અરે, કુછ નહીં હૈ ભાઈ, ભીખમંગી હૈ.. પૈસા ના દેના પડે ઇસલિએ પાકીટ ચોરી હોને કા નાટક કરતી હૈ
સુખી તો છોને? અસ્તિત્વના અંગાર વચ્ચે પ્રેમના બે છાંટા (પ્રકરણ-1)
ચહેરા પર ખીલના ડાઘ, કપાળે ફોડલીઓ, ઝાંખરા જેવા સૂકા ફીકા વાળ, નૂર વિનાની હતાશ આંખો, માંદલું એકવિડયું શરીર અને ઉપરથી મુંબઈનો મિડલ-ક્લાસિયો સંઘર્ષ... આ સંઘર્ષે કુસુમના ચહેરા પરથી છેલ્લું આછું સ્મિત પણ છીનવી લીધું હતું.
‘ક્યારની શું જોયા કરે છે અરીસામાં?’ કુસુમની મમ્મીનો કર્કશ અવાજ સંભળાયો. ‘અલી, તૈયાર થઈ રહી કે નહીં? આજે ઇન્ટરવ્યુ આપવા નથી જવાનું?’
કુસુમે અરીસામાં જોતાં મનોમન વિચાર્યું, ‘આ ચહેરો જોઈને મને કોણ નોકરી આપવાનું હતું?’
પણ નોકરી તો શોધવી જ પડે એમ હતું. કુસુમના બાપુજી પાંચ વર્ષથી નોકરી-ધંધા વિના ઘરે બેઠા હતા. ફૅક્ટરીમાં એક અકસ્માતના કારણે તેમનો જમણો હાથ કપાઈ ગયા પછી માલિકોએ તેમને કાઢી મૂક્યા હતા. ઉપરાંત ઘરમાં નાની બહેન સ્મિતા પણ હતી. તે નવમામાં હતી, ભણવામાં બહુ હોશિયાર હતી.
મમ્મી કહેતી કે ‘મારી સ્મિતાને તો મારે ગ્રૅજ્યુએટ બનાવવાની છે. કેટલી હોશિયાર છે!’
અને કુસુમ તો ઠોઠ હતીને! માંડ ત્રણ ટ્રાયલે દસમું પાસ કર્યું ત્યારે બાપુજીએ ક્યાંકથી દસ હજાર રૂપિયા ઉધાર લાવીને કુસુમને ઘાટકોપરના એકાદ ફાલતુ કમ્પ્યુટર ક્લાસમાં ભણવા મોકલી આપી હતી. ક્લાસિસ એટલા ઢંગધડા વગરના હતા કે કુસુમને ખાસ કશું આવડ્યું જ નહીં.
એક તો ફાલતુ કમ્પ્યુટર ક્લાસનું ફાલતુ સર્ટિફિકેટ અને ઉપરથી આવો ફાલતુ ચહેરો... નોકરી ક્યાંથી મળે?
છેલ્લા છ મહિનામાં આ સત્યાવીસમો ઇન્ટરવ્યુ હતો.
‘લે, તારા માટે શીરો બનાવ્યો છે.’ મમ્મીએ ગૅસ પરથી કુકર નીચે ઉતારતાં કહ્યું. ‘જતી વખતે મોં મીઠું કરીને જજે.’
‘મમ્મી, શીરાથી નોકરીઓ નથી મળતી.’ કુસુમથી ચીડમાં બોલાઈ ગયું.
‘એવું ન બોલીએ બેટા, મળશે, નોકરીય મળશે.’ મમ્મીએ તેના સૂકા વાળમાં આંગળીઓ ફેરવતાં કહ્યું, ‘આ નહીં મળે તો બીજી મળશે, ત્યાં લગી આપણા પાપડ તો છે જને.’
હા, કુસુમ અને મમ્મી ઘેર બેસીને પાપડ વણતાં. રોજના સેંકડોના હિસાબે પાપડ વણવાના. ૧૦૦ પાપડ વણો તો ૨૫ રૂપિયા મળતા. પાપડ સિવાય સાડી-ડ્રેસમાં ટીલડીઓ ભરવાનું, સ્ટિકર બિંદીના પૅકેટમાં ચાંદલા ચોંટાડવાનું, સસ્તી કાળાં મોતીની સેરો ભરવાની, માચીસનાં ખોખાં પર લેબલો ચોંટાડવાનાં... એવાં બધાં કામો ચાલતાં. ૧૦૦૦ લેબલના ૧૦ રૂપિયા. ડઝન સેરના બે રૂપિયા. ૧૦૦ બિન્દી સ્ટિકરના આઠ રૂપિયા... રાતના બબ્બે વાગ્યા સુધી બહાર લાઇટના થાંભલા નીચે કુસુમને આ જ કરવાનું રહેતું.
ઘેરથી નીકળી ત્યારે હાથમાં ટિફિનનો ડબ્બો આપ્યો. ‘મોડું થાય તો ખાઈ લેજે.’ ઉપરથી ૨૦૦ રૂપિયાની નોટ આપી.
‘બસના પૈસા તો છે.’ કુસુમે કહ્યું. ‘રાખને, કદાચ જરૂર પડી તો...’ મમ્મીએ ૨૦૦ની નોટ તેના પાકીટમાં ખોસી.
કુસુમ ગલીમાંથી બહાર નીકળી ત્યારે તડકો માથે ચડી ચૂક્યો હતો. હજી ઘડિયાળમાં તો સાડાનવ જ થયા હતા પણ ઉકળાટ અને ગરમીથી જાણે ભરબપોર જેવું લાગતું હતું.
બે બસ ગઈ પછી ત્રીજીમાં ધક્કામુક્કી કરતાં ચડી તો ખરી, પણ આગળ જતાં એ બસનું ટાયર ફાટી ગયું! ઘાટકોપરથી છેક અંધેરી પહોંચવાનું હતું, પણ સાડાઅગિયાર તો અહીં જ વાગી ગયા.
હવે? રિક્ષા જ એક ઉપાય હતો. મમ્મીએ ૨૦૦ની નોટ આપી હતી, ઉપરથી થોડા પૈસા તેના પાકીટમાં હતા.
જે પહેલી હાથ લાગી એ રિક્ષામાં કુસુમ બેસી ગઈ. ટ્રાફિક ભરચક હતો. રિક્ષા ઠિચૂક ઠિચૂક આગળ વધી રહી હતી. છેવટે અંધેરીની પેલી ઑફિસના બિલ્ડિંગ આગળ પહોંચી ત્યારે સાડાબાર વાગી ગયા હતા. ઊતરીને પૈસા ચૂકવવા માટે ઝોલામાં હાથ નાંખ્યો ત્યાં જ કુસુમને ફાળ પડી. અંદર પાકીટ નહોતું!
કુસુમ ઝોલો ફંફોળી રહી હતી. રિક્ષાવાળો ઊંચોનીચો થઈ રહ્યો હતો. ‘એ, જલદી કરોના? એકસો સડસઠ રૂપિયા હુઆ હૈ.’
‘ભાઈસા’બ, મેરા પાકીટ નહીં મિલ રહા. લગતા હૈ કોઈ...’
‘તો મૈં ક્યા કરું? મૈં તેરે કો મુંબઈ દર્શન કરવાને નિકલેલા લગતા હૂઁ? ચલ, પૈસૈ નિકાલ, એકસો સડસઠ.’
‘ભાઈ, જુઓને, એક પૈસો નથી...’
‘ઔર હૈ ભી ક્યા તેરે પાસ?’ રિક્ષાવાળો તેના માંદલા શરીર તરફ ખરાબ રીતે નજર નાખીને બોલ્યો ‘સાલી, લુખ્ખી! મેરે કુ સમજતી ક્યા હૈ?’
‘એ ભાઈ!’ કુસુમ અકળાઈ ગઈ, ‘ગમેતેમ ન બોલો.’
‘અબે, આંખેં દિખાતી હૈ? અબ મૈં ભી દેખતા હૂં, તૂ પૈસે કૈસે નહીં દેતી...’ રિક્ષાવાળાએ તેના હાથમાંથી ઝોલો ખેંચી લીધો. અંદર બધું ફંફોળી જોયું પણ કંઈ મળ્યું નહીં એટલે કુસુમનું કાંડું પકડીને બોલ્યો : ‘ચલ, ઘડી નિકાલ.’
‘મગર યે તો...’
‘અબે, પતા હૈ, દોસૌ રૂપિયેવાલી હૈ! ફુટપાથ કા માલ, વો ભી પુરાના... પચીસ રૂપિયે ભી કોઈ નહીં દેગા.’ જબરદસ્તી કરીને રિક્ષાવાળાએ હાથ પરથી ઘડિયાળ ઉતારી લીધી. ‘ચલ ફુટ સાલી લુખ્ખી...’ એમ કહેતાં તેને હડસેલી મૂકી.
કુસુમને તમ્મર આવી ગયાં. આજુબાજુ ભીડ ભેગી થઈ રહી હતી. રિક્ષાવાળો સફાઈ મારવા લાગ્યો ‘અરે, કુછ નહીં હૈ ભાઈ, ભીખમંગી હૈ.. પૈસા ના દેના પડે ઇસલિએ પાકીટ ચોરી હોને કા નાટક કરતી હૈ.’
‘ભીખમંગી’ ‘લુખ્ખી’...
કુસુમના માયકાંગલા દેખાવને કારણે તેના પર વણનોતર્યાં લેબલ લાગી રહ્યાં હતાં. કુસુમને સમજાઈ ગયું કે અહીં દલીલો કરવાનો કોઈ અર્થ નથી. અપમાનનો કડવો ઘૂંટડો ભર્યા સિવાય છૂટકો નહોતો.
ઝોલો ખભે ભરાવી બિલ્ડિંગનાં પગથિયાં ચડતાં તેનું માથું ભમવા લાગ્યું. જાહેરમાં આટલી ખરાબ રીતે તેનું અપમાન થવાનો આ જિંદગીનો પહેલો અનુભવ હતો. મગજ બહેર મારી ગયું હતું. ઑફિસ ત્રીજા માળે હતી. કુસુમ ઝડપથી દાદરા ચડવા માંડી.
ત્રીજે માળ પહોંચતાં તે હાંફી ગઈ. ફોયરમાં આવીને તેણે પેલી ઑફિસનું પાટિયું શોધ્યું, ‘શક્તિ ટ્રેડિંગ ઍન્ડ મૅન્યુફૅક્ચરિંગ’
સામે પાટિયું દેખાતાં જ કુસુમ એ તરફ ધસી ગઈ. હજી કાચનો મોટો દરવાજો ખોલીને તે અંદર દાખલ થવા જાય છે ત્યાં જ એકબીજાની સાથે વાતોમાં મશગૂલ બે મૉડર્ન છોકરીઓ જોડે તે અથડાઈ પડી.
હાથમાંથી ઝોલો છૂટી ગયો... તે ફર્શ પર ગબડી પડી અને ઝોલામાંની તમામ ચીજો વેરણછેરણ થઈને બહાર પડી... બાયોડેટાની ફાઇલ, એમાં રાખેલાં સર્ટિફિકેટો, માર્કશીટો. ટિફિનનો ડબ્બો તો પછડાતાંની સાથે ખૂલી ગયો... મમ્મીએ મૂકી આપેલું બટેટાનું શાક અને ઘી વગરની ત્રણ સૂકી રોટલીઓ ફર્શ પર ફેલાઈ ગઈ...
બધાની તીવ્ર નજરો કુસુમ પર મંડાયેલી હતી. એમાં વળી ઘા પર મીઠું ભભરાવતી હોય એમ રિસેપ્શન પર બેઠેલી જાડી સ્લીવલેસ ડ્રેસ પહેરેલી સ્ત્રી હોઠ મરડતાં બોલી : ‘કહાં સે ચલે આતે હૈં? દેખ કે નહીં ચલતી ક્યા? ચલના નહીં આતા તો નૌકરી ક્યા તંબૂરા કરેગી?’ જાડીની કમેન્ટ પર આજુબાજુવાળા હસવા લાગ્યા.
‘ઓ બાઈ... તેરે સે બોલતી હૂં! યે ‘જુઠન’ ઉઠાઓ ઇધર સે...’
જાણે પાઘડીનો વળ આ જ ક્ષણે ભેગો થયો હોય એમ કુસુમના ગળે ડૂમો બાઝી ગયો. બીજી જ ક્ષણે તે રીતસર રડી પડી.
તેને રડતી જોઈને હસનારાઓ આઘાપાછા થઈ ગયા. અંદરથી એક કાળો સરખો ઊંડી આંખોવાળો માણસ આવ્યો. તેણે બધો વેરવિખેર સામાન ભેગો કરીને પાછો થેલામાં ભર્યો, સર્ટિફિકેટો ફાઇલમાં મૂકતાં નામ પર નજર નાખીને તેણે પૂછ્યું : ‘કુસુમ ચૌહાણ, ગુજરાતી છો?’
‘હા.’ તે માંડ-માંડ બોલી.
‘ચિંતા ન કરો. અંદર આવો. વૉશ બેઝિનમાં હાથ-મોં ધોઈ લો. હું તમને પીવાનું પાણી આપું છું.’
અંદર લઈ જઈને એ માણસે તેને હાથ-મોં ધોવડાવ્યા પછી વૉટરકૂલરમાંથી ઠંડા પાણીનો ગ્લાસ આપ્યો. પાણી પીધા પછી શ્વાસ જરા હેઠો બેઠો.
‘થૅન્ક યુ.’ કુસુમે કહ્યું.
“બસ મોડી મળી હશે, ખરું? બસમાં પંક્ચર પડ્યું હશે, બીજી બસ જલદી મળી નહીં હોય, ઉપરથી તમારું કોઈ પાકીટ મારી ગયું હશે. રાઇટ?’
‘હા!’ કુસુમ બોલી ઊઠી. ‘તમને શી રીતે ખબર પડી?’
‘બધા આવાં જ બહાનાં કાઢે છે. અંદર ઇન્ટરવ્યુમાં જઈને આમાંનું એક પણ બહાનું ન કાઢતાં.’
‘પણ હકીકતમાં એમ જ...‘
‘ભલેને બન્યું હોય!’ એ માણસના શ્યામવરણા ચહેરા પર ગજબની ઠંડક હતી. ‘કૅબિનમાં બેઠેલા સાહેબો તમારી વાત નહીં માને. જુઓ, તમારો વારો આવે ત્યારે અંદર જઈને એમ કહેજો કે બાંદરામાં મારે બીજો એક ઇન્ટરવ્યુ હતો. એમાં મને એ લોકોએ બહુ બેસાડી રાખી. ઉપરથી એમ પણ કહેવાનું કે બાંદરામાં મને જૉબ મળી ગઈ છે, અહીં તો હું સૅલેરી કેટલી મળશે એ પૂછવા આવી છું.’
‘પણ...’
‘હું કહું છું એમ કરોને.’ એણે શાંત અવાજે કહ્યું, ‘મારું નામ રાજગોપાલ છે. અહીં સાત વર્ષથી જૉબ કરું છું. અહીંના માલિકોને હું બરાબર ઓળખું છું. તમને નોકરીની સખત જરૂર છેને?’
‘હા.’
‘તો મારું કહ્યું માનો. ઓકે?’
અંદર ઇન્ટરવ્યુમાં કુસુમે રાજગોપાલે કહ્યું હતું એમ જ કહ્યું. હા, બાંદરામાં જૉબ નક્કી છે એવું ન કહ્યું. માલિકોએ બેચાર સવાલો પૂછી બહાર ટાઇપિંગની ટેસ્ટ આપી દેવાની સૂચના આપી.
બહાર આવ્યા પછી ખબર પડી કે ટેસ્ટ લેનાર માણસ રાજગોપાલ જ હતો. કુસુમ મોડી પડી હતી એટલે બીજી છોકરીઓ પોતાની ટેસ્ટ આપીને જઈ રહી હતી. રાજગોપાલે કહ્યું ‘બે મિનિટ બેસો, હમણાં તમારી ટેસ્ટ પતી જશે.’ તે કમ્પ્યુટર પર કંઈક ટાઇપ કરતો રહ્યો. પાંચ મિનિટ પછી તેણે ચાર પ્રિન્ટ આઉટ કાઢીને કુસુમને આપ્યા. ‘જાઓ, અંદર જઈને આ બતાડી દો, તમારી ટેસ્ટ મેં આપી દીધી છે.’
‘પણ...’
‘તમારે નોકરીની જરૂર છેને?’
રામગોપાલે તેની ઊંડી આંખોથી કુસુમ સામે જોતાં કહ્યું, ‘ટ્રસ્ટ મી. મારો ભરોસો કરો. બીજી છોકરીઓ પોતાના ડ્રેસિસ અને મેકઅપનો ખર્ચો કાઢવા નોકરી કરતી હોય છે. તે ટેસ્ટ બહુ સારી આપે છે, પણ નોકરી મળી જાય પછી બૉયફ્રેન્ડો અને બહેનપણીઓ જોડે ફોન પર ચોંટી રહે છે. તેમને માટે આ ટાઇમપાસ છે. મને ખાતરી છે કે તમારા માટે નોકરી એક જરૂરિયાત છે. જો તમને મળી જાય તો તમે પૂરી મહેનતથી કામ કરશો.’
રાજગોપાલ બે ક્ષણ અટક્યો, ‘કરશોને?’
કુસુમથી હા પડાઈ ગઈ.
અંદર જઇને કુસુમે પેલાં પ્રિન્ટ આઉટ બતાડ્યાં. માલિકોએ પાંચેક મિનિટ અન્ય પ્રશ્નો પૂછ્યા પછી કહ્યું, ‘તમે કાલથી જોડાઈ શકો છો.’
કુસુમના તો માન્યામાં નહોતું આવતું! બહાર આવીને તે રાજગોપાલને શોધવા લાગી. કોઈએ કહ્યું, ‘લંચ ટાઇમ હો ગયા હૈ, વો નીચે ગયા હોગા.’
કુસુમ રીતસર હરણીની જેમ ઊછળતી દાદરા ઊતરીને નીચે દોડી. વાહ! ગજબ થઈ ગયો! નોકરી મળી ગઈ! હજી માન્યામાં નહોતું આવતું!
રાજગોપાલ એક પાનના ગલ્લે સિગારેટ ખરીદવા ઊભો હતો. કુસુમ તેની પાસે દોડીને પહોંચી ગઈ. ‘રાજગોપાલભાઈ, મને નોકરી મળી ગઈ.’
‘વેરી ગુડ.’ રાજગોપાલે સહેજ જ સ્મિત ફરકાવ્યું. પછી ગંભીર ચહેરો કરીને ખિસ્સામાંથી ૨૦૦ની નોટ કાઢીને કુસુમને આપી, ‘આ રાખો.’
‘આ? શેના માટે?’
‘કેમ, તમારું પાકીટ ચોરાઈ ગયું છેને? ઘરે પાછાં શી રીતે જશો?’
કુસુમ આ કાળા સરખા એકડિયા બાંધાના માણસને જોઈ રહી, કમાલ છે! તેની ઊંડી આંખો એક જ નજરમાં આટલું બધું શી રીતે વાંચી લેતી હશે?
(ક્રમશઃ)

