‘શેઠ, તમારું નામ તો આખા ગામમાં બહુ મોટા દાનેશ્વરી તરીકે બોલાય છે...’ તે છોકરાએ આવીને ગૌતમને કહ્યું હતું, ‘મને થોડી હેલ્પ જોઈએ છે.’
મૉરલ સ્ટોરી
ધ ટ્રેઝર
‘આજે ખજાનાની સ્ટોરી કહેજો...’
‘કયા ખજાનાની?’
‘ગમે તે ખજાનાની... બસ, એમાં ખજાનો હોવો જોઈએ.’
દાદાની ચીજવસ્તુઓ સાફ કરતાં-કરતાં પપ્પા પાસે ઢબ્બુએ ખજાનાની સ્ટોરીની ડિમાન્ડ કરી એટલે પપ્પાએ ‘ધ ટ્રેઝર’ નામની ખજાનાની ગૌતમની સ્ટોરી શરૂ કરી.
lll
ગામમાં દુકાળ પડતાં ગૌતમે પોતાનું ગામ છોડી દીધું અને બીજા ગામમાં રહેવા માટે તે ફરવા માંડ્યો. એક ગામ તેને બહુ ગમ્યું એટલે તેણે ત્યાં ઘર શોધવાનું શરૂ કર્યું. એમાં ગામમાં રહેતા સિદ્ધાર્થ નામના માણસનું ઘર તેને ગમી ગયું. સિદ્ધાર્થના પપ્પાને કૅન્સર હતું એટલે ગૌતમે પ્રાઇસમાં પણ કોઈ જાતનું બાર્ગેન કર્યા વિના સિદ્ધાર્થનું પેમેન્ટ કરી દીધું અને સિદ્ધાર્થ પપ્પાને લઈને ગામમાંથી રવાના થઈ ગયો તો ગૌતમે ઘરના ગાર્ડનને સરસ બનાવવા માટે કામ શરૂ કર્યું.
ADVERTISEMENT
દિવસે કામમાં વ્યસ્ત હોય એટલે ગૌતમ દરરોજ રાતે ઘરના ગાર્ડનનું ચાલતું કામ જોવા માટે જાય. એક રાતે તે ત્યાં ગયો અને તેનું ધ્યાન અચાનક એક મોટા પથ્થર પર ગયું. ધ્યાનથી જોયું તો એ પથ્થર નહોતો, લાકડાની પેટી હતી. ગૌતમે લાકડાની પેટી જમીનમાંથી બહાર કાઢી. એ પેટી સદીઓ જૂની દેખાતી હતી. નાનપણમાં ખજાનાની વાતો ગૌતમે પણ સાંભળી હતી એટલે તે સમજી ગયો કે એ પેટીમાં ખજાનો છે.
પેટી પર તાળું હતું એટલે પથ્થરથી ગૌતમે તાળું તોડ્યું.
ધાડ...
તાળું એકઝાટકે તૂટી ગયું.
ગૌતમે પેટીની સ્ટૉપર ખોલી અને પછી એકઝાટકે પેટીનું ઢાંકણું ખોલી નાખ્યું.
પેટી ખોલી તેણે અંદર નજર કરી અને ગૌતમની આંખો ફાટી ગઈ.
lll
‘અંદર બહુબધા વીંછી હતા... આખી એ પેટી વીંછીઓથી ભરેલી હતી અને વીંછીઓ પણ પાછા એકદમ ઝેરી...’ ઢબ્બુએ આવીને સ્ટોરી કન્ટિન્યુ કરી, ‘અહીંથી આગળ સ્ટોરી કહેવાની છે તમારે...’
‘એ પેટીમાં બહુબધા વીંછી હતા. એકદમ બ્લૅક અને આગળ બે મોટી ચાંચવાળા. એ ચાંચમાં ઝેર હતું...’ પપ્પાએ સ્ટોરી આગળ વધારી, ‘ગૌતમ તો એકદમ ગભરાઈ ગયો... વીંછી જોઈને પેટી મૂકીને તે તો સીધો ભાગ્યો...’
lll
પોતાના ઘરમાંથી ભાગેલો ગૌતમ થાકીને ગામના મંદિરનાં પગથિયાં પર બેસી ગયો. થોડી વાર ત્યાં જ બેસીને તેણે થાક ઉતાર્યો. હવે તેને ઘરે જવાનું મન નહોતું. પેલા વીંછીની તેને બીક લાગતી હતી એટલે તે પગથિયાં પર જ બેસી રહ્યો.
‘શું થયું ભાઈ?’
થોડી વાર થઈ ત્યાં તો ગૌતમની બાજુમાં મંદિરના સાધુ આવીને બેઠા. ગૌતમને આમ મધરાતે એકલો બેઠેલો જોઈને મહારાજને થયું કે તે કોઈ મૂંઝવણમાં છે.
‘શું કહું તમને મહારાજ... હું વિચિત્ર મૂંઝવણમાં છું.’ ગૌતમે પોતાની ઓળખાણ આપીને આખી વાત મહારાજને કરી, ‘અત્યારે પણ એ પેટી ત્યાં એમ જ ગાર્ડનમાં પડી છે અને એમાં બહુબધા વીંછી છે. મને એ સમજાતું નથી કે કોઈ આવી રીતે પેટીમાં વીંછી શું કામ ભરે?’
‘એ વીંછી નથી...’ મહારાજે ગૌતમને સમજાવ્યું, ‘તને એ વીંછી દેખાય છે, પણ હકીકતમાં એ ખજાનો જ છે... તારી વાત પરથી મને લાગે છે કે એ જે પેટી છે એ મૅજિકલ પેટી છે. બને કે એ જેનું ઘર હતું એના પરદાદાઓએ એ પેટી જમીનમાં સંતાડી હોય કે અમારાં સંતાનોને ભવિષ્યમાં કામ લાગશે. એ સમયે એવાં મૅજિક હતાં કે જે એ ખજાનાના હકદાર ન હોય તેના હાથમાં જો પેટી આવે તો તેને એ વીંછી લાગે અને તે એનાથી દૂર ભાગી જાય...’
‘હવે મારે શું કરવું મહારાજ?’ ગૌતમે હાથ જોડીને પૂછ્યું, ‘પેટી પાછી જમીનમાં દાટી દઉં કે ફેંકી દઉં?’
‘એના પર જેનો હક છે તે આવે નહીં ત્યાં સુધી એને સાચવીને રાખ...’ મહારાજે આશીર્વાદ આપતાં કહ્યું, ‘જીવનમાં પ્રામાણિકતાથી મોટો કોઈ ખજાનો નથી. આ પેટી સાચવી રાખીશ તો તારામાં એ ખજાનો અકબંધ રહેશે.’
‘જેવી આજ્ઞા...’
ગૌતમ મંદિરેથી ઊભો થયો. હવે તેના મનમાંથી ડર ચાલ્યો ગયો હતો. તેણે નક્કી કરી લીધું હતું કે પોતે તે પેટી સાચવીને રાખશે અને સિદ્ધાર્થ આવશે ત્યારે એ આપી દેશે. જોકે સિદ્ધાર્થ ક્યાં હતો, કયા ગામમાં રહેતો હતો એ તો ગૌતમને ખબર નહોતી. સિદ્ધાર્થ આવે નહીં ત્યાં સુધી રાહ જોવા સિવાય તેની પાસે બીજો કોઈ રસ્તો નહોતો.
lll
થોડા સમય પછી ગૌતમે ગામમાં જ દુકાન શરૂ કરી અને દુકાનનું ઓપનિંગ હતું એ સમયે તેણે પેલી પેટી ઘરમાંથી બહાર કાઢી ભગવાનનું નામ લઈ પેટીમાંથી ચાર વીંછી હાથમાં લીધા.
એ વીંછી લઈને ગૌતમ સીધો દુકાને ગયો અને દુકાન પર જે બોર્ડ હતું એ બોર્ડ પર એ વીંછીને એવી રીતે ટીંગાડી દીધા જાણે કે એ તોરણ હોય.
lll
સમય પસાર થતો ગયો અને વર્ષો નીકળી ગયાં. શરૂઆતમાં લોકો ગૌતમની દુકાનના બોર્ડ પર આ વીંછી જોઈને દૂર ભાગતા, પણ ધીમે-ધીમે બધાને ખબર પડવા માંડી કે એ તો ગૌતમના પાળેલા વીંછી છે એટલે તેમની બીક નીકળી ગઈ અને દુકાને લોકો ખરીદી કરવા આવવા માંડ્યા. હંમેશાં સારો અને શુદ્ધ માલ વેચતા ગૌતમની ગ્રાહકી પણ ધીમે-ધીમે વધવા માંડી અને ગૌતમની કમાણી વધી ગઈ.
ગૌતમ હવે બધી રીતે સુખી હતો. આ ગામ, આ ઘર અને આ દુકાન તેને ફળ્યાં હતાં. હવે તેને કોઈ જાતની તકલીફ નહોતી. હા, તેને એક વાતનો અફસોસ હતો.
સિદ્ધાર્થના કોઈ સમાચાર નહોતા અને સિદ્ધાર્થની અમાનત જેવો ખજાનો તેની પાસે પડ્યો હતો.
હવે તો સિદ્ધાર્થ ક્યાં હશે એનું અનુમાન કરવું પણ અસંભવ હતું. વર્ષો વીતી ગયાં હતાં. સિદ્ધાર્થ કેવો દેખાતો હશે એ વિચારવું પણ હવે અશક્ય બની ગયું હતું. અરે, તે જીવતો હશે કે કેમ એ પણ બહુ મોટો પ્રશ્ન હતો. ગૌતમ દરરોજ ભગવાનની પૂજા કરે ત્યારે તેને એક જ વિનંતી કરે કે હે ઈશ્વર, હું જીવું છું ત્યાં સુધીમાં સિદ્ધાર્થ કે તેનું કોઈ કુટુંબીજન આવી જાય તો સારું, મારા હાથે જ તેની આ અનામત આપીને હું વિદાય લઉં.
lll
ગૌતમનો નિયમ હતો કે તે કમાણીમાંથી દર વર્ષે વીસ ટકા રકમ દાનમાં આપે. આ નિયમ તેણે એકધારો પાળ્યો, જેને લીધે લોકોમાં પણ ગૌતમની ઇમ્પ્રેશન બહુ સારી ઊભી થઈ. લોકો મદદ માટે તેની પાસે આવતા, પણ ગૌતમ આંખો બંધ કરીને કોઈને મદદ કરતો નહીં. તે પૂરી તપાસ કરતો અને જો તપાસ પછી તેને એવું લાગે કે સામેની વ્યક્તિ સાચે જ જરૂરિયાતવાળી છે તો તે, પેલાને જરૂર હોય એના કરતાં પણ થોડી વધારે મદદ કરતો; પણ જો એવું ન હોય અને સામેની વ્યક્તિ શારીરિક, આર્થિક કે માનસિક ત્રણમાંથી કોઈ એક રીતે પણ પહોંચેલી હોય તો તે તેને મદદ કરવાની ના પાડતાં પણ ખચકાતો નહીં.
‘જીવનના ત્રણેત્રણ સ્તર પર જેને દુઃખ હોય એ જ ઈશ્વરપીડિત કહેવાય. બાકી બધા તો સ્વપીડિત જ કહેવાય...’
જે ખોટું બોલીને મદદ લેવા આવતું તેને ગૌતમ આ શબ્દો કહીને ફરી પોતાના કામે લાગી જતો. એ દિવસે પણ એવું જ થયું હતું.
lll આ પણ વાંચો : 1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા (પ્રકરણ 38)
‘શેઠ, ખરેખર પૈસાની જરૂર છે...’
‘નથી...’
ગૌતમે ત્રીજી વખત એ જ જવાબ આપ્યો અને આપે પણ શું કામ નહીં?
તેની સામે જે ચૌદેક વર્ષનો છોકરો ઊભો હતો એ છોકરાના હાથપગ સલામત હતા. બુદ્ધિશાળી તો ચહેરા પરથી જ દેખાતો હતો અને સારાં કપડાં પહેર્યાં હતાં એટલે એવું ધારી શકાતું હતું કે તેને એવી કોઈ મોટી આર્થિક તંગી નહીં હોય.
‘શેઠ, તમારું નામ તો આખા ગામમાં બહુ મોટા દાનેશ્વરી તરીકે બોલાય છે...’ તે છોકરાએ આવીને ગૌતમને કહ્યું હતું, ‘મને થોડી હેલ્પ જોઈએ છે.’
‘શા માટે?’
‘મારી કાલે એક્ઝામ છે અને મારી ફી ભરવાની બાકી છે. જો હું ફી નહીં ભરું તો મને એક્ઝામમાં બેસવા નહીં દે.’
‘હં... તો?’ જવાબ આપીને ગૌતમે તે છોકરાને બરાબર જોયો, ‘શું કરું હું?’
‘કંઈ નહીં, મારી ફી ચૂકવી દોને, પ્લીઝ...’
ગૌતમે ફરી તે છોકરાને ધ્યાનથી જોયો અને તેને પોતાના પિતાના શબ્દો યાદ આવી ગયા.
‘ખોટી જગ્યા કે ખોટી વ્યક્તિને કરેલી હેલ્પ હંમેશાં તે વ્યક્તિ કે જગ્યાને બગાડવાનું કામ કરે છે અને ખોટી આદત પાડે છે.’
‘માફ કરજે ભાઈ, મારાથી તને કોઈ હેલ્પ નહીં થાય...’ ગૌતમે ફરી ન્યુઝપેપરમાં નજર કરી લીધી, ‘સૉરી...’
‘શેઠ, ખરેખર પૈસાની જરૂર છે...’
‘ના...’
‘પ્લીઝ શેઠ, સમજોને...’
‘નથી...’ ગૌતમે પેપરમાંથી નજર ઊંચી કરી, ‘ભલા માણસ, એટલી જ જરૂર હોય તો કામ કરને... કામ કરીશ તો તને પૈસા મળશે અને તું તારી જાતે જ તારી ફી ભરી શકીશ. કોઈ સામે હાથ લાંબો નહીં કરવો પડે.’
‘મારાથી કામ થાય એમ નથી...’
‘તો મારાથી પૈસા અપાય એમ નથી...’ ફરી ન્યુઝપેપરમાં મોઢું મૂકીને ગૌતમે કહ્યું, ‘આવજો હોં...’
‘શેઠ, માનોને મારી વાત...’
‘હું પણ એ જ કહું છું કે માનને મારી વાત. કામ કર અને જાતે કમાણી કર.’
‘મારાથી કામ થાય એમ નથી...’
બીજી વાર એ જ વાત સાંભળી એટલે ગૌતમને નવાઈ લાગી.
‘કેમ, હાથે-પગે મેંદી મૂકી છે?!’
‘ના, એવું નથી...’ જવાબ આપવામાં તે છોકરો ખચકાતો હતો, ‘હું પછી કહીશ. અત્યારે હેલ્પ કરોને. મારી એક્ઝામ...’
એક ને એક વાત સાંભળીને ગૌતમ હવે કંટાળ્યો હતો. તેણે રીતસર ઊંચા અવાજે રાડ પાડી પેલાને કહ્યું, ‘ના પાડીને તને એક વાર...’
‘પણ ગામના કહે છે કે તમે દાનેશ્વરી...’
‘ગામવાળા ખોટાડા છે... સમજાયું?’ ગૌતમે બાજુમાં પડેલી લાકડી ઉપાડીને ખોટું નાટક કર્યું, ‘હવે જા. નહીં તો પછી હું...’
છોકરો ડરી ગયો એટલે ચાર-છ સ્ટેપ પાછળ ચાલ્યો ગયો. હવે તે પણ બરાબરનો અકળાયો હતો.
‘ક્યારનો કહું છું કે મારાથી કામ થઈ શકે એમ નથી તો પણ વિશ્વાસ નથી...’ છોકરાએ જવાબ આપ્યો, ‘કહી દઉં હવે તમને. મારા પપ્પા બીમાર છે અને મારે ઘરે રહેવું પડે એમ છે એટલે મારાથી કામ થાય એમ નથી... અને તમે કહો છોને ગામવાળા ખોટાડા છે તો સાંભળી લો શેઠ, ખોટાડા તમે છો. જે માણસ પાસે પૈસા ન હોય તે આવી રીતે પોતાની દુકાનના બોર્ડ પર ચાર-ચાર સોનાનાં બિસ્કિટ ટીંગાડીને ક્યારેય ન રાખે.’
ગૌતમની આંખો ફાટી ગઈ.
તેણે પહેલાં છોકરા સામે અને પછી પોતાની દુકાનના બોર્ડ તરફ જોયું.
બોર્ડ પર પેલા ચાર એકદમ ઝેરી વીંછી જ ટીંગાતા હતા.
‘શું... શું... શું કીધું તેં...’ ગૌતમે ફરી પેલાને પૂછ્યું, ‘શું લટકે છે દુકાનના બોર્ડ પર?’
‘સોનાનાં બિસ્કિટ... શું કામ મારી મસ્તી કરો છો. ન આપવાં હોય તો કંઈ નહીં...’
છોકરાએ ચાલતી પકડી, પણ હવે ગૌતમની આંખ ખૂલી ગઈ હતી. તે દોડતો દુકાનની બહાર નીકળ્યો અને પેલા છોકરાને તેણે તેડી લીધો.
‘મળી ગયો અસલી વારસદાર...’ ગૌતમની આંખમાં આંસુ હતાં, ‘તારા પપ્પા એટલે સિદ્ધાર્થભાઈ...’
છોકરાને નવાઈ લાગી, કારણ કે શેઠની વાત સાચી હતી. તેણે જેવી હા પાડી કે ગૌતમ રીતસર છોકરાને તેડીને નાચવા લાગ્યો. તેના મનનો ભાર ઊતરી ગયો હતો.
‘મને લઈ જા તારા પપ્પા પાસે દીકરા...’ ગૌતમે તે છોકરાના માથે હાથ ફેરવ્યો, ‘મારા લાલ, તું તો કરોડોપતિ છે... તારે પૈસા માગવાની જરૂર નથી... ચાલ જલદી, તારા પપ્પા પાસે જઈએ...’
lll
‘મૉરલ ઑફ ધ સ્ટોરી...’
‘જેની વસ્તુ હોય તેને એ પાછી આપવાની હોય...’
ઢબ્બુના જવાબથી પપ્પાની આંખો પણ ભીની થઈ ગઈ. આખી વાર્તામાંથી ઢબ્બુએ અગત્યનું કહેવાય એ જ મૉરલ લીધું હતું એની તેમને ખુશી હતી.
સંપૂર્ણ