Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > બ્લૅકમેઇલ (પ્રકરણ ૨)

બ્લૅકમેઇલ (પ્રકરણ ૨)

Published : 16 May, 2023 12:40 PM | IST | Mumbai
Samit (Purvesh) Shroff

‘એ જેવી તમારી મરજી, પણ તમારા મર્યા પછીની થોડી જ મિનિટોમાં તમારી રંગીન તસવીરો વિશ્વભરમાં ફરતી થઈ જશે. એનો બદલો ભૂત બનીને મારી સાથે ન લેતા.’

બ્લૅકમેઇલ (પ્રકરણ ૨)

વાર્તા-સપ્તાહ

બ્લૅકમેઇલ (પ્રકરણ ૨)


રાજ કેવા ગહેરી નિંદમાં સૂતા છે! પ્રણયકીડામાં પરિતૃપ્તિ વરસાવી મોજથી પોઢી જતો પિયુ દરેક માનુનીને અતિ વહાલો જ લાગતો હશે... લેખાને પણ થયું કે રાજને મેંશનું ટપકું કરી લઉં!
‘બળ્યું આ રૂપ!’
લલિતામાના શબ્દો પડઘાતાં લેખા ટટ્ટાર થઈ. રાજનું ઓઢવાનું સરખું કરી, પોતે પલંગ પર લંબાવતાં સાંભરી રહીઃ
સગી સાવિત્રીમા તો પોતે નવ મહિનાની હતી ત્યારની ગુજરી ગયેલી. સમજ આવી ત્યારથી લલિતામાને પોતાને વઢતાં અને ત્રણ વરસ નાના ભાઈ રણજિતને લાડ લડાવતાં જ જોઈ છે. આવું કેમ? પિતાને પૂછતી તો તે બિચારા નિસાસો નાખતા : હું જ ભૂલ્યો દીકરી! નમાયી દીકરી ખાતર મા લાવ્યો, પણ તારી નવી માને મા બનતાં ન આવડ્યું!’ 
થોડી વધુ મોટી થયા પછી સમજ વિસ્તરી : આનો અર્થ એ કે હું લલિતામાની સગી દીકરી નથી, રણજિત મારો ઓરમાન ભાઈ છે!
પછી તો માના જુલમ, ત્રાસ કોઠે પડતા ગયા. મન બહુ જ ભરાઈ આવતું તો પિતાની સોડમાં લપાઈ જતી યા સાવિત્રીમાની એકમાત્ર નિશાની એવી તેની છબિને હૈયે ચાંપીને અશ્રુ વહાવી લેતી.


‘માને આમ છાતીએ વળગાડે છે તે તારી મા જેવી ન થતી!’ લલિતામા શબ્દોના ડામ દેતાં. જીવ વધુ પીંજાતો : મા જેવી ન થતી એટલે? મારી મામાં શું ખરાબી હતી?
‘ખરાબી?’ લલિતામાના હોઠ વંકાતા, ‘પૂછ તારા બાપને! જૂનાગઢના તવાયફ બજારમાંથી તે જ લાવ્યો હતો તારી માને!’
પંદરમા વરસે તવાયફનો અર્થ ન સમજાય એટલી નાદાની નહોતી. કાળજે ઘા થયો. બાપુ પહેલાં મા પર ભડક્યા, પછી મને ફોડ પાડ્યો : તારી મા તવાયફ નહોતી દીકરી. પિતાએ અથરા સ્વરે સુધારેલું, ‘બલકે તે તવાયફ કેસરબાઈની દીકરી હતી, જેને કેસરબાઈએ ગંદા માહોલથી દૂર રાખેલી. અમે કૉલેજમાં સાથે થયાં, પ્રેમ થયો. તેણે પોતાના વિશે કશું છુપાવ્યું નહીં એથી પ્રીત ગાઢ બની. બેશક, આપણે ઊંચી જ્ઞાતિના એટલે ઘરે વિરોધ થયો. બસ, બધાને પાછળ છોડીને અમે આગળ નીકળી ગયા અને ત્રિકમગઢ આવીને વસ્યા. તારો જન્મ થયો. બહુ નાની ઉંમરે સાવિત્રી આપણને છોડીને જતી રહી. હવે કેસરબાઈ પણ નથી. મારા કુટુંબમાં પણ કોઈ રહ્યું નથી... અહીં કોઈ સાવિત્રીના બીજા રૂપ વિશે જાણતું નથી. લલિતાને કહીને મેં મોટી ભૂલ કરી.’ 



પિતાજી સાવકી માને વઢતા, ‘ખબરદાર જો ફરી સાવિત્રી વિશે ઘસાતું બોલી તો.`
લલિતા એથી ઓછપાતી નહીં, ‘હાસ્તો, તમને તો હું જ ભૂંડી લાગવાની! પણ યાદ રાખો, નામની સાવિત્રી હોવાથી તે સતી નથી ગણાવાની!’
આમાં ઝઘડો વધ્યો. બાપુની સંવેદના ઘવાતાં હૃદયરોગનો તીવ્ર હુમલો ને ખેલ ખલાસ!
રાજના કારભારી રહેલા પિતાની બચતમૂડી સારી એટલે ગુજારો થઈ રહ્યો. મા ઘરનાં કામ કરાવે, શબ્દોનાં બાણ ચલાવે ને પછી તો રણજિત પણ દાદાગીરી દાખવી લેતો. એ બધું સહન કરીને હું ભણતી રહી અને પછી નોકરીએ લાગી.


એ પણ પોલો ક્લબમાં, જ્યાં રાજવી કુટુંબના સભ્યો ઉપરાંત શહેરના ઉમરાવો પોલો રમવા આવતા. વાર્ષિક હરીફાઈમાં તો મેદાનમાં મેળાવડો જામતો. જોકે ક્લબની મૅનેજર તરીકે મને ઇન્તેજાર રહેતો શનિ-રવિનો!
અને એનું કારણ હતા પ્રિન્સ રાજવીર! અર્ણવસિંહને એટલો શોખ નહીં કદાચ રમતનો, પણ રાજવીર તો ઘોડેસવારી કરવા પણ આવી જતા. વાઇટ ટી-શર્ટ અને શૉર્ટ્સમાં તેમનો ખડતલ દેહ ખીલી ઊઠતો. કૅબિનની બારીમાંથી હું તેમની ઘોડેસવારી નિહાળતી ક્યારે તેમના પ્રેમમાં પડી એની સૂધ ન રહી!
અલબત્ત, પ્રેમમાં પડવાનું કારણ કેવળ તેમનો દેખાવ નહોતો... તેમના સ્વભાવની સરળતા અને નિરભિમાનીપણું મને વધુ ગમી ગયેલાં. ક્યારેક ક્લબનો રાઉન્ડ લેવાનો થાય ત્યારે તે પણ મને તાકતા જણાય ખરા! પછી તો એવું બનતું કે રાજવીર ઘોડેસવારીથી વધુ સમય કૅબિનમાં વિતાવતા. માલિક-નોકરની સ્થિતિ એ ક્ષણોમાં ખરી પડતી. એક દિવસ એમ જ તેમણે પૂછી લીધું : લેખા, મારી જોડે પરણીશ?

ના પડાય નહીં અને હા ભણવા જેવી મારી હેસિયત ક્યાં હતી? જોકે એ મર્યાદા રાજકુટુંબને ન નડી એટલે નતમસ્તક થઈ જવાયું હતું.
રિશ્તાની વાત ઘરે પહોંચી ત્યારે લલિતામા બઘવાયેલાં : ‘આવડી આ છોકરી રાજરાણી બનશે? બળ્યું આ રૂપ,’ 
સગપણનું શુકન દેવા મહેલથી સ્વયં તારા રાણી પધારેલાં. રજવાડી મહેમાનો જતાં લલિતામાએ ટલ્લા ફોડ્યા હતા, ‘કેટલી રાતે રાજાનો કુંવર રીઝ્યો?’
‘આખરે લોહી તો તવાયફનુંને મા.’ રણજિત પણ ક્યાં ઓછો ઊતરે એમ હતો? 
તેના ઉદ્ગારે લલિતામા ચમકેલાં : છોકરી, તેં રાજને તારી માનાં મૂળ-કુળ કહ્યાં નથી લાગતાં... 
એવું ક્યારેય સૂઝ્યું જ નહીં... રાજવીરથી છુપાવવાનો ઇરાદો હોય જ નહીં. અરે, લલિતામા-રણજિત ઓરમાયા છે એવુંય કહેવાયું નહીં. એવી વાત, એ સંદર્ભ કદી ઊખળ્યા જ નહીં. પ્રીતમાં ક્યારેક આવું પણ ઇરાદા વિના બનતું હોય છે.


‘તો હવે એના પર પડદો જ રાખ મારી બાઈ! સાવિત્રીની સચ્ચાઈ ત્રીજું કોઈ જાણતું નથી ને અહીંથી કોઈ મહેલે કહેવા નથી જવાનું કે આપણે સાવકા મા-દીકરી છીએ! એવી જાણ થાય તોય શું? કહેવાનું કે અમે સગાં-સાવકાના ભેદ રાખ્યા જ નથી!’
ઓરમાનમા એકદમ મીઠી કેમ થઈ?
‘બસ, તું તારે એટલું યાદ રાખજે કે તારી પેદાશનો ભેદ તારી આ સાવકીમા અને ભાઈ જાણે છે! તું તારે અમને જાળવી લેજે. વાર-તહેવારે મોકો જોઈને અમારી ઝોળી ધનધાન્યથી ભરતી રહેજે, બીજું શું!’
બીજા શબ્દોમાં આ બ્લૅકમેઇલિંગ થયું, પણ લલિતામા પાસે બીજું અપેક્ષિત પણ શું હોય? ના, મારે આવી કોઈ લટકતી તલવાર નથી રાખવી. રાજથી હું એટલું મોટું સત્ય છુપાવી ન શકું...
‘જા, જઈને કહી દે! પણ પછી તે છોકરાનું હૈયું ભાંગશે. હૃદયભંગ થયેલો માણસ શું ન કરે? તેં છેતર્યાનો આઘાત તેને આપઘાત કરવા પ્રેરે તો...`
શિવ... શિવ! આ કલ્પના જ અસહ્ય હતી. 

આ પણ વાંચો: બ્લૅકમેઇલ (પ્રકરણ ૧)

‘તેને આવવામાં વાર છે!` લેખાએ દિયરના કાનમાં ટહુકો પૂર્યો. પછી પડખે ચાલતી તર્જનીને કામ ચીંધ્યું : પહેલા માળે કુંવરીનો કક્ષ છે. મારા દિયરની સંદેશવાહક બનીને જા અને તેનો એક હાઈ ક્લાસ ફોટો પાડી આવ!

- અને બસ એક રહસ્ય ભીતર દબાવીને હું રાજઘરાનાની વહુ બની. જાતને મનાવી લીધી : મને મારા માવતરની પ્રીત પર ગર્વ છે, માની કૂખ મળ્યાનો નાઝ છે અને એ સત્ય હોય તો માના કુળ-મૂળની ચર્ચા જ અસ્થાને છે!
રાણીમા પોતે જ ઉદાર મને પિયરમાં વહેવાર કરવા કહેતાં હોય એટલે સાવકા મા-ભાઈનું મોં ભરવામાં તકલીફ નથી આવી... ખરેખર તો રાણીમા વારતહેવારે તેમને તેડવા કહે છતાં લલિતામા-રણજિતને મહેલથી, મારા સંસારથી અળગા રાખવાની સાવધાની મેં રાખી જ છે, આગળ પણ રાખીશ. ગાંઠ વાળીને લેખાએ ઉમંગ ભર્યો: 
હવે તો કાલે મારા દિયરની સગાઈ ઉલ્લાસભેર માણવી છે! 
lll

‘પધારો મોંઘેરા મહેમાન!’
રાજમાતાને આવકારતાં ઉદયસિંહજી-તારામતી ભાવવિભોર બન્યાં. બે કુંવરો અને લેખા વહુએ પાયલાગણ કર્યાં.
‘આ તર્જની. મારી દીકરી જ માનોને.’ રાજમાતા તેના જાસૂસ હોવાનો ફોડ પાડતાં નહીં. શી જરૂર!
‘પણ મને મહેમાન ન માનતાં,’ તર્જની મીઠું મલકી, ‘લેખાભાભી, સગાઈના કામકાજમાં મને તમારી સાથે જ રાખજો.’
વાહ, છોકરીએ તો આવતાં જ બધાનું મન મોહી લીધું!
lll

છેવટે તૈયાર થઈને સૌ હૉલમાં ભેગા થવા માંડ્યા. રાજમાતા સાથે તર્જની પણ પ્રવેશી. મહેમાનોની સરભરામાં વ્યસ્ત લેખાને તૈયાર થવા મોકલીને તર્જની મહેમાનોમાં ફરી કંઈ જોઈતું કરવાનું હોય તો પૂછતી રહી. શરબત-સૂકા મેવાની ડિશ બધાને પહોંચે છે એની ખાતરી કરતી તર્જનીએ વાત-વાતમાં જાણી પણ લીધું કે શાહી મહેમાનોથી સહેજ અલગ બેસીને મીઠાઈની બબ્બે પ્લેટ આરોગી ગયેલાં સન્નારી લેખાભાભીનાં માતુશ્રી છે. તેમની સાથેનો જુવાન ભાભીનો ભાઈ રણજિત જ હોવો જોઈએ.

લલિતાબહેનની નજર પણ તર્જની પર હતી : પીળા-લીલા ઘાઘરા-ચોળીમાં આ યુવતી કેવી રૂપાળી લાગે છે. લેખાના સાસરાની જ કોઈ સગી હશે. મારા રણજિત જોડે આનું ગોઠવાય ખરું? બાકી મહેમાનોનો શું ઠાઠ છે! તેમનાં પહેરવેશ-ઘરેણાં સામે અમે મા-દીકરા લેખાએ મોકલાવેલાં વસ્ત્રો છતાં મામૂલી લાગીએ છીએ! મારે લેખાને કહેવું પડશે કે...
ત્યાં તો મહારાજ-મહારાણીએ દેખા દીધી એટલે સચેત થઈ જતાં લલિતાબહેને વિચારબારી બંધ કરી દીધી.
‘અરે વાહ!’ રાજમાતા બોલી ઊઠ્યાં, ‘તારામતી, તમે તો સાસુ જેવાં ઝગમગો છો!’
મહારાજા ઉદયસિંહજી રજવાડી પોશાકમાં હતા. માથે બાંધેલા સાફામાં સાચકલો હીરો ઝગમગી રહ્યો હતો, પણ મહારાણીની સજાવટનું પૂછવું જ શું! સોના-રૂપાના અસલી તાર મઢ્યું બનારસી સેલુ સહેજે સિત્તેર-એંસી લાખનું હોવાનું. હીરા-માણેકના દાગીના વચ્ચે ધ્યાન ખેંચતો હતો મહારાણીની ગરદને શોભતો કુંદન મઢ્યો ખાનદારી હાર! લાંબા હારનું જાડું-પહોળું પેન્ડન્ટ પણ કેવું નકશીકામભર્યું છે!

‘આ અમારું ત્રણ પેઢી જૂનું ઘરેણું છે, રાજમાતા. મને મારાં સાસુમાએ આપેલું. આવા શુભ પ્રસંગે તેમના આશીર્વાદ તો મારે પહેરવા જ પડેને.’
લલિતાબહેન જેવાની તો આંખો પહોળી થઈ ગઈ હતી આ નેકલેસ જોઈને!
‘આ તો ભલું થયું કે તારા દિયરનું સગપણ લેવાનું થયું ને રાણીમાએ ખુદ અમને મહેલમાં નિમંત્ર્યા... તો જાણ્યું કે તારે કેવા ઠાઠ છે! બદલામાં તું અમને આપે છે એ તો ચણા-મમરા જેવું.’ છેવટે પૅલેસમાંથી નીકળીને બસ તરફ જતી વેળા લાગ જોઈને તેમણે લેખાને આંતરીને ક્યારનું ખદબદતું ઓકી નાખ્યું, ‘આ તારી સાસુએ પહેર્યો છે એવો જ હાર મને જોઈએ, મારી બાઈ! નહીંતર હું તારો સંસાર સળગાવી શકું છું એ તું ક્યાં નથી જાણતી!’ કહીને મલક્યાં, જરા જોરથી બોલ્યાં, ‘જા દીકરી, અમે કંઈ મહેમાન ઓછા છીએ! તું તારું કામ કર...’
ખિન્નતા ખંખેરીને લેખા વળે છે કે તર્જની દેખાઈ. ખરેખર તો મહારાણી વહુને શોધતાં હતાં એટલે લેખાને તેડવા આવેલી તર્જનીએ દાખવવા ન દીધું કે મા-દીકરીનો વાર્તાલાપ પોતે સાંભળી ચૂકી છે!
lll

‘તો હવે એના પર પડદો જ રાખ મારી બાઈ! સાવિત્રીની સચ્ચાઈ ત્રીજું કોઈ જાણતું નથી ને અહીંથી કોઈ મહેલે કહેવા નથી જવાનું કે આપણે સાવકાં મા-દીકરી છીએ! એવી જાણ થાય તોય શું? કહેવાનું કે અમે સગાં-સાવકાંના ભેદ રાખ્યા જ નથી!’

‘આવો, અમ આંગણું પાવન કરો!`
વીરનગરના મુખ્ય પૅલેસના દ્વારે મહેમાનોનું શાહી સ્વાગત થયું. રાજમાતાનો વિશેષ સત્કાર થયો. વેવાઈઓ ગળે મળ્યા, વેવાણો ભેટી. અર્ણવની આંખો નંદાકુમારીને ખોજતી રહી.
‘તેને આવવામાં વાર છે!` લેખાએ દિયરના કાનમાં ટહુકો પૂર્યો. પછી પડખે ચાલતી તર્જનીને કામ ચીંધ્યું : પહેલા માળે કુંવરીનો કક્ષ છે. મારા દિયરની સંદેશવાહક બનીને જા અને તેનો એક હાઈ ક્લાસ ફોટો પાડી આવ!
સગાઈ-લગ્નમાં જુવાન હૈયાંને આવું ગમતું હોય છે.

‘હું જાઉં તો ખરી, પણ મને ઇનામમાં શું મળશે?` રાજમાતા વડીલોમાં વ્યસ્ત હતાં અને તર્જનીને રાજવીર-લેખા-અર્ણવ સાથે ગોઠી ગયું હતું.
‘માગ, માગ, તું માગે એ મારો ભાઈ આપશે!` રાજવીર હસ્યો.
‘આઇ ડાઉટ. હું જો કહું કે તમારા હનીમૂનમાં અમને સૌને લઈ જજો તો અર્ણવભાઈ માને ખરા?` તર્જનીના પ્રશ્ને અર્ણવના ચહેરા પર રતાશ ધસી આવી, ‘પહેલાં તમે સગાઈનું પતાવોને. તો હનીમૂન સુધી પહોંચાશેને!`
આ વાત પર હસતી તર્જની સીડી તરફ વળી.
lll

હું શું કરું? મારે શું કરવું જોઈએ?
નંદાને સમજાતું નથી. આજે મારા જીવનનો આટલો મહત્ત્વનો દિવસ અને તોય હૈયે ઉલ્લાસને બદલે ઉચાટ છે!
એના મૂળમાં છે ધૅટ બ્લૅકમેઇલર. મારી બનાવટી ન્યુડ તસવીર મોકલી મને મહિનાએકથી બ્લૅકમેઇલ કરતા અજાણ્યા પુરુષે ગઈ કાલે ફોન રણકાવી હવેની માગ છેલ્લી વારની છે એવું કહેતાં થયેલો હાશકારો લાંબું ટક્યો નહોતો... મારા સાસરાપક્ષ પાસેથી કશુંક જોઈએ છે એવું કહીને તેણે મને ડઘાવી દીધેલી... પછી ઉમેરેલું:  
‘કાલે તમારી સગાઈ છે, રાઇટ! રાજવી પરંપરા અનુસાર આવા પ્રસંગોએ કુટુંબની સ્ત્રીઓ ખાનદાની ઘરેણાં પહેરતી હોય છે. તમારાં થનારાં સાસુજી પણ પહેરશે... બસ, તેમનાં એ ઘરેણાં મને જોઈએ!’
હેં!
‘એમ કોઈનાં ઘરેણાં કેમ ઉતારાય! હું બહુ-બહુ તો મારી માતાશ્રીની જ્વેલરી દઈ શકું. અર્ણવનાં મધરના દાગીના કેમ માગી શકું?’ 
‘ન જ મગાય. ઘરેણાં તમારે માગવાનાં નથી, ચોરવાનાં છે! કેમ, કેવી રીતે એ બધું મારા પર છોડી દો. હું ફંક્શન પહેલાં તમને બધું કહીશ.’
‘અસંભવ. મારાથી એવું કંઈ જ નહીં બને. અમારા ઘરે અમારા મહેમાનોની શાન જાય એનો અર્થ જાણો પણ છો? રાજપૂતાનામાં આનાથી મોટી નાલેશી કોઈ નહીં. મારા પિતાનું ખોરડું વગોવાય એ પહેલાં તો હું જીભ કાપી મોત વહાલું કરીશ.’
‘એ જેવી તમારી મરજી, પણ તમારા મર્યા પછીની થોડી જ મિનિટોમાં તમારી રંગીન તસવીરો વિશ્વભરમાં ફરતી થઈ જશે. એનો બદલો ભૂત બનીને મારી સાથે ન લેતા.’
ધારદાર કટાક્ષ સાથે બ્લૅકમેઇલરે ફોન કટ કર્યો હતો...
- અત્યારે પણ નંદાકુમારીએ એનો અજંપો અનુભવ્યો. મારે તો એક બાજુ કૂવો અને બીજી બાજુ ખાઈ છે! ક્યાં જાઉં? શું કરું?

વધુ આવતી કાલે

Whatsapp-channel Whatsapp-channel

16 May, 2023 12:40 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK