Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > વિદ્યાનો વાઇરલ વિડિયો પાંચ સેકન્ડ અને ખેલ ખતમ પ્રકરણ ૪

વિદ્યાનો વાઇરલ વિડિયો પાંચ સેકન્ડ અને ખેલ ખતમ પ્રકરણ ૪

Published : 31 October, 2024 03:29 PM | Modified : 31 October, 2024 04:50 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

લગ્નેતર સંબંધો તેના, પણ મર્ડરમાં તે ડિરેક્ટ્લી ઇન્વૉલ્વ છે કે નહીં એ હવે ખબર પડશે...

ઇલસ્ટ્રેશન

વાર્તા-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


આખી રાત મથ્યા પછી પણ બન્ટીના મોબાઇલમાંથી કંઈ એવું મળ્યું નહીં જેનાથી ડિટેક્ટિવ સોમચંદ શાહને કેસમાં કોઈ ક્લુ મળે. મોબાઇલમાં નંબરો પણ બહુ ઓછા હતા અને દરેક નંબર સાથે નામ લખાયેલું હતું. કોઈ અજાણી વ્યક્તિ સાથે બન્ટી ચૅટ પણ નહોતો કરતો અને કોઈ અજાણ્યા નંબરથી બન્ટી સાથે વાત પણ નહોતી થતી.


વૉટ્સઍપમાં પણ જૂજ નંબરો જ હતા અને જે કોઈ નંબર હતા એ બધા નંબર બન્ટીની સ્કૂલ, સ્કૂલના ફ્રેન્ડ્સ અને ટ્યુશન ક્લાસિસના ટ્યુટરના હતા. પર્સનલ નંબર સિવાય વૉટ્સઍપ પર બન્ટી બે ગ્રુપમાં જોડાયેલો હતો; પણ એ બેમાંથી એક ગ્રુપ સ્કૂલ-ક્લાસનું હતું, જેના ઍડ‍્મિન ક્લાસટીચર પોતે હતા તો એક ગ્રુપ સ્વર્ગ સોસાયટીનું હતું જેમાં સોસાયટી રિલેટેડ અપડેટ્સ આવતી તો જે-તે ફ્લૅટહોલ્ડર પણ પોતાની ફરિયાદો લખતા. બન્ટીના મોબાઇલ પરથી છેલ્લાં ત્રણ વર્ષમાં ત્રણ મેસેજ ફૉર્વર્ડ થયા હતા, જેમાંથી ત્રણ કમ્પ્લેઇન હતી. એ વાંચતાં લાગતું હતું કે એ કમ્પ્લેઇન મમ્મી કે પપ્પાએ જ ફૉર્વર્ડ કરી હશે અને એક વિડિયો હતો. પાંચ સેકન્ડનો એ વિડિયો ભૂલથી બન્ટીથી ફૉર્વર્ડ થયો હતો. હાથમાં મોબાઇલ હોય અને ભૂલથી રેકૉર્ડિંગ થઈ ગયું હોય એવો એ અર્થહીન વિડિયો પછી બન્ટીના મોબાઇલમાંથી દસેક મીનિટમાં ડિલીટ થયો હતો. બને કે ભૂલથી ગ્રુપમાં પેસ્ટ થયેલો એ વિડિયો બન્ટીએ જ ડિલીટ કર્યો હોય.



સોમચંદની વર્કિંગ પૅટર્નને ઓળખી ગયેલા મોબાઇલ ઑપરેટરે સોસાયટીના એ વૉટ્સઍપ ગ્રુપમાં રહેલા મેમ્બર્સનું લિસ્ટ પણ તેને મોકલ્યું હતું.


સોમચંદે એ લિસ્ટ ચેક કર્યું. એ ગ્રુપમાં વિદ્યા પણ હતી અને સંજય પણ હતો.

વર્કિંગ કપલ હોવાના કારણે કદાચ સોસાયટીએ ઘરના ત્રણેત્રણ સભ્યોને ગ્રુપમાં ઍડ કર્યા હશે એવું ધારીને સોમચંદે હાથમાં રહેલો ડેટા સોફા પર રીતસર ફેંક્યો અને વધુ એક નાલેશીમાંથી બહાર આવવા ટીવી ઑન કર્યું.


દિવાળીની રજાઓમાં માર્કેટમાં નીકળેલી તેજી વિશે ન્યુઝ-ચૅનલ પર સ્ટોરી ચાલતી હતી તો એક ન્યુઝ-ચૅનલ પર મોબાઇલ માર્કેટમાં આવેલી તેજીની વાતો ચાલતી હતી. મોબાઇલમાં ઉમેરાતાં નવાં-નવાં ફીચર્સને લઈને મોબાઇલનું અટ્રૅક્શન ઘટવાને બદલે વધતું જાય છે એવી ચર્ચા કરતાં એક ટેક્નોસૅવીનું કહેવું હતું કે મોબાઇલનો ઓછામાં ઓછો સાચો ઉપયોગ આપણે ઇન્ડિયન કરીએ છીએ.

‘મોબાઇલમાં એટલાં ફીચર્સ છે જેની કલ્પના પણ કોઈ કરી ન શકે. એમાં રેકૉર્ડ થતો એકેએક ડેટા બીજી પચાસ ઇન્ફર્મેશન આપતો હોય છે, પણ ઇન્ડિયામાં કૉલિંગ ઉપરાંત મોબાઇલના ત્રણ જ ઉપયોગ થાય છે : વિડિયો અને ફોટોશૂટ, સોશ્યલ મીડિયા મેસેન્જર અને છેલ્લો ઉપયોગ જે હવે આવ્યો એ UPIથી પેમેન્ટ ટ્રાન્સફર... પહેલાં વાત કરીએ વિડિયો રેકૉર્ડિંગની...’

સોમચંદની આંખ સામે બન્ટીએ ભૂલથી ફૉર્વર્ડ કરેલો વિડિયો આવી ગયો અને તેમનું દિમાગ ચકરાવે ચડ્યું.

એવી તે કેવી રીતે કોઈ બાળકથી એ પ્રકારનો વિડિયો શૂટ થાય?

સોમચંદે લૅપટૉપ હાથમાં લીધું અને બન્ટીના મોબાઇલમાંથી રિટ્રાઇવ કરવામાં આવેલા ડેટાનું ફોલ્ડર ઓપન કરીને તેણે એ વિડિયો જોવાનું શરૂ કર્યું.

વિડિયોની સાચી દિશા કઈ એ સમજાતું નહોતું.

ઉપર હવામાં વિદ્યાનાં આંતરવસ્ત્રો લટકતાં હોય એવું લાગતું હતું. બને કે કદાચ એ દોરી પર ટીંગાતાં હોય. જો એવું હોય તો ટીનટીન કેમ વિચિત્ર રીતે અધ્ધર હોય એવું લાગે છે? આવું બને નહીં...

સોમચંદે હવે લૅપટૉપની સ્ક્રીન ફેરવવાનું શરૂ કર્યું. પહેલાં ૯૦ ડિગ્રી અને પછી ૧૮૦ ડિગ્રી પર સ્ક્રીન ચેન્જ કરી કે તરત સોમચંદને બે વાતના ઝબકારા થયા.

એક, વિડિયો-પ્લેયરથી જ વિડિયોને સીધો કે આડો કોઈ પણ ડિગ્રીમાં ફેરવી શકાય છે અને બીજો, વિડિયો સંપૂર્ણપણે આડો હતો.

સોમચંદે એ વિડિયોની ડિગ્રી ચેન્જ કરવાનું ટાળીને લૅપટૉપ આખું અવળું કરી નાખ્યું અને ફરી એ પ્લે કર્યો.

હા, વિદ્યા કે પછી કોઈ છોકરીનાં આંતરવસ્ત્રો બેડ પર પડ્યાં છે અને એ આંતરવસ્ત્રોની પાછળની બાજુએ કોઈનો પગ છે.

એકધારો અનેક વખત જોયા પછી સોમચંદની આંખ સામે વિદ્યા આવી. વિદ્યાનો શારીરિક બાંધો આંખ સામે રાખીને સોમચંદે વિડિયો પૉઝ કર્યો અને તે તારણ પર આવ્યા કે ના, આ વિદ્યાના પગ નથી. વિદ્યાનો દેહ માંસલ અને કસાયેલો હતો, જ્યારે વિડિયોમાં એક સેકન્ડ માટે આવેલા એ પગ એવા નહોતા. સોમચંદે ફરીથી વિડિયો પ્લે કરીને ઘર ચકાસ્યું. હા, એ જ ઘર હતું જેમાં બન્ટી રહેતો. મતલબ કે ઘર વિદ્યાનું છે, પણ એમાં જે છોકરી દેખાય છે એ વિદ્યા નથી. એનો અર્થ એવો થયો કે ઘરમાં કોઈ ત્રીજું હતું, જે સંજયની સાથે હતું!

સંભાવના છે.

સોમચંદે ફરી વિડિયો શરૂ કર્યો. આ વખતે તેણે એ આંતરવસ્ત્રોને ધ્યાનથી જોવાનું કામ કરી મનોમન એની વિદ્યાની સાઇઝ સાથે સરખામણી કરી, પણ એમાં સોમચંદને સમજ પડી નહીં. સોમચંદને મન થયું કે તે આ બાબતમાં ગર્લફ્રેન્ડ જાહનવીની હેલ્પ લે, પણ એવું કરવામાં સંકોચ પણ થયો અને સાથોસાથ જાહનવીના મોઢેથી સાંભળવા મળનારી ટિપિકલ સુરતી ગાળની પણ બીક લાગી.

ફરી વાર વિડિયો પ્લે થયો અને આ વખતે સોમચંદનું ધ્યાન ગયું કે વિડિયોનો સાઉન્ડ મ્યુટ છે. જાતને તોતિંગ ગાળ આપીને સોમચંદે વિડિયોનો સાઉન્ડ ઑન કર્યો અને તેના કાનમાં પહેલી વાર વિડિયોનો ઑડિયો આવ્યો...

‘જો ત્યાં... બન્ટી...’

અવાજ સ્પષ્ટ સંભળાયો અને સોમચંદ અવાજ ઓળખી પણ ગયા.

‘ઓળખવું’ અને ‘ઓળખી જવું’ વચ્ચે બહુ મોટો ફરક છે, જે વાત એ સમયે ડિટેક્ટિવ સોમચંદ શાહને પહેલી વાર સમજાઈ હતી.

lll

‘પાટીલ, કેસ ક્લિયર છે...’ ઇન્સ્પેક્ટર પાટીલ સામે બેસતાંની સાથે જ સોમચંદે કહ્યું, ‘અત્યાર સુધીમાં જે કોઈ પ્રૂફ મળ્યાં છે એ જોતાં કહી શકાય કે બન્ટીનું મર્ડર તેના જ ફૅમિલી મેમ્બરે કર્યું છે અને એની પાછળ એક્સ્ટ્રા મૅરિટલ રિલેશન જવાબદાર છે.’

‘કોણ, સંજય પટેલ?’

‘લગ્નેતર સંબંધો તેના, પણ મર્ડરમાં તે ડિરેક્ટ્લી ઇન્વૉલ્વ છે કે નહીં એ હવે ખબર પડશે...’

‘સંજયને ઉપાડવાનો છે?’

‘હં...’ સોમચંદે સહેજ વિચાર કર્યો, ‘આઇ થિન્ક, એ પહેલાં આપણે તપાસ કરવી જોઈએ કે તેની પાસે મોબાઇલ કેટલા છે? જો મોબાઇલની ખબર પડી ગઈ તો આપણે બહુ સરળતા સાથે પ્રૂવ કરી શકશું કે આ કેસમાં તે ઇન્વૉલ્વ છે.’

‘બોલ, કેવી રીતે તપાસ કરવી છે?’ ઇન્ટરકૉમ હાથમાં લેતાં પાટીલે સોમચંદની સામે જોયું, ‘અઘરું કામ નથી...’

‘અઘરું છે... અત્યાર સુધી મેં જે થિયરી પર કામ કર્યું છે એ જોતાં મને લાગે છે કે સંજય પાસે તેના નામે બીજો ફોન નથી. આપણે લોકેશન ટ્રૅક કરવું પડશે અને સાથે-સાથે પબ્લિક પ્રોસિક્યુટર ઉજ્જવલ નિકમ કહે છે એ થિયરી પણ અપનાવવી પડશે?’ પાટીલના ચહેરા પર સવાલ જોઈને સોમચંદે ખુલાસો કર્યો, ‘હ્યુમન ઇન્ટેલિજન્સ. આપણે ગૅજેટ્સ પર બહુ ભરોસો કરતા થઈ ગયા, પણ એવું કરવામાં આપણે ભૂલથી આપણું ઓરિજિનલ નેટવર્ક સાઇડ પર મૂકી દીધું. ખબરીઓ પાસેથી ઇન્ફર્મેશન લઈએ.’

‘સોમચંદ, તું આ ‘મિડ-ડે’ વાંચવાનું બંધ કર... એ લખે એનો અર્થ...’

‘એ જ થાય... એ જે લખે એનો અર્થ એ જ થાય.’ સોમચંદના ચહેરા પર અકળામણ હતી, ‘હું તો કહીશ બકા, તું ગુજરાતી વાંચવાનું શીખીને ‘મિડ-ડે’ વાંચવાનું ચાલુ કરી દે. લાઇફમાં બહુ બેનિફિટ થશે.’

‘બ્રૅન્ડ ઍમ્બૅસૅડર...’

‘લાઇફ ટાઇમનો...’ સોમચંદ મૂળ વાત પર આવ્યો, ‘કદાચ આપણે સંજય પાસે રહેલો બીજો મોબાઇલ નંબર લાવી નહીં શકીએ એટલે બેસ્ટ એ છે કે હું હ્યુમન નેટવર્ક પર ધ્યાન આપું. કંઈ એવું લાગે તો તને ઇન્ફર્મ કરું છું.’

‘શ્યૉર...’

ઇન્સ્પેક્ટર પાટીલની ચેમ્બરમાંથી બહાર નીકળતાં સોમચંદે અચાનક પાછળ જોયું.

‘મારી સન્ડેની રાજકોટની ટિકિટ કરાવી લેજે...’

‘કેમ સન્ડે?!’

‘સન્ડેએ ભાઈબીજ છે અને એ દિવસે ‘મિડ-ડે’ બંધ હોય છે એટલે...’ સોમચંદે કતરાતી નજરે પાટીલ સામે જોયું, ‘આ જ સાંભળવું હતુંને?!’

વાત આગળ વધે એ પહેલાં સોમચંદ શાહ ઇન્સ્પેક્ટર પાટીલની  ચેમ્બરમાંથી બહાર નીકળી ગયા. આમ પણ આ મજાકનો સમય નહોતો. જો તેણે ભાઈબીજની રજા લેવી હોય તો હજી ઘણું કામ કરવાનું હતું.

lll

‘શર્માજી, મને એક વાત નથી સમજાતી...’

વૉડકાના ત્રીજા પેગની અસર સોમચંદને દેખાવા માંડી હતી, પણ શર્માજી હજી અડીખમ હતા એટલે તેને કંપની આપવા માટે દારૂ ચાલુ રાખવાનો હતો. જોકે સોમચંદ સમજી ગયા હતા કે હવે તેણે સ્પીડ ઘટાડવાની છે અને સાથોસાથ પેગમાં આલ્કોહૉલની માત્રા પણ ઘટાડવાની છે.

‘કાર્ગોમાં કામ કરતો છોકરો અને વેઇટલિફ્ટર છોકરી?! આ બેની જોડી બની કેવી રીતે હશે?’

‘સર, એમાં એવું છે. એકને કોઈ મળતું નહોતું ને બીજીને કોઈ સાચવતું નહોતું.’

‘સમજાયું નહીં...’

‘સમજાવું...’ શર્માજીએ પેગ મોઢે માંડીને સિંગલ શૉટમાં પૂરો કર્યો, ‘હું તો આ લોકોને આઠેક વર્ષથી ઓળખું છે. એક જ ફ્લોર પર અમે રહીએ... મારે બેઉ સાથે સારું બને ને આપણું કેવું, બધા સાથે સારું રાખીએ.’

સોમચંદના કાન શર્માજીની વાત પર હતા અને બન્ને હાથ શર્માજી માટે પેગ બનાવવામાં લાગી ગયા હતા.

‘આ જે લેડી છેને, તે જરાક માથાભારે છે. ગુજરાતી છોકરીઓ કેવી હોય, લેડી કેવી હોય... કરેક્ટ મી ઇફ આઇ ઍમ રૉન્ગ...’ શર્માજીએ ગુજરાતી છોકરીની વ્યાખ્યા કહી, ‘ગુજરાતી છોકરીઓ ઘર ચલાવવામાં ને વધી-વધીને બ્યુટી-પાર્લર કે પછી ક્લાઉડ કિચન ચલાવવામાં એક્સપર્ટ હોય. આ છોકરી તો આખો દિવસ જિમમાં પડી રહેતી. તમે તેના મસલ્સ જોયા છે? આપણને પણ એક પડે તો બે-ચાર દાંત પડી જાય...’

‘તમને એ ખબર છે કે સંજય આ વિદ્યાને ક્યારે મળ્યો?’

‘ખબરને, આપણને બધી ખબર...’ બે આંગળીથી તીર બનાવીને શર્માજીએ પોતાની આંખ પર ગોઠવ્યું, ‘ગોપાલ શર્મા બધે નજર રાખે.’

‘હું ઇન્ફર્મેશનની વાત કરું છું, નજરની નહીં.’

‘આપુંને ઇન્સ્પેક્ટરસાહેબ...’ સોમચંદે પોતાની ઓળખાણ ઇન્સ્પેક્ટર તરીકે આપી હતી અને ડુપ્લિકેટ IDએ એમાં તેને મદદ પણ કરી હતી, ‘આ જે પટેલ છે તે ભાઈ જિમમાં જતા ત્યારે ત્યાં તેને વિદ્યા મળી. બેન ત્યાં ટ્રેઇનર હતાં. પહેલાં લેડી બૅચના ટ્રેઇનર ને પછી તે બેન બની ગયાં યુનિસેક્સ કોચ... એટલે આવી ગયાં સંજયને ટ્રેઇનિંગ આપવા. એમાં બન્ને પ્રેમમાં પડ્યાં ને પછી બેઉ જણે લગ્ન કર્યાં.’

‘ઓકે... તમને આ કોણે કહ્યું?’

‘સંજયકુમારે પોતે...’

શર્માજીની જીભ લથડાવા માંડી હતી. એને લીધે હવે વાત કરવામાં તેમને તકલીફ પડતી હતી, પણ માહિતી આપવામાં હવે તેમને કોઈ જાતની શરમ રહી નહોતી.

‘આ જે બેન છે તે ડિવૉર્સી છે ને આ જે ભાઈ છે તે ભાઈની વાઇફ...’ શર્માએ આકાશ તરફ ઇશારો કર્યો, ‘રામનામ સત્ય હૈ...’

‘ઓહ...’

આ વાત ખરેખર સોમચંદ માટે નવી હતી, પણ એ પછીની જે માહિતી મળી એ વધારે અગત્યની હતી.

‘નૉટ ઓહ, સે આહાઆ...’ શર્માનો સૂર જરા મોટો થયો, ‘ઇન્સ્પેક્ટરસાહેબ, આ જે છોકરો છેને બન્ટી, તે પણ કંઈ એ લોકોનો છોકરો નહોતો. સંજયનો ખરો, પણ વિદ્યાનો નહીં. બન્ટી બે વર્ષનો હતો ત્યારે સંજયે વિદ્યા સાથે મૅરેજ કર્યાં અને પછી આ બેનને કદાચ છોકરા થયા નહીં... શું છે, બેન પોતે લોંડા જેવા થઈ ગયાં... જિમમાં જાય તે છોકરીમાં છોકરીપણું ન રહે એવું ક્યાંક મેં વાંચ્યું છે.’

‘સાહેબ, લેડી બહુ ખતરનાક. અમારે ત્યાં ફ્લોર પર કોઈ તેની સાથે લડે નહીં. ના, કોઈ નહીં. બધાને ડર લાગે કે તે લેડી ઉપાડીને એક મૂકી દેશે તો કોઈનાથી સહન નહીં થાય; પણ સાહેબ, છોકરો બધેબધું સહન કરી લે... ચૂપચાપ.’

‘કોણ સંજય?’

‘અરે ના, બન્ટી... મા તેને મારે તો પણ તે ક્યારેય મોટેથી રડ્યો નથી.’ આજુબાજુમાં જોઈને શર્માજી સોમચંદની નજીક આવ્યા, ‘સાહેબ, મને તો લાગે છે કે બન્ટીનું મર્ડર થયું એ બન્ટી માટે સારું થયું... છોકરો છૂટ્યો. છેલ્લી વાત કહું સાહેબ... પંદરેક દિવસ પહેલાં તો આ બાઈએ તેને ઘરની બહાર કાઢી મૂક્યો હતો. માંડ તેને અંદર લીધો.’

શર્માજીની એ છેલ્લી વાત લાંબી ચાલી અને સોમચંદે એમાં કાન માંડી રાખ્યા. જોકે મંડાયેલા કાનની સાથે તેણે પાટીલને મેસેજ પણ કરી દીધો, જે વાંચીને પાટીલની ઊંઘ હરામ થઈ ગઈ હતી.

(આવતી કાલે સમાપ્ત)

Whatsapp-channel Whatsapp-channel

31 October, 2024 04:50 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK