‘ભાઈ તો ગયા...’ ગૌરવને માર્યા પછી રંગાએ જ કહ્યું હતું, ‘નૉન-વેજ અભી ઝિન્દા હૈ... થોડા ખચપચ-ખચપચ કર લે...’
વાર્તા-સપ્તાહ
નૉન-વેજ (પ્રકરણ ૨)
સેન્ટ્રલ સ્કૂલમાં થયેલા વૉઇસ ઑડિશનમાં છાયા અને ગૌરવ બન્ને પાસ થયાં અને આવું ભાગ્યે જ બનતું કે કોઈ એક જ ફૅમિલીનાં બન્ને બાળકો ઑલ ઇન્ડિયા રેડિયોની ટેસ્ટમાં પાસ થયાં હોય. નૅચરલી સુખવંત અને તેની વાઇફ ખુશ હતાં, પણ હજી ઇન્ટેલિજન્સી ટેસ્ટ બાકી હતી. છાયા અને ગૌરવની મમ્મીએ તો માનતા પણ માની લીધી કે જો તે બન્ને એ ટેસ્ટમાં પાસ થઈ જશે તો છ મહિનામાં ગુરુ ગોવિંદસાહેબનાં દર્શન માટે તે અમૃતસર જઈ આવશે, પણ જે પ્રકારની ઘટના ઘટી એ જોતાં તેમને ક્યારેય સમજાયું નહીં કે માનતા પૂરી કરવી કે નહીં?
lll
ઇન્ટેલિજન્સી ટેસ્ટમાં પણ છાયા અને ગૌરવ પાસ થઈ ગયાં એટલે ઑલ ઇન્ડિયા રેડિયોએ બન્ને ભાઈ-બહેનને યુવવાણી કાર્યક્રમમાં ઇન્વાઇટ કર્યાં. પહેલાં બન્નેને મૂકવા માટે પપ્પા સુખવંત સિંહ જવાના હતા, પણ રિટાયરમેન્ટ પછી વામકુિક્ષની આદતમાં ખલેલ પડે નહીં એટલે છાયાએ તેમને જગાડ્યા નહીં.
‘અરે કિ ગલ હૈ?!’ સાડાપાંચ વાગ્યે જાગ્યા પછી સુખવંત સિંહ તરત જ ઊભા થઈ ગયા, ‘બસ, દસ મિનિટ દે...’
‘અરે ના, તમે આરામ કરો...’ છાયાએ પ્રેમથી કહ્યું અને ચોખવટ પણ કરી, ‘૧૦પ નંબરની બસ પાંચ મિનિટમાં આવશે...’
ADVERTISEMENT
‘ધ્યાન રખના અપના...’
ઘરની બહાર નીકળતાં છાયા અને ગૌરવની પીઠ પર મમ્મીનો અવાજ અથડાયો, પણ મોડું થઈ જશે એવા ડરે જવાબ આપ્યા વિના જ બન્ને ભાઈ-બહેન સોસાયટીની બહાર ભાગ્યાં. બસ-સ્ટૉપ સોસાયટીના ગેટથી માત્ર પાંચસો મીટરના અંતર પર હતું.
ત્યાં પહોંચવામાં માત્ર અડધી મિનિટ લાગી, પણ એ પછી બસની રાહ જોવામાં બીજી દસ મિનિટ નીકળી ગઈ. છાયા જ નહીં, ગૌરવને પણ ટેન્શન થવા માંડ્યું. નક્કી થયેલા સમય કરતાં પંદર મિનિટ પહેલાં રેડિયો સ્ટેશને પહોંચવાનું હતું. જો હવે બસને આવતાં વાર લાગી તો કોઈ કાળે તે લોકો સમયસર સ્ટેશન પર પહોંચે નહીં.
ઝૂમમમ...
છાયા અને ગૌરવ પાસેથી વાઇટ રંગની ફીઆટ કાર ગોળીની જેમ પસાર થઈ.
lll
‘નૉન-વેજ...’ રંગા સામે આંખ મારીને બિલ્લાએ કહ્યું, ‘પૈસા નહીં મળે તો છોકરીની મજા તો કરવા મળશે... જરા દેખ તો સહી ઉસકા પિછવાડા... ક્યા આલીશાન પહાડ હૈ.’
બિલ્લાએ હોઠ પર જીભ ફેરવીને મોઢામાં આવતું પાણી રોક્યું.
‘ડિફેન્સ કૉલોની બાજુમાં જ છે બિલ્લા. ધ્યાન રાખવું પડશે.’
‘બાકી સબ મુઝ પે છોડ...’ ચોરી કરેલી ગાડી રિવર્સ ગિયરમાં નાખીને બિલ્લાએ કહ્યું, ‘પૈસેવાલે તો દિખતે હી હૈ. દો જાન, દો લાખ તો યૂં મિલ જાએંગે.’
ચીઈઈઈ...
lll
‘છોડ દે કહી પે?’ ગાડીનો ગ્લાસ ઉતારીને રંગાએ છાયાને પૂછ્યું, ‘વૈસે આજ બસ કી હડતાલ હૈ...’
‘ગલત...’ ગૌરવે છાયા સામે જોયું, ‘સવારે સ્કૂલથી આવતી વખતે મેં બસ જોઈ.’
‘સુબહ ના?!’ બિલ્લાએ વાત પોતાના હાથમાં લીધી, ‘અભી ચાંદની ચોક મેં એક હાદસા હુઆ ઉસકે બાદ બસવાલે હડતાલ પે ગયે હૈ...’
રંગાએ આગળ બેઠા જ પાછળના દરવાજાનું લૉક ખોલ્યું.
ગૌરવનું મન નહોતું, પણ સમયસર રેડિયો સ્ટેશન પહોંચવાની લાયમાં છાયાએ પગ ઉપાડ્યા, જે કદમ તેને અને તેના ભાઈને મોત તરફ લઈ જવાનું કામ કરનારાં હતાં.
lll
‘અરે, ઉસ તરફ નહીં...’ ઑલ ઇન્ડિયા રેડિયોના સેન્ટરનું ઍડ્રેસ ખબર હોવાથી છાયાએ ખોટા રસ્તે વળેલી ફીઆટ રોકવા કહ્યું, ‘જનપથ માર્ગ જાના હૈ...’
‘તુઝે તો જાના મેરી કદમોં કે બીચ મેં હૈ મેરી નૉન-વેજ...’ બિલ્લાએ ગાડીની ઝડપ વધારીને રંગાને સૂચના આપી, ‘કુડી કો સંભાલ તૂ...’
સટાક...
જાણે કે સૂચના જ સાંભળવાની બાકી હોય એમ રંગાએ તરત જ છાયાના ગાલ પર ફડાકો ઝીકી દીધો અને જેવો તેણે છાયાને ફડાકો માર્યો કે ગૌરવ ઊછળ્યો. ગૌરવે રંગાના ખભા પર એવા તે દાંત બેસાડ્યા કે રંગાની ચીસ નીકળી ગઈ.
રંગા તરત ગૌરવ તરફ ફર્યો અને ચાલુ ગાડીએ બન્ને વચ્ચે ઝપાઝપી શરૂ થઈ, જે અશફાકે સૌથી પહેલાં જોઈ અને તેણે પોતાનું બજાજ ચેતક ફીઆટ પાછળ ભગાવ્યું, પણ કમનસીબે તે રંગા-બિલ્લાને રોકી શક્યો નહીં અને બિલ્લાની હરામીપંતીના કારણે રસ્તા પર પટકાયો.
lll
‘MHY 6688...’ અશફાકે સિવિલ હૉસ્પિટલના બેડ પર પડ્યા-પડ્યા જ નંબર લખાવ્યો, ‘ગાડીમાં બે બાળકો હતાં. છોકરી હતી તે સત્તરેક વર્ષની હશે અને જે છોકરો હતો તે બાર-તેર વર્ષનો હશે... સાથ મેં દો લોગ થે, જો ઉસે લેકર જા રહે થે. બચ્ચે છૂટને કિ કોશિશ કરતે થે...’
હૉસ્પિટલ ચોકીના કૉન્સ્ટેબલે નંબર તો લખી લીધો, પણ પ્રેગ્નન્ટ વાઇફ પાસે જલદી પહોંચવાની લાયમાં તેણે એ નંબર વાયરલેસ મોબાઇલને આપવાની તસ્દી સુધ્ધાં લીધી નહીં અને એક ખતરનાક ઘટના પોતાના અંજામ તરફ આગળ વધતી રહી.
lll
જે બેદરકારી હૉસ્પિટલ ચોકીમાં કૉન્સ્ટેબલે દેખાડી એવી જ બેદરકારી ઇન્સ્પેક્ટરે પણ દેખાડી, જ્યારે તેને જોરાવરે બેદરકારીથી ડ્રાઇવ કરતી ગાડી દેખાડી અને તેણે એનો પીછો કર્યો. પોતાના એરિયાની ઘટના નથી અને ગાડી હવે પોતાના પોલીસ સ્ટેશનની હદમાં પણ નથી એ જાણ્યા પછી નિરાંત અનુભવતા ઇન્સ્પેક્ટરે કદમ લંબાવી દીધાં; એટલું જ નહીં, જોરાવરને પણ તેણે શાંતિથી બેસવાનો આદેશ આપી દીધો.
વાત અહીં જ નથી અટકતી.
રાતના અઢી વાગ્યે નેહરુ હૉસ્પિટલમાં પણ આવી જ બેદરકારી દાખવવામાં આવી.
lll આ પણ વાંચો : નૉન-વેજ (પ્રકરણ ૧)
બે શખ્સ હૉસ્પિટલમાં આવ્યા, જેમાંથી એકના માથા પર લાંબો ઘા પડ્યો હતો. સારવાર માટે આવેલા ડૉક્ટરે એ ઘા જોઈને જ કહી દીધું કે આ ઍક્સિડન્ટ નથી, આ ઘા મારામારીનો છે.
‘સહી હૈ સા’બ...’ સાથે આવેલા કોલસા જેવા કાળા રંગના માણસે આવી ગયેલા જમાદારને ઉત્સાહ સાથે કહ્યું, ‘ત્રણ લોકો આવ્યા અને તેમણે અમારા પર હુમલો કરીને અમારી પાસેથી પૈસા અને અમે જે ચેઇન, ઘડિયાળ પહેર્યાં હતાં એ છીનવી લીધાં.’
‘તો ફિર ઉસને હમલા ક્યૂં કિયા...’
બહુ સહજ સવાલ હતો આ, પણ આ સહજ સવાલે પેલા કાળિયાને મૂંઝવી દીધો.
‘જી?’
‘હમલા... હમલા ક્યૂં કિયા જબ આપને સબ કુછ દે દિયા...’
‘ઉસ મેં ઐસા થાના...’ કાળિયાએ આજુબાજુમાં નજર ફેરવી અને એક ચીજ આંખ સામે આવતાં તેના દિમાગમાં ચમકારો થયો, ‘ઇસ ઘડી કે કારન...’
કાળિયાએ જે તરફ હાથ કર્યો હતો એ તરફ જમાદારે નજર કરી.
જેને માથામાં ઈજા થઈ હતી એ વ્યક્તિના હાથમાં એચએમટીની ઘડિયાળ હતી, જોકે એ લેડીઝ રિસ્ટ-વૉચ હતી.
બોલ્યા પછી કાળિયાએ પણ જીભ કચરી અને તરત જ જવાબમાં એ સ્પષ્ટતા પણ તેણે સાંકળી લીધી.
‘તેની દીકરી માટે તેણે આ ઘડિયાળ લીધી. પેલા લોકો આ ઘડિયાળ પણ લઈ જતા હતા. મારા મિત્રે આપવાની ના પાડી દીધી એટલે એ લોકોએ હુમલો કર્યો...’ સ્ટોરીમેકિંગ ચાલુ જ હતું, ‘હુમલા પછી અમે દેકારો કર્યો એટલે એ લોકો ભાગી ગયા અને આ ઘડિયાળ બચી ગઈ.’
‘હં...’ જમાદારે જોયું કે પાટાપિંડી પૂરી થઈ ગઈ છે એટલે તેણે કહ્યું, ‘ચાલો, ક્યાં આ બધું બન્યું એ મને દેખાડો...’
પંદર મિનિટ પછી બધા એક સૂમસામ ચોક પર ઊભા હતા અને જમાદારે આખી ઘટના કેવી રીતે ઘટી એ સાંભળી લીધી હતી.
‘કલ સુબહ નૌ બજે ચોકી પે આ જાના...’
જે ક્યારેય નહોતું બનવાનું.
કારણ કે વર્ણવવામાં આવી એ ઘટના ઘટી જ નહોતી અને જે લૂંટાયાની ફરિયાદ કરતા હતા તે જ આરોપીઓ રંગા-બિલ્લા હતા, જેમને શોધવાનું કામ બીજા દિવસની સવારથી આખા દિલ્હીમાં શરૂ થવાનું હતું અને રંગા-બિલ્લા બન્ને તો આજે રાતે જ જે પહેલી ટ્રેન મળે એમાં રવાના થઈને દિલ્હી છોડી દેવાના હતા.
lll
રંગા-બિલ્લા.
એંસીના દશકમાં ઑલમોસ્ટ દેશ આખો ધ્રુજાવી દેનારા આ બન્ને હરામખોરોનો જન્મદાતા મુંબઈ હતું.
રંગા ફિલ્મસ્ટાર બનવા મુંબઈ આવ્યો હતો અને બિલ્લા મુંબઈમાં ટૅક્સી ચલાવતો હતો. બન્નેની ઓળખાણ જનક શાહ નામની એક એવી વ્યક્તિએ કરાવી હતી જેનું કામ ચોરીનો માલ ખરીદવાનું હતું તો સાઇડ બિઝનેસ વ્યાજે પૈસા આપવાનું હતું.
નાની-મોટી ચોરી કરીને બિલ્લા આ જનકને ચોરીનો એ માલ વેચતો.
કામ માટે મુંબઈ આવેલા રંગાને ચાર મહિના સુધી કામ મળ્યું નહીં એટલે તેણે નાછૂટકે ગુજરાન ચલાવવા માટે જનક પાસેથી વ્યાજે પૈસા લીધા અને હવે તેને વ્યાજ કે મુદ્દલ ચૂકવવામાં પણ સાંસા પડતા હતા.
‘બિલ્લા, ઇસ બંદે કો કામ પર લગા...’ જનકે બન્નેને મેળવતી વખતે કહ્યું હતું, ‘નઝર ભી રખ ઇસકે ઉપર, દો હઝાર લેને હૈ ઇસ સે...’
સોહામણો લાગતો હોવાથી ખરીદદાર બનીને રંગાએ સોનીના શોરૂમમાં પહેલી ચોરી કરી. જેવાં ઇઅર-રિંગ્સ ગજવામાં નાખીને તે બહાર નીકળ્યો કે તરત જ બિલ્લાએ ગાડી ભગાવી. જો એ દિવસે બિલ્લા સહેજ પણ ગાફેલ રહ્યો હોત તો રંગા એ શોરૂમના માલિકના હાથે પકડાઈ ગયો હોત અને અત્યારે જેલમાં હોત.
એ દિવસ અને આજનો દિવસ.
બન્ને વચ્ચે ભાઈબંધી એવી તે પાક્કી થઈ ગઈ કે બિલ્લાએ રંગાને પોતાની સાથે જ રહેવા માટે બોલાવી લીધો. જોકે પાક્કી થયેલી એ ભાઈબંધીમાં પણ બિલ્લાનો સ્વાર્થ હતો.
નૉન-વેજ.
હા, બિલ્લા છોકરીઓ માટે નૉન-વેજ શબ્દનો પ્રયોગ કરતો અને આ નૉન-વેજ એ બિલ્લાની એક માત્ર કમનસીબી હતી.
બિલ્લાએ સૌથી પહેલી નજર બગાડી રંગાની સાથે મિત્રતા રાખનારી છોકરી પર.
રંગાને મળવા ઘરે આવેલી પરમિન્દરને ખબર નહોતી કે રંગા ઘરે નથી. રંગાની ગેરહાજરીમાં બિલ્લાએ તેની ગર્લફ્રેન્ડ પર રેપ કર્યો અને રંગાએ ભાઈબંધને માફી પણ બક્ષી દીધી! માત્ર એક જ કારણે કે એક સમયે આ ભાઈબંધે પોલીસના હાથમાં પકડાતાં તેને બચાવ્યો હતો. બસ, એ દિવસ અને દિલ્હીની છાયા-ગૌરવની ઘટના ઘટી એ સમય સુધી બન્ને સાથે રહ્યા અને સંજોગો પણ એવા જ ઊભા થયા કે બન્નેએ સાથે રહેવું પડે.
જનકે વ્યાજે આપેલા પૈસા નહીં ચૂકવતા એક વેપારીના ઘરે રંગા-બિલ્લા ઉઘરાણીએ ગયા. વેપારીએ સ્પષ્ટતા સાથે ના પાડી દીધી કે તે એ બન્નેને ઓળખતો નથી. ચડસાચડસીમાં વાત બગડી અને બિલ્લાએ ખાર રોડ પર રહેતા તે વેપારીની હત્યા કરી નાખી. હત્યા સમયે વચ્ચે પડેલી વેપારીની વાઇફના સ્પર્શ માત્રએ બિલ્લાને જુદા જ પ્રકારનો ઉશ્કેરાટ આપ્યો અને બિલ્લાએ પતિની લાશની બિલકુલ લગોલગ જ તેની વાઇફ પર બળાત્કાર કર્યો. આ રેપ સમયે રંગા ઘરના દરવાજા પર ચોકી કરતો બેસી રહ્યો!
જનકને વાતની ખબર પડે અને તે પોલીસને સામેથી જાણકારી આપી દે એ પહેલાં રંગા-બિલ્લા ત્યાંથી નીકળી ગયા અને પુણે પહોંચી ગયા.
પુણેમાં પણ રંગા-બિલ્લાએ પોતાનાં કારનામાં ચાલુ રાખ્યાં અને જે સમયે બન્નેને લાગ્યું કે તે લોકો ઝડપાઈ જશે એ મિનિટે તે બન્નેએ પુણે છોડી દીધું. પુણે પછી બે-ચાર શહેરમાં જઈને તે બન્નેએ કારસ્તાનો આગળ વધાર્યાં અને એ પછી બન્ને દિલ્હીમાં દાખલ થયા. દિલ્હીમાં આવ્યા એનો આ બીજો જ દિવસ હતો અને બીજા જ દિવસે બિલ્લાની નજર પડી નૉન-વેજ પર.
મેનિયાક એવા બિલ્લાની નજર પહેલેથી છાયાની કાયા પર હતી, નહીં કે અપહરણ પછી મળનારી રકમ પર અને આટલા સમયથી તેની સાથે ફરનારા રંગાને આ વાતની ખબર નહોતી પડી, કારણ કે હવે તે પણ મેનિયાક થતો જતો હતો.
ll
‘ભાઈ તો ગયા...’ ગૌરવને માર્યા પછી રંગાએ જ કહ્યું હતું, ‘નૉન-વેજ અભી ઝિન્દા હૈ... થોડા ખચપચ-ખચપચ કર લે...’
ખચપચ-ખચપચ કરવાની લાયમાં એ બન્નેને ખબર નહોતી કે તેમનું આ કૃત્ય બીજું કોઈ નહીં પણ એક એવું મૂંગુ પ્રાણી જોઈ ચૂકી છે જેને આખો દેશ ગૌમાતા કહે છે!
વધુ આવતી કાલે