‘અરે બેટા, અહીંથી આગળ જઈ જમણી બાજુ વળી જા. ત્યાં જ બાથરૂમ છે.’ સત્યેનભાઈએ ભોળા ભાવે કહ્યું
વાર્તા-સપ્તાહ
દાગ-બેદાગ (પ્રકરણ ૧)
દિલ દીવાના...
દૂર ક્યાંક ગૂંજતા લતાના શાશ્વત કંઠે તેના હોઠ મીઠું મલકી ગયા. રુદિયે પ્રણયની વસંત હોય, આંખોમાં પ્રીતમનાં સમણાં હોય એ અવસ્થામાં પિયુનું ગમતું ગીત સવાયું મનગમતું થઈ જાય એની શી નવાઈ!
જિંદગીનો કેવો ખૂબસૂરત વળાંક!
દેવયાની વાગોળી રહી : જીવનમાં જોકે દુખનો પરિચય નાની ઉંમરે મા ગુમાવી ત્યારે થયેલો..
સુખદુખમાં સમતા રાખવાનું શીખવનારી મા નાની વયે કૅન્સરના નિદાનથી ડરી નહોતી. અરે, મૃત્યુના આગલા દિવસે બે સંતાનમાં નાની બાર વરસની દીકરીને શીખ દીધી હતી : ઘરનો પુરુષ દુખમાં હોય ત્યારે સ્ત્રીએ ચટ્ટાન બનતાં શીખી જવાનું હોય. દીકરાને કહેલું : નાની બહેનની આંખમાં આંસુ ન આવે એ તારે જોવાનું. પતિનો હાથ હાથમાં લઈને ચૂમેલો : અધવચાળ જાઉં છું એનો ખટકો રાખવાને બદલે જીવનને ભરપૂર માણીને જાઉં છું એની ધરપત રાખજો. તમે ત્રણે એકમેકને સંભાળી લેજો...
ADVERTISEMENT
કદાચ એટલે પણ માની વિદાયે ત્રણેને એકમેકની વધુ નજીક આણી દીધા...
આમ તો અક્ષર-દેવયાની વચ્ચે વરસનો જ ફેર. એટલે સરખેસરખા ભાંડુડાની જેમ લડતાં-ઝઘડતાં ને તોય એકના એક. માતાના અકાળ અવસાને પીઢતા જરૂર આવી, પણ એકબીજાને ચીડવવાનું કે ટીખળ કરવાનું છૂટ્યું નહીં. સત્યેનપપ્પા પણ તેમની સાથે તેમના જેવા બની જતા. મિત્રોની જેમ તેમને ટ્રીટ કરતા એમ તેમની સોબત-ઉછેર પર પણ પિતા તરીકે બાજનજર રહેતી.
‘પપ્પા જુઓને, ભાઈ મને મિડી પહેરવાની ના પાડે છે...’
અઢારની થઈને કૉલેજમાં આવેલી દેવયાની પિતાને રાવની ઢબે કહેતી, ‘ફ્રેન્ડની પાર્ટીમાં શું સાડી પહેરીને જાઉં?’
સત્યેનભાઈ દેવયાનીએ લાવેલી મિડી સામે જોતા પણ નહીં, ‘અક્ષુએ કંઈક વિચારીને જ કહ્યું હશે બેટી.’
‘પપ્પા, તમે પણ...’
‘નો આર્ગ્યુમેન્ટ્સ બેટા. અક્ષુ મોટો છે અને તે બરાબર જાણે છે કે તારા માટે શું સારું છે...’
દેવયાનીને ચોક્કસ ખોટું લાગતું. મમ્મી હોત તો મને સમજી હોત એવુંય બોલી જતી અને રૂમમાં જઈને આંસુ સારતી.
‘ઠીક છે, ભાઈની પાબંદીની કિંમત તારાં અશ્રુ હોય તો અમે એ ઍફૉર્ડ ન કરી શકીએ...’ પિતા રડતી દીકરીની પીઠ પસવારતા, ‘તારી મરજીનો પહેરવેશ પહેરવાની તને છૂટ. આપણા સમાજમાં ભલે વગોવણી થતી કે સત્યેનભાઈની દીકરી ઉછાંછળી છે, મા વિનાની દીકરીમાં સંસ્કારભાન નથી!’
‘આવું બોલનારની હું જીભ ન વાઢી લઉં!’ દેવયાનીનું ખમીર રણઝણી ઊઠતું. સત્યેનભાઈ હસતા, ‘તારો આ ઍટિટ્યુડ પણ આપણા સમાજનો વારસો છે... ખુમારી આપણા લોહીમાં વહે છે. વેસ્ટર્ન કપડાંમાં ખરાબી છે કે એ પહેરનારા ખરાબ છે એવું જતાવવાનો આશય નથી. હું કે તારો ભાઈ એટલા સંકુચિત પણ નથી. મુદ્દો એ જ છે કે એ આપણી પરંપરા નથી. તારી માનો જ દાખલો લે. તેં તેને કદી જીન્સ કે ઈવન ચૂડીદાર પણ પહેરતાં જોઈ? હંમેશાં સાડી. આપણે મુંબઈ વસ્યા છીએ એટલે અહીં ઘૂમટો ન કાઢે, પણ ગામ જઈએ ત્યારે લાજ કાઢવી ફરજિયાત છે.’ સમજાવટની ઢબે પિતા કહેતા, ‘તારી મમ્મી સ્ત્રી-સ્વતંત્રતાની હિમાયતી અને વુમન એમ્પાવરમેન્ટનાં કેટલાં કામ કરતી. તોય તેણે કદી આનો વિરોધ નહોતો કર્યો. શું કામ?’
દેવયાની જવાબ માટે પિતાને તાકી રહેતી.
‘કેમ કે વડીલોની લાજ કાઢવામાં સ્ત્રીનું શોષણ નથી. એ કેવળ સંસ્કાર છે, અનુસરવા યોગ્ય પરંપરા છે એવી તેને સમજ હતી. બેશક, રિવાજના નામે જડતા પ્રસરે એ ખોટું એમ સ્વતંત્રતાના નામે સમાજના દરેક રિવાજને કુરિવાજ ઠેરવી દેવાની ફૅશન થઈ પડી છે એમાં નીરક્ષીરનો વિવેક આપણને હોવો ઘટે.’ સત્યેનભાઈ ઉમેરતા, ‘આપણામાં જોબનમાં આવેલી કન્યાને ઓઢણી માથે નાખ્યા વિના ક્યાંય જવાની પરવાનગી નથી... તારા માટે એવો આગ્રહ તો અમે નથી રાખતા. અત્યારે પણ તને વારવાનું કારણ એટલું જ કે લગ્ન પછી સાસરે તને આપણી પ્રણાલીઓ બંધનરૂપ નહીં લાગે.’
સાસરું. પ્રણાલીઓ. દેવયાની લજાતી.
‘તું અને અક્ષુ બેઉ મોટાં થયાં... ‘દીકરાને તેડાવીને સત્યેનભાઈએ ફોડ પાડેલો, ‘તમારે આપણી કેટલીક પરંપરાઓથી વાકેફ થવું ઘટે. અલબત્ત, તમને આપણી ન્યાત બહારનું પાત્ર પસંદ કરવાની છૂટ છે. લવમૅરેજનો હું વિરોધી નથી. બાકી અરેન્જ્ડ મૅરેજમાં આપણે ત્યાં સાટાપાટા પ્રથા ચાલે છે એ કહી દઉં.’
‘વૉટ ઇઝ ધૅટ?’ અક્ષર ટહુકેલો.
‘દીકરી આપીને દીકરી લેવાની...’ સત્યેનભાઈએ દાખલો આપેલો, ‘તારું સગપણ લઈએ તે કન્યાનો ઉંમરલાયક કુંવારો ભાઈ હોય તો આપણે દેવયાનીનું કન્યાદાન ત્યાં કરવું પડે યા પહેલાં દેવયાનીનું સગપણ નક્કી થાય તો તેની નણંદ સાથે તારા વિવાહ લેવાનો રિવાજ એ સાટા પ્રથા.’
કહીને તેમણે પેઢીઓ જૂની પ્રથાના ફાયદા ગણાવ્યા : બે ઘર વચ્ચે દીકરીના સાટામાં કોઈ દીકરી દુખી ન થાય, કેમ કે એકનું પિયર બીજીનું સાસરું હોય એટલે બન્નેનાં માવતરને નિરાંત. સાળા-બનેવી વચ્ચે પણ સુમેળ રહે એવી દીર્ઘ દૃષ્ટિ આમાં રહેતી. તારી મમ્મી અને હું અમારા માવતરનાં એકનાં એક હતાં એટલે તમે આવું જોયું ન હોય, પણ આજેય આ પ્રથા ચલણમાં છે એનો ખ્યાલ રાખજો..
‘આપણને એનો વાંધો નથી...’ બટકબોલા અક્ષરે નાની બહેનનો ચોટલો ખેંચ્યો, ‘જો દેવી, તારો વર ભલે કાળોકૂબડો હોય, પણ નણંદ ફુલફટાક હોવી જોઈએ, સમજી!’
પછી તો ભાઈ-બહેન એવાં બાઝતાં. સાંજે ફ્રેન્ડની પાર્ટી માટે દેવયાની માથે દુપટ્ટો નાખીને નીકળે એ જોઈને અક્ષુ થમ્બ-અપ કરે, સત્યેનભાઈની પાંપણે બુંદ જામે : ધન્ય દીકરી!
પિતાની સમજાવટ પછી દેવયાનીને ક્યારેય મૉડર્ન પહેરવેશના ધખારા જાગ્યા નહીં. તે પરંપરાગત પહેરવેશથી ખુશ હતી. બલ્કે પોતાને એ વધુ શોભે છે એ પણ હકીકત હતી. બાકી રિવાજના નામે અહી બંધિયારપણું નહોતું. અક્ષરનું લક્ષ્ય પહેલેથી આર્મી જૉઇન કરવાનું હતું. કૉલેજ પતાવીને તેણે આર્મીની ભરતી પરીક્ષા પાસ કરી તો દીકરીને પિતાએ ફૅશન ડિઝાઇનિંગનુ ભણવાની છૂટ આપી. ભાઈએ કદી કૉલેજમાં બૉય્ઝ જોડે મિત્રતા બાંધવામાં પાબંદી ન મૂકી. કોઈ પ્રત્યે પ્રીત જાગી હોત તો તેમણે હોશભેર એનો પણ સ્વીકાર જ કર્યો હોત... ભણ્યા પછી દેવયાનીએ પોતાનું બુટિક ખોલ્યું. ચારેક વરસમાં કામ-નામ જમાવ્યા પછી પિતાએ પૂછ્યું : હવે તારા માટે મુરતિયો ગોતું?
દેવયાનીની જેમ અક્ષરની હૈયાપાટી પણ કોરી હતી. એટલે સત્યેનભાઈની ઇચ્છા એવી ખરી કે એક જ ઘરમાં દીકરા-દીકરીનો મેળ પડી જાય...
‘તો-તો માની લો હું જે પ્રસ્તાવ લાવી છું એ તમારા માટે ટેલરમેડ જેવો છે...’
દેવયાની માટે કહેણ લાવનારાં દૂરનાં વૃંદાફોઈએ પોરસથી કહેલું, ‘રાજકોટના દીવાન કુટુંબને તો તમે જાણતા હશો... મનોહર દીવાનજીનું જમીનદારીનું કામકાજ છે. શહેરમાં પાંચમાં પુછાય એવી શાખ. તેમનાં બે સંતાન. મોટો દીકરો અંશ અને તેનાથી ત્રણ વરસ નાની દીકરી નેહાલી. અંશ પિતાના વાડીવજીફા સંભાળવા ઉપરાંત નીવડેલો પેઇન્ટર છે. તેનાં ચિત્રો લાખોમાં વેચાય છે... નેહાલી હજી એકવીસની છે અને કૉલેજમાં ભણે છે. તે જોકે બે વરસ સુધી લગ્ન માટે તૈયાર નથી, પણ સાટામાં થતું હોય તો તેના પેરન્ટ્સ અને ભાઈ તેને મનાવી-સમજાવી છએક માસમાં તે ગ્રૅજ્યુએટ થઈ રહે કે તેનું સગપણ લઈ રાખવા રાજી છે.’
આ પણ વાંચો :નામ-બદનામ (પ્રકરણ ૧)
અરે વાહ! સત્યેનભાઈ દીકરા-દીકરી બેઉનો મેળ પડશે એ વિચારે રાજી થયા. નેહાલીની મનમરજી વિના તેનું સગપણ નહીં થાય - દીકરીને મળતી એ સ્વતંત્રતા દેવયાનીને સ્પર્શી ગઈ. અક્ષુએ અંશની લાયકાત નિહાળીને બહેન માટે હામી ભરી.
પરિણામે રાજકોટના ઘરે પ્રથમ મુલાકાત ગોઠવાઈ. હવેલી જેવું મકાન હતું. રજવાડી ઢબે તેમની આગતા-સ્વાગતા થઈ. વડીલોની હાજરીમાં મુરતિયાઓએ એકલા મળવાનો તો રિવાજ જ નહોતો.
‘તમે નેહાલીને?’ મહિલાવર્ગ દેવયાની સાથે અને પુરુષવર્ગ અંશ જોડે વાતોમાં મશગૂલ બન્યો એટલે તક ઝડપીને અક્ષુએ નેહાલીને સાધી. આભલાંવાળાં લીલા-પીળાં ચણિયાચોળીમાં અત્યંત ખૂબસૂરત લાગતી નેહાલી અક્ષરની પહેલે સહેજ સંકોચાઈ. કદાચ તે જાણતી હશે કે ભવિષ્યમાં અમને પરણાવવાનું વડીલો વિચારે છે... અક્ષરને જોકે અત્યારે પોતાનું નહીં, બહેનનું ચોકઠું ગોઠવવામાં ધ્યાન હતું.
‘તમને નથી લાગતું કે જેમનાં લગ્ન થવાનાં છે તેમણે એકબીજા જોડે વાતો કરવી જોઈએ, એકબીજાને જાણવા જોઈએ?’
‘તમે કોનાં લગ્નની વાત કરો છો?’ નેહાલી સચેત થઈ. અક્ષરને તેની સાવધાની સમજાઈ નહીં, ‘બીજા કોની? મારી બહેન અને તમારા ભાઈનાં લગ્નની. તેમનો મેળાપ ગોઠવોને. ઘર દેખાડવાના બહાને તમે દેવીને લઈ જાવ, હું અંશકુમારને મોકલું છું.’
ભાઈ પાછળ કુમારનું છોગું નેહાલીને મલકાવી ગયું. અક્ષર મુગ્ધપણે તેના સ્મિતને માણી રહ્યો.
‘એમ કહોને આપણે બે તડપતાં દિલોને મેળવવાનું કાવતરું કરવાનું છે!’
‘દિલોને મેળવવાનું કાવતરું... શું શબ્દપ્રયોગ છે! સાહિત્યનાં શોખીન લાગો છો! કે પછી મહોબતનાં મરીજ?’
નેહાલીએ નજર ફેરવી લીધી, ‘હું ભાભીને લઈ જવાનું ગોઠવું છું.’
તે જીદ કરીને દેવયાનીને પોતાની રૂમ દેખાડવા લઈ ગઈ. એની થોડી વારે અક્ષરે અંશને પૂછ્યું, ‘કુમાર, જરા બાથરૂમ દેખાડશો?’
‘અરે બેટા, અહીંથી આગળ જઈ જમણી બાજુ વળી જા. ત્યાં જ બાથરૂમ છે.’ સત્યેનભાઈએ ભોળા ભાવે કહ્યું.
‘તમને જબરી ભૂગોળ યાદ રહી જાય છે પપ્પા! પણ હું ભૂલો પડી જઈશ. સો અંશકુમાર, પ્લીઝ..’
તેને દોરતા અંશને તોય બત્તી નહોતી થઈ.
‘તમેય યાર, શું બાથરૂમ દેખાડો છો! જાવ, દેવીને મળવું હોય તો નેહાલીની રૂમમાં પહોંચો..’
- ઍન્ડ આઇ ટેલ યુ દેવી, ખરેખર બાથરૂમ લાગી હોય એમ અંશકુમાર દોડ્યા હતા!
અક્ષુના શબ્દો સાંભરતી દેવયાની અત્યારે પણ મલકી પડી.
નેહાલીએ ઘર દેખાડ્યું એમાં તેની સાથે બહેનપણાં બંધાઈ ગયાં. ‘તમે અહીં બેસો, હું એક કામ પતાવીને આવી..’ કહીને તે બહાર નીકળી અને થોડી મિનિટમાં અંશે દેખા દીધી!
‘તમારે કંઈ પૂછવું–કહેવું હોય તો આપણી પાસે વૉશરૂમ જવા જેટલો જ સમય છે..’
‘જી?’ દેવયાનીએ ત્યારે ભાઈ-નેહાલીનું કાવતરું જાણ્યું. મલકી જવાયું.
‘દેવયાની, તમે ખૂબસૂરત છો એવું તો આયનો પણ કહેતો હશે. કદી મારી પીંછીને લાભ આપો તો કૅન્વસ પણ એ જ કહેશે..’
કેવી વિનયસભર પ્રશસ્તિ!
અને બે હૈયાં ધીરે-ધીરે ખૂલતાં ગયાં.
‘અમારે ત્યાં બિનજરૂરી રોકટોક નથી. રિવાજનું ચલણ ખરું, પણ તમારી મનમરજીના ભોગે નહીં. તમારે બુટિક ખોલવું હોય તોય છૂટ અને જમીનદારીનાં કામો જોવા હોય તો એમાં પણ વેલકમ.’
‘યા, નેહાલીની મરજી વિના તમે સાટું નહીં કરો એ પણ મને ગમ્યું.’
‘જોકે હું નથી માનતો કે નેહાલી અક્ષર માટે ઇનકાર કરે... થોડો સમય લેશે, પણ તે સાટાપ્રથા બાબત જાણે છે. તાજેતરમાં ગુજરાતી ગાયિકાના કિસ્સાને કારણે આ પ્રથા આમેય ચર્ચામાં છે... જોકે આવી પ્રથા ન હોય તોય અક્ષર જેવા મુરતિયાને નકારવાનું કારણ જ નથી...’
કાશ, એ દિવસ પણ જલદી આવે!
અત્યારે દેવયાનીએ ફિંગર ક્રૉસ કરી. મહિના અગાઉની એ પહેલી મુલાકાત બાદ બન્ને પક્ષનો હકાર થતાં ગોળધાણા ખવાયા અને આવતા પખવાડિયે સગપણનું મુરત છે. આમાં પણ મેંદી, સંગીત અને સગાઈ એમ ત્રણ દિવસનું ફંક્શન રાજકોટ ખાતે છે. સો-સવાસો જેટલાં અમારાં સગાંવહાલાંનો ઉતારો હવેલી નજીકના પાર્ટી-પ્લૉટમાં રહેશે. ભાઈ-પપ્પા કેટલા ઉત્સાહી છે ફંક્શન માટે. ભાઈએ ખાસ અઠવાડિયાની રજા મંજૂર કરાવી છે. અંશુ પણ સગાઈ માટે એટલા જ બેતાબ છે. આમ તો અમારામાં વિવાહ પહેલાં મળવા-મૂકવાની છૂટ નથી હોતી, પણ મોબાઇલના જમાનામાં વિડિયો કૉલથી તો મળી જ શકાય. કેવાં ઘેલાં-ઘેલાં સમણાં અમે સજાવીએ! અક્ષુની તો પાકી દોસ્તી થઈ ગઈ છે અંશુ સાથે.
અક્ષરને પોતે પૂછીયે લીધું છે - તને નેહાલી ગમે છે?
‘ઓહ, કમ ઑન દેવી, તું જો એમ માનતી હોય કે તારી નણંદ માટે હું હા પાડીશ તો... ઓ માય ગૉડ, કૉન્ગ્રેચ્યુલેશન્સ! યુ આર ઍબ્સૉલ્યુટલી રાઇટ!’
અક્ષરની અદા પર દેવયાની હસીને બેવડ વળી ગયેલી : ખરો ફિલ્મી!
નેહાલી મારી સાથે ભળી ગઈ છે... વડીલોની મરજી તેનાથી છૂપી નથી. સગાઈના અવસરે અંશુને મળવાનું થાય ત્યારે હું અક્ષુના હૈયાનો અણસાર આપી દઈશ. એથી અંશુ પણ રાજી જ થવાના.. હવે તો ભાઈ માટે મારી નણંદને હકાર ભણાવું તો હું બહેન ખરી!
દેવયાનીએ ગાંઠ વાળી, પણ નેહાલીના મનની તેને ક્યાં ખબર હતી?
વધુ આવતી કાલે