણવા માટે ડૉગ સ્ક્વૉડ લઈ જવાની દરકાર પણ તેમણે ન દર્શાવી અને એને લીધે રૂમમાં પ્રસરેલી એ ત્રાહિત વ્યક્તિની ગંધ જો રાકેશ કે નેહાની હોય તો એ પકડી શકાય નહીં.’
‘ચોથો મુદ્દો...’
‘માથા પર મારવામાં આવેલી ભારેખમ ચીજને કારણે જ અદિતિનું મોત થયું હતું, પણ મારનારાએ ત્યાર પછી પણ મૃત અદિતિની ગરદન પર ઘા મારીને તેના ગળાની નસ કાપી, જેથી અદિતિ જાગે નહીં. અદિતિનું ગળું કાપવા માટે જે ચીજ વપરાઈ હતી એ ચીજ સર્જિકલ નાઇફ જેવી તીક્ષ્ણ હતી, પણ બની શકે કે એમાં માત્ર અને માત્ર રાકેશ તલવારને ફસાવવાની નોબત હોય, કારણ કે રાકેશ તલવાર ડૉક્ટર છે, તે માત્ર ધબકારા ચેક કરીને પણ ખાતરી કરી શકે કે વ્યક્તિમાં જીવ છે કે નહીં. આ સંભાવના જોતાં રાકેશ તલવાર આ હત્યામાં સામેલ હોવાની શક્યતા ઓછી થઈ જાય છે, સિવાય કે ઉશ્કેરાટે એ માણસની તમામ વિચારશીલતા છીનવી લીધી હોય. અહીં પણ પોલીસે બેદરકારી દાખવી છે. આજ સુધી, એટલે કે ઘટના ઘટ્યાના એક વીક સુધી હજી પણ એ હથિયાર સુધી પહોંચી શકી નથી કે પછી હજી સુધી તેણે રાકેશ તલવારની મેડિકલ-બૅગની પણ તપાસ કરી નથી.’
‘પાંચમો મુદ્દો...’
‘પોલીસે દરેક તબક્કે આ કેસને ઓપન-ઍન્ડ-શટ કેસ જ માન્યો અને ઘટનાના પહેલા કલાકથી જ જજમેન્ટ આપવાનું કામ કર્યું. અદિતિની હત્યા પછી તરત જ એવું જાહેર કરી દીધું કે હેમરાજે આ હત્યા કરી છે. હેમરાજના ડેડબૉડી મળ્યા પછી તરત એવું અનાઉન્સ કરી દીધું કે તલવાર કપલ આ રિલેશન સ્વીકારી ન શક્યું અને એ તેમણે અદિતિ અને હેમરાજની હત્યા કરી નાખી. પોલીસનું કામ પુરાવા શોધવાનું હતું, જે શોધવામાં એ સતત બેદરકાર રહી અને દરેક સમયે એણે માત્ર ન્યાયાધીશ બનવાનું કામ કરીને સમય ખેંચ્યો, જેને કારણે આરોપીને બધેબધું સગેવગે કરવાનો કે પછી દૂર નીકળી જવાનો પૂરતો સમય મળી ગયો.’
‘છઠ્ઠો મુદ્દો...’
‘હેમરાજ કે અદિતિના કૉલ-રેકૉર્ડ્સ ચેક કરાવવાની બાબતમાં પણ પોલીસ ઊણી ઊતરી. એ રેકૉર્ડ જોવો જોઈએ એવો વિચાર પણ પોલીસને ન આવ્યો, એને લીધે એ બન્નેમાંથી કોઈના પર પણ આવેલા અજાણ્યા નંબરની વ્યક્તિને ટ્રૅક કરવાનું કામ થયું જ નહીં. પોલીસ એવી જ રીતે વર્તી જાણે આ કેસમાં મોબાઇલની કોઈ વૅલ્યુ જ નથી.’
lll
પોલીસ જે દિશામાં કામ નહોતી કરતી એ દિશામાં કામ કરવાનું શરૂ કર્યું સોમચંદે અને તેણે નીરજની શોધખોળ આદરી, પણ નીરજ ક્યાંય દેખાતો નહોતો. નીરજ દેખાતો નહોતો અને એ પછી પણ તેની ફુટ-પ્રિન્ટ દરેક જગ્યાએ મળતી હતી.
lll
‘સા’બ, વો તો ૧૦ દિન સે બાહર હૈ...’ લિયાકત ચાલમાં નીરજના ઘરે સોમચંદ પહોંચ્યા ત્યારે તેને સાંભળવા મળ્યું, ‘પતા નહીં, કિધર ગયા. વૈસે ભી વો તો કભી ભી આતા હૈ ઔર કભી ભી જાતા હૈ...’
‘આપને ઉસે દેખા હૈ?’
‘વૈસે તો... ખાસ નહીં.’ માહિતી આપનારાએ કહ્યું, ‘તેને અસ્થમા હતો, તે પોતાનું મોઢું બાંધીને જ રાખતો...’
સોમચંદ સમજી ગયો, પણ એ સમયે મહત્ત્વ એ ઘર ચેક કરવાની હતી અને પોલીસને સાથે રાખ્યા વિના જ સોમચંદે નીરજની એ રૂમનું લૉક તોડી નાખ્યું અને તેને ડર હતો એ જ પુરવાર થયું.
આ પણ વાંચો: વો ભૂલી દાસ્તાં... (પ્રકરણ ૩)
આખી રૂમ ખાલી હતી. રૂમની ચાર દીવાલ સામે એમાં જો કંઈ હતું તો ખૂણામાં પડેલું ડીઓડરન્ટનું એક ખાલી ટિન.
સોમચંદના ચહેરા પર સ્માઇલ આવી ગયું.
તે સમજી ગયા હતા કે નીરજે રૂમ ખાલી કર્યા પછી એ ડીઓ આખો રૂમમાં ખાલી કરી પોતાની સ્મૅલ પણ રહેવા દીધી નથી. સોમચંદને આમ તો ખાતરી હતી કે ડીઓડરન્ટના કૅન પર નીરજની ફિંગરપ્રિન્ટ નહીં જ હોય એમ છતાં, બેદરકારી ન રહી જાય એવા હેતુથી તેણે પોતાના રૂમાલથી સાવચેતી રાખી એ કૅન લઈ લીધું અને ફિંગરપ્રિન્ટ માટે મોકલાવી દીધું, એક જ કલાકમાં રિપોર્ટ પણ આવી ગયો.
‘એક પણ પ્રકારની આંગળીઓની છાપ એ ડીઓ પર નથી...’
lll
‘આ બે નંબર એવા છે જેના પરથી હેમરાજને રેગ્યુલર કૉલ્સ આવ્યા છે...’ કૉલ-ડીટેલ હાથમાં આવ્યા પછી સોમચંદ સીબીઆઇ ઑફિસર જયસ્વાલ સામે બેઠો, ‘જેમાંથી આ એક નંબર એવો છે જે નંબર પરથી આવેલા દસમાંથી પાંચ કૉલ હેમરાજ ઉપાડતો નહોતો. હેમરાજના ઘર પાસેથી મળેલી ઇન્ફર્મેશન મુજબ નીરજે હેમરાજને પૈસા આપ્યા હતા, જે પાછા આપવામાં હેમરાજે બહુ ટાઇમ ખેંચી લીધો એટલે નીરજ સતત તેની પાછળ પડ્યો હતો... લુક ઍટ ધિસ...’
સોમચંદે એક પેપર સામે ધર્યું, જેના પર સોમચંદના જ હૅન્ડરાઇટિંગ હતા.
‘એ નંબર પરથી હેમરાજને એક મહિનામાં ૭૨ ફોન આવ્યા છે, એ ૭૨ ફોનમાંથી ૨૭ ફોન જ હેમરાજે ઉપાડ્યા છે.’
‘સોમચંદ, એક કામ કરતે હૈં...’ જયસ્વાલના ચહેરા પર ચમક આવી ગઈ, ‘આપણે આ નંબરની બધી ડિટેઇલ્સ કઢાવીએ...’
‘કોઈ અર્થ નથી...’ સોમચંદે કટાક્ષ સાથે સ્માઇલ કર્યું, ‘આ નંબર એ માણસે માત્ર હેમરાજ માટે જ રાખ્યો હતો. જુઓ આ...’
પેપર આગળ ધરીને સોમચંદે કહ્યું.
‘ઑલરેડી ડિટેઇલ કઢાવી લીધી અને સૌથી શરમની વાત એ છે કે ત્રીજી એપ્રિલની રાતે પોણાબાર વાગ્યે આ મોબાઇલ સ્વિચ્ડ-ઑફ થયો એ પછી ક્યારેય ચાલુ જ નથી થયો.’
‘આપણે નંબર વૉચમાં...’
‘કહી દીધું છે, પણ મને કોઈ ચાન્સ લાગતો નથી...’ સોમચંદે જવાબ આપ્યો, ‘આ સિમ એ માણસે ૧૦૦ ટકા ફેંકી દીધું છે, કારણ કે તેનું લાસ્ટ લોકેશન ચાંદની ચોકનું છે અને એ હજી પણ ચાંદની ચોક જ દેખાડે છે.’
‘ઓહ...’ જયસ્વાલના ચહેરા પર માયૂસી પ્રસરી ગઈ, ‘ઍની અધર ચાન્સ...’
‘ટુ બી વેરી ઑનેસ્ટ ઍન્ડ ટ્રાન્સપરન્ટ વિથ યુ સર...’ સોમચંદે સહજ ભાવે કહ્યું, ‘એ માણસ એવી રીતે ભાગ્યો છે જાણે આપણને કહેતો હોય, કૅચ મી ઇફ યુ કૅન...’
lll
એ દિવસ સોમચંદ શાહનો દિલ્હીમાં છેલ્લો દિવસ હતો, કારણ કે પોલીસે તારણ પર આવીને આરોપીઓ પકડી લીધા હતા.
રાકેશ તલવાર અને નેહા તલવારને આરોપી ઘોષિત કરી તેમણે ચાર્જશીટ પણ મૂકી દીધી અને સીબીઆઇએ પણ એ જ ચાર્જશીટને આગળ ધપાવી દીધી. હવે ક્લિયર હતું કે પોલીસ અને સીબીઆઇ આ કેસમાંથી ફ્રી થઈ ગઈ હતી અને કોર્ટમાં આ જંગ ચાલવાનો હતો.
૧૦ વર્ષ પસાર થઈ ગયાં આ આખા જંગને. બે વખત રાકેશ-નેહા તલવાર બહાર આવ્યાં અને બે વાર તેમણે ફરી અંદર જવું પડ્યું. જેટલી વાર તેઓ બન્ને બહાર આવ્યાં એટલી વાર બેદરકારી સાથે એવી ન્યુઝ-સ્ટોરી આવવા માંડતી કે ફાઇનલી તલવાર કપલને ન્યાય મળ્યો અને જેવી એ બન્નેની ફરી અરેસ્ટ થતી કે તરત જ ન્યુઝ-સ્ટોરીમાં કાગારોળ મચી જતી કે ફાઇનલી અદિતિ તલવારને ન્યાય મળ્યો.
lll
‘ચૂપ રહીને આ બધું જોવું અઘરું છે, પણ એના સિવાય કોઈ ઑપ્શન પણ નથી.’
જયસ્વાલ એક વાર મુંબઈ આવ્યા ત્યારે સોમચંદ તેને મળ્યા હતા. એ સમયે જયસ્વાલે પણ એ જ વ્યથા વ્યક્ત કરી જે સોમચંદના મનમાં ચાલતી હતી.
‘સોમચંદ, બીજો કોઈ છૂટકો પણ નથી. હાઇ-પ્રોફાઇલ કેસ હતો. એને અનસૉલ્વ્ડ રાખી શકાય નહીં. નહીં તો દેશની પોલીસ પરથી સૌનો ભરોસો ઊઠી જાય.’
એ સમયે સોમચંદને સી-પ્રિન્સેસ હોટેલની સી-સાઇડ રેસ્ટોરાંમાંથી ઊભા થઈ દરિયામાં છલાંગ મારીને આપઘાત કરવાનું મન થઈ આવ્યું હતું. ફૅબ્રિકેશનની ચરમસીમા કહેવાય એ સ્તરે આખી વાત રજૂ કરવામાં આવતી હતી. ન્યાયતંત્રના ભરોસા માટે એક કપલને જેલમાં બેસાડી દેવામાં આવ્યું હતું અને સૌથી મોટી મજબૂરી એ હતી કે હવે તેમણે પોતાની જાતને નિર્દોષ પુરવાર કરવાની હતી.
‘તારી નજરમાં આરોપી કોણ છે?’
‘બે...’ જયસ્વાલે પૂછ્યું અને બીજી જ સેકન્ડે સોમચંદના મોઢામાંથી નીકળી ગયું, ‘એક, જેણે અદિતિની હત્યા કરી તે...’
‘અને બીજો...’
‘તે જેણે અદિતિ હત્યાકેસનું મર્ડર કર્યું...’ ટેબલ પરથી ઊભા થતાં સોમચંદે કહ્યું, ‘પોલીસ...’
lll
નિર્દોષ.
હાથમાં તારીખિયાનું પાનું હતું અને સોમચંદની આંખો વરસી ચૂકેલા આકાશ તરફ હતી. આવી જ એક સવાર હતી જે સવારે અદિતિની જીવનયાત્રા પૂરી થઈ અને તેના પેરન્ટ્સની દુઃખયાત્રા શરૂ થઈ. એ દુઃખયાત્રા આમ તો દીકરીના મોત સાથે જ શરૂ થઈ હતી, પણ પોલીસે પુરવાર કરી દીધું કે રાકેશ તલવાર અને નેહા તલવાર જ આ કેસનાં આરોપી છે, જ્યારે સત્ય હકીકત એ હતી કે આરોપી હજી પણ અજાણ્યા ચહેરા સાથે બહાર ફરતો હતો. મારી, તમારી, આપણી વચ્ચે. આ જ દેશના કોઈ શહેરમાં.
સંપૂર્ણ