નાનજી મોટા કોણ હતા, ક્યારે અહીં આવ્યા, તેમનાં માબાપનું શું કામ હતું એની કોઈને ખબર નહોતી
ઇલસ્ટ્રેશન
‘આ પાછી જાહેરખબર દીધી તોય ચકલું પણ બંગલો જોવા આવતું નથી...’
ન્યુઝપેપરનો ઘા કરીને નાનજી મોટાએ બબડાટ શરૂ કર્યો.
ADVERTISEMENT
‘છ વરસ થ્યાં. છ વરસથી લાગલગાટ જાહેરખબર દઉં છું પણ બંગલાનો સાચો ઘરાક જોવા મળતો નથી. કોક આવીને બંગલો ચણામમરાના ભાવે માગે તો કોક આવીને બંગલામાં વાંધાવચકા કાઢે...’
ચાનો કપ મોઢે માંડતાંની સાથે નાનજીની નજર કિચન તરફ ગઈ.
‘સુંદરી... એ સુંદરી...’
lll
‘હું પછી ફોન કરું. નાનજીઅદાની કમાન છટકી લાગે છે. પછી વાત...’
ફોન કટ કરીને સુંદરીએ મોબાઇલ ડબ્બાની બાજુમાં કોઈની નજર ન પડે એવી રીતે મૂકી દીધો અને પછી તે દોડતી બહાર આવી. બહાર આવતાં પહેલાં તેનો અવાજ બહાર પહોંચી ગયો હતો.
‘આવી અદા...’
lll
‘આ ઘર કોણ હલાવે છે?’
નાનજીએ સામે ઊભેલી સુંદરીને સવાલ કર્યો અને સુંદરીની બોલતી બંધ થઈ ગઈ.
‘મૂંગી ઊભી રે’મા... મને જવાબ દે. આ ઘર કોણ હલાવે છે? આ ઘરનું અનાજ-કરિયાણું, ઘરનું બધુંય ગંધિયાણું... કોણ લઈ આવે છે?’ નાનજી મોટા ઊભા થયા, ‘વાર-તહેવારે ઘરમાં મીઠાઈયું પણ હું લેતો આવું ને તારી માટે, ઓલા જડભરત હરભમ માટે નવાં લૂગડાં પણ હું લેતો આવું ને તોય તમને મારા કામમાં વળ પડે છે!’
સુંદરી હજી પણ ચૂપ હતી. તેની નજર જમીન પર ખોડાયેલી હતી અને તેના બન્ને પગના અંગૂઠાના નખ જમીન ખોતરવા માંડ્યા હતા.
‘ચામાં ખાંડ તારો બાપ નાખશે?!’
નાનજી મોટાના અવાજે સુંદરીને ધ્રુજાવી દીધી. તેણે જઈને ચાનો કપ લેવો હતો, એ લઈને કિચનમાં જવું હતું, ખાંડ નાખવી હતી; પણ નાનજીના અવાજમાં રહેલી તાકાત અને એ તાકાતમાં રહેલા ગુસ્સાએ સુંદરીના શરીરને સુન્ન કરી દીધું હતું. એમ જ જમીન પર ચીટકીને ઊભેલી સુંદરીને જોઈને નાનજીની કમાન વધારે ફટકી. આ વખતે જીભને બદલે હાથનો ઉપયોગ કરી નાનજી સુંદરીનો હાથ પકડી તેને ખેંચીને ટિપાઈ સુધી લઈ આવ્યા.
‘આ ચા મોરા મૂતર જેવી છે... તારો બાપ પીએ આવી ચા?’ નાનજીએ કપ હાથમાં લીધો, ‘પી તું એટલે મને ખબર પડે કે કેમ પીવાય... પી તું?’
‘હું... હું...’
‘હા તું... પી ચા. પી...’
‘ખાંડ... નાખું હું...’
‘નથી પીવી મારે ખાંડવાળી ચા... હવે પહેલાં તને આ ચા પિવડાવવી છે. પી તું...’
નાનજીએ ચાનો કપ સુંદરીના હોઠ પર મૂક્યો તો ખરો, પણ પછી કપને સહેજ વાંકો પણ વાળ્યો. કપમાં રહેલી ચા સુંદરીના હોઠ સુધી પહોંચી, પણ સુંદરીએ હોઠ ખોલ્યા નહોતા એટલે ચા મોઢામાં જવાને બદલે સુંદરીની દાઢી અને પછી ત્યાંથી તેનાં કપડાં પર રેલાવા માંડી. નાનજીને હજી પણ સંતોષ નહોતો.
‘પી, મારે જોવું છે. આવી ચા તને ગળે કેમ ઊતરે. પી...’
‘મોટા... કોક આવ્યું છે...’
નાનજી મોટાની પીઠ પાછળથી અવાજ આવ્યો.
‘તો માથે બેસાડીને નાચ...’
નાનજીનો હાથ હજી પણ કપમાં રહેલી ચા સુંદરીના મોઢામાં ઠાલવવાનું કામ કરતો હતો.
‘બંગલો જોવો છે...’
નાનજીનો હાથ અટકી ગયો.
શબ્દોનો પ્રભાવ હતો કે પછી આગંતુકની શરમ એ ન તો હરભમ સમજી શક્યો કે ન સુંદરીને સમજાયું.
‘જા, જલદી અંદર જા... કહું નહીં ત્યાં સુધી બહાર નો નીકળતી... જા, ભાગ...’ નાનજીએ સુંદરીને છોડી અને હરભમ સામે જોયું, ‘કોણ આવ્યું છે?’
‘શહેરી માણસ...’
‘એકલો છે કે બેકલો?’
મોઢેથી જવાબ આપવાને બદલે હરભમે જમણા હાથની પહેલી બે આંગળી દેખાડતાં બે વ્યક્તિ આવ્યાનો ઇશારો કર્યો અને નાનજીએ પણ હાથથી એ લોકોને અંદર લઈ આવવા માટે હરભમને ઇશારો કર્યો.
મહેમાન ઘરમાં આવે એ પહેલાં નાનજી હાથમાં પેપર લઈને એવી રીતે બેસી ગયા જાણે કે અંગ્રેજી વાંચવાનો તેમને મહાવરો હોય.
lll
‘ઘર તો અમે જોઈ લીધું; પણ સાહેબ, તમે માગો છો એ રકમ થોડી વધારે છે.’ સામે બેઠેલા કપલે નાનજી મોટાને કહ્યું, ‘બજારકિંમત કરતાં તમે ચારગણી વધારે રકમ માગો છો અને તમારું મકાન પણ બહુ જૂનું થઈ ગયું છે.’
‘ભાઈ, હું જૂનો થઈ ગ્યો તો મારી ભેગું મકાનેય ખખડેને, હેં!’ નાનજીએ હરભમની સામે જોયું, ‘આ લોકોને બધુંય દેખાયડું?’
હકારમાં મસ્તક નમાવીને હરભમે ઇશારો કર્યો કે તરત નાનજીએ કપલની સામે જોયું અને કહ્યું, ‘ઉપર-ઉપરનું તમે બધુંય જોઈ લીધું, હવે હાલો... હું તમને ભંડકિયું દેખાડું.’
‘ભંડકિયું?’
‘હં... ભંડકિયું... કોઠાર...’ નાનજીએ બન્ને હાથ ફેલાવ્યા, ‘આ જે બેઠકખંડ છે એટલું જ વિશાળ નીચે ભંડકિયું છે... હાલો, જોતા આવી.’
મકાન જોવા આવેલા કપલે એકબીજાની સામે જોયું અને વાઇફે કરેલા ઇશારા પછી હસબન્ડે નાનજીને કહ્યું, ‘એમાં શું જોવાનું? ઉપર માળ ચણવાની છૂટ તો આમ પણ અહીં મળવાની નથી એટલે નીચેના તમારા આ ભંડકિયાથી કંઈ ફાયદો થવાનો નથી.’
‘હં...’ નાનજીના ચહેરા પર અણગમો આવી ગયો, ‘તો પછી આવું મકાન લેવાય જ નહીં, હાલો જાવ...’
મકાન વેચવાની જાહેરખબર અને એ પણ દેશના સૌથી અગ્રિમ ન્યુઝપેપરના પહેલા પાના પર, જેનું બિલ જ ત્રણેક લાખ રૂપિયા થાય. જાહેરખબરનો ખર્ચ કર્યા પછી પણ મકાન વેચવા માગતી વ્યક્તિ કહે છે કે ચાલો જાવ.
‘તમને મકાન વેચવામાં રસ છે કે નથી?’ આવેલી બે વ્યક્તિ પૈકીના હસબન્ડે નાનજીને ચોખવટ સાથે પૂછ્યું, ‘નાશિકથી અમે છેક અહીં આવ્યા અને હવે તમે આ રીતે વાત કરો છો...’
‘મારું મકાન, મારી મરજી...’ નાનજીએ ચોપડાવી, ‘બીજી વાત. નાશિકથી આવ્યા હો કે નાથદ્વારાથી, ક્યાં મારા બાપાનાં લગન હતાં કે મારે તમારી આગતા-સ્વાગતા કરવી પડે, હેં!’
કપલ કંઈ સમજે, બોલે કે રીઍક્ટ કરે એ પહેલાં નાનજી મોટા તેમની પાસે ગયા.
‘હાલો, ખેલ ખતમ, પૈસા હજમ. ઊભા થાવ, નીકળો...’
‘એક્સક્યુઝ મી...’
‘એ એક્સક્યુઝ મીવાળી... જાને હવે, મારે બીજા ઘરાક આવવાના છે. જા, કાલે આવજે. કાલે તને દીકો કરીશ હોં. જા...’
કપલના ચહેરા પર હવે અણગમો ઓછો અને આક્રોશ વધારે હતો. બન્ને ઘરની બહાર નીકળ્યાં કે બીજી જ સેકન્ડે નાનજીએ રાડ પાડી.
‘સુંદરી, ચા કોણ લાવશે, તારો બાપ...’
lll
ગોરાઈમાં નાનજી મોટાનું એક ઘર હતું. અઢી એકરમાં પથરાયેલા એ ઘરની ફરતે અઢળક નારિયેળીઓ હતી જેનો ઘેરાવો એ સ્તર પર પ્રસરી ગયો હતો કે અંદર શું ચાલે છે એ જોવું પણ અઘરું પડી જાય. નાનજી મોટાના આ મકાનની બરાબર પાછળ જ દરિયો હતો. ગોરાઈની ખાડીના સાવ છેવાડે આવેલા આ મકાન પછી કોઈ વસાહત નહોતી તો આ મકાનની આગળ પણ અડધો કિલોમીટર સુધી કોઈ વસાહત નહોતી.
પરિવારમાં નાનજી મોટાને કોઈ નહીં અને મોટાના સ્વજનના ખાતામાં પણ મસમોટું મીંડું. કોઈ તેને મળવા આવે નહીં અને નાનજી પણ કોઈને મળવા જાય નહીં. ઘરમાં નાનજી સાથે સુંદરી હતી. ગોરાઈ આખામાં કોઈને પણ સુંદરી વિશે કંઈ ખબર નહોતી; પણ હા, નાનજીના વર્તનના આધારે એટલું તો બધાને સમજાઈ ગયું હતું કે તે નાનજી સાથે લોહીના સંબંધોથી ક્યાંય જોડાયેલી નથી. સુંદરીનું વર્તન પણ એક આંટો ઓછો હોય એ પ્રકારનું લાગતું. નાનજીના ઘરનાં બધાં કામ સુંદરી જ કરતી અને મકાનમાં વાવેલી નારિયેળી પરથી નારિયેળ ઉતારવાથી માંડીને બહારનાં બધાં કામ હરભમ કરતો.
શબ્દમાં રહેલા સામ્ય જેવો જ હરભમ જડભરત હતો. સવાછ ફુટનો હરભમ બોલતો ઓછું, પણ તેનો હાથ વધારે ચાલતો. આજુબાજુમાં રહેતા યંગસ્ટર્સ પહેલાં તો સુંદરીને જોવા નાનજી મોટાના ઘરની દીવાલ પર ટીંગાતા, પણ જો રંગેહાથ પકડાય તો હરભમ એ સ્તરે એ લોકોનાં હાડકાં-પાંસળાં એક કરતો કે તે યંગસ્ટર્સની આ ટીખળ ત્રણ મહિનાના ખાટલામાં ફેરવાઈ જતી. હવે તો ગોરાઈમાં આવતા અજાણ્યા પણ જો આવી ભૂલ કરે તો એ વિસ્તારના લોકો તેને રોકતા અને પોતે ખાધેલા હરભમના હાથના મારના કિસ્સાઓ તેની સામે એવી રીતે વર્ણવતા કે પેલા અજાણ્યા પણ ઘરમાં ડોકિયું કરવાની ગુસ્તાખી બીજી વાર ન કરે.
નાનજી મોટા કોણ હતા, ક્યારે અહીં આવ્યા, કોની સાથે આવ્યા, તેમનાં માબાપનું શું કામ હતું એની કોઈને ખબર નહોતી; પણ હા, ગોરાઈમાં રહેતા મોટા ભાગના લોકો વર્ષોથી નાનજીને અહીં જોતા. છેલ્લાં પાંચ વર્ષથી નાનજી મોટાને જે ગાંડપણ ચડ્યું હતું એ જોઈને તો હવે બધા આ મકાનમાં રહેતા લોકોને ગાંડા ગણતા જ થઈ ગયા હતા!
lll
‘સાયબ, ઘર મારું, મરજી મારી તો પછી તમને કાં પેટમાં ચૂંક ઊપડે છે?’ એસ્ટેટ એજન્ટના ચહેરા પર અચરજ જોયા પછી પણ નાનજીએ કહી દીધું હતું, ‘તમે કીધુંને, અહીં મારા મકાનના પાંચેક કરોડ તો આવી જાય.’
‘હા, પાંચેક કરોડ... પણ નાનજી, તમે એ ઘરના પચ્ચીસ કરોડ માગો છો!’ બ્રોકરે કહ્યું, ‘પચ્ચીસ કરોડ કોઈ નહીં આપે.’
‘કીધુંને, એ મારે જોવાનું છે. તમતમારે છાપામાં જાહેરખબર આપી દ્યો એટલે વાત પતે. એમાં ચોખ્ખું લખવાનું છે કે આ ઘર પચ્ચીસ કરોડમાં વેચવાનું છે, ભાવતાલ કરનારાએ આવવું નહીં.’
‘જાહેરખબરના પૈસા પડી જાશે...’
‘મારાને? તમારે શું હિંગ ને શું ફટકડી?’ નાનજીએ કાગળ અને પેન લંબાવતાં બ્રોકરને કહ્યું, ‘જાહેરખબરમાં જે લખવાનું છે એ લખો એટલે વાત પતે.’
‘નાનજીભાઈ, તમે બહુ મોટી ભૂલ કરો છો...’
‘તારા આ સર્ટિફિકેટની ભૂંગળી વાળી તારી ભેગો પાછું લેતો જાજે...’ નાનજીએ કહ્યું, ‘અત્યારે ચૂપચાપ લખવા માંડ...’
‘બોલો...’
‘અઢી એકર જગ્યા, ગોરાઈ ખાડીનો સૌથી છેલ્લો બંગલો. નારિયેળી એટલી કે કોઈ અંદર જોઈ શકે નહીં...’
બ્રોકરના હાથ લખતાં-લખતાં અટકી ગયા. તેણે નાનજીની સામે જોયું. નાનજીની નજર બ્રોકર પર જ હતી. જેવા પેલાના હાથ અટક્યા કે નાનજીએ કહ્યું...
‘લખ... લખ...’
પેલાએ લખી લીધું એની ખાતરી કર્યા પછી નાનજી મોટા બોલ્યા...
‘સૌથી છેલ્લે લખવાનું, બંગલામાં ભંડકિયું છે, ઘરમાં પડેલો બધોય સામાન આપી દેવાનો છે.’ નાનજીએ દેશી ઢબે સમજાવતાં કહ્યું પણ ખરું, ‘આ સામાનવાળી ને ભંડકિયાવાળી વાત ભરાવદાર અક્ષરમાં લખવાની... ઓલું ક્યેને, એકદમ જાડાપાડા અક્ષરમાં... સીધું એ જ વંચાવું જોઈ.’
‘જાહેરખબર બનાવીને તમને મોકલું, તમે જોઈ લેજો.’
‘આ લખાવ્યું એમાં ભૂલ ન થવાની હોય તો મારે જાહેરખબર પણ જોવી નથી.’ અચાનક યાદ આવ્યું હોય એમ નાનજી બોલ્યા, ‘હા રે અલ્યા, એક વાત તો લખાવવાની રહી ગઈ. લખજે, ફોન પર એકેય જાતની સોદેબાજી નહીં થાય. રૂબરૂ આવીને બેઠક કરવાની રહેશે...’
‘લખી નાખ્યું...’ પેન અટકાવીને બ્રોકરે નાનજી પાસે ખાતરી કરી, ‘સાચે જ અંગ્રેજી છાપાની બધી એડિશનમાં પહેલે પાને જાહેરખબર આપવી છેને, ચારેક લાખ બિલ થશે.’
‘રૂપિયો મારો તો ચચરાટ પણ મારો હોવો જોઈને?’
નાનજીએ જમણી બાજુએ નજર કરી. હરભમ ત્યાં જ ઊભો હતો.
‘જા એય જડભરત, રૂપિયા કાઢતો આવ...’
બે મિનિટમાં બ્રોકરના હાથમાં પાંચસો રૂપિયાની નોટનાં દસ બંડલ મૂકી દેવામાં આવ્યાં હતાં.
lll
‘મકાન જોવા આવ્યા...’ અંદર આવીને હરભમે કહ્યું, ‘એકલા છે...’
‘લઈ આવ, લઈ આવ...’
નાનજી મોટાના ચહેરા પર ચમક આવી ગઈ.
ચમક પણ અને ખુન્નસ પણ...
(ક્રમશ:)

