આજકાલ મોટા ભાગના ગુનેગારો આ કૅમેરાને ધ્યાનમાં રાખીને કામ કરે છે
વાર્તા-સપ્તાહ
ઇલસ્ટ્રેશન
‘તમે ત્યારે ક્યાં હતા?’
ડિટેક્ટિવ સોમચંદે સંજય પટેલ સામે જોયું. સંજય પટેલના ચહેરાના હાવભાવમાં કોઈ ફરક નહોતો પડ્યો.
ADVERTISEMENT
‘એ રાતે હું મારી ડ્યુટી પર હતો. હું કાર્ગો કંપનીમાં જૉબ કરું છું. ઍરપોર્ટ પર ડિલિવરી કરવાની જવાબદારી મારી હોય. મહિનામાં પંદર દિવસ ડે-અવર્સ હોય અને પંદર દિવસ નાઇટ ડ્યુટી હોય...’
મનોમન કૅલ્ક્યુલેશન કરતાં સોમચંદે હિસાબ માંડી લીધો કે ૧૯ તારીખે જો સંજય પટેલ નાઇટ ડ્યુટીમાં હોય તો એ ડ્યુટી મોસ્ટલી ૧પ તારીખથી શરૂ થઈ હશે અને એ સાચું પણ હતું. હજી સવારે જ સોમચંદ નૅશનલ કાર્ગો કંપનીમાં જઈને રજિસ્ટર ચેક કરી આવ્યા હતા. સંજય એ રાતે ડ્યુટી પર હતો.
‘તમારી વાઇફ વિદ્યા, તે ક્યાં હતી?’
‘તે પણ ડ્યુટી પર હતી...’ સંજયે કહ્યું, ‘તમે જો વાંચ્યું હોય તો તે બાઉન્સર છે. ડાન્સ-ક્લબમાં તેની ડ્યુટી હોય છે. એ રાતે આઠ વાગ્યે તે ડ્યુટી પર ગઈ, જે સવારે છ વાગ્યે પૂરી થાય છે.’
‘તમે બન્ને આમ રાતના ડ્યુટી પર હો તો બન્ટી એકલો રહેતો?’
‘હા સર... છેલ્લાં ત્રણ વર્ષથી તો અમને બીજા કોઈની જરૂર પણ નથી પડી. મોસ્ટ્લી તો એવું બને કે રાતે અમે ડ્યુટી પર જઈએ એ પહેલાં બન્ટી સૂઈ ગયો હોય અને સવારે તે ફ્રેશ થતો હોય ત્યાં અમારામાંથી કોઈ એક આવી ગયું હોય.’
‘હસબન્ડ-વાઇફ બન્નેએ કામ કરવાની જરૂર શું પડી?’ સોમચંદે ચોખવટ કરી, ‘એક જ દીકરો છે, ફૅમિલીમાં બીજું કોઈ છે નહીં તો પછી આવી ડબલ ઇન્કમની જરૂર...’
‘સર, મુંબઈના ખર્ચા...’ સંજયે પ્રૅક્ટિકલ જવાબ આપ્યો, ‘દીકરો જે સ્કૂલમાં ભણતો એની ઍન્યુઅલ ફી જ સાત લાખ રૂપિયા છે... આ સિવાય અમે જે ઘર લીધું એના EMI, ઘરના રૂટીન ખર્ચા અને દર મહિને દેશમાં પેરન્ટ્સને મોકલવાના પૈસા. એક માણસથી આ બધું મૅનેજ ન થાયને!’
મૅનેજ તો બધું થાય, પણ એ કરવાની દાનત જોઈએ.
સોમચંદે વિચારોને બ્રેક મારીને સંજયની સામે જોયું.
‘આજથી તમારો આ કેસ મારી જવાબદારી છે... મુંબઈ પોલીસે મને કેસ સોંપ્યો છે, જરૂર પડશે તો ફરી મળવા બોલાવીશ...’
‘શ્યૉર...’
સોમચંદે હાથથી જવાનો ઇશારો કર્યો એટલે સંજય પટેલ જવા માટે ઊભો થયો અને સોમચંદે ફાઇલમાં નજર માંડી.
lll
શનિવાર, ૧૯ ઑક્ટોબર.
અંધેરીના વિજયનગરમાં આવેલી સ્વર્ગ નામની સોસાયટીની એ રાત તો રાબેતા મુજબ પૂરી થઈ, પણ સવાર પડતાંની સાથે સોસાયટી ન્યુઝ-ચૅનલની હેડલાઇનમાં આવી ગઈ અને રવિવારે આખો દિવસ સ્વર્ગ હેડલાઇનમાં રહી.
સંજય અને વિદ્યા પટેલના દસ વર્ષના દીકરા બન્ટીનું મર્ડર થયું.
સંજય કાર્ગો કંપનીમાં કામ કરતો અને વિદ્યા પટેલ બાઉન્સર તરીકે ડ્યુટી કરતી. ઘટનાની રાતે ઘરમાં બેમાંથી કોઈ હાજર નહોતું. સવારે આવીને તેમણે ઘરમાં જોયું તો બન્ટીની લાશ પડી હતી. બન્ટીને બહુ ક્રૂર રીતે મારવામાં આવ્યો હતો. પોસ્ટમૉર્ટમ રિપોર્ટ મુજબ બન્ટીનું માથું દીવાલ સાથે અફળાવવામાં આવ્યું હતું તો બન્ટીના પેટમાં પણ ભારે હથિયારથી વાર થયો હોય એવું ડૅમેજ હતું. બન્ટીના મારનારાને એ પછી કાં તો સંતોષ નહોતો થયો અને કાં તો એ પછી પણ તે રિસ્ક લેવા નહોતો માગતો એટલે તેણે બન્ટીના બન્ને હાથની નસ કાપી નાખી હતી. અલબત્ત, એ નસ કાપવામાં આવી ત્યાં સુધીમાં બન્ટીનું મોત થઈ ગયું હતું.
પોલીસ રિપોર્ટમાં લખ્યા મુજબ સંજય પટેલના ઘરમાં ક્યાંય કોઈ ચોરી થઈ નહોતી કે ન તો કોઈ કીમતી સામાન ગાયબ થયો હતો. સંજય પટેલના ઘરમાં ડૉગી હતો, જેનું નામ ટીનટીન હતું. જર્મન શેફર્ડ બ્રીડનું આ ટીનટીન હતું બે વર્ષનું, પણ ખાનદાની અલમસ્ત નસીબમાં લઈને આવ્યું હતું એટલે એને જોતાં સામાન્ય માણસ ડરી જાય એવું કદ એનું થઈ ગયું હતું.
ઘરમાં આવી ક્રૂર ઘટના ઘટી એ પછી પણ ટીનટીને અવાજ સુધ્ધાં ન કર્યો એ વાત પોલીસને મૂંઝવતી હતી તો સાથોસાથ અણસાર પણ આપતી હતી કે બની શકે કે ઘરમાં આવેલી વ્યક્તિ અજાણી ન હોય. ઘરમાં એન્ટ્રી લેનારી વ્યક્તિએ ડોરના લૉક પર પણ ફોર્સ કર્યો હોય એવાં ચિહનો મળ્યાં નહોતાં, જે એ પણ દેખાડતું હતું કે કાં તો ઘરમાં આવનારી વ્યક્તિ પાસે ઑલરેડી ચાવી હતી અને કાં તો તેણે પહેલેથી જ ફ્લૅટની ડુપ્લિકેટ ચાવીની અરેન્જમેન્ટ કરી રાખી હતી.
lll
‘CCTV કૅમેરા...’ ઘટનાસ્થળ પર નજર કરીને લિફ્ટમાં નીચે આવતાં ઇન્સ્પેક્ટર પાટીલે સોસાયટીના સેક્રેટરી મનોજ શિંદેને પૂછ્યું, ‘સોસાયટીમાં કેટલા છે?’
‘સર, મેઇન ડોર પર છે. લિફ્ટની ગ્રાઉન્ડ ફ્લોરની એન્ટ્રી છે ત્યાં છે અને એક પાર્કિંગમાં છે, જેનાથી આખું પાર્કિંગ કવર થાય છે.’
‘દરેક ફ્લોર પર...’
‘સર, પૈસે દેને સે ઇન્કાર કર દિયા...’ સેક્રેટરીના ચહેરા પર શરમ હતી, ‘કમિટીએ જન્માષ્ટમી પહેલાં જ પ્રસ્તાવ મૂક્યો હતો કે આપણે દરેક ફ્લોર પર ૩૬૦ ડિગ્રી રોટેશન પર રહેતા CCTV કૅમેરા ફિટ કરાવી દઈએ. ક્વોટેશન પણ અમે બધા પાસે મૂક્યું અને કહ્યું કે ફિટિંગ સહિત ફ્લૅટદીઠ અઢી હજાર રૂપિયાનો ખર્ચ આવશે, પણ અમુક લોકો રેડી થયા અને અમુક થયા નહીં એટલે પછી બધું પડતું મુકાયું...’
લિફ્ટ ગ્રાઉન્ડ ફ્લોર પર ઊભી રહી કે તરત સામો ઝાટકો આવ્યો.
જાણે કે એ ઝાટકાએ જ મનોજ શિંદેને યાદ અપાવ્યું હોય એમ શિંદેએ પાટીલને કહ્યું ઃ ‘સર, સેવન્થ ફ્લોર પર બધા રેડી હતા. એક આ સંજય પટેલભાઈ રેડી નહોતા. જો ત્યારે તે માની ગયા હોત તો કદાચ અત્યારે બધી ખબર પડી જાત કે બન્ટીને કોણે...’
‘ના...’ પાટીલે નકારમાં મસ્તક ધુણાવતાં કહ્યું, ‘તો કદાચ આ ઘટના જ ન બની હોત. આજકાલ મોટા ભાગના ગુનેગારો આ કૅમેરાને ધ્યાનમાં રાખીને કામ કરે છે.’
lll
‘આ જ તો ભૂલ છે પાટીલ...’ ડિટેક્ટિવ સોમચંદે પાટીલને ટોકતાં કહ્યું, ‘હવે બધા આરોપીઓને પણ ખબર પડી ગઈ છે કે પોલીસ CCTV કૅમેરા અને મોબાઇલ ટ્રૅક કરવા સિવાય બીજું કોઈ કામ નથી કરતી એટલે એ લોકો એટલા સ્માર્ટ થઈ ગયા છે કે આ બન્ને ગૅજેટ્સને હૅન્ડલ કરી લે છે.’
‘તને શું લાગે છે?’ પાટીલે સવાલ કર્યો, ‘શું કરવું જોઈએ?’
‘એ તો તને વધારે ખબર પડે, નવ દિવસથી તમે તપાસ કરો છો...’ સોમચંદના સ્વરમાં તોછડાઈ હતી, ‘આપણે કેસ માટે નવ મિનિટથી વાત કરીએ છીએ અને તને જવાબ જોઈએ છે...’
‘ઈગો પર વાતને નહીં લઈ જા... સાંભળ.’ ઇન્સ્પેક્ટર પાટીલે કહ્યું, ‘ઇલેક્શન અનાઉન્સ થઈ ગયું છે અને અમારે એ કામ પર લાગવાનું છે. જો તું આ કેસ સંભાળી લેતો હોય તો ઑફિશ્યલી કેસ તને અપાવી દઉં.’
‘મારી ઇચ્છા દેશમાં દિવાળી કરવા જવાની છે.’
‘પછી જજે, પહેલાં આ કેસ સૉલ્વ કર...’ પાટીલે જોહુકમી સાથે કહ્યું તો ખરું, પણ પછી તરત સુધારી પણ લીધું, ‘રિક્વેસ્ટ કરું છું... પ્લીઝ.’
‘એક શરતે...’ ડિટેક્ટિવ સોમચંદે કહ્યું, ‘કેસ સૉલ્વ થાય એટલે આપણે તે આરોપીને ખુલ્લા મોઢે જાહેરમાં લાવીશું...’
‘આવી શરત શું કામ?
‘ફૉર અ ચેન્જ...’ કારણ સમજાવતાં સોમચંદે કહ્યું, ‘પીડિતનો ચહેરો દેખાડવામાં આપણે સહેજ પણ અફસોસ નથી કરતા અને આરોપીનો ફેસ રિવીલ કરવામાં આપણે કાયદાને આંખ સામે રાખીએ એ ખોટું છે. જેનો ચહેરો મૅક્સિમમ લોકો સુધી પહોંચવો જોઈએ તેને તમે કેવી રીતે આવું સન્માન આપી શકો? બન્ટીના કેસમાં આરોપી તે છે જે બન્ટીને ઓળખતો અને બન્ટી પણ તેને ઓળખતો. ઓળખતી વ્યક્તિ જ્યારે આવું કામ કરે ત્યારે તમારી પહેલી ફરજ બને કે તમે એ રિલેશનને પણ લોકો વચ્ચે જાહેર કરો કે દરેક વખતે એવું નહીં ધારતા કે તમારા ઓળખીતા સારા જ છે, ઓળખીતા પણ અસૂર નીકળે.’
‘ડન... ઍગ્રી, પણ એક શરતે. તે ખરેખર તેના કોઈ રિલેટિવ કે ઓળખાણવાળી વ્યક્તિ હોય તો...’ સોમચંદ આર્ગ્યુમેન્ટ કરે એ પહેલાં જ પાટીલે કહ્યું, ‘બાકી, તને ખબર છે કે એ મારી વિરુદ્ધ કોર્ટમાં જઈ શકે છે ને હ્યુમન રાઇટ્સવાળા મને હેરાન...’
‘ડન...’ ઊભા થઈને સોમચંદે હાથ લંબાવ્યો, ‘ફાઇલ?’
‘તારી ગાડીમાં મુકાવી દીધી છે...’ પાટીલે સોમચંદના લંબાયેલા હાથમાં હાથ મૂકતાં કહ્યું, ‘ઑલરેડી આજે સવારે નક્કી થઈ ગયું હતું કે આ કેસ તને સોંપી દેવો... જા કામે લાગી જા...’
lll
પોસ્ટમૉર્ટમ રિપોર્ટ પરથી તૈયાર થતી સ્ટ્રૅટેજીમાં સોમચંદ શાહ એક તારણ પર પહોંચ્યા હતા કે બન્ટીના મર્ડરમાં ગુસ્સો બહુ મહત્ત્વનો હશે. મારનારાએ સહેજ પણ દયા રાખી નથી. બને કે આ મર્ડર કરનારાની કોઈ એવી વાત બન્ટીને ખબર પડી હોય જે બહાર ન આવે એ માટે બન્ટીનું મર્ડર થયું હોય, પણ અગત્યનું એ છે કે બન્ટી એવું તે શું જાણતો હતો કે કોઈને તે માસૂમને મારવામાં પણ ખચકાટ રહ્યો નહીં.
lll
‘મિસિસ પટેલ, ઘટનાની તમને ક્યારે ખબર પડી?’
‘સવારે છ વાગ્યે મારી ડ્યુટી પૂરી થવાની તૈયારી હતી ત્યાં મને મારા હસબન્ડનો ફોન આવ્યો કે જલદી ઘરે આવ, બન્ટીની તબિયત ખરાબ છે...’
‘તમને નવાઈ નથી લાગતી કે તમારા દીકરાની ડેડ-બૉડીની સામે પણ તમારા હસબન્ડ આવો સ્ક્રીનપ્લે લખી શકે કે દીકરાની તબિયત ખરાબ છે...’
‘ના...’ વિદ્યાએ દૃઢતા સાથે મસ્તક ધુણાવ્યું, ‘હું તેની જગ્યાએ હોત તો કદાચ મેં પણ એવું જ કર્યું હોત...
મે બી...’
‘તમને કોઈ પર શક કે આ કામ તે કરી શકે?’
‘ઑનેસ્ટલી કહું તો ના...’ વિદ્યાએ કહ્યું, ‘બન્ટીના ગયા પછી હવે મને તેના મર્ડરર સાથે પણ કંઈ લેવાદેવા નથી. તમે તેને પકડશો પછી શું, બન્ટી પાછો આવશે?’
વિદ્યાની આંખો ભીની થઈ ગઈ, પણ તેણે તરત જ કન્ટ્રોલ કર્યો.
‘આઇ ઍમ સૉરી...’
‘નો, ઇટ્સ ઓકે... હું સમજું છું કે સવાલ પૂછીને પણ હું તમને પેઇન આપું છું; પણ વિદ્યા, ઇ્ટસ માય ડ્યુટી અને આવા બીજા અનેક સવાલો માટે મારે તમને કદાચ વારંવાર મળવું પણ પડે.’
‘શ્યૉર, મારો તમને સપોર્ટ રહેશે; પણ સર, ખરેખર કહું છું કે હવે મને કોઈ ફરક નથી પડતો, કારણ મારો દીકરો હવે પાછો આવવાનો નથી...’
ફરી વિદ્યાની આંખો ભીની થઈ. આ વખતે વિદ્યાથી રહેવાયું નહીં એટલે તે ઊભી થઈને રૂમમાં ચાલી ગઈ.
સોમચંદે ખાલી ઘરમાં નજર ફેલાવી.
દીવાલ પર બન્ટીનો ફોટો હતો અને એ ફોટોની નીચે પ્લેટમાં હાર હતો, જે હજી સુધી બન્ટીને પહેરાવવામાં આવ્યો નહોતો. બન્ટીના અસ્થિ-વિસર્જન માટે સંજય સવારની ફ્લાઇટમાં હરિદ્વાર ગયો હતો. વિદ્યાને સાથે આવવા તેણે બહુ કહ્યું, પણ તે માની નહીં એટલે નાછૂટકે સંજય એકલો ગયો.
‘નાઓ આઇ ઍમ ફાઇન...’
રૂમમાંથી બહાર આવેલી વિદ્યાએ હૉલમાં નજર કરી અને તેની આંખોમાં સરપ્રાઇઝ પથરાઈ ગયું.
હૉલની બરાબર વચ્ચે ટીનટીનનું ફૂડ ખાલી કરીને સોમચંદ શાહ એ ફૂડ ખાતા હતા.
‘આ શું કરો છો?’
‘ચેક કરું છું...’ સોમચંદે બિસ્કિટનો વધુ એક ટુકડો મોઢામાં મૂકતાં કહ્યું, ‘હું જૈન છું અને આ બિસ્કિટ નૉનવેજ હોય એ મેં બૉક્સમાં રહેલી રેડ સાઇનથી જોઈ લીધું.’
‘તો પછી શું કામ?’
‘પૉસિબલ છે કે મર્ડર કરનારાએ ટીનટીનના ફૂડમાં ઘેનની દવા નાખી હોય, જેને લીધે એ રાતે ટીનટીન એક પણ વાર ભસ્યો નહીં...’
‘હા, પણ તમને એનો ટેસ્ટ ખબર પડશે?’
‘જો ઘેન ચડશે તો ખબર પડી જશે...’ નકારમાં સોમચંદે માથું હલાવ્યું અને પછી કહ્યું, ‘બાય ધ વે, ડૉગીને ઘેન આપવાની જે દવા હોય એ બહુ હાર્ડ હોય. જો માણસને એ દવા આપી દો તો તે બે-ચાર દિવસ સુધી જાગે નહીં...’
સોમચંદ શાહની આંખો ભારે થવા માંડી, તેને ઘેન વર્તાવા લાગ્યું હતું.
(વધુ આવતી કાલે)