નાતાલ નજીક આવે એટલે બેલ વગાડી પધારતા સૅન્ટા ક્લોઝ પાસેથી લેવાની ગિફ્ટનું વિશલિસ્ટ કેટલી ગંભીરથી બનાવતી તે
વાર્તા-સપ્તાહ
ઇલસ્ટ્રેશન
જૂલીનું પગલું બહુ લકી નીવડ્યું, તેના આગમન પછી જ જોસેફને કટલરીના બિઝનેસમાં બરકત મળી
‘જિંગલ બેલ, જિંગલ બેલ...’
ADVERTISEMENT
દૂર ક્યાંક લતાના કંઠમાં ગુંજતી ર્હાઇમે તેના હોઠ મલકાવી દીધા. મુખ્ય ગીત પહેલાંની કડીરૂપે આવતી આ ર્હાઇમે બાળપણ તાજું કરાવી દીધું. નાતાલ નજીક આવે એટલે બેલ વગાડી પધારતા સૅન્ટા ક્લોઝ પાસેથી લેવાની ગિફ્ટનું વિશલિસ્ટ કેટલી ગંભીરથી બનાવતી તે! ઘરમંદિરમાં ઈસુની મૂર્તિ પાસે ગડી કરેલું કાગળ મૂકતી અને રોજ સાંજે કૅન્ડલ કરતી માને પૂછતી :‘હેં મા, ઈસુએ મારી વિશ સૅન્ટાને પહોંચાડી તો હશેને?’
મા મલકતી, ‘ઈસુ તારા કામમાં ચૂકે જ નહીંને... તું તો તેમની બહુ વહાલી દીકરી છે જૂલી.’
સાંભળીને પોતે કેટલું પોરસાતી એ યાદે અત્યારે પણ જૂલી ખીલી ઊઠી. થોડી મોટી થયા પછી સમજાયું કે ઈસુ આગળ મૂકેલી ચિઠ્ઠી મમ્મી વાંચી લેતી હોય છે અને સૅન્ટા બનીને પપ્પા જ એ બધી ગિફ્ટ લઈ આવે છે!
તોય જોકે સૅન્ટાનો રોમાંચ ઓછો નહોતો થયો. અલબત્ત, હવે નવું ફ્રૉક કે રમકડાની ગિફ્ટને બદલે તે ચિઠ્ઠીમાં લખતી : ડિયર સૅન્ટા, મારાં મમ્મી-પપ્પાની હેલ્થ અને હૅપીનેસ સિક્યૉર રહે એવા બ્લેસિંગ આપજો...
આ વાંચીને જોસેફ-લિલિયન ગદ્ગદ થતાં : ‘ગૉડે અમને એક જ દીકરી આપી, પણ લાખોમાં એક જેવી આપી!’
- અને એ દીકરીને અબજોમાં એક જેવો ભરથાર આપ્યો!
પતિના સ્મરણે જૂલીના કણકણમાં મધુરતા પ્રસરી ગઈ. નજર દીવાલની ઘડિયાળ પર ગઈ : આશ્રિતની કૅનેડાની ફ્લાઇટ અડધે પહોંચી હશે...
ઍરપોર્ટ માટે નીકળતાં પહેલાં જૂલીને આશ્લેષમાં જકડી આશ્રિત કહેલું, ‘બિઝનેસના કામ માટે દૂર દેશાવર જવું પડે છે, પણ નાતાલની આગલી રાતે આવી પહોંચીશ. તું સૅન્ટા માટેનું વિશલિસ્ટ તૈયાર રાખજે.’
‘જન્મોજનમ હું તમારી રહું એનાથી બીજી વિશ શું હોય!’ શ્વાસોમાં પ્રણયનો કેફ ભરતી જૂલી બાલ્કનીમાં ઊભી રહી. ‘તમને હું પતિ તરીકે પામી આશ્રિત, એનાથી વિશેષ લક શું હોય!’
‘જૂલીનું પગલું બહુ લકી નીવડ્યું.’ લિલિયનમા આજેય ઘણી વાર કહેતી હોય છે, ‘તેના આગમન પછી જ જોસેફને કટલરીના બિઝનેસમાં બરકત મળી...’
વર્સોવાના દરિયાકાંઠે બેઠા ઘાટનું જૂનું પણ મજબૂત સુંદર મકાન હતું. ઘરથી ચોથી ગલીમાં કટલરીની દુકાન હતી. જૂલીના જન્મ પછી નાનકડી દુકાન ત્રણ ગાળાના શોરૂમમાં ફેરવાઈ ગઈ હતી. માબાપને તો એનો હરખ જ હોયને. લાડકોડમાં, સુખસાહ્યબીમાં ઊછરેલી દીકરી છકી ન જાય એ માટે પણ જોસેફ-લિલિયન સાવધ રહેતાં, પરિણામે રૂપ-ગુણનું અભિમાન જૂલીમાં આવ્યું જ નહીં. સંસ્કારભીરુ એવી જ આત્મવિશ્વાસુ. અંગે યૌવન મહોર્યું, તે કૉલેજ જતી થઈ એટલે બિરાદરીમાંથી કહેણ પણ આવવા લાગ્યાં.
‘ત્યારે કોણે ધાર્યું હોય કે હું એક બિનખ્રિસ્તીને પરણીશ? પપ્પાના ફ્રેન્ડ જૉનઅંકલે ગોવાની ટ્રિપ ન ગોઠવી હોત તો આશ્રિત સાથે મારી પહેલી મુલાકાતનો જોગ પણ કેમ ગોઠવાત?’
જૂલી વાગોળી રહી...
ગોવામાં નાતાલની ઉજવણી અનેરી હોય છે. જૂલી ગોવા તો બે-ચાર વાર ગયેલી પણ ક્રિસમસના સમયગાળામાં જવાનું પહેલી વાર બન્યું એ પણ જૉનઅંકલે ગોઠવેલી ટૂર નિમિત્તે!
બે વર્ષ અગાઉ ટૂરિંગનો બિઝનેસ કરતા જૉન ફર્નાન્ડિસે જૂના મિત્રોને લઈ ક્રિસમસ પર ગોવા જવાનું ગોઠવ્યું. ત્રીસેક જણના સંગાથમાં સૌ પરિચિત હતા. જૉન-સોફિયાની દીકરી પરદેશ પરણ્યા પછી તેમની વિશેષ લાડલી બની ગયેલી. જૂલી તો ગોવાના નામે જ ખુશ!
નૉર્થ ગોવાના દરિયાકાંઠે પ્રાઇવેટ પૂલ ધરાવતા સામસામા કતારબંધ બંગલાઓની સોસાયટી હતી, એમાં આજુબાજુની બે વિશાળ વિલામાં પ્રવાસી સંઘનો ઉતારો હતો. સૌ ફેસ્ટિવ મૂડમાં હતા. પૂલસાઇડ પર મ્યુઝિક શરૂ થયું. પુરુષો ડ્રિન્ક્સ લઈને ગોઠવાયા, મહિલાઓ ગૉસિપમાં ગૂંથાઈ. સાથે આણેલા કુકે ચૂલો શરૂ કર્યો. વેજ-નૉનવેજ જે ખાવું હોય એની છૂટ, પીવામાં નો લિમિટ!
આ બધામાં એકમાત્ર જૂલી ઑડ વન આઉટ જેવી હતી. બીજા ક્યાં તો તેનાથી મોટા હતા, ક્યાં નાના. બેએક યંગ કપલ હતાં ખરાં, પણ એ બિચારા એકાંત ઝંખતાં હોય, તેમને વળગીને ક્યાં કબાબમાં હડ્ડી બનવું? એટલે જૂલી એકલી જ ફરવા નીકળી જતી : બીચ-માર્કેટ-કસીનો... ગોવામાં બધું જોયું-માણ્યું હોય તોય ફરી-ફરી માણવાનો કંટાળો ક્યાં આવે એમ છે!
‘મે આઇ જૉઇન યુ?’
ત્રીજી બપોરે જૂલી સાઉથ ગોવાના વાસ્કો બીચ પર વૉટર સ્પોર્ટ્સ એન્જૉય કરવાના ઇરાદે પહોંચી, એમાં બનાના રાઇડમાં તેને અન્ય કમ્પેન્યનની જરૂર વર્તાઈ કે તે ટહુક્યો : ‘હું તૈયાર છું, જો મૅડમને વાંધો ન હોય તો!’
રેડ કલરના સ્વિમિંગવેઅરમાં તેનો ગોરો સશક્ત દેહ બેહદ કામણગારો લાગ્યો. અઠ્ઠાવીસ-ત્રીસનો દેખાતો જુવાન પોતાને નિહાળી થોડો સંકોચાતો-શરમાતો હોય એવું લાગ્યું. તેના ચહેરાની રેખામાં કશોક જાણીતાપણાનો ભાવ કેમ વર્તાય છે? જૂલીએ વળતી પળે જાતને ટપારી ઃ ‘તું તારે રાઇડ પૂરતો મતલબ રાખને મારી બાઈ!’
‘મને વાંધો નથી.’ તેણે ખભા ઉલાળ્યા.
જૂલી આગળ ગોઠવાઈ, પાછળ જુવાન બેઠો. ધક્કાભેર ઊપડેલી રાઇડના એક્સાઇટમેન્ટમાં સંકોચ ખંખેરાઈ ગયો હોય એમ બેઉ ખુલ્લા અવાજે ચિચિયારી પાડી ઊઠ્યાં. રાઇડની ગતિથી ઊછળતાં મોજાંની થપાટે બન્નેને પાણીથી લથપથ કરી નાખ્યાં.
અમુક કિલોમીટર દરિયામાં ગયા પછી ઑપરેટરે અચાનક ટર્ન લેતાં બૅલૅન્સ ગુમાવતી જૂલીને જુવાને ચપળતાથી એની કસાયેલી ભુજાથી થામી લીધી. ઊતર્યાં ત્યાં સુધી તેણે જૂલીની પકડ છોડી નહીં, કેમ જાણે તેને પડવા ન દેવી હોય!
‘થૅન્ક્સ...’ છૂટાં પડતાં જૂલીએ આભાર માન્યો. પૂછવા-ન પૂછવાની અવઢવ વચ્ચે પૂછી જ લીધું,
‘આપણે ક્યાંક મળ્યાં છીએ? તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે.’
એ સહેજ શર્મીલું મલક્યો, ‘તમે નીલકંઠ વૅલીમાં ઊતર્યાં છોને? હું તમારી સામેની વિલામાં રોકાયો છું.’
અને જૂલીને એકાએક તાળો મળ્યો: ‘અ...ચ્છા! આ તો એ જ જનાબ, જે ગઈ મૉર્નિંગમાં હું પૂલમાં તરતી હતી ત્યારે અગાસીમાંથી મને નિહાળતો હતો! મારું ધ્યાન જતાં તેણે કેવી ડોક ફેરવી લીધેલી! સાંજે માર્કેટમાં પણ એ બેચાર વાર નજરે પડેલો, અત્યારે વૉટર-રાઇડમાં તો સાથે જ ગોઠવાઈ ગયો!’
‘તમે મારો પીછો કરો છો?’ બીજા સંજોગોમાં જૂલીએ ઊધડો લીધો હોત, પણ તેનાં શરમ-સંકોચ જોઈ થોડી રમૂજ થઈ ઃ ‘ગમતી છોકરી સાથે વાત કરવાનો મોકો મળે એમાંય શરમાઈ જાય એ જુવાન ખરેખર તો હૃદયનો નિર્મળ હોવો જોઈએ!’
રાતે તે કસીનોમાં દેખાયો એટલે જૂલીને ખાતરી થઈ ગઈ કે તે ચોક્કસ મને ફૉલો કરે છે!
‘તમે અહીં પણ આવી ગયા!’ અચાનક તેની સામે જઈ તેણે જુવાનને થોડો ડઘાવી દીધો, ‘જી?’
‘જી, હું તમને જ કહું છું મિસ્ટર...’
‘આશ્રિત... આશ્રિત શાહ. મારો ઇમ્પોર્ટ-એક્સપોર્ટનો બિઝનેસ છે. મુંબઈના વરલીના દરિયાકાંઠે અમારો બંગલો છે. પરિવારમાં મા છે. નાનો ભાઈ યશવીર અને એનાથી નાની બહેન કાજલ જે આ વર્ષે ગ્રૅજ્યુએટ થઈ જશે. હું હજી પરણ્યો નથી.’
તે એકશ્વાસે બોલી ગયો. છેલ્લા વાક્યએ જૂલીનાં નેત્રો સહેજ પહોળાં થયાં : ‘કેવી સિફતથી મૅરિટલ સ્ટેટસ જણાવી દીધું! તેની એ લુચ્ચાઈ પણ કેવી મીઠડી લાગે છે!’
‘જુઓને અહીં આવ્યો ત્યારનો હારતો જ રહ્યો છું...’ જાણે હિંમત ખૂલી હોય એમ તે કહેવા લાગ્યો, ‘જુગારમાં હારે તે પ્રેમમાં જીતે એવું મેં ક્યાંક વાંચ્યું છે. તમે શું માનો છો મિસ જૂલી?’
‘મારા માનવા-ન માનવાથી તમને શું કામ ફેર પડવો જોઈએ?’
કહી તે આગળ વધી ગઈ અને કસીનોની ભીડમાં જાણે ઓગળી ગઈ. સ્લૉટથી માંડીને રૂલેટ સુધીમાં તે હારતી રહી. એનો જોકે અફસોસ નહોતો. જુગારમાં હારનાર પ્રેમમાં જીતે છે એવું હમણાં જ કોઈકે કહ્યું!
એમાં ને એમાં કસીનોમાંથી નીકળતાં થોડું મોડું થઈ ગયું. સામી નાતાલે ચહલપહલ હતી અને ઉતારો ચાર ગલી જેટલો જ દૂર હતો અને...
‘ક્યા ચીઝ બનાઈ હૈ બનાનેવાલેને.’
નશાયુક્ત પુરુષના અવાજે જૂલીને ચમકાવી. પોતે સાવ નિર્જન ને અંધારિયા પટ્ટામાં હતી. સામે ચાર ગંજેડી ઊભા છે. તેમનાં નેત્રોમાંથી વાસના ટપકે છે. પોતે ચીસ પાડીને મરી જશે તોય અહીં કોઈ બચાવવા નહીં આવે... બળાત્કારના ભયે તેને થિજાવી દીધી ત્યાં...
‘ડાર્લિંગ, તુંય ખરી છે. તારા હસબન્ડને એકલો મૂકીને કસીનોમાંથી ચાલી આવી?’
પીઠ પાછળના સાદે ડોક ફેરવતાં હાશકારો છવાઈ ગયો : આ તો આશ્રિત! તે મારો હસબન્ડ બની બેઠો એનોય વાંધો ન લેવાયો.
દોડીને જૂલી તેને વળગી પડી :‘થૅન્ક્સ!’
‘ડોન્ટ વરી’ તે કાનમાં ગણગણ્યો, ‘હું તમને કંઈ જ નહીં થવા દઉં...’
તેના સ્વરમાં રહેલો વજ્રનો રણકો હૈયાસોંસરવો ઊતરી ગયો. કમરે હાથ મૂકીને જાણે ખરેખર પોતાનો પતિ હોય એમ આશ્રિત બંગલા સુધી મૂકી ગયો...
ના, પછી તે ગયો ક્યાંય નહીં, જૂલીના રુદિયામાં ઊંડે-ઊંડે અડિંગો જમાવીને બેસી ગયો!
‘કાલે રાતે બાજુની ગલીમાંથી પોલીસે ચાર ગંજેડીને ઝડપ્યા. જોકે પોલીસ આવી પહોંચે એ પહેલાં કોઈકે તેમની ખૂબ પિટાઈ કરી. ચારેય ગંજેડી ગોવાના કુખ્યાત ડ્રગડીલર નીકળ્યા!’
બીજી સવારે ડૅડીએ ગ્રુપમાં મૉર્નિંગ ન્યુઝ ડિસ્કસ કરતાં જૂલી ચમકી : આ તો પેલા ગંજેડીઓની જ વાત થતી લાગે છે.
તેમને મારનાર બીજું તો કોણ હોય? તે સામી વિલામાં દોડી ગઈ.
આશ્રિત નીચે જ હતો. તેના હાથે-કપાળે પાટાપિંડી જોઈને જૂલી બગડી, ‘શું જરૂર હતી તમારે રજનીકાંત બનવાની?’
‘વાહ, તમારા પર કોઈ નજર બગાડે ને હું ચૂપ રહું?’ આવેશમાં બોલતો આશ્રિત ભારોભાર પૌરુષસભર લાગ્યો.
‘એ વળી કેમ?’ ઊમડઘુમડ થતા હૈયાને કાબૂમાં કરતી જૂલીએ નૈન નચાવ્યાં, ‘હમ આપકે હૈં કૌન?’
વળી તે સહેજ શરમાયો. પછી સૂઝ્યું, ‘તમને રજની સર નથી ગમતા?’
‘તમને ગમે છે? તો બસ... તમારું ગમતું, મારું મનગમતું.’
સાંભળીને તે એવો મહોરી ઊઠેલો એ સ્મરણે અત્યારે પણ જૂલીના હોઠ હસી પડ્યા.
પ્રણયકથા પછી ફાસ્ટ ટ્રૅક પર ચાલી. લકીલી જૂલીના પેરન્ટ્સને બિનખ્રિસ્તી જમાઈની સૂગ નહોતી પણ આશ્રિતનાં મધર?
‘મારી જન્મદાત્રી સગુણામા મને ચાર વર્ષનો મૂકી સ્વર્ગે સિધાવી...’
ગોવાના દરિયાકાંઠે જૂલીના ખોળામાં માથું મૂકીને આશ્રિતે અંગત ઉખેળેલું, ‘દાદી કે નાની હોત તો હું સચવાઈ જાત, પણ એવું હતું નહીં એટલે ખાસ તો મારા ઉછેરને ધ્યાનમાં રાખીને પપ્પાએ બીજાં લગ્ન કર્યાં. ના, નવાં વંદનામા કજિયાળાં નહોતાં. મને પ્રેમથી જ જાળવ્યો, પણ પછી તેમને બે સંતાન થતાં તેમનાં મારે માટેનાં સ્નેહ-કાળજી ઘટ્યાં એવું તો નહીં જ, પણ મા યશવીર-કાજલની જે રીતે આળપંપાળ કરે, તેમની સાથે તેમના જેવાં બની મસ્તી આદરે એ સુખથી હુ વંચિત જ રહ્યો. કૉલેજમાં આવ્યો ત્યારે પપ્પાનો દેહાંત થતાં બિઝનેસ સંભાળ્યો. કેટલી અલગ એ દુનિયા હતી! ત્યાં પણ હું પડતાં-આખડતાં જ શીખ્યો છું. બસ એક જ ધ્યેય હતું; વંદનામાને, નાનાં ભાઈ-બહેનને તકલીફ વેઠવાની ન થવી જોઈએ...’
વેપારમાં સતત રચ્યાપચ્યા રહીને આશ્રિતે કમાલ દાખવી. ચાર વર્ષમાં બિઝનેસને ચાર ગણો કરી દેખાડ્યો.
‘ફ્લૅટ કાઢીને માના નામે વરલીમાં દરિયાકાંઠે આઠ બેડરૂમનો નવો બંગલો કરાવ્યો. યશને અમેરિકા ભણવા મોકલ્યો. બે વર્ષથી તેણે ઑફિસ જૉઇન કરી છે એટલે તો હું આમ વેકેશન માણવા નીકળી શકું છું. એ બહાને પણ તે જવાબદારી લેતો થાય. કાજલને વિદેશમાં મોકલવા મા રાજી નહોતાં એટલે તે મુંબઈમાં જ ભણે છે.’
આશ્રિતના શબ્દોમાં ઉપકારભાવ નહીં, પરિવાર માટે કંઈક કરી છૂટ્યાનો સંતોષ માત્ર હતો.
સાંભરીને જૂલી અત્યારે પણ અભિભૂત થઈ.
ત્યારે ઍટલાન્ટિક મહાસાગર પરથી ઊડતા આશ્રિતના પ્લેનમાં યાંત્રિક ખરાબી સર્જાઈ ચૂકી હતી.
(ક્રમશ:)