મારી લાડો, પાછલા જન્મના પુણ્યએ આવાં વર-ઘર મળે, હાથે કરીને તારા સ્વર્ગને નર્કમાં નહીં ફેરવીશ
ઇલસ્ટ્રેશન
‘અડધો ભાગ, મા! કંઈ રમત વાત છે?’
ગયા અઠવાડિયે બ્રેકફાસ્ટ ટેબલ પર ઉત્સવે દીદીને ભાગ આપવાનું કહી સાંજે વકીલ અંકલને નવસારીથી તેડાવ્યા. એ તો તેમની તબિયત નાદુરસ્ત હોવાથી મામલો લંબાઈ ગયો, પણ આજે નહીં તો કાલે એ થવાનું તો ખરુંને! આ બધામાં પોતે મૂકેલો મુદ્દો નિમિત્ત ઠર્યો એની એટલી તો દાઝ હતી શાલિનીને, પણ શું થાય?
ADVERTISEMENT
લગ્નનાં સાત વર્ષ થયાં, અંશ છ વર્ષનો થયો તોય તેના બાપથી દીદીનો પલ્લુ છૂટતો નથી!
આવું કહીને ઉત્સવને છંછેડવાની હામ નહોતી. પેલે દહાડે તે ખુરશી ફગાવી બાઝવાનો હોય એમ કેવો ઊભો થઈ ગયેલો. દીદી વિરુદ્ધ ખુલ્લેઆમ મોરચો માંડી પોતાનો સંસાર જોખમમાં મૂકે એટલી નાદાન નહોતી શાલિની. પપ્પાજીની આમન્યા નડે પણ સાસુને તો શાલિની બરાબરના સાણસામાં લેતી.
‘મા, તમારા પિયરથી કેટલો કરિયાવર આવેલો?’
અલકમલકની વાત માંડતી હોય એમ તે પૂછે ને ઉષાબહેન બિચારાં ભોળવાઈ જાય.
‘મારાં માવતર ને ભાઈઓએ તો ઘણું કાંઈ દેવું હતું પણ વાઘ જેવાં મારાં સાસુની સીધી વાત - તમારી દીકરીમાં કાંઈ ઓછપ છે કે કરિયાવરના નામે અમને લલચાવો છો વેવાઈ? અમને તો કંકુ ને તમારી આ સંસ્કારલક્ષ્મી સિવાય કોઈ જ નહીં જોઈએ!’
શાલિનીને એવા મૂલ્યની ક્યાં પરવાહ હતી? તે થોડું વધુ ખોતરતી, ‘પણ તમારા પિતાજી તો વિલમાં દીકરીને માટેય થોડુંઘણું મૂકી ગયા હશેને?’
‘મારા પપ્પા કંઈ એવા મૂડીપતિ નહોતા... તેમની વરસી પર ભાઈઓએ મને સોનાની ચેઇન આપેલી. વચમાં વડીલોપાર્જિત મકાન વેચવાનું થયું ત્યારે દસ્તાવેજમાં સહી પણ એમ જ કરી આપેલી. કાયદો તો કહે, દીકરીને હક માગવો શોભે છે? એમાં તેના પતિનું માન શું?’
બસ, શાલુએ આવું જ કંઈક સાંભળવું હોય.
‘વાહ મમ્મીજી, તમારે દીકરી થઈને કંઈ લેવું નથી પણ તમારી દીકરીને અડધો ભાગ આપવો છે ખરો. આમાં જીજુનું માન નહીં જાય?’
ઉષાબહેન તો એવાં તો ઓછપાઈ જતાં. દીકરી આવે, તેને ભાગ મળે એ બધું વહુને નથી ગમતું એટલું સમજાય-ન સમજાય કે વહુ ફેરવી તોળતી, ‘હું તો ઉત્સવને પણ કહી દેવાની છું કે તમારું ઘર છે, તમારો મહેનતનો પૈસો છે, તમારે કરવું એ કરો, મારો શું અધિકાર!’
આવું અલબત્ત ઉત્સવને તો કહેવાનું જ નહોતું, પણ એથી ઉષાબહેન ગૂંચવાતાં-મૂંઝાતાં. ઉત્સવ આ વિષયમાં કંઈ જ સાંભળવા તૈયાર નહોતો ને મૌનવીને તો આ સંજોગોમાં આવું બધું કહેવું પણ કેમ! અમૂલખને કહેતાં તો એ સધિયારો આપતા : વહુની ચિંતા ન કર, તેને ઉત્સવ સંભાળી લેશે ને મૌનવી આવે એટલી વાર, એ બધું ઠીક કરી દેશે!
નહીં, મૌનવીનો સિક્કો હવે આ ઘરમાં તો નહીં જ ચાલે. સાસુ-સસરાની વાત કાને પડતાં શાલિની ઇરાદો ઘૂંટતી. બસ, એ કેમ કરવું એ સમજાતું નહીં. પિયરમાં શાંતિથી વિચારી શકાશે એમ વિચારી તે બે દિવસ માટે અંશને લઈ સુરત આવી હતી ને રાત્રે વિરાજ-અંશ સૂતા એટલે મા સમક્ષ તેણે ઊભરો ઠાલવી દીધો.
દીકરીને નખશિખ જાણતાં સાવિત્રીમાએ આઘાત અનુભવ્યો નહીં.
‘બલકે મને દુ:ખ થાય છે, અફસોસ થાય છે શાલુ કે દામ્પત્યનાં સાત વર્ષમાં તું તારાં સાસરિયાં જોડે ભળી જ નથી? એક છત્ર નીચે, એક ઘરમાં સાથે રહેવાથી કુટુંબ નથી બનતું, દીકરી, એકબીજાના સુખદુ:ખને અપનાવીએ ત્યારે પરિવાર બનતો હોય છે. વચમાં હું માંદી હતી ત્યારે તારી નણંદ મને અમેરિકાથી ભૂલ્યા વિના દિવસમાં બે વાર ફોન કરી મારા ખબર પૂછતી, તે તારા માટે તો જાન છીડકતી હશે પણ તને ક્યાં એ દેખાય જ છે? ઉષાબહેન તો વહાલનું ઝરણું છે, પણ તારે તો ભીંજાવું જ નથી.’
સાવિત્રીમા ઓછું બોલતાં. મોટાં થયેલાં દીકરા-દીકરીને ટોકટોક કરવામાં માનતાં નહીં પણ બન્ને સંતાનો પર તેમની બાજ નજર રહેતી. વિરાજ તો ખેર, ડાહ્યો. દીકરીના બંધારણથી વાકેફ સાવિત્રીમાને શાલુને વળાવ્યા પછી ચિંતા રહેતી ખરી, ક્યાંક તે હાથે કરીને સંસારના સુખને છિન્નભિન્ન ન કરી નાખે એની ધાસ્તી રહેતી એમ મૌનવીની ખબરદારીએ આશ્વસ્ત રહેતાં : તે શાલુને પહોંચી વળે એવી છે! પછી તો જોકે એ નણંદ જ દૂર જતી રહી એથી ઘીના ઠામમાં ઘી પડી રહેવાની ધરપત બંધાણી. પણ હવે પલટાતા સંજોગોમાં દીકરીને કહેવાજોગ તેમણે શબ્દો ચોર્યા વિના કહી દીધું.
‘બસ મા.’ શાલિની તાડૂકી. ‘મા થઈને મારી જ ખોટ કાઢે છે?’
‘મા છું એટલે જ તારી ખોટ કાઢું છું....’ તેમણે દીકરીના માથે હાથ ફેરવ્યો. ‘મારી લાડો, પાછલા જન્મના પુણ્યએ આવાં વર-ઘર મળે, હાથે કરીને તારા સ્વર્ગને નર્કમાં નહીં ફેરવીશ. એક વાર આ બધી ગણતરીઓ બાજુએ મૂકી તેમના રંગે રંગાઈને તો જો.’
‘બહુ થયું મા. હું કંઈ નાની કીકલી નથી કે આમ લેક્ચર આપે છે. બે દિવસ માટે પિયર આવી, પણ મને તો અહીં પણ શાંતિ નથી!’
રીસ દાખવી તે રૂમમાં જતી રહી. સાવિત્રીમાએ હળવો નિસાસો નાખી શ્રીજીને સંભાર્યાં : શાલુ કંઈક આંધળૂકિયું નહીં કરે, તેનો સંસાર નહીં ભાંગે એ જોજો પ્રભુ!
lll
દામ્પત્યનાં સાત વર્ષમાં તું તારાં સાસરિયાં જોડે ભળી જ નથી?
માના શબ્દો અઠવાડિયા પછી પણ શાલિનીના અંતરને ચૂભ્યા કરે છે.
આ બાજુ અમેરિકાથી દેશનિકાલ પામેલાઓનો એક લૉટ અમ્રિતસર ઊતરીયે ગયો... હાથ-પગે સાંકળ બાંધી ચોર-લૂંટારાની જેમ લવાતા દેશબાંધવોને જોઈ અરેરાટી ઊપજે. ઉત્સવ કહેતા’તા કે હોળી પહેલાં દીદી લોકો આવી પહોંચશે.
હોળી.
છ-છ વર્ષ પછી દીદી-જિજુ-અનુજ તહેવારમાં ભેળાં હશે એની ખુશીમાં ઉત્સવે ઘરમાં રંગરોગાન શરૂ કરાવ્યું છે. મહોલ્લાની હોળીમાં સૌથી વધુ ફાળો નોંધાવી પહેલી પૂજાનો હક અબાધિત રાખ્યો છે. સાસુજીએ પકવાનોની યાદી બનાવી રાખી છે. શ્વશૂરજી એકદમ સ્ફૂર્તિલા થઈ ગયા છે. અરે, અંશ પણ ‘અનુજ આવવાનો!’નાં ગીતડાં ગાતો ધમાલ મચાવે છે - પણ મારું અંતર હોળીની જેમ ભડકે બળે છે!
શું કામ?
ખોટ મારામાં છે એટલે કે પછી બીજા બધા ખોટા છે એટલે?
શાલિનીએ હોઠ કરડ્યો. ટશિયો ફૂટી નીકળ્યો.
ના રે, હું ક્યાં ખોટી છું? મારા વરની મહેનતનો ભાગ બીજાને વહેંચાતો કેમ જોવાય? કાલે મોટા થઈને અંશ એમ ન કહે કે મા, પપ્પા તો બધું લૂંટાવવા જ બેઠા હતા પણ તેંય તેમને ન વાર્યા?
બસ, આ મુદ્દે શાલિનીની ડગુમગુ થતી વિચારધારાને ટેકણ મળી ગયું. અંશુ, એમ તો તારી મા તારો હક લૂંટાવા દે એમ નથી!
મા, તું કહેતી’તી ને કે તારાં સાસરિયાંના રંગે રંગાઈ જો... તો હવે જોઈ લેજે આ રંગોના તહેવારમાં હું કેવો દાવ ખેલું છું!
અને શાલિનીના દિમાગમાં બાજી ગોઠવાતી ગઈ.
lll
અને એ દિવસ આવી પહોંચ્યો.
‘થૅન્ક્સ ફૉર એવરીથિંગ , ક્રિસ્ટિના.’
મૌનવીએ ત્રીજી વિલામાં રહેતી પાર્લરની સખીનો આભાર માન્યો.
ખરેખર તો ક્રિસ્ટિનાનો ફિયાન્સ હેગમૅન ક્રાઇમ બ્રાન્ચમાં હતો અને તેની મદદથી ભારત પરત થનારા સેકન્ડ લૉટમાં તેમનો નંબર લાગવાનો હતો. અનુરાગ ઍન્ડ ફૅમિલી ઇલ્લીગલ ઇમિગ્રન્ટ્સ છે જાણી હેગમૅન હેરત પામેલો ને સામેથી પોલીસમાં હાજર થઈ દેશ જવા માગે છે એ જાણી અચંબિત થયેલો. તેમની સચ્ચાઈ સ્પર્શી એટલે પણ મદદ માટે તત્પર બન્યો હતો. ક્રિસ્ટિના અલબત્ત, દુખી હતી. પાછલા ચારેક દિવસથી સાથે કેટલું હર્યાંફર્યાં. અનુરાગના બૉસે પણ સેન્ડ ઑફ પાર્ટી આપી હતી. અમેરિકા આવવામાં નિમિત્ત બનેલા નયનભાઈ કે એજન્ટ ધનસુખનો કોઈ સંપર્ક નથી રહ્યો, પણ અહીં બંધાયેલા સંબંધો તો હંમેશાં રહેવાના! અહીંના આગમનનું એટલું જ જમા ખાતે.
‘ક્રિસ્ટી, અમે અમેરિકા છોડીએ છીએ, આપણી ફ્રેન્ડશિપ તો સદા રહેવાની...’
બેઉ સખીઓ ભેટી, રડી, પરાણે છૂટી પડી.
‘યુ ગો, મૌનવી, થોડી વારમાં પોલીસ આવશે એ બધું મારાથી નહીં જોવાય, અનુજને તેની ક્રિસીમાસીનું વહાલ આપજે.’
સખીની વિદાય લઈ મૌનવી નીકળી. ક્રિસ્ટિનાએ બારીમાંથી જોયું. સામે જ અનુરાગ-અનુજ તૈયાર ઊભા હતા. હળવો નિસાસો નાખી ક્રિસ્ટિનાએ બારીના પડદા ઢાળ્યા ને થોડી પળોમાં બહાર પોલીસ વૅનની સાયરન સંભળાતાં ધ્રુસકાભેર રડી પડી.
તેને ખયાલ નહોતો કે અહીંથી જતાં પહેલાં મૌનવી કશુંક છોડી ગઈ છે!
lll
અને પ્લેનનાં પૈડાં ભારતની ધરાને સ્પર્શતાં અનુરાગ-મૌનવીની પાંપણ છલકાઈ ઊઠી. સાતેક વર્ષના અનુજને છોડી ફ્લાઇટમાં તમામ પુખ્ત વયના હતા અને કોઈની આંખ કોરી નહોતી.
કેટકેટલાં જોખમ ઓઢી મહિનાઓ અને ક્યારેક વર્ષોની રઝળપાટ પછી ગેરકાનૂની રાહે લોકો ડ્રીમ ડેસ્ટિનેશન જેવા અમેરિકા પહોંચતા હોય છે. તેમણે આમ પાછા આવી રહેવું પડે એ પડ્યા પર પાટુ જેવું વસમું લાગતું હશે. પરિવારમાં પિતા ઠપકો આપશે ને ભાભી મેણું મારશે એનો ધ્રાસકો પણ હોય તો નવાઈ નહીં... એ હિસાબે અમારો કેસ તો સાવ સીધોસાદો હતો. તોય આમ હાથકડી પહેરેલી અવસ્થામાં આવવું પડ્યું એની હિણપત ભૂલી ખાસ તો અનુજ પર આ બધાની બૂરી અસર નહીં પડે એ જ અમારે જોવાનું છે.
અને ક્લિયરન્સ પતાવી મૌનવી-અનુરાગ-અનુજ અમ્રિતસર ઍરપોર્ટના કક્ષની બહાર નીકળતાં જ પળવાર તો થીજી જવાયું.
સામે જ મમ્મી-પપ્પા, ઉત્સવ ઊભાં હતાં.
મૌનવી માટે, અનુરાગ માટે હવે બધું જ ગૌણ હતું.
વળતી જ પળે બન્ને બાજુથી દોટ અને અશ્રુભીનો મિલનોત્સવ!
lll
‘શાલુ નહીં આવી? અને અંશ?’
અમ્રિતસરથી દિલ્હી પહોંચી ત્યાંથી સુરતની ફ્લાઇટ લેતાં સુધીમાં સ્વસ્થ થઈ ચૂકેલી મૌનવીએ માની બાજુમાં ગોઠવાઈ તકાજો કર્યો. શાલિની બાબત અવઢવ રહેતી, તેની ગેરહાજરીએ ટિકટિક થવા લાગી.
‘એ વળી ઘરે રોકાઈ. ત્યાં પણ તમારા સ્વાગત માટે કોઈ જોઈએને!’
ઉષાબહેને પણ વધુ કંઈ કહેવાનું ટાળ્યું. હરખના અવસરે શું ધોકો કરવાનો!
lll
અને ઉત્સવનો મિસ કૉલ આવતાં જ શાલિનીએ ઢોલનગારાં ચાલુ કરાવી દીધાં ને બીજી મિનિટે કાર ફળિયામાં પ્રવેશી.
ધજાપતાકા, ઢોલીડા, કંકુચોખાનાં વધામણાં... આખો મહોલ્લો અમારા સ્વાગતમાં ઊભો છે!
મૌનવી ગદ્ગદ થઈ.
‘આવો આવો...’
ઘરના ઉંબરે મૌનવી-અનુરાગની આરતી ઉતારી તેમને આવકારતી શાલિનીને પોતાની પીઠ થાબડવાનું મન થતું હતું.
મૌનવીને રિસીવ કરવા પંજાબ જવું જ નહોતું. એ ક્યાં કોઈ VIP છે! એટલે સ્વાગતની તૈયારીનું બહાનું ઊભું કરી દીધું. અને ઢોલીડા સહિતની વ્યવસ્થા કરી ઘરનાને રાજી કરી મૂક્યા.
હવે ચાર દિવસ પછી હોળીધુળેટી છે. ત્યારે રાજી થવાનો વારો મારો!
એનો પણ આખો પ્લાન ગોઠવાઈ ગયો છે. વહાલી દીદી પરત થવાની ખુશીમાં ઉત્સવે જ મોટા પાયે રંગ રમવાનું આયોજન કર્યું છે. પાછલા ચાર-છ દિવસોથી આ બધાની તૈયારીમાં ઉત્સવ સરખું સૂતા પણ નથી. હોળીમાં આંગણે શામિયાણો બંધાશે. સગાંવહાલાં-મિત્રો થઈને પચાસ-સાઠનું રસોડું પાછળ વાડામાં થશે. સુરતથી મા, વિરાજ તો બે દિવસ અગાઉથી આવી પહોંચવાનાં છે.
મારે કરવાનું એટલું જ છે કે કોઈ પણ રીતે જીજુની ભાંગમાં ઘેનની દવા સાથે કામવર્ધક પાઉડર ભેળવી દેવાનો છે. એક તો ભાંગનો નશો, એમાં ઘેનની અસર ને છોગામાં તનબદનમાં ભડકતો કામ – અનુરાગની વૃત્તિ વશમાં નહીં રહે. તે કોઈની છેડતી કરી પાડે તો એમ નહીંતર તેને ભુલાવામાં નાખી રૂમમાં તાણી જઈ બળાત્કારની હો-હા મચાવું, પછી તો ઉત્સવ જ પત્ની પર બળાત્કાર ગુજારવા માગતા જીજુને ધક્કા મારી ઘરની બહાર તગેડી મૂકશે એટલે મૌનવી પણ શાની અહીં રહે? પછી તો હું ઉત્સવને ભાગ પણ નહીં આપવા દઉંને.
હાશ! વહેલી આવજે ધુળેટી.
જોકે ખરેખર તહેવારના દિવસે શું થવાનું હતું એની શાલિનીને ક્યાં ખબર હતી?
(આવતી કાલે સમાપ્ત)

