મોહિનીએ મને મારવા માટે ૨૧મી તારીખ જ પસંદ કરી, પણ કહે છેને રામ રાખે તેને કોણ ચાખે
વાર્તા-સપ્તાહ
ઇલસ્ટ્રેશન
‘તમારો લગેજ આમાં મૂકજો, અજાત...’
આઠના સુમારે નાહીને અજાત વિદેશ લઈ જવાનાં કપડાં વૉર્ડરોબમાંથી કાઢતો હતો ત્યાં અવનિ આવી. તેના હાથમાં પર્પલ કલરની વ્હીલવાળી નાનકડી બૅગ હતી. ઑફિસના કામે જતો અજાત ડિજિટલ ગૅજેટની ઑફિસ-બૅગ ઉપરાંત પ્લેનમાં પોતાની સાથે રખાય એવી
ADVERTISEMENT
કૅરી-ઑન બૅગ જ લઈ જવાનું પ્રિફર કરતો, જેથી લગેજ કલેક્ટ કરવાની માથાકૂટ જ ન રહે.
‘નવી બૅગ!’ અજાત હસ્યો, ‘ઍનિવર્સરીની આ ગિફ્ટ!’ અવનિ સામું મલકી, ‘આ વર્ષોમાં તમે મને જેકાંઈ
આપ્યું એની સામે તો મારી આ ગિફ્ટ કાંઈ જ નથી.’
-એ જ ઘડીએ ડોરબેલ રણકી, સાથે જ આયાની ચીસ ગુંજી.
આ એક ચીસ કોઈના મનસૂબા પર પાણી ફરવાના ઇશારારૂપ હતી એની અવનિને ત્યારે ક્યાં ખબર હતી?
lll
‘તમે બહુ વહેલા નીકળો છો અજાત... પાછાં આપણી કારને બદલે ટૅક્સીમાં જવાના...’
અવનિને ઍરપોર્ટ પહોંચવાની અજાતની ઉતાવળ વહેમાવતી હતી, ‘તેનો બીજો કોઈ પ્લાન હોય તો મારું આયોજન રખડી નહીં પડેને!’
‘યા, બટ જોને, વરસાદ કેટલો છે અને ઍરપોર્ટ પર પાર્કિંગ કેટલું મોંઘું થઈ ગયું છે...’
ડ્રાઇવિંગનો શોખ હોવાથી અજાતે ડ્રાઇવરની સાહેબી રાખી નહોતી. ‘અવનિને એમ થોડું કહેવાય કે પહેલાં મારે મોહિનીને ત્યાં જવાનું છે. તેના પાર્કિંગમાં આપણી કાર મારી હાજરીની ચાડી ખાઈ જાય એટલે ટૅક્સી કરી છે!’
‘બાય’ અવનિએ હાથ હલાવ્યો, લિફ્ટનો દરવાજો બંધ થયો. નીચે સરકતા અજાતને એવું હતું કે હવે પછી અવનિ મને જીવતી જોવા નહીં મળે!
lll
‘અજાત! આ શું કરે છે?’ મોહિનીની આંખો પહોળી થઈ.
લંડન જતાં પહેલાં એકાંત માણવા આવેલા અજાતે એક તો ઉન્માદક
વાતો કરતાં શરાબનો નશો કરાવ્યો અને પછી ટબમાં પાણી ભરીને મને સરકાવી પોતે આવવાને બદલે તે ગ્લવ્ઝ ચડાવીને આ શું...’
મૃત્યુ પહેલાં મોહિનીને આવેલો આ અંતિમ વિચાર હતો.
શરીરમાં રાક્ષસી તાકાત આવી હોય એમ હતું એટલું જોર વાપરીને અજાતે મોહિનીનાં મો-નાક બંધ કરી પાણીમાં ડુબાડી દીધી.
અને થોડી પળોમાં તેનો તરફડાટ શાંત થઈ ગયો. ‘કોઈને મારવું આટલું સરળ હોતું હશે?’
-અને દસ મિનિટ પછી પોતાનાં નિશાન મિટાવી તેણે ઍરપોર્ટની ટૅક્સી પકડી લીધી. ‘ઇચ્છા તો હતી કે અવનિનો અંજામ કન્ફર્મ કરીને દેશ છોડવો, પણ પછી છટકાયું નહીં તો ફસાઈ જવાય! એટલે મન મનાવી લીધું. રૂપિયા લેનારો કામ પાર પાડવાનો જ!’
lll
અજાતશત્રુ ઍરપોર્ટ જતો હતો ત્યારે વરલીના ઘરે...
‘થૅન્ક્સ ઑફિસર’ કહીને અવનિએ અગત્યનો કૉલ પતાવ્યો. પછી વખત ગુમાવ્યા વિના સિમ કાર્ડ કાઢી, તોડીને ટૉઇલેટમાં ફ્લશ કરી દીધું એ જ વખતે બહાર લિફ્ટ અટકી. પ્લમ્બરના વેશમાં કૉન્ટ્રૅક્ટ-કિલર આવી પહોંચ્યો હતો!
lll
‘ફાઇનલી!’
સિંગાપોરની ફ્લાઇટના બોર્ડિંગની સૂચના સંભળાતાં ડિપાર્ચર લાઉન્જમાં બેઠેલો અજાતશત્રુ રાહતનો શ્વાસ લેતો હજી તો ઊભો થાય છે કે...
‘મિસ્ટર અજાતશત્રુ?’
સફેદ યુનિફૉર્મમાં સજ્જ બે કસ્ટમ ઑફિસર લગોલગ આવીને ઊભા રહ્યા.
‘સૉરી સર, યુ આર નૉટ અલાઉ ટુ બોર્ડ ધ ફ્લાઇટ...’ યંગ ઑફિસરે ગંભીર ભાવે કહ્યું,
‘તમારે અમારી સાથે આવવું પડશે... અમને ઇન્ફૉર્મેશન મળી છે કે તમે ડ્રગ સ્મગલ કરી રહ્યા છો...’
‘ડ્રગ!’ અજાતશત્રુએ ભીંસ અનુભવી, ‘સમથિંગ ઇઝ રૉન્ગ. ડ્રગનું તો બહાનું, કોઈક રીતે પોલીસને મોહિનીના મર્ડરની જાણ થઈ અને મને રોકવા ડ્રગનું બહાનું ઉપજાવી કાઢ્યું!
lll
- ‘પણ એવું નહોતું...’
બે કલાકથી કસ્ટમની ઑફિસના અંધારિયા તપાસખંડમા ગોંધાયેલા અજાતશત્રુની સ્વસ્થતા જવાબ દઈ ગઈ. એક તો આ લોકોએ પાસપોર્ટ લઈ લીધો, પોતાની ફ્લાઇટ ગઈ, એમાં જુવાન ઑફિસર આચાર્ય ફોન પર ઉપરીને રિપોર્ટ આપે છે, ‘જી, સર, વી કૉટ હીમ. નો, હી સીમ્સ સ્માર્ટ. લંડનનુ કહીને સિંગાપોરની ફ્લાઇટ પકડવાનો હતો...
અજાતની છાતીમાં ત્યારે પહેલી ચિરાડ પડી, ‘આ લોકોને લંડનની જાણ કેમ થઈ!’ ત્યાં તો કસ્ટમનો કોઈ કારીગર આવીને તેની બૅગ ચીરવા માંડતાં તે ચીખી ઊઠ્યો ઃ ‘આ શું કરી રહ્યા છો?’
‘શી...શ...’ આચાર્ય તેની સામે ખુરસી લઈને ગોઠવાયો ઃ ‘શું છે કે આજે બપોરે અમને એક ટિપ મળી. અજાણ્યા નંબર પરથી બોલતી સ્ત્રીએ બહુ ફર્મલી કહ્યું કે આજે લંડનની ફ્લાણી ફ્લાઇટમાં ફલાણા કલરની બૅગવાળો ફલાણા નામનો આદમી ૪ કરોડની ચરસ લઈ જઈ રહ્યો છે... ટિપ મળતાં અમે સઘન ચેકિંગ આદર્યું. બાતમી મુજબ લંડનની ફ્લાઇટમાં તેનું બુકિંગ હતું, પણ ભાઈસાહેબ ફરક્યા નહીં, કદાચ પોતાની ટિપ આપાઈ હોવાનો તેને અંદાજ આવી ગયો હોય અને તેણે પ્રોગ્રામ બદલી નાખ્યો હોય!’
અજાતશત્રુ સાંભળી રહ્યો.
‘આઇ વૉઝ ધ ઑફિસર જેણે બાતમીદાર બાઈ સાથે વાત કરી હતી...’ આચાર્યએ વળ ચડાવ્યો, ‘તેના અવાજમાં ટકોરાબંધ ખાતરી હતી, તો તે ક્યાં ચૂકી? વિચારતાં મને ઝબકારો થયો ઃ ‘શક્ય છે ડ્રગ સ્મગલ કરનારો લંડનને બદલે કોઈ બીજી ફ્લાઇટ પકડવાનો હોય! ફટાફ્ટ ઑપરેટર્સને કામે લગાડીને અમે ભાળ કઢાવી અને સિંગાપોરની ફ્લાઇટમાં ચડવા જતા પર્પલ બૅગવાળા અજાતશત્રુને અમે છેલ્લી ઘડીએ ઝડપી લીધો!’
‘બંધ કરો તમારી આ ફેક સ્ટોરી... અજાતે ચિલ્લાવું હતું, પણ ત્યાં...
ચરરર... બૅગનું ઉપલું પડ ચિરાતાં સ્કૅનમાં પકડાય નહીં એ રીતે મૂકેલાં સફેદ પાઉડરનાં પડીકાં સરકી આવતાં અજાતશત્રુને તમ્મર આવી ગયાં.
લેડીનો ફોન, લંડનની ફ્લાઇટ,
પર્પલ બૅગ...
‘અ...વ... નિ!’
‘આ વર્ષોમાં તમે મને જેકાંઈ આપ્યું એની સામે તો મારી આ ગિફ્ટ કાંઈ જ નથી...’ અવનિના શબ્દો પડઘાતાં અજાત ફાટી આંખે પર્પલ બૅગને તાકી રહ્યો.
‘શી ન્યુ ઇટ... મારા મોહિની સાથેના અફેરની તેને જાણ હોય જને અને તો જ મારી બેવફાઈની સજા તેણે મને ફ્ટકારી... હજી તો પોલીસને હું લંડનનું કહી સિંગાપોર જવાનો હતો એટલું જ માલૂમ છે. તેમને અવનિ-મોહિનીના મર્ડરની જાણ થશે પછી તો જાણે એ લોકો કેવો તર્ક બેસાડશે!’
‘ઇટ્સ ઑલ ઓવર!’
lll
એના અઠવાડિયા પછી...
મુલાકાતખંડનો દરવાજો ખૂલ્યો. આગંતુકને જોઈને હાથકડી પહેરીને બેઠેલો અજાતશત્રુ ભડકીને ઊભો થઈ ગયો ઃ ‘અ..વ..નિ, તું!’
‘ના, અવનિ મરી નથી એટલો તો અંદાજ હતો. અધરવાઇઝ પોલીસે જાણ કરી હોત. તેના ખૂનની પણ પૂછપરછ
કરી હોત... ઠેઠ આજે તે મને સામેથી મળવા આવી!’
‘તમને આમ જોઈને પરમ
આનંદ થયો.’
અવનિનું તેજ ઝગમગતું હતું. અજાતશત્રુની ગરદન ઝૂકી ગઈ.
‘છ મહિનાથી જાણતી હતી તમારી બેવફાઈનુ સત્ય. તમારે પરસ્ત્રીગમન કરવું પડે એવું એક કારણ મને મારા પક્ષે જણાયું નહીં. પછી તો મારો હક બનેને તમારી બેવફાઈને દંડ દેવાનો. એના મુરતમાં મેં જેમ એકવીસમી નક્કી કરી એમ તમે પણ ભાગવા માટે એ જ તારીખ રાખી?’
‘લગ્નતિથિએ વિદેશ ટૂર ગોઠવનારા અજાતને કસ્ટમ ચેકિંગમાં ફસાવવાનો આઇડિયા સૂઝ્યો. હાઈ સોસાયટીની પાર્ટીમાં પોતે ભલે બહુ હળે નહીં, પણ મસાલો ક્યાંથી મળી રહે એની જાણ હતી. બૅગના પડ વચ્ચે પડીકાં પોતે છુપાવ્યાં... અજાત નીકળ્યા પછી કસ્ટમને નનામો ફોન કરીને સિમ કાર્ડ ફગાવી દીધું... ઍન્ડ ઇટ વર્ક્ડ! તે પાછો લંડનનું કહીને સિંગાપોર જવાનો હતો એટલે પણ કસ્ટમને તે ગુનેગાર હોવામાં શક ન રહ્યો.
‘ભાગતાં પહેલાં મોહિનીને પતાવી દીધી તમે?’
અજાતશત્રુ ચૂપ રહ્યો. બહારની દુનિયાના તેને ખબર નહોતા, પણ મોહિનીના ખૂનમાં પોતે કોઈ કડી નથી છોડી એટલે તેના ‘અકસ્માત મૃત્યુ’ને કોઈ ખૂનમાં ખપાવે એથી મારે ભરમાવાનું ન હોય.
‘મને તો હતું કે મોહિની તમારી સાથે જ લંડન જવાની હશે. બીજે દહાડે તેના બાથટબમાં ડૂબવાના ખબર મળ્યા...’
અજાતનો સિંગાપોર ભાગવાનો પ્લાન હતો એ જાણ્યા પછી તેના જવાના દહાડે જ મોહિની ડૂબી મરે એમાં અજાતનું જ કારસ્તાન હોવાનું ધારવું અવનિ માટે સહજ હતું ઃ ‘જતાં પહેલાં તેણે મોહિનીને હમેશ માટે ચૂપ કરી દીધી!’
‘અને હું મંડી પડી. આપણે ત્યાંથી ઍરપોર્ટ જવા નીકળેલા તમે મોહિનીને
ત્યાં ગયા હતા... મેં એ ટૅક્સી-ડ્રાઇવની ભાળ કાઢી છે.’
અજાતશત્રુના કાળજે કળતર
થઈ ઃ ‘નો!’
‘આ જુઓ....’ અવનિએ સાથેના બગલથેલામાંથી ફાઇલ કાઢી, ‘તમને મોહિની સાથે હોટેલમાં જોયા પછી પ્રાઇવેટ ડિટેક્ટિવ રોકીને મેં તમારા ચારિત્રના પુરાવા મેળવેલા... તમારા સિંગાપોરના અકાઉન્ટની વિગતો પણ આમાં છે અને આ ફાઇલ પોલીસને આપવા જ લાવી છું.’
‘હે ભગવાન...’
‘અત્યારે તો બહાર લોકોને ડૂબીને મરેલી સેક્રેટરી પ્રત્યે સહાનુભૂતિ છે અને બૉસ દાણચોર નીકળ્યોનો આઘાત છે, પણ આ સબૂત જાહેર થયા પછી માની લેવું આસાન રહેશે કે અજાતની રખાત જેવી મોહિનીની ડ્રગના ધંધાનું સીક્રેટ જાણી જતાં બૉસે તેને પતાવી દીધી!’
અજાતને કંપારી છૂટી. કરગરી પડાયું, ‘મોહિનીનું મર્ડર ઉઘાડું પાડી તને શું મળવાનુ? ઊલટી તે તો તને મરાવવા માગતી હતી.’
અવનિ ચમકી ગઈ, ‘મરેલા માણસ પર ખોટું આળ મૂકતાં લજ્જાતા નથી?’
‘નહીં, આ સાચું છે...’ અજાત જીવ પર આવી ગયો. મોહિનીના ઑબ્સેશન વિશે કહીને મુદ્દે આવ્યો, ‘મોહિનીએ કૉન્ટ્રૅક્ટ-કિલરને હાયર કરેલો. મને તેના પ્લાનની તમામ જાણકારી છે એવું મોહિની જોકે નહોતી જાણતી...’
‘તમે જાણતા હતા!’ અવનિને થયું સિંગાપોર ભાગી જવાના અજાતના પ્લાનની ખૂટતી કડી હવે મળે છે. ‘અહીંથી ઉચાળા ભરતા અજાતે જો મોહિનીને પતાવી દીધી હોય તો મને કેમ બક્ષી એ સવાલ થયેલો ખરો, જવાબની હવે જાણ થાય છે!’
‘ધેટ કિલર રાજ બપોરના સમયે પ્લમ્બરના વેશમાં આવવાનો હતો...’
‘પ્લમ્બર!’ અવનિ આંચકાભેર
ઊભી થઈ ગઈ ઃ ‘એ માણસ મને
મારવા આવેલો?’
‘તું કઈ રીતે બચી એ મને નથી સમજાતું...’
‘બાકી અવનિ મરી હોત તો આ બધી અમારા કોઈ દુશ્મનની અમને ફસાવવાની ચાલ છે એવો ડિફેન્સ પણ કરી શકાત!’
‘મોહિનીએ મને મારવા માટે એકવીસમી તારીખ જ પસંદ કરી, પણ કહે છેને કે રામ રાખે તેને કોણ ચાખે!’ અવનિના સ્વરમાં જીવ બચ્યાની રાહત હતી. ‘યાદ છે, એ સવારે વરસાદ બહુ હતો... આપણે બૅગની ગિફ્ટની વાત કરતાં હતાં ત્યારે ઘરકામ માટે આવતી આયાએ ડોરબેલ રણકાવી ચીસ પાડેલી?’
‘યા...’ અજાતને સાંભરી આવ્યું, ‘ભેજને કારણે સ્વિચમાં કરન્ટ લાગતો
હતો એથી ભડકીને આયાએ ચીસ પાડેલી. રિપેર માટે ઇલેક્ટ્રિશ્યનને આવી જવાનું પણ તો કહેલું...’
‘એ પહેલાં તમારો કિલર આવી ગયો...’ અવનિએ પરાકાષ્ઠા કહી, ‘પ્લમ્બરના વેશમાં આવેલા કિલરે બેલ દબાવતાં તેનો ભીનો હાથ સ્વિચ પર ચોંટી જતાં અત્યારે તો તેનું અડધું અંગ પૅરૅલાઇઝ્ડ છે!’
‘ઓહ...’
‘અત્યારે તો તે હૉસ્પિટલમાં છે. મેં જ તેને ભરતી કરાવેલો, પણ તમે કહ્યું એ સાચું પુરવાર થાય તો બાકીની જિંદગી તે જેલમાં સબડશે.’ અવનિના દાંત ભીંસાયા ઃ ‘મારા કૉન્ટ્રૅક્ટ કિલિંગનો ફેંસલો મોહિનીનો હોય તો પણ તમને એની જાણ હતી એટલે ગુનામાં પૂરેપૂરી ભાગીદારી ગણાય. તમારાં કરમ જ એવાં છે અજાત કે કોઈ પણ સજા ઓછી પડે.’
અજાત રડી પડ્યો, પણ અવનિ કોરીધાકોર રહી. બહાર નીકળતી તે અટકી, ‘જાણો છો અજાત, બે અલગ બિન્દુ જેવાં સ્ત્રી-પુરુષ પતિ-પત્ની બને પછી બેમાંથી એક થવાનું હોય, એને બદલે તમે તો ત્રીજા પાત્ર સાથે ત્રિકોણ રચી નાખ્યો. એનો પછી આવો જ કોઈક અંજામ હોય.’
રૂમમાં થોડી વાર સ્તબ્ધતા રહી.
ધીરે-ધીરે અજાતનાં અશ્રુ હાસ્યમાં ફેરવાયા અને તે હસતો જ રહ્યો. તેણે માનસિક સંતુલન ગુમાવી દીધું હતું!
એનાથી અલિપ્ત થઈ અવનિ મુલાકાતખંડમાથી બહાર નીકળીને નવી દુનિયામાં આગળ વધી ગઈ જેમાં હવે કોઈ છળકપટનો અવકાશ નહોતો.
(સમાપ્ત)