Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > વો ભૂલી દાસ્તાં... (પ્રકરણ ૨)

વો ભૂલી દાસ્તાં... (પ્રકરણ ૨)

Published : 04 April, 2023 12:01 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

‘એક મિનિટમાં સાઠ સ્નૅપ લઈને આપણે શું કરવાનું?’ રાઉટર ઑન કરતાં નેહાએ પૂછ્યું, ‘બધા ફોટો એકસરખા તો આવે...’

વો ભૂલી દાસ્તાં... (પ્રકરણ ૨)

વાર્તા-સપ્તાહ

વો ભૂલી દાસ્તાં... (પ્રકરણ ૨)


અદિતિ તલવાર.
દિલ્હીના શીતવિહાર અપાર્ટમેન્ટમાં રહેતા ડૉક્ટર તલવાર કપલની એકની એક દીકરી અને એ પણ માત્ર ચૌદ વર્ષની. સ્વાભાવિક છે કે દીકરી માબાપના અઢળક લાડ મેળવતી હોય અને એ લાડ એવા સમયે વધારે તીવ્ર બને જ્યારે માબાપને ખબર હોય કે દીકરીના જન્મ પછી તેમનું જીવન સેટલ થયું છે.
રાકેશ તલવાર અને નેહા તલવાર ડેન્ટિસ્ટ હતાં. બન્નેનું પ્રાઇવેટ ક્લિનિક પણ હતું તો બન્ને દિલ્હીની સુપર સ્પેશ્યલિસ્ટ હૉસ્પિટલમાં પણ જૉબ કરતાં હતાં. હૉસ્પિટલ મલ્ટિનૅશનલ હતી એટલે વેતન પણ બહુ મોટું હતું, તો સાથોસાથ આ બન્ને ઇન્કમથી પણ જાણે પેટ ન ભરાતું હોય એમ રાકેશ તલવાર દિલ્હી મેડિકલ કૉલેજમાં લેક્ચરર તરીકેની ડ્યુટી પણ નિભાવતા હતા.


‘આટલું કામ શું કામ કરવાનું?’ એક વખત અદિતિના નાનાએ રાકેશ તલવારને પૂછ્યું હતું, ‘એક તો દીકરી છે અને ક્યાં તમારે બધું સાથે લેતાં જવાનું...’
‘ધૅટ્સ ધ ઑન્લી રિઝન પપ્પાજી...’ સ્કૉચનો પેગ ગળા નીચે ઉતારી રાકેશે જવાબ આપ્યો, ‘જો સાથે લઈ જવાનું હોત તો ખરેખર આટલું કામ ન કરતો હોત, પણ સાથે લઈ નથી જવાનું એટલે તો બહુ બધું કામ કરવું પડે છે.’
ફાધર-ઇન-લૉને ફિલોસૉફી સમજાવતાં રાકેશ તલવારે બીજો પેગ ભરવાનું શરૂ કર્યું હતું.



‘બધું મૂકીને જ જવાનું છે તો પછી શું કામ ખાલી તિજોરીએ જવું... મૂકી જઈશ એ બધું તો દીકરીને જ કામ લાગવાનું છે તો ભલે એ અમારી ગેરહયાતીમાં એન્જૉય કરે...’
‘હા, પણ તેને સમય તો આપવો જોઈએને...’
‘આપે જ છે સમય રાકેશ...’ હસબન્ડને સાથ આપવાનું કામ આ વખતે વાઇફ નેહાએ કર્યું, ‘ઘરે આવ્યા પછી રાકેશ માટે અદિતિ સિવાય બીજું કશું મહત્ત્વનું નથી હોતું. તેનો દિવસ કેવો રહ્યો એ જાણવાથી માંડીને અદિતિ સાથે ગેમ્સ રમવું અને અદિતિ સાથે ટાઇમ પાસ કરવાનું કોઈએ તેને યાદ નથી અપાવવું પડતું...’


વાતને વચ્ચે કાપતાં રાકેશ તલવારે ફરી ગ્લાસ મોઢે માંડ્યો,
‘પપ્પાજી, અદિતિ તમને એવી કોઈ ફરિયાદ ક્યારેય નહીં કરે કે મમ્મી-પપ્પા ફ્રી નથી હોતાં...’ રાકેશે બીજો પેગ પણ એકઝાટકે પેટમાં ઠાલવી દીધો, ‘અદિતિ અઢાર વર્ષની થાય એ પછી સીધું રિટાયરમેન્ટ લઈ લેવું છે અને એટલે જ અમે અત્યારે દોડી લેવાનું પસંદ કર્યું છે.’
lll

દિલ્હીનું અપર-ક્લાસ તલવાર-ફૅમિલી એ તમામ સુવિધા અને અરેન્જમેન્ટ ભોગવતું, જે હાઇ-સોસાયટીની આઇડેન્ટિટી હતી. માઉન્ટ મૅરી સ્કૂલમાં ભણતી અદિતિ પણ લાઇફને મન મૂકીને એન્જૉય કરતી. આમ તો આ ફૅમિલીની લાઇફમાં બધું સહજ હતું, પણ જ્યારે લાઇફમાં બધું કંઈક વધારે પડતું સહજ હોય ત્યારે અસહજ ઘટનાઓ આપોઆપ આકાર લેવા માંડતી હોય છે. તલવાર-ફૅમિલી સાથે પણ એવું જ બન્યું અને ૩ એપ્રિલની રાતે એક ઘટના એવી ઘટી કે તલવાર-ફૅમિલી છિન્નભિન્ન થઈ ગઈ.
lll


‘રૂમમાં જઈને રાઉટર ઑન કરી આવને, ક્વેશ્ચન-પેપર મેઇલ કરવાનાં છે...’ રાકેશ તલવારે લૅપટૉપ પર હાથ ચલાવતાં નેહાને કહ્યું, ‘અદિતિને પણ જોઈ આવ, એ હજી પણ ફોટોગ્રાફ્સ લેતી હશે.’ 
કૉલેજની વધારે ડ્યુટી કરતા રાકેશને ઘરે આવ્યા પછી પણ થોડું કામ રહેતું એટલે નેહા કોઈ જાતની આર્ગ્યુમેન્ટ વિના જ અદિતિની રૂમમાં જવા માટે ઊભી થઈ. અફકોર્સ બહાર જતાં પહેલાં તેણે ટકોર તો કરી જ લીધી, ‘અદિતિના વેકેશનમાં ઘરે કામ નહીં લઈ આવે એવું પ્રૉમિસ તેં કર્યું છે એ ભૂલ્યો નથીને?!’
રાકેશ જવાબ આપે એ પહેલાં તો બેડરૂમનો દરવાજો ખોલીને નેહા અદિતિની રૂમમાં દાખલ થઈ ગઈ. નેહાના મનમાં હતું કે અદિતિ કૅમેરા સાથે બિઝી હશે, પણ એ ધારણામાં થોડો ચેન્જ આવ્યો.

અદિતિ કૅમેરા સાથે નહીં, પણ કૅમેરાના મૅન્યુઅલ સાથે બિઝી હતી.
‘હજી શું કરે છે?’
‘માણસ ઘણી વાર જોતો હોવા છતાં એ જ પ્રશ્ન પૂછી બેસતો હોય છે, જે સ્વભાવગત ખાસિયત છે. મમ્માએ પણ અત્યારે એ જ કર્યું હતું.’
‘મમ્મા, યુ ડોન્ટ નો... આમાં તો કેટલાં બધાં ફીચર્સ છે.’ અદિતિના મનમાં રહેલો ઉત્સાહ તેના શબ્દોમાં પણ સ્પષ્ટ વર્તાતો હતો, ‘આપણે વિડિયો પણ શૂટ કરી શકીએ અને સિંગલ સ્નૅપમાં એકસાથે સાઠ ફોટોગ્રાફ્સ પણ લઈ શકીએ...’

‘એક મિનિટમાં સાઠ સ્નૅપ લઈને આપણે શું કરવાનું?’ રાઉટર ઑન કરતાં નેહાએ પૂછ્યું, ‘બધા ફોટો એકસરખા તો આવે...’
‘ના, આને સ્પોર્ટ્સ મોડ કહેવાય.’ અદિતિને આ આખી વાત સમજાવવામાં જબરદસ્ત પ્રાઉડ ફીલ થતું હતું, ‘પ્લેયરની ઍક્ટિવિટી જો સ્પોર્ટ્સ મોડમાં લેવામાં આવે તો એમાં ક્લૅરિટી ઉમેરાય અને ફોટો પ્રૉપર આવે...’
‘બહુ સારું, પણ હવે મૂકી દે એ...’ નેહાએ અદિતિના માથા પર હાથ ફેરવ્યો, ‘વેકેશન છે એટલે હવે દરરોજ નિરાંત છે. અત્યારે ઉજાગરો કરવાની જરૂર નથી. ચાલો, જલદી સૂઓ...’
‘મમ્મા...’ 

રૂમમાંથી બહાર નીકળતી નેહાને પીઠ પાછળ આવેલા શબ્દોએ રોકી. તેણે પાછળ ફરીને જોયું કે તરત જ અદિતિ ઊભી થઈ તેની પાસે આવી અને મમ્માને વળગી પડી.
‘થૅન્ક યુ મમ્મા...’ અદિતિની આંખોમાં જબરદસ્ત ખુશી હતી, ‘આઇ લવ યુ...’
નેહાને ક્યાં ખબર હતી કે તે અત્યારે જે સાંભળી રહી છે એ પોતે સાંભળતી હોય એવા અદિતિની લાઇફના છેલ્લા શબ્દો છે.
lll

‘હેલો સર...’ પોલીસ ઇમર્જન્સીનો કૉલ અટૅન્ડ કરતાં જ સામેથી અવાજ આવ્યો, ‘સર, મર્ડર છે...’
‘ઍડ્રેસ બોલો...’
જાણે કે રાબેતા મુજબનો જ કૉલ હોય એમ કૉન્સ્ટેબલે પૂછ્યું અને સામેથી કહેવામાં આવ્યું એ ઍડ્રેસ તેણે નોટ કરી લીધું.
કૉલ આવ્યો ત્યારે સવારે પોણાઆઠ વાગ્યા હતા અને એપ્રિલની ગરમી જરા વધારે પડતી આકરી થઈ હતી.

આ પણ વાંચો: વો ભૂલી દાસ્તાં... (પ્રકરણ ૧)

‘લૂક સોમચંદ...’ 
મુંબઈથી ખાસ બોલાવવામાં આવેલા ડિટેક્ટિવ સોમચંદ સામે વાત મૂકતાં પહેલાં સીબીઆઇ ચીફ જયસ્વાલે પાણીનો આખો ગ્લાસ પેટમાં ઠાલવી દીધો. દિલ્હીમાં ઉનાળાની અસર દેખાવા લાગી હતી, પરંતુ એ અસર કરતાં પણ મનમાં ચાલતો પરિતાપ વધારે અસરકારક હતો.
‘આખો ઘટનાક્રમ તને ફાઇલમાંથી તો મળવાનો જ છે, પણ એમ છતાં તને સમજાવી દઉં, જરૂરી પણ છે...’
lll

૧૪ વર્ષની ટીનેજરના મર્ડરની ફરિયાદ આવી કે તરત જ ઇન્સ્પેક્ટર પલટન સાથે ઘટનાસ્થળે પહોંચી. પોલીસ-સ્ટાફ ઘરમાં પહોંચ્યો એ સમયે નૅચરલી ઘરની બહાર લોકો એકઠા થઈ ગયા હતા, તો કેટલાક લોકો ઘરમાં જઈને નેહા અને રાકેશ તલવારને આશ્વાસન આપવા માંડ્યા હતા.
‘સૌથી પહેલું બૉડી કોણે જોયું?’ 
ઇન્સ્પેક્ટરે ઘરમાં નજર દોડાવતાં સવાલ પૂછ્યો અને નેહા તલવારે જવાબ આપ્યો, ‘હું, મેં... મેં જોઈ. હું અહીં, અહીંથી તેની રૂમમાં ગઈ ત્યારે...’
‘હંઅઅઅ...’ 

શિરોડકર સમજી ગયા કે દરવાજાના નોબને હાથ લાગી ગયો છે એટલે એના પરથી હવે ફિંગર-પ્રિન્ટ્સ મળવાની નથી. શિરોડકરે રૂમમાં જઈને લાશની પોઝિશન જોઈ લીધી. લાશ બેડ પર પડી હતી અને તેની ગરદન પર ઊંડો કાપ મૂકવામાં આવ્યો હતો. કપાળ પર, જમણી આંખની ઉપર પણ ઘા હતો, પણ એમાંથી બહુ લોહી નીકળ્યું નહોતું એટલે દેખાતી રીતે જ ગળું કાપીને હત્યા કરવામાં આવી હોય એવું લાગતું હતું.

ફોટોગ્રાફર કામ પર લાગી ગયા હતા એટલે શિરોડકર તરત રાકેશ તલવાર તરફ ફર્યા, ‘ઘરમાં કોણ-કોણ રહે છે...’
‘ત્રણ જણ...’ રાકેશે તરત જ સુધારો કર્યો, ‘સર્વન્ટ સહિત ચાર. ફુલ-ડે સર્વન્ટ છે, તે અમારી સાથે જ રહે છે. હેમરાજ, નેપાલી છે, પણ વર્ષોથી તે અહીં જ...’
‘હેમરાજ ક્યાં છે?’
‘સવારથી મળતો નથી...’

રાકેશ આગળ બોલે એ પહેલાં જ નેહા બોલી,
‘સર, હેમરાજે જ આ કર્યું છે. હેમરાજે રાતે અદિતિનું મર્ડર કર્યું અને પછી તે ભાગી ગયો...’
‘અને આમ હેમરાજની તલાશ ચાલુ થઈ...’

સોમચંદે હાથના ઇશારે જયસ્વાલને રોક્યા અને તેમની વાત સાંભળતાં-સાંભળતાં જે પ્રશ્નો તેમના મનમાં આવ્યા હતા એ પૂછવાનું શરૂ કર્યું, ‘સર, સૌથી મહત્ત્વનો પૉઇન્ટ... અદિતિની રૂમનો લૉક...’ ટેબલ પર પડેલા ફોટોગ્રાફ્સમાંથી એક ફોટો હાથમાં લઈ સોમચંદે એ જયસ્વાલ સામે ધર્યો, ‘જુઓ તમે, આ જે લૉક છે, એની ખાસિયત છે. એ વન-વે લૉકિંગ સિસ્ટમ ધરાવે છે. મતલબ કે દરવાજો અંદરથી ખેંચી લીધો એટલે એ ઑટોમૅકિટ લૉક થઈ જાય. અંદર રહેલી વ્યક્તિ લૉક ખોલે એ પછી જ લૉક ખૂલે અને કાં તો બહારથી તમારે ચાવીને ઉપયોગ કરવો પડે. નેહા કહે છે કે તેણે રૂમ ખોલી અને રૂમ ખૂલી ગઈ. ઇટ્સ નૉટ પૉસિબલ.’

‘રાઇટ...’ જયસ્વાલની આંખો ચમકી, ‘બીજી વાત, નેહાને તો ખબર જ હોય કે તેની રૂમના લૉકની આ ખાસિયત છે તો પછી તે કેવી રીતે સહજ બનીને રૂમ ખોલે.’
‘યસ... બીજી વાત.’ સોમચંદે બીજો પૉઇન્ટ ખોલ્યો, ‘હેમરાજની રૂમમાં જઈને આપના સ્ટાફે ચેકિંગ કર્યું, પણ એ સમયે કેમ કોઈએ એવું ચેકિંગ કર્યું નહીં કે હેમરાજનો સામાન ક્યાં છે? મર્ડર કરીને ઘરમાંથી ભાગી જનાર વ્યક્તિ ઍટ લીસ્ટ પોતાનાં કપડાં તો બદલે જ. જુઓ આ ફોટો...’ સોમચંદે અદિતિનો ડેડબૉડીનો ફોટોગ્રાફ જયસ્વાલ સામે ધર્યો, ‘સિલિંગ સુધી બ્લડના છાંટા ઊડ્યા છે. નૅચરલી હેમરાજનાં કપડાં પર પણ ચડ્યા જ હોય એટલે તેણે કપડાં ચેન્જ કરવાં પડે અને ધારો કે તે કપડાં ચેન્જ નથી કરતો. તેની પાસે એટલો ટાઇમ નથી એટલે તે ફટાફટ ભાગે છે, પણ ભાગતાં પહેલાં તે પોતાનું વૉલેટ કે પૈસા તો સાથે લઈ જ લેને.’

‘લુક ઍટ ધિસ...’ વધુ એક ફોટો સોમચંદે જયસ્વાલને દેખાડ્યો, ‘હેમરાજના બેડની પાસે જ તેનું વૉલેટ અકબંધ પડ્યું છે. જો તરત જ નજર પડે એવી રીતે વૉલેટ પડ્યું હોય તો હેમરાજ એમાંથી પૈસા કાઢવાની તસ્દી લેવાને બદલે વૉલેટ લઈને જ રવાના થાય, પણ એવું પણ થયું નથી, ધૅટ મીન્સ... બેદરકારીની શરૂઆત પોલીસ-ડિપાર્ટમેન્ટ દ્વારા શરૂ થઈ.’
‘યુ મે બી રાઇટ સોમચંદ...’ જયસ્વાલે સ્વીકાર કર્યો, ‘એ દિવસે પ્રાઇમ મિનિસ્ટરની પબ્લિક સ્પીચ સિટીમાં હતી, જેને કારણે એવી સિચુએશન હતી કે આખું પ્રધાનમંડળ પણ ત્યાં હાજર હતું. પરિણામે પોલીસ-સ્ટાફ બધો ત્યાં અટવાયેલો હતો.’
‘અટવાયેલા સ્ટાફને કારણે આપણો આ આખો કેસ ગૂંચવાયો છે. લેટ્સ હૉપ...’ સોમચંદે નિઃસાસો નાખ્યો, ‘એ ગૂંચવણ વચ્ચે પણ સાચું સોલ્યુશન આવે.’
ના, એવું નહોતું થવાનું અને સોમચંદના શબ્દો માત્ર આશ્વાસન બનીને રહી જવાના હતા.
lll

‘પછી શું થયું?’
‘બધાને ખબર છે એમ, તરત જ હેમરાજને શોધવાનું કામ શરૂ થયું. પહેલી નજરે ઓપન ઍન્ડ શટ કેસ હતો. નોકરની દાનત બગડી અને તેણે માલિકીની દીકરી પર રેપ કરવાની કોશિશ કરી, પણ દીકરીએ સાથ આપ્યો નહીં એટલે નોકરે દીકરીને મારી નાખી અને પછી પોતે ઘરમાંથી ભાગી ગયો...’ જયસ્વાલે વાત આગળ વધારી, ‘અદિતિના મર્ડરની સાંજે બેડની મેટ્રેસમાંથી વાસ બહુ આવતાં રાકેશ તલવારના જે ફ્રેન્ડ્સ ઘરે આવી ગયા હતા એ લોકોએ મેટ્રેસ ટેરેસમાં મૂકવાની પરમિશન માગી. પોલીસે પરમિશન આપી પણ ટેરેસની ચાવી ક્યાંય મળી નહીં એટલે એ લોકો બીજી વિન્ગમાંથી ટેરેસ પર જઈને મેટ્રેસ બાજુની ટેરેસ પર મૂકી આવ્યા, પણ સવાર પડતાં તો એ બદબૂ એ સ્તરે આવવા માંડી કે સોસાયટીના દરેક લોકો ત્રાસી ગયા. તલવાર-ફૅમિલીએ મેટ્રેસ ડિસ્ટ્રૉય કરવાનું નક્કી કર્યું અને તેઓ ટેરેસ પર ગયા પણ થોડી વારમાં એ લોકોને ખબર પડી ગઈ, વાસ મેટ્રેસની નહીં, ત્યાં પડેલી બીજી લાશની આવતી હતી.’
એ લાશ હેમરાજની હતી...

વધુ આવતી કાલે

Whatsapp-channel Whatsapp-channel

04 April, 2023 12:01 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK