રાજગોપાલે પૈસા આપીને તરત કુસુમનો હાથ પકડતાં કહ્યું, ‘જલદી ચાલો. નકામી ભીડ ભેગી થશે.’
સુખી તો છોને? અસ્તિત્વના અંગાર વચ્ચે પ્રેમના બે છાંટા (પ્રકરણ-૩)
કેટલાં વર્ષ પછી આ ઘરમાં આટલીબધી ખુશીઓ એકસાથે આવી હતી!
‘અરે કુસુમ?’ મમ્મી આંખો લૂછતાં બોલી, ‘તેં તારા માટે કંઈ ન લીધું?’
ADVERTISEMENT
‘લીધું છેને!’ નાની સ્મિતાએ પ્લાસ્ટિકની થેલીમાંથી એક છાપું વીંટાળેલું પૅકેટ ખેંચી કાઢ્યું, ‘ચાલો જોઈએ, દીદી પોતાને માટે શું લાવી છે...’
કુસુમ ચોંકી ગઈ. આ પૅકેટ ક્યાંથી આવ્યું? કોણે મૂક્યું? સ્મિતાએ ફટાફટ છાપું ઉખેળી કાઢ્યું. જોયું તો અંદર આછા નારંગી રંગની એમ્બ્રૉઇડરીવાળી એક કુરતી હતી.
‘કેટલી સરસ છે, નહીં! કેટલાની છે?’
કુરતી ખૂલતાં જ અંદરથી એક બિલની ચબરખી ઊડીને ભોંય પડી, કુસુમે ઝડપથી એ લઈ લીધી. ‘૧૭૦ રૂપિયાની છે, ૧૭૦.’
કુસુમને એ સૌથી સુંદર ચીજ લાગી. રાજગોપાલે જ અંદર મૂકી હશેને? મારી પાસેથી પૈસા પણ ન લીધા!
તે રાત્રે મોડે સુધી પથારીમાં સૂતાં-સૂતાં કુસુમ રાજગોપાલના વિચારો કરતી રહી. આમ કેવો કડક અને ગુસ્સાવાળો લાગે છે, પણ અંદરથી... હું તેને ગમતી હોઈશ તો જ મારા માટે આટલી સરસ કુરતી ખરીદીને થેલીમાં મૂકી દીધીને? પાછું મને કહ્યુંય નહીં! અને રુઆબ તો જુઓ? એક રૂપિયાનો હિસાબ મેળવવા સાહેબજી નવ રૂપિયા ગણી-ગણીને છૂટા આપે છે પણ ૧૭૦ રૂપિયાનું તો કંઈ બોલતા જ નથી!
આખી રાત કુસુમ મીઠી નીંદરમાં પડખાં ફરતી રહી. સવારે ઊઠીને ઑફિસ જતાં પહેલાં એ જ આછા નારંગી રંગની કુરતી પહેરી.
કુસુમ વારંવાર ડોકું ઊંચું કરીને રાજગોપાલના ટેબલ તરફ જોઈ લેતી હતી પણ તે દેખાતો નહોતો. બરાબર લંચ પહેલાં તે ઝડપથી આવ્યો, ટેબલ પરથી કંઈક કાગળિયાં-ફાઇલો ભેગી કરીને માલિકની કૅબિનમાં જતો રહ્યો.
લંચ પછી પણ તે બહુ બિઝી હતો. કુસુમે છેક સાંજ સુધી રાહ જોઈ. સાંજે બધા કર્મચારીઓ વારાફરતી જતા રહ્યા પછી તે રાજગોપાલના ટેબલ પાસે જઈને ઊભી રહી.
‘જોયું નહીં, કુરતી કેવી લાગે છે?’
‘લંચ પહેલાં આવ્યો ત્યારે જ જોઈ લીધી.’ રાજગોપાલ કમ્પ્યુટર સ્ક્રીન પરથી નજર ખસેડ્યા વિના બોલ્યો, ‘લાગે છે તો સારી.’
બસ? આટલું જ? કુસુમને ગુસ્સો ચડ્યો. છતાં મીઠા અવાજે બોલી, ‘ગિફ્ટ આપી છે તો સરખું થૅન્ક યુ તો સાંભળી લો?’
‘ગિફ્ટ નથી.’ રાજગોપાલ સપાટ અવાજે બોલ્યો, ‘આ તો તમારી મમ્મી ઉત્સાહમાં આવીને તમને કંઈક લઈ આપવામાં ચારસો-પાંચસો ખરચી ન નાખે એટલે. તમારે મને ૧૭૦ રૂપિયા આપવાના છે.’
‘હેં?’
‘આવતા પગારમાંથી આપશો તોય ચાલશે.’
પત્યું! કુસુમનો આખો મૂડ ખરાબ થઈ ગયો. તે ઝડપથી પોતાની ખુરશી પર લટકતો ઝોલો ઉઠાવી ઑફિસની બહાર નીકળી ગઈ. બસમાં બેઠા પછી મગજ ધૂંધવાતું રહ્યું. ઘરે પહોંચ્યા પછી જમીને જરા આડી પડી ત્યારે તેનું મગજ શાંત થયું અને ત્યારે જ તેને ટ્યુબલાઇટ થઈ...
‘ઓ ગાંડી, જો એવું જ હોય તો તેણે મને કીધા વિના છેક થેલીની નીચે, છાપામાં વીંટાળીને કુરતી શું કામ રાખી? મને આજે જે કારણ આપ્યું એ ગઈ કાલેય આપી શક્યો હોતને? અને બેટમજીએ લંચ પહેલાં ઑફિસમાં દાખલ થયા ત્યારે દૂરથી જ મેં કુરતી પહેરી છે કે નહીં એ તો જોઈ જ લીધેલુંને!’
એ રાત્રે પણ કુસુમને મીઠી નીંદર આવી.
lll
બીજા પગારનો દિવસ નજીક આવી રહ્યો હતો. આ વખતે તો પૂરા ૧૨,૦૦૦ મળવાના હતા. મમ્મીએ પ્લાનિંગ કરી રાખ્યું હતું. ‘આ વખતનો પગા૨ આવેને તો કુસુમ, તારા માટે એક નવું જીન્સ અને એક ટી-શર્ટ લેવાનું છે. સ્મિતાને પણ એક નવું ફ્રૉક જોઈએ છે. તું મને અંધેરીની એ માર્કેટમાં લઈ જજેને! ત્યાં સ્ટીલનાં વાસણો સસ્તામાં મળતાં હશે? બે થાળી-વાટકા લેવા છે.’
પણ કુસુમે કંઈ જુદું વિચારી રાખ્યું હતું. થોડાં દિવસ પહેલાં તેણે ઑફિસમાં આવતા છાપામાં એક જાહેરાત જોઈ હતી : ‘સ્પેશ્યલ ઇન્ટ્રોડક્ટરી ઑફર... ૧૯૯ રૂપિયાનું ટ્વિન-બ્લેડ શેવિંગ રેઝર માત્ર ૯૯ રૂપિયામાં, સાથે પાંચ ટ્વિન-બ્લેડ ફ્રી...’
પગારના આગલા દિવસે કુસુમે એ ટ્વિન-બ્લેડ શેવિંગ રેઝરનું પૅકેટ ખરીદી રાખ્યું હતું. રાજગોપાલ બધા ટેબલ પર પગારની રકમનાં કવરો આપતો-આપતો આવી રહ્યો હતો. કુસુમના ટેબલ પર આવીને તેણે કવર આપતાં કહ્યું, ‘૧૨,૦૦૦ રૂપિયા. સહી કરો.’
કુસુમે સહી કરી. તેને હતું કે હમણાં પગારમાંથી ૧૭૦ રૂપિયા માગશે, પણ રાજગોપાલ કંઈ બોલ્યો નહીં.
સાંજે છૂટતાં પહેલાં કુસુમ રાજગોપાલના ટેબલ પાસે ગઈ. ‘પેલા ૧૭૦ રૂપિયા નથી જોઈતા?’
‘કોઈ ઉતાવળ નથી. પછી આપજો.’ રાજગોપાલ કમ્પ્યુટરમાં કંઈક ટાઇપ કરી રહ્યો હતો.
‘આજે જ આપવાના છે.’ કુસુમે કહ્યું
‘આ લો.’
કુસુમે ટેબલ પર મૂકેલા રેઝરના પૅકેટ પર માત્ર અડધી ક્ષણ માટે નજર નાખીને રાજગોપાલ પાછો સ્ક્રીનમાં જોતો રહ્યો. થોડી વારે તેણે પૂછ્યું, ‘કેટલાનું છે?’
‘આમ ૧૯૯નું છે પણ ૯૯માં મળ્યું. સ્કીમ હતીને એટલે.’
જવાબમાં રાજગોપાલ કંઈ બોલ્યો નહીં. ગમ્યું, ન ગમ્યું, સારું છે, કેમ લીધું... કશું જ નહીં. કુસુમ થોડી વાર સુધી તેના ટેબલ પાસે ઊભી રહી. પણ જાણે તે ત્યાં છે જ નહીં એ રીતે રાજગોપાલ તેનું કામ કરતો રહ્યો. અચાનક તે બોલ્યો :
‘જવાનું નથી?’
‘હેં?’
‘ઘરે નથી જવાનું તમારે?’
‘હા.’
એકાક્ષરી જવાબ આપીને કુસુમે ચાલવા માંડ્યું. કઈ જાતનો માણસ છે આ? તેના માટે આપણે એક વસ્તુ લાવીએ છીએ, પ્રેમથી તેને આપીએ છીએ છતાં થૅન્ક યુ સુધ્ધાં નહીં કહેવાનું?
પણ બીજા દિવસે સાડાદસેક વાગ્યે જ્યારે પટાવાળો ગોવિંદરાવ ટેબલે-ટેબલે ચાના ગ્લાસ મૂકી રહ્યો હતો ત્યારે તેના ટેબલ પર ગ્લાસની સાથે તેણે પૂરા ૯૯ રૂપિયા છૂટા મૂક્યા.
‘રાજગોપાલ સરને દિયેલા હૈ. બોલતે થે, સ્મૂધ હૈ ઐસા બોલના.’
‘ક્યા, ક્યા સ્મૂધ હૈ?’
‘મુઝે ક્યા માલૂમ?’ ગોવિંદરાવ આંખો નચાવતો જતો રહ્યો. કુસુમને હસવું આવી ગયું. તે ઊભી થઈને ચાનો ગ્લાસ લઈને રાજગોપાલના ટેબલ પાસે ગઈ. રાજગોપાલ કામ કરતો-કરતો ચાની ચૂસકી લઈ રહ્યો હતો.
‘શું?’
કુસુમ બોલી, ‘સ્મૂધ હૈ એટલે વળી શું?’
‘શેની વાત કરો છો?’ રાજગોપાલની આંગળીઓ અટકી ગઈ.
‘કેમ, બાકાયદે હિસાબથી બાકીના રૂપિયા મોકલીને તમે ગોવિંદરાવ જોડે કહેવડાવ્યું તો ખરું! સ્મૂધ હૈ ઐસા બોલના.’
‘એ?’ રાજગોપાલ ગંભીર ચહેરે બોલ્યો ‘ગોવિંદરાવને ગમ્મત કરવાની ટેવ છે. બાકી હા, મારે આમેય એવું રેઝર લેવાનું હતું.’
‘સાચું કહેજો,’ કુસુમે સહેજ નજીક આવીને પૂછ્યું, ‘આજે એના વડે જ દાઢી કરી છેને?’
રાજગોપાલના ચહેરા પર કોઈનેય ન દેખાય એવો એક બારીક ફેરફાર થયો. તેના હોઠના ખૂણે સહેજ, જરા અમથું સ્મિત ફરક્યું. તે નીચું જોઈ ગયો. પછી બોલ્યો : ‘હા.’
તે નજર નીચી રાખીને ટાઇપ કરતો રહ્યો, પણ કુસુમના દિલમાં ઊંડે-ઊંડે એક મીઠી હલચલ થવા લાગી હતી...
lll
દિવસો પસાર થઈ રહ્યા હતા. કુસુમના ટાઇપિંગમાં હવે ભૂલો ઓછી થતી હતી. સ્ટાફ સાથે તે હળવામળવા લાગી હતી. પેલી ઘમંડી જાડી રિસેપ્શનિસ્ટ મિસિસ મેહરા હવે તેની સાથે ક્યારેક સરખી રીતે વાત કરી લેતી હતી પરંતુ રાજગોપાલ સાથે ખપ પૂરતી જ વાત થતી.
એક દિવસે ઉતાવળમાં જે બસ પકડી એ અંધેરી ઈસ્ટથી બોરીવલી બાજુ વળી જવાની હતી. કુસુમે બસમાંથી ઊતરીને રિક્ષા કરી.
પણ ઑફિસ બિલ્ડિંગ પાસે રિક્ષા ઊભી રખાવીને પાકીટ ખોલ્યું ત્યારે ખબર પડી કે ઘરેથી નીકળતાં અંદર પૈસા મૂકવાનું ભુલાઈ ગયું હતું.
‘પાકીટ મેં પૈસા નહીં હૈ...’ તેણે રિક્ષાવાળાને કહ્યું ‘તુમ રુકો, મૈં લાકે દેતી હૈ.’
રિક્ષાવાળો ભડક્યો.
‘ચ્યાઈલા, તુ તો વોઈચ હૈ! ઉસ દિન ભી યેઈચ નાટક કરતી થી! ઓ લુખ્ખી, નાટક છોડ, પૈસા નિકાલ!’
રિક્ષાવાળાએ તેના હાથમાંથી પાકીટ છીનવી લીધું. કુસુમ ચોંકી ગઈ કારણ કે આ એ જ રિક્ષાવાળો હતો જેણે તેના ઇન્ટરવ્યુના દિવસે આ જ જગ્યાએ બે કોડીની કરી મૂકી હતી.
‘ચલ, ઘડી નિકાલ!’ રિક્ષાવાળાએ એ દિવસની જેમ જ, મજબૂતીથી તેનું કાંડું પકડી લીધું.
‘એય, એય, એય!’ કુસુમે ચીસ પાડી ‘હાથ છોડ!’
પણ પેલો હાથ છોડતો નહોતો. કુસુમ બેબાકળી બનીને આમતેમ જોવા લાગી. ક્યાંક કોઈ ઓળખીતું નજરે ચડી જાય... ત્યાં સામેથી રાજગોપાલ આવતો દેખાયો. તે જોતાં જ આખો મામલો સમજી ગયો. તેણે આવતાંની સાથે રિક્ષાવાળાને પૂછ્યું, ‘કિતના હોતા હૈ? મૈં દે દેતા હૂં.’
‘ક્યૂં? તૂ ઇસકા ભડવા હૈ ક્યા?’ રિક્ષાવાળો આટલું બોલી રહે એ પહેલાં તેના ચહેરા પર રાજગોપાલનો પંજો સટ્ટાક કરતો પડ્યો. રિક્ષાવાળો સમસમી ગયો. રાજગોપાલે પૈસા આપીને તરત કુસુમનો હાથ પકડતાં કહ્યું, ‘જલદી ચાલો. નકામી ભીડ ભેગી થશે.’
કુસુમ રાજગોપાલની પાછળ અનાયાસ દોરાવા લાગી. બે જ ક્ષણમાં શું બની ગયું?
રાજગોપાલની સખત મુઠ્ઠીમાં તેનો પાતળો સરખો માંદલો હાથ હતો. રાજગોપાલની હથેળીની ચામડી સખત હતી. લગભગ પથ્થર જેવી. એમાં જરાય કુમાશ, જરાય સુંવાળપ નહોતી. છતાં કોણ જાણે કેમ કુસુમને એ સ્પર્શ, ના, સ્પર્શ નહીં, એ મજબૂત બંધન ગમી રહ્યું હતું! તેને થયું કે રાજગોપાલ આમ જ તેના હાથને પકડી રાખે તો કેવું?
રાજગોપાલે રોડ ક્રૉસ કરાવીને તેનું કાંડું છોડી દીધું છતાં કુસુમ તેની કડક હથેળીના કરકરા સ્પર્શને ક્યાંય સુધી ભૂલી શકી નહીં.
કુસુમના દિલમાં ઊંડે-ઊંડે લાગણીઓની એક સરવાણી ફૂટી નીકળી હતી. તેને થયું રાજગોપાલે મારો હાથ આજે જે રીતે પકડ્યો છે એ રીતે તે જિંદગીભર ન પકડી શકે?
સાંજે કુસુમનું કામ પતી ગયું છતાં તે ગઈ નહીં, વારાફરતી બધા કર્મચારીઓ જતા રહ્યા હતા. રાજગોપાલ હજી કામમાં હતો. કુસુમે તેની પાસે જઈને કહ્યું : ‘મારે તમને કંઈક કહેવું છે.’
‘બોલો.’
‘તમે તમારું કામ પતાવી લો. પછી કહું છું, જરા શાંતિથી.’
‘ટાઇમ નથી, જે કહેવું હોય એ હમણાં કહી દો. નહીંતર કાલે કહેજો.’
‘ના!’ કુસુમ બોલી ઊઠી. ‘હમણાં જ કહેવું છે.’
પછી રાજગોપાલ તેની સામે જોતો નહોતો છતાં તેની નજીક જઈને કુસુમે કહી દીધું : ‘આઇ લવ યુ.’
રાજગોપાલ કંઈ ન બોલ્યો. ઘણી વાર લગી કામ કરતો રહ્યો. ઊભો થઈને પ્રિન્ટરમાંથી નીકળતી પ્રિન્ટો ભેગી કરતો રહ્યો. કુસુમને થયું, કઈ જાતનો છે આ માણસ?
‘હલો, મેં તમને કંઈક કહ્યું.’
‘મેં સાંભળ્યું.’ રાજગોપાલ બોલ્યો, ‘પણ હું તમારા પ્રેમને લાયક નથી.’
‘કેમ? હું પૂછી શકું, કેમ?’ કુસુમના અવાજમાં અધીરાઈ આવી ગઈ.
‘કારણ કે... હું સારો માણસ નથી.’
‘સારો માણસ નથી? એટલે શું?’
રાજગોપાલ પ્રિન્ટો ભેગી કરતો રહ્યો...
(ક્રમશઃ)

