Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > વિઘ્નહર્તા સહવાસ - વિશ્વાસની રમત (પ્રકરણ ૫)

વિઘ્નહર્તા સહવાસ - વિશ્વાસની રમત (પ્રકરણ ૫)

Published : 05 September, 2025 01:37 PM | IST | Mumbai
Samit (Purvesh) Shroff

પણ શ્રાવણી ખરેખર ગોલ્ડ-ડિગર હોત તો મારી અક્ષમતા આગળ કરી ડિવૉર્સના બદલામાં તગડી ઍલિમની વસૂલી છૂટી ગઈ હોત એ તર્ક કેમ ન સૂઝ્યો!

ઇલસ્ટ્રેશન

વાર્તા-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


અરેન સ્તબ્ધ હતો. શ્રાવણીની ચિઠ્ઠી વાંચતો ગયો એમ ભીતર ઝંઝાવાત ઊમડતો ગયો. ઘણું કંઈ વલોવાતું હતું. ઘણું કંઈ ઉલેચાતું હતું...

ઑડિયો-ક્લિપને બદલે વિડિયો-ક્લિપનો ભેદ મને કેમ ન સૂઝ્યો? શ્રાવણી મને મારવા ધારે છે ત્યાં સુધીનું મેં ધારી લીધું. મારા વિશ્વાસનું પોત કાચું છે એટલે હું શ્રાવણી માટે મને અનુકૂળ ધારણા સ્વીકારી લઉં છું કે પછી મારી અક્ષમતાને સરભર કરવા હું શ્રાવણીમાં દોષ ખોળતો થઈ ગયો છું?



ના, શરૂથી મને શ્રાવણી બાબત કશોક ખટકો રહ્યો છે. કોઈ યુવતી સહજતાથી પોતાના થનારા પતિનું સ્ખલન સ્વીકારી શકે એ મુદ્દો જ ગળે નહોતો ઊતર્યો : જરૂર શ્રાવણીમાં પણ કોઈ ખોટ હોવી જોઈએ. તેણેય ક્યાંક રંગરેલી માણી હોવી જોઈએ, જે તેનાથી કબૂલાતી નથી.


પણ ના, એવું નહોતું. સુહાગરાતે તેના બિનઅનુભવીપણાની ખાતરી થઈ ગઈ. હું તેને અપાર ચાહતો થયો, પણ પછી અક્ષમતાએ મને બદલી નાખ્યો, રાધર મારા જુનવાણીપણાને વકરાવી દીધું. પોતે જાતને એવું મનાવતો થયો કે શ્રાવણી મારો પૈસો જોઈને પરણી હોવી જોઈએ, અ ગોલ્ડ-ડિગર!

પણ શ્રાવણી ખરેખર ગોલ્ડ-ડિગર હોત તો મારી અક્ષમતા આગળ કરી ડિવૉર્સના બદલામાં તગડી ઍલિમની વસૂલી છૂટી ગઈ હોત એ તર્ક કેમ ન સૂઝ્યો!


તો શું મને મળેલો પુરાવો સાવ ખોટો?

અરેન આંખો મીંચી ગયો. જાતતપાસની એ નિર્ણાયક ક્ષણ હતી. વિશ્વાસ-અવિશ્વાસના દ્વિભેટે ઊભેલા પુરુષે કોઈ એક કાંઠો હંમેશ માટે છોડવાનો હતો.

અને ઘડીક પછી તેની આંખો ઊઘડી એમાં નિર્મળતા પણ હતી ને નિર્ધારની મક્કમતા પણ!

lll

‘યુ રિમેમ્બર, વી ડીડ શ્રાવણીવાલા રેકૉર્ડિંગ? વિડિયો મૉર્ફ કરવો પડત જેની ખરાઈ સંભવ છે એટલે આપણે ઑડિયોથી કામ ચલાવ્યું, પણ એનાથી વાત નથી બની લાગતી. બીજુ શું થઈ શકે?’

શેખર સાથે ચર્ચા કરતી મોહિનીને કલ્પના પણ ક્યાંથી હોય કે તેમના એકાંત પર કોઈનો પહેરો છે! 

lll

બીજા અઠવાડિયે...

ફોનની રિંગે મોહિનીને નીંદરમાંથી ઝબકાવી દીધી. શેખર સાથે વીક-એન્ડ ગાળવા શુક્રવારની ગઈ રાતે ખંડાલાની હોટેલમાં ઊતર્યાં, રાતભરની મસ્તી પછી શેખર માંડ જંપ્યો. તેની નીંદમાં ખલેલ પડે એ પહેલાં મોબાઇલ લઈ મોહિની બહાર સરકી ગઈ. જવું પડે એમ જ હતું, કેમ કે કૉલ પોતાના ભૂતપૂર્વ પતિનો હતો. ધનરાજે સવાર-સવારમાં મને ફોન કરવો પડે એવું તે શું થયું?

‘શેખરને માણવામાંથી ઊંચી આવી હોય તો ધ્યાનથી સાંભળ.’ સામેથી સીધો ફૂંફાડો જ સંભળાયો, ‘વંશના કબજા માટે નોટિસ મોકલું છું. સાથે બ્લૅન્ક ચેક પણ હશે. જોઈતી હોય એટલી રકમ ભરી મારા દીકરાને મને સોંપી દે.’

હેં! મોહિનીને ગડ ન બેઠી: એકાએક આ બધું...

‘એકાએક! આઇ મીન યુ રિયલી ડોન્ટ કૅર કે તું શું કરી રહી છે! તારે જે કરવું હોય એ કર, પણ મારે તારા જેવી પાસે મારા દીકરાને નથી રાખવો.’

‘મારા જેવી એટલે! મેં કર્યું છે શું? એસ્કોર્ટ માણું છું એ? રબિશ! હાઈ સોસાયટીમાં કોણ નથી માણતું?’

‘પણ દરેકની તારી જેમ ફિલ્મ નથી ફરતી. યુ..યુ..પર્વર્ટ!’ એક્સ-વાઇફ પર દાઝ કાઢતાં ધનરાજે કચકચાવીને કહ્યું, ‘પાછલા ચાર દિવસથી તારી રતિક્રીડાનું લાઇવ ટેલિકાસ્ટ કઈ-કઈ સાઇટ પર થાય છે એ તને તારા હીમૅન શેખરે કહ્યું નથી?’

લાઇવ ટેલિકાસ્ટ! શેખર?

‘અફકોર્સ, હી! તેનો તો ધંધો જ છે દેહ દેખાડી રૂપિયા રળવાનો. તેણે તને પણ તેના જેવી બનાવી દીધી. ઍડલ્ટ ફિલ્મમાં નહીં આવી હોય એવી હરકતો આદરી તમે ક્રેઝ ઊભો કર્યો છે, તને આની ખબર જ નથી? જે-તે સાઇટ પાસેથી શેખરને આના લાખો રૂપિયા મળ્યા હશે, તને શું મળ્યું?’

કંઈક મહેણાંનો ડામ દઈ ધનરાજે ફોન મૂક્યો.

મોહિનીને માંડ કળ વળી. ધનરાજને તો ફરતી-ફરતી જાણ થઈ પણ તેણે કહેલી સાઇટ પર સર્ચ કરતાં મોહિનીના પગ તળે જમીન સરકી ગઈ.

હજી થોડી વાર પહેલાં વિરામ પામેલી ક્રીડાના સાક્ષી બનેલા વ્યુઅર્સની કમેન્ટ્સે તેને રાતીચોળ કરી મૂકી. પોતે એસ્કોર્ટ માણે છે એની કૂથલી થાય ત્યાં સુધી વાંધો નહીં પણ મારી પ્રાઇવેટ ક્ષણો આમ પબ્લિક થઈ જાય એ તો ડૂબી મરવા જેવું લાગે!

શેખર.. શેખર.. હાઉ કુડ યુ ડૂ ધિસ ટુ મી!

પસીને રેબઝેબ થતી મોહિનીને એ પળે અહેસાસ થયો કે સંસારમાં એકલવાયો શેખર કંઈ મારો પ્રેમી કે પતિ ઓછો છે કે મારા નુકસાનનું વિચારે! અમારો સંબંધ ધંધાદારી છે, એમાં શેખરે પોતાના ફાયદા માટે મારો ઉપભોગ કરી લીધો... અમારું હોટેલ-બુકિંગ તે જ કરાવતો એટલે રૂમમાં કૅમેરા ગોઠવી રાખવાની તેને સહુલિયત પણ હતી. અને આમ રોજ-રોજ અમારી ફિલ્મ ફરતી કરવામાં બીજા કોઈને શું રસ હોય?

મોહિનીનું દિમાગ ધમધમવા લાગ્યું. નહીં શેખર, હું તને એમ નહીં છોડું!

મોબાઇલ ફગાવી તે રૂમમાં ધસી ગઈ. એની બે મિનિટ પછી શેખરની કાળી ચીસો ઊઠી. 

છરીના ઘાથી તેનું પુરુષાતન વાઢી ચૂકેલી મોહિનીના ધ્યાન બહાર રહ્યું કે સ્પાય કૅમેરાએ આ હરકત પણ લાઇવ મૂકી દીધી છે!

lll

વાસનાના વરવા ખેલનો વસમો અંજામ... પુરુષે મર્દાનગી ગુમાવી, સ્ત્રી કાયદાના હવાલે!

અખબારોમાં મોહિની-શેખરનો કિસ્સો ચગ્યો છે, હાઈ સોસાયટીની નિંદા હૉટ ટૉપિક બની ગઈ.

પોતાની અંગત ક્ષણો લાઇવ કરવાના ગુનાસર મોહિનીએ શેખરને સજા આપી, પણ તે તો એમ જ કહે છે કે મેં કોઈ લાઇવની ગોઠવણ નહોતી કરી, મને નકામો કરી દેનાર મોહિનીને ફાંસી આપો!

આક્ષેપ-પ્રતિઆક્ષેપની કાદવઉછાળ પ્રવૃત્તિમાં બેઉ જ ખરડાય છે એમાં મોહિનીના પેરન્ટ્સને નીચાજોણું થાય છે. ધનરાજે પણ દીકરાની કસ્ટડી માટે કેસ ઠોકી દીધો છે ને આવી માથી દીકરાને દૂર કરવામાં જ ભલીવાર છે એવો ફેંસલો જનતાની અદાલતમાં તો આવી જ ગયો છે.

એકમાત્ર શ્રાવણીને આમાં ભેદ વર્તાય છે: જો લાઇવનું કારસ્તાન શેખરે સાચે ન કર્યું હોય તો શું આ કામ અરેનનું હોઈ શકે? મે બી. મારી ઑડિયો-ક્લિપ પાછળ મોહિની હોવાનું તેને જાણવા મળ્યું હોય અને તેણે જ પોતાની પત્નીને બદનામ કરવા માગનારીની બદનામી પ્લાન કરી હોય. બાદમાં મોહિનીએ જે કર્યું એ તો જેવી જેની કરણી! 

ઉમડઘુમડ થતા હૈયાને શ્રાવણી વશમાં રાખે છે : એવું હોત તો અરેન મને તેડવા ન આવ્યા હોત! મોહિનીના કિસ્સાને આજે અઠવાડિયુ થયું, અરેન આટલી રાહ શું કામ જુએ!

તેમની તબિયત તો ઠીક હશેને? શ્રાવણીને ચિંતા પણ થતી હતી ને પગ ઊપડતાય નહોતા. અલબત્ત, દિવસમાં એક વાર અરેનની બાળકો સાથે વાત થતી, એ સિવાય અમારી વચ્ચે સીધો સંવાદ પણ ક્યાં થાય છે?

મહિનાની મુદત પત્યે મારે અરેનથી છૂટા થવાનું હશે કે પછી...

અત્યારે શ્રાવણીએ વિચારબારી બંધ કરી દીધી: જેનો હવાલો બાપ્પાને સોંપ્યો છે એમાં જે થાય એ સારા માટે જ થશે એમ જ માનવાનું હોય...

ત્યાં ચા લઈને આવતાં દમયંતીબહેને અમસ્તું જ પૂછ્યું : તારે પેસ્ટ કન્ટ્રોલ કેટલે આવ્યું?

અને શ્રાવણીથી બોલાઈ ગયું : યા, મારે ચેક કરવા જવાનું જ છે.

બાળકોને સ્કૂલ મૂકી તેણે કાર ઘર તરફ વાળી.

lll

માય લાઇફ એન્ડ્સ હિયર!

વરંડાથી ગેટ તરફના ઢાળે વ્હીલચૅર ગોઠવી ચૂકેલા અરેને દમ ભીડ્યો:

વીત્યા થોડા દિવસમાં કેટલું કંઈ થઈ ગયું. શ્રાવણીના પગલાએ આત્માને ઝંઝોડ્યો. તેના માટે મળેલા ‘પુરાવા’ની ખરાઈ માટે પહેલાં તો તે ‘શુભચિંતક’ને જાણવો પડે... તેનો સેલનંબર સેવામાં નહોતો એથી એ બનાવટી હોવાની શક્યતા વધુ હતી. અમારામાં ફૂટ પડાવવાના બીજા ઘણા માર્ગ મૂકી કામક્રીડાનો રસ્તો લેનારનું ખુદનું ચારિત્ર ઢીલું હોવું જોઈએ. તેને આવા રેકૉર્ડિંગની સવલત પણ હોવી જોઈએ.

આવું એક જ નામ સૂઝ્યું : મોહિની!

મારી વાઇફને પરપુરુષનો સંગ માણતી કરી મોહિની તેના ઠુકરાવ્યાનો રિવેન્જ લેવા માગતી હોય એમ તેને શ્રાવણીને લપસાવવામાં રસ હતો, શ્રાવણીએ તેને ઠપકારી પણ હતી... એટલે શ્રાવણીની જૂઠી ટેપ મોકલી મને પીડા દેવાનો, ભડકાવવાનો તેનો આશય હોય પણ ખરો!

આની ખરાઈ કરવાનો એક રસ્તો હતો. મોહિનીના કાવતરામાં શ્રાવણીનું નામ બોલનારો કોઈ પુરુષ પણ સામેલ હતો... મતલબ ક્રીડા કરનારી મોહિની હતી પણ નામ શ્રાવણીનું બોલાયું હતું. એ હિસાબે આ પુરુષ મોહિનીનો શૈયાસાથી જ હોય! બસ, વળી ડાર્ક સાઇટ પર જઈ મોહિનીના એકાંતને ઉજાગર કરવાની વ્યવસ્થા ગોઠવી, તેનું પાપ ખૂલતાં તેની દરેક રાતને લાઇવ કરી વેર પણ વસૂલી લીધું એની મોહિની-શેખરને તો ખબર પણ નહીં હોય! આમાં ને આમાં શેખરે મર્દાનગી ગુમાવી ને મોહિની એ ગુનાસર જેલમાં ગઈ એ તેમનાં કર્મોનું ફળ.

અને મેં સતી જેવી પત્ની પર શક કર્યો, તેની હત્યાની યોજના ઘડી એનું ફળ મારે પણ ભોગવવું રહ્યું... વીત્યા દિવસોમાં બિઝનેસ, પ્રૉપર્ટી શ્રાવણી-બાળકોના નામે કરવાની ફૉર્માલિટી પતાવી આજે શ્રાવણીના નામે માફીપત્ર લખી વ્હીલચૅરના હાથાની સ્વિચના સેલ કાઢી નાખ્યા છે.

અને અરેને હળવો હડસેલો મારતાં વ્હીલચૅર ઢાળ પર સરકવા લાગી. પહેલાં ધીરે અને પછી સડસડાટ. થોડી વારમાં વ્હીલચૅર લોખંડના રૉયલ ગેટ સાથે અથડાવાની, એના ભાલા મારા શરીરમાં ખૂંપી જવાના. મારા જેવા પાપીનો આવો જ અંજામ હોજો! બીજાને, ખુદ શ્રાવણીને પણ ભલે આ અકસ્માત જ લાગે.

વ્હીલચૅરે હવે ગતિ પકડી હતી. પુરજોશે દદડતી વ્હીલચૅર હવે ઘડી-બે ઘડીમાં ગેટ સાથે અથડાવાની જ હતી કે અગાઉ બન્યું હતું એમ સોયની અણી જેટલી દૂરીએ એને બ્રેક લાગી ગઈ. 

કૅબિનમાંથી ગેટકીપર દોડતો આવ્યો : સૉરી સર, મૈં કૅબિન મેં સફાઈ કર રહા થા તો ધ્યાન નહીં રહા. પર અચ્છા હુઆ શેઠાનીજી મુઝે યે દૂસરાવાલા રિમોટ દેકે ગઈ થી, ઉસ દિન જૈસા હાદસા ફિર ન હો ઇસ લિએ...

આટલું ધ્યાન, આટલી તકેદારી!

એ જ ક્ષણે ગેટના સ્ક્રીનમાં ઝિલાતાં CCTV ફુટેજમાં શ્રાવણીની કાર દેખાતાં અરેન ચીખી ઊઠ્યો : શ્રાવણી, જલદી આવ. મારે મરવું નથી, જીવવું છે શ્રાવણી, તારા થઈને, કેવળ તારા રહીને!’

ધ્રુસકાભેર રડતા અરેનને શ્રાવણીએ છાતીસરસો ચાંપી દીધો. બેઉની આંખો ચોધાર રડતી રહી. એમાં પસ્તાવો હતો, ક્ષમા હતી, મિલનનો તલસાટ હતો; બીજું ઘણું કંઈ હતું જેનો સરવાળો પ્યાર થતો હતો.

lll

મહેતા મૅન્શનનું વાતાવરણ પલટાઈ ગયું છે. બાળકોને હવે મમ્મીથી વધુ મજા પપ્પા સાથે આવે છે. કંપનીનો સ્ટાફ હવે સાહેબ વઢતા નથી તો વધુ ખંતથી કામ કરે છે. અરેનને અક્ષમતા પજવતી નથી. શ્રાવણી પર તો એવો ઓળઘોળ છે કે પોતે જ પોતાનું ઉપનામ વહુઘેલો પાડી દીધું છે!

અને એક બપોરે શ્રાવણી ઘર ગજવી દે છે : ‘અરેન, USથી ડૉ. ઍન્ડરસનનો રિપ્લાય આવ્યો છે. તેમના મતે તમારા સાજા થવાના ચાન્સિસ બ્રાઇટ છે.’

અરેનના સાજા થવા માટે શ્રાવણીની જદ્દોજહદ ચાલુ જ હતી એમાં વર્ષો પછી આશાનું કિરણ દેખાયું.

‘હું ફરી હરતોફરતો થઈ જાઉં શ્રાવણી તો મારાં પાપોને ફારગતિ મળે એટલું સુખ તારા પર વરસાવવું છે.’

‘સૌ સારાંવાનાં થવાનાં, અરેન... બાપ્પા બેઠા છેને.’

જવાબમાં વિઘ્નહર્તા દેવે ‘તથાસ્તુ’ જ કહ્યું હોય એ ઉમેરવાની જરૂર ખરી?

(સમાપ્ત)

Whatsapp-channel Whatsapp-channel

05 September, 2025 01:37 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK