છાયા-ગૌરવની હત્યાની તપાસમાં ૨૦૦થી વધારે આરોપીઓની અટકાયત કરવામાં આવી, પણ અટકાયત થયેલા તમામ આરોપીઓએ એ પુરવાર કરી દીધું હતું કે તેઓ સાંજથી રાતના ગાળામાં કોઈ અલગ જ જગ્યાએ હતા.
વાર્તા-સપ્તાહ
નૉન-વેજ (પ્રકરણ ૪)
‘એય, ક્યા કામ હૈ?!’ ટ્રેનમાં ચડેલા બે આગંતુકની સામે આવીને તેણે પૂછ્યું, ‘ચલો, નીચે ઉતરો...’
‘અબે જા ના...’
દરવાજો ખોલીને કમ્પાર્ટમેન્ટના ફૉયરમાં જ લંબાવી દેનારા શખ્સે આછકલાઈ સાથે તેને રોકનારાની સામે જોયું. તે કંઈ બોલે એ પહેલાં એ શખ્સની સાથે ચડેલા તેના સાથીએ પેલાને સહેજ ધક્કો માર્યો.
‘નિકલ...’
નશામાં ધુત એવા એ બન્ને શખ્સને ખબર નહોતી કે સામે જે ઊભો છે એ સેનાનો જવાન છે અને તેઓ બીજા કોઈ કમ્પાર્ટમેન્ટમાં નહીં પણ જવાનો માટે રિઝર્વ રહેતા ડબ્બામાં ચડી ગયા છે.
ટ્રેન ચાલુ થઈ ગઈ એટલે પેલો જવાન મનોમન કંઈક વિચારીને આગળ વધી ગયો અને નશાની તલબને લીધે પેલા બન્નેએ હાથે બનાવેલી ગાંજો ભરેલી બીડી સળગાવી. ગાંજાની તીવ્ર સુગંધ પાંચ મિનિટમાં આખા કમ્પાર્ટમેન્ટમાં ફેલાઈ ગઈ અને અંદર રહેલા સેનાના જવાનો પૈકી એક સિનિયર ઑફિસર પાસે રવાના થયો. એ સમયે પેલા બન્ને શખ્સને ખબર નહોતી કે આવનારા કલાકોમાં તે એવા લોકોના હાથમાં ફસાવાના છે જેમની પકડ હવે સીધી ફાંસીના માચડે છૂટવાની છે.
lll
ADVERTISEMENT
‘દો હફ્તે હો ગયે, ચલ અબ ચલતે હૈ...’
પંજાબના નાનકડા ગામડામાં ૪૮ કલાકમાં જ થાકી ગયેલા બિલ્લાએ રેલવે સ્ટેશન તરફ પગ ઉપાડ્યા એટલે રંગાએ પણ નાછૂટકે ચાલવું પડ્યું.
‘દિલ્હી નથી જવું...’ રંગાની દલીલ સાચી હતી, ‘તપાસ ચાલતી હશે...’
‘અરે છોડના...’ બિલ્લાના મનમાંથી હજી પણ છાયા જતી નહોતી, ‘કોઈ ઔર નૉન-વેજ મિલ જાએ તો મઝા આ જાએ...’
‘વો તો તુઝે યહાં ભી...’
‘શહરવાલી કી બાત ઔર હોતી હૈ...’ બિલ્લાએ હોઠ પર જીભ ફેરવી, ‘માલ પેટીપૅક હોતા હૈ...’
જવાબ આવ્યો નહીં એટલે તે સમજી ગયો કે રંગા ડરે છે. રેલવે સ્ટેશન પર દાખલ થતી વખતે બિલ્લાએ રંગાના ખભા પર હાથ મૂક્યો...
‘ડર મત, તેરા ભાઈ બૈઠા હૈ. તુઝે કુછ હોને નહીં દેગા...’
lll
આ બે વીકમાં દિલ્હી આખામાં દેકારો મચી ગયો હતો.
છાયા અને ગૌરવના રિયલ ફોટોથી માંડીને તેમની લાશના ફોટોએ હેડલાઇનમાં જગ્યા લઈ લીધી હતી તો ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમના શરૂ થયેલા એ નવા દોરમાં પત્રકારો એવા ઇન્ટરવ્યુ પણ લઈને આવ્યા જેમાં પુરવાર થતું હતું કે પોલીસે બેદરકારી દાખવી છે.
પોલીસની બેદરકારીની વાતો પેપરમાં પ્રસિદ્ધ થવાની શરૂ થઈ એટલે દિલ્હીની હોમ મિનિસ્ટ્રીથી માંડીને વડા પ્રધાન સુધ્ધાંને જવાબ આપવો પડે એવા મોડ પર તેઓ આવી ગયા.
સંસદભવનમાં પણ આ હત્યાકાંડનો પ્રશ્ન ચગ્યો અને વિરોધ પક્ષો એ સ્તર પર સામે આવી ગયા કે સત્ર સુધ્ધાં બંધ કરવું પડ્યું. સૌકોઈનો એક જ પ્રશ્ન હતો કે જે વ્યક્તિએ દેશની રક્ષા માટે પોતાનો પરિવાર ભૂલીને જીવ જોખમમાં મૂકવા સુધી હિંમત કરી હતી એ જ વ્યક્તિના પરિવારની રક્ષા આ દેશ ન કરી શકે તો એવી લોકશાહી કોઈ કામની નથી.
છાયા અને ગૌરવનાં માબાપના ઇન્ટરવ્યુ માટે નૅશનલ ન્યુઝપેપર રીતસર લાઇન લગાડીને ઊભાં હતાં તો ડિફેન્સ કૉલોનીના પ્રેસિડન્ટ એવા એક્સ-નેવી ઑફિસરે પણ સરકારને ચીમકી આપી દીધી હતી કે જો આરોપી પકડાશે નહીં તો એની માઠી અસર સરહદ પર રહેલા જવાનોના માનસ પર થશે.
વાત ખોટી પણ નહોતી.
દેશની રક્ષા કાજે છાતી પર ગોળી લેવા તત્પરતા દાખવતા જવાનોના હૈયે એટલું સાંત્વન તો હોવું જ જોઈએ કે તેમની ગેરહાજરીમાં તેમની ફૅમિલી સુરક્ષિત છે તો આ તરફ પોલીસ ડિપાર્ટમેન્ટ પણ રીતસર ફસાયો હતો. રંગા-બિલ્લાનું વર્ણન કરી શકે એવું કોઈ તેમને મળ્યું નહોતું. હૉસ્પિટલમાં રંગાની સારવાર કરનારા ડૉક્ટરે જે વર્ણન કર્યું હતું એનાથી વિપરીત વર્ણન અશફાકનું આવતું હતું. સ્કેચ તૈયાર થતો નહોતો એટલે રેલવે સ્ટેશન કે બસસ્ટૉપ પર પણ તપાસ શરૂ થઈ નહોતી. પહેલેથી ગાફેલ રહેલી પોલીસ હવે ભૂલ વચ્ચે ગફલત કરતી જતી હતી. જોકે આ વખતે ગફલતમાં બેસી રહેવાને બદલે એણે હાથ-પગ ચલાવવાનું શરૂ કરી દીધું હતું.
છાયા-ગૌરવની હત્યાની તપાસમાં ૨૦૦થી વધારે આરોપીઓની અટકાયત કરવામાં આવી, પણ અટકાયત થયેલા તમામ આરોપીઓએ એ પુરવાર કરી દીધું હતું કે તેઓ સાંજથી રાતના ગાળામાં કોઈ અલગ જ જગ્યાએ હતા.
‘એક કામ કરો...’ કમિશનર પટવર્ધને સ્ટાફને સૂચના આપી દીધી, ‘અગર એક હફ્તે મેં આરોપી નહીં મિલતે તો કિસી દો ઐસે હાઝિર કર દો જો ઉન બંદો જૈસે દિખતે હો... પર કેસ ખતમ કરો.’
સૂચના મળ્યાના ચાર દિવસ પસાર થઈ ગયા અને દિલ્હી પોલીસે આપવામાં આવેલી સૂચના મુજબ કામ પણ શરૂ કરી દીધું અને રંગા-બિલ્લાનું જે પ્રકારનું વર્ણન મળ્યું હતું એની નજીકનો દેખાવ ધરાવતા હોય એવા બે લોકોને પકડીને અજ્ઞાત જગ્યાએ લઈ જઈ ત્યાં સ્પેશ્યલ ટ્રીટમેન્ટ આપવાની જેથી જો પ્રેસ સમક્ષ તેમને હાજર કરવાના આવે ત્યારે તેઓ મૂંગા રહે અને દિલ્હી પોલીસની આબરૂ સચવાઈ જાય. જોકે સદનસીબ એ બન્ને આરોપીઓનાં કે દિલ્હી પોલીસે એવું કશું કરવું ન પડ્યું અને સાચા આરોપીઓ સાવ અનાયાસ જ તેમના હાથમાં આવી ગયા.
‘આપકે દો આરોપી હમારે પાસ હૈ...’
જે સવારે નક્કી થયું કે ખોટા લોકોને આરોપી બનાવીને બીજા દિવસે સવારે સામે મૂકી દેવા એ જ બપોરે દિલ્હી રેલવે સ્ટેશનથી પોલીસ કમિશનરને ફોન આવ્યો.
‘જી આપ...’
ઑપરેટરે ફોન ટ્રાન્સફર કરતાં પહેલાં નામ આપ્યું હતું, પણ એ નામ તેમને યાદ રહ્યું નહોતું. જાણે કે તેમનો સવાલ સમજાઈ ગયો હોય એમ ફોન કરનારી વ્યક્તિએ તરત જ જવાબ આપ્યો...
‘મેજર કુલદીપસિંહ રાણા ધીસ સાઇડ... ’ રાણાએ વાત આગળ વધારી, ‘આપકે વહાં પંદ્રહ દિન પહલે દો મર્ડર હુએ થે. એક લડકા, જીસ કા નામ ગૌરવ ઔર લડકી કા નામ શાયદ...’
‘છાયા...’ કમિશનરના અવાજમાં ઉત્સાહ આવી ગયો, ‘વો દો આરોપી...’
‘જી, હમારે પાસ હૈ... આઇયે આપ, હમ ઇન્તઝાર કર રહે હૈં આપકા.’
પટિયાલા-જમ્મુ એક્સપ્રેસ ટ્રેન દિલ્હીમાં પંદર મિનિટનો હૉલ્ટ કરે છે, પણ એ દિવસે એ ટ્રેન એક કલાકથી વધારે ઊભી રહી. ટ્રેનનો એકેએક પૅસેન્જર ટ્રેનની બહાર આવી ગયો હતો. કમિશનર પટવર્ધન એ દિવસે એવા ખુશ હતા કે તેમણે પટિયાલા-જમ્મુ એક્સપ્રેસમાં બેઠેલા તમામ પૅસેન્જરોને પોતાના તરફથી ચા પીવડાવી અને બાળકોને ગ્લુકોઝ બિસ્કિટનાં પૅકેટ આપ્યાં.
lll
‘સર, દો બંદે હૈ...’ જવાને રાણા પાસે આવીને કડક સૅલ્યુટ કરતાં કહ્યું, ‘નશા કર રહે હૈ, આપ કહે તો...’
જવાન માટે માત્ર હાથના ઇશારો જ કાફી હતો. ફરીથી સૅલ્યુટ કરીને તે પોતાની જગ્યાએ પાછો આવીને બેસી ગયો.
ટ્રેન આગળ વધતી રહી. થોડી મિનિટો પછી કુલદીપસિંહ રાણાએ બારીની બહાર જોયું. ટ્રેન પંજાબની સીમા છોડીને ઉત્તર પ્રદેશના ભિલોરની સીમામાં દાખલ થઈ ગઈ હતી. ભિલોર રાણાનું વતન હતું. પરિવારમાં કોઈ રહ્યું નહોતું. દીકરી ભણવા માટે ફૉરેન ચાલી ગઈ હતી અને જીવનસાથીને કૅન્સર થતાં તેનો દેહાંત થયો હતો. હવે ભિલોરમાં કોઈ એવું હતું નહીં જે તેને મળવા સ્ટેશન પર આવે અને એમ છતાં ભિલોર આવે ત્યારે રાણાને પોતાના નાનપણની વાતો અને યુવાવસ્થાના કિસ્સાઓ યાદ આવી જતાં.
ચીઈઈઈ...
આ પણ વાંચો : નૉન-વેજ (પ્રકરણ ૩)
કમ્પ્રેસરની હવા છૂટી અને એકશ્વાસે ભાગતી ટ્રેનનાં પૈડાં ભિલોર સ્ટેશન પર ઊભાં રહ્યાં. રોકડી ત્રણ મિનિટ ટ્રેન ઊભી રહે, પરંતુ આ ત્રણ મિનિટ પણ ભિલોરની હવા છાતીમાં ભરી લેવા રાણા તત્પર રહે.
‘ટ્રેન શુરૂ હોને સે પહલે ડિબ્બે સે ઉતર જાના...’
ટ્રેનમાંથી નીચે આવતી વખતે રાણાએ કમ્પાર્ટમેન્ટના ફૉયરમાં બેઠેલા પેલા બન્ને શખ્સને કહ્યું અને પછી તે નીચે આવીને સ્ટેશનને નીરખવા માંડ્યા. હજી પણ સ્ટેશન એવું જ હતું જેવું છોડીને તે અહીંથી નીકળ્યા હતા. એ જ સ્ટેશન, એ જ સ્ટૉલ અને એ જ ચિરપરિચિત ચહેરાઓ. હા, એક ફરક હતો. એક સમયે જે ચહેરા પર કાળા વાળ હતા એ હવે શ્વેત રંગના થઈ ગયા હતા. ચહેરા પર જે તુમાખી હતી એ તુમાખીએ હવે કરચલીનું રૂપ ધારણ કરી લીધું હતું અને આંખોમાં જે નશો હતો એ આંખોમાં મોતિયાનું ઑપરેશન કરાવવાનું શરૂ થઈ ગયું હતું.
પોઓઓઓ...
સ્ટેશન છોડવાની તૈયારીનો જાણે કે સંદેશો અપાતો હોય એમ ટ્રેને વ્હિસલ વગાડી અને ધીમી ગતિએ આગળ વધવાનું શરૂ કર્યું. ચુસ્ત બદનમાં સ્ફૂર્તિ ભરીને કુલદીપસિંહ રાણાએ પગમાં ઝડપ ભરી અને ચાલુ ગાડીએ ટ્રેનમાં ચડ્યા અને ચડતાંની સાથે જ તેમની નજર પેલા બન્ને ટપોરીઓ પર પડી.
એ બન્ને હજી એ જ અવસ્થામાં હતા જે અવસ્થામાં મૂકીને રાણા ટ્રેનમાંથી ઊતર્યા હતા.
‘સમઝ મેં નહીં આતા ક્યા?!’ રાણા એક ડગલું આગળ ચાલીને બન્ને પાસે ગયા, ‘પાગલ હો ક્યા?!’
‘પાગલ તેરા...’
સટાક...
‘તૂને મુઝ પે હાથ...’
રંગા ઊભો થવા ગયો કે બીજી જ ક્ષણે કુલદીપસિંહ રાણાએ તેને પગમાં આંટી મારીને જમીનદોસ્ત કર્યો. હવે બિલ્લાનો નશો પણ ઊતરી ગયો હતો. તેણે પીઠની પાછળ, કમરના ભાગમાં સંતાડી રાખેલો લાંબો છરો બહાર કાઢ્યો.
‘તું પહચાનતા નહીં...’
લાલચોળ થઈ ગયેલા ચહેરા સાથે બિલ્લાએ રાણા પર પહેલો ઘા કર્યો, પણ ચિત્તા જેવી ચપળતાથી ખસી ગયેલા રાણાએ એ ઘા નિષ્ફળ કર્યો અને બીજી જ ક્ષણે તેણે ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં ઉપરની બાજુએ રહેલા સળિયાને પકડીને પોતાના પગની લાત બિલ્લાની છાતી પર મારી.
ગેંડાની ચામડી મઢેલા બૂટ અને એમાં ઉમેરાયેલી આર્મી ટ્રેઇનિંગની તાકાત.
બિલ્લા પાંચ કદમ પાછળ સીધો વૉશરૂમ સાથે અથડાયો. એ અવાજ એવો તે ભારેખમ હતો કે કમ્પાર્ટમેન્ટમાં રહેલા સેનાના બાકીના જવાનોનું ધ્યાન પણ એ દિશામાં ખેંચાયું.
બસ, પછી શું?
પત્યું. જવાનો ત્યાં આવી ગયા અને બધાએ એ સ્તર પર રંગા-બિલ્લાની ધોલાઈ કરી જેની એ બેમાંથી કોઈએ કલ્પના નહોતી કરી. ધોલાઈ દરમ્યાન જ રંગાએ રાણાના પગ પકડી લીધા.
‘સબ કુછ બતાતા હૂં સા’બ... પર મારો મત... મારો મત.’
સબ કુછ બતાતા હૂં...
રાણાના કાન આ એક લાઇન પર સરવા થયા અને તે રંગાને ગરદનથી પકડીને કમ્પાર્ટમેન્ટના બીજા છેડે લઈ ગયા.
‘દેખ, પાંચ મિનિટ તેરી... છઠ્ઠી મિનિટ મેરી ઔર તૂ સીધા ઉપર...’
‘નહીં સા’બ, બતાતા હૂં... સબ બતાતા હૂં...’ પોપટ બનીને રંગાએ ઓકવાનું શરૂ કર્યુ, ‘ઉસે નૉન-વેજ મેં ઇન્ટરેસ્ટ થા... ખચપચ-ખચપચ કરના થા, ઇસલિએ લડકી કો ઉઠાયા, પર દોનો કાબૂ મેં રહે નહીં ઇસલિએ...’
રાણા માટે આ વાત સમજવી અઘરી હતી, પણ વાત કંઈક આવી હોઈ શકે છે એનો અંદેશો તેમને આવી ગયો હતો અને એટલે ધીરજ સાથે તેમણે કાન ખુલ્લા રાખ્યા અને એ પછી ભિલોરથી દિલ્હીની ચાર કલાકની સફરમાં માત્ર રંગાએ જ નહીં, બિલ્લાએ પણ બધું કહી દીધું. દેશની પોલીસથી જેને ડર નહોતો લાગતો એ હરામખોરો દેશની સેનાના હાથે ચડ્યા અને કલાકોમાં તો એ એકેએક ગુના કબૂલી લીધા જેણે દેશ આખો હમચાવી નાખ્યો હતો.
‘બસ, ફિર વહાં સે નિકલ ગયે...’
દિલ્હીના કાંડની વાત પૂરી થઈ ત્યાં સુધીમાં તો આખા કમ્પાર્ટમેન્ટના જવાનો રંગા-બિલ્લા ફરતે વીંટળાઈ ગયા હતા. જવાનોની ઇચ્છા હતી કે આ બન્ને હરામીઓને જીવતા સોંપવાને બદલે યમુનામાં જીવતા પધરાવી દેવા, પણ એવું કરવા માટે રાણા તૈયાર થયા નહીં.
‘અગર હમ કાનૂન કા માન નહીં રખેંગે તો બાકી ભી યે હી કરેંગે...’
દિલ્હી રેલવે સ્ટેશને ઊતરીને સ્ટેશન માસ્તરની ઑફિસમાંથી રાણાએ પોલીસ કમિશનરને ફોન કર્યો અને કમિશનરના હાથમાં રંગા-બિલ્લાને સોંપ્યા.
lll
‘ઇતના યાદ રખના...’ કમિશનર પટવર્ધનને ચેતવતાં રાણાએ કહ્યું હતું, ‘અગર યે દોનો ઝિન્દા બહાર નિકલે તો સરહદ પર બૈઠા હરએક જવાન યહાં આ જાએગા... અગર ઐસા નહીં ચાહતે હો તો યે દોનો સીધા ઉપર...’
‘હા, પર વો તો અદાલત...’
રાણાએ આકાશ સામે જોઈને હાથ ઉપર કર્યો.
‘ઉપરવાલે સે બડી કોઈ અદાલત નહીં હૈ...’
lll
રંગા-બિલ્લાને ફાંસીની સજા આપવામાં આવી. બન્નેએ દયાની અરજી કરી, પણ કુલદીપસિંહ રાણાની માગને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિએ એ અરજી નકારી કાઢી અને ફાંસીની સજા યથાવત્ રાખી.
સંપૂર્ણ