‘ત્રિકમગઢની રિયાસત જોડે આપણા પારિવારિક સંબંધો. હાલના મહારાજા ઉદયસિંહજી તમારા મહારાજસાહેબ (મીનળદેવીના પતિ સદ્ગત અમરસિંહજી)ના નિકટના મિત્રોમાં એક. તેમનાં પત્ની તારામતી જોડે મનેય બહેનપણાં થઈ ગયેલાં.’
વાર્તા-સપ્તાહ
બ્લૅકમેઇલ (પ્રકરણ ૧)
‘અનિકેત...’
‘યસ, તર્જની’ લૅપટૉપ બંધ કરતાં કેતુએ અદબ ભીડી, ‘હુકમ... ’
‘કેવો આજ્ઞાંકિત બને છે! બાકી કેતુનાં તોફાન કોઈ મને પૂછે... ’ તર્જની રતુંબડી થઈ.
મુંબઈનો સૌથી બાહોશ ડિટેક્ટિવ અનિકેત દવે અને તેની સહાયક તર્જની દવે એકમેકના ગળાડૂબ પ્રેમમાં હોવાનું જાણનારાં જાણતાં, પછી એ બન્ને ભલેને અજાણવટ દાખવતાં હોય! બેઉની મમ્મીઓએ એકમેકને ખાનગીમાં વેવાણ કહેવાનું પણ શરૂ કરી દીધેલું! કાંઈ એ વિના કેતુ જાસૂસીની ટ્રેઇનિંગ લેવા લંડન ગયો ત્યારે તેની જોડે તર્જનીને મોકલાઈ હોત!
મુંબઈ પરત થઈ કેતુએ ‘ઓમ ડિટેક્ટિવ એજન્સી’નો પાયો નાખ્યો, તર્જની તેની મદદનીશ તરીકે ગોઠવાઈ અને એજન્સી ખોલ્યાનાં આ બે વર્ષમાં તેમનું નામ એવું જામ્યું કે ઇન્ટરપોલ તેમની મદદ લે છે, દેશની સુરક્ષાના મિશનમાં રાષ્ટ્રપતિએ તેમને ગુપ્ત કામગીરી સોંપ્યાનું બન્યું છે, ઝીરો ફેલ્યરની તેમની સિદ્ધિને સ્વયં લતાજીએ જાહેરમાં બિરદાવી હતી.
ચોવીસની વયે પૂર્ણ પુરુષની પ્રતિકૃતિ જેવો અનિકેત ગજબનો સોહામણો દેખાતો. રણમેદાનમાં ગજકેસરી જેવો શોભતો. એમ તો રૂપના અંબાર જેવી તર્જનીનું લાવણ્ય મદહોશ કરનારું હતું. કમ્પ્યુટરથીય શાર્પ મેમરી ધરાવતી તર્જનીનો આત્મવિશ્વાસ તેના રૂપને ધાર આપતો. તે મેદાનમાં ઊતરે ત્યારે વીફરેલી વાઘણ જેવા તેવરે દુશ્મનોની ફેં ફાટતી.
ADVERTISEMENT
‘લાગે છે આજે કિસ કરવાનું મન થાય એટલો હૅન્ડસમ હું લાગું છું! ’
કેતુના અવાજમાં પડઘાતા નટખટપણાએ તર્જનીને ઝબકાવી દીધી. તર્જની સમજતી કે કેતુ તોફાને ચડે પછી વારવો મુશ્કેલ. એમ તો ક્યારેક તે પણ તોફાન આદરીને કેતુને હંફાવી દેતી ખરી!
અત્યારે જોકે કેતુ તોફાની બને એ પહેલાં તર્જની મૂળ મુદ્દે આવી, ‘રાજમાતાનો ફોન હતો...’
હિંમતગઢનાં રાજમાતા મીનળદેવીના ઉલ્લેખે કેતુ ઝગમગી ઊઠ્યો.
આખા રાજપૂતાનામાં રાજમાતાનો પડ્યો બૉલ ઝિલાય છે. મીનળદેવી પોતે રાજકુળનાં નહીં, પણ હિંમતગઢના યુવરાજ અમરસિંહને પરણીને સવાયાં રાજપૂતાણી બની રહ્યાં. નાની ઉંમરે પતિનો સાથ છૂટ્યો. તેમના બે પુત્રો મોટો સમીરસિંહ, નાનો અર્જુનસિંહ ત્યારે તો ઘણા નાના. તેમના ઉછેર ઉપરાંત જાગીરનાં કામ પણ તેમણે ખુમારીભેર સંભાળી જાણ્યાં. પ્રજાહિત તેમને માટે સર્વોપરી રહ્યું.
મોરનાં ઈંડાંને ચીતરવાં ન પડે એમ મોટા થતા સમીર-અર્જુન પણ મા-પિતાની પ્રતિકૃતિમાં ઢળતા ગયા. સમીરસિંહ બે સત્રથી બિનહરીફ તરીકે સંસદમાં ચૂંટાય છે, સત્ર ચાલુ હોય ત્યારે મોટા ભાગે દિલ્હી રહેતા હોય. જાગીરનાં કામ અર્જુન સંભાળે છે. રાજમાતાને વહુઓ પણ એવી જ ગુણિયલ મળી. થોડા વખતથી સંસારનાં સૂત્રો પણ વહુને સોંપી રાજમાતા પૌત્ર-પૌત્રીઓને રમાડવાની નિવૃત્તિ માણે છે. અલબત્ત, લોકકલ્યાણનાં કામ પૂરતાં વ્યસ્ત રહે ખરાં. પંચાવનના ઉંબરે પહોંચેલાં મીનળદેવી આજે પણ એવાં જ ગરવાઈભર્યાં લાગે છે. પંચકલ્યાણી પર તેમને સવાર થતાં જોવાં લહાવો ગણાય છે.
રાજગઢના ઠકરાણાની ભલામણે જમીનના એક સોદા અંતર્ગત સામી પાર્ટીની ચકાસણી અર્થે રાજમાતાએ કેતુ-તર્જનીનો સંપર્ક સાધ્યો ત્યારથી બંધાયેલો સંબંધ આજે તો આત્મીય બની ચૂક્યો છે. રાજમાતા મીનળદેવી કેતુ-તર્જનીને નિજ વડીલતુલ્ય છે, તો રાજમાતા તેમને પંડનાં સંતાન જેવાં જ વહાલાં છે. ખરેખર તો પૅલેસમાં હર કોઈ તેમનું હેવાયું છે.
‘ઉનાળુ વેકેશનનો સમય છે એટલે કેરીગાળો કરવા હિંમતગઢ પધારવાનું નિમંત્રણ પાઠવ્યું છે તેમણે.‘
‘ઘણા વખતથી બ્રેક નથી લીધો, તર્જની, લેટ્સ પ્લાન!‘
કેતુએ કહ્યું અને તર્જની ખીલી ઊઠી.
જોકે આ વખતની મુલાકાતમાં શું થવાનું હતું એની ક્યાં ખબર હતી?
lll
‘આવો, આવો. ’
શનિની બપોરે કેતુ-તર્જનીને આવકારતાં રાજમાતાનો હરખ છલકાયો. સમીર-અર્જુનસિંહ કેતુને ભેટી પડ્યા, ઉર્વશી-લાવણ્યાએ તર્જનીને ગળે લગાડી.
lll
‘તમે આવ્યાં છો તો હવે બે દિવસ વધુ રોકાઈ જજો.’
રાતે આગ્રહભેર કેતુ-તર્જનીને જાતે પીરસતાં રાજમાતાએ વાત છેડી, ‘મંગળવારે આપણે સગાઈના ફંક્શનમાં જવાનું છે. ખરેખર તો એ દિવસે અમારે ત્રણેક ફંક્શન્સ છે એટલે અમે સૌ વહેંચાઈ જઈશું. હું ત્રિકમગઢના નાના કુંવરની સગાઈવિધિમાં તેના સાસરે વીરનગર જવાની છું. તમે બન્ને મારી સાથે આવજો.’
કેતુ-તર્જનીની નજરો મળી.
‘રાજમાતા, કેતુને કદાચ રોકાવાનું નહીં ફાવે, પણ હું જરૂર તમારી સાથે રૉયલ સેલિબ્રેશનમાં આવવાની.’
સાંભળીને રાજમાતા હરખાઈ ઊઠ્યાં.
lll
‘આજે હું તને ત્રિકમગઢના રાજપરિવાર વિશે કહીશ.’
હિંમતગઢ રોકાવાનું થતું ત્યારે તર્જની અચૂક રાજમાતાના કક્ષમાં સૂવાનું રાખતી. રાજમાતા પાસે રાજપૂતાનાની અલકમલક વાતોનો ખજાનો હતો. રતે સૂતી વેળા રાજમાતા કથા માંડે એ તર્જનીને ફેરી ટેલ જેવી રોમાંચક લાગતી.
‘ત્રિકમગઢની રિયાસત જોડે આપણા પારિવારિક સંબંધો. હાલના મહારાજા ઉદયસિંહજી તમારા મહારાજસાહેબ (મીનળદેવીના પતિ સદ્ગત અમરસિંહજી)ના નિકટના મિત્રોમાં એક. તેમનાં પત્ની તારામતી જોડે મનેય બહેનપણાં થઈ ગયેલાં.’
તર્જની સમક્ષ પાત્રો ઊભરતાં ગયાં.
‘અમર ગયા બાદ અમારું મળવાનું ભલે ઓછું થતું ગયું, ઉદયસિંહ-તારામતી શુભેચ્છકરૂપે હંમેશાં હિંમતગઢના પડખે ઊભાં રહ્યાં છે. આજે હિંમતગઢની સરખામણીએ ત્રિકમગઢની જાગીર ભલે નાની ગણાય, ઉદયસિંહના વડદાદા મનોહરસિંહજીએ હીરા-માણેકનો અદ્ભુત ખજાનો ભેગો કર્યાની લોકવાયકા છે ખરી.’
‘ખજાનો...’ તર્જનીએ રોમાંચ અનુભવ્યો.
‘ઉદયસિંહને બે દીકરા. મોટો રાજવીરસિંહ, નાનો અર્ણવસિંહ. બે ભાઈઓમાં ચારેક વર્ષનો વયભેદ હશે. રૉયલ કૉલેજમાં ભણેલા બન્ને ભાઈઓ હોશિયાર, રૂડારૂપાળા.’
‘આપણે નાના કુંવર, મતલબ અર્ણવસિંહની સગાઈમાં જવાનાં છીએ. મતલબ, મોટો રાજવીરસિંહ પરણી ચૂક્યો છે?’
‘હા, તેનાં લગ્નને દોઢ-બે વર્ષ થવાનું... તેનાં જોકે લવમૅરેજ છે અને તેની પત્ની લેખા ખરેખર તો પોલો ક્લબની મૅનેજર હતી. સાધારણ કુટુંબની કન્યા, એમાં વળી રાજની કર્મચારી, તેને વહુ તરીકે સ્વીકારવાનું બીજા કોઈ રાજવી માટે આસાન બન્યું ન હોત, પણ ઉદયસિંહ માટે દીકરાની ખુશી મહત્ત્વની હતી. તારામતીએ પણ વહુને સાચા અંતરથી આવકારી... લેખાને હું તેમનાં લગ્ન ઉપરાંત બે-એક વાર મળી છું. ઉપરછલ્લી મુલાકાતોમાં માણસના સ્વભાવની પરખ તો કેમ થાય, પણ છોકરી ડાહી, કહ્યાગરી લાગી. જ્યારે નાના અર્ણવની થનારી વાગદત્તા નંદાકુમારીનો મને પરિચય છે.’
રાજમાતાએ ઉમેર્યું, ‘વીરનગરના મહારાજ ધરમસિંહ ઉમદા ઇન્સાન છે. મહારાણી સૂર્યબાળા પણ સાલસ સન્નારી. નંદા તેમની એકની એક દીકરી. રૂપાળી તો એવી કે બે ઘડી જોતા રહી જાઓ. મા-બાપની અદબ ચૂકે નહીં, વડીલોની આમન્યા વીસરે નહીં એવી સંસ્કારી.’
તર્જની સાંભળી રહી.
‘ધરમસિંહ જોકે આર્થિક રીતે એટલા સધ્ધર ન ગણાય. તોય જેટલું બચ્યું છે એટલું જાળવી જાણ્યું છે. આપણને તો બન્ને પક્ષ તરફથી નિમંત્રણ છે. મેં ધરમસિંહજીને કહ્યું છે કે સગાઈમાં મને વરપક્ષ તરફથી આવી તમારી મહેમાનગતિનો લહાવો લેવા દો, લગ્નમાં કન્યાવિદાય ટાણે હું તમારી સાથે હોઈશ.’
આવું ડહાપણ રાજમાતાને જ સૂઝે!
‘આપણે મંગળવારની સવારે ત્રિકમગઢ જવા નીકળીશું. અહીંથી ત્રણ કલાકનો રસ્તો છે... બપોરે જમી-પરવારીને થોડો આરામ કરી ચારેક વાગ્યે વીરનગર માટે પ્રસ્થાન કરીશું. ઉદયસિંહજીએ મહેમાનો માટે બે વૉલ્વો બસની વ્યવસ્થા કરી છે. વીરનગરના પૅલેસ કૉમ્પ્લેક્સમાં સાંજે ૭ વાગ્યે રિંગ-સેરેમની છે. રાતે ફરી ત્રિકમગઢ અને બુધની સવારે અહીં પાછાં.’ રાજમાતા અચાનક કહી બેઠાં, ‘જાણે હવે તમે ક્યારે સગાઈ ગોઠવો છો?’
તર્જની લજ્જાઈ, ‘જાઓ, રાજમાતા હું તમારી સાથે નથી બોલતી!’ કહીને ગોદડીમાં મોડું છુપાવી દીધું!
lll
શનિ-રવિ રાજપરિવારનું આતિથ્ય માણી કેતુએ સોમની સવારે વિદા લીધી ત્યારે ત્રિકમગઢમાં,
‘લેખાવહુ, કાલના ફંક્શનની તૈયારી થઈ ગઈ?’
તારામતી મહારાણીએ કહેતાં લેખાએ માથે સાડીનો છેડો સરખો કર્યો, ‘જી સાસુમા, વેવિશાળની પધરામણીની યાદી મેં ચેક કરી લીધી, ગિફ્ટ્સનું પૅકિંગ, લેબલિંગ બધું પર્ફેક્ટ છે. મહેમાનોના ઉતારા માટે ઉત્તર તરફના અતિથિનિવાસની રૂમ્સ ક્લીન કરાવી દીધી છે...’
સાંભળીને મહારાણી પોરસાયાં. ‘મોટો દીકરો ભલે મામૂલી કર્મચારીને પરણ્યો, પણ વહુ ખાનદાનને લાયક શોધી. લેખામાં આડંબર નથી. રાજવીરને સાચકલું ચાહે છે. આમ તો આ બધાં કામ માટે સ્ટાફ હોય જ, પણ લેખાને બધું કરવું ગમે. દિયરને પરણાવવાની તેને ઓછી હોંશ નથી! અર્ણવનેય ભાભીનું ખૂબ દાઝે. નંદાકુમારી પણ ઘરમાં સમાઈ જાય એવી છે, એટલે ભાઈઓમાં સંપ તો રહેશે! અમને બીજું શું જોઈએ?’
‘અરે લેખા...’ મહારાણીને યાદ આવ્યું, ‘લલિતાવેવાણને મેં જાતે નિમંત્રણ પાઠવ્યું છે, પણ તું તેમને તેડવા કાર મોકલવાનું ભૂલતી નહીં. સાથે રણજિત પણ આવે હોં.’
‘જી...’ લેખાએ મુખ તો મલકાવ્યું, પણ ભીતર તો નિઃશ્વાસ જ ઊઠ્યો.
લલિતાવેવાણ એટલે મારી મા અને રણજિત એટલે મારો નાનો ભાઈ એવું જ માને છે મહેલમાં સૌ - રાજ સુધ્ધાં! પૅલેસમાં કોઈ જાણતું નથી કે લલિતામા મારી સાવકી મા છે ને રણજિત સાવકો ભાઈ! જ્યારે મારી સગી જનેતા...
લેખાએ વિચારબારી બંધ કરી દીધી : ‘ના, મારા જીવનનો એકમાત્ર ભેદ મારાથી કોઈને કહેવાયો નથી, કહેવાય એમ નથી! એમાં જ સૌનું સુખ છે!’
અને વધુ એક વાર જાતને સમજાવી દીધી!
lll
ત્યારે વીરનગરમાં...
નંદાકુમારીનો મોબાઇલ રણક્યો. નંબર જોતાં જ કુંવરીના કપાળે પ્રસ્વેદ ફૂટ્યો,
‘કેમ છો, રાજકુમારી?’
એ જ અજાણ્યો નંબર. અવાજ ઘોઘરો બનાવીને બોલતો એ જ પુરુષ... આજકાલ કરતાં મહિનાથી મારી પાછળ પડ્યો છે આ બ્લૅકમેઇલર!
નંદાકુમારીએ નિઃશ્વાસ નાખ્યો.
બાકી કેવી સરળ, ખુશનુમા જિંદગી વીતી રહી હતી મારી! અભ્યાસ પૂરો થતાં મા-પિતાએ મારાં લગ્નની વાત આરંભી. એમાં ત્રણ મહિના અગાઉ અર્ણવ મારી જિંદગીમાં આવ્યા....
ખરેખર તો હિઝ હાઇનેસ ઉદયસિંહજી પરિવાર સહિત ઉદયપુરની સહેલગાહે આવ્યા હતા, જોગાનુજોગ અમે પણ ત્યારે ત્યાં જ હતા. પિતાશ્રીને તો હાઇનેસ સાથે ઓળખાણ હતી જ. કુંવરી માટે મુરતિયો જોઈએ છે એવી વાત થઈ એટલે તારામતી મહારાણી તરત બોલી ઊઠ્યાં, ‘અમે પણ અમારા અર્ણવ માટે કન્યા ગોતીએ છીએ... તેને તેની ભાભી જેવી સીધીસાદી, ગુણવાન કન્યા જોઈએ ને એવું પાત્ર આજકાલ મળવું મુશ્કેલ! રાજનગરના હાઇનેસ તેમની એકની એક પ્રિન્સેસ મહાશ્વેતાકુંવરી માટે કહો કે પાછળ પડી ગયેલા અમારી. બે-ત્રણ વાર બન્ને મળ્યાં પણ ખરાં, મારે કહેવું તો ન જોઈએ પણ અલ્ટ્રા મૉડર્ન છોકરી એટલી જ છીછરી લાગી અર્ણવને. હવે તેની નામરજી સામે દબાણેય કેટલું થાય? એટલે ઇનકાર કરવો પડ્યો...’
‘અમારી નંદામાં તમને કહેવાપણું નહીં મળે...’ માએ પોરસ કરેલો ને પછી તો ‘કોર કંકુનાં’ની જેમ વડીલોએ લેક પૅલેસમાં અમારી મુલાકાત ગોઠવી દીધી... અર્ણવસિંહને જોતાં જ હૈયું ધબકારો ચૂકી ગયું, જેવા સોહામણા એવા જ શાલીન.
‘મારાં લેખાભાભી રાજકુટુંબનાં નથી. ઘણાને એનો પણ વાંધો હોય છે. તમને તો...’
‘નહીં, માણસનું મૂલ્ય તેની માણસાઈથી કરવાનું મને મારા પેરન્ટ્સે શીખવ્યું છે.’
આમાં દંભ કે દેખાડો નહોતા. અર્ણવને એ વધુ ગમ્યું, મને તો ઇનકાર હતો જ ક્યાં! શુકનના સવા રૂપિયાની આપ-લે ઉદયપુરમાં જ થઈ, સગાઈનું મુરત આવતી કાલનું નીકળ્યું. દરમ્યાન અમારાં હૈયાં મળી ચૂક્યાં, ખરેખર તો રાજવીરભાઈ-લેખાભાભી જોડે અમારી ચોકડી જામી ગઈ. પણ મહિના અગાઉ સાવ જ અણધાર્યું કંઈ બન્યું...
અજાણ્યા નંબર પરથી પહેલાં તો મને એક તસવીર મળી.
મારો જ ન્યુડ ફોટોગ્રાફ!
ધ્રૂજી જવાયેલું. પછી તરત ફોન આવ્યો, ‘શું છે કે મારો ધંધો જ આ છે. ખાનદાન ઘરની છોકરીઓની પ્રોફાઇલ્સ જોતો રહું, પછી તેમનાં કપડાં દૂર કરવાનું કામ બહુ ઝીણવટભર્યું છે હોં. એની ફી વસૂલું છું અને આજ સુધી કોઈએ ચાર્જ ન ચૂકવ્યો હોય એવું બન્યું નથી!’ તેણે હળવેકથી ઉમેરેલું, ‘તમે મને ૧૦ લાખ ચૂકવી દો...’
નૅચરલી, પોતે રૂપિયા ચૂકવી પણ દીધા... ગામની હીરક નદીના કાંઠે મહાદેવનું જૂનું મંદિર છે. ત્યાં નધણિયાતી હાલતમાં પડેલા સ્કૂટરની ખુલ્લી ડિકીમાં ૧૦ લાખ રૂપિયાની થોકડી નાખી આવતાં રહેવાનું હતું મારે. પોતે એવું જ કર્યું અને માન્યું કે એક કિસ્સાનો અંત આવ્યો! પણ ના, અઠવાડિયા પછી તેણે સોનાનો દાગીનો માગ્યો, પછી હીરાના બાજુબંધ... દર વખતે ચીજ તેને પહોંચાડવાના નુસખા જુદા અને એવા કે એ પુરુષની કોઈ ક્લુ મળે નહીં!
‘ક્યારેક થાય, પિતાશ્રીને સઘળું કહી દઉં, અર્ણવને વિશ્વાસમાં લઉં. આખરે કોઈ જાતના વાંકગુના વિના આમ કોઈના બ્લૅકમેઇલિંગને વશ થવામાં નાદાની છે!’
‘પછી થતું કે પિતાશ્રી મારી ચિંતામાં વલોપાત અનુભવશે. અર્ણવનો કદાચ મારામાંથી વિશ્વાસ જ ડગી ગયો તો? એના કરતાં બટકું રોટલો નાખી ભસતા કૂતરાને શાંત રાખવામાં શાણપણ છે! છેવટે તે માગે છે તો રૂપિયા-ઘરેણાં જને! એની ક્યાં નવાઈ છે?’
‘આ વખતની માગ છેલ્લી છે, અને છેલ્લી છે એટલે થોડી સ્પેશ્યલ છે. શું છે કે તમે તમારા પિયરમાંથી ઘણું આપ્યું, હવે થોડું સાસરીવાળાના પક્ષેથી પણ લઈએને?’
‘હેં!’
વધુ આવતી કાલે