આજકાલ ટ્રાન્સજેન્ડરને પણ સમાજમાં અપનાવાય છે. તમારા દીકરાની પોતાની જે દુનિયા છે એમાં તેને જીવવા દો, પ્રેમથી અપનાવો...’ જોકે સત્યેનને પોતાના ઘરનું સરનામું ખબર નહોતું, કહોને કે યાદ જ નહોતું રાખવું.
શૉર્ટ સ્ટોરી
ઇલસ્ટ્રેશન
આજે સૌથી વધારે ખુશ હોય તો એ હતી સીતા. માબાપે તો કાંઈ બીજું જ નામ પાડેલું, પણ જ્યારથી ટીવી પર રામાનંદ સાગરની ‘રામાયણ’ સિરિયલ જોઈ ત્યારથી સીતામાતા સાથે રીતસર પ્યાર થઈ ગયેલો. ભગવાન શ્રીરામની પત્ની તરીકે તેમનું સૌમ્ય મુખ, અયોધ્યાનાં રાણી તરીકે તેમની વેશભૂષા, તેમનો ઠસ્સો, વનવાસ દરમ્યાન પણ ભગવા રંગનાં વસ્ત્રોમાં તેમના વદન પરની શાંતિ ને મધુરું સ્મિત, લાંબા વાળ વગેરે એકેએક દૃશ્ય જોતાં સીતામાતા તેના હૈયામાં કોતરાઈ ગયેલાં. ‘હું પણ આજથી સીતામા...’ પણ પોતે જાતે રાખેલું આ નામ મમ્મીને કહેવાની હિંમત નહોતી અને વળી તેની વય પણ કેટલી! કેવળ ૯ વર્ષ. બસ, હૈયે પોતાને માટે આ નામ કોતરી રાખ્યું. ઘરમાં મમ્મી ન હોય ત્યારે મમ્મીની સાડી જેવી આવડે એવી પોતે પહેરે, ચાંદલો કરે, લિપસ્ટિક લગાવે અને અરીસામાં જોઈને પોતાના જ પ્રેમમાં પડી જાય.
પિતા અજય પટેલ પાંચ વર્ષ પહેલાં હૃદયરોગના હુમલામાં મૃત્યુ પામેલા એટલે તેમનું કોઈ સ્મરણ નહોતું. મમ્મી આશા એક મોટી કંપનીમાં મૅનેજર. મમ્મીનો ઠસ્સો, બૉસના ચાર હાથ, બીજા કર્મચારી તેને પૂછીને પાણી ભરે એવું તેનું પ્રભુત્વ. આશાએ આ કંપની જૉઇન કરી ત્યાર બાદ તેની કુશળતાને લઈને કંપની ઉત્તરોત્તર પ્રગતિ કરતી ગઈ. શેઠે કર્મચારીના પગાર, મોંઘવારી ભથ્થું, બોનસ સર્વ વધારી દીધેલાં એથી આશાને થોડું ગુમાન આવી ગયેલું કે મારા વગર આ કંપની કેવી રીતે ચાલશે!
ADVERTISEMENT
ઘરે કામ કરવા ને પોતાના બાળકનું ધ્યાન રાખવા આધેડ વયનાં મોંઘીબહેન હતાં. આશા ઊંચા હોદ્દે હોવાથી ઑફિસમાં મીટિંગ હોય એટલે ઘરે આવતાં મોડું થાય. બપોરે સ્કૂલથી આવી, હોમવર્ક પતાવી, મોંઘીબહેન સૂઈ જાય ત્યારે તે પોતાના સાજ-સજાવટના શોખ પૂરા કરે.
આજે સાડી પહેરી, લિપસ્ટિક-ચાંદલો કરીને અરીસામાં પોતાની જાતને નિહાળવાનું શરૂ કર્યું કે તરત મમ્મી આવી ગઈ, ‘સત્યેન, આ શું કરે છે!’ તેણે જોરથી બૂમ પાડી. અને સત્યેન ઉર્ફે સીતા ગભરાઈ ગયો. થરથર કાંપવા લાગ્યો.
‘મારો દીકરો આવો!’ મમ્મી હેબતાઈ ગઈ. સત્યેન તો એક ટ્રાન્સજેન્ડર હતો. જન્મે છોકરો, પણ અંદરખાને તેના બધા શોખ-ગુણ છોકરીના. હવે? તે રડવા માંડ્યો. આશા ખૂબ ગુસ્સે થઈ, ‘સમાજમાં કેટલીય વાતો થશે, ઑફિસમાં લોકો મારી પીઠ પાછળ મારી અને મારા દીકરાની મશ્કરી કરશે. જે લોકોને મારા વિકાસથી જલન છે તેઓ મારું પ્રમોશન રોકવાના કેટલાય રસ્તા શોધશે. આ હું કોઈ કાળે નહીં થવા દઉં.’
ટ્રાન્સજેન્ડર વ્યક્તિની મજબૂરી હોય છે. તેઓ જાણીજોઈને આવા નથી હોતા, પણ તેમના દેહ અને દિલ તેમને સાથ નથી દેતાં. હવે જમાનો બદલાયો છે. આવાં બાળકોને પણ સમાજમાં પ્રેમથી સ્વીકારવામાં આવે છે. આપણે પૂરી કોશિશ કરી, તેમને ધિક્કારવાને બદલે પ્રેમથી અપનાવવાં જોઈએ. આશા આ બધી વાત જાણતી તોયે મમ્મીના મારથી સત્યેન બચ્યો નહીં. તેને બીજા દિવસે સ્કૂલ મોકલ્યો નહીં અને પોતે પણ ઑફિસમાં રજા રાખી, જમી નહીં અને સત્યેનને પણ ખાવાનું ન આપ્યું. કલાકો વીત્યા તોયે તેનો ગુસ્સો શાંત ન થયો. ‘હવેથી તારું મોઢું મને બતાવતો નહીં. આ છોકરીવેડા ઘરમાં નહીં ચાલે. અહીં રહેવું હોય તો આ સાજ-સજાવટથી દૂર રહેવું પડશે. છોકરો છે તો છોકરો બનીને રહે.’
મોંઘીબહેનને સત્યેનની માયા ઘણી, પણ તે આવો કેમ છે એ આ અભણ બાઈ નહોતી સમજતી. ‘તેને સાજ-શણગારથી દૂર રાખવાનો છે’ એવા શેઠાણીના હુકમનો અમલ કરતી. એમ કરતાં દિવસો વીતતા ચાલ્યા. સત્યેનના શરીરમાં રહેલી ‘સીતા’ને અકળામણ થતી હતી, વિદ્રોહ કરવો હતો, પણ કડક જાપ્તો હતો.
એક દિવસ મોંઘીબહેન રસોડામાં હતાં ને સત્યેનને મોકો મળી ગયો. મમ્મીની સાડી વગેરે તો હવેથી કબાટમાં બંધ જ રહેતાં, પણ મોંઘીબહેનની સાડી, બંગડી, ચાંદલો તેને મળી ગયાં. જેવો શણગાર પૂરો થયો ત્યારે મમ્મી આવી ગઈ. મોંઘી રસોડામાં તો તેના ઓરડામાં બત્તી કેમ! ત્યાં સત્યેનને ભાળીને મગજ ગુમાવ્યું. હાથમાં જે આવ્યું એનાથી મારતી ગઈ, મોંઘીબહેને વચ્ચે પડી, મા-દીકરાને જુદાં પાડ્યાં. સત્યેને હોંશ ગુમાવી દીધા. મધરાતે ભાનમાં આવ્યો ત્યારે આખું શરીર કળતું હતું ને કાંઈ પણ વિચાર્યા વિના એ કુમળા બાળકે ઘર છોડ્યું. કેટલુંય ચાલ્યો ને થાકીને ફુટપાથ પર જ સૂઈ ગયો. નસીબ સારાં કે પોલીસ કે મવાલીઓના નજરમાં ન આવ્યો.
વહેલી સવારે નજીકની ઝૂંપડપટ્ટીમાં રહેતી શંકરી પ્રાતઃક્રમ માટે બહાર નીકળી અને તેણે સત્યેનને જોયો. થરથર ધ્રૂજતો, તાવમાં શરીર ધગધગે, મારને લીધે શરીરે ઊપસેલાં લાલ ચકામાં જોઈને શંકરી કાંપી ગઈ, ઊંચકીને ઘરે લાવી. ગરમ દૂધ ને રાતની વાસી રોટલી હતી એ ખાવા આપી. ફાટેલો એક ધાબળો હતો એ ઓઢાડીને સુવડાવી દીધો. આજે કામે ન જતાં શંકરી ઘરે જ રહી.
બે દિવસે સત્યેનનો તાવ ઊતર્યો. ઘણા પ્રેમથી પૂછતાં સત્યેને તેને કહ્યું, ‘પોતે છોકરો છે, પણ બધી જ ઇચ્છા છોકરીની થાય છે એ મમ્મીને નથી ગમતું એટલે મને ખૂબ માર્યો...’ કહી ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યો. ઓહો, આ તો શંકરીની જ કથા હતી. મૂળ તેનું નામ શંકર મ્હાત્રે, પણ હતો ટ્રાન્સજેન્ડર. તેના નસીબે દુનિયામાં તે એકલો હતો એટલે શંકરી બનતાં તેને કોઈ રોકનારું નહોતું. પોતાની બુદ્ધિથી મ્યુનિસિપાલિટીની શાળામાં ભણ્યો. એક હોટેલમાં રાતે વાસણ ધોવાનું કામ કર્યું હતું, જ્યાં ખાવાનું પણ મળતું. શેઠની મહેરબાનીથી કમ્પ્યુટર શીખ્યો, પૈસા બચાવી સરકારી હૉસ્પિટલમાં શંકરમાંથી શંકરી મ્હાત્રે બન્યો.
શંકરી રાતે હોટેલમાં વાસણ ધોવા જાય ને દિવસે એક શાળામાં કમ્પ્યુટર શીખવે. તેને સત્યેનની મમ્મીને સમજાવવું હતું કે ‘આજકાલ ટ્રાન્સજેન્ડરને પણ સમાજમાં અપનાવાય છે. તમારા દીકરાની પોતાની જે દુનિયા છે એમાં તેને જીવવા દો, પ્રેમથી અપનાવો...’ જોકે સત્યેનને પોતાના ઘરનું સરનામું ખબર નહોતું, કહોને કે યાદ જ નહોતું રાખવું. હવે? સવારે પોલીસ-સ્ટેશન જઈને ખબર કરીશ. તેના માવતરને તેઓ ખોળી કાઢશે, પણ આ શું! બીજા દિવસના અખબારના પહેલા પાને સત્યેનની મમ્મીએ સત્યેનના ફોટો સાથે પોતાની ઓળખ વગર જાહેરાત આપી દીધી હતી, ‘ઉપરોક્ત બાળક સાથે અમને કોઈ નિસ્બત નથી. જેને મળે તેણે પાછો આપવાની કે સંપર્ક કરવાની તસ્દી લેવી નહીં...’
શું કોઈ મા આટલી નિષ્ઠુર હોઈ શકે! પંડના જણ્યાને આમ ત્યજી દઈ શકે! શંકરી ધ્રૂજી ગઈ. એક એવી જનેતા આજે તેણે જાણી, જેના હૈયામાં માયા, મમતા, લાગણીની જગ્યા એક પથ્થરે લઈ લીધી હતી.
તેણે તરત જ નિર્ણય લીધો, ‘હું તેની મા બનીશ. સત્યેનને સીતા બનતાં દુનિયાની કોઈ તાકાત રોકી નહીં શકે. નજીકની શાળામાં તેને દાખલ કર્યો, જેથી પોતાની મેળે જઈ-આવી શકે. તેના બધા જ શોખ પૂરા કર્યા, તેને ક્યારેય રોક્યો નહીં. સીતાને શંકરીમાં એક પ્રેમાળ મા મળી ગઈ, પણ મમ્મીની યાદ તેના આખા શરીરમાં ધ્રુજારી લાવી દે અને શંકરીને એવી વળગે જાણે કોઈ તેને હમણાં જ મારી નાખશે. ધીરે-ધીરે શંકરીની દેખરેખ અને પ્રેમને લીધે સીતા સ્વસ્થ થઈ. શાળામાં પણ નામ સીતા જ લખાવેલું એટલે છોકરીનાં કપડાં પહેરી તે હોંશે-હોંશે શાળામાં જતી. એક તો ભગવાન શ્રીરામનાં પત્ની સીતા જેવી જ સૌમ્ય, શાંત ને રૂપાળી, વળી પ્રેમાળ ને મદદગાર પણ એટલી જ, એથી તેની મશ્કરી કે હાંસી ઉડાડનાર વિદ્યાર્થી પણ તેના દોસ્ત બની જતા. સીતા જેવી હતી એવી સર્વેએ પ્યારથી તેને અપનાવી લીધેલી.
વર્ષો વીતતાં ચાલ્યાં. શાળા પછી કૉલેજ, દરેક વર્ષે પહેલો ક્રમાંક લાવે, સ્કૉલરશિપ મેળવે અને એ બધાનું શ્રેય તેની પાલક માતા શંકરીને આપે. ગ્રૅજ્યુએશન બાદ કાયદાની કૉલેજમાં દાખલો લીધો. બહુ મોટી વકીલ બની. પોતાની પ્રતિભા, જ્ઞાન ને કુનેહથી દલીલો કરી દરેક કેસ જીતી જાય. સરખા પૈસા ભેગા થતાં તે પણ ઑપરેશન કરાવીને સત્યેનમાંથી સીતા બની અને એટલા માટે જ આજે તે સૌથી વધારે ખુશ હતી. હવે કાયદાકીય દૃષ્ટિએ તે સીતા હતી.
તેની નામના એટલી થઈ કે ભલભલી નામાંકિત વ્યક્તિ પોતાનો કેસ લઈને આવતી અને એક દિવસ તેની પાસે આશા પટેલનો કેસ આવ્યો. આશા મૅનેજરમાંથી કંપનીની સીઈઓની પાયરીએ પહોંચેલી. વાર્ષિક કરોડો રૂપિયાનો પગાર હતો, પણ પોતાના ઘમંડને લીધે કંપનીમાં જ અનેકને દુશ્મન બનાવેલા. બે મહિના અગાઉ તેના હાથ નીચે કામ કરનાર દેસાઈને એક નાનકડી ભૂલ માટે બધાની સામે અપમાનિત કરેલો. ત્યારથી દેસાઈએ ગાંઠ વાળેલી કે આ આશાનું અભિમાન ચકનાચૂર ન કરું તો મારું નામ બદલી નાખું. એક દિવસ બહુ બધાં કાગળિયાંમાં આશાની સહી લેવાની હતી, એમાં એક એવા કાગળ પર સહી કરાવી લીધી, જેથી કંપનીને લાખો રૂપિયાનું નુકસાન થાય. પોલીસ-ફરિયાદ થઈ, સીઈઓની સહી હતી એટલે આશાને પોલીસ પકડી ગઈ. બાકીના કર્મચારીઓને જાણ હતી કે આશા નિર્દોષ છે, પણ તેના પક્ષમાં જુબાની આપવા કોઈને રસ નહોતો. છેવટે આશાએ નિર્દોષતા પુરવાર કરવા નામાંકિત વકીલ સીતાનો સંપર્ક કર્યો. ત્રણ મહિના આ કેસ ચાલ્યો. બધાં પાસાંનો અભ્યાસ કરી સીતાએ બીજા કર્મચારીઓની જુબાની, સાક્ષીઓ, આટલાં વર્ષોની આશાની ઈમાનદારી વગેરે કેટલીય દલીલો અને તર્ક રજૂ કરી આશાને નિર્દોષ સાબિત કરી. એ દરમ્યાન આશાએ પણ સીતાના ભૂતકાળ વિશે તપાસ કરાવી તો ખબર પડી કે આ જ મારો સત્યેન છે.
ટ્રાન્સજેન્ડર હોવા છતાં કેવો હોશિયાર, આત્મવિશ્વાસથી છલોછલ છે. તેને જેવો છે તેવો ન અપનાવીને મેં કેવડી મોટી ભૂલ કરી હતી.
નિર્દોષ પુરવાર થયા પછી સીતાનો આભાર માનતાં મા-દીકરાનો બાળપણનો ફોટો દેખાડી સજળ નેત્રે આશા બોલી, ‘તું જ મારો સત્યેન છે. તને નહીં અપનાવીને મેં ઘોર અપરાધ કર્યો છે. મારા પરનો આ આરોપ કુદરતે કદાચ આપણને બન્નેને મેળવવા જ રચ્યો હશે. મને માફ કર અને ઘરે આવી જ બેટા. હું તને સીતા અજય પટેલ તરીકે અપનાવીશ.’
અને સીતા બોલી, ‘તમે મારાં જન્મદાત્રી ભલે હો, પણ હું મારી મા ગણો કે બાપ, શંકરીની દીકરી છું અને મારું નામ સીતા શંકરી મ્હાત્રે છે.’
- સ્ટોરી હર્ષા મહેતા
નવા લેખકોને આમંત્રણ
ઘણા નવા લેખકોની વાર્તાઓ અમને મળી રહી છે. વાર્તાકારો આમાં જેટલો ઉત્સાહ દર્શાવી રહ્યા છે એ માટે સહુનો ખૂબ-ખૂબ આભાર.
૧. તમારી વાર્તા ટાઇપ કરેલી જ હોવી જોઈએ. હસ્તલિખિત વાર્તા સ્વીકારવામાં નહીં આવે.
૨. વાર્તા તમારી મૌલિક છે. એની લેખિત બાંહેધરી વાર્તાની સાથે લખીને આપવી.
૩. વાર્તાના શબ્દો ખૂબ વધારે કે ખૂબ ઓછા હશે તો એ સિલેક્ટ નહીં કરવામાં આવે.
તમે પણ જો શૉર્ટ સ્ટોરી લખવા માગતા હો તો લગભગ ૧૩૦૦ શબ્દોમાં રોમૅન્ટિક અથવા સંબંધોના તાણાવાણાને સુંદર રીતે રજૂ કરતી નવલિકા ટાઇપ કરીને featuresgmd@gmail.com પર મોકલો. સાથે તમારું નામ અને કૉન્ટૅક્ટ નંબર અને ફોટો પણ મોકલશો.