Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ધ ટ્રેઝર

ધ ટ્રેઝર

Published : 21 April, 2023 09:34 AM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

‘આ ઘર લેવા હું તૈયાર છું... કિંમત કહો.’ બંગલાના માલિકને ગૌતમે કહ્યું, ‘વાજબી કિંમત કહેજો, પેમેન્ટ એકઝાટકે આપી દઈશ...’

ધ ટ્રેઝર

મૉરલ સ્ટોરી

ધ ટ્રેઝર


રવિવાર હોય એટલે આમ પણ ઢબ્બુને જલસા હોય, પણ જો વેકેશનનો રવિવાર હોય તો ઢબ્બુને બારે માસ દિવાળી જેવો ઘાટ સર્જાય જાય અને આજે એવું જ હતું. 
વેકેશન અને સન્ડે. 
આ એક જ કૉમ્બિનેશન એવું હતું જેમાં મમ્મી તેને મોડે સુધી સૂવા દેતી. જ્યાં સુધી સૂવું હોય ત્યાં સુધી સૂવાનું. ભલે પછી બપોરે બાર વાગે, પણ લંચ-ટાઇમ પહેલાં જાગી જવાનું અને એ પછી રાત સુધી ટીવી અને પ્લે-સ્ટેશન કે મેટા-ગેમ રમવા બેસવાનું નહીં.
‘એવું શું કામ?’ 
એક દિવસ ઢબ્બુએ પૂછ્યું હતું ત્યારે મમ્મીએ તેને સાયન્ટિફિક કારણ સાથે સમજાવ્યું હતું...


‘તેં બરાબર ઊંઘ કરી આજે, રાઇટ? જો હવે તું બેઠાં-બેઠાં જ બધાં કામો કરે તો પછી તારું બૉડી થાકે નહીં અને જો એ થાકે નહીં તો પછી રાતે તને ઊંઘ આવે નહીં અને જો તને રાતે બરાબર ઊંઘ આવે નહીં તો પછી મન્ડેએ તને જાગવામાં પ્રૉબ્લેમ થાય...’
‘યુ આર જિનીયસ મમ્મી...’
આ એક જ બાબતમાં ઢબ્બુ મમ્મીને જિનીયસ કહેતો અને એમાં પણ મમ્મી હસતાં-હસતાં કહી દેતી : ‘જાને ખોટાડા...’
lll



‘પપ્પા ક્યાં...’
‘તેમની રૂમમાં...’ દસ વાગ્યે જાગેલા ઢબ્બુના બૉડીમાં એનર્જી ભરી દે એ વાત તો મમ્મીએ પછી કરી, ‘આજે પપ્પાએ પોતાનો બધો સામાન કાઢ્યો છે...’
ઢબ્બુની આંખો પહોળી થઈ ગઈ. દૂધનો ગ્લાસ ટેબલ પર મૂકીને તે ભાગવા જતો જ હતો, પણ મમ્મી ખિજાશે એવું ધારીને તેણે એકશ્વાસે ગ્લાસ પૂરો કરવા મોઢે માંડ્યો. જોકે તરત તે અટકી ગયો અને મમ્મીની સામે જોયું.
‘યાદ આવી ગયું, બેઠાં-બેઠાં પીવાનું...’
ડાઇનિંગ ટેબલની ચૅર ખેંચવાને બદલે તે જમીન પર જ બેસી ગયો અને બેસીને તેણે દૂધનો ગ્લાસ પૂરો કર્યો, પણ હવે તેનાથી રાહ જોવાતી નહોતી એટલે દૂધનો ગ્લાસ જમીન પર મૂકીને જ તે સીધો પપ્પાની રૂમ તરફ ભાગ્યો.
‘પપ્પા...’
lll


‘મને જગાડી દેવાનો હોયને?!’ 
પપ્પાની બાજુમાં બેસી ગયેલા ઢબ્બુની નજર સામે પડેલા બધા સામાન પર અને કાન ધીમા અવાજે વાગતા સારેગામ કારવાં પર વાગતા ગીત પર હતાં.
ધુંઆ-ધુંઆ થા વો શમા યહાં વહાં જાને કહાં તૂ ઔર મૈં, કહીં મિલે થે પહલે દેખા તૂઝે તો દિલને કહાં...
તેરા મુઝસે હૈ પહલે કા નાતા કોઈ યૂં હીં નહીં દિલ લગાતા કોઈ...
ઘણી વાર આ સૉન્ગ ગાતાં-ગાતાં પપ્પા તેને સુવાડતા એટલે એઇટીઝનું આ સૉન્ગ ઢબ્બુ માટે જરા પણ નવું નહોતું. સૉન્ગ પણ નહીં અને આ સૉન્ગ સાથે જોડાયેલી પપ્પાની યાદો પણ. આ સૉન્ગ ગાઈને દાદાજી પપ્પાને સુવાડતા. પપ્પાને જ્યારે દાદા યાદ આવતા ત્યારે તે દાદાનાં ફેવરિટ હતાં એ બધાં સૉન્ગ વગાડતા.

‘દાદા યાદ આવે છે?’
જવાબ નહીં મળે એ ખાતરી આટલાં વર્ષોમાં ઢબ્બુને પણ થઈ ગઈ હતી. તેણે ધીમેકથી સામે પડેલું વર્ષો જૂનું પેપરવેઇટ ઉપાડ્યું. 
‘આ પેપરવેઇટ છે... દાદા નાના હતા ત્યારે તેમના પપ્પાએ તેમને એ આપ્યું હતું.’
‘અને આ...’


ઢબ્બુએ બીજી એક ચીજ ઉપાડી. તેને ખબર હતી કે એ ચીજ પણ દાદાની જ છે. દાદાની મોટા ભાગની ચીજ તેમણે સાચવી રાખી હતી. અમુક સમયાંતરે દાદાની એ ચીજ બહાર નીકળે, એને સાફ કરવાની અને સાફ કરીને ફરી પાછી સરસ રીતે ડિસ્પ્લેમાં ગોઠવવાની. ઢબ્બુને પણ એ બધાં કામોમાં બહુ મજા આવતી. રમવાનું પણ તે ભૂલી જાય અને ફ્રેન્ડ્સ તેને બોલાવે તો જવાની પણ ના પાડી દે.
આજે પણ એવું જ થયું.
lll

‘ના, મારે નથી આવવું...’ સનીને દરવાજેથી જ પાછો મોકલતાં પહેલાં ઢબ્બુએ કહી પણ દીધું, ‘હું તો ડૅડી સાથે તેમના ખજાનાનું કામ કરું છું?’
‘ખજાનો એટલે?!’
‘ખજાનો એટલે...’ વિચારવા માટે પાંચેક સેકન્ડ લઈને ઢબ્બુએ પોતાને આવડે એવો જવાબ આપ્યો, ‘બહુ વર્ષો પહેલાંનું બધું હોય અને જે આપણે સાચવી રાખ્યું હોય એવું બધું હોય એને ખજાનો કહે...’
સની કંઈ વધારે પૂછે એ પહેલાં ઢબ્બુએ બાય કહી દીધું, પણ એ બાય કહ્યા પછી પણ તેના મનમાં એક શબ્દ સ્ટોર થયેલો રહી ગયો...
‘ખજાનો...’
તેણે રૂમમાં આવીને પપ્પાને કહી પણ દીધું, ‘આજે ખજાનાની સ્ટોરી કહેજો...’
‘કયા ખજાનાની?’

‘ગમે તે ખજાનાની... બસ, એમાં ખજાનો હોવો જોઈએ.’
દાદાની ચીજવસ્તુઓ સાફ કરતાં-કરતાં પપ્પા ખજાનાની સ્ટોરી યાદ કરવા પર લાગી ગયા અને એ યાદ કરતાં-કરતાં તેમને દાદાએ આપેલી ખજાના જેવી સલાહ પણ યાદ આવી ગઈ.
‘જે તમારા હકનું નથી એને કોઈની અમાનત ગણીને સાચવો... પણ ક્યારેય એના માલિક બનો નહીં.’
lll

‘એક નાનકડું ગામ હતું... પણ ગામના બધા લોકો બહુ પૈસાવાળા હતા.’ 
રાતે પપ્પાએ સ્ટોરી શરૂ કરી. સ્ટોરી ચાલુ થાય એ પહેલાં જ ઢબ્બુએ તેમને યાદ દેવડાવી દીધું હતું કે ખજાનાની સ્ટોરી કહેવાની છે.
‘ખજાનો છેને એમાં?’
‘હા છે, બહુ મસ્ત ખજાનો છે...’
‘ઓકે...’ ઢબ્બુ ફરી પપ્પાના ખોળામાં માથું રાખીને સૂતો, ‘ગામમાં બધા લોકો બહુ પૈસાવાળા હતા... પછી?’
‘એ ગામમાં એક માણસ આવ્યો. ગૌતમ તેનું નામ...’
lll

ગૌતમ જે ગામમાં રહેતો હતો એ ગામમાં દુકાળ પડ્યો હતો એટલે તે પોતાનું બધું વેચી એ ગામ છોડીને એવા ગામની શોધમાં નીકળ્યો હતો જ્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ હોય. એક પછી એક ગામ ફરતો-ફરતો ગૌતમ આવ્યો આ ગામમાં. તે થોડો સમય ધર્મશાળામાં રહ્યો, ગામમાં બધાને મળ્યો. ધીમે-ધીમે તેને લાગવા માંડ્યું કે આ ગામ રહેવા માટે બહુ સારું છે.
હવે તેણે નક્કી કર્યું કે ગામમાં રહેવું જ છે તો પછી હું શું કામ રેન્ટ પર ઘર શોધું? 
પૈસા તો ગૌતમ પાસે હતા જ.
તેણે તરત જ ગામમાં ઘર શોધવાનું શરૂ કર્યું.

બે, ચાર, છ અને આઠ ઘર જોયા પછી ગૌતમને એક ઘર એવું મળ્યું જે જોઈને તે ખુશ થઈ ગયો.

lllઆ પણ વાંચો : નૉન-વેજ (પ્રકરણ ૧)

‘ખજાનો હતો ત્યાં?’
‘હા, પણ... એ ખજાનો બહુ ખતરનાક હતો... એમાં બહુબધા વીંછી...’
‘એમ નહીં...’ ઢબ્બુએ તરત જ પપ્પાને રોક્યા, ‘સરખી રીતે અને ડીટેલમાં સ્ટોરી કરો.’
‘એ તો સરખી જ રીતે કહે છે...’ મમ્મીએ ઢબ્બુને ટોક્યો, ‘તું જ વચ્ચે દોઢડાહ્યો થાય છે.’
‘ભલે... ડાહ્યા કરતાં દોઢડાહ્યા સારા...’ મમ્મીને જવાબ આપીને ઢબ્બુએ પપ્પાને પૂછી પણ લીધું, ‘હેંને પપ્પા?!’
‘પહેલાં સ્ટોરી સાંભળીએ?’ ધર્મસંકટમાંથી બચવા માટે પપ્પાએ સ્ટોરીનો સહારો લીધો, ‘એ ઘરની આગળના ભાગમાં બહુ મોટું ગાર્ડન હતું. વર્ષોથી બંગલો બંધ હશે એટલે ગાર્ડનની કોઈએ કૅર નહોતી કરી, જેને લીધે ગાર્ડન ખરાબ થઈ ગયું હતું. જોકે ઘર બહુ સરસ હતું...’
lll

‘આ ઘર લેવા હું તૈયાર છું... કિંમત કહો.’ બંગલાના માલિકને ગૌતમે કહ્યું, ‘વાજબી કિંમત કહેજો, પેમેન્ટ એકઝાટકે આપી દઈશ...’
‘જુઓ સાહેબ, આ ઘર મારા દાદાના દાદાનું છે. આ ઘર હું રાજી થઈને નથી વેચતો, પણ પૈસાની જરૂર છે.’ ઘરના માલિક એવા સિદ્ધાર્થે કહ્યું, ‘મારા પપ્પાને કૅન્સર છે અને તેમની સારવાર માટે મારે પૈસાની જરૂર છે...’
‘એ તો હેલ્પ હું તમને કરું...’

‘ના સાહેબ, મોટી રકમની જરૂર છે અને બીજું, ટ્રીટમેન્ટ માટે અમારે મોટા સિટીમાં જવું પડે એમ છે. અમારી ગેરહાજરીમાં ઘર આમ પણ અવાવરું પડ્યું રહે. એના કરતાં વિચાર્યું કે એને એવી કોઈ વ્યક્તિને વેચી દઉં જે એની સરસ સારસંભાળ રાખે...’
એ પછી સિદ્ધાર્થે જે રકમ કહી એમાં કોઈ જાતનું બાર્ગેઇન કર્યા વિના ગૌતમે પેમેન્ટ કરી દીધું અને કહ્યું પણ ખરું કે ‘વચ્ચે ક્યાંય પણ પૈસાની જરૂર પડે તો મને યાદ કરજો. મારાથી બનશે એટલી હેલ્પ કરીશ...’
lll

ઘરની માલિકી બદલાઈ ગઈ, ડૉક્યુમેન્ટ્સ થઈ ગયા એટલે ગૌતમે નક્કી કર્યું કે આપણે આ ગાર્ડન આખું ચેન્જ કરીને એકદમ નવા અને સરસ, ખૂશ્બુદાર ઝાડ-પાન ઉગાડવાં છે. બસ, તેણે તો તરત જ મજૂરોને બોલાવ્યા અને બંગલાના ગાર્ડનમાં જે ઝાડ-પાન હતાં એ બધાં કઢાવી નાખ્યાં. આમ પણ એ બધાં સાવ સુકાઈ ગયાં હતાં.
ઝાડ-પાન નીકળી ગયાં એટલે ગૌતમે કારીગરોને સૂચના આપીને જમીન પણ થોડી ખોદાવી નાખી.
ગૌતમ તો આખો દિવસ બહાર હોય એટલે રાત પડ્યે તે ઘરે આવીને આ બધું કામ જુએ. એ રાતે પણ જમી-પરવારીને તે બંગલા પર આવ્યો અને તેણે ધ્યાનથી બધું કામ જોવાનું શરૂ કર્યું.
ગાર્ડન ખાસ્સું મોટું હતું એટલે ધીમે-ધીમે ગૌતમ બધું નિરીક્ષણ કરતો ગાર્ડનમાં ફરવા માંડ્યો. તે ફરતો હતો એવામાં તેના પગમાં ઠેસ આવી. તેને નવાઈ લાગી કે આવડો મોટો પથ્થર કોઈ મજૂરના ધ્યાનમાં આવ્યો નહીં હોય?!
હશે, નહીં આવ્યો કોઈના ધ્યાનમાં.

આવું ધારીને ગૌતમે વાંકા વળીને એ પથ્થર ખેંચ્યો, પણ તેનાથી ખેંચાયો નહીં.
અરે બાપ રે, આવડો મોટો પથ્થર...
ગૌતમ તરત અંદર જઈને ફાનસ લઈ આવ્યો અને તેણે ફાનસના અજવાશમાં જોયું તો એ પથ્થર નહીં પણ લાકડાનો મોટો ટુકડો હતો. આજુબાજુમાં નજર કરી તો ગાર્ડનમાં કામ કરનારા મજૂરો પોતાનો સામાન મૂકીને ગયા હતા.
ગૌતમ દોડતો એક મોટો પાવડો લઈ આવ્યો અને તેણે લાકડાના એ ટુકડાની આસપાસ ખોદવાનું શરૂ કર્યું.
ઠાક... ઠાક... ઠાક...

ગૌતમ ખોદતો જ રહ્યો, ત્યાં સુધી જ્યાં સુધી એ લાકડાનો મોટો ટુકડો તેને ચોખ્ખો દેખાય નહીં. હકીકત એ હતી કે એ લાકડાનો ટુકડો નહીં પણ લાકડાની પેટી હતી.
સાવધાની સાથે ગૌતમે લાકડાની પેટી બહાર ખેંચી.
પેટી દેખાવે બહુ વર્ષો પહેલાંની, સદીઓ પહેલાંની દેખાતી હતી.
ગૌતમે આજુબાજુમાં જોયું. તેણે પણ નાનપણમાં ખજાનાની વાતો બહુ સાંભળી હતી એટલે તે સમજી ગયો હતો કે આમાં નક્કી ખજાનો છે.
ગૌતમે ધીમેકથી ફાનસ બાજુમાં બાજુમાં મૂક્યું. તેની હાર્ટબીટ્સ વધી ગઈ હતી. તેને ખાતરી હતી કે એમાં સોનું, મોતી, હીરા અને એવું બધું હશે જેની કિંમત બિલ્યન્સમાં થતી હશે. 
ગૌતમે જોયું કે એ પેટી પર તાળું માર્યું હતું.
બાજુમાં પડેલો પથ્થર ઉપાડીને ગૌતમે એ તાળા પર ઝીંક્યો.
ધાડ...

તાળું એકઝાટકે તૂટી ગયું. 
હવે એ ખજાનો જોવા માટે માત્ર પેટી ખોલવાની હતી.
ગૌતમે ધીમેકથી પેટીની સ્ટૉપર ખોલી અને પછી ઊંડો શ્વાસ લઈને એકઝાટકે પેટીનું ઢાંકણું ખોલી નાખ્યું.
પેટી ખોલીને તેણે અંદર નજર કરી કે ત્યાં જ...
lll

‘અંદર ડાયમન્ડ્સ હતાને?’ ત્રીજી વખત ખોળામાંથી ઊભા થઈ ગયેલા ઢબ્બુએ પૂછ્યું, ‘ગોલ્ડ ને એવુંબધું...’
‘ના...’ પપ્પાએ ઢબ્બુના ગાલ પર વહાલથી ચીંટિયો ભર્યો, ‘અંદર બહુબધા વીંછી હતા... આખી એ પેટી વીંછીઓથી ભરેલી હતી અને વીંછીઓ પણ પાછા એકદમ ઝેરી...’
ઢબ્બુની આંખો પહોળી થઈ ગઈ હતી. આવો ખજાનો મળે એવી તો તેણે કલ્પના પણ નહોતી કરી. ઢબ્બુના ચહેરા પર આવી ગયેલા એ ભયને પૉઝ આપતાં પપ્પાએ કહ્યું, ‘જલદી જઈને પીપી કરી આવો, આગળની સ્ટોરી ત્યાર પછી...’

વધુ આવતા શુક્રવારે

Whatsapp-channel Whatsapp-channel

21 April, 2023 09:34 AM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK