માનસીએ દબાયેલા અવાજે કહ્યું, મને કિડનૅપ કરી લીધી છે; મને ગાડીની ડિક્કીમાં રાખી છે
ઇલસ્ટ્રેશન
‘ઑલ વેલ?’
ફોનની રિંગ હજી તો એક સેકન્ડ માટે વાગી હશે ત્યાં જ સોમચંદે ફોન રિસીવ કરી લીધો, ‘ક્યારનો તારા જ ફોનની રાહ જોતો હતો. સાંભળ, તારે ડ્રામા કરવાનો છે કે તું ઘરમાં એકલી છો અને તને સખત ઊંઘ આવે છે. સેકન્ડ્લી, તારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે તને એ માણસ કંઈ પણ આપે તો તારે એ ખાવાનું નથી.’
ADVERTISEMENT
માનસીના મોઢામાં પહેલી વાર ચકલીના ‘ચ’વાળી અને મગરના ‘મ’વાળી ગાળ આવી ગઈ. સાલ્લો બધી વાતમાં ઇન્સ્ટ્રક્શન જ આપે છે. કાં ઇન્સ્ટ્રક્શન ને કાં ઍડ્વાઇઝ. આ બે સિવાય તેની પાસે આપવા માટે કંઈ છે જ નહીં. બકબક કરે છે પણ પૂછતો નથી કે હું અત્યારે છું ક્યાં?
‘તને વેપન આપવામાં મને વાંધો નહોતો પણ ઑનેસ્ટ્લી કહું...’
‘હેલો...’ માનસીનો અવાજ દબાયેલો હતો, ‘મિસ્ટર શાહ, ક્યારેક કોઈનું સંભળાય. આપણે એકલાએ બોલ-બોલ ન કરવાનું હોય.’
‘લિસન માનસી, આપણી પાસે વાતોનો ટાઇમ નથી. આપણે સમય સાથે લડીએ છીએ. કોઈ પણ સમયે સિરિયલ કિલર...’
‘મારી સાથે છે તે...’
‘વૉટ?!’
‘વૉટના સગલા... સાંભળો તો કહુંને!’ માનસીએ દબાયેલા અવાજે જ કહ્યું, ‘મને તેણે કિડનૅપ કરી લીધી છે. હું તેની સાથે છું. મને ગાડીની ડિક્કીમાં રાખી છે...’
સોમચંદનું બ્લડપ્રેશર ચારસોનો આંકડો ક્રૉસ કરી ગયું હતું. તેના હાથ લૅપટૉપ પર ફરવા માંડ્યા હતા. માનસીને આપેલું ટ્રૅકર લોકેશન દેખાડે એ માટે તેણે લૅપટૉપમાં ટ્રૅકર-ગાઇડ ખોલી નાખી હતી.
‘તું હજી રસરાજ રેસ્ટોરાં પાસે જ છો.’ સોમચંદના અવાજમાં ઉત્સાહ ઉમેરાયો, ‘હું આવું છું. ડોન્ટ વરી... તું ફોન ચાલુ રાખજે. તારા ફોનમાં બૅટરી હશે એવું ધારી લઉં છું પણ જો બૅટરી ન હોય તો આપણે...’
જો સોમચંદ શાહ સામે હોત તો અત્યારે માનસીએ પેલા કિલરને લાત મારવાને બદલે તેને લાત ઠોકી હોત. સાલ્લો સાંભળતો જ નથી.
‘લિસન, લિસન... મારા બાપ.’ માનસીએ કહ્યું, ‘ટ્રૅકર પડી ગયું છે...’
ફ્લૅટનો ડોર બંધ કરતાંની સાથે સોમચંદના પગ અટકી ગયા.
‘આપણે જ્યાં ઊભા હતા ત્યાં પડી ગયું, હવે વચ્ચે બોલ્યા વિના આખી વાત સાંભળી લો.’
lll
કૃપા બનીને રવાના થયેલી માનસી ફ્લૅટ પર પહોંચી ગઈ અને અડધા કલાક પછી નાઇટ ડ્રેસ પહેરતી વખતે તેણે ટ્રૅકર માટે જીન્સના પૉકેટમાં હાથ નાખ્યો અને તેને ખબર પડી કે ટ્રૅકર સાથે નથી. થોડું યાદ કરતાં તેને યાદ આવી ગયું કે સોમચંદથી છૂટા પડ્યા પછી તેણે રસરાજ રેસ્ટોરાંની બાજુમાં આવેલા પાનના ગલ્લા પરથી સિગારેટ લીધી હતી.
માનસીને પહેલો વિચાર તો સોમચંદને ફોન કરી ટ્રૅકર પડી ગયાનું ઇન્ફૉર્મ કરવાનો આવ્યો પણ સોમચંદનું ભાષણ સાંભળવાની ક્ષમતા નહોતી એટલે તે ચાલતી જ રસરાજ સુધી પહોંચી, પણ નખની સાઇઝનું ટ્રૅકર તે શોધે એ પહેલાં જ ખાખી વર્દીધારી તેની પાસે આવ્યો.
‘મૅડમ, મારે તમને ડ્રૉપ કરવાનાં છે...’
‘કોણે કહ્યું તમને?’
‘તમને ખબર હોવી જોઈએ.’ પેલાની આંખો ચારે બાજુએ ફરતી હતી, ‘તમારા માટે અહીંથી ફટાફટ નીકળવું ઉચિત છે. ચાલો જલદી.’
માનસી ગાડીમાં ગોઠવાઈ અને ગાડી જુહુ તરફ રવાના થઈ. પાંચસો મીટર ગાડી આગળ વધી હશે ત્યાં અનાયાસે માનસીનો હાથ ડ્રાઇવિંગ સીટની પાછળ રહેલા ડ્રૉઅરને ટચ થયો. મેટલનો અવાજ આવતાં તેણે સહજ રીતે ડ્રૉઅરમાં હાથ નાખ્યો અને માનસીના હાથમાં ઇલેક્ટ્રિક કરવત આવી.
‘તું... તું કોણ?’
જવાબને બદલે પહેલાં અટ્ટહાસ્ય સંભળાયું. માનસીએ ડોર ખોલવાની કોશિશ કરી પણ ખૂલ્યું નહીં. ટેક્નૉલૉજીનો આ ડિસઍડ્વાન્ટેજ હતો. ડોરને ચાઇલ્ડ લૉક હતું, જેને લીધે ચાલુ ગાડીએ ડોર ખૂલવાનું નહોતું. માનસીએ પેલાનો ચહેરો જોવાની કોશિશ કરી, પણ તેણે જોયું, પેલાએ ચહેરા પર N-95 માસ્ક પહેરી લીધો હતો. માનસી કંઈ સમજે એ પહેલાં જ તેણે માનસીના ફેસ પર સ્પ્રે કર્યો.
ક્લૉરોફૉર્મનાં સ્પ્રે પણ આવતાં હશે?
મનમાં જન્મેલો આ છેલ્લો સવાલ અને એ પછી માનસીની આંખો બંધ થઈ ગઈ.
lll
‘એ પછી હું જાગી ત્યારથી ગાડીની ડિક્કીમાં છું. ગાડી ચાલે છે. હું ક્યાં છું એની મને ખબર નથી. તેની ભૂલ કે મારું પૉકેટ ચેક કર્યું નહીં, એમાં ફોન મારી પાસે રહી ગયો છે. મારી સ્મૉલ બૅગ એની પાસે છે. તેને એવું હશે કે મેં મોબાઇલ એમાં રાખ્યો હશે.’ માનસી અટકી, ‘હેલો... હેલો... હેલો... મિસ્ટર શાહ.’
‘સાંભળું છું.’ સોમચંદે કહ્યું, ‘હવે પહેલાં કામની વાત કરીએ?’
‘પ્રોસિડ...’
‘તારે બે કામ કરવાનાં છે.’
‘મારાથી અહીં પગ સીધા નથી થતા એમાં તમારાં કામ કેવી રીતે કરવાની?’
‘અંદરથી બહાર આવવું છેને? જીવવું છેને હજી?’ અવાજમાં આવેલી કર્કશતા ઓછી કરતાં સોમચંદે કહ્યું, ‘એ માણસને કોઈએ સમ નથી દીધા કે પાંચમું મર્ડર તેણે રવિવારે મધરાતે જ કરવું? તે આજે પણ કરી શકે છે એટલે હવે ધ્યાનથી સાંભળ...’
‘મારે બે કામ કરવાનાં છે.’
‘હા... જો ડિક્કીમાં ટૂલ-બૉક્સ હશે. એમાં ડિસમિસ મળશે.’
‘એનાથી ડિક્કી ખૂલી જશે?’
‘ના...’ સામે ઊભી હોત તો માનસીને ચોક્કસ સોમચંદે ફડાકો માર્યો હોત, ‘એનાથી ગાડીની ટેઇલ લાઇટ ખૂલી જશે. ટેઇલ લાઇટના બૉલ્ટ અંદરની બાજુએ આવે.’
‘કોઈ પણ ગાડીમાં?’
‘હા મારી મા...’ સોમચંદે વાત આગળ વધારી, ‘ટેઇલ લાઇટ ખોલ્યા પછી તને ડિક્કીમાં જે કંઈ મળે એ બહાર ફેંકવાનું શરૂ કરી દેજે. અત્યારે રાતના દોઢ વાગ્યો છે. તને આજુબાજુમાંથી બીજા વેહિકલના અવાજો સંભળાય છે?’
‘હા.’
‘એવું ધારી લઈએ કે તું હજી સિટીમાં છે.’ સોમચંદે પૂછ્યું, ‘તારા મોબાઇલમાં બૅટરી કેટલી છે? જલદી જવાબ આપ...’
‘ટ્વેન્ટી ટુ પર્સન્ટ...’ લાંબું લેક્ચર ન સાંભળવું પડે એટલે માનસીએ કહી પણ દીધું, ‘ફ્લૅટ પર જઈને ચાર્જ કરવાની હતી, મને શું ખબર આ માણસ પોતાનું કામ આટલું જલદી કરશે.’
‘ઠીક છે.’ સોમચંદે કહ્યું, ‘હમણાં ભૂલથી પણ મોબાઇલ ઇન્ટરનેટ બંધ નહીં કરતી. ઍટ લીસ્ટ હું ન કહું ત્યાં સુધી.’
‘ઓકે મિસ્ટર શાહ... હવે પહેલાં હું શું કરું?’
‘ટૂલ બૉક્સમાંથી ડિસમિસ કાઢીને ટેઇલ લાઇટ ખોલવાની અને પછી એમાંથી બધું ફેંકવાનું... જેથી પાછળ આવતા વેહિકલને ખબર પડે કે ડિક્કીમાં કંઈક છે.’
‘નાઇસ આઇડિયા...’
‘સર્ટિફિકેટ પછી આપજે, પહેલાં કામ કર...’
lll
‘સર, એક ગાડી છે જે સિલ્વર બીચ પાસે ઊભી છે. એની એક ટેઇલ લાઇટ નીકળી ગઈ છે પણ ડ્રાઇવિંગ સીટ પર કોઈ માણસ નથી.’
મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર પાસેથી માનસીના મોબાઇલનું લોકેશન મળવામાં રોકડી પાંચ મિનિટ લાગી હતી. સોમચંદ શાહે તરત પોલીસ-કમિશનરને જાણ કરી ગાડીની દિશામાં પોલીસ ટીમ રવાના કરી અને પોતે પણ લોકેશન પર જવા રવાના થયા. રાતનો સમય હતો એટલે ટ્રાફિકનો ઇશ્યુ નડ્યો નહીં અને અંધેરીથી સિલ્વર બીચ પહોંચવામાં સોમચંદને માત્ર વીસ મિનિટ લાગી.
‘કોઈએ એ દિશામાં જવાનું નથી. એક પણ જાતનો અણસાર એ માણસને મળવો જોઈએ નહીં કે ડિપાર્ટમેન્ટ ત્યાં જ છે.’ સોમચંદે લોકેશન પર પહોંચેલા ઇન્સ્પેક્ટર પાલેકરને કહ્યું, ‘એ માણસ ગાડીમાં નહીં હોય તો પણ આજુબાજુમાં હશે એ કન્ફર્મ છે.’
‘સોમચંદ, આટલું મોટું જોખમ લેતાં પહેલાં એક વાર વાત તો કરવી હતી.’ પાલેકરે દોસ્તી દાવે કહી દીધું, ‘જર્નલિસ્ટ છોકરીને તું ડમી છોકરી બનાવીને મોકલે અને અમને ખબર પણ ન હોય યાર. આ રીત છે? કંઈ આડુંઅવળું થઈ જાય તો...’
‘ટેન્શન નહીં કર પાલેકર... છોકરી ફિયરલેસ છે.’
lll
‘સાલ્લું હવે પીપી ક્યાં જવું?’ ડિક્કીમાં બંધાયેલી માનસીએ જાતને કહી પણ દીધું, ‘કરી લે પૅન્ટમાં... આવા ટાઇમમાં તો મિસ્ટર શાહની પણ પીપી છૂટી જાય, તું તો છોકરી છો. તને બીક લાગી શકે ને બીકમાં તારાથી કન્ટ્રોલ ન પણ રહે.’
ઠક... ઠક...
‘અવાજ બહારથી આવ્યો કે પછી ભ્રમ થયો?’
માનસીએ ફરી કાન માંડ્યા અને ફરી અવાજ આવ્યો.
ઠક... ઠક...
‘ઍનીબડી ઇઝ ધેર?’ અવાજ જાણીતો હતો, ‘અંદર કોણ છે?’
‘કેટલો મૂર્ખ માણસ છે. અહીં સુધી પહોંચી ગયા પછી પણ હજી નામ પૂછે છે?’ મનોમન ગાળો આપતી માનસીએ રાડ પાડીને કહ્યું, ‘મિસ્ટર શાહ, જલદી ખોલો... પીપી લાગી છે.’
ધાડ...
ડિક્કી ઝાટકા સાથે ખૂલી ગઈ. ધાર્યું હતું એના કરતાં વધારે ઝડપથી સોમચંદ શાહ ગાડી સુધી પહોંચી ગયા હતા. બે કલાક સુધી અંધારામાં રહ્યા પછી અચાનક આવતી નાઇટ લાઇટ પણ આંખ આંજી દે. માનસી સાથે એવું જ થયું હતું.
‘તમે જલદી આવી ગયા... ગાડી સાથે ચેઝિંગ થયું હતું?’
‘ના, આ ફિલ્મ નથી...’ માનસીને હાથ આપતાં સોમચંદે કહ્યું, ‘આ એક્સ્પીરિયન્સ પરથી તું ફિલ્મ લખે તો એમાં એવું બધું રાખજે.’
‘તો યાર ‘લમ્હેં’ જેવું થાય. મારે મારાથી ડબલ એજનો હીરો લાવવો પડે.’
‘તારે વૉશરૂમ જવું’તુંને?’
ટૉપિક ચેન્જ કરતાં સોમચંદે યાદ દેવડાવ્યું. જોકે તેની નજર આજુબાજુમાં ફરતી હતી. આજુબાજુમાં કોઈ નહોતું.
‘આપણે છીએ ક્યાં?’ માનસીએ દરિયાના ઘૂઘવાટ વચ્ચે પૂછ્યું, ‘અહીં તો ગાડી લઈ આવવાની મનાઈ છેને?’
‘હા પણ આ માણસે ગાડી બીચ સુધી લઈ લીધી.’ સોમચંદે કહ્યું, ‘મે બી, કોઈ ગાર્ડ નહીં હોય એટલે... તું એક કામ કર, રમાડા ફ્રન્ટ સાઇડમાં છે. પણ તું...’
સોમચંદની નજર એક જગ્યા પર સ્થિર હતી.
‘હું શું?’
માનસીએ પણ એ દિશામાં જોયું. એક સ્વીપર ઊભડક બેઠેલી અવસ્થામાં બ્રશ ફેરવતો ફુટપાથ સાફ કરતો હતો.
‘જવાબ તો આપો. હું શું કરું?’
‘બસ, અહીં ઊભી રહે. આંખ બંધ કરીને... ફાયરિંગનો અવાજ આવે તો પણ આંખ ખૂલવી ન જોઈએ.’ સોમચંદે પોતાનો મોબાઇલ માનસીના હાથમાં મૂક્યો, ‘આંખ ખોલે તો મારા સમ.’
ખબર નહીં કેમ, માનસીની આંખો મીંચાઈ ગઈ અને ત્રણ મિનિટ પછી તેણે ફાયરિંગનો અવાજ સાંભળ્યો અને એ અવાજની પાંચ મિનિટ પછી ઇન્સ્પેક્ટર પાલેકર તેની પાસે આવ્યા.
‘કૉન્ગ્રેચ્યુલેશન્સ... ઑપરેશન રાવણ સક્સેસફુલી કમ્પ્લીટ.’
lll
‘પછી શું થયું હતું એ વાત તો કરો મિસ્ટર શાહ.’ મોઢામાં કોળિયો મૂકતાં માનસીએ પૂછ્યું, ‘તમે મને આંખ બંધ કરવાનું કહ્યું અને પછી સીધા હૉસ્પિટલમાં મળ્યા...’
‘પેપરમાં તેં બધું વાંચ્યુંને?’ માનસીએ હા પાડી એટલે સોમચંદે કહ્યું, ‘એમાં એ નથી લખ્યું કે સિરિયલ કિલર સંજય વાઘમારેએ મરતાં પહેલાં મારા પર કરવતથી ઘા કર્યો અને એ ઘા મારા હાથ પર આવ્યો.’
‘ન લખવાનું કારણ?’
‘એ પ્રશ્નકુમારી, એવું કેવી રીતે જાહેર કરી શકાય કે પોલીસ પોતાની સાથે એક ડિટેક્ટિવ લઈને ફરતી હતી?’ સોમચંદે સ્માઇલ સાથે કહ્યું, ‘બીજું બધું છોડ, પહેલાં તું વિચાર... તારામાં કયો અવગુણ છે કે સિરિયલ કિલરે તને ઉપાડી?’
‘મોહ... એક વાર હાથ પકડો પછી તમે કોઈ હિસાબે સાથ ન છોડો એ પણ એક પ્રકારનો અવગુણ જ કહેવાતો હશેને.’
મનમાં આવી ગયેલો આ જવાબ આપવાનું માનસીએ એ સમયે ટાળ્યું હતું.
સમાપ્ત

